ઉપસ્થિત તમામ સ્વચ્છાગ્રહી ભાઈઓ અને બહેનો,
આજે બીજી ઓક્ટોબર છે. પૂજ્ય બાપુની જન્મ જયંતી, લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી. ત્રણ વર્ષમાં આપણે ક્યાં પહોંચી ગયા. મને બરાબર યાદ છે કે હું અમેરિકામાં હતો યુએનની બેઠક માટે અને પહેલી ઓક્ટોબરે રાત્રે હું આવ્યો અને્ બીજી ઓક્ટોબરે સવારે ઝાડુ લઈને નીકળી પડ્યો હતો. પરંતુ એ વખતે તમામ અખબાર, મીડિયા, અમારા તમામ સાથી પક્ષના સદસ્યો, એટલે કે તમામ રાજકીય પક્ષોએ મારી એટલી બધી ટીકા કરી હતી એટલી બધી ટીકા કરી હતી કે બીજી ઓક્ટોબર રજાનો દિવસ હોય છે અને અમે બાળકોની રજા બગાડી. બાળકો સ્કૂલે જશે કે નહીં જાય બાળકોને શા માટે કામે લગાડ્યા. ઘણું બધું બન્યું, ઘણું કહેવાયું હતું.
હવે મારો સ્વભાવ છે ઘણી બધી બાબતો ચુપચાપ સહન કરી લઉં છું કેમ કે જવાબદારી જ એવી છે કે સહન કરવું પડે અને ધીમે ધીમે મારી ક્ષમતા વધારી રહ્યો છું સહન કરવાની ક્ષમતા. પરંતુ આજે ત્રણ વર્ષ બાદ જરાય ડગ્યા વિના, ખચકાયા વિના અમે આ કામમાં લાગેલા રહ્યા છીએ અને એટલા માટે લાગેલા રહીએ છીએ કે મને ખાતરી હતી કે મહાત્માજીએ જે કહ્યું હતું, બાપુએ જે કહ્યું હતું તે માર્ગ ખોટો હોઈ જ શકે નહીં.
એ જ એક શ્રદ્ધા જેનો અર્થ એ નથી કે કોઈ પડકાર નથી. પડકાર છે પરંતુ પડકાર છે એટલા માટે દેશને આવોને આવો રહેવા દેવાય? પડકાર છે એટલે એ ચીજોને હાથ લગાડવામાં આવે જ્યાં વાહ વાહ થતી રહે, જય જયકાર થતો રહે. શું આવા કામથી ભાગવું જોઇએ? અને મને લાગે છે કે જો આજે દેશવાસી એક અવાજે આ વાતમાં પોતાનો સૂર પ્રગટ કરી રહ્યા છે. એવું નથી કે ગંદકી આપણી આંખોની સામે થતી નથી. એવું નથી કે ગંદકીમાં આપણે ખુદ યોગદાન આપતા ન હતા અને એવું પણ નથી કે આપણને સ્વચ્છતા પસંદ નથી. કોઈ માનવી એવો ન હોઈ શકે જેને સ્વચ્છતા પસંદ ન હોય.
જો તમે રેલવે સ્ટેશને જાઓ અને ચાર બેન્ચ પડી છે તેમાંથી બે ગંદી છે તો તમે તેની ઉપર બેસતા નથી જ્યાં સારી જગ્યા હોય ત્યાં જઈને બેસો છો. શા માટે? મૂળભૂત રીતે કુદરત જ સ્વચ્છતા પસંદ કરે છે. પરંતુ આપણા દેશમાં એક જ અંતર રહી ગયું છે અને તે જે અંતર રહી ગયું છે તે મારે કરવાનું છે. સ્વચ્છતા હોવી જોઇએ તે અંગે દેશમાં કોઈને મતભેદ નથી. સમસ્યા એ જ છે કે કોણ કરે? અને એક વાત તમને જણાવી દઉં કે મને એમ કહેવામાં જરાય સંકોચ નથી, આ મારા વાક્ય પછી થઈ શકે છે કાલે મારી ધોલાઈ પણ થઈ જાય પરંતુ હવે દેશવાસીઓથી શું છૂપાવવું? એક હજાર મહાત્મા ગાંધી આવી જાય, એક લાખ નરેન્દ્ર મોદી આવી જાય, તમામ મુખ્યમંત્રી એકત્રિત થઈ જાય, તમામ સરકારો ભેગી થઈ જાય તો પણ સ્વચ્છતાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ થવાનું નથી. પરંતુ જો સવા સો કરોડ દેશવાસી એક થઈ જાય તો આ સ્વપ્ન જોતજોતામાં સાકાર થઈ જાય.
કમનસીબે આપણે ઘણી ચીજો સરકારે કરી, સરકારે બનાવી દીધી. અત્યાર સુધી જે સામાન્ય લોકોની રહેતી હતી, પરેશાની ન આવે તેવી. હવે તમે જૂઓ કુંભનો મેળો થાય છે. દરરોજ ગંગાના કિનારે કુંભ મેળામાં યુરોપના એક નાનકડા દેશ જેટલા લોકો એકત્રિત થાય છે. પરંતુ તેઓ પણ બધું સંભાળી લે છે. પોતાના કામ કરી લે છે અને આ સદીઓથી ચાલતું આવે છે.
સમાજની શક્તિને સ્વીકારીને આપણે ચાલીએ, જન ભાગીદારીને સ્વીકારીને ચાલીએ, સરકારને કમ કરીને ચાલીએ. સમાજને આગળ ધપાવતા ચાલીએ, તો આ આંદોલન કોઈ પણ પ્રશ્નાર્થ બાદ, છતાં પણ સફળ થશે તેવો મને વિશ્વાસ છે. અને આજે મને ખુશી છે કે કેટલાક લોકો છે જેઓ આજે પણ તેની મજાક ઉડાવે છે, ટીકા કરે છે તેઓ ક્યારેય સ્વચ્છતા અભિયાનમાં ગયા પણ નથી. તેમની મરજી, કદાચ તેમની તકલીફ હશે. તમે જોજો કે પાંચ વર્ષ આવતા જે દેશનો મીડિયા એ સમાચાર નહીં છાપે કે સ્વચ્છતામાં કોણ કામ કરી રહ્યું છે કોણ ભાગ લઈ રહ્યું છે, સમાચારમાં તેમના તસવીરો છપાવાની છે કે આનાથી કોણ કોણ દૂર ભાગી રહ્યા છે અને તેની વિરુદ્ધમાં કોણ હતા? કેમ કે જ્યારે દેશ સ્વીકારી લે છે તો તમે ઇચ્છો કે ન ઇચ્છો તમારે તેમાં જોડાવું જ પડે છે.
આજે સ્વચ્છતા અભિયાન, એ ના તો પૂજ્ય બાપુનું રહ્યું છે, ના તો ભારત સરકારનું રહ્યું છે, ના તો આ રાજ્ય સરકારોનું રહ્યું છે, ના તો મ્યુનિસિપાલિટીનું રહ્યું છે. આજે સ્વચ્છતા અભિયાન દેશના સામાન્ય નાગરિકનું પોતાનું સ્વપ્ન બની ચૂક્યું છે. અને અત્યાર સુધી જે સિદ્ધિ મળી છે તે સિદ્ધિ સરકારની છે, એવો મારો રતીભાર દાવો નથી. ના તો તે ભારત સરકારની સિદ્ધિ છે, ના તો રાજ્ય સરકારની સિદ્ધિ છે, જો આ સિદ્ધિ છે તો તે સ્વચ્છાગ્રહી દેશવાસીઓની સિદ્ધિ છે.
આપણને સ્વરાજ મળ્યું છે, સ્વરાજ્યનું શસ્ત્ર હતું સત્ચાગ્રહ. શ્રેષ્ઠ ભારતનું શસ્ત્ર છે સ્વચ્છતા, સ્વચ્છાગ્રહી. જો સ્વરાજ્યના કેન્દ્રમાં સત્યાગ્રહી હતો તો શ્રેષ્ઠ ભારતના કેન્દ્રમાં સ્વચ્છાગ્રહી છે. અને આપણે પણ જાણીએ છીએ કે દુનિયાના કોઈ પણ દેશમાં જઇએ છીએ, ત્યાંની સ્વચ્છતા જોઇએ છીએ તો આવીને ચર્ચા કરીએ છીએ, અરે યાર કેટલો સાફ સુથરો દેશ હતો હું તો જોતો જ રહી ગયો. આવા લોકો મને પૂછે છે તો હું કહું છું એ સાફ જોયું તો તમને આનંદ આવ્યો પરંતુ કોઈ કોઈને કચરો ફેકતા જોયો હતો ખરો? કહે છે કે ના જોયો ન હતો. મેં કહ્યું કે તો આપણી સમસ્યા એ જ છે.
અને તેથી જ ખૂલીને તેની ચર્ચા કરો, આપણે ડરતા હતા, ખબર નહીં પણ કેમ ચર્ચા કરતા ન હતા. રાજકારણીઓ એટલા માટે ચર્ચા કરતા ન હતા કે સરકાર એટલે ચર્ચા કરતી ન હતી કે તેમને ડર લાગતો હતો કે આ ક્યાંક અમારા માથે આવી જાય નહીં. અરે ભાઈ માથે આવે તો આવે બરાબર ને? આપણે જવાબદાર લોકો છીએ, આપણી જવાબદારી છે.
અને આજે સ્વચ્છતાને કારણે શું સ્થિતિ બની છે. આ જો સ્વચ્છતા માટે ક્રમાંક બની રહ્યા છે અને સૌથી સ્વચ્છ શહેર કયું, બીજું કોણ, ત્રીજા ક્રમે કોણ જ્યારે તેના આંકડા બહાર આવે છે તો એ તમામ શહેરની ચર્ચા થાય છે. દબાણ પેદા થાય છે નીચેના રાજકારણીઓ પર પણ, સરકાર પર પણ કે જૂઓ પેલા શહેરનો નંબર આવી ગયો છે, તમે શું કરી રહ્યા છો? પછી સિવિલ સોસાયટીઓ મેદાનમાં આવે છે કે ભાઈ તે તો અમારા કરતાં પાછળ હતું, આગળ નીકળી ગયું, ચાલો આપણે પણ કાંઈક કરીએ. એક હકારાત્મક સ્પર્ધાનો માહોલ બની જાય છે. અને તેનું પણ એક પરિણામ આ આખી વ્યવસ્થામાં જોવા મળી રહ્યું છે.
આ વાત સાચી છે કે ટોઈલેટ બનાવીએ છીએ પરંતુ ઉપયોગ થતો નથી. પરંતુ જ્યારે આ સમાચાર આવે છે તો ખોટું નથી. તે જગાડે છે અને આપણે તેનાથી નારાજ થવું જોઇએ નહીં. હા, જો તેમાં એ બાબત આવે તો સારું થશે કે ભાઈ, સમાજની તેમાં જવાબદારી છે. પરિવારની જવાબદારી છે, વ્યક્તિની જવાબદારી છે કે તે આ શૌચાલય માટે આગ્રહી બને.
હું સાચો છું, હું તો પહેલા સામાજિક સંગઠનમાં કામ કરતો હતો, રાજકારણમાં તો ઘણો મોડેથી આવ્યો. ગુજરાતમાં કામ કરતો હતો, ત્યાં મોરબીના મચ્છુ ડેમની હોનારત થઈ હતી, હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું તો પાછળથી ત્યાં સફાઇ કાર્યમાં લાગેલો હતો, કામ કરતો હતો. સફાઈ સ્વચ્છતા આ તમામ કામ ચાલી રહ્યા હતા, લગભગ એક મહિનો ચાલ્યા હતા. પાછળથી અમે કેટલીક સિવિલ સોસાયટી અને એનજીઓના માધ્યમથી નક્કી કર્યું કે જેમના ઘર બરબાદ થઈ ગયા છે તેમના માટે મકાન બનાવીશું તો અમે એક ગામ દત્તક લીધું. લોકોએ ધન એકત્રિત કર્યું અને ગામનું પુન:નિર્માણ કરવાનું હતું, નાનકડું ગામ હતું કોઈ 350-400 ઘર હશે. તેઓ ડિઝાઇન બનાવી રહ્યા હતા, મારો આગ્રહ હતો કે શૌચાલય હોવું જ જોઇએ. ગામના લોકો કહેતા હતા કે ના તેની જરૂર નથી. અમારે ત્યાં તો મોટું ખુલ્લું મેદાન છે, શૌચાલય બનાવવાને બદલે થોડો ઓરડો મોટો બનાવી દો. મેં કહ્યું કે હું સમાધાન નહીં કરું. ઓરડા તો અમારી પાસે પૈસા છે તેટલા તમને બનાવી આપીશું પરંતુ શૌચાલય તો બનશે જ. જોકે તેમને તો મફતમાં મળનારું હતું એટલે તેમણે વધુ તકરાર કરી નહીં અને બની ગયું.
લગભગ 10-12 વર્ષ બાદ હું એ ગામ તરફ ગયો તો મને લાગ્યું કે ચાલો જૂના લોકોને મળતો જાઉં જ્યાં મેં ઘણા મહિનાઓ સુધી રહીને કામ કર્યું હતું તો મળવા ગયો, અને ત્યાં જઈને મેં માથે હાથ પછાડ્યા. જેમના શૌચાલય બનાવ્યા હતા તેમાં બકરીઓ બાંધવામાં આવી હતી. હવે આ સમાજનો સ્વભાવ છે, બનાવનારાઓનો દોષ નથી. ના તો સરકારનો દોષ છે કે કોઈ આગ્રહ કરે છે. સમાજનો એક સ્વભાવ છે. આ મર્યાદાઓને સમજીને પણ અમારે પરિવર્તન લાવવું છે.
કોઈ મને કહે કે શું હિન્દુસ્તાનમાં હવે જરૂરિયાત મુજબ શાળાઓ બની છે કે નથી બની? જરૂરિયાત મુજબ શિક્ષકોની ભરતી થઈ છે કે નથી થઈ? જરૂરિયાત મુજબ શાળાઓમાં પુસ્તકો અને સવલતો થઈ છે કે નહીં? બધું જ પર્યાપ્ત છે તેના પ્રમાણમાં શિક્ષણની સ્થિતિ પાછળ છે. હવે સરકાર એ પ્રયાસ કર્યા પછી પણ, ધન ખર્ચ કર્યા પછી પણ, મકાન બનાવ્યા પછી પણ, શિક્ષક રાખ્યા બાદ પણ, સમાજનો સહયોગ મળશે તો શિક્ષણ સો ટકા બનવામાં વાર નહીં લાગે. આ જ વ્યવસ્થા, આ જ શિક્ષક સો ટકા તરફ જઈ શકે છે. સમાજની ભાગીદારી વિના તે શક્ય નથી.
સરકાર વિચારે કે અમે મકાન બનાવી દઇશું, શિક્ષકોને પગાર આપી દઇશું તો કામ થઈ જશે. અમને સંતોષ થશે કે પહેલા આટલું હતું હવે આટલું કરી નાખ્યું. પરંતુ જ્યારે જન ભાગીદારી થશે, એક એક સ્કૂલમાં જ્યારે બાળક દાખલ થાય છે પણ પછી આવવાનું બંધ કરી દે છે તો મા-બાપ પણ તેને પૂછતા નથી. આ શૌચાલયનું પણ આવું જ છે. હવે તેથી જ સ્વચ્છતા એક જવાબદારીના રૂપમાં, એક દાયિત્વના રૂપમાં, જેટલું આપણે એક વાતાવરણ બનાવીશું તો દરેકને લાગશે કે 50 વાર વિચારવું પડશે.
અને તમે જૂઓ આપણા જે બાળકો છે, નાના બાળકો છે જે ઘરોમાં દીકરા છે,પૌત્રો છે, પૌત્રીઓ છે. તેઓ એક રીતે સ્વચ્છતાના મારા સૌથી મોટા એમ્બેસેડર છે. એ બાળકો ઘરમાં દાદા પણ કાંઈક ફેંકી દે છે, તો દાદા ઉપાડી લો, દાદા અહીં નાખતા નહીં આવું વાતાવરણ ઘરમાં બનાવો. જો આ વાત બાળકોના ગળે ઉતરી ગઈ તો આપણા ગળે કેમ નથી ઉતરતી?
માત્ર હાથ ધોવા, હાથ નહીં ધોવા. કેટલા બાળકોની જમતા પહેલા સાબુથી હાથ નહીં ધોવાથી મૃત્યુ થઈ રહ્યા છે પરંતુ તમે જેવી આ વાત કરશો તો લોકો સાબુ ક્યાંથી લાવશે, લોકો પાણી ક્યાંથી લાવશે? મોદીને તો ભાષણ કરવું છે. લોકો હાથ ક્યાંથી ધોશે? અરે ભાઈ ના ધૂએ તે ના ધૂએ પણ જે ધોઈ શકે છે તેમને તો ધોવા દો.
મોદીને ગાળો આપવા માટે હજારો વિષય છે હવે. તમને દરરોજ કાંઇકને કાંઇક આપું છું તેમ તેનો બરાબર ઉપયોગ કરો યાર. પરંતુ સમાજમાં જે પરિવર્તન લાવવાની જરૂરિયાત છે તેને આપણે આ રીતે મજાકનો વિષય કે રાજકારણના કઠેડામાં ના લાવ્યા કરો. એક સામૂહિક જવાબદારી તરફ આપણે ચાલીએ, તમે જોશો કે પરિવર્તન જોવા મળશે.
તમે જૂઓ આ બાળકોએ શું કામ કર્યું છે. હું દરરોજ આ બાળકોના ચિત્રોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. ગૌરવ સાથે પોસ્ટ કરતો હતો. હું એ બાળકોને જાણતો પણ ન હતો. પરંતુ મેં ચિત્રો જોયા, બાળકોએ સ્વચ્છતાનો ઉત્સાહ દેખાડ્યો, હું તેને પોસ્ટ કરતો હતો અને કરોડો લોકો સુધી પહોંચાડતો હતો. ચાલો ભાઈ. આ કેમ કરી રહ્યા છો, આ નિબંધ સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં સ્વચ્છતા હોય છે? તરત તો એમ લાગશે કે નથી હોતી, ચિત્રસ્પર્ધામાં સફાઈ હોય છે, ના.
સ્વચ્છતા માટે વૈચારિક આંદોલન પણ જરૂરી છે. વ્યવસ્થાઓના વિકાસથી જ પરિવર્તન આવતું નથી જ્યાં સુધી વૈચારિક આંદોલન પેદા થતું નથી. આ જો પ્રયાસ છે, ફિલમ બનાવો, ક્રિએટીવીટી લાવો, નિબંધ લખો આ તમામ ચીજો તેને એક વૈચારિક અધિષ્ઠાન આપવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે કોઈ વાત આપણા દિલમાં એક વિચારના રૂપમાં ઘૂસી જાય છે, તત્વોના રૂપમાં સ્થાન લઈ લે છે પછી તેને કરવું આસાન બની જાય છે. તો આ જે એક્ટિવિટી તેની સાથે જોડાઈ જાય છે તેની પાછળ પણ કોઈ હેતુ હોય છે. અને હું ઇચ્છીશ, હવે તમે જૂઓ, એક સમય એવો હતો અને મને એ વખતે પણ પીડા થતી હતી, દોષ આમ કરનારાઓનો જરાય નથી અને તેથી હું તેમને દોષ આપતો પણ નથી. પરંતુ કમર્શિયલ વર્લ્ડ છે જેમાંથી કમાણી થાય છે તેને આગળ ધપાવવાનો દરેકનો શોખ રહે છે, દરેકને કમાણીમાં રસ રહેશે જ રહેશે.
આજથી ચાર પાંચ વર્ષ અગાઉ તમે ટીવી પર એવા ઘણા કાર્યક્રમો જોયા હશે જેમાં કોઈ સ્કૂલમાં બાળકો સફાઇ અભિયાન માટે ગયા તો મોટી સ્ટોરી બનતી હતી, શિક્ષકો પર પ્રહારો થતા હતા કે બાળકોને શાળામાં સફાઈ કામ કરાવો છો? અને પછી તો વાલીઓને પણ મજા આવી જતી હતી કે તક મળી છે અને તેઓ પણ શાળાએ પહોંચી જતા હતા. કેમ મારા બાળકને ભણાવશો કે શફાઈ કરાવશો? આજે એટલું પરિવર્તન આવ્યું છે કે કોઈ સ્કૂલમાં બાળક સફાઈ કરે છે તો ટીવી પર મુખ્ય સમાચાર બની જાય છે અને આ કોઈ નાની બાબત નથી.
અને હું માનું છું કે આ સમગ્ર આંદોલનને આ દેશના તમામ મીડિયાએ ખભા પર લીધું ન હોત, ત્રણ વર્ષ થઈ ગયા દેશનું પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાએ સંપૂર્ણપણે પોતાને સ્વચ્છતાને પોતાની સાથે જોડી દીધું છે, ક્યારેક તો અમારા કરતાં પણ બે ડગલાં આગળ ચાલી રહ્યા છે.
મેં જોયું છે આ બાળકો, જેટલાએ બાળકોની ફિલ્મોને કેટલીક ટીવી ચેનલોએ સતત સમય આપ્યો છે, ચોક્કસ સમય આપ્યો છે, આ જ બાબત છે કે બધા કેવી રીતે સંકળાય, વધુને વધુ લોકો કેવી રીતે સંકળાય. તમે જૂઓ દુનિયામાં અત્યારે તક છે દેશને આગળ ધપાવવાની, 2022 સુધીમાં આપણે દેશને એવી જગ્યાએ પહોંચાડીને રહેવાનો છે, આવી રીતે ચૂપ બેસવાનું નથી. જો આમ કરવાનું છે તો એ મોટી વાત છે.
કોઈ પણ વ્યક્તિ, જો આપણા ઘરમાં ગંદકી પડી છે અને મહેમાન આવી ગયા. લગ્ન માટે પણ તમે આવ્યા છો અને ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડયું છે તો તમે વિચારશો કે બાકી બધું તો ઠીક, છોકરો ભણેલો ગણેલો છે પણ ઘરની હાલત કેવી છે અહીં આપણે દિકરી આપીને શું કરીશું પાછા ચાલ્યા જાય છે. જો કોઈ બહારથી આવશે તો હિન્દુસ્તાન જોશે, આગ્રાનો તાજમહેલ આટલો સુંદર, અને કોઈ જઈને આજું બાજુનું જોશે તો પરેશાન થઈ જશે તો કેમ ચાલશે?
કોણ દોષિત છે કે મારો મુદ્દો નથી. આપણે બધા મળીને કરીશું તો આ થઈ શકે છે, આ છેલ્લા ત્રણ વર્ષમાં મારા દેશવાસીઓએ દેખાડી દીધું છે જી, સિવિલ સોસાયટીએ દેખાડી દીધું છે, મીડિયાએ દેખાડી દીધું છે. અને જો આટલો સાથ સહકાર હોચ તેમ છતાં આપણે ઝડપ લાવી શકીએ નહીં તો તો પછી આપણે આપણી જાતને જવાબ આપવો પડશે.
હું ઇચ્છું છું કે આ બધી વાતોને ભાર આપો. તેને આગળ ધપાવો. આંકડામાં તો તમને કહ્યું કે ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ પરંતુ હજી પણ બન્યા પછી પણ એક સતત કરવાનું કામ હોય છે, ત્યારે જઈને કામ થાય છે.
ગામડામાં મંદીર હોય છે પરંતુ બધા લોકો થોડા મંદીરે જાય છે. માનવીનો સ્વભાવ છે નથી જતા. મંદીર હોવા છતાં નથી જતા. મસ્જિદ છે તો પણ નહીં જાય, ગુરુદ્વારા હશે તો પણ નહીં જાય, કોઈ તહેવારમાં જશે. તો આ સમાજનો સ્વભાવ છે, દુનિયા ચાલે છે અને એ પોતાની દુનિયામાં ચાલે છે. આપણે તેને જોડવો પડે છે, પ્રયાસ કરવો પડે છે. જ્યારે પ્રયાસ કરીએ છીએ તો ગાડી ચાલવા માંડે છે.
આંકડાના હિસાબથી લાગી રહ્યું છે કે ઝડપ બરાબર છે, દિશા પણ બરાબર છે. શાળામાં શૌચાલયની દિશામાં અભિયાન ચલાવ્યું. હવે શાળામાં બાળકીઓ જાય છે તો એ બાબતે જાગૃત રહે છે, પૂછે છે, વ્યવસ્થા જૂએ છે અને પછી એડમિશન લે છે. પહેલા આવું ન હતું, ઠીક છે જે હશે તે ચલાવી લઇશું, શા માટે ચલાવી લઈએ? આપણી દિકરીઓ શા માટે ચલાવી લે?
અને આ સ્વચ્છતાના વિષયને જ્યાં સુધી તમે એ મહિલાની દૃષ્ટિએ નહીં જૂઓ, ક્યારેય આ સ્વચ્છતાની તાકાતનો અંદાજ નહીં લગાવી શકો. તમે એ માતાને જૂઓ કે ઘરમાં દરેકને કચરો અહીં તહી ફેંકવાનો અધિકાર છે, એક માતા જ છે જેને બધા નોકરીએ, શાળાએ જતાં રહે એ પછી બે કલાક સુધી સફાઈ કરવી પડે છે. કમર તૂટી જતી હોય છે એ માતાને પૂછો કે જ્યારે અમે જતાં પહેલાં અમારી ચીજો વ્યસ્થિત રાખીને જઇએ છીએ તો તને કેવું લાગે છે? માતા જરૂર કહેશે કે બેટા મારી કમર તૂટી જતી હતી, સારું થયું કે હવે તું દરેક ચીજ જ્યાં હોવી જોઇએ ત્યાં રાખે છે તો મારું કામ દસ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. મને કહો કે દરેક મધ્યમ વર્ગના હોય, ઉચ્ચ મધ્યમ વર્ગના હોય, નિમ્ન મધ્યમ વર્ગના હોય,ગરીબ માતા હોય જેને ઘરની સફાઈમાં અડધો દિવસ લાગતો હતો જો પરિવારના દરેક લોકો પોતાની ચીજ તેની જગ્યાએ રાખે, માતાને ગંદકી સાફ કરવામાં મદદ કરે કે ન કરે માત્ર પોતાની ચીજ જ પોતાની જગ્યાએ રાખે તો એ માતાને કેટલી રાહત મળશે. શું આ કામ આપણે નથી કરી શકતા?
અને તેથી જ સ્વચ્છતાનો આખો અભિગમ દિમાગમાં છે. તમે કલ્પના કરી શકો છો. પુરુષોને હું પૂછવા માગું છું. તમે તો ગમે ત્યાં નાકા પર ઊભા રહી જાઓ છો. માફ કરજો મને આ પ્રકારની ભાષા માટે. એ માતા, દિકરી કે બહેનની હાલત જોઈ હશે તે પણ ક્યારેક કાંઈક ખરીદી કરવા માટે બજારમાં જાય છે તો તેને પણ કુદરતી જરૂરિયાત રહેતી હશે. પણ તે ખુલ્લામાં ક્યારેય કોઈ ક્રિયા કરતી નથી, ઘર પહોંચીને જ તેમ કરે છે. તે સહન કરી લે છે. આ કયા સંસ્કાર છે? જો એ માતાના તેના જ ઘરમાં બહેન કે દિકરીમાં સંસ્કાર છે તો મારામાં કેમ નથી? કેમ કે પુરુષના નાતે આપણે માનીને ચાલીએ છીએ કે આ બધી તો અમને પરવાનગી છે. જ્યાં સુધી આ પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આપણે સ્વચ્છતાને સમજી શકીશું નહીં.
તમે કલ્પના કરો ગામડામાં રહેનારી માતાઓ, બહેનો અરે શહેરમાં ઝૂંપડીમાં રહેનારી માતાઓ, બહેનો સવારે વહેલી ઉઠશે અને અજવાળું થાય તે પહેલાં જ કુદરતી કામો કરી નાખશે, જંગલોમાં જશે. ડર લાગે છે એટલે પાંચ સાત બહેનપણીઓને સાથે લઈને જાય છે અને એક વાર અજવાળું થઈ ગયું પછી પણ જરૂર પડી તો અંધારાની રાહ જોશે. શરીરને કેટલું કષ્ટ પડે છે કલ્પના કરો. આ માતાના આરોગ્યનું શું થશે, જેને સવારે 9-10 વાગ્યે શૌચાલય જવું છે તે સાંજે 7 વાગ્યા સુધી રાહ જોઈ રહે છે, જ્યારે અંધારું થાય ત્યારે જઇશ. એ માતાની હાલત શું થશે મને કહો. જો આટલી જ સંવેદના આવી જાય તો સ્વચ્છતાના વિષયમાં તમારે કોઈ ટીવી ચેનલ જોવી નહીં પડે, કોઈ ટીવી વાળાના સંબોધનને નહીં સમજવું પડે, કોઈ પ્રધાનમંત્રીની જરૂર નહીં પડે, કોઈ રાજ્ય સરકારની જરૂર નહીં પડે, તે પોતાની જાતે જ એક જવાબદારીનો હિસ્સો બની જશે.
અને તેથી જ હું તમામ દેશવાસીઓને આગ્રહ કરું છું. હમણાં જ યુનિસેફે એક રિપોર્ટ આપ્યો છે. તેણે ભારતના લગભગ દસ હજાર એવા પરિવારોનો સર્વે કર્યો છે જેમણે હવે ટોઇલેટ બનાવ્યા છે અને અગાઉની સરખામણીએ. અને તેમનું તારણ છે કે એક પરિવારમાં શૌચાલય નહીં હોવાને કારણે, સ્વચ્છતાની જાગૃતિ નહીં હોવાને કારણે વાર્ષિક સરેરાશ 50 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. પરિવારની મુખ્ય વ્યક્તિ બીમાર પડી ગઈ, બાકીના તમામ કામ ઠપ્પ થઈ જાય છે. વધારે બીમાર થઈ ગયો તો પરિવારના અન્ય બે લોકોને તેની સેવામાં લાગી જવું પડે છે. બીમારીથી બચવા માટે કોઈ શાહુકાર પાસેથી વ્યાજે રૂપિયા લાવવા પડે છે. એક રીતે 50 હજાર રૂપિયાનો બોજો એક પરિવાર પર આવી જાય છે.
જો આપણે સ્વચ્છતાને આપણો ધર્મ માની લઈએ, સ્વચ્છતાને આપણું કાર્ય માની લઇએ, એક એક પરિવારમાં 50 હજાર રૂપિયાની અને બીમારીને કારણે જે મુશ્કેલી આવે છે તેનાથી આપણે બચાવી શકીએ છીએ. તેના ખિસ્સામાં આપણે રૂપિયા આપીએ કે ન આપીએ પરંતુ તેના જીવનમાં 50 હજાર રૂપિયા ઘણા કામ આવે છે ભાઈઓ. અને તેથી જે જે સર્વે આવે છે, જે માહિતી પ્રાપ્ત થાય છે, તેનો એક સામાજિક જવાબદારીના રૂપમાં આપણે નિર્વાહ કરવો જોઇએ.
હું જ્યારથી પ્રધાનમંત્રી બન્યો છું ત્યારથી ઘણા લોકો મને મળે છે. રાજકીય કાર્યકર્તાઓ મળે છે, જે નિવૃત્ત અધિકારી છે તેઓ મળે છે, કેટલાક સામાજિક જીવનમાં કામ કરનારાઓ પણ મળે છે. અને અત્યંત વિવેક અને નમ્રતાથી મળે છે. પ્રેમથી મળે છે. અને જતાં જતાં મને એક બાયોડેટા પકડાવી જાય છે અને કહે છે કે મારા લાયક કોઈ સેવા હોય તો કહેજો. બસ હું હાજર છું તમે જે કહો તે. એટલા પ્રેમથી બોલે છે તો હું ધીમેથી કહું છું કે સ્વચ્છતા માટે થોડો સમય આપો ને તો તેઓ ફરીથી આવતા નથી.
હવે મને કહો મારી પાસે કામ માગવા આવે છે સુંદર બાયોડેટા લઈને આવે છે અને એ બધું જોઇને હું કહું છું તો પછી આવતા જ નથી. જૂઓ કોઈ કામ નાનું નથી હોતું, કોઈ કામ નાનું હોતું નથી. જો આપણે હાથ લગાવીશું તો કામ મોટું થઈ જશે અને તેથી જ આપણે મોટું બનાવવું જોઇએ.
હું એ તમામને હૃદયપૂર્વક અભિનંદન આપવા માગું છે એ 15 દિવસમાં ફરી એક વાર આ કાર્યમાં ઝડપ લાવવાનું મોટું કામ કર્યું છે. પરંતુ આ તમામ ચીજો, હજી પણ હું કહું છું કે આ શરૂઆત છે, ઘણું કરવાનું બાકી છે. જે બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો છે, જે શાળાના શિક્ષકોએ તેમને પ્રોત્સાહિત કર્યા છે, કોઈએ ફિલમ બનાવી હશે, કોઈએ નિબંધ લખ્યા હશે, કેટલાક લોકો જાતે જ સ્વચ્છતામાં જોડાયા, કેટલીક શાળાઓએ તો સતત દરરોજ સવારે જઈને અડધા કલાક માટે ગામડાના અલગ અલગ વિસ્તારોમાં જઇને માહોલ બનાવ્યો છે.
કેટલાક લોકોએ મહાપુરુષોના સ્ટેચ્યુ, મને નવાઈ લાગે છે કે મહાપુરુષોની પ્રતિમા લગાવવા માટે આપણે આટલા બધા ઝગડા કરીએ છીએ, બધા રાજનેતાઓ, બધા રાજકીય પક્ષો બધા જ લોકો. પરંતુ પાછળથી સફાઈ કરવા માટે કોઈ જવાબદારી લેતું નથી. બધાને લાગે છે કે હું તેમને માનું છું તેમની પ્રતિમા લાગવી જોઇએ, હું તેને માનું છું તેમનું પૂતળું લાગવું જોઇએ. પરંતુ એ જ સમાજના, તેની જ પાછળ લાગેલા લોકોને તેની સફાઈમાં રસ નથી. પછી તેની ઉપર બેસીને કબૂતરને જે કરવું હોય તે કરે મેદાન ખુલ્લું છે.
આ, આ સમાજ જીવનનો દોષ છે. અને તેથી જ આપણા બધાની જવાબદારી છે. કોઈ સારું છે, કોઈ ખરાબ છે તેમાં મારો મત નથી. આપણે બધાએ વિચારવાનું છે. અને જો આપણે બધા વિચારીશું તો ચોક્કસ પરિણામ મળશે. અને તેથી જ હું સત્યાગ્રહી, સ્વચ્છાગ્રહી. સ્વચ્છાગ્રહી તમામ મારા દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામના આપું છું.
પૂજ્ય બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી ઉપર આપણે ફરી એક વાર આપણી જાતને દેશને સમર્પિત કરીએ, સ્વચ્છતાને આપણે પ્રાથમિકતા આપીએ અને આ સ્વચ્છતા એવું કામ છે, કાંઈ નથી કરી શકતો, દેશની સેવા માટે અને કાંઈ તાકાત નથી ધરાવતો એ પણ કરી શકે છે. આ એટલું સરળ કામ છે. જેવી રીતે આઝાદીના આંદોલનમાં ગાંધીજીએ કહ્યું ‘કાંઈ નથી કરી શકતા તો તકલી લઈને બેસો’ આ આઝાદીનું કામ છે. મને લાગે છે કે શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આ નાનકડું કામ દરેક હિન્દુસ્તાની કરી શકે છે. ચાલો દરરોજ પાંચ મિનિટ, દસ મિનિટ, 15 મિનિટ, અડધો કલાક કાંઇકને કાંઇક કરીશ. તમે જૂઓ, દેશમાં સ્વાભાવિક પરિવર્તન આવશે અને એ સ્પષ્ટ છે કે દુનિયાની સામે આપણે ભારતને દુનિયાની નજરમાં જોવાની આદત રાખી છે, આમ કરવાનું જ છે અને કરીને જ રહીશું.
ખૂબ ખૂબ ધન્યવાદ.