બે-ત્રણ દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તમે સૌ બહેનો આટલી મોટી રક્ષાની રાખડી લઈને આવ્યા છો. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. દેશભરની માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ સાથે રક્ષા કવચ આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે. એના માટે હું તમામ માતાઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
રક્ષાબંધનનું પર્વ સામે હોય અને ગુજરાતના એક લાખથી વધુ પરિવારની બહેનોને તેમના નામે પોતાનું ઘર મળે તે બાબત હું સમજું છું કે રક્ષાબંધનની આનાથી મોટી કોઈ ભેટ હોઈ ન શકે.
જે બહેનોને આજે ઘર મળ્યું છે, ઘર ન હોવું તેની પીડા કેવી હોય છે, જીંદગી કેવી રીતે પસાર થતી હોય છે, ભવિષ્ય કેવું અંધકારમય હોય છે, દરેક સવારે એક સપનું લઈને ઊઠીએ અને સાંજ થતાં થતાં તો એ સપનું મૂરઝાઇ જાય છે. ઝૂંપડાની જીંદગી આવી હોય છે.
પરંતુ જ્યારે પોતાનું ઘર હોય છે ત્યારે સપનાંઓ સજાવવાનું શરૂ થાય છે અને સપનાં પણ પોતાના થઈ જાય છે અને આ સપનાં પૂરા કરવા માટે સમગ્ર પરિવાર, આબાલ, વૃદ્ધ સૌ લોકો પરિશ્રમ કરવા લાગે છે, પુરૂષાર્થ કરવા માંડે છે અને જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ જાય છે.
આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલાં આ તમામ માતાઓ અને બહેનોને એક લાખથી પણ વધુ પરિવારોને ઘર આપીને તમારા ભાઈ તરીકે હું ખૂબ જ સંતોષ અનુભવી રહ્યો છું.
આજે એક બીજી યોજના પણ, 600 કરોડ રૂપિયાની આ યોજના એક રીતે કહીએ તો, રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં આપણી માતાઓ અને બહેનો માટેની જ ભેટ સોગાદ છે. પાણીની તંગીની સૌથી વધુ પીડા પરિવારમાં જો કોઈએ સહન કરવી પડે છે તો એ માતા અને બહેનોએ સહન કરવાની રહે છે. સમગ્ર પરિવાર માટે પાણીની વ્યવસ્થા આજે પણ ઘરોમાં માતાઓ અને બહેનોએ જ કરવી પડે છે અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નહીં હોવાના કારણે ઘર, જીવન પણ બીમારીનું ઘર બની જાય છે. પીવાનું શુદ્ધ પાણી પરિવારને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
મેં વર્ષો સુધી અને મારી યુવાનીના ઘણાં વર્ષો આ આદિવાસી વિસ્તારોમાં પસાર કર્યા છે. હું જ્યારે ધરમપુર સિદમ્બાડીમાં રહેતો હતો ત્યારે મારા મનમાં એક સવાલ ઉભો થતો હતો કે અહિંયા આટલો બધો વરસાદ થાય છે તો પણ દિવાળી પછીના બે મહિનામાં તો પાણી ખાસ બચતું નથી અને ત્યાર પછી પાણી માટે તરસવું પડે છે. મને બરાબર યાદ છે કે તે સમયે ધરમપુરથી સિદમ્બુર સમગ્ર પટ્ટામાં અને આ આદિવાસીઓથી શરૂ કરીને ઉમરગાંવથી અંબાજી સુધી સમગ્ર આદિવાસી પટ્ટામાં જ્યાં સારો વરસાદ થાય છે ત્યાં સમગ્ર પાણી આપણા તરફ, દરિયા તરફ, સમુદ્ર તરફ ચાલ્યું જાય છે અને આ સમગ્ર વિસ્તાર વગર પાણીનો રહી જાય છે.
અને હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે હજારો કરોડ રૂપિયા ખર્ચીને ઉમરગાંવથી અંબાજી સુધી, ગુજરાતની પૂર્વ છેડે આવેલા સમગ્ર આદિવાસી પટ્ટમાં દરેક ગામને, દરેક ઘરને નળથી પાણી મળે તેવું સપનું જોયું હતું.
અહિં જે ફિલ્મ બતાવવામાં આવી તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે 10 યોજનાઓ પૈકી આજે આખરી યોજનાનું કામ પણ શરૂ થઈ ગયું છે. જે લોકોએ આ ફિલ્મ જોઈ હશે તેમને પણ અચરજ થતું હશે કે સૌથી ઉપર જ્યાં પાણી પહોંચવાનું છે તે બસો માળ ઊંચા મકાન જેટલે ઊંચે પાણી પહોંચાડવાનું છે. આ પાણીને ઉપરથી લાવીશું. એનો અર્થ એ થયો કે એક પ્રકારે નદીને 200 માળની ઉંચાઈ સુધી લઈ જવામાં આવશે. અને ત્યાંથી પાણી લોકોને પહોંચાડવામાં આવશે. આ ટેકનોલોજીની કમાલ છે.
આપણાં દેશમાં દૂર-દૂર ગીરના જંગલમાં એક પોલિંગ બુથ, એક મતદાન માટે ઊંભું કરવામાં આવે છે. એક મતદાતા અને એક પોલીંગ બુથ સમગ્ર દુનિયા માટે આ બાબત બોક્સ આઈટમ બની જાય છે કે હિંદુસ્તાનની ચૂંટણી પ્રક્રિયા એવી છે કે જેમાં ગીરના જંગલમાં એક પોલિંગ પર જ્યાં માત્ર એક મતદાતા છે અને તેને મત આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
હું સમજું છું કે આ બાબત પણ એક અજાયબી બની રહેશે કે ગામમાં 200 થી 300 ઘરની વસતિ હોય અને તેમને પાણી પહોંચાડવા માટે એક સંવેદનશીલ સરકાર 200 માળ જેટલે ઊંચે પાણી લઈ જશે. દરેક નાગરિક માટે અમારી ભક્તિ કેવી હોય છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
અગાઉ પણ સરકારો હતી. આદિવાસી મુખ્યમંત્રી પણ હતા અને હું જ્યારે નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે હું અગાઉ જે આદિવાસી મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તેમના ગામમાં હું ગયો ત્યારે પાણીની ટાંકી હતી, પણ પાણી નહોતું. તે ગામને પાણી આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
જો કોઈ પાણીની પરબ બનાવે છે, રાહદારીઓ માટે જો તે એક- બે માટલાં મૂકી દે તો આવી વ્યક્તિને વર્ષો સુધી તેના પરિવારને ખૂબ જ આદર અને ગર્વ સાથે જોવામાં આવે છે.
આજે પણ લાખા વણઝારાઓની લાખો કથાઓ કે જેમણે પાણી માટે કામ કર્યું હતું તેમની વાર્તાઓ ગુજરાત અને રાજસ્થાનના લોકોની જીભ પર છે. ક્યાં કોણે પાણી માટે કામ કર્યું હતું તેની બધાને ખબર છે. આજે મને ગર્વ છે કે ગુજરાત સરકાર ઘેર-ઘેર નળથી પાણી પહોંચાડવા માટેનું જે અભિયાન ચલાવી રહી છે તે સ્વયં એક સારી બાબત છે.
આપણું ગુજરાત આગળ વધીને કેવું હશે, ગરીબમાં ગરીબ માણસની જીંદગી કેવી હશે, આપણાં સપના કેવા હશે, આ સપનાઓને સાકાર કરવા માટે આપણે કેવા પ્રયાસો કરવા પડશે તે બધું નજરે પડે છે.
આપ સૌએ જોયું હશે કે મને એક રીતે અડધા-પોણા કલાકમાં સમગ્ર ગુજરાતની સફર કરવાનો મોકો મળી ગયો છે. જે જિલ્લામાં હું ગયો ત્યાં માતાઓ અને બહેનો સાથે વાત કરવાની તક મળી છે. હું વાતો તો સાંભળતો હતો, પરંતુ મારી નજર તેમના ઘર પર હતી. કેવું ઘર બનાવ્યું છે. તમે પણ જોયું હશે કે અને તમને પણ લાગતું હશે કે શું પ્રધાનમંત્રી આવાસ યોજના, સરકારી યોજનાથી આટલા સારા મકાનો પણ થઈ શકે છે. આવું એટલા માટે શક્ય બને છે કે તેમાં કટકી કંપની બંધ છે.
દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તો ગરીબના ઘરમાં પૂરે પૂરા 100 પૈસા પહોંચે છે અને એટલા માટે જ આવું શક્ય બને છે. આ સરકારમાં હિંમત છે કે આટલા ટીવીવાળાઓની હાજરીમાં, આટલા છાપાવાળાઓની હાજરીમાં, આટલી જનમેદની સામે અને જ્યારે સમગ્ર દેશ ટીવી પર જોઈ રહ્યો છે ત્યારે હું હિંમત સાથે કોઈપણ માતાને પૂછી શકું છું કે તમારે કોઈને પણ લાંચ આપવી પડી છે? કોઈએ દલાલી તો નથી લીધી ને?
આપણે આવા ચરિત્ર નિર્માણ માટે કામે લાગી ગયા છીએ અને મને આનંદ છે કે, જ્યારે માતાઓ અને બહેનો ખૂબ જ આત્મવિશ્વાસ અને સંતોષ સાથે કહી રહી હતી કે – જી, નહીં. અમને અમારો હક્ક મળ્યો છે, નિયમિત નિયમોના આધારે મળ્યો છે. અમારે કોઈને એક રૂપિયો પણ આપવો પડ્યો નથી.
તમે આ મકાનો જોયા હશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આ મકાનોની ગુણવત્તા જ્યારે આપણે જોઈ રહ્યા હતા ત્યારે તમને પણ લાગ્યું હશે કે શું વાત છે, સરકારના મકાનો પણ આવા સારા હોઈ શકે છે! એ બાબત સાચી છે કે સરકારે પૈસા આપ્યા છે, પરંતુ સરકારના પૈસાની સાથે-સાથે એ પરિવારનો પરસેવો પણ એમાં ભળ્યો છે અને તેના કારણે તેણે જાતે મકાન કેવું હોય તે નક્કી કર્યું છે. કેવી સામગ્રીનો ઉપયોગ કરીશું તે પરિવારે નક્કી કર્યું છે. મકાન કેવું બનાવીશું તે પણ તેમણે નક્કી કર્યું છે.
સરકારી કોન્ટ્રાક્ટરોના ભરોસે અમે કામ કર્યું નથી. અમે આ પરિવાર પર વિશ્વાસ મૂક્યો અને પરિવાર જાતે પોતાનું ઘર બનાવે છે તો તે ઉત્તમમાં ઉત્તમ બનાવે છે અને તેની જે ખુશી છે તે ગુજરાતના દરેક ગામમાં આ પરિવારોએ નમૂનારૂપ ઘર બનાવીને પૂરવાર કર્યું છે. હું તેના માટે પણ આ પરિવારોને અભિનંદન પાઠવુ છું.
દેશને ગરીબીથી મુક્ત કરવા માટે અમે એક મોટું અભિયાન ચલાવ્યું છે, પરંતુ તે ગરીબોના સશક્તિકરણ મારફતે ચલાવ્યું છે. બેંકો હતી, પરંતુ બેંકોમાં ગરીબોને પ્રવેશ મળતો ન હતો. અમે બેંકોને જ ગરીબના ઘર પાસે લાવીને ઉભી કરી દીધી – પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા.
ગામડામાં અમીર વ્યક્તિના ઘરે જ વિજળીનું જોડાણ જોવા મળતું હતું. ગરીબના ઘરમાં વિજળીનું જોડાણ મળે તો તેને આશ્ચર્ય થાય કે શું મારા ઘરમાંથી પણ અંધારૂં જશે? આજે ઉજાલા યોજના હેઠળ દરેક ઘરમાં, સૌભાગ્ય યોજના હેઠળ દરેક ઘરમાં વિજળીનું જોડાણ આપવાનું મોટું અભિયાન અમે શરૂ કર્યું છે અને આવનારા એકથી દોઢ વર્ષમાં ભારતમાં એવું કોઈ ઘર નહીં બચ્યુ હોય કે જ્યાં પોતાનું વિજળીનું જોડાણ ન હોય.
ઘર હોય, ઘરમાં શૌચાલય હોય, વિજળી હોય, પીવાનું પાણી હોય, ગેસનો ચૂલો હોય, આવી રીતે જીવનમાં આમૂલ પરિવર્તનના પ્રયાસો ચાલી રહ્યા છે.
અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો તમે મને મોટો બનાવ્યો છે. તમે ગુજરાતના લોકોએ જ મારો ઉછેર કર્યો છે. ગુજરાતે મને ઘણું બધું શિખવ્યું છે અને તમારી પાસેથી હું જે કાંઈ શિખ્યો છું તેનું જ આ પરિણામ છે અને તેથી જ સપનાંઓ સમયસર પૂરાં કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને જ્યારે વર્ષ 2022માં જ્યારે હિંદુસ્તાનની આઝાદીના 75 વર્ષ થશે ત્યારે આ દેશનો કોઈ પરિવાર એવો નહીં હોય કે તેની પાસે પોતાનું ઘર ન હોય. આવું હિંદુસ્તાન બનાવવાનું અમે સપનું જોયું છે.
નેતાઓના મોટા-મોટા ઘર બનવાના અત્યાર સુધી સમાચાર આવતા હતા. નેતાઓના ઘરોની સજાવટના સમાચાર આવતા હતા. હવે ગરીબોના ઘર બનવાના સમાચારો આવી રહ્યા છે. ગરીબોના ઘરની સજાવટના સમાચાર આવી રહ્યા છે.
આ એક એવા પ્રધાનમંત્રી છે કે જ્યારે એક લાખથી વધુ ઘરોમાં વાસ્તુ પ્રવેશ થતો હોય અને તેમાં સામેલ થવાનો, વલસાડની ધરતી પર આવીને આ વીડિયો કોન્ફરન્સ વડે તમામ પરિવારો સાથે અને તેમના ઉત્સાહ અને ઉમંગમાં સામેલ થવાની મને તક મળી છે.
ભાઈઓ અને બહેનો, વિતેલું સપ્તાહ અમારા માટે ખૂબ જ પીડાદાયક રહ્યું હતું. અટલ બિહારી વાજપેયીજી ચાલ્યા ગયા, પરંતુ તેમના નામે બનેલી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દરેક ગામને પાકી સડક સાથે જોડવાનું કામ અમે નિશ્ચિત સમય સીમામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ.
એક પ્રકારે આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આપ સૌએ અહિં જોયું હશે કે કૌશલ્ય વિકાસ દ્વારા દૂર-દૂર આદિવાસી જંગલોમાં રહેતી બેટીઓનું કૌશલ્ય વિકાસ કર્યા પછી રોજી રોટી પ્રાપ્ત કરવાની તક મળી શકે છે. તેના પ્રમાણપત્રો આપવાની મને તક મળી છે.
દેશને સમસ્યાઓથી જાતે મુક્ત કરી શકાય તેમ છે. દેશના સામાન્ય માનવીનાં સપનાંઓને સાકાર કરવાના પ્રયત્ન થઈ રહ્યાં છે અને સપનાં પૂર્ણ થાય તે માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.
વલસાડના મારા ભાઈઓ અને બહેનો. મારો અહિં આવવાનો કાર્યક્રમ થોડાક દિવસ પહેલાં નક્કી થયો હતો, પરંતુ વરસાદને કારણે એ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો અને વરસાદ પણ આ વખતે ક્યારેક આવે છે તો જોરદાર આવે છે અને નથી આવતો તો અઠવાડિયાઓ સુધી નથી આવતો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તકલીફો પણ પડી છે અને કેટલાક વિસ્તારોમાં પાણી આવ્યું પણ નથી. પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં જે વરસાદ થયો છે તેના કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદની કૃપા થઈ છે. આગામી વર્ષ પણ ઘણું સારૂ જશે. ખેતીના ક્ષેત્રે સારો લાભ થશે તેવો મને વિશ્વાસ છે.
હું વલસાડના મારા તમામ ભાઈ બહેનો આટલા લાંબા સમય સુધી આટલી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા, જી-જાનથી જોડાયેલા રહ્યા, હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
તમામ માતાઓ અને બહેનોને રક્ષાબંધનની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સાથે ખૂબ-ખૂબ ધન્યવાદ.