હું બોલીશ- સર છોટુરામ
તમે બધા બોલજો અમર રહે, અમર રહે
સર છોટુરામ – અમર રહે, અમર રહે
સર છોટુરામ – અમર રહે, અમર રહે
સર છોટુરામ – અમર રહે, અમર રહે
દેશની સરહદનુ રક્ષણ કરવામાં સૌથી વધુ જવાનો, દેશની કરોડોની જનસંખ્યાનું પેટ ભરવામાં સૌથી આગળ ખેડૂત અને રમતોમાં સૌથી વધુ મેડલ જીતી લાવવામાં મોટો ફાળો આપનારી હરિયાણાની આ ધરતીને હું વંદન કરૂં છું. દેશનું નામ અને સ્વાભિમાન વધારવામાં હરિયાણાના ખેલાડીઓ સૌથી આગળ રહ્યા છે. આ ક્ષેત્રમાં હરિયાણાનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.
મંચ પર બિરાજમાન હરિયાણાના રાજ્યપાલ શ્રીમાન સત્યનારાયણ આર્યજી, કેન્દ્ર સરકારના પ્રધાન મંડળના મારા સાથી ચૌધરી બીરેન્દ્ર સિંહજી, શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી, હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન મનોહર લાલજી, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ શ્રીમાન સતપાલ મલિકજી, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને આ ધરતીના સંતાન શ્રી આચાર્ય દેવવ્રતજી, અમારા જૂના સાથીદાર અને હરિયાણા સરકારમાં મંત્રી ભાઈ ઓ.પી. ધનકડજી, ધારાસભ્ય શ્રી સુભાષ બરાલાજી, અને હરિયાણાની સાથે જ પંજાબ અને રાજસ્થાનથી આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
હું આજે આપણા દિનબંધુ છોટુરામની મૂર્તિ તમને સોંપવા આવ્યો છું. એનાથી વધુ ખુશીનો પ્રસંગ મારે માટે કયો હોઈ શકે છે?
સાથીઓ, મારૂં એ સૌભાગ્ય છે કે આજે મને આ સાંપલામાં ખેડૂતોનો અવાજ, ખેડૂતોના ઉદ્ધારક, રહબરે-આઝમ, દિનબંધુ ચૌધરી છોટુરામજીની ભવ્ય અને આટલી વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવાની તક પ્રાપ્ત થઈ છે. અહિં આ સભામાં આવતાં પહેલાં હું ચૌધરી છોટુરામજીની યાદમાં બનેલા સંગ્રહસ્થાનમાં પણ ગયો હતો. હવે આ સંગ્રહાલયની સાથે-સાથે હરિયાણાની સૌથી ઊંચી પ્રતિભા સાંપલા, રોહતકની એક ઓળખ બની ગઈ છે અને મારૂં એ સૌભાગ્ય છે કે આ ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ઉદ્ધારક સર છોટુરામજીની હરિયાણાની સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ કરવાની મને તક મળી છે. તો, 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાનું પણ મને સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ બંને મહાપુરૂષો ખેડૂત હતા, ખેડૂતો માટે જીવતા હતા અને ખેડૂતોને દેશ સાથે જોડવાનું કામ તેમણે કર્યું હતું. અને બીજી એક વિશેષતા એ છે કે આ પ્રતિમાનું નિર્માણ શ્રીમાન સુતારજીએ કર્યું છે. હવે તેમની ઉંમર 90 વર્ષથી પણ વધુ થઈ છે અને હજુ પણ તે કામ કરે છે. દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ અમારા આ સુતારજીએ જ બનાવી છે. હું હરિયાણા, રાજસ્થાન અને પંજાબની સાથે-સાથે સમગ્ર દેશના આપણાં તમામ જાગૃત નાગરિકોને અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો, આપણાં દેશમાં સમયે-સમયે આવી મહાન વિભૂતિઓ જન્મ લેતી રહી છે, જેમણે પોતાનું સમગ્ર જીવન માત્રને માત્ર સમાજની સેવા અને દેશને દિશા બતાવવામાં સમર્પિત કરી રહ્યા છે. ગમે તેટલી ગરીબી હોય, અછત હોય, ગમે તેટલી મુશ્કેલીઓ હોય, સંઘર્ષ હોય. આવી વ્યક્તિઓ દરેક પડકારને પાર કરીને પોતાની જાતને ખપાવી દઈને સમાજને મજબૂત કરવાનું કામ કરતા રહ્યા છે. આપણા સૌના માટે ગૌરવની વાત એ છે કે હરિયાણાની આ ધરતી પર ચૌધરી છોટુરામનો જન્મ થયો હતો.
ચૌધરી છોટુ રામજીની ગણના દેશના એવા સમાજ સુધારકોમાં થાય છે કે જેમણે ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તે ખેડૂતો, મજૂરો, વંચિતો અને શોષિતોનો બુલંદ અને મુક્ત અવાજ હતા. સમાજમાં ભેદભાવ કરનારી દરેક શક્તિ સામે અડીખમ ઊભા રહેતા હતા. ખેતી સાથે જોડાયેલી સમસ્યા હોય, નાના કારીગરો સામે આવેલી મુશ્કેલીઓ હોય કે પછી અન્ય કોઈ પણ પડકાર હોય, તેમણે ખૂબ નજીકથી જોઈ, સમજીને આવી સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા છે.
સાથીઓ, આજે સર છોટુરામજીની આત્મા જ્યાં પણ હશે, ત્યાં એ જોઈને ખુશ થશે કે આજના જ દિવસે સોનીપતમાં એક આધુનિક તકનિક ધરાવતા રેલવે કોચના કારખાનાનો શિલાન્યાસ પણ થયો છે.
લગભગ રૂ. 500 કરોડની ખર્ચે આ કારખાનું તૈયાર કરવામાં આવશે. આ રેલવે કોચ ફેક્ટરીમાં દર વર્ષે પેસેન્જર ટ્રેનના 250ડબ્બાનું સમારકામ અને તેને આધુનિક બનાવવાનું કામ પણ કરવામાં આવશે. આ કોચ ફેક્ટરી બન્યા પછી મુસાફરોના ડબ્બાઓની સાચવણી માટે હવે તેમને દૂરની ફેક્ટરીઓમાં મોકલવાની મજબૂરી પૂર થશે અને તેનાથી આ વિસ્તારમાં ચાલતી ટ્રેનોના યાત્રી ડબ્બાઓની ઉપલબ્ધિ પણ વધશે તેમજ લોકોને આરામદાયક કોચની સુવિધા પ્રાપ્ત થશે.
ભાઈઓ અને બહેનો, આ કારખાનું માત્ર સોનીપત જ નહીં, પરંતુ હરિયાણાના ઔદ્યોગિક વિક્સાને આગળ વધારવામાં પણ સહાયક બનશે. કોચની માવજત માટે જે કોઈ સામાનની જરૂર પડશે તે અહિંના નાના એકમો દ્વારા પૂરી કરવામાં આવશે અને તેના કારણે નવા-નવા કામ કરવાની તક મળશે, લાભ મળશે. સીટ કવર હોય કે પંખા હોય, વિજળીનું ફીટીંગ હોય કે કોચમાં લગાડવામાં આવતી તમામ સુવિધાઓ હોય તે બધી ચીજો ઉપલબ્ધ કરવાની તક હરિયાણાના નાના મોટા એકમોને પ્રાપ્ત થશે.
તમે વિચાર કરો, આ કોચના કારખાનાથી અહિંના યુવાનોને રોજગારીની કેવી નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. આ કારખાનાથી વધુ એક લાભ થવાનો છે. અહિંના એન્જીનિયર અને ટેકનિશિયનને આ કારખાનાને કારણે રેલવેના કોચનું સમારકામ કરવાની સ્થાનિક નિપુણતા વિકસીત કરવાની તક પ્રાપ્ત થશે. એટલે કે અહિંયા જે ઈજનેરો, ટેકનિશિયન છે તે બધાં આ કારખાનાને કારણે અલગ જ પ્રકારની વિશેષતા અને નિપુણતા પ્રાપ્ત કરશે. આવનારા દિવસોમાં અહિંના નિષ્ણાંતો દેશના અન્ય ભાગોમાં જઈને પોતાની નિપુણતાનો લાભ દેશને પણ આપી શકશે.
સાથીઓ, મારૂં એ નસીબ છે કે મને ઘણાં વર્ષ સુધી હરિયાણામાં કામ કરવાની તક પ્રાપ્ત થઈ છે. અહિંયા હું જ્યારે પક્ષનું કામ કરતો હતો ત્યારે કોઈક દિવસ એવો પણ આવતો હતો કે મને કોઈને કોઈ વ્યક્તિ સર છોટુરામજી વિશે, તેમની મહાનતા બાબતે કોઈને કોઈ પ્રસંગ સંભળાવતા રહેતા હતા. તેમના વિશે મેં જે કે સાંભળ્યું છે અને વાંચ્યું છે તે બધું દરેક વ્યક્તિને પ્રેરણા આપે તેવું છે. જે પડકારોનો સામનો કરીને દેશ અને સમાજ માટે કંઈક કરવા ઈચ્છનાર આ વ્યક્તિ, અહિંયા રોહતકમાં ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે મારા માટે ખેડૂતો ગરીબીનું પણ પ્રતીક છે અને અંગ્રેજી સેનાના અત્યાચારો વિરૂદ્ધ ઝંડો ઉઠાવનારા સૈનિકો પણ છે. આ સર છોટુરામના શબ્દો હતો.
સાથીઓ, હરિયાણામાં કોઈ એવું ગામ નથી કે જ્યાં કોઈ સભ્ય સેના સાથે જોડાયેલો ન હોય. સેના સાથે જોડાઈને દેશ સેવાની ભાવના જાગૃત કરવાનો યશ ઘણી બધી રીતે દિનબંધુ છોટુરામજીને મળે છે. તેમણે અહિંના ખેડૂતોને ખૂબ મોટી સંખ્યામાં સેનામાં ભરતી થવા માટે પ્રેરણા આપી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અહિંના અનેક સૈનિકો વિશ્વ શાંતિ માટે લડ્યા હતા.
સાથીઓ, પોતાના જીવનકાળ દરમિયાન તે સ્વતંત્ર ભારત જોઈ શક્યા નહીં, પરંતુ દેશ સામેના પડકારો, તેની આશાઓ, તેની અપેક્ષાઓ અને તેની આવશ્યકતાઓને તે ખૂબ સારી રીતે સમજ્યા હતા. તે હંમેશા અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિ વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા હતા. ચૌધરી છોટુરામજી અને તેમના વિચારોને કારણે રાજનીતિના દરેક પક્ષમાં સર છોટુરામજીનું સન્માન થતું હતું. તેમનું કદ, તેમનું વ્યક્તિત્વ એટલું મોટું હતું કે તેનો અંદાજ એ બાબતને આધારે લગાવી શકાય કે સરદાર પટેલે એક વખત સર છોટુરામ માટે કહ્યું હતું કે હરિયાણાનો દરેક નાગરિક આ બાબતે ગર્વ કરી શકે તેમ છે. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યુ હતું કે "સર છોટુરામજી જો આજે જીવતા હોત તો મને ભાગલા પછી ભારતનું વિભાજન થયા પછી અને આ વિભાજન વખતે પંજાબની ચિંતા મારે કરવી પડી ન હોત. સર છોટુરામજીએ આ જવાબદારી સંભાળી લીધી હોત." આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે સર છોટુરામજીની સમર્થતા અને શક્તિનો પરિચય આપ્યો છે.
પશ્ચિમ અને ઉત્તર ભારતના એક મોટા હિસ્સામાં તેમનો પ્રભાવ એટલો બધો વ્યાપક હતો કે અંગ્રેજ શાસકો પણ તેમની વાત માનવાનો ઈન્કાર કરતાં પહેલાં સો વખત વિચાર કરવા માટે મજબૂર થઈ જતા હતા. ચૌધરી છોટુરામજી અને શાહુકારની એ ઘટના મેં પણ ઓછામાં ઓછી સો વખત સાંભળી હશે. તમે બધા સારી રીતે પરિચિત હશો કે શાહુકારે તેમને કરજ આપવા માટે પટવારી બનવાની સલાહ આપી હતી, પરંતુ શાહુકારને એ બાબતનો ખ્યાન ન હતો કે જેમને તે પટવારી બનવાની સલાહ આપતા હતા તે વ્યક્તિ એક દિવસ પંજાબના હજારો પટવારીઓનું નસીબ નક્કી કરવાનો હતો. માત્રને માત્ર પોતાના સામર્થ્ય વડે સંઘર્ષ કરીને. ચૌધરી સાહેબ પંજાબના મહેસૂલ મંત્રીનાં પદ સુધ પહોંચ્યા હતા.
ભાઈઓ અને બહેનો, મંત્રી તરીકે તેમણે માત્ર પંજાબની જ નહીં, પરંતુ દેશના ખેડૂતો માટે, ખેતીમાં કામ કરનારા મજૂરો માટે અને ભારતની મહેસૂલી વ્યવસ્થા માટે તેમજ ખેત પેદાશોના માર્કેટીંગ માટે એવા કાયદા બનાવ્યા હતા કે જે આજ સુધી આપણી વ્યવસ્થાનો હિસ્સો બની રહ્યા છે. ખેડૂતોના દેવા સાથે જોડાયેલા કાયદા હોય, ટેકાના ભાવ સાથે જોડાયેલા કાયદા હોય કે પછી ખેત બજારો સાથે જોડાયેલા કાયદા હોય, તેનો પાયો ચૌધરી સાહેબે જ નાંખ્યો હતો.
આપણે એ બાબત પણ ન ભૂલવી જોઈએ કે આ બધા કામ એવા સમયે થયા હતા કે જ્યારે દેશ ગુલામ હતો. ચૌધરી સાહેબની સામે તમામ પ્રકારની મર્યાદાઓ હતી. આ મર્યાદાઓ છતાં પણ તેમણે ખેડૂતો માટે માત્ર વિચાર્યું એટલું જ નહીં, એવું કામ કરીને બતાવ્યું કે તે ખેત ઉદ્યોગોને આગળ વધારવાના પ્રબળ હિમાયતી બની ગયા. એ સમયે પણ તેમણે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો વગેરેને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તે હંમેશા કારીગરોને નિરંતર પ્રેરણા આપતા હતા કે દેશના ખેડૂતો સાથે તે જોડાય અને દેશના કૃષિ ક્ષેત્ર સાથે દરેકે દરેક વ્યક્તિએ જોડાવાની જરૂર છે.
સાથીઓ, છોટુરામજીની આ દીર્ઘ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચક્રવર્તી રાજ ગોપાલાચાર્યજીએ કહ્યું હતું કે, ચૌધરી છોટુરામજી ઊંચા લક્ષ્ય સિદ્ધ કરવાનું તો જાણતા જ હતા, પરંતુ આ લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવા તેનો માર્ગ પણ સારી રીતે જાણતા હતા.
ભાઈઓ અને બહેનો, દેશના ઘણાં બધા લોકોને એ બાબતની જાણકારી પણ નહીં હોય કે જે ભાખરા બંધ છે તે ભાખરા બંધનો અસલ વિચાર ચૌધરી સાહેબે આપ્યો હતો. તેમણે વિસાસપુરના રાજાની સાથે મળીને ભાખરા બંધ બાંધવા માટે હસ્તાક્ષર કર્યા હતા. જેનો લાભ આજે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના લોકોને અને ખેડૂતોને મળી રહ્યો છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અને વિચારો કે તેમનું કેટલું મોટું વિઝન હતું. તેમની કેટલી મોટી દૂરંદેશી હતી.
સાથીઓ, જે વ્યક્તિએ દેશ માટે આટલું બધુ કામ કર્યું, આટલા બધા વ્યાપક સુધારા કર્યા, આટલું વ્યાપક વિઝન આપ્યું, તેની બાબતે જાણવાનો અને સમજવાનો દરેક વ્યક્તિને હક્ક છે, અધિકાર છે. કેટલીક વખત મને પણ અચરજ થાય છે કે આ મહાન વ્યક્તિને એક જ ક્ષેત્રના વ્યાપ પૂરતો શા માટે સીમિત રાખવામાં આવ્યો હશે. મારૂં એવું માનવું છે કે ચૌધરી સાહેબના કદ પર તો એની કોઈ અસર નથી પડી, પરંતુ દેશની અનેક પેઢીઓ તેમના જીવનમાંથી શિખ મેળવવાથી વંચિત રહી ગઈ.
ભાઈઓ અને બહેનો, અમારી સરકાર દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર દરેક વ્યક્તિનું માન વધારવાનું કામ કરી રહી છે. વિતેલા ચાર વર્ષમાં માત્ર મહાન વ્યક્તિઓને સન્માન આપવાનું કામ નથી થયું છે તેની સાથે-સાથે તેમણે બતાવેલા માર્ગને વિસ્તારવાનું પણ કામ થઈ રહ્યું છે. ખેડૂતોને, નાના કારીગરોને મદદ કરવા માટે અને તેમણે શાહુકારોના ભરોંસે ન રહેવું પડે તે માટે બેંકોના દરવાજા ખોલી દીધા હતા. જનધન યોજના હેઠળ હરિયાણાના લગભગ 66 લાખ ભાઈ-બહેનોના ખાતાઓ ખોલવામાં આવ્યા છે. સરકાર મારફતે સહકારી બેંકોમાંથી ધિરાણ લેવાનું કામ આસાન બનાવવામાં આવ્યું છે. હજુ હમણાં જ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પણ શરૂ કરવામાં આવી છે, જેનાથી તમને તમારા ગામમાં જ ટપાલીના માધ્યમથી પોતાના ઘરે બેઠાં બેંકીંગ સેવા મળવાનું નિશ્ચિત બની ગયું છે.
સાથીઓ, ચૌધરી સાહેબે જે પ્રકારે ખેડૂતો અને મજૂરોના ઉત્કર્ષ માટે સંપૂર્ણપણે વિચાર કર્યો હતો તે પ્રકારે અમારી સરકાર પણ બીજ થી બજાર સુધી એક સશક્ત વ્યવસ્થા બનાવવાનું કામ કરી રહી છે. ખેડૂતોને પોતાની પેદાશોનું યોગ્ય મૂલ્ય મળે, મોસમના મારથી ખેડૂતોને સુરક્ષા કવચ મળે, આધુનિક બિયારણ મળે, પર્યાપ્ત પ્રમાણમાં યૂરિયા મળે, સિંચાઈની યોગ્ય વ્યવસ્થા મળે, જમીનની તંદુરસ્તી જળવાઈ રહે. આ બધી બાબતો પર નિરંતર કામ ચાલી રહ્યું છે. મને એ વાતનો આનંદ છે કે તેનો લાભ હરિયાણાને પણ મળી રહ્યો છે. દેશના લગભગ 50 લાખ ખેડૂત પરિવારોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. લગભગ સાડા છ લાખ ખેડૂતો પાક વીમા સાથે જોડાયા છે. જેમને સાડા ત્રણસો કરોડથી વધુ રકમ દાવા તરીકે મળી ચૂકી છે. જ્યાં વિતેલા 30–40 વર્ષ સુધી પાણી પણ પહોંચ્યું ન હતું ત્યાં આજે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. હજુ હમણાં જ લખવાડ બંધના નિર્માણ માટે 6 રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઈ છે અને તેનો ઘણો લાભ હરિયાણાને પણ મળવાનો છે.
સાથીઓ, આજથી 9 દાયકા પહેલાં ચૌધરી સાહેબે ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય અપાવવા માટે ખેત ઉત્પાદન બજાર અધિનિયમ બનાવ્યો હતો. અમારી સરકારે પણ PM ASHA કે પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાન શરૂ કર્યું છે. તેની હેઠળ સરકારે એવી ગોઠવણ કરી છે કે જો ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજારમાં ઓછી કિંમત મળતી હોય તો તે રાજ્ય સરકાર ભરપાઈ કરી શકે. અને આટલું જ નહીં, અમે જે વાયદો કર્યો હતો તે મુજબ પડતર ખર્ચ પર ઓછામાં ઓછો 50 ટકા લાભ ખેડૂતોને મળે તે કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
સાથીઓ, સરકારે અનાજ, ઘઉં, શેરડી સહિત મુખ્ય 21 પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ધાન્યના ટેકાના ભાવમાં દર ક્વિન્ટલે રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે. હવે તેની કિંમત રૂ. 1550ને બદલે દર ક્વિન્ટલે રૂ.1750 થઈ ગઈ છે. આ રીતે મકાઈ માટે પણ લઘુતમ સમર્થન મૂલ્ય રૂ. 275, સૂરજમુખી માટે લગભગ રૂ. 1300 અને બાજરીનું સમર્થન મૂલ્ય દર ક્વિન્ટરે રૂ. 525 જેટલું વધારવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો, યાદ કરો. કેટલા વર્ષથી આપણાં ખેડૂતો આ માંગણી કરી રહ્યા હતા. દેશનો ખેડૂત વારંવાર કહી રહ્યો હતો તે માંગ હવે અમારી સરકાર દ્વારા હવે પૂરી કરવામાં આવી છે.
સાથીઓ, હરિયાણાના ખેડૂતો અને ગામડાંઓની આવક વધે તે બાબતની ખાતરી રાખવામાં આવી રહી છે. સાથે-સાથે તેમની આ આવક બિમારીના ઉપચારમાં જ ખર્ચાઈ ના જાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હું હરિયાણાવાસીઓને અભિનંદન આપું છું કે આયુષ્માન ભારત યોજનાની પ્રથમ લાભાર્થી તમારા જ રાજ્યની એક દિકરી છે એ પણ સંતોષની વાત છે કે આ યોજનાના માધ્યમથી બે અઠવાડિયામાં 50 હજારથી વધુ ગરીબ ભાઈઓ-બહેનોનો ઈલાજ થઈ ચૂક્યો છે અથવા તો ઈલાજ થઈ રહ્યો છે.
મને એ વાતનો પણ આનંદ છે કે હરિયાણાએ પોતાને ખુલ્લમાં શૌચ મુક્ત જાહેર કર્યું છે. ખાસ કરીને રોહતકને વિશેષ અભિનંદન આપીશ, કારણ કે અહિંયાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીને સ્વચ્છતાના રેંકીંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
સાથીઓ, આજે ચૌધરી સાહેબની આત્મા જ્યાં પણ હશે, તેમણે હરિયાણામાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની સફળતા જોઈન સૌથી વધુ ખુશ થયા હશે. તેમણે પરિવર્તન માટે અવાજ તો ઉઠાવ્યો જ, પણ સાથે-સાથે સમાજની વિચારધારામાં પણ પરિવર્તન લાવવાનું કામ પોતાના ઘરથી જ શરૂ કર્યું. દિકરીઓ બાબતે જે વિચારો આપણાં સમાજમાં પ્રવર્તમાન હતા તેનો તેમણે હંમેશા વિરોધ કર્યો હતો. અને આ કારણે જ સમાજનું તમામ દબાણ હોવા છતાં પણ પોતાની બે દિકરીઓની સાથે તે હંમેશા મજબૂતી સાથે ઊભા રહ્યા હતા.
ભાઈઓ અને બહેનો, જ્યારે હરિયાણના નાના ગામડાંઓમાં જન્મેલી દિકરીઓ વિશ્વના મંચ પર દેશનું ગૌરવ વધારી રહી છે, હરિયાણાને યુવા ભારતને રમતોમાં વિશ્વશક્તિ બનાવવા માટે જોડી રહી છે. જ્યારે દેશના ગરીબમાં ગરીબ પરિવારોનો યુવાનો આગળ વધી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આપણે ચૌધરી સાહેબના સપનાંઓને સાકાર કરવાની દિશમાં ઝડપી ગતિથી આગળ વધી રહ્યા છીએ.
સાથીઓ, આજે હરિયાણા દેશના વિકાસને ગતિ આપી રહ્યું છે. આ ગતિ હંમેશા ઝડપી બની રહે તે માટે તમારે સૌએ કામ કરવાનું છે. આ સંદેશ ચૌધરી છોટુરામજીનો આપણાં સૌ માટેનો સંદેશ છે. સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતા માટે સમર્પિત આ રાષ્ટ્ર પુરૂષને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થશે, જ્યારે આપણે બધાં સાથે મળીને તેમના સપનાનું ભારત બનાવીશું, નવું ભારત બનાવીશું.
થોડાં દિવસો પછી ‘હરિયાણા દિવસ’ આવી રહ્યો છે. તેના માટે પણ હું તમામ હરિયાણાવાસીઓને આગોતરી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં સર છોટુરામજીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહિંયા હાજર રહ્યા તેના માટે પણ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.