મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવો, કાર નિકોબારના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
હું ગઈકાલે કાશીમાં મા ગંગાની પાસે હતો અને આજે સવારે અહિં આ વિરાટ સમુદ્રના ખોળામાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છું. મા ગંગા પોતાની પવિત્રતા વડે જે રીતે ભારતના જનમાનસને આશીર્વાદ આપતી રહી છે, તે જ રીતે આ સાગર અનંતકાળથી મા ભરતીના ચરણોને વંદન કરી રહ્યો છે, રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યને ઊર્જા આપી રહ્યો છે.
સાથીઓ, આજે જ્યારે હું અહિં આવ્યો છું, ત્યારે તમારી પહેલા હું કાર નિકોબાર સહિત અહિંના તમામ દ્વીપો પર વસેલા આપણા પૂર્વજોને નમન કરું છું, જેમણે આઝાદી માટે, અહિંના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું.
સાથીઓ, તમારી પાસે પ્રકૃતિનો અદભૂત ખજાનો તો છે જ, તમારી સંસ્કૃતિ, પરંપરા, કલા અને કૌશલ્ય પણ શ્રેષ્ઠ છે. થોડા સમય પહેલા અહિં આગળ જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું, બાળકોએ જે કલાનું પ્રદર્શન કર્યું, તે દર્શાવે છે કે ભારતની સંસ્કૃતિ સંપન્નતા હિન્દ મહાસાગર જેટલી જ વિશાળ છે.
ખાસ કરીને તમે લોકોએ સંયુક્ત પરિવારની જે પરંપરાને સંભાળીને રાખી છે – જોઈન્ટ ફેમીલીની, તે ભારતીય જીવન શૈલીની એક ખૂબ મોટી તાકાત છે. કામનો, સંસાધનોનો, શ્રમનો કઈ રીતે યોગ્ય ઉપયોગ થઇ શકે છે, કઈ રીતે હળીમળીને જીવન જીવી શકાય છે, તેની આ સાચી મિસાલ છે. કારગીલથી લઈને કાર નિકોબાર સુધી, કચ્છથી લઈને કોહિમા સુધી આપણા સમાજમાં આ કુટુંબ સંસ્થા, કુટુંબ વ્યવસ્થા ખૂબ મોટી તાકાત રહી છે.
સાથીઓ, થોડા સમય પહેલા હું સુનામી સ્મારક, વોલ ઑફ લોસ્ટ સોલ્સ ગયો હતો. ત્યાં આગળ મેં તે ભીષણ પ્રાકૃતિક આપદામાં જીવન ગુમાવી દેનારા સ્વજનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. 14-15 વર્ષ પહેલા તે હૃદયદ્રાવક ઘટનાએ અહિંના જન માનસ, આપ સૌના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું, પોતાના લોકોને દૂર કરી નાખ્યા હતા. પરંતુ જે રીતે પોતાના પુરુષાર્થ વડે આપ સૌએ કાર નિકોબારને ઊભું કરી નાખ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે.
ભાઈઓ અને બહેનો, કાર નિકોબારમાં જીવન વધુ સરળ બને, આપ સૌને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, અવસર મળે – તેના માટે આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું અહિં લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાં શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સુધી, રોજગારથી લઈને કૌશલ્ય વિકાસ સુધી, વાહન-વ્યવહારથી લઈને વીજળી સુધી, ખેલકૂદથી લઈને પ્રવાસન સુધીના અનેક પ્રોજેક્ટ સામેલ છે. આ તમામ પ્રોજેક્ટ માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તે દેશના વિકાસ માટે આપણી તે વિચારધારાનો વિસ્તાર છે, જેના મૂળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કનેક્ટિવિટી છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ એટલે કે વિકાસથી દેશનો કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય, એ જ ભાવનાનું પ્રગટીકરણ છે.
દેશના વિસ્તૃત ભાગના અંતરો પણ ઘટે અને દિલોમાં સહ-અસ્તિત્વનો ભાવ પણ મજબૂત બને, તે જ લક્ષ્યની સાથે અમે કામ કરી રહ્યા છીએ. છેલ્લા ચાર વર્ષોથી મારો એ સતત પ્રયાસ રહ્યો છે કે પ્રધાનમંત્રી તરીકે હું પોતે દેશના ખૂણે-ખૂણામાં જાઉં અને આપ સૌને મળીને તમારી સાથે સંવાદ કરી શકું.
સાથીઓ, થોડા સમય પહેલા જે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં સી વોલનો પ્રોજેક્ટ પણ સામેલ છે. તમારા સૌની તે લાંબા સમયથી માંગણી હતી કે માટીના ઘસારાના પગલે જે ભય ઉભો થઇ રહ્યો હતો, તેને પહોંચી વળવા માટે ઉપાય કરવામાં આવે. તમારી આ માગણીને ધ્યાનમાં રાખતા આશરે 50 કરોડ રૂપિયાના ખર્ચે સી વોલનું નિર્માણ અહિં કરવામાં આવશે, જેનો શિલાન્યાસ આજે કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હવે આ કાર્ય પર ઝડપી ગતિએ કામ થશે અને જ્યારે આ નિર્માણ પૂરું થશે તો આ સી વોલ કાર નિકોબારની માટે સુરક્ષા કવચનું કાર્ય કરશે.
સાથીઓ, સુરક્ષાની સાથે-સાથે કાર નિકોબારમાં વિકાસની પંચધારા વહે- બાળકોનો અભ્યાસ, યુવાનોને રોજગારી, વડીલોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન-જનની સુનાવણી, આ તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય, તેના માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. મને ખ્યાલ છે કે અહિંના યુવાન સાથીઓને શિક્ષણ મેળવવા માટે, તાલીમ માટે દૂર-દૂર સુધી જવું પડતું હતું. હવે એરોંગ ગામમાં ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે કે આઈટીઆઈ બનવાથી તમે સૌ યુવાન સાથીઓને ઘણો લાભ મળવાનો છે. અહિંથી હવે કાર નિકોબારના યુવાન ઈલેક્ટ્રિશીયન, પ્લમ્બર, ઑટોમોટીવ ટેકનિશીયન બનીને બહાર નીકળશે અને દેશભરમાં ગમે ત્યાં રોજગાર મેળવવા માટે સમર્થ બનશે.
સાથીઓ, કાર નિકોબારના યુવાનો પારંપરિક રોજગારની સાથે-સાથે આજે શિક્ષણ, ચિકિત્સા અને બીજા કાર્યોમાં પણ આગળ વધી રહ્યા છે. ખેલ-કૂદનું કૌશલ્ય તો અહિંના યુવાન સાથીઓમાં રહ્યું છે. તમારી નસોમાં ખેલકૂદ છે. કાર નિકોબાર ફૂટબોલ સહિત અનેક રમતોમાં દેશના સર્વશ્રેષ્ઠ રમતવીર પ્રતિભાની માટે પ્રખ્યાત થઇ રહ્યું છે. થોડા સમય પહેલા જ અહિંના પ્રતિભાશાળી રમતવીરોને મળવાનો મને અવસર પણ મળ્યો. મને જણાવવામાં આવ્યું છે કે અહિંની જુનિયર ફૂટબોલ ટીમે ચાર વખત પ્રસિદ્ધ સુબ્રતો મુખર્જી કપ જીત્યો છે.
સાથીઓ, અહિંના ટેલેન્ટને, અહિંની પ્રતિભાને વધુ ખીલવવા માટે હવે લપાતી ગામમાં બનેલું આધુનિક ખેલ પરિસર તમને સમર્પિત છે. તે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનું એકમાત્ર એવું પરિસર છે. આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ ખેલ પરિસરમાં તમામ સુવિધાઓ બનાવવામાં આવી છે. છોકરાઓ અને છોકરીઓની હોસ્ટેલ સાથે અહિં એક સિન્થેટિક ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે.
સાથીઓ, ફૂટબોલ સિવાય સાયકલિંગ હોય, કાયાકિંગ હોય, રોઈંગ હોય – કાર નિકોબારના અનેક પ્રતિભાસંપન્ન ખેલાડીઓ તમે દેશને આપ્યા છે. આજે જે ખેલ પરિષદનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ભવિષ્યમાં ત્યાં સાયકલિંગની માટે વેલોડ્રામ અને સ્વીમીંગ પુલ બનાવવાની પણ યોજના છે.
સાથીઓ, કેન્દ્ર સરકાર આંદામાન અને નિકોબારમાં રહેનારા દરેક નાગરિકની માટે જીવન સાથે જોડાયેલ દરેક વ્યવસ્થાને સરળ બનાવવામાં લાગેલી છે. સસ્તું રાશન હોય, સ્વચ્છ પાણી હોય, ગેસના જોડાણ હોય, કેરોસીન તેલ હોય; દરેક સુવિધાને સરળ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અહિં રહેનારા આપ સૌ લોકોને વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. ડિગલીપુરના સબ-ડિસ્ટ્રિક્ટ દવાખાનાનું વિસ્તૃતીકરણ થવાથી સ્વાસ્થ્ય સેવાઓમાં ઘણો સુધારો થવાનો છે.
સાથીઓ, કેન્દ્ર સરકાર અહિંની જરૂરિયાતો, અહિંની પરિસ્થિતિઓના હિસાબે જ વિકાસ કરવામાં લાગેલી છે. સરકારનો પ્રયાસ છે કે પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિના સંરક્ષણની સાથે-સાથે વિકાસ થાય. એ જ ભાવના સાથે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
આંદામાન નિકોબાર સહિત દેશના સમુદ્રી તટીય પ્રદેશોમાં રહેનારા ટોપરા અને નારીયેળની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની માટે મોટો નિર્ણય સરકારે લીધો છે. ટોપરામાં, જે ટોપરાની એમએસપીમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે, જે મિલિંગ ટોપરું હોય છે તેનો ટેકાનો ભાવ હવે 7750 રૂપિયાથી વધીને 9500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે તો ત્યાં જ બીજી બાજુ બોલ ટોપરાનો ટેકાનો ભાવ 7750 રૂપિયાથી વધારીને 9920 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારો થવાથી ટોપરાની ખેતી સાથે જોડાયેલા અનેક ખેડૂતોને લાભ મળશે.
સાથીઓ, કેન્દ્ર સરકાર આપણા માછીમારોને સશક્ત કરવામાં લાગેલી છે. હમણાં તાજેતરમાં જ દેશમાં મત્સ્ય ઉદ્યોગને લાભકારી વ્યવસાય બનાવવા માટે સાત હજાર કરોડ રૂપિયાના એક ખાસ ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત માચ્છીમારોને યોગ્ય દરે ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
આપણા સમુદ્ર કિનારાઓ વાદળી ક્રાંતિના કેન્દ્રો બનાવામાં સક્ષમ છે – એ જ વિચારધારા સાથે સરકાર આગળ વધી રહી છે. માછલી સાથે જોડાયેલા વ્યવસાય હોય, સિવીડની ખેતી હોય, એવા અનેક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આધુનિક નાવ માટે સરકાર માછીમારોને આર્થિક સહાયતા પણ આપી રહી છે. તે જ દ્રષ્ટિકોણ સાથે અહિં મત્સ્યપાલન, ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ અનેક યોજનાઓની માટે પેકેજ આપવામાં આવ્યા છે.
ભાઈઓ અને બહેનો, કાર નિકોબારના પર્યાવરણને સુરક્ષિત રાખીને સૌર ઊર્જાની સંભાવનાઓને શોધવામાં આવી રહી છે, નિખારવામાં આવી રહી છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાંનું એક છે જ્યાં સૌર ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ સૌથી વધુ ઝડપથી આગળ વધી રહ્યો છે. સૌર ઊર્જા વડે દેશને સસ્તી અને હરિત ઊર્જા આપવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ. આજે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનના માધ્યમથી સમગ્ર દુનિયામાં સૌર ઊર્જાની ક્રાંતિ માટે ભારત નેતૃત્વ લઇ રહ્યું છે, આગેવાની કરી રહ્યું છે. એક વિશ્વ, એક સૂર્ય, એક ગ્રિડના વ્યાપક દ્રષ્ટિકોણ માટે ભારત કામ કરી રહ્યું છે.
સાથીઓ, ભારતનો જે સમુદ્રી તટ છે, અહિં તો પુનઃપ્રાપ્ય ઊર્જા માટે ખૂબ વધારે સંભાવનાઓ છે. આ સંભાવનાઓને અમે અવસરોમાં બદલવા માટે કામ કરી રહ્યા છીએ. આ જ યોજના અંતર્ગત કાર નિકોબારમાં ૩૦૦ કિલોવોટના રૂફ ટોપ સોલાર પ્લાન્ટ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મને જાણકારી આપવામાં આવી છે કે અહિંની શાળાઓ, દવાખાનાઓ સહિત અનેક સંસ્થાનોમાં 50-50 કિલોવોટની સોલાર પેનલ લગાવવાનું કામ પહેલાથી જ કરી રહ્યા છે, લગાવી દેવામાં આવી છે. સરકારનો પ્રયાસ છે કે આવનારા સમયમાં કાર નિકોબારની વીજળીની બધી જ જરૂરિયાત સૌર ઊર્જા વડે પૂરી થાય.
સાથીઓ, આપણું આ કાર નિકોબાર, આ સંપૂર્ણ સમુદ્રી ક્ષેત્ર, દેશ, આ મલાક્કાની સામુદ્રધુની, સંસાધન અને સુરક્ષા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની વચ્ચે એક મુખ્ય શિપિંગ ચેનલ છે. આ માલવાહક જહાજોની માટે દુનિયાનો સૌથી વ્યસ્ત માર્ગ છે. તેને ધ્યાનમાં રાખીને અહિં વાહન-વ્યવહારના માધ્યમોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેનાથી આપ સૌને સુવિધા પણ મળશે અને રોજગારના અવસરો પણ તૈયાર થશે.
ભાઈઓ અને બહેનો, દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહિં ટ્રાન્સ શિપમેન્ટ પોર્ટની આધારશીલા આજે રાખવામાં આવી છે. આ પરિયોજના વડે ખાડીના દક્ષિણ ભાગમાં નવા ઉદ્યોગો માટે અવસરો ઉભા થશે.
તેની જ સાથે-સાથે સાગરમાળા યોજના અંતર્ગત દેશભરના સમુદ્રી તટોને વિકસિત કરવા, અહિં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવાની મોટી યોજના ચાલી રહી છે. આ યોજના અંતર્ગત આશરે અઢી લાખ કરોડ રૂપિયાના ખર્ચે સેંકડો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. દેશભરમાં 14 દરિયાઈ રોજગારી ક્ષેત્રો એટલે લે સીઈઝેડનો વિકાસ આવનારા સમયમાં દેશના સમુદ્રી કિનારાઓની આસપાસ થવાનો છે.
સાથીઓ, સાગરમાળા યોજના અંતર્ગત કાર નિકોબારમાં પણ કેમ્પબેલ ખાડીમાં આશરે 50 કરોડ રૂપિયાના ખર્ચે કેમ્પબેલ બે જેટીનો વિસ્તાર આશરે 150 કિલોમીટર સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે-સાથે એમયુએસ જેટીની ઊંડાઈ વધારવા માટેની પણ યોજના બનાવવામાં આવી છે જેથી કરીને અહિં મોટા જહાજોને રોકાવામાં મુશ્કેલી ન પડે.
ભાઈઓ અને બહેનો, આવનારા સમયમાં અહિં ઉડ્ડયન સેવાઓના વધુ સારા જોડાણ તરફ પણ સરકાર કામ કરી રહી છે. સરકાર આપ સૌના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે, તમારા જીવનને સરળ બનાવવા માટે પ્રયાસરત છે.
સાથીઓ, હું જનજાતિ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે સૌ દેશની લોકશાહીને મજબૂત કરવા અને અહિંના વિકાસની ગતિને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો. મને જણાવવામાં આવ્યું છે કે અહિં જે ગ્રામીણ સમિતિ છે તેમાં બહેનો દીકરીઓની સારી એવી ભાગીદારી છે. તે પણ પ્રશંસનીય પ્રયાસ છે.
સાથીઓ, કાર નિકોબારના વિકાસ માટે સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આવનારા નવા વર્ષમાં પણ અમારા પ્રયાસો નવા ઉત્સાહ, નવા જોશની સાથે ચાલુ રહેશે. અંતમાં એક વાર ફરી આપ સૌને વિકાસની તમામ યોજનાઓ માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
ખૂબ-ખૂબ આભાર. જય હિન્દ!