હું તમામ પક્ષોને આ પ્રસ્તાવ જે ગૃહમાં લાવવામાં આવ્યો છે તેનો અસ્વીકાર કરવાની વિનંતી કરું છું: વડાપ્રધાન મોદી 

આજે રાષ્ટ્રે અમુક સભ્યો દ્વારા ફેલાવવામાં આવેલી નકારાત્મકતા જોઈ. ભારતે જોયું કે કેવી રીતે કેટલાક લોકો વિકાસનો પ્રખર વિરોધ કરી રહ્યા છે: વડાપ્રધાન

વિપક્ષના કેટલાક સભ્યોમાં આજે આપણે ઘમંડની તીવ્રતા જોઈ. તેમણે એક જ વાત કરી - મોદી હટાવો: વડાપ્રધાન

અમે અહીં એટલા માટે છીએ કારણકે અમને 125 કરોડ ભારતીયોના આશીર્વાદ પ્રાપ્ત છે. અમે અહીં અંગત સ્વાર્થ માટે નથી: લોકસભામાં વડાપ્રધાન

અમે દેશની 'સબ કા સાથ સબ કા વિકાસ' ના મંત્ર સાથે સેવા કરી છે: વડાપ્રધાન મોદી 

અમારી સરકારને એ 18,000 ગામડાઓનું વીજળીકરણ કરવાનું સન્માન મળ્યું છે જે 70 વર્ષથી અંધકારમાં રહ્યા હતા: વડાપ્રધાન મોદી

અમારી સરકારે ગરીબો માટે બેન્ક એકાઉન્ટ્સ ખોલ્યા. અગાઉ ગરીબો માટે બેન્કોના દ્વાર ક્યારેય ખોલવામાં આવ્યા ન હતા: લોકસભામાં વડાપ્રધાન 

એ NDA સરકાર છે જે આયુષ્માન ભારત જેવી યોજના લાવી છે જે ગરીબોને ઉચ્ચ સ્તરની આરોગ્યસુરક્ષા પૂરી પાડશે: લોકસભામાં વડાપ્રધાન

મુદ્રા યોજના અનેક યુવાનોના સ્વપ્ન સાકાર કરી રહી છે. ભારત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે: વડાપ્રધાન

ભારતનું અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે અને ભારત વૈશ્વિક અર્થતંત્રને પણ મજબૂત બનાવી રહ્યું છે: વડાપ્રધાન

કાળાનાણા વિરુદ્ધની લડાઈ ચાલુ રહેશે. મને ખબર છે કે તેને કારણે મેં ઘણા દુશ્મનો ઉભા કર્યા છે, પરંતુ એ યોગ્ય હતું: લોકસભામાં વડાપ્રધાન મોદી

કોંગ્રેસને ECI, ન્યાયતંત્ર, RBI, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પર વિશ્વાસ નથી. તેમને કોઈના પર વિશ્વાસ નથી: વડાપ્રધાન

એક નેતાએ ડોકલામ અંગે કહ્યું. એ જ નેતાએ આપણી સેનાઓ કરતા ચીનના રાજદૂત પર વધુ વિશ્વાસ કર્યો હતો. આપણે આ ક્યાં આવી પહોંચ્યા છીએ? દરેક બાબતોને બાળકબુદ્ધિથી આંકી ન શકાય: વડાપ્રધાન

રફાલ પર ગૃહમાં બેજવાબદાર આરોપ મૂકવાને લીધે બંને દેશોએ નિવેદન જાહેર કરવા પડ્યા: વડાપ્રધાન મોદી

કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક કહી. તમારે મને જેટલા અપશબ્દો કહેવા હોય કહી શકો છે. ભારતીય જવાનોનું અપમાન કરવાનું બંધ કરો: વડાપ્રધાન

કોંગ્રેસે ચરણ સિંઘ જી સાથે શું કર્યું? તેમણે ચંદ્ર શેખર જી સાથે શું કર્યું? તેમણે દેવે ગૌડા જી સાથે શું કર્યું? તેમણે આઈ કે ગુજરાલ જી સાથે શું કર્યું?: વડાપ્રધાન મોદી

આજે સમગ્ર રાષ્ટ્રે જોયું કે આંખોએ શું કર્યું. તમામ લોકો સામે એ બાબત સ્પષ્ટ છે: લોકસભામાં કોંગ્રેસ પ્રમુખની ટીખળ કરતા વડાપ્રધાન

કોંગ્રેસ આંધ્રપ્રદેશના ભાગલા માટે જવાબદાર છે; NDA સરકાર આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિકાસ માટે કટિબદ્ધ છે: લોકસભામાં વડાપ્રધાન મોદી

ઈન્ટરનેટ બેન્કિંગથી બહુ પહેલા કોંગ્રેસ પક્ષે ફોન બેન્કિંગની શોધ કરી હતી જેણે NPAની સમસ્યા ઉભી કરી. એક ફોન કોલથી તેમના પ્રિયજનોને લોન મળી જતી અને દેશને સહન કરવું પડ્યું: વડાપ્રધાન મોદી

આ સરકાર મુસ્લિમ મહિલાઓની ન્યાયની માંગણી સાથે ઉભી છે: લોકસભામાં વડાપ્રધાન મોદી

હિંસાનો કોઇપણ બનાવ દેશ માટે શરમજનક છે. હું ફરીથી રાજ્ય સરકારોને વિનંતી કરું છું કે જે લોકો હિંસામાં સંમિલિત છે તેમને સજા કરે: વડાપ્રધાન મોદી

આદરણીય અધ્યક્ષાજી, હું તમારો આભાર વ્યક્ત કરું છું, જે ધૈર્યની સાથે તમે સદનનું આજે સંચાલન કર્યું છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ એક રીતે આપણી લોકશાહીની મહત્વપૂર્ણ શક્તિનું પરિચાયક છે. ભલે ટીડીપીના માધ્યમથી આ પ્રસ્તાવ આવ્યો હોય, પરંતુ તેમની સાથે જોડાયેલ અનેક માનનીય સદસ્યોએ પ્રસ્તાવનો સમર્થન કરીને વાતો કહી છે. અને એક ઘણો મોટો વર્ગ છે જેણે પ્રસ્તાવનો વિરોધ કરીને વાતો કહી છે. હું પણ આપ સૌને આગ્રહ કરીશ કે આપણે સૌ આ પ્રસ્તાવને રદ કરીએ અને આપણે સૌ ત્રીસ વર્ષ પછી દેશમાં સંપૂર્ણ બહુમત સાથે બનેલી સરકારે જે ગતિએ કામ કર્યું છે તેની પર ફરી એકવાર વિશ્વાસ રજૂ કરીએ.

આમ તો હું સમજુ છું કે આ સારો મોકો છે કે આપણને તો આપણી વાત કહેવાનો મોકો મળી જ રહ્યો છે પરંતુ દેશને આ પણ ચહેરો જોવા મળ્યો છે કે કેવી નકારાત્મકતા છે, વિકાસ પ્રત્યે કેવો વિરોધનો ભાવ છે. કેવી રીતે નકારાત્મક રાજનીતિએ કેટલાક લોકોને ઘેરીને રાખ્યા છે અને તે સૌના ચહેરા નિખરીને સાજો શણગાર સાથે બહાર આવ્યા છે. અનેક લોકોના મનમાં પ્રશ્ન છે કે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો કેમ? ન તો સંખ્યા છે, ન સદનમાં બહુમત છે અને છતાં પણ આ પ્રસ્તાવને સદનમાં લાવવામાં કેમ આવ્યો? અને સરકારને પાડી દેવા માટે આટલી ઉતાવળ હતી તો મને નવાઈ લાગી હતી કે સામે આને 48 કલાક રોકી દેવામાં આવે, ચર્ચાની જલ્દી ઉતાવળ નહોતી. જો વિશ્વાસ પ્રસ્તાવ પર જલ્દી ચર્ચા નહીં થાય તો શું આકાશ તુટી પડશે શું? ભૂકંપ આવી જશે શું? ખબર નહીં જો ચર્ચાની તૈયારી નહોતી, 48 કલાક વધારે મોડું કરી નાખો, તો પછી લાવ્યા જ કેમ? અને એટલા માટે જ હું સમજુ છું કે આને ટાળવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો હતો, તે પણ એ વાત જણાવે છે કે તેમની શું મુશ્કેલી છે.

ન માંઝી, ન રાહબર, ન હકમાં હવાઓ, હૈ કશ્તી ભી જરજર, યહ કૈસા સફર હૈ

ક્યારેક તો લાગે છે કે બધા જ ભાષણો જે હું સાંભળી રહ્યો હતો, જે વ્યવહાર જોઈ રહ્યો હતો હું નથી માનતો કે કોઈ અજ્ઞાનવશ થયું છે, અને ના તો તે ખોટા આત્મવિશ્વાસના લીધે થયું છે. આ એટલા માટે થયું છે કે અહંકાર આ પ્રકારની અનુભૂતિ કરવા માટે ખેંચીને લઇ જઈ રહ્યો છે. મોદી હટાવો અને હું અચંબિત છું કે આજે સવારે પણ હજુ તો ચર્ચાની શરૂઆત જ થઈ હતી, મતદાન થયું પણ નહોતું, જય પરાજયનો નિર્ણય નહોતો થયો, છતાં પણ જેને અહિયાં સુધી પહોંચવાનો ઉત્સાહ છે….ઉઠો, ઉઠો, ઉઠો. ન તો અહિયાં કોઈ ઉઠાડી શકે છે, ન બેસાડી શકે છે, સવા સો કરોડ દેશવાસી બેસાડી શકે છે, સવા સો કરોડ દેશવાસી ઉઠાડી શકે છે.

લોકશાહીમાં જનતા પર ભરોસો હોવો જોઈએ, એટલી ઉતાવળ શું છે? અને અહંકાર જ છે કે જે કહે છે કે અમે ઉભા થઈશું, પ્રધાનમંત્રી 15 મિનીટ સુધી ઉભા નહીં રહી શકે.

આદરણીય અધ્યક્ષ મહોદયજી, હું ઉભો પણ છું અને ચાર વર્ષ સુધી અમે જે કામ કર્યું છે તેની પર અડગ પણ છું. અમારી વિચારધારા તેમના કરતા જુદી છે. અમે તો શીખ્યું છે “સાર સારકો ગહી રહૈ, થોથા દેઈ ઉડાય.” વારુ, હું સાર ગ્રહણ કરવા માટે ઘણી મહેનત કરી રહ્યો હતો પરંતુ આજે સાર મળ્યો નહીં. ડંકાની ચોટ પર અહંકાર એ કહે છે કે 2019માં સત્તામાં આવવા નહીં દઈએ, જેઓ લોકોમાં વિશ્વાસ નથી કરતા અને પોતાને જ ભાગ્યવિધાતા માને છે તેમના મોઢેથી આવા શબ્દો નીકળે છે.

લોકશાહીમાં જનતા જનાર્દન ભાગ્યવિધાતા હોય છે લોકતાંત્રિક પ્રક્રિયાઓ પર ભરોસો હોવો જરૂરી છે. જો 2019માં કોંગ્રેસ સૌથી મોટું દળ બને છે તો હું પ્રધાનમંત્રી બનીશ, પરંતુ બીજાઓની ઘણી બધી ઈચ્છાઓ છે, તેમનું શું થશે? આ વિષયમાં મૂંઝવણ છે. અધ્યક્ષ મહોદયાજી, આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, આ તો કોંગ્રેસના પોતાના તથાકથિત સાથીઓનો ફ્લોર ટેસ્ટ છે. હું જ પ્રધાનમંત્રી બનીશના સપના પર અને 10–20 થોડી મહોર લગાવી દઈએ, તેના માટે ટ્રાયલ ચાલી રહી છે. આ પ્રસ્તાવના બહાને પોતાના પ્રભાવને જે જમાવવાની કોશિશ કરી છે, એ ક્યાંક વિખેરાઈ ન જાય તેની ચિંતા થઈ રહી છે. એક મોદીને હટાવવા માટે જેની સાથે ક્યારેય જોવાનો પણ સંબંધ નથી, મળવાનો પણ સંબંધ નથી, એવી વિચારધારાઓને એકઠી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મારી કોંગ્રેસના સાથીઓને સલાહ છે કે, ક્યારેય પણ જો તમને તમારા સંભવિત સાથીઓની પરીક્ષા લેવી હોય તો જરૂરથી લેજો, પરંતુ ઓછામાં ઓછું અવિશ્વાસ પ્રસ્તાવનું બહાનું તો ન જ બનાવતા. જેટલો વિશ્વાસ તે સરકાર પર કરે છે ઓછામાં ઓછો તેટલો વિશ્વાસ પોતાના સંભવિત સાથીઓ પર તો કરો. આપણે અહિયાં એટલા માટે છીએ કે આપણી પાસે સંખ્યાબળ છે, આપણે અહિયાં એટલા માટે છીએ કે સવા સો કરોડ દેશવાસીઓના આપણને આશીર્વાદ છે. પોતાની સ્વાર્થસિદ્ધિ માટે દેશના મન પર, દેશવાસીઓના દીધેલા આશીર્વાદ પર ઓછામાં ઓછું અવિશ્વાસ ન કરો. કોઇપણ ખાતરી કર્યા વિના, કોઇપણ વોટ બેંકની રાજનીતિ કર્યા વિના સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્ર પર અમે કામ કરતા રહ્યાં છીએ. છેલ્લા ચાર વર્ષમાં એ વર્ગો અને ક્ષેત્રોમાં કામ જ્યાં કોઈ ચમક-દમક નહોતી. 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું કામ સરકાર પહેલા પણ કરી શકતી હતી, પરંતુ અધ્યક્ષ મહોદયા આ 18,000ગામડાઓમાંથી 15,000 ગામડા પૂર્વીય ભારતના અને તે 15,000માંથી પણ 5 હજાર ગામડા સંપૂર્ણ રીતે પૂર્વોત્તરના તમે કલ્પના કરી શકો છો, આ વિસ્તારોમાં કોણ રહે છે. આપણા આદિવાસીઓ, આપણા ગરીબો રહે છે. દલિત, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, જંગલોમાં જિંદગી ગુજારનારાઓ હોય, તેમનો ઘણો મોટો સમુદાય રહે છે પરંતુ આ લોકો એમ નહોતા કરતા, કારણ કે તેઓ તેમના મતના ગણિતમાં બંધબેસતા નહોતા અને તેમનો આ વસતી પર વિશ્વાસ નહોતો, તેના જ લીધે પૂર્વોત્તરને જુદું-જુદું કરી દેવામાં આવ્યું હતું. અમે માત્ર આ ગામડાઓમાં વીજળી પહોંચાડી છે એવું નથી, અમારા સંપર્કના દરેક માર્ગ પર ઝડપી ગતિએ કામ કર્યું.

બેંકના દરવાજા… ગરીબોના નામ પર બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, પરંતુ બેંકના દરવાજા ગરીબોની માટે ન ખુલ્યા. જ્યારે તેમની સરકાર હતી, આટલા વર્ષો બેઠા હતા, તેઓ પણ ગરીબોના માટે બેંકના દરવાજા ખોલી શકતા હતા. લગભગ 32 કરોડ જન-ધન ખાતા ખોલવાનું કામ અમારી સરકારે કર્યું અને આજે 80,000 કરોડ રૂપિયા આ ગરીબોએ બચત કરીને આ જન-ધન ખાતામાં જમા કર્યા છે. માતાઓ અને બહેનોને માટે તેમના સન્માન માટે 8 કરોડ શૌચાલયો બનાવવાનું કામ આ સરકારે કર્યું છે. આ પહેલાની સરકાર પણ કરી શકતી હતી. ‘ઉજ્જવલા યોજના’ વડે સાડા ચાર કરોડ ગરીબ માતાઓ બહેનોને આજે ધુમાડા મુક્ત જિંદગી અને વધુ સારા સ્વાસ્થ્યનું કામ, આ વિશ્વાસ જગાડવાનું કામ અમારી સરકારે કર્યું છે. આ તે લોકો હતા જે 9 સીલીન્ડરો અને 12 સીલીન્ડરોની જ ચર્ચામાં ખોવાયેલા હતા. તેમના અવિશ્વાસની વચ્ચે તેઓ જનતાને ભટકાવી રહ્યા હતા. એક આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર વીતેલા બે વર્ષોમાં પાંચ કરોડ દેશવાસીઓ ભીષણ ગરીબીથી બહાર આવ્યા, 20 કરોડ ગરીબોને માત્ર 90 પૈસા પ્રતિદિન અને એક રૂપિયા મહિનાના પ્રિમિયમ પર વીમાનું સુરક્ષા કવચ પણ મળ્યું. આવનારા દિવસોમાં ‘આયુષ્માન ભારત યોજના’ અંતર્ગત પાંચ લાખ રૂપિયાની બીમારીમાં મદદ કરવાની ખાતરી આ સરકારે આપી છે. તેમને આ વાતો પર પણ ભરોસો નથી. અમે ખેડૂતની આવક 2022 સુધી બમણી કરવાની દિશામાં એક પછી એક પગલાઓ ઉઠાવી રહ્યા છીએ. તેના પર પણ એમને ભરોસો નથી. અમે બિયારણથી લઈને બજાર સુધી સંપૂર્ણ વ્યવસ્થાની અંદર સુધારો કરી રહ્યા છીએ, અમર્યાદિત વ્યવસ્થાઓ બનાવી રહ્યા છીએ, તેની પર પણ તેમને વિશ્વાસ નથી. 80 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને વર્ષો સુધી અટકેલી 99 સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરવાનું કામ ચાલી રહ્યું છે, કેટલીક પરિયોજનાઓ પૂર્ણતા પર પહોંચી ગઈ છે, કેટલીકનું લોકાર્પણ થઈ ચુક્યું છે, પરંતુ તેના પર પણ તેમનો ભરોસો નથી. અમે 15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ પહોંચાડ્યા, આધુનિક ખેતી તરફ ખેડૂતોને લઇ ગયા. પરંતુ તેના પર પણ તેમનો ભરોસો નથી. અમે યૂરિયામાં નીમ કોટિંગ, તેમણે થોડું કરીને છોડી દીધું, શત પ્રતિશત કર્યા વિના તેનો લાભ નથી મળી શકતો. અમે સો ટકા નીમ કોટિંગનું કામ કર્યું. જેનો લાભ દેશના ખેડૂતોને થયો છે. યૂરિયાની જે અછત અનુભવાતી હતી તે બંધ થઈ અને તેની પર પણ તેમનો વિશ્વાસ નથી. માત્ર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના માધ્યમથી જ ખેડૂતોને વિશ્વાસ અપાવવાનું કામ નથી થયું, માત્ર પ્રિમિયમ જ ઓછું નથી કર્યું પરંતુ વીમાની સીમા રેખા પણ અમે વધારી છે. ઉદાહરણ રૂપે 2016-17માં ખેડૂતોએ આશરે 1300 કરોડ રૂપિયા વીમાના પ્રિમિયમના રૂપમાં આપ્યા, જ્યારે તેમને સહાયતાના રૂપમાં 5500 કરોડ રૂપિયાથી વધુની કલેઈમની રકમ આપવામાં આવી, એટલે કે ખેડૂતો પાસેથી જેટલું લેવામાં આવ્યું, તેના કરતા ત્રણ ગણી વધારે દાવાની રકમ આપવામાં આવી, એટલે કે ખેડૂતો પાસેથી જેટલું લેવામાં આવ્યું, તેના કરતા ત્રણ ગણી વધારે કલેઈમ રકમ અમે તેમને પહોંચાડી દીધી છે પરંતુ આ લોકોને વિશ્વાસ નથી થતો.

માનનીય અધ્યક્ષ મહોદયા એલઈડી બલ્બ… જરા જણાવો તો ખરા કે શું કારણ છે કે તેમના સમયગાળામાં એલઈડી બલ્બ સાડા ત્રણ સો, ચાર સો, સાડા ચારસો રૂપિયામાં વેચાતો હતો. આજે તે એલઈડી બલ્બ 40–45 રૂપિયાએ પહોંચી ગયો છે. અને 100 કરોડ એલઈડી બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લાગી ચુક્યા છે અને તેના લીધે તે નગરપાલિકાઓના ખર્ચમાં પણ બચત થઈ છે. તેમના સમયમાં મોબાઈલ ઉત્પાદક કંપનીઓ બે હતી, આજે મોબાઈલ ફોન બનાવનારી 120 કંપનીઓ છે પરંતુ તેમનો વિશ્વાસ કામ નથી કરી રહ્યો. યુવાનોના સ્વરોજગાર માટે પહેલા ભણેલા ગણેલા નવયુવાનોને સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવતા હતા. તેઓ રોજી રોટી માટે ભટકતા હતા, અમે મુદ્રા યોજના હેઠળ 13 કરોડ નવયુવાનોને લોન આપવાનું કામ કર્યું છે. એટલું જ નહીં સમય બદલાઈ ગયો છે. આજે 10,000થી વધુ સ્ટાર્ટ અપ આપણા દેશના નવયુવાનો ચલાવી રહ્યા છે અને દેશને નવીનીકૃત ભારત તરફ લઇ જવાનું કાર્ય કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે ડિજિટલ લેવડ-દેવડની વાત કરવામાં આવી તો આ જ સદનમાં મોટા-મોટા વિદ્વાન લોકો કહેવા લાગ્યા, આપણો દેશ તો અભણ છે, ડિજિટલ વ્યવહારો કઈ રીતે કરી શકે છે, આપણા દેશના ગરીબો સુધી તો આ કઈ રીતે પહોંચી શકે છે?

અધ્યક્ષ મહોદયાજી, જે લોકો આ રીતે દેશની જનતાની તાકાતને ઓછી આંકતા હતા, તેમને જનતાએ કડક જવાબ આપ્યો છે. એકલી ભીમ એપ અને મોબાઈલ ફોનથી એક મહિનામાં 41 હજાર કરોડ રૂપિયાનાં વ્યવહારો આ આપણા દેશમાં આજે નાગરિકો કરી રહ્યા છે. પરંતુ તેમનો દેશની જનતા પર વિશ્વાસ નથી, અભણ છે, એ લોકો નહીં કરે, એ જ માનસિકતાનું પરિણામ છે.

અધ્યક્ષ મહોદયજી, વેપાર કરવાની સરળતામાં 42 ક્રમનો સુધારો થયો છે, આ લોકોને તેના પર પણ શંકા છે. એ સંસ્થાઓ પર પણ અવિશ્વાસ કરવા લાગ્યા છે. વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંકમાં 31 અંકનો સુધારો થયો છે તેમાં પણ આમને શંકા થઈ રહી છે. નવીનીકરણ સૂચકાંકમાં 24 અંકનો સુધારો થયો છે. વેપાર કરવાની સરળતાને વધારીને સરકાર વેપાર કરવાનો ખર્ચ પણ ઘટાડી રહી છે. મેક ઇન ઇન્ડિયા હોય કે જીએસટી તેની પર પણ તેમનો વિશ્વાસ નથી. ભારતે પોતાની સાથે જ સમગ્ર દુનિયાના આર્થિક વિકાસને મજબૂતી આપી છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસિત થનારી અર્થવ્યવસ્થા ભારત છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા છે. અને આ જયકાર સરકારમાં બેઠેલા લોકોનો નથી. સવા સો કરોડ હિન્દ્સ્તાનીઓના પુરુષાર્થનો છે. અરે તેના માટે તો ગૌરવ કરતા શીખો. પરંતુ તે પણ ગૌરવ કરવાનું નથી જાણતા.

5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આજે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અમે કાળા નાણાની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું છે અને આ યુદ્ધ અટકવાનું નથી અને હું જાણું છું કે તેના લીધે કેવા-કેવા લોકોને તકલીફો થઈ રહી છે. તેમના જખ્મો હજુ પણ તેમના ભરાઈ નથી રહ્યા, તે તો તમારા વ્યવહારથી અમને ખબર પડી રહી છે. અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ટેકનોલોજીના માધ્યમથી સરકારી ખજાનાના રૂપિયા, જે ક્યાંક બીજે જતા રહેતા હતા તેમાં 90 હજાર કરોડ રૂપિયા બચાવવાનું કામ ટેકનોલોજીના માધ્યમથી કર્યું છે. ખોટા હાથમાં જતા હતા, કેવી રીતે દેશ ચાલતો હતો તે આપણે સારી રીતે જાણીએ છીએ. અઢી લાખથી વધુ બનાવટી કંપનીઓ તેને અમે તાળા મારી દીધા છે. બીજી પણ હજુ આશરે બે-સવા બે લાખ કંપનીઓ આજે પણ નજરમાં છે, ગમે ત્યારે તેના પર તાળા લાગી શકે છે. કારણ કે તેને ઉછેરી કોણે, કઈ તાકાતો હતી જે તેને પ્રોત્સાહન આપતી હતી અને આ વ્યવસ્થાઓના માધ્યમથી પોતાની રમતો રમી રહી હતી. બેનામી સંપત્તિનો કાયદો સદનમાં પસાર કર્યો. 20 વર્ષ સુધી નોટીફાઈ કરવામાં ન આવ્યો, શા માટે? કોને બચાવવા માંગતા હતા? અને અમે આવીને આ કામને પણ કર્યું અને મને ખુશી છે કે અત્યાર સુધીમાં સાડા ચાર હજાર કરોડ રૂપિયાની સંપત્તિને આ બેનામી સંપત્તિ તરીકે જપ્ત કરી લેવામાં આવી છે. દેશને વિશ્વાસ છે, દુનિયાને વિશ્વાસ છે, દુનિયાની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને વિશ્વાસ છે, પરંતુ જેઓ પોતાના પર વિશ્વાસ નથી કરી શકતા, તેઓ અમારા પર વિશ્વાસ કઈ રીતે કરી શકે છે.

અને આ પ્રકારની માનસિકતા વાળા લોકોને માટે આપણા શાસ્ત્રોમાં ખૂબ સારી રીતે કહેવામાં આવ્યું છે ‘ધારા નૈવ પતન્તી ચાતક મુખે મેઘસ્ય કીં દોષણામ્’ એટલે કે ચાતક પક્ષીના મોઢામાં વરસાદના ટીપા સીધા નથી પડતા તો તેમાં વાદળાનો શું વાંક.

અધ્યક્ષ મહોદયા, કોંગ્રેસને પોતાની જાત પર અવિશ્વાસ છે. તેઓ અવિશ્વાસથી ઘેરાયેલા છે, અવિશ્વાસ જ તેમની સંપૂર્ણ કાર્યશૈલી. તેમની સાંસ્કૃતિક જીવનશૈલીનો ભાગ છે. તેમને વિશ્વાસ નથી, સ્વચ્છ ભારત – તેમાં પણ વિશ્વાસ નથી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – તેના પર પણ વિશ્વાસ નથી, દેશના મુખ્ય ન્યાયાધીશ – તેમના પર પણ વિશ્વાસ નથી, રીઝર્વ બેંક – તેના પર પણ વિશ્વાસ નથી. અર્થવ્યવસ્થાના આંકડા આપનારી સંસ્થાઓ – તેમના પર પણ વિશ્વાસ નથી. દેશની બહાર પાસપોર્ટની તાકાત શું વધી રહી છે અથવા આંતરરાષ્ટ્રીય મંચો પર દેશનું ગૌરવગાન કેવી રીતે થઈ રહ્યું છે તેના પર પણ તેમને વિશ્વાસ નથી. ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી, ઈવીએમ પર વિશ્વાસ નથી. શા માટે? કારણ કે તેમને તેમની પોતાની જાત પર વિશ્વાસ નથી અને આ જ અવિશ્વાસ શા માટે વધી ગયો? જ્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો પોતાનો જ વિશેષ અધિકાર માનતા હતા, પોતાનો જ વિશેષાધિકાર માનીને જે લોકો બેઠા હતા જ્યારે તે જનાધિકારમાં પરિવર્તિત થવા લાગ્યો તો જરા એમને તાવ ચડવા લાગ્યો, તકલીફ થવા માંડી. કારણ કે જ્યારે પ્રક્રિયાઓને અસર કરવાની પરંપરાને બંધ કરવામાં આવી તો તેમને તકલીફ થવી એ ખૂબ સ્વાભાવિક હતું. જ્યારે ભ્રષ્ટાચાર પર સીધો પ્રહાર થવા લાગ્યો તો તેમને તકલીફ થવી એ ખૂબ સ્વાભાવિક હતું. જ્યારે ભ્રષ્ટાચારની કમાણી આવવાની બંધ થઈ ગઈ તો તેમની બેચેની વધવા લાગી, એ પણ સ્પષ્ટ છે, જ્યારે કોર્ટ કચેરીમાં તેમને પણ હાજર થવું પડ્યું તો જરા તકલીફ થવા લાગી.

હું હેરાન છું કે અહિં આગળ આવા વિષયોને સ્પષ્ટ કરવામાં આવ્યા. આજકાલ શિવભક્તિની વાતો થઈ રહી છે. હું પણ ભગવાન શિવને પ્રાર્થના કરું છું. હું સવા સો કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું તમને એટલી શક્તિ આપે, એટલી શક્તિ આપે કે 2024માં તમે ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લઇને આવો. મારી તમને શુભકામનાઓ છે. અહિયાં આગળ ડોક્લામની ચર્ચા કરવામાં આવી. હું માનું છું કે જે વિષયની જાણકારી ન હોય ક્યારેક-ક્યારેક તેના પર બોલવાથી વાત ઊંધી થઈ જતી હોય છે. તેમાં વ્યક્તિનું નુકસાન ઓછું છે, દેશનું નુકસાન વધુ છે અને એટલા માટે આવા વિષયો પર બોલતા પહેલા થોડું સંભાળીને ચાલવું જોઈએ. આપણને ઘટનાક્રમ જરા યાદ રહેવો જોઈએ જ્યારે આખો દેશ, આખું તંત્ર, આખી સરકાર ભેગા થઈને, ડોક્લામના વિષયને લઈને પ્રગતિશીલ હતા, પોત-પોતાની જવાબદારીઓ સાંભળી રહ્યાં હતા, ત્યારે ડોક્લામની વાતો કરતા ચીનના રાજદૂતની સાથે બેસો છો અને પછીથી ક્યારેક હા તો ક્યારેક ના. જે રીતે ફિલ્મી અંદાજમાં ચાલી રહ્યું હતું, નાટકીય ઢંગથી ચાલી રહ્યું હતું. કોઈ કહેતું હતું મળ્યા પછી કોઈ કહેતું હતું નથી મળ્યા, કેમ ભાઈ? આવું રહસ્ય શા માટે? હું સમજુ છું…. અને કોંગ્રેસ પ્રવક્તાએ તો પહેલા સ્પષ્ટ રીતે ના કહી દીધી હતી કે તેમના ઉપાધ્યક્ષ ચીની રાજદૂતને મળ્યા જ નથી. આ દરમિયાન એક અખબારી યાદી પણ આવી ગઈ અને પછી કોંગ્રેસને માનવા માટે મજબૂર થવું પડ્યું કે હા મુલાકાત થઈ હતી. શું દેશ, દેશના વિષયોની કોઈ ગંભીરતા નથી હોતી કે શું? શું દરેક જગ્યાએ બાળકો જેવી હરકતો કરતા રહીશું કે?

અહિં આગળ રાફેલ વિવાદને છેડવામાં આવ્યો. હું કલ્પના નથી કરી શકતો તે સત્યને આ રીતે પણ કચડી નાખવામાં આવી શકે છે. સત્યને આ રીતે પણ નાબૂદ કરવામાં આવે છે અને વારે-વારે બુમો પાડી પાડીને દેશને ગુમરાહ કરવાનું કામ અને આ જ વિષયો પર દેશની સુરક્ષા સાથે જોડાયેલા વિષયો પર જ આ રીતે રમતો રમવામાં આવી રહી છે. એને દેશ ક્યારેય માફ નહીં કરે. એ કેટલું દુઃખદ છે કે આ સદન પર લગાવવામાં આવેલા આરોપો પર બંને દેશોએ નિવેદન જાહેર કરવું પડ્યું. હું સમજુ છું… અને બંને દેશને ખંડન કરવું પડ્યું. શું આવી બાળપણની હરકતો આપણે કરતા જ રહીશું? કોઈ જવાબદારી જેવું છે કે નહીં. જે લોકો આટલા વર્ષો સત્તામાં રહ્યાં… હાથ-પગ વગર, કોઈપણ સાબિતીઓ વગર બસ બુમો પાડતા રહો, ચીસો પાડતા રહો. આ સત્યનું ગળું દબાવવાની કોશિશ છે, દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે અને દર વખતે જનતાએ તેમને જવાબ આપ્યો છે અને જ્યારે સુધરવાનો મોકો છે, તો સુધરવાની કોશિશ કરો. આ રાજનીતિનું સ્તર દેશના હિતમાં નથી અને હું આ સદનના માધ્યમથી અધ્યક્ષાજી, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગું છું, દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગું છું કે આ સમાધાન બે દેશોની વચ્ચે થયું છે. આ કોઈ વેપારી પક્ષોની વચ્ચે નથી થયું. બે જવાબદાર સરકારોની વચ્ચે થયું છે અને સંપૂર્ણ પારદર્શકતાની સાથે થયું છે અને મારી પ્રાર્થના પણ છે કે આ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર, આટલા સંવેદનશીલ મુદ્દા પર આવા નાના બાળકો જેવા મંતવ્યોથી બચવામાં આવે. આ મારો આગ્રહ છે.

અને નામદારની આગળ તો હું પ્રાર્થના જ કરી શકું છું. કારણ કે અમે જોયું છે, એવી માનસિક પ્રવૃત્તિ બની ચુકી છે કે દેશના સેનાધ્યક્ષ માટે કઈ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શું દેશના સેનાધ્યક્ષને માટે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવે. આજે પણ હિન્દુસ્તાનના દરેક સિપાહી જે સીમા પર હશે, આજે તેને કેટલો ઊંડો ઘા વાગ્યો હશે જેની સદનમાં બેસીને આપણે કલ્પના નથી કરી શકતા. જે દેશના માટે મરવા માટે તૈયાર રહે છે, જે દેશની ભલાઈ માટે વાતો કરે છે, તે સેનાના જવાનોના પરાક્રમને, તે પરાક્રમોને સ્વીકારવાનું તમારું સામર્થ્ય નહીં હોય, પરંતુ તમે સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક કહો છે. તમે સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક બોલો. આ દેશ ક્યારેય માફ નહીં કરે. તમારે ગાળો આપવી છે તો મોદી હાજર છે. તમારી બધી ગાળો સાંભળવા માટે તૈયાર છે. પરંતુ દેશના જવાનો જે બલિદાન માટે નીકળ્યા છે, તેમને ગાળો આપવાનું બંધ કરો. સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક. આ રીતે સેનાને અપમાનિત કરવાનું કામ સતત ચાલી રહ્યું છે.

માનનીય અધ્યક્ષ મહોદયાજી, પેઢી દર પેઢી ચાલતો આવેલો આ અવિશ્વાસ એ કોંગ્રેસનો સ્વભાવ છે. કોંગ્રેસે દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવની બંધારણીય વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો. આપણે છાપામાં વાંચ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવની મંજૂરી પછી તરત જ નિવેદન આપવામાં આવ્યું, કોણ કહે છે અમારી પાસે સંખ્યા નથી. આ અહંકાર તો જુઓ. હું આ સદનને યાદ અપાવવા માંગું છું, 1999 રાષ્ટ્રપતિ ભવનની સામે ઉભા રહીને એવો દાવો કરવામાં આવ્યો હતો અમારી પાસે તો 272ની સંખ્યા છે અને અમારી સાથે બીજા પણ જોડાઈ રહ્યાં છે, 272, સમગ્ર દેશમાં અને અટલજીની સરકારને માત્ર એક વોટથી પાડી દેવામાં આવી, પરંતુ પોતે જે 272નો દાવો કર્યો હતો. તે પોલો નીકળ્યો, અને 13 મહિનાની અંદર દેશમાં ચૂંટણી યોજવી પડી. ચૂંટણી થોપવામાં આવી, દેશ પર, માનનીય અધ્યક્ષ મહોદયા. આજે ફરી એકવાર સ્થિર જનાદેશને અસ્થિર કરવા માટે રમતો રમાઈ રહી છે. રાજનૈતિક અસ્થિરતા દરમિયાન પોતાની સ્વાર્થ સિદ્ધિ કરવી એ કોંગ્રેસનો સ્વભાવ રહ્યો છે. 1979માં ખેડૂત નેતા માટીના લાલ ચૌધરી ચરણસિંહજીને પહેલા સમર્થનનો ભ્રમ આપવામાં આવ્યો અને પછી પાછો ખેંચી લેવામાં આવ્યો. એક ખેડૂત એક કર્મશીલનું આનાથી મોટું અપમાન બીજું કયું હોઈ શકે છે. ચંદ્રશેખરજીનું પણ તે જ રીતે, કાર્યપ્રણાલી તો એ જ હતી. પહેલા દોરડું ફેંકો અને પછી બનાવટથી તેને પાછું ખેંચો એ જ રમત રમાતી રહી. આ જ ફોર્મ્યુલા 1997માં ફરીથી અપનાવવામા આવી. પહેલા દેવગૌડાજીને, પહેલા આદરણીય દેવગૌડાજીને અપમાનિત કરવામાં આવ્યા અને પછી ઇન્દ્રકુમાર ગુજરાલજીનો વારો આવ્યો. શું દેવગૌડાજી હોય, શું મુલાયમસિંહ યાદવ હોય કોણ બોલી શકે છે કે કોંગ્રેસે લોકો સાથે શું કર્યું છે. જમીન પરથી ઉઠેલા પોતાના શ્રમથી લોકોના હૃદયમાં જગ્યા બનાવનારાઓના જન નેતાના રૂપમાં ઉભરેલા, તેમણે એ નેતાઓને, એ પક્ષોને કોંગ્રેસે છેતર્યા છે અને વારે-વારે દેશને અસ્થિરતામાં ધકેલી નાખવાનું પાપ કર્યું છે. કઈ રીતે કોંગ્રેસે પોતાની સરકાર બચાવવા માટે બે-બે વાર વિશ્વાસને ખરીદવાનો પ્રયાસ કર્યો, વોટના બદલામાં નોટ ના ખેલ, કોણ નથી જાણતું. આજે અહિં બીજી એક વાત કહેવામાં આવી, અહિં આગળ પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી પોતાની આંખમાં મારી આંખ પણ નથી મિલાવી શકતા. માનનીય અધ્યક્ષ મહોદયા, સાચી વાત છે અમે કોણ છીએ જે તમારી આંખોમાં આંખ નાખી શકીએ. ગરીબ માનો દીકરો, પછાત જાતિમાં પેદા થયેલો. અમે ક્યાંથી તમારી સામે આંખ મિલાવીએ, તમે તો નામદાર છો નામદાર, અમે તો કામદાર છીએ, તમારી આંખમાં આંખ નાખવાની હિંમ્મત અમારી નથી. અમે નથી નાખી શકતા અને ઈતિહાસ સાક્ષી છે. અધ્યક્ષ મહોદયાજી, ઈતિહાસ સાક્ષી છે. સુભાષચંદ્ર બોઝે ક્યારેક આંખમાં આંખ નાખવાની કોશિશ કરી હતી તેમની સાથે શું કરવામાં આવ્યું. મોરારજી ભાઈ દેસાઈ સાબિતી છે તેમણે આંખમાં આંખ નાખવાનો પ્રયત્ન કર્યો હતો શું કરવામાં આવ્યું. જયપ્રકાશ નારાયણ સાક્ષી છે તેમણે આંખમાં આંખ નાખવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે શું કરવામાં આવ્યું. અરે, સરદાર વલ્લભભાઈ પટેલે આંખમાં આંખ નાખવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે શું કરવામાં આવ્યું. ચંદ્રશેખરજીએ આંખમાં આંખ નાખવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે શું કરવામાં આવ્યું. અરે પ્રણવ મુખર્જીએ આંખમાં આંખ નાખવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે શું કરવામાં આવ્યું. અરે એટલું જ નહીં આપણા શરદ પાવરજીએ આંખમાં આંખ નાખવાની કોશિશ કરી તેમની સાથે પણ શું કરવામાં આવ્યું. હું એમની બધી પોલ ખોલી શકું તેમ છું. આ આંખમાં આંખ અને એટલા માટે આંખમાં આંખ નાખનારાઓને કેવી રીતે અપમાનિત કરવામાં આવે છે. કેવી રીતે તેમને ઠોકર મારીને કાઢી નાખવામાં આવે છે. એક પરિવારના ઈતિહાસથી દેશ અજાણ નથી અને અમે તો કામદાર છીએ વળી અમે નામદારની સામે આંખમાં આંખ કેવી રીતે નાખી શકીએ છીએ. અને આંખોની વાતો કરનારાઓની આંખોની હરકતો આજે ટીવી પર આખો દેશ જોઈ રહ્યો છે. કેવી રીતે આંખો ખોલવામાં આવી રહી છે અને કેવી રીતે બંધ કરવામાં આવી રહી છે. આ આંખોનો ખેલ.

માનનીય અધ્યક્ષ મહોદયાજી, પરંતુ આંખમાં આંખ નાખીને આજે આ સત્યને કચડી નાખવામાં આવ્યું છે. વારે વારે કચડી નાખવામાં આવ્યું છે સત્યને વારે વારે કચડવામાં આવ્યું છે. અહિં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ જ હતી, જીએસટીમાં પેટ્રોલિયમ કેમ ન લાવ્યા. હું પૂછવા માગું છું પોતાના પરિવારના ઈતિહાસની બહાર પણ તો કોંગ્રેસનો ઈતિહાસ છે. પોતાના પરિવારની બહાર પણ કોંગ્રેસ સરકારોનો ઈતિહાસ છે અને જરા એટલું તો ધ્યાન રાખો જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પેટ્રોલિયમને બહાર રાખવાનો, જીએસટીને બહાર રાખવાનો નિર્ણય તમારી સરકારે જ કર્યો હતો. તમને એ પણ ખબર નથી. આજે અહિં એ પણ વાત કરવામાં આવી કે તમે ચોકીદાર નહીં ભાગીદાર છો. માનનીય અધ્યક્ષ મહોદયા, હું ગર્વની સાથે કહેવા માંગું છું અમે ચોકીદાર પણ છીએ અને અમે ભાગીદાર પણ છીએ પરંતુ અમે તમારી જેમ સોદાગર નથી, ઠેકેદાર નથી. ન તો અમે સોદાગર છીએ અને ન તો અમે ઠેકેદાર છીએ. અમે ભાગીદાર છીએ દેશના ગરીબોના દુઃખના ભાગીદાર છીએ. અમે ભાગીદાર છીએ દેશના નવયુવાનોના સપનાઓના. અમે ભાગીદાર છીએ દેશના એ 115 જિલ્લાઓના જે આકાંક્ષી જિલ્લાઓ છે, તેમના વિકાસના સપનાના ભાગીદાર છીએ અમે, અમે દેશના વિકાસને નવી રાહ પર લઇ જનારા મહેનતકશ મજૂરોના ભાગીદાર છીએ. અમે ભાગીદાર છીએ અને અમે ભાગીદાર રહીશું. તેમના દુઃખોને વહેંચવા એ અમારી ભાગીદારી છે જે અમે નિભાવીશું, અમે ઠેકેદાર નથી, અમે સોદાગર નથી, અમે ચોકીદાર પણ છીએ અમે ભાગીદાર પણ છીએ. અમને આ વાતનું ગૌરવ છે.

કોંગ્રેસનો એક જ મંત્ર છે કાં તો અમે રહીશું અને જો અમે ન રહ્યા તો પછી દેશમાં અસ્થિરતા રહેશે. અફવાઓનું સામ્રાજ્ય રહેશે. આ સંપૂર્ણ કાળખંડ જોઈ લો. ત્યાં આગળ પણ ભોગવનારા બેઠા છે. ત્યાં શું થયું તે બધાને ખબર છે.

અફવાઓ ઉડાડવામાં આવે છે. જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે. પ્રચાર કરવામાં આવે છે. આજના આ યુગમાં અફવાઓ ફેલાવવા માટે ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે અને અનામત ખતમ થઈ જશે. દલિતો પર અત્યાચાર રોકનારો કાયદો ખતમ કરી દેવામાં આવ્યો છે. દેશને હિંસાની આગમાં ઝોંકવા માટે ષડયંત્રો થઈ રહ્યા છે. અધ્યક્ષ મહોદયાજી, આ લોકો દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો, ગરીબોને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરીને રાજનીતિ કરતા રહ્યા છે. કામદારો, ખેડૂતો તેમના દુઃખની ચિંતા કર્યા વિના સમસ્યાઓના સમાધાનના રસ્તા શોધવાને બદલે ચૂંટણી જીતવાના શોર્ટકટ શોધવાના પ્રયાસો થઈ રહ્યા હતા અને તેનું જ કારણ છે કે દેશનો ઘણો મોટો ભાગ સશક્તિકરણથી વંચિત રહી ગયો છે. વારે-વારે બાબાસાહેબ આંબેડકરની ભાષા તેમના પરિવેશ પર તેમની રાજનીતિની મજાક ઉડાવનારા લોકો, આજે બાબાસાહેબના ગીત ગાવા લાગ્યા છે. કલમ 356નો વારે-વારે દુરુપયોગ કરનારા આપણને લોકશાહીના પાઠ ભણાવવાની વાત કરે છે. જે સરકાર, જે મુખ્યમંત્રી પસંદ નહોતો આવતો તેને દુર કરવા, અસ્થિરતા પેદા કરવી એ ખેલ દેશ આઝાદ થયો તેના પછી તુરંત જ શરુ કરી દેવામાં આવ્યો હતો જેનો મોકો ક્યારેય છોડવામાં નહોતો આવ્યો અને આ જ નીતિના પરિણામે 1980, 1991, 1998, 1999માં દેશને સમય પહેલા ચૂંટણી માટે મજબૂર જવામાં આવ્યો, ચૂંટણીમાં જવું પડ્યું. એક પરિવારના સપનાઓ, આકાંક્ષાઓની સામે જે પણ આવ્યું તેની સાથે આ જ વર્તન કરવામાં આવ્યું. ભલે દેશના લોકતંત્રને જ દાવ પર કેમ ન લગાવવું પડે, સ્વાભાવિક છે જેમની આ માનસિકતા રહેલી છે, જેમની અંદર આટલો અહંકાર ભરેલો હોય, તેઓ આપણને લોકોને કઈ રીતે સ્વીકારી શકે છે. અમારું અહિયાં બેસવું તેમને કઈ રીતે સ્વીકાર્ય હોઈ શકે છે. એ અમે ખૂબ સારી રીતે સમજીએ છીએ. અને એટલા માટે અમને નાપસંદ કરવા એ ખૂબ સ્વાભાવિક છે.

માનનીય શ્રી અધ્યક્ષ મહોદયાજી, કોંગ્રેસ પક્ષ જમીનથી કપાઈ ચૂક્યો છે. તે તો ડૂબ્યા છે, પરંતુ તેમની સાથે જવા વાળા પણ ‘હમ તો ડૂબેંગે સનમ, તુમ ભી ડૂબોગે.’ પરંતુ હું અર્થ અને અનર્થમાં હંમેશા ગૂંચવાઈ ગયેલા અને પોતાની જાતને ખૂબ મોટા વિદ્વાન સમજનારા અને વિદ્વત્તાનો જેમને અહંકાર છે અને જે હંમેશા ગૂંચવાયેલા રહે છે તેવી વ્યક્તિએ આ વાત જણાવી છે. તેમના જ શબ્દોને ટાંકવાનું હું પસંદ કરીશ.

“કોંગ્રેસ પક્ષ અલગ-અલગ રાજ્યોમાં શા માટે અને કેવી રીતે કમજોર થઈ ગયો છે. હું એક એવા રાજ્યમાંથી આવું છું કે જ્યાં આ પક્ષનું પ્રભુત્વ ખતમ થઈ ગયું છે. શા માટે કોંગ્રેસ આ બાબતને સમજી શકી નહીં કે સત્તા હવે ઉચ્ચ વર્ગ, સાધન સંપન્ન વર્ગોથી માંડીને ગામડામાં વસતા લોકો કે જે ઈન્ટરમિડિયેટ કાસ્ટ છે અને એટલે સુધી કે આવી જાતિઓનો કહેવાતા સોશિયલ ઑર્ડરમાં તેને સૌથી નીચે ગણવામાં આવે છે. ગરીબ અને બેરોજગારો કે જેમની પાસે સંપત્તિ નથી, જેમની કોઈ આવક નથી, જેમનો અવાજ આજ સુધી સાંભળવામાં આવ્યો નથી ત્યાં સુધી પહોંચી છે. જેમ-જેમ સત્તા નીચેની તરફ આવતી ગઈ, જેમ લોકશાહીમાં હોવું જોઈએ એવી જ રીતે અનેક રાજ્યોમાં કોંગ્રેસનો પ્રભાવ ખતમ થઈ ગયો છે.” આ ઈનપુટ ટાંકી શકાય એવું અવતરણ છે અને તે છે, 11 એપ્રિલ, 1997ના રોજ દેવગૌડાજીની સરકારનો જે વિશ્વાસ પ્રસ્તાવ ચાલી રહ્યો હતો તે સમયે અર્થ અને અનર્થમાં ગૂંચવાયેલા તમારા વિદ્વાન મહારથી શ્રીમાન ચિદમ્બરમજીના જ આ વાક્યો છે. કેટલાક વિદ્વાન લોકોને આ વાત કદાચ લોકોને સમજમાં નહીં આવી હોય.”

18 વર્ષ પહેલાં અટલ બિહારી વાજપેયીજીની સરકાર દ્વારા 3 રાજ્યો ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢની રચના કરવામા આવી હતી. એ સમયે કોઈ ખેંચતાણ નહોતી થઈ કે ન કોઈ ઝઘડો થયો. સાથે બેસીને જ્યાંથી નિકળ્યા તે બધા લોકો સાથે બેસીને રસ્તો કાઢ્યો હતો. આજે આ રાજ્યો ખૂબ શાંતિથી પ્રગતિ કરી રહ્યા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે, પરંતુ રાજનૈતિક લાભ મેળવવા માટે આંધ્રના લોકોને વિશ્વાસમાં લીધા વિના, રાજ્યસભાના દરવાજા બંધ કરીને જોર અને જુલ્મની વચ્ચે હાઉસ અંકુશમાં નહોતું તો પણ તમે આંધ્ર અને તેલંગણાનું વિભાજન કર્યું. તે સમયે પણ મેં કહ્યું હતું કે તેલુગુ અમારી મા છે અને તેલુગુની ભાવના તૂટવી જોઈએ નહીં. એ લોકોએ બાળકને તો બચાવી લીધું પરંતુ મા ને મારી નાંખી. આ શબ્દો મેં એ સમયે કહ્યા હતા અને આજે પણ હું માનું છું, પરંતુ 2014માં એ પછી તમારી શું હાલત થઈ. તમને લાગતું હતું કે એક જશે તો જશે, પરંતુ બીજો મળી જશે. આમ છતાં જેટલી જનતા સમજદાર હતી તેટલા તે ન હતા અને આથી આ પણ ન મળ્યું અને તે પણ ન મળ્યું અને પાછળ આ મુસીબત છોડીને ચાલ્યા ગયા. તમારા માટે આ બાબત નવી નથી. તમે ભારત અને પાકિસ્તાનને અલગ કર્યા. આજે પણ મુસીબતો ભોગવી રહ્યા છીએ. તમે તેમનું વિભાજન એવી રીતે કર્યું છે, પરંતુ તેમને વિશ્વાસ આપ્યો હોત તો કદાચ આવી મુસીબત આવી ન હોત. પરંતુ કોઈ વિચાર કરવામાં આવ્યો નહીં. અને મને બરાબર યાદ છે કે ચંદ્રાબાબુના અને ત્યાંના અમારા તેલંગણાના મુખ્યમંત્રી કે.સી આરને પહેલા વર્ષે વિભાજન પછી તણાવ રહેતો હતો, ઝઘડા થતા હતા. રાજ્યપાલ સાથે બેસવું પડતું હતું, ગૃહમંત્રી સાથે બેસવું પડતું હતું અને મારે પણ બેસવું પડતું હતું અને તે સમયે ટીડીપીની પૂરી તાકાત તેલંગણાની વિરૂદ્ધમાં લગાડવામાં આવી હતી. તેઓ અંદર-અંદર લડતા હતા. અમે તેમને શાંત કરવા માટે ઘણાં પ્રયાસો કર્યા. તેમને સાચવી લેવાની કોશિષ પણ કરી અને ટીઆરએસ દ્વારા પારિપક્વતા બતાવવામાં આવી. તે પોતાના વિકાસમાં જોડાઈ ગયા. આ તરફ કેવી હાલત થઈ તે તમે જાણો છો. સંસાધનોનો વિવાદ આજે પણ ચાલી રહ્યો છે. વિભાજન એવું કર્યું કે તમે લોકો સંસાધનોનો વિવાદ આજે પણ ચલાવી રહ્યા છો. એનડીએની સરકારે નક્કી કર્યું કે આંધ્રપ્રદેશ અને તેલંગણાના વિકાસમાં કોઈ ઊણપ આવશે નહીં અને અમે પૂરી તાકતથી આ બાબતે નિષ્ઠા દર્શાવી રહ્યા છીએ. અને અમે જે પગલાં ભર્યા છે. મને આ બાબતે કેટલાક મિડિયા અહેવાલો યાદ છે. કેટલાક મિડિયા અહેવાલો મને યાદ આવી રહ્યા છે. આ ગૃહમાં ટીડીપીના એક માનનીય સભ્યએ જે નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે સ્પેશ્યિલ કેટેગરી દરજ્જામાં થોડો વધારે બહેતર દરજ્જો છે. વધુ સારૂ ખાસ પેકેજ છે. જે એ લોકોએ આપ્યું હતું. હું નાણાં પંચની ભલામણનું ફરીથી પુનરાવર્તન કરવા માગું છું. નાણાકીય ભલામણો હેઠળ આ પંચે ખાસ અને જનરલ કેટેગરીના રાજ્યો વચ્ચેનો ભેદ પૂર્ણ કરી દીધો છે. આયોગ દ્વારા એક નવી શ્રેણી, પૂર્વોત્તર એટલે કે પહાડી રાજ્યોની બનાવવામાં આવી. આ પ્રક્રિયામાં આયોગે એ બાબતનું ધ્યાન રાખ્યું કે અન્ય રાજ્યોને કોઈ આર્થિક નુકસાન ન થાય. એનડીએ સરકાર આંધ્રપ્રદેશના લોકોની આશા, આકાંક્ષાઓનું સન્મના કરતી રહી છે. પરંતુ સાથે-સાથે અમારે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું રહે છે કે સરકારે 14માં નાણાંપંચે જે ભલામણો કરી છે તેના દ્વાર સરકાર બંધાયેલી છે. એટલા માટે આંધ્રપ્રદેશ રાજ્ય માટે એક નવું ખાસ સહાયક પેકેજ બનાવવામાં આવ્યું. જેનાથી રાજ્યને એટલી જ નાણાકીય સહાય મળી, જેટલી તેને ખાસ દરજ્જાની શ્રેણીમાં મળવાપાત્ર હતી. આ નિર્ણયને તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો. તા. 4નવેમ્બર, 2016ના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પોતે જ આ પેકેજનો સ્વિકાર કરતી વખતે નાણાંમંત્રીને ધન્યવાદ પાઠવ્યાં હતા. એનડીએ સરકાર આંધ્રપ્રદેશ રિ-ઓર્ગેનાઈઝેશન એક્ટ અથવા સ્પેશ્યલ આસિસ્ટન્ટ પેકેજ દ્વારા આપવામાં આવેલી દરેક ખાતરી પૂરી કરવા માંગતી હતી, પરંતુ ટીડીપીએ પોતાની નિષ્ફળતાઓ છૂપાવવા માટે યુ-ટર્ન લીધો અને માનનિય અધ્યક્ષ મહોદયાજી, ટીડીપીએ જ્યારે એનડીએ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે મેં ચંદ્રાબાબુને ફોન કર્યો હતો. ટીડીપી એનડીએથી અલગ થઈ તે સમયે ચંદ્રાબાબુ સાથે મારે ફોન પર વાત થઈ હતી અને ચંદ્રાબાબુને કહ્યું હતું કે બાબુ તમે વાયએસઆરની જાળમાં ફસાઈ રહ્યા છો. વાયએસઆરના ચક્રમાં તમે ફસાઈ રહ્યા છો અને મેં કહ્યું હતું કે તમે ત્યાંની સ્પર્ધામાંથી કોઈ પણ હાલતમાં બચી શકશો નહીં તેવું મે એક દિવસ તેમને કહ્યું હતું અને હું જોઈ રહયો છું કે તેમનો ઝઘડો ત્યાંનો છે. ઉપયોગ સદનનો કરવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશની જનતા પણ આ ભારેખમ અવસરવાદને જોઈ રહી છે. ચૂંટણી નજીક આવવા લાગી એટલે પ્રશંસા ટીકામાં ફેરવાઈ ગઈ. કોઈપણ વિશેષ પ્રોત્સાહન કે પેકેજ આપવામાં આવે છે ત્યારે તેની અસર અન્ય ક્ષેત્રો પર પણ પડે છે અને આ સભાગૃહમાં, તમે પણ જરા સાંભળી લો. આ ગૃહમાં ત્રણ વર્ષ પહેલાં શ્રીમાન વિરપ્પા મોઈલીજીએ કહ્યું હતું કે તમે એક અથવા બીજા રાજ્ય સાથે આ પ્રકારની અસમાનતા અને અન્યાય કઈ રીતે કરી શકો. આ એક મહત્વનો મુદ્દો છે અને તમે લવાદની ભૂમિકામાં છો. આ વાત મોઈલીજીએ કહી હતી.

અને આજે હું આ ગૃહના માધ્યમથી આંધ્રના લોકોને વિશ્વાસ અપાવવા માંગું છું. આંધ્રની જનતાને વિશ્વાસ આપવા માગું છું. ભલે રાજધાનીનું કામ હોય કે ખેડૂતોની ભલાઈનું કામ હોય. કેન્દ્ર સરકાર, એનડીએની સરકાર, આંધ્રની જનતાના કલ્યાણના કામોમાં પાછળ રહેશે નહીં. તેમને જે મદદ કરી શકીએ છીએ તે અમે કરતાં રહ્યા છીએ. જે બાબતોમાં આંધ્રનું ભલુ હોય તેમાં દેશનું પણ ભલુ હોય છે. આ અમારી વિચારધારા છે. અમે વિકાસમાં કોઈ કસર રહેવા દેવા માંગતા નથી. અમારો પ્રયાસ અમારી કામ કરવાની પદ્ધતિ સમસ્યાઓને ઉકેલવાની રહી છે. વન રેન્ક – વન પેન્શનની વાત કરીએ તો એ ક્યા લોકો હતા કે જેમણે આટલા દસકાઓ સુધી આ બાબત લટકાવી રાખી હતી. જીએસટીની બાબત પણ આટલા વર્ષો સુધી કોણે લટકાવી રાખી હતી અને આજે અહિં કહેવામાં આવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ જીએસટીને રોક્યો હતો. હું આ સભાગૃહને એ બાબતની ખાતરી આપવા માગું છું કે એ સમયે જે કોઈ કર્તા હર્તા હતા તેમને પણ ખબર છે કે મેં મુખ્યમંત્રી તરીકે લખેલા પત્રો પણ ઉપલબ્ધ છે. મેં એ સમયે ભારત સરકારને કહ્યું હતું કે જીએસટી બાબતે રાજ્ય સરકારની જે ચિંતાઓ છે તેનું નિરાકરણ કર્યા વગર જીએસટીને આગળ વધારી શકાશે નહીં. તમે રાજ્યોએ જે યોગ્ય મુદ્દા ઉઠાવ્યા છે એ બાબતે રાજ્ય સરકારો સાથે બેસીને સમાધાન કરો, પરંતુ તેમનો અહંકાર એટલો બધો હતો કે રાજ્યોની એક પણ બાબત સાંભળતા નહોતા અને એનું જ આ કારણ હતું અને હું આજે રહસ્ય ખોલવા માગું છું. ભાજપ સિવાયના અન્ય પક્ષોના મુખ્યમંત્રી પણ મને મળતા હતા. કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ મને મળતા હતા. બેઠકોમાં તેઓ કહેતા હતા કે અમે તો બોલી શકીશું નહીં, મોદીજી તમે બોલો. અમારા રાજ્યનું પણ થોડું ભલુ થઈ શકે અને મેં અવાજ ઉઠાવ્યો હતો અને જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે મારો મુખ્યમંત્રી તરીકેનો અનુભવ કામમાં આવ્યો અને મુખ્યમંત્રી તરીકેના આ અનુભવને કારણે તમામ રાજ્યોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવ્યું. તમામ રાજ્યોને સાથે બેસાડવામાં સફળતા મળી અને તે પછી જીએસટી અમલમાં આવી શક્યો છે. તે સમયે જો તમારો અહંકાર ન હોત અને તમે રાજ્યોની સમસ્યાઓને સમજ્યા હોત તો જીએસટી પાંચ વર્ષ પહેલાં આવી ગયો હોત, પરંતુ તમારી પદ્ધતિ કામકાજને લટકાવી રાખવાની રહી છે.

કાળા નાણાં અંગે સુપ્રિમ કોર્ટે એક એસઆઈટીની રચના કરવા કહ્યું હતું. આ બાબતને કોણ લટકાવીને બેઠું હતું. એ બાબત તમે જ લટકાવી હતી. બેનામી સંપત્તિનો કાયદો કોણે લટકાવી રાખ્યો હતો. એનડીએ સરકાર દ્વારા ખરીફ પાકોમાં ખેડૂતોને મળતા લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીની પડતર દોઢસો ટકા કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય કોણે રોક્યો હતો. અરે તમારી પાસે તો આ અહેવાલ 2006થી આવીને પડેલો હતો અને તમે 2014 સુધી સરકારમાં હતા. 8 વર્ષ સુધી તમને આ અહેવાલ યાદ ન આવ્યો. અમે નિર્ણય કર્યો હતો કે અમે ખેડૂતોની એમએસપી દોઢ ગણી કરીને આપીશું અને અમે તે કર્યું. અને જ્યારે યુપીએ સરકારે 2007માં રાષ્ટ્રીય કૃષિ નીતિની જાહેરાત કરી તો તેમાથી 50 ટકા વાળી બાબત જ ખોવાઈ ગઈ. તેને ગાયબ કરી દેવામાં આવી. તે પછીના 7 વર્ષ સુધી પણ કોંગ્રેસની સરકાર સત્તામાં હતી, પરંતુ તે લોકો એમએસપીની માત્ર વાતો જ કરતા હતા અને જનતાને, ખેડૂતોને ખોટો વિશ્વાસ આપતા રહ્યા હતા.

હું આજે વધુ એક બાબત પણ જણાવવા માગું છું. દેશ માટે આ જાણકારી ખૂબ જ મહત્વની છે. જેમણે આ વાત સાંભળવી નથી તે તેમના કામમાં આવવાની નથી, પરંતુ દેશ માટે તે જરૂરી છે. અમે 2014માં શાસનમાં આવ્યા ત્યારે ઘણાં લોકોએ અમને કહ્યું કે અર્થતંત્ર બાબતે એક શ્વેત પત્ર લાવવામાં આવે. અમારા મનમાં પણ હતું કે શ્વેત પત્ર લાવીશું, પરંતુ જ્યારે અમે બેઠા અને પ્રારંભમાં જેમ-જેમ માહિતી મળતી ગઈ તેમ-તેમ અમારી સામે એક પછી એક એવી જાણકારીઓ આવી કે અમે ચોંકી ઉઠ્યા. શું અર્થવ્યવસ્થાની કેવી સ્થિતિ થઈને રહેશે અને એટલા માટે જ હું તમને આ વાત જણાવવા માગું છું. કેવી પરિસ્થિતિ પેદા કરી હતી. આ વાતની શરૂઆત વર્ષ 2008માં થઈ અને 2009માં ચૂંટણીઓ આવવાની હતી. કોંગ્રેસને લાગી રહ્યું હતું કે હવે એક જ વર્ષ બચ્યું છે, જેટલી બેંકો ખાલી કરી શકો તેમ હો તે કરી દો અને એકવાર આ ટેવ પડી ગઈ એટલે ફરીથી બેંકોની અંડરગ્રાઉન્ડ લૂંટ ચાલતી રહી. આ લૂંટ વર્ષ 2009 થી 2014 સુધી ચાલતી રહી. જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી બેંકોને લૂંટવાનો ખેલ ચાલતો રહ્યો હતો. હું એક આંકડો આપી રહ્યો છું તે આ ગૃહમાં બેઠેલા લોકોને પણ ચોંકાવી દેશે. આઝાદીના 60 વર્ષ પછી માનનીય અધ્યક્ષાજી આઝાદીના 60વર્ષમાં, 60 વર્ષમાં આપણાં દેશની બેંકોએ લોન તરીકે જે રકમ આપી હતી તે રૂ. 18 લાખ કરોડની હતી. 60 વર્ષમાં 18 લાખ કરોડ, પરંતુ 2008 થી 2014 સુધીના વર્ષમાં આ રકમ 18 લાખ કરોડથી વધીને 52 લાખ કરોડ થઈ ગઈ. 60 વર્ષમાં 18 લાખ, 6 વર્ષમાં તેને 52 લાખ સુધી પહોંચાડવામાં આવી અને આ 6 વર્ષમાં, 60 વર્ષમાં જે થયું હતું તેને બમણું કરી દેવામાં આવ્યું. તે કેવી રીતે થયું. દુનિયામાં ઈન્ટરનેટ બેંકીંગ તો ઘણું મોડું આવ્યું, પરંતુ કોંગ્રેસના લોકો બુદ્ધિશાળી લોકો હતા એટલે દુનિયામાં ઈન્ટરનેટ બેંકીંગ આવતાં પહેલાં ભારતમાં ફોન બેંકીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ટેલિફોન બેંકીંગ શરૂ થયું અને ટેલિફોન બેંકીંગની કમાલ તો જુઓ, 6 વર્ષમાં 18 લાખમાંથી 52 લાખ પોતાના માનીતા લોકોને બેંકોનો ખજાનો લૂંટાવી દેવામાં આવ્યો અને આ માટેની પદ્ધતિ કેવી હતી. કોઈ કાગળો જોવાના નહીં, ટેલિફોન આવ્યો, લોન આપી દો. લોન ભરપાઈ કરવાનો સમય આવ્યો તો તેના માટે બીજી લોન આપી દો. તે લોન ભરવાનો સમય આવ્યો તો પણ બીજી લોન આપી દો. જે ગયું તે ગયું. જમા કરવા માટે કોઈ નવી લોન આપીને આગળ વધો. આ આખું ચક્ર ચાલતું રહ્યું. દેશ અને દેશની બેંકો એનપીએની જંજાળમાં ફસાઈ ગઈ. આ એનપીએની જંજાળ એક રીતે જોઈએ તો ભારતની બેંકીંગ વ્યવસ્થા માટે એક સુરંગની જેમ બિછાવવામાં આવી હતી. અમે પૂરી પારદર્શકતા સાથે તપાસ કરવાની શરૂઆત કરી. એનપીએની સાચી સ્થિતિ શું છે તે જાણવા માટે એક વ્યવસ્થા ગોઠવવામાં આવી. અમે આ બાબતમાં જેમ-જેમ ઝીણવટપૂર્વક ઊંડા ઉતરતા ગયા તેમ-તેમ એનપીએની જાળ ગુંચવાતી ગઈ. સતત ગુંચવાતી ગઈ. એનપીએ વધવાનું એક કારણ યુપીએ સરકાર દ્વારા કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા કે જેના કારણે મૂડીગત માલની આયાતમાં અતિશય વધારો થઈ ગયો. તમે એ બાબત જાણીને હેરાના થઈ જશો કે આ રકમ અમારી કાચા તેલની આયાતના મૂલ્ય જેટલી જ થઈ ગઈ હતી અને આ તમામ આયાતો માટેનું ધિરાણ બેંકોની લોન મારફતે જ કરવામાં આવ્યું હતું. દેશના મૂડીગત માલના ઉત્પાદન પર આ બાબતની ખૂબ જ પ્રતિકૂળ અસર પડી. બેંકોના લેન્ડીંગ વગર, પ્રોજેક્ટની આકારણી કર્યા વગર, મંજૂરી મેળવી લેવામાં આવતી હતી અને એ પણ એટલી હદ સુધી કે ઘણાં બધા પ્રોજેક્ટમાં ઈક્વિટીના બદલે લોન પણ બેંકોએ આપી હતી. હવે એક તરફ તો મૂડીગત વસ્તુઓની આયાત અને પ્રોજેકટના નિર્માણમાં કસ્ટમ ડ્યુટી અથવા સરકારને કરવેરાની કોઈ કમાણી ન થઈ. બીજી તરફ સરકારી મંજૂરી આપવા માટે કરવેરાના કેટલાક નવા કાયદા ઘડવા પડ્યા. જે વેરો સરકારના ખાતામાં જતો ન હતો. આ વેરાના કારણે તમામ પ્રોજેક્ટને મંજૂરીઓ મળવામાં વિલંબ થયો. બેંકોના ધિરાણ ફસાઈ ગયા અને એનપીએમાં વધારો થતો રહ્યો અને આજે પણ જ્યારે-જ્યારે એનપીએની સ્થિતિ અંગે પોતાનું નિવેદન આપવામાં આવે છે ત્યારે સરકારે મજબૂરીથી જનતાની સામે અને આ ગૃહના માધ્યમથી મને હકીકતો ફરીથી જણાવવાની જરૂરિયાત લાગી રહી છે. એક તરફ તો અમારી સરકારે બેંકોના હિસાબોમાં આ બધી એનપીએ ઈમાનદારીપૂર્વક દર્શાવવાનો નિર્ણય કર્યો અને બીજી તરફ અમે બેંકોમાં સુધારા પણ કર્યા અને કેટલાક નીતિ વિષયક નિર્ણયો પણ લેવામાં આવ્યા, જે દેશની અર્થવ્યવસ્થાને આગામી વર્ષોમાં મદદરૂપ થવાના છે. 50 કરોડ રૂપિયાથી વધુ રકમ હોય તેવા તમામ એનપીએ એકાઉન્ટની સમીક્ષા કરવામાં આવી છે. એમાં નાદારી અને ફ્રોડની સંભાવનાનું કોઈ આકલન કરવામાં આવ્યું નહોતું. બેંકોની આવી ભારીત અસ્કયામતોના વહિવટ માટે એક નવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. બે લાખ દસ હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ બેંકોને પુનઃમૂડીકરણ માટે આપવામાં આવી રહી છે. અમારી સરકારે નાદારી અને દેવાળીયાપણાના કાયદા બનાવ્યા છે. તેના દ્વારા ટોચના 12 નાદારો કે જેમની કુલ એનપીએ 25 ટકા જેટલી છે. આ બધા કેસ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને સોંપી દેવામાં આવ્યા છે. આ 12 મોટા કેસમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ ફસાયેલી છે. માત્ર એક વર્ષમાં એમાંથી ત્રણ કેસમાં અમારી સરકારે લગભગ 55 ટકા રકમ પાછી મેળવી છે અને જો આ 12 મોટા કેસની વાત કરીએ તો તેમાંથી લગભગ 45ટકાની વસૂલાત કરી દેવામાં આવી છે. આવા જ લોકો માટે કાલે લોકસભામાં ભાગેડુ આર્થિક ગુનેગાર બીલ પસાર કરવમાં આવ્યું છે. બેંકોનું દેવું નહીં ચૂકવનારા લોકો માટે હવે દેશના કાયદાથી બચવાનું મુશ્કેલ બની ગયું છે અને તેના કારણે એનપીએ પર નિયંત્રણ લાવવામાં પણ અમને મદદ મળશે. જો વર્ષ 2014માં એનડીએની સરકાર ન રચાઈ હોત, તો કોંગ્રેસ જે પદ્ધતિથી સરકાર ચલાવી રહી હતી તે જ વ્યવસ્થા જો ચાલુ રહી હોત તો દેશ એક ખૂબ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો હોત.

આ સદનના માધ્યમથી હું દેશના લોકોને એ બાબત જણાવવામાં માગું છું કે અગાઉની સરકાર દેશ પર સ્પેશ્યલ ફોરેન કરન્સી નૉન-રેસિડેન્સ ડિપોઝીટ એટલે કે એફસીએનઆરનું લગભગ 32 બિલિયન ડોલરનું દેવું મૂકીને ગઈ હતી. આ દેવાને પણ ભારતે સંપૂર્ણ રીતે ચૂકવી દીધુ છે અને એ કામ અમે કર્યું છે.

માનનીય અધ્યક્ષ મહોદયા, આ દેશમાં ગ્રામ સ્વરાજ અભિયાનને આગળ વધારવા માટે અને મહાત્મા ગાંધીના સપનાને સાકાર કરવા માટે 15 ઓગષ્ટ સુધી 65 હજાર ગામડાં કે જ્યાં દરેક પાસે બેંકમાં ખાતા હોય, ગેસનું જોડાણ હોય, દરેક ઘરમાં વીજળી હોય, તમામ લોકોનું રસીકરણ થઈ ગયું હોય, તમામ લોકોને વીમા સુરક્ષા પ્રાપ્ત થઈ હોય અને દરેક ઘરમાં એલઈડી બલ્બ હોય. આવા ગામો કુલ 115 જિલ્લામાં છે. જેમને ખોટી નીતિઓને કારણે પછાતપણાનો અવિશ્વાસ અપાયો હતો. અને અમે તેમની આકાંક્ષાઓને અમે એક નવો વિશ્વાસ આપ્યો છે. નવા ભારતની વ્યવસ્થા સ્માર્ટ પણ છે, સંવેદનશીલ પણ છે. શાળાઓમાં પ્રયોગશાળાના કોઈ ઠેકાણા નહોતા. અમે અટલ ટીંકરીંગ લેબ, સ્કિલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા અભિયાન દ્વારા પ્રતિભાને ઓળખ આપી અને તેના સન્માનમાં વધારો કર્યો. મહિલાઓ માટે તેમના જીવનના દરેક મુકામને ધ્યાનમાં રાખીને યોજનાઓ તૈયાર કરવામાં આવી, જે આજે હું ગૌરવ સાથે કહેવા માગું છું. સલામતિ અંગેની કેબિનેટ કમિટિમાં દેશમાં પહેલીવાર બે મહિલાઓ બેઠેલી છે અને આ મહિલા મંત્રીઓ નિર્ણયમાં ભાગીદાર બને છે. આ મહિલાઓને ફાઈટર પાયલોટ તરીકે દાખલ કરવામાં આવી છે. ત્રણ તલાકનો ભોગ બનેલી મુસ્લિમ બહેનોની સાથે સરકાર મજબૂત બનીને ઉભી છે. બેટી બચાવો, બેટી પઢાવો આજે લોક આંદોલન બની ગયું છે. અનેક જિલ્લાઓમાં દિકરીઓના જન્મમાં વધારો થયો છે. દિકરીઓ પર અત્યાચાર કરનાર લોકો માટે ફાંસી આપવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. લોકશાહી વ્યવસ્થામાં હિંસા અને અત્યાચાર ચલાવી શકાય નહીં. આવી ઘટનાઓમાં કોઈ એક ભારતીયનું અવસાન થાય તે બાબત દુઃખદ છે. માનવતાની મૂળભૂત ભાવનાથી વિરૂદ્ધની આ બાબત છે અને જ્યાં પણ આવી ઘટનાઓ બની રહી છે ત્યાં રાજ્ય સરકારો પગલાં લઈ રહી છે.

હું આજે આ સભાગૃહના માધ્યમથી રાજ્ય સરકારોને ફરી એક વાર આગ્રહ કરી રહ્યો છું કે જે કોઈ લોકો આવી હિંસા કરે તેમની સામે કડક હાથે કામ લેવામાં આવે. આ દેશે 21મી સદીના સપનાં પૂરા કરવાના છે. ભારતમાલા દ્વારા હાઈવેની જાળ સમગ્ર દેશમાં બિછાવવામાં આવી રહી છે. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા બંદર વિકાસ અને બંદર આસપાસના ક્ષેત્રોના વિકાસમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. બીજા વર્ગના અને ત્રીજા વર્ગના શહેરોમાં હવાઈ જોડાણની કામગીરી ખૂબ ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. દેશના શહેરોમાં મેટ્રોનો વ્યાપક વિસ્તાર થાય તે બાબતે કામગીરી ચાલી રહી છે. આ દેશની દરેક પંચાયત સુધી ઈન્ટરનેટ પહોંચાડવા માટે ખૂબ ઝડપી ગતિથી કામ થયું છે. આ દેશ તેનો સાક્ષી છે. ગામથી માંડીને મોટા શહેરો સુધી ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં ઘણો મોટો ફેરફાર આવ્યો છે. અગાઉની સરકારોની તુલનામાં અમારી સરકારની ગતિ થોડી વધારે તેજ છે. સડકો બાંધવાની કામગીરી હોય કે પછી રેલવે લાઈનોનું વિજળીકરણ કરવાનું હોય. દેશની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો હોય કે પછી નવી શિક્ષણ સંસ્થાઓ હોય. આઈઆઈટી, આઈઆઈએમ હોય, મેડિકલ બેઠકોમાં વૃદ્ધિ કરવાની હોય. કર્મચારીઓ એના એ જ છે, વહિવટી તંત્ર પણ એ જ છે. ફાઈલોની પદ્ધતિઓ પણ એવી જ છે, પરંતુ આ બધું હોવા છતાં એક રાજકીય ઈચ્છા શક્તિ છે, જેના કારણે દેશના સામર્થ્યમાં એક નવી ઊર્જા ભરીને અમે આગળ વધી રહ્યા છીએ. આ દેશમાં રોજગારી બાબતે ઘણાં બધા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને વધુ એક વખત સત્યને કચડી નાંખવાનો પ્રયાસ કરીને આધાર વગરની બાબતો કે જેમાં કંઈ જાણકારી ન હોય તેવા ગપગોળા ચલાવવામાં આવી રહ્યા છે. આ બાબતે જો આપણે ઝીણવટપૂર્વક ધ્યાન આપીએ તો દેશના નવયુવાનોને નિરાશ કરીને રાજનીતિ કરવાનું પાપ નથી કરતા. સરકારે પ્રણાલીમાં ઉપલબ્ધ રોજગાર સંબંધી અલગ-અલગ આંકડાઓ દેશની સમક્ષ દર મહિને રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. સંગઠિત ક્ષેત્ર એટલે કે ઔપચારિક ક્ષેત્રોમાં વૃદ્ધિને માપવાની આ એક પદ્ધતિ છે. એમ્પ્લોઈ પ્રોવિડંડ ફંડ એટલે કે ઈપીએફમાં સરકારી કર્મચારીઓની જાહેરાત સપ્ટેમ્બર, 2017થી શરૂ કરીને મે, 2018 સુધીના 9 મહિનામાં લગભગ 45લાખ નવા નેટ સબસ્ક્રાઈબર ઈપીએફ સાથે જોડાયા છે. એમાંથી 77 ટકા લોકોની ઉંમર 28 વર્ષથી ઓછી છે. ઔપચારિક પ્રણાલીમાં એટલે કે નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં ગયા નવ મહિનામાં પાંચ લાખ અડસઠ હજાર લોકો વધુ જોડાઈ ગયા છે. આ રીતે ઈપીએફ અને એનપીએ બંનેના આંકડાઓ એકત્ર કરીને પાછલા નવ મહિનામાં ઔપચારિક ક્ષેત્રોમાં 50 લાખથી વધુ લોકો રોજગારી સાથે જોડાયા છે. આ સંખ્યા પૂરા એક વર્ષ માટે સિત્તેર લાખથી પણ વધુ હશે. આ સિત્તેર લાખ કર્મચારીઓમાં ઈએસઆઈસીના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે એમાં અત્યારે આધાર લિંક કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સિવાય પણ દેશમાં ઘણી વ્યાવસાયી સંસ્થાઓ છે, જેમાં યુવાનો પ્રોફેશનલ ડિગ્રી લઈને પોતાની નોંધણી કરાવે છે અને પોતાનું કામ શરૂ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ડૉક્ટરો, એન્જીનિયરો, આર્કિટેક્ચર, વકિલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી જેવી આ બધી સંસ્થાનો એક સ્વતંત્ર સર્વે કરવામાં આવ્યો છે. અને આ સ્વતંત્ર સંસ્થાકીય અભ્યાસ દર્શાવે છે કે, તેમણે જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ તેમનું કહેવું છે કે 2016-17માં લગભગ સત્તર હજાર નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ પ્રણાલી સાથે જોડાયા છે. તેમાંથી પાંચ હજારથી વધુ લોકોએ નવી કંપનીઓ શરૂ કરી છે. જો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થામાં 20 લોકોને રોજગારી મળતી હોય તો આ સંસ્થાઓમાં એક લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. અનુસ્નાતક ડૉક્ટરો, દાંતના સર્જન અને આયુષ ડૉક્ટર આપણાં દેશમાં 80 હજારથી વધુ અનુસ્નાતક ડૉક્ટરો છે. એમાંથી જો 60 ટકા લોકો પણ પોતાની પ્રેક્ટિસ કરતા હોય તો દરેક ડૉક્ટર દીઠ 5 વ્યક્તિને રોજગારીની તક મળશે અને આ સંખ્યા 2,40,000 થશે. વકિલોની વાત કરીએ તો 2017માં લગભગ એંસી હજાર પૂર્વસ્નાતક અને અનુસ્નાતક વકિલો બન્યા. એમાંથી જો 60 ટકા લોકોએ પણ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હોય તો તેમણે પોતાને ત્યાં બેથી ત્રણ લોકોને રોજગારી આપી હોય. લગભગ 2 લાખ જેટલી રોજગારી આ વકિલો મારફતે મળી છે. આ ત્રણ વ્યવસાયોમાં જ 2017માં 6 લાખથી વધુ લોકોને રોજગારીની તકો મળી છે. હવે જો આપણે અનૌપચારિક ક્ષેત્રોની વાત કરીએ તો પરિવહન ક્ષેત્રમાં ઘણાં લોકોને રોજગારી મળી રહી છે. ગયા વર્ષે પરિવહન ક્ષેત્રમાં 7 લાખ 60 હજાર વ્યાવસાયિક ગાડીઓનું વેચાણ થયું. આ 7 લાખ 60 હજાર વ્યાવસાયિક વાહનોમાંથી જો 25 ટકા ગાડીઓનું વેચાણ જૂની ગાડીઓને બદલીને કરવામાં આવ્યું હોય તો પણ 5 લાખ 70 હજાર ગાડીઓ માલ-સામાનનું વહન કરવા સડક પર ઉતરી છે. આ નવી આવેલી ગાડીઓ દ્વારા દરેક ગાડી દીઠ જો બે લોકોને પણ રોજગારી મળતી હોય તો પણ રોજગાર મેળવનારની સંખ્યા 11 લાખ 40 હજાર થાય છે. આ જ રીતે જો આપણે પેસેન્જર વાહનોના વેચાણને તપાસીએ તો આ સંખ્યા 25 લાખ 40 હજાર છે. આમાંથી જો 20 ટકા ગાડીઓ જૂની ગાડીઓને બદલીને લેવામાં આવી હોય તેવું માની લઈએ તો લગભગ 30 લાખ ગાડીઓ સડક પર આવી છે. આ નવી ગાડીઓમાંથી 25 ટકા ગાડીઓ એવી માની લેવામાં આવે કે જે એક ડ્રાઈવરને રોજગારી આપે છે તો 5 લાખ લોકોને નવી ગાડીઓ દ્વારા રોજગારી મળશે. આવી જ રીતે ગયા વર્ષે આપણે ત્યાં 2,55,000 ઑટોરિક્ષાનું વેચાણ થયું છે. તેમાંથી 10 ટકા વાહનોનું વેચાણ જૂના વાહનો સામે કરવામાં આવ્યું હોય તો લગભગ 2,30,000 નવી ઑટો રિક્ષાઓ ગયા વર્ષે સડક પર ઉતરી છે. ઑટો રિક્ષા બે શિફ્ટમાં ચાલતી હોવાથી બે ઑટો રિક્ષા મારફતે 3લોકોને રોજગારી મળે છે. આવી રીતે 3,40,000 લોકોને નવી ઑટો રિક્ષા મારફતે રોજગારી મળી છે. એકલા પરિવહન ક્ષેત્ર દ્વારા જ આ ત્રણ વાહનોએ વિતેલા એક વર્ષમાં 20 લાખ લોકોને રોજગારીની નવી તકો આપી છે.

ઈપીએફ, એનપીએસ, વ્યાવસાયિક પરિવહન ક્ષેત્રને આપણે જો સાથે જોડીને જોઈએ તો એક કરોડથી વધુ લોકોને માત્ર વિતેલા વર્ષમાં જ રોજગારી મળી છે અને એક સ્વતંત્ર સંસ્થાના સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, હું આ સ્વતંત્ર સંસ્થાનું અવતરણ ટાંકી રહ્યો છું. હું સરકારી આંકડાઓ બોલી રહ્યો નથી અને એટલા માટે જ મારો આગ્રહ છે કે કૃપા કરીને સત્યને કચડવાનો કોઈ પ્રયાસ કરવામાં ન આવે, સત્યને કચડવામાં ન આવે. દેશને ગેરમાર્ગે દોરવાનો કોઈ પ્રયાસ કરવામાં ન આવે. આજે દેશ મહત્વના એક મુકામ પર ઉભો છે. આગામી પાંચ વર્ષમાં સવા સો કરોડ ભારતવાસીઓ કે જેમાં 50 ટકા લોકો આપણાં નવ યુવાનો હશે, જે દેશની સ્થિતિ નક્કી કરવાના છે. નવું ભારત, દેશની નવી આશાઓ, આકાંક્ષાઓનો આધાર બનશે. જ્યાં સંભાવનાઓ, અવસરો, સ્થિરતા આ બધામાં અનંત વિશ્વાસ હશે. જ્યાં સમાજનો કોઈ પણ વર્ગ કોઈપણ ક્ષેત્ર તરફ અવિશ્વાસ નહીં ધરાવતો હોય, કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવતો હોય તેવા મહત્વપૂર્ણ સમયમાં પરિવર્તન લાવીને વૈશ્વિક વાતાવરણમાં આપણે સૌએ સાથે મળીને ચાલવાની આવશ્યકતા છે.

અધ્યક્ષ મહોદયા, જે લોકોએ ચર્ચામાં ભાગ લીધો છે તેમનો હું આભાર વ્યક્ત કરૂ છું. હું ફરી એક વાર આંધ્રની જનતાના કલ્યાણ માટે એનડીએ સરકાર કોઈ ઊણપ નહીં રાખે, ભારતમાં વિકાસના માર્ગે ચાલનાર દરેક માટે જી-જાન લગાવીને કામ કરવાનું વ્રત લઈને અમે આવ્યા છીએ. હું વધુ એકવાર આ તમામ મહાનુભાવોને વર્ષ 2024માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું આમંત્રણ આપીને મારી વાત સમાપ્ત કરવા માગું છું અને હું આ અવિશ્વાસ પ્રસ્તાવને સંપૂર્ણપણે બરતરફ કરી દેવા માટે આ સદનને આગ્રહ કરૂં છુ. તમે મને સમય આપ્યો તે બદલ હું આપનો ખૂબ-ખૂબ આભારી છું. ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of former Prime Minister Dr. Manmohan Singh
December 26, 2024
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji: PM
He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years: PM
As our Prime Minister, he made extensive efforts to improve people’s lives: PM

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of former Prime Minister, Dr. Manmohan Singh. "India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji," Shri Modi stated. Prime Minister, Shri Narendra Modi remarked that Dr. Manmohan Singh rose from humble origins to become a respected economist. As our Prime Minister, Dr. Manmohan Singh made extensive efforts to improve people’s lives.

The Prime Minister posted on X:

India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.

“Dr. Manmohan Singh Ji and I interacted regularly when he was PM and I was the CM of Gujarat. We would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humility were always visible.

In this hour of grief, my thoughts are with the family of Dr. Manmohan Singh Ji, his friends and countless admirers. Om Shanti."