હું અહી કોચી, અરબ સાગરની રાણી પાસે આવીને પ્રસન્નતા અનુભવું છું. ભૂરો સમુદ્ર, બેક વોટર્સ, મહાન નદી પેરિયાર,ચારેતરફ હરિયાળી અને તેના વૈવિધ્યપૂર્ણ લોકો કોચીને ખરેખર તમામશહેરોની વચ્ચે મહારાણી તરીકે સ્થાપિત કરે છે.
આ જે સ્થળ છે જ્યાંથી મહાન ભારતીય ઋષિ આદિ શંકરાચાર્યએ ભારતીય નાગરિકતાની રક્ષા કરવા અને દેશને એક સૂત્રમાં બાંધવા માટે સમગ્ર દેશમાં તેમની ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી હતી.
આજે ઐતિહાસિક દિવસ છે કે જ્યારે કેરળનું સૌથી વિશાળ ઔદ્યોગિક એકમ તેના વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. તે ખરેખર માત્ર ગોડ્સ ઓન કન્ટ્રી માટે જ નહી પરંતુ સમગ્ર દેશની માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.
ભારત પેટ્રોલિયમની કોચી રીફાઈનરીએ કેરળ અને પાડોશી રાજ્યોના લોકોમાં 50 વર્ષથી વધુ સમયથી સ્વચ્છ ઊર્જા,એલપીજીને લોકપ્રિય બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
હું મારું બાળપણ અને યુવાની યાદ કરી રહ્યો છું જ્યારે મેં મારી માતાઓને રસોડામાં ચુલા પાસે લાકડા સાથે સંઘર્ષ કરતા જોઈ છે. ત્યારથી, મેં હંમેશા તેમની આ સ્થિતિને સુધારવા અંગે અને ભારતની માતાઓ અને બહેનોને સ્વસ્થ રસોડા પુરા પાડવા અંગે જ વિચારતો રહેતો હતો.
ભારત સરકારની ઉજ્જવલા યોજના એ આ સપનાને પૂરું કરવાનો એક માર્ગ છે. મને ખુશી છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત આપણા દેશમાં મે 2016થી અત્યાર સુધીમાં અંદાજે છ કરોડ એલપીજી જોડાણો ગરીબમાં ગરીબ લોકોને પુરા પાડવામાં આવ્યા છે.
મિત્રો,
23 કરોડથી વધુ એલપીજી ગ્રાહકો પહેલ યોજના સાથે જોડાયા છે. પહેલ યોજનાએ ભૂતિયા ખાતા, એકથી વધુ ખાતાઓ અને નિષ્ક્રિય ખાતાઓને શોધી કાઢવામાં ઘણી મદદ કરી છે. પહેલ યોજનાએ વિશ્વમાં સૌથી મોટી સીધા લાભ હસ્તાંતરણ યોજના તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ‘છોડીદો’ પહેલ યોજના અંતર્ગત એક કરોડથી વધુ ગ્રાહકોએ તેમની એલપીજી સબસીડી છોડી દીધી.
હમણાં તાજેતરના વિસ્તરણની મદદથી એલપીજીના ઉત્પાદનને બમણું કર્યા બાદ કોચી રીફાઈનરી ઉજ્જવલા યોજના માટે એક વિશાળ યોગદાન આપી રહી છે.
પર્યાવરણના પ્રદુષણની સમસ્યાને પહોંચી વળવા માટે ભારત સરકાર દેશમાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના વિસ્તરણ દ્વારા સીએનજી એટલે કે પર્યાવરણને અનુકૂળ ટ્રાન્સપોર્ટ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે.
દસમાં સીજીડી બિડિંગ રાઉન્ડની સફળતાપૂર્વક સમાપ્તિ થયા બાદ દેશના ચારસોથી વધુ જીલ્લાઓને ગેસનો પુરવઠો પૂરો પાડવા માટે પાઈપ વડે જોડવામાં આવશે.
ગેસ આધારિત અર્થતંત્ર તૈયાર કરવા માટે અને ઊર્જા ક્ષેત્રમાં ગેસના હિસ્સાને વધારવા માટે નેશનલ ગેસ ગ્રીડ અથવા પ્રધાનમંત્રી ઊર્જા ગંગાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
સરકારે વધારાના પંદર હજાર કિલોમીટરના ગેસ પાઈપલાઈન નેટવર્કનો વિકાસ કરવા અંગે પણ વિચાર્યું છે.
ક્રુડ ઓઈલની આયાત પર કાપ મુકવા માટે સરકારે 10 ટકા જેટલી આયાત ઘટાડીને અને કિંમતી વિદેશી હુંડીયામણ બચાવીનેનિર્ણયાત્મક પગલા લીધા છે.
અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં બાર 2જી ઇથેનોલ પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ઓઈલ પીએસયુ દ્વારા લીગ્નોસેલ્યુલોઝ રૂટના માધ્યમથી 2જી જનરેશનના ઇથેનોલઅપનાવવામાં આવ્યા છે.
આ દિશામાં 6 સમજુતી કરારો ઉપર તો અગાઉથી જ હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે. ભારતીય રીફાઈનરી ઉદ્યોગે પોતાની જાતને વૈશ્વિક રીતે મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરવામાં સારો દેખાવ કર્યો છે.
ભારત કે જે એશિયામાં બીજા નંબરનું સૌથી વધુ ઓઈલ રિફાઈન કરતો દેશ છે તે તેની માંગ કરતા વધુ રિફાઈન કરીને રિફાઈનરીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
દેશની રીફાઈનરી ક્ષમતા વર્તમાન સમયમાં 247 એમએમટીપીએ કરતા વધુ છે. આઈઆરઈપીને સમયમર્યાદામાં જ પૂર્ણ કરવા બદલ હું તમામને અભિનંદન આપું છું.
અને અંતમાં હું એ તમામ શ્રમિકોના કાર્યને અભિનંદન આપું છું જેમણે નિર્માણ કાર્ય દરમિયાન દિવસ અને રાત અથાક પરિશ્રમ કર્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ કાર્ય જોર-શોરથી ચાલી રહ્યું હતું ત્યારે તે સાઈટ પર વીસ હજારથી વધુ શ્રમિકો કામ કરતા હતા.
ઘણી રીતે તેઓ જ આ પ્રોજેક્ટના સાચા નાયકો છે. ઇન્ટીગ્રેટેડ રીફાઈનરી એક્સપાન્ઝન પ્રોજેક્ટ નોનફ્યુઅલ ક્ષેત્રની અંદર વૈવિધ્ય લાવવા માટે ભારત પેટ્રોલિયમનું પણ એક વ્યૂહાત્મક કદમ છે.
મારા મિત્રો,
પેટ્રો કેમિકલ્સ એ કેમિકલનો એવો પ્રકાર છે કે જેના અંગે આપણે વધુ ચર્ચા નથી કરતા પરંતુ તે અદ્રશ્યપણે ઉપસ્થિત હોય છે અને આપણા રોજીંદા જીવનના ઘણા પાસાઓને સ્પર્શે છે. તેમાં બાંધકામના કાચા માલ, પ્લાસ્ટિક અને પેઈન્ટ્સ, ફૂટ વેર, કપડા અને અન્ય કાપડ અથવા ઓટોમોટીવ પાર્ટ્સ, કોસ્મેટીક્સ અને મેડિસિન્સનો સમાવેશ થાય છે. આમ છતાં મોટા ભાગના કેમિકલ્સ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે.
અમારો એ જોવાનો પ્રયત્ન છે કે આ બધા જ પેટ્રો કેમિકલ્સ ભારતની અંદર જ ઉત્પન્ન કરવામાં આવે.
મને ખુશી છે કે આઈઆરઈપીના અમલીકરણ બાદ પ્રોપિલીનનું ઉત્પાદન કરવાની કોચી રીફાઈનરીની ક્ષમતાનો ઉપયોગ કરીને બીપીસીએલ એક કદમ આગળ ગયું છે અને તેણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એક્રેલિકએસીડ એક્રિલેટ્સ અને ઓક્સો આલ્કોહોલનું ઉત્પાદન કરવા માટે ત્રણ વિશ્વ કક્ષાના પ્લાન્ટની સ્થાપના કરી છે
આ મુખ્ય પેટ્રો કેમિકલ્સનો ઉપયોગ પેઈન્ટ્સ, ઇન્ક, કોટિંગ, ડિટર્જન્ટ અને બીજા ઘણા પદાર્થોમાં થશે. હવે બીપીસીએલ એક પેટ્રો કેમિકલ કોમ્પ્લેક્સનું નિર્માણ શરુ કરી રહ્યું છે કે જ્યાં તે પોલીઓલ્સનું ઉત્પાદન કરશે કે જે ફોમ, ફાયબર, ફૂટવેર,કોસ્મેટીક્સ અને મેડિસિન્સમાં ઉપયોગમાં આવશે.
મને વિશ્વાસ છે કે તેના માધ્યમથી અન્ય સંલગ્ન ઉદ્યોગો પણ કોચીમાં આવશે.
મને આશા છે કે સરકાર દ્વારા આયોજિત પેટ્રો કેમિકલ પાર્ક એ ખુબ ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે અને તે બીપીસીએલના પેટ્રો કેમિકલ સાહસ દ્વારા પૂરી પાડવામાં આવતી વ્યવસાયની તકોનો લાભ આપશે.
મને એ બાબત નોંધતા ખુશી થાય છે કે અન્ય પીએસયુની સાથે સાથે બીપીસીએલએ યુવાનોનું કૌશલ્યવર્ધન કરવા અને તેમને રોજગારીને લાયક બનાવવા માટે એક સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટની પણ સ્થાપના કરી છે. પવિત્ર મહાદેવ મંદિરની નજીક એત્તુંમેનુર ખાતે આ ઇન્સ્ટિટયૂટના બીજા કેમ્પસ માટે શિલાન્યાસ કરતા મને અત્યંત હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
મને એ બાબતની પણ ખુશી છે કે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેના કોચીન બોટલિંગ પ્લાન્ટ ખાતે કે જે અહીંથી આશરે12 કિલોમીટર દૂર છે ત્યાં પચાસ કરોડ રૂપિયાના ખર્ચે માઉન્ડેડ સ્ટોરેજ ફેસીલીટી પણ ઉભી કરી છે.
તેનાથી એલપીજી સંગ્રહની ક્ષમતા વધારશે અને એલપીજી ટેન્કરોની માર્ગ આવાગમનને પણ ઘટાડશે.
અહિયાં એ જાણીને પણ મને ઘણી પ્રસન્નતા થઇ કે ગયા ઓગસ્ટમાં જ્યારેકેરળ 100 વર્ષના ઈતિહાસમાં સૌથી ભીષણ પૂર આપત્તિમાંથી પસાર થઇ રહ્યું હતું તે સમયે પણ બીપીસીએલ કોચી રીફાઇનરી વિષમ પરિસ્થિતિઓમાં પણ કામ કરી રહી હતી.
હું સમજુ છું કે પેટ્રોલ, ડિઝલ અને એલપીજીના સતત ઉત્પાદનને સુનિશ્ચિત કરવા માટે અનેક કર્મચારીઓ રીફાઇનરીમાં હાજર રહે છે.
તેના કારણે બચાવ અને રાહત કાર્ય સુચારુ રૂપે ચાલુ રાખવામાં વાહનો અને હેલિકોપ્ટરોને પણ મદદ મળી હતી.
હું બીપીસીએલ કોચી રીફાઇનરીને આગ્રહ કરું છું કે તે વિકાસના આગામી ચરણની દિશામાં આગળ વધી રહી છે ત્યારે તે સખત પરિશ્રમ, સામાજિક પ્રતિબદ્ધતા અને નવાચારની ભાવનાને જાળવી રાખે. આપણે સૌ રાષ્ટ્ર નિર્માણમાં કોચી રીફાઇનરીના યોગદાન પ્રત્યે ગૌરવ અનુભવ કરીએ છીએ.
પરંતુ હવે અમારી અપેક્ષાઓ વધારે છે. હું ઈચ્છા રાખું છું કે કોચી રીફાઇનરી દક્ષીણ ભારતમાં પેટ્રો રસાયણ ક્રાંતિનું નેતૃત્વ કરે અને નવ ભારતની વધતી જરૂરિયાતોનું સમર્થન કરે.
જય હિન્દ.