આદરણીય અધ્યક્ષ શ્રી,

હું રાષ્ટ્રપતિ શ્રીના પ્રેરણાદાયી સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેવા માટે અને રાષ્ટ્રપતિ શ્રીનો આભાર માનવા માટે કેટલીક વાતો રજૂ કરીશ. રાષ્ટ્રપતિ શ્રીનું ભાષણ ભારતના 130 કરોડ નાગરિકોની સંકલ્પ શક્તિનું પ્રતિબિંબ છે. વિકટ અને વિપરિત સમયગાળામાં પણ આ દેશ કેવી રીતે પોતાનો માર્ગ પસંદ કરે છે, માર્ગ નક્કી કરે છે અને માર્ગ ઉપર હાંસલ કરતા કરતા આગળ વધે છે. આ બધી વાતો રાષ્ટ્રપતિ શ્રીએ વિસ્તારપૂર્વક પોતાના ઉદબોધનમાં જણાવી છે. તેમનો એક એક શબ્દ દેશવાસીઓમાં એક નવો વિશ્વાસ પેદા કરનારો છે અને દરેકના હૃદયમાં દેશ માટે કંઈક કરવાની પ્રેરણા જગવનારો છે. અને એટલા માટે આપણે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ ગૃહમાં પણ 15 કલાકથી વધુ ચર્ચા થઈ છે. રાતના 12-12 વાગ્યા સુધી આપણા તમામ સન્માનનીય સાંસદોએ આ ચેતનાને જગાડેલી રાખી છે. ચર્ચાને જીવંત બનાવી છે, પોતાનું નેતૃત્ત્વ જાળવ્યું છે. આ ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને આપણાં મહિલા સાંસદોનો આભાર વ્યક્ત કરવા માગું છું. કેમકે આ ચર્ચામાં તેમની ભાગીદારી પણ વધુ હતી, વિચારો પણ ધારદાર હતા, રિસર્ચ કરીને વાત મૂકવાનો પ્રયાસ હતો અને પોતાની જાતને આ રીતે તૈયાર કરીને તેમણે આ ગૃહને સમૃદ્ધ બનાવ્યું છે, ચર્ચાને સમૃદ્ધ કરી છે અને એટલા માટે તેમની આ તૈયારી, તેમના તર્ક અને તેમની સૂઝબૂઝ માટે હું મહિલા સાંસદોને અભિનંદન આપું છું, તેમનો આભાર માનું છું.

આદરણીય અધ્યક્ષ મહોદય,

ભારતની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશવા માટે આપણે હજુ દરવાજા ઉપર ટકોરા મારી જ રહ્યા છીએ. 75 વર્ષનો મુકામ પ્રત્યેક હિન્દુસ્તાનીનું ગૌરવ છે અને આગળ વધવા માટેનું પર્વ પણ છે. અને એટલે, સમાજ વ્યવસ્થામાં આપણે જ્યાં પણ હોઈએ, દેશના કોઈ પણ ખૂણામાં હોઈએ, સામાજિક, આર્થિક વ્યવસ્થામાં આપણું સ્થાન ક્યાંય પણ હોય, પરંતુ આપણે સહુએ સાથે મળીને આઝાદીના આ પર્વમાંથી એક નવી પ્રેરણા પ્રાપ્ત કરીને, 2047માં દેશ જ્યારે આઝાદીની શતાબ્દિ મનાવતો હશે, તે માટે નવો સંકલ્પ લઈને આગળ વધવું જોઈએ. 100 વર્ષની ભારતની આઝાદીની યાત્રાનાં 25 વર્ષ આપણી સમક્ષ છે. આ 25 વર્ષમાં આપણે દેશને ક્યાં લઈ જવો છે, દુનિયામાં આ દેશનું સ્થાન ક્યાં બનાવવું છે, તે સંકલ્પ પ્રત્યેક દેશવાસીના હૃદયમાં હોવો જોઈએ. આ માહોલ સર્જવાનું કામ આ પરિસરનું છે, આ પવિત્ર ધરતીનું છે, આ પંચાયતનું છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

દેશ જ્યારે આઝાદ થયો અને છેલ્લા જે બ્રિટિશ કમાંડર હતા, તે જ્યારે અહીંથી ગયા, તેઓ છેલ્લે એવું જ કહેતા હતા કે ભારત અનેક દેશોનો મહાદ્વીપ છે અને કોઈ પણ તેને એક રાષ્ટ્ર ક્યારેય નહીં બનાવી શકે. આવી જાહેરાતો થઈ હતી, પરંતુ ભારતવાસીઓએ આ આશંકાને ખોટી ઠેરવી. જેમના મનમાં આ પ્રકારની શંકાઓ હતી, તેને નાબૂદ કરી અને આપણે આપણી પોતાની જીજીવિષા, આપણી સાંસ્કૃતિક એકતા, આપણી પરંપરા સાથે આજે વિશ્વ સમક્ષ એક રાષ્ટ્રના રૂપમાં ઊભા છીએ અને વિશ્વ માટે આશાનું કિરણ બનીને ઊભા છીએ. આ 75 વર્ષની આપણી યાત્રામાં આ બન્યું છે. કેટલાક લોકો એવું કહેતા હતા કે India was a miracle Democracy, આ ભ્રમ પણ આપણે તોડવાનો છે. લોકશાહી આપણી નસોમાં, આપણા શ્વાસમાં એવી રીતે વણાયેલી છે. આપણો પ્રત્યેક વિચાર, પ્રત્યેક પગલું, પ્રત્યેક પ્રયાસ લોકશાહીની ભાવનાથી ભરેલું રહે છે. અનેક ચૂંટણીઓ યોજાઈ, અનેક સત્તાપરિવર્તન થયાં, આપણે આ વાત જોઈ છે, ઘણી સરળતાથી સત્તા પરિવર્તન આવ્યાં. અને પરિવર્તન પછી આવેલી સત્તા વ્યવસ્થાને પણ સહુએ હૃદયપૂર્વક સ્વીકારીને આગળ વધ્યા. 75 વર્ષનો આ ક્રમ રહ્યો છે અને એટલા માટે લોકશાહીના મૂલ્યો માટે અને આપણે વિવિધતાથી ભરપૂર દેશ છીએ. અનેક ભાષાઓ, હજારો બોલીઓ, વિવિધ પ્રકારના પહેરવેશ, શું નથી.. વિવિધતાઓથી ભરપૂર છે. આમ છતાં પણ આપણે એક લક્ષ્ય, એક માર્ગ આ કરીને બતાવ્યું છે. આજે આપણે ભારતની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ સ્વામી વિવેકાનંદજીએ જે વાત કહી હતી, તેને હું અવશ્ય યાદ કરવા માગીશ. વિવેકાનંદજીએ કહ્યું હતું Every nation has a message to deliver a mission to fulfill a destiny to reach, એટલે કે દરેક રાષ્ટ્ર પાસે એક સંદેશ હોય છે. જે તેણે પહોંચાડવાનો હોય છે. પ્રત્યેક રાષ્ટ્રનું એક મિશન હોય છે, જે તેણે હાંસલ કરવાનું હોય છે. પ્રત્યેક રાષ્ટ્રની એક નિયતિ હોય છે, જેને તે પામે છે. કોરોના દરમ્યાન ભારતે જે રીતે પોતાને સંભાળ્યું અને દુનિયાને સંભાળવામાં મદદ કરી, એક રીતે તે ટર્નિંગ પોઈન્ટ છે. જે ભાવનાઓ સાથે, જે સંસ્કારો લઈને વેદથી વિવેકાનંદ સુધી આપણે ઉછર્યા છીએ, તે છે સર્વે ભવન્તુ સુખિનઃ. આ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા.

આ કોરોના કાળમાં ભારતે તે કરી બતાવ્યું છે અને ભારતે એક આત્મનિર્ભર ભારતના રૂપમાં જે રીતે એક પછી એક ઠોસ પગલાં ઉઠાવ્યાં છે, અને દેશની જનતાએ ઉઠવ્યાં છે. પરંતુ આપણે એ દિવસો યાદ કરીએ, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. બે વિશ્વ યુદ્ધને કારણે સમગ્ર દુનિયા હચમચી ગઈ હતી. માનવજાત, માનવમૂલ્ય સંકટથી ઘેરાયેલાં હતાં. નિરાશા છવાયેલી હતી અને બીજી વર્લ્ડ વોર પછીના સમયમાં દુનિયામાં એક નવી વ્યવસ્થા - ન્યુ વર્લ્ડ ઓર્ડરએ આકાર લીધો હતો. શાંતિના માર્ગે ચાલવાના સોગંદ લેવાયાં, સૈન્ય નહીં, સહયોગનો મંત્ર વિશ્વભરમાં મજબૂત બનતો ગયો છે. યુનાઈટેડ નેશન્સની રચના થઈ, ઈન્સ્ટીટ્યુશન બની, વિવિધ પ્રકારનાં તંત્રો તૈયાર થયાં, જેથી વિશ્વને વિશ્વયુદ્ધ પછી એક સુવ્યવસ્થિત રીતે શાંતિની દિશામાં લઈ જઈ શકાય. પરંતુ અનુભવ કંઈક જુદો જ થયો. અનુભવ એ થયો કે દુનિયામાં શાંતિની વાત તો બધા જ કરવા માંડ્યા, વિશ્વ યુદ્ધ પછી શાંતિની વાતો વચ્ચે પણ જેમની પણ તાકાત હતી, તેઓ પોતાની સૈન્ય શક્તિ વધારવા લાગ્યા. વર્લ્ડ વોર પહેલા દુનિયા પાસે જે સૈન્ય શક્તિ હતી, તે સૈન્ય શક્તિ યુએનની રચના પછી અનેક ગણી વધી ગઈ. નાના-મોટા દેશો પણ સૈન્ય શક્તિની સ્પર્ધામાં જોડાવા લાગ્યા. શાંતિની ચર્ચા તો ઘણી થઈ, પરંતુ વિશ્વએ એ હકીકત સ્વીકારવી પડશે કે સૈન્ય શક્તિ તરફ મોટી મોટી તાકાતો પૂરજોશથી મચી પડી. સૈન્ય શક્તિ માટે જેટલા નવસંશોધન થયા, સંશોધન થયા, એ આ જ સમયગાળામાં થયા. કોરોના બાદ પણ વિશ્વમાં એક નવું વલણ જોવા મળી રહ્યું છે. કોરોના પછી દુનિયામાં સંબંધોનો એક નવો માહોલ આકાર પામશે.

આપણે નક્કી કરવાનું છે કે આપણે વર્લ્ડ વોર પછી એક મૂકદર્શક તરીકે બદલાતી દુનિયાને જોઈ રહ્યા અને પોતાની જાતને ક્યાંયે એડજસ્ટ થતી હોય તો તે કરવાની કોશિષો કરી. આપણા માટે સમયનો એ ગાળો પણ એવો જ હતો. પરંતુ આજે કોરોના બાદ વિશ્વની જે નવી વ્યવસ્થા તૈયાર થશે, અને થવાની જ છે. કેવા રૂપમાં હશે, કેવી હશે, કોણ તેની પહેલ કરશે, એ તો સમય બતાવશે. પરંતુ વિશ્વએ જે રીતે સંકટનો સામનો કર્યો છે, દુનિયા એ વિચારવા માટે મજબૂર થઈ ગઈ છે અને થવાની છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વથી કપાઈને ન રહી શકે. ભારત એક ખૂણામાં ગુજારો નહીં કરી શકે. આપણે પણ એક મજબૂત પ્લેયર તરીકે ઉભરવાનું છે. પરંતુ ફક્ત વસ્તીની સંખ્યાના આધારે આપણે દુનિયામાં આપણી મજબૂતાઈનો દાવો નહીં કરી શકીએ. તે એક તાકાત છે, પરંતુ ફક્ત એટલી તાકાતથી કંઈ થતું નથી. નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતે પોતાનું સ્થાન બનાવવા માટે ભારતે સશક્ત બનવું પડશે, સમર્થ બનવું પડશે અને તેનો રસ્તો છે, આત્મનિર્ભર ભારત. આજે ફાર્મસી ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર છીએ. આપણે દુનિયાના કલ્યાણના કામમાં આવીએ છીએ. ભારત જેટલો આત્મનિર્ભર બનશે અને તેની નસોમાં સર્વે ભવન્તુ સુખિનઃનો મંત્ર તો વણાયેલો જ છે. તે જેટલો સામર્થ્યવાન હશે, માનવજાતના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે એક ઘણી મોટી ભૂમિકા અદા કરી શકશે અને એટલે અમારા માટે જરૂરી છે કે આપણે આત્મનિર્ભર ભારતના આ વિચાર ઉપર ભાર મૂકીએ અને આપણે એવું માનીને ચાલીએ કે આ કોઈ શાસન વ્યવસ્થાનો વિચાર નથી, આ કોઈ રાજકીય નેતાનો વિચાર નથી. આજે હિન્દુસ્તાનના દરેક ખૂણે વોકલ ફોર લોકલ, વોકલ ફોર લોકલ સંભળાઈ રહ્યું છે અને લોકો લોકલ ખરીદવા લાગ્યા છે. આ આત્મ ગૌરવનો ભાવ, આત્મનિર્ભર ભારત માટે ઘણો કામમાં આવી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આપણા સહુના વિચારો, આપણી નીતિઓ, આપણા નિર્ણય ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે કંઈ પણ પરિવર્તન જરૂરી હોય, તે પરિવર્તન તરફ હોવા જોઈએ, તેવું મારું માનવું છે.

આ ચર્ચામાં લગભગ તમામ માનનીય સભ્યોએ કોરોનાની ચર્ચા કરી છે. આપણા માટે સંતોષનો વિષય છે, ગર્વનો વિષય છે કે કોરોનાને કારણે ઘણી મોટી મુસીબત આવશે, એવું દુનિયાએ અનુમાન બાંધ્યું હતું, ઘણા મોટા મોટા એક્સપર્ટે અનુમાન બાંધ્યું હતું. ભારતમાં પણ એક ભયનું વાતાવરણ પેદા કરવાનો ભરપૂર પ્રયાસ થયો હતો. અને એક અનનોન એનિમી - અજાણ્યો દુશ્મન હતો, એટલે વિશ્વાસપૂર્વક કોઈ કશું કહી શકતું ન હતું. વિશ્વાસપૂર્વક કોઈ કશું કરી પણ શકતું ન હતું. એક એવા અજાણ્યા દુશ્મન સામે લડવાનું હતું. અને આટલા મોટા દેશમાં આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં, આટલી ઓછી વ્યવસ્થાઓ ધરાવતા દેશમાં, દુનિયાને શંકા જાય એ ઘણું સ્વાભાવિક પણ હતું. કેમકે વિશ્વના મોટા મોટા દેશ કોરોના સામે હાર સ્વીકારી ચૂક્યા હતા, ત્યારે ભારત કેવી રીતે ટકી શકશે એ સવાલ હતો અને એકવાર ભારતની હાલત ખરાબ થઈ ગઈ તો દુનિયાને કોઈ નહીં બચાવી શકે એમ કહેવાતું હતું. આવાં સમીકરણો પણ લોકો માંડી રહ્યા હતા. એવામાં 130 કરોડ દેશવાસીઓએ જે ડિસિપ્લિન (શિસ્ત), તેમનું સમર્પણ બતાવ્યું, તેના કારણે આજે આપણે બચીને રહી શક્યા છીએ. તેનો યશ 130 કરોડ હિન્દુસ્તાનીઓને જાય છે અને તેનું આપણે ગૌરવ લેવું જોઈએ. ભારતની ઓળખ ઊભી કરવા માટે આ પણ એક અવસર છે. આપણે પોતાની જાતને દોષ આપતા રહીને કહેતા રહીએ કે દુનિયા આપણને સ્વીકારે, તો એ ક્યારેય સંભવ નથી બનતું. આપણે ઘરમાં બેસીને આપણી ઉણપો સામે લડતા રહીશું, ઉણપો દૂર કરવાના પ્રયાસ કરીશું. પરંતુ વિશ્વાસ સાથે કરીશું, વિશ્વ સમક્ષ જવાનો અનુભવ પણ રાખીશું. ત્યારે દુનિયા આપણો સ્વીકાર કરશે. જો તમે પોતાનાં બાળકોનો ઘરમાં સ્વીકાર ન કરતા હો અને ઈચ્છો કે મહોલ્લાના લોકો બાળકનો સ્વીકાર કરે, તો કોઈ સ્વીકાર નથી કરતું. દુનિયાનો નિયમ છે અને એટલા માટે આપણે આમ કરવું જોઈએ.

શ્રી મનીષ તિવારીજીએ એક વાત કહી, તેમણે કહ્યું કે ભગવાનની કૃપા છે કે કોરોનામાં આપણે બચી ગયા. હું આ વાતથી જરૂર કંઈક કહેવા માગીશ. આ ભગવાનની કૃપા જ છે. જેના કારણે દુનિયા આટલી બધી હચમચી ગઈ, આપણે બચી ગયા, ભગવાનની કૃપા છે. કેમ કે ભગવાન ડોક્ટર્સ, નર્સ બનીને આવ્યા હતા. કેમકે, એ ડોક્ટર્સ, એ નર્સ પોતાનાં નાનાં-નાનાં બાળકોને સાંજે ઘરે આવીશ, એમ કહીને જતા હતા. પંદર - પંદર દિવસ સુધી ઘરે આવી શકતા ન હતા. એ ભગવાનના રૂપ લઈને કહેતા હતા. આપણે કોરોના સામે જીતી શક્યા કેમકે આપણા આ સફાઈ કર્મચારીઓ માટે પણ આ મૃત્યુ અને જિંદગી વચ્ચેની રમત હતી. પરંતુ જે દર્દી પાસે કોઈ જઈ શકતું ન હતું. મારો સફાઈ કર્મચારી ત્યાં જઈને તેને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરતો હતો, ભગવાન સફાઈ કર્મચારીના રૂપે આવ્યા હતા. કોઈ એમ્બ્યુલન્સ ચલાવનારો ડ્રાયવર ભણેલો ગણેલો ન હતો. તેને ખબર હતી કે હું જેને લઈને જઈ રહ્યો છું, તે કોરોના પોઝિટિવ છે, તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ભગવાનનું રૂપ ધારણ કરીને આવ્યો હતો અને એટલે જ તે ભગવાનનું સ્વરૂપ જ હતો. જેણે આપણને બચાવ્યા છે. પરંતુ ભગવાન અલગ-અલગ રૂપમાં આવ્યા હતા. અને આપણે તેમની જેટલી પ્રશંસા કરીએ, તેમની ગૌરવગાથાઓ જેટલી પણ ગાઈએ, દેશની સફળતાનું ગૌરવગાન કરીશું, આપણી અંદર પણ એક નવી તાકાત પેદા થશે. અનેક કારણોથી જે લોકોની અંદર નિરાશા ફેલાઈ ચૂકી છે. તેમને પણ હું કહું છું કે થોડી વાર માટે 130 કરોડ દેશવાસીઓના આ પરાક્રમને યાદ કરીએ. તમારી અંદર પણ ઉર્જા આવી જશે.

માનનીય અધ્યક્ષ શ્રી

આ કોરોના કાળ એવી પરીક્ષાનું કારણ હતો, ખરી પરીક્ષા ત્યારે થાય છે, જ્યારે સંકટ હોય છે. સામાન્ય સ્થિતિમાં ખાસ ધ્યાનમાં નથી આવતું. દુનિયાના મોટા મોટા દેશ કોરોનામાં જે થયું તે તો છે. પરંતુ તેમણે દરેકે નક્કી કર્યું કે તેઓ પોતાના નાગરિકોને સીધા નાણાં પહોંચાડશે, જેથી આ સંકટની ઘડીએ પોતાના નાગરિકોની મદદ કરી શકે. તમને જાણીને અચરજ થશે કે દુનિયાના ઘણા બધા દેશ આ કોરોના, લોકડાઉન, કર્ફ્યુ, આશંકાના આ વાતાવરણને કારણે ઈચ્છે તો પણ, તિજોરીમાં પાઉન્ડ અને ડોલરનો ઢગલો હોવા છતાં પણ પોતાના નાગરિકો સુધી પહોંચી શક્યા નહીં. બેન્ક બંધ, પોસ્ટ બંધ, વ્યવસ્થાઓ બંધ, કંઈ ન કરી શક્યા. ઈચ્છા હતી, જાહેરાતો પણ થઈ, પણ તેઓ કંઈ કરી શક્યા નહીં. આ હિન્દુસ્તાન છે, જે કોરોનાના આ કપરા કાળમાં આશરે 75 કરોડથી વધુ ભારતીયોને રાશન પહોંચાડી શકે છે. આ જ ભારત છે, જેણે જનધન, આધાર અને મોબાઈલ દ્વારા બે લાખ કરોડ રૂપિયા આ વિકટ સમયે લોકો સુધી પહોંચાડ્યા અને દુર્ભાગ્ય જુઓ કે જે આધાર, જે મોબાઈલ, આ જનધન એકાઉન્ટ ગરીબના એટલા કામમાં આવ્યાં, પરંતુ ક્યારેક ક્યારેક વિચારીએ તો જોઈએ કે આ જ આધાર રોકવા માટે કેટલાક લોકો કોર્ટમાં પહોંચી ગયા હતા. કેટલાક લોકો સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા હતા. હું ક્યારેક ક્યારેક આશ્ચર્ય પામું છું અને આજે હું આ વાતને વારંવાર કહીશ, અધ્યક્ષ શ્રી, મને ક્ષમા કરજો. મને એક મિનિટનો વિરામ આપવા માટે હું આપનો ઘણો આભારી છું. આ ગૃહમાં ક્યારેક ક્યારેક અજ્ઞાન પણ મોટી મુસીબત ઊભી કરી દે છે.

માનનીય અધ્યક્ષ શ્રી,

પાથરણાંવાળા, લારી ચલાવતા લોકો આ કોરોનાના કપરા કાળમાં તેમને પણ નાણાં મળ્યાં, તેમને પૈસા મળ્યા, તેમને પૈસા ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં અને અમે કરી શક્યા. આદરણીય અધ્યક્ષ શ્રી, આપણી અર્થવ્યવસ્થા આ સમયગાળામાં પણ આપણે સુધારાનો સિલસિલો જારી રાખ્યો. અને એ ઈરાદા સાથે આગળ વધ્યા કે ભારત જેવી અર્થવ્યવસ્થાને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે, બહાર લાવવા માટે અમે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાં પડશે અને તમે જોયું હશે કે પહેલા દિવસથી જ અનેક રીતે સુધારાનાં પગલાં અમે ઉઠાવ્યાં અને તેનું પરિણામ છ ેકે આજે ટ્રેક્ટર હોય, ગાડીઓ હોય, એનાં વિક્રમી વેચાણ થઈ રહ્યાં છે. આજે જીએસટીનું કલેક્શન પણ સૌથી વધુ નોંધાયું છે. આ બધા આંકડા આપણી અર્થવ્યવસ્થામાં જોશ ભરી રહ્યા છે. એ દર્શાવી રહ્યા છે કે ભારતનું અર્થતંત્ર નવા જોશ સાથે આગળ વધી રહ્યું છે અને દુનિયાના જે લોકો છે. તેમણે એવું અનુમાન પણ બાંધ્યું છે કે લગભગ બે આંકડાનો વિકાસ દર અવશ્ય નોંધાશે. બે આંકડાના વિકાસની સંભાવનાઓ તમામ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે અને મને વિશ્વાસ છે કે આ જ કારણથી આ સંકટના સમયમાં પણ, મુસીબતોની વચ્ચે પણ દેશવાસીઓની અપેક્ષાઓ મુજબ દેશ પ્રગતિ કરશે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

આ કોરોનાકાળમાં ત્રણ કૃષિ કાયદા પણ લાવવામાં આવ્યા. આ કૃષિ સુધારાનો સિલસિલો ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને વર્ષોથી આપણું કૃષિ ક્ષેત્ર જે પડકારોનો અનુભવ કરી રહ્યું છે, તેને તેમાંથી બહાર લાવવા માટે આપણે નિરંતર પ્રયાસ કરવા જ પડશે અને એ કરવાની દિશામાં જ અમે એક ઈમાનદારીભર્યો પ્રયાસ કર્યો છે. ભવિષ્યના જે પડકારો છે, જેનો ઘણા વિદ્વાનોએ ઉલ્લેખ કર્યો છે, એ મારા શબ્દો નથી. કૃષિ ક્ષેત્રના આ ભાવિ પડકારોને આપણે અત્યારથી જ ડીલ કરવા પડશે. અને અમે એવું જ કરવાનો પ્રયાસ કર્યો છે. હું જોઈ રહ્યો હતો કે અહીં જે ચર્ચા થઈ અને ખાસ કરીને આપણા કોંગ્રેસના સાથીઓએ જે ચર્ચા કરી. હું જોઈ રહ્યો હતો કે તેઓ આ કાયદાના કલર ઉપર તો ઘણો વાદવિવાદ કરી રહ્યા હતા. બ્લેક છે કે વ્હાઈટ છે, બ્લેક છે કે વ્હાઈટ છે, સારું હોત કે તેઓ તેના કન્ટેન્ટ ઉપર ચર્ચા કરત, સારું હોત કે તેઓ તેના ઈન્ટેન્ટ ઉપર ચર્ચા કરત, જેથી દેશના ખેડૂતોને પણ સારી વાત પહોંચાડી શક્યા હોત અને મને વિશ્વાસ છે કે દાદાએ પણ ભાષણ કર્યું અને મને હતું કે દાદા તો ઘણો અભ્યાસ કરીને આવ્યા હશે, સારી વાતો જણાવશે, પરંતુ મોટાભાગે પ્રધાનમંત્રી અને તેમના સાથીઓ બંગાળમાં શું કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, એ જ વાતો તેમણે કરી. તો દાદાના જ્ઞાનથી આપણે સહુ આ વખતે વંચિત રહી ગયા. જવા દો, ચૂંટણી પછી જો આપની પાસે તક હોય તો આ કેટલો મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે, એટલે તો અમે કરી રહ્યા છીએ. હા, તમે લોકોએ એનો એટલો પાછળ રાખી દીધો છે, અમે તો તેને પ્રાથમિકતા આપવા માગીએ છીએ. આપણે એક વાત સમજીએ કે જ્યાં સુધી આંદોલનનો સવાલ છે. દિલ્હીની બહાર આપણા જે ખેડૂત ભાઈ-બહેન બેઠા છે. જે પણ ખોટી ધારણાઓ બાંધવામાં આવી, જે અફવાઓ ફેલાવવામાં આવી, તેના તેઓ શિકાર થયા છે. મારા ભાષણ પછી તમે ધીરજ રાખજો, તમને તક મળી હતી. તમે તો એવા શબ્દો તેમના માટે બોલી શકો છો, અમે નથી બોલી શકતા. આપણા શ્રીમાન કૈલાશ ચૌધરીજીએ, અને જુઓ, હું તમારી કેટલી સેવા કરું છું, તમારે જ્યાં રજિસ્ટર કરાવવાનું હતું, થઈ ગયું.

માનનીય અધ્યક્ષ શ્રી,

આંદોલન કરી રહેલા તમામ ખેડૂત સાથીઓની ભાવનાનો આ ગૃહ પણ અને આ સરકાર પણ આદર કરે છે, આદર કરતાં રહેશે. અને એટલે જ સરકારના વરિષ્ઠ મંત્રી, જ્યારે આ આંદોલન પંજાબમાં હતું, ત્યારે પણ અને તે પછી પણ તેમની સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ખેડૂતો પ્રત્યે સન્માન ભાવ સાથે વાતચીત કરી રહ્યા છે. આદરભાવ સાથે વાતચીત કરી રહ્યા છે.

માનનીય અધ્યક્ષ જી, સતત વાતચીત ચાલી રહી છે. અને જ્યારે જ્યારે આંદોલન પંજાબમાં ચાલી રહ્યું હતું, ત્યારે પણ વાતચીત થઈ છે. દિલ્હી આવ્યા પછી જ વાતચીત થઈ હોય એવું નથી. વાતચીતમાં ખેડૂતોની શંકાઓ કઈ છે, તે શોધવાનો ભરપૂર પ્રયાસ કરાયો. તેમને સતત કહેવામાં આવ્યું કે તમારા એકેએક મુદ્દા ઉપર ચર્ચા કરીશું. નરેન્દ્ર સિંહ તોમરજીએ આ બાબતે રાજ્યસભામાં વિસ્તારપૂર્વક જણાવ્યું પણ ખરું. એક એક કલમ સાથે ચર્ચા કરવા માટે પણ કહેવામાં આવ્યું અને અમે માનીએ છીએ કે જો તેમાં કોઈ ખોટ હોય અને સાચેસાચ ખેડૂતોને કંઈ નુકસાન હોય તો એને બદલવામાં શું જાય છે. આ દેશ દેશવાસીઓ માટે છે, જો કોઈ નિર્ણય લેવાય છે, તો ખેડૂતો માટે છે, પરંતુ અમે રાહ જોઈ રહ્યા છીએ, હજુ પણ રાહ જોઈ રહ્યા છીએ કે તેઓ જો કોઈ ચોક્કસ બાબતો હોય તો તે જણાવે અને જો તે કન્વિન્સિંગ હશે તો અમને ફેરફાર કરવામાં કોઈ સંકોચ નથી અને એટલા માટે જ અમે જ્યારે તેઓ શરૂઆતમાં પંજાબમાં હતા, ત્યારે પણ વાતચીત કરી હતી. આ ત્રણ કાયદા પણ ઠરાવ - ખરડો લાવીને જ લાગુ કરાયા હતા. સંસદમાં મંજૂર થયા પછી જ અમલમાં આવ્યા. કાયદો લાગુ થયા પછી દેશમાં કોઈ મંડી બંધ નથી થઈ, કાયદો લાગુ થયા બાદ કોઈ એમએસપી બંધ કરાઈ નથી. આ હકીકત છે, જેને છુપાવીને આપણે વાતો કરી રહ્યા છીએ, જેનો કોઈ મતલબ નથી. એટલું જ નહીં, એમએસપીથી ખરીદી પણ વધી છે અને આ નવા કાયદા બન્યા પછી વધી છે.

માનનીય અધ્યક્ષ જી,

આ હોબાળો, આ વિરોધ, આ અડચણો નાંખવાનો પ્રયાસ એક સમજેલી-વિચારેલી રણનીતિ હેઠળ થઈ રહી છે અને સમજેલી-વિચારેલી રણનીતિ એ છે કે જે જુઠાણું છે, જે અફવાઓ છે, તે એટલી ફેલાવવામાં આવે, પરંતુ તેનો પર્દાફાશ થઈ જશે, સત્ય ત્યાં પહોંચી જશે તો તેમનું ટકવું ભારે થઈ જશે અને એટલા માટે હોબાળો કરતા રહો, જેવો બહાર કરતા હતા, તેવો અંદર પણ કરતા રહો, આ જ રમત ચાલતી રહી છે. પરંતુ તેનાથી તમે ક્યારેય લોકોનો વિશ્વાસ નહીં જીતી શકો, તે માનીને ચાલજો. માનનીય અધ્યક્ષ જી, ઓર્ડનન્સ પછી અને પાર્લામેન્ટમાં કાયદો બન્યા બાદ કોઈ પણ ખેડૂતને હું પૂછવા માગું છું કે તેમની પાસે અગાઉ જે અધિકાર હતા, જે સગવડો તેમની પાસે હતી, તેમાંથી આ નવા કાયદાએ કશું છીનવી લીધું છે ? એની ચર્ચા, તેનો કોઈ જવાબ નથી આપતું. બધું એમનું એમ જ, જૂનું છે. શું બદલાયું છે, તે એ છે કે એક વધારાની વૈકલ્પિક વ્યવસ્થા મળી છે, તે પણ ક્યાં કમ્પલ્સરી છે. કોઈ કાયદાનો વિરોધ તો ત્યારે મહત્ત્વ રાખે, જ્યારે કશું કમ્પલ્સરી હોય. આ તો વૈકલ્પિક છે, તમારી મરજી પડે ત્યાં તમે જઈ શકો છો. તમારી મરજી પડે ત્યાં તમારા ઉત્પાદન લઈ જાઓ. જ્યાં ફાયદો હોય, ત્યાં ખેડૂત ચાલ્યો જાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને એટલા માટે અધિરંજન જી હવે વધુ પડતું થઈ રહ્યું છે, અધિરંજન જી પ્લીઝ, હવે વધુ પડતું થઈ રહ્યું છે, હવે વધુ પડતું થઈ રહ્યું છે. હું તમારું રિસ્પેક્ટ જાળવનારો માણસ છું. અને મેં પહેલા જ કહી દીધું, તમે જેટલું કર્યું અહીં રજિસ્ટર્ડ થઈ ગયું. અને બંગાળમાં પણ ટીએમસીથી વધારે પબ્લિસિટી તમને મળી જશે... અરે ભાઈસાબ, શા માટે આટલું બધું... હા દાદા, મેં જણાવી દીધું છે, ચિંતા ન કરો, મેં જણાવી દીધું છે. અધિરંજનજી, પ્લીઝ, અધિરંજનજી. સારું નથી લાગતું... હું કેટલો આદર કરું છું તમારો.. આજે આવું કેમ કરી રહ્યા છો ? તમે આમ ન કરો. અરે ભાઈ.. હદથી વધારે કેમ કરી રહ્યા છો.

આ જે કાયદા છે, અધ્યક્ષ જી, કોઈના પણ માટે બંધનકર્તા નથી, એવા કાયદા છે. તેમના માટે વિકલ્પ છે અને જ્યાં વિકલ્પ છે, ત્યાં વિરોધ માટે તો કોઈ કારણ જ ઊભું થતું નથી. હા, એવો કાયદો હોય તે જે થોપી દીધો હોય, તેના માટે વિરોધનું કારણ હોઈ શકે છે. અને એટલા માટે હું કહું છું, લોકોને... હું જોઈ રહ્યો છું, આંદોલનની એક નવી પદ્ધતિ છે, શું પદ્ધતિ છે - આંદોલનકારી જે હોય છે, તેઓ આવી પદ્ધતિઓ નથી અપનાવતા.. આંદોલનજીવી હોય છે, તેઓ આવા રસ્તાઓ અપનાવતા હોય છે. અને તેઓ કહેતા હોય છે કે આમ થશે તો આમ થશે, આમ થશે તો તેમ થશે. અરે ભાઈ, જે કંઈ થયું જ નથી, જે થવાનું જ નથી, તેનો ભય પેદા કરી કરીને અને છેલ્લા કેટલાંયે વર્ષોથી સતત સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવી જાય, કોઈ નિર્ણય લેવાયો નથી અને એકદમ તોફાન મચાવી દેવાય, દેશમાં આગ લગાડી દેવાય. આ જે રીતભાત છે, જે રીતભાત.. જે લોકો લોકશાહીમાં વિશ્વાસ કરે છે, જે લોકો અહિંસામાં વિશ્વાસ કરે છે, તે સહુની ચિંતાનો વિષય હોવી જોઈએ. આ સરકારની ચિંતા નથી, દેશની ચિંતાનો વિષય છે. પ્લીઝ, પછીથી, પછીથી, પછીથી તમને સમય મળશે.

માનનીય અધ્યક્ષ જી,

જૂની મંડીઓ ઉપર પણ કોઈ પ્રતિબંધ નથી. એટલું જ નહીં, આ બજેટમાં એ મંડીઓને આધુનિક બનાવવા માટે, તેમને પોતાનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે વધુ જોગવાઈ કરવામાં આવી છે અને એ બજેટના માધ્યમથી, માનનીય અધ્યક્ષ જી, આ જે અમારા નિર્ણય છે, તે સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવના સાથે જ લેવામાં આવ્યા છે. આદરણીય અધ્યક્ષ જી, આ ગૃહના સાથીઓ સારી રીતે આ વાત સમજે છે કે કોંગ્રેસ અને કેટલાક પક્ષોએ ઘણા જોર-શોરથી પોતાની વાત કરી, પરંતુ જે વાતો માટે તેમણે કહેવું જોઈએ, ભાઈ, આ નહીં આ.. અપેક્ષા એવી હોય છે કે તેઓ એટલો અભ્યાસ કરીને આવ્યા હોય. એટલું જ નહીં, જે લોકો એમ કહે છે.. હું હેરાન છું કે પહેલીવાર એક નવો તર્ક આવ્યો આ ગૃહમાં કે ભઇ, અમે તો માંગ્યું ન હતું, તમે કેમ આપ્યું ? પહેલી વાત છે કે લેવું કે ન લેવું તે તમારી મરજી છે, કોઈએ કોઈના ગળે બઝાડી નથી દીધું. ઓપ્શનલ છે, એક વ્યવસ્થા છે અને દેશ ઘણો મોટો છે. હિન્દુસ્તાનના કોઈ ખૂણે તેનો લાભ થશે, શક્ય છે કે કોઈને ન પણ થાય, પરંતુ તે કમ્પલ્સરી નથી. અને એટલા માટે માંગ્યું અને આપ્યું એનો કોઈ અર્થ નથી. પરંતુ હું ફરી કહેવા માગું છું કે આ દેશમાં.. માનનીય અધ્યક્ષજી, દહેજ વિરુદ્ધ કાયદા બન્યા. આ દેશમાં ક્યારેય કોઈએ માગણી નથી કરી તો પણ દેશની પ્રગતિ માટે કાયદા બન્યા હતા.

માનનીય અધ્યક્ષ જી, ટ્રિપલ તલાક - તેના વિરુદ્ધ કાયદો બન્યો, આ કોઈની માગણી ન હતી, પરંતુ પ્રગતિશીલ સમાજ માટેની આવશ્યકતા છે, એટલા માટે કાયદા અમે બનાવ્યા છે. આપણે ત્યાં બાળ-વિવાહ ઉપર પ્રતિબંધ - કોઈએ માગણી કરી ન હતી કે કાયદો બનાવો, તો પણ કાયદો બન્યો હતો, કેમકે પ્રગતિશીલ સમાજ માટે આવશ્યક હોય છે. લગ્નની વય વધારવા માટેનો નિર્ણય - કોઈએ માગણી કરી ન હતી, પરંતુ પ્રગતિશીલ વિચાર સાથે તે નિર્ણય બદલવા પડે છે. દીકરીઓને સંપત્તિમાં અધિકાર - કોઈએ માંગ્યો ન હતો, પરંતુ એક પ્રગતિશીલ સમાજ માટે આવશ્યક હોય છે, ત્યારે કાયદો બનાવવામાં આવે છે. શિક્ષણનો અધિકાર આપવાની વાત - કોઈએ માંગ્યો નથી, પરંતુ સમાજ માટે આવશ્યક હોય છે, પરિવર્તન માટે આવશ્યક હોય છે, તો કાયદા બને છે. આટલા સુધારા થયા, બદલાતા જતા જમાજે તેને સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો, એ દુનિયા સારી રીતે જાણે છે.

માનનીય અધ્યક્ષ જી,

આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની ઘણી જૂની પાર્ટી - કોંગ્રેસ પાર્ટી, જેણે આશરે છ દાયકા સુધી આ દેશમાં એકચક્રી શાસન કર્યું, આ પાર્ટીની જે હાલત થઈ ગઈ છે કે પાર્ટીનો રાજ્યસભાનો એક વર્ગ એક તરફ ચાલે છે અને પાર્ટીનો લોકસભાનો વર્ગ બીજી તરફ ચાલે છે. આવી ડિવાઇડેડ પાર્ટી, આવી કન્ફ્યુઝ્ડ પાર્ટી, ન પોતાનું ભલું કરી શકે છે, ન દેશની સમસ્યાઓના ઉકેલ માટે કંઈ વિચારી શકે છે. એનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે ? કોંગ્રેસ પાર્ટી રાજ્યસભામાં પણ, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાજ્યસભામાં બેઠા છે, પરંતુ તેઓ ઘણા આનંદ અને ઉમંગ સાથે વાદ-વિવાદ કરે છે, વિસ્તારથી ચર્ચા કરે છે, પોતાની વાત મૂકે છે અને આ જ કોંગ્રેસ પાર્ટીનો બીજો વર્ગ... હવે સમય નક્કી કરશે.

માનનીય અધ્યક્ષ જી,

ઈપીએફ પેન્શન યોજના - અમને ખબર છે કે ક્યારેક ક્યારેક એવા કેસીઝમાં એવું પ્રકાશમાં આવ્યું, જ્યારે 2014 પછી હું અહીં બેઠો, કોઈને સાત રૂપિયા પેન્શન મળતું હતું, કોઈને 25 રૂપિયા, કોઈને 50 રૂપિયા, કોઈને 250 રૂપિયા.. આવું દેશમાં ચાલતું હતું. મેં કહ્યું - ભઈ, આ લોકોને ઓટો રિક્શામાં એ પેન્શન લેવા જવાનો ખર્ચ પણ આનાથી વધુ હશે. કોઈએ માગણી કરી નહોતી, કોઈ મજૂર સંગઠને મને આવેદન પત્ર આપ્યું ન હતું, માનનીય અધ્યક્ષ જી. તેમાં સુધારો લાવીને મિનિમમ 1000 રૂપિયા આપવાનો અમે નિર્ણય કર્યો હતો, કોઈએ માગ્યું ન હતું. મને કોઈ પણ ખેડૂત સંગઠને આ દેશના નાના ખેડૂતને થોડી સન્માનજનક રકમ મળે, તેવી વ્યવસ્થા કરી, કોઈએ માગ કરી ન હતી, પરંતુ અમે પ્રધાનમંત્રી સમ્માન નિધિ યોજના હેઠળ તેમને સામેથી નાણાં આપવાનું શરૂ કર્યું.

માનનીય અધ્યક્ષ જી,

કોઈ પણ આધુનિક સમાજ માટે પરિવર્તન ઘણું જરૂરી હોય છે. આપણે જોયું છે, જે રીતે એ સમયગાળામાં વિરોધ થતો હતો, પરંતુ રાજા રામમોહન રાયજી જેવા મહાપુરુષ, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરજી જેવા મહાપુરુષ, જ્યોતિબા ફુલે જેવા મહાપુરુષ, બાબા સાહેબ આંબેડકર... કેટલાયે અગણિત નામ છે... તેમણે સમાજ સમક્ષ, પ્રવાહથી વિપરિત જઈને સામે પડીને સમાજ-સુધારણાનું બીડું ઝડપ્યું હતું, વ્યવસ્થાઓ બદલવાનો પડકાર ઉઠાવ્યો હતો. હવે ક્યારેય કોઈએ પણ જે જવાબદારીઓ લેવી હતી.. હા, આવી ચીજોનો શરૂઆતમાં વિરોધ થાય છે, જ્યારે વાત સત્ય સુધી પહોંચે છે ત્યારે લોકો તેનો સ્વીકાર પણ કરી લે છે. અને હિન્દુસ્તાન આટલો વિશાળ દેશ છે.. કોઈ પણ નિર્ણય સો ટકા બધાયને સ્વીકાર્ય હોય, એવું સંભવ જ ન હોઈ શકે. આ દેશ વિવિધતાઓથી ભરેલો છે. કોઈ એક જગ્યાએ તે ખૂબ લાભકર્તા હોય, કોઈ અન્ય જગ્યાએ તે ઓછો લાભકર્તા હોય, કોઈ જગ્યાએ કદાચ જે અગાઉના લાભ છે, તેનાથી વંચિત કરતો હોય એવું પણ બને. પરંતુ આ દેશમાં એવી વ્યવસ્થા તો ન થઈ શકે કે આપણે તેમાં કોઈ.. પરંતુ હા, એક વિશાળ હિત.. દેશમાં જે નિર્ણય લેવાય છે.. વિશાળ.. સર્વજન હિતાય, સર્વજન સુખાય નિર્ણય થાય છે અને એ ધ્યાનમાં રાખીને અમે કામ કરીએ છીએ.

માનનીય અધ્યક્ષ જી,

આ વિચાર સાથે મારો વિરોધ છે.. જ્યારે એવું કહેવાય છે કે અમે માંગ્યું હતું કે ? શું આપણે ત્યાં સામંતશાહી છે, કે દેશની જનતા યાચકની જેમ અમારી પાસે માગે ? તેમને માંગવા માટે મજબૂર કરીએ ? આ માંગવા માટે મજબૂર કરવાવાળી જે વિચારધારા છે, લોકશાહીની વિચારધારા ન હોઈ શકે, માનનીય અધ્યક્ષ જી. સરકાર સંવેદનશીલ હોવી જોઈએ. લોકશાહી પદ્ધતિથી જનતાની ભલાઈ માટે સરકારે જવાબદારીઓ લઈને આગળ આવવું જોઈએ. અને એટલા માટે આ દેશની જનતાએ આયુષ્માન યોજના નથી માગી, પરંતુ અમને લાગ્યું કે ગરીબને બીમારીથી બચાવવો છે, તો આયુષ્માન ભારત યોજના લાવવી પડશે. આ દેશના ગરીબના બેન્ક એકાઉન્ટ માટે કોઈ રેલીઓ કાઢવામાં નહોતી આવી, કોઈ મેમોરેન્ડમ મોકલ્યાં ન હતાં, અમે જન-ધન યોજના મૂકી હતી અને અમે આ જન-ધન યોજના દ્વારા તેમનાં ખાતાં ખોલ્યાં હતાં.

કોઈએ પણ, સ્વચ્છ ભારતની માગ કોણે કરી હતી.. પરંતુ દેશ સામે જ્યારે સ્વચ્છ ભારત લઈને ગયા તો વાત જામી પડી. લોકોએ ક્યાં કહ્યું હતું કે મારા ઘરમાં શૌચાલય બનાવો... આવી કોઈએ માગણી કરી ન હતી.. પરંતુ અમે દસ કરોડ ઘરોમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. માગણી ઉઠે, ત્યારે જ સરકાર કામ કરે, એ સમય વીતી ગયો. આ લોકશાહી છે, આ અમલદારશાહી નથી. આપણે લોકોએ લોકોની સંવેદનાઓને સમજીને સામેથી આપવું જોઈએ. નાગરિકોને ભિક્ષુક બનાવીને આપણે નાગરિકોનો આત્મવિશ્વાસ વધારી નથી શકતા. આપણે નાગરિકોને અધિકાર આપવાની દિશામાં આગળ વધતા રહેવું જોઈએ. નાગરિકને માગવાવાળો બનાવીએ તો નાગરિકનો આત્મવિશ્વાસ ધોવાઈ જશે. નાગરિકમાં સામર્થ્ય પેદા કરવા માટે તેનામાં આત્મવિશ્વાસ જગાવવા માટેનાં આપણાં પગલાં હોવા જોઈએ, અને અમે એ દિશામાં પગલાં ઉઠાવ્યાં છે. સરકાર, દાદા-દાદા, એક મિનિટ સાંભળો દાદા, અરે હું એ જ કહી રહ્યો છું, દાદા હું એ જ તો કહી રહ્યો છું. જે લોકો ન ઈચ્છે તે લોકો તેનો ઉપયોગ ન કરે, તેમની પાસે જૂની વ્યવસ્થા છે. આ જ તો, તમને બુદ્ધિશાળી લોકોને આટલી નાની વાત તો મારે સમજાવવી છે કે જેને સુધારા નથી જોઈતા, તેના માટે જૂની વ્યવસ્થા છે જ... જૂની વ્યવસ્થા કાઢી નથી નંખાઈ.

માનનીય અધ્યક્ષ જી,

એક વાત આપણે જાણીએ છીએ, આપણે સહુ આ વાતને... જે પાણી બંધિયાર હોય છે, તે બીમારી પેદા કરે છે... વહેતું પાણી છે, તે જીવનને ભરી દે છે, ઉમંગથી ભરી દે છે. જે ચાલતું રહે છે... ચાલે છે, ચાલવા દો. અરે યાર, કોઈ આવશે, તો કરશે, એવું થોડું ચાલે. જવાબદારીઓ લેવી જોઈએ, દેશની આવશ્યકતા મુજબ નિર્ણય લેવા જોઈએ. સ્ટેટસને... દેશને બરબાદ કરવામાં આ માનસિકતાએ પણ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. દુનિયા બદલાઈ રહી છે, ક્યાં સુધી આપણે સ્ટેટસક્વો.. સ્ટેટસક્વો.. સ્ટેટસક્વો..(યથાવત્.. યથાવત્) એમ કરતા રહીશું. તો હું માનું છું કે સ્થિતિ બદલાવવાની નથી અને એટલે જ દેશની યુવા પેઢી વધુ પ્રતીક્ષા નહીં કરી શકે.

પરંતુ આજે હું ઘટના સાંભળવા માગું છું અને એનાથી અમારા ધ્યાનમાં ચોક્કસ આવશે કે સ્ટેટસક્વોનાં કારણો કયાં હોય છે. આ લગભગ 40-50 વર્ષ જૂની ઘટનાની વાત છે, મેં ક્યારેક કોઈની પાસેથી સાંભળ્યું હતું એટલે એની તારીખ કદાચ આઘી પાછી હોઈ શકે છે. પરંતુ મેં જે સાંભળ્યું હતું, જે મારી સ્મૃતિમાં છે.. તે હું કહી રહ્યો છું. 60ના દાયકામાં તમિલનાડુમાં રાજ્યના કર્મચારીઓનું વેતન વધારવા માટે કમિશન રચાયું હતું અને રાજ્યના કર્મચારીઓના વેતન વધે, એ માટે એ કમિશનને કામ સોંપાયું હતું. આ કમિટીના ચેરમેન પાસે એક પત્ર આવ્યો, તેની ઉપર ટોપ સિક્રેટ લખ્યું હતું. તેમણે જોયું તો તેની અંદર એક અરજી હતી. હવે તેણે લખ્યું હતું કે ઘણાં વર્ષોથી તંત્રમાં કામ કરી રહ્યો છું, ઈમાનદારીપૂર્વક કામ કરી રહ્યો છું. પરંતુ મારો પગાર વધતો નથી, મારો પગાર વધારવામાં આવે, એવી એણે ચિટ્ઠી લખી હતી. તો ચેરમેને, જેણે આ પત્ર લખ્યો હતો, તેને લખ્યું, ભઇ, તારું નામ શું છે, તું કોણ છે, પદ કયું છે, વગેરે તો લખ. તો એ વ્યક્તિએ જવાબમાં બીજો પત્ર લખ્યો કે, હું સરકારમાં, જે મુખ્ય સચિવનું કાર્યાલય છે, ત્યાં સીસીએના પદ ઉપર બેઠો છું. સીસીએના પદ ઉપર કામ કરી રહ્યો છું. તો, આ લોકોને લાગ્યું કે આ સીસીએ શું હોય છે, કોઈને કંઈ ખબર ન હતી. આ સીસીએ કોણ હોય છે? તો એમણે ફરી પત્ર લખ્યો - ભઇ, મારા યાર, આ સીસીએ શબ્દ તો ક્યાંયે જોયો નથી, વાંચ્યો નથી, આ છે શું, અમને જણાવ. તો તેણે કહ્યું, સાહેબ, હું બંધનમાં છું કે 1975 પછી જ આ વિષયમાં હું ઉલ્લેખ કરી શકું છું, અત્યારે નહીં કી શકું. તો ચેરમેને તેને લખ્યું કે તો પછી એવું કર ભાઈ, 1975 પછી જે પણ કમિશન બેસે ત્યાં જજે.. મારું માથું શું કામ ખાય છે. તો એને લાગ્યું કે વાત બગડી ગઈ... તો તેને લાગ્યું કે કહી દેવું સારું છે, કહેવા લાગ્યો, હું કહી દઉં છું કે હું કોણ છું. તો તેણે ફરી પત્ર લખીને જણાવ્યું કે સાહેબ, હું જે સીસીએના પદ ઉપર છું, અનેક વર્ષોથી કામ કરી રહ્યો છું અને મુખ્ય સચિવના કાર્યાલયમાં કામ કરું છું. તો કહ્યું કે સીસીએનો અર્થ થાય છે - ચર્ચિલ સિગાર આસિસ્ટન્ટ. આ સીસીએનું પદ છે, જેના ઉપર હું કામ કરું છું. તો આ શું છે, તો 1940માં જ્યારે ચર્ચિલ બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા, તો ત્રિચિથી... ત્રિચિ સાગરથી આપણે ત્યાંથી એમના માટે સિગારેટ મોકલાતી હતી.અને આ જે સીસીએ હતા, તેમનું કામ હતું કે એ સિગારેટ એમના સુધી બરોબર પહોંચી કે નહીં... તે ધ્યાન રાખવું અને એ માટે આ હોદ્દો ઊભો કરાયો હતો... આ સિગારેટની સપ્લાય થતી હતી. 1945માં તેઓ ચૂંટણી હારી ગયા, પરંતુ તો પણ એ પદ એમનું એમ રહ્યું અને સપ્લાય પણ ચાલુ રહી. દેશ આઝાદ થઈ ગયો. દેશ આઝાદ થયા બાદ, એ પછી પણ માનનીય અધ્યક્ષ જી, આ પદ કન્ટિન્યુ રહ્યું. ચર્ચિલને સિગારેટ પહોંચાડવાની જવાબદારીવાળું એક પદ, મુખ્ય સચિવના કાર્યાલયમાં ચાલી રહ્યું હતું. અને તેણે પોતાને કેટલોક પગાર મળે, કેટલુંક પ્રમોશન મળે, તે માટે પત્ર લખ્યો હતો.

હવે જુઓ, આવું સ્ટેટસક્વો...જો આપણે પરિવર્તન નહીં કરીએ, વ્યવસ્થાઓને ગોઠવીશું નહીં, તો આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે. હું જ્યારે મુખ્યમંત્રી બન્યો તો એક રિપોર્ટ આવતો હતો, આજે કોઈ બલૂન નથી આવ્યું અને કોઈ કાગળિયાં નથી ઉછળ્યાં. આ બીજા વિશ્વ યુદ્ધ સમયે કદાચ શરૂ થયું હશે, હજુ પણ એ ચાલતું હતું. એટલે કે એવી બાબતો આપણી વ્યવસ્થામાં ઘૂસેલી છે. બધાને લાગે છે કે ભાઈ અમે રિબન કાપીશું, દીપ પ્રગટાવીશું, ફોટો ખેંચાવીશું, અમારું કામ થઈ ગયું. દેશ આમ નથી ચાલતો. અમે જવાબદારી સાથે દેશમાં પરિવર્તન માટે તમામ કોશિષ કરવી જોઈએ. ભૂલો થઈ શકે છે, પરંતુ ઈરાદો જો નેક હોય તો પરિણામ સારું પણ મળે છે, શક્ય છે કે એકાદ બાબતમાં આપણને કંઈ ન મળે. તમે જુઓ, આપણા દેશમાં એક સમય હતો કે કોઈને પોતાના સર્ટિફિકેટ પ્રમાણિત કરવાના હોય તો કોર્પોરેટર, કાઉન્સિલના ઘરની બાહર સવારથી કતારમાં ઊભો રહી જતો હતો. અને જ્યાં સુધી તે થપ્પો ન મારે.. અને મઝા એ છે કે એ પોતે નહોતો મારતો.. એક છોકરો બહાર બેઠો હોય.. એ સિક્કો મારી આપતો હતો.. અને આવું ચાલી રહ્યું હતું. મેં કહ્યું, ભાઈ, આનો શો એર્થ છે... આપણે ભરોસો કરીએ દેશના નાગરિક ઉપર... મેં આવીને આ નાટક કરવાની સમગ્ર પ્રથા જ નાબૂદ કરી દીધી, દેશના લોકોને લાભ થયો. આપણે પરિવર્તન માટે કામ કરવું જોઈએ, સુધારા માટે કામ કરવું જોઈએ.

હવે આપણે ત્યાં ઈન્ટરવ્યુ થતા હતા, મને હજુયે આશ્ચર્ય થાય છે. એક વ્યક્તિ એક દરવાજામાંથી અંદર આવે છે, ત્રણ લોકોની પેનલ બેઠી છે... એનો મૂડ જુએ છે, નામ પણ પૂરું પૂછતા નથી, ત્રીજો એમ જ નીકળી જાય છે. અને એ ઈન્ટરવ્યુ કૉલ હોય છે અને પછી ઑર્ડર આપવામાં આવે છે. અમે કહ્યું - ભઇ, આનો શો મતલબ છે. એની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એને બધાને એકત્ર કરો.. મેરિટના આધારે કમ્પ્યુટરને પૂછો, તો જવાબ આપી દેશે. આ ત્રીજા અને ચોથા વર્ગના લોકો માટેના ઈન્ટરવ્યુનો જે જમાવડો ભેગો કર્યો છે. અને લોકો કહેતા હતા ભઇ ભલામણ વિના નોકરી નહીં મળે.. અમે આ પ્રથા નાબૂદ કરી દીધી. હું માનું છું કે દેશમાં આપણે ચીજોને બદલીએ. પરિવર્તનથી, અસફળતાના ડરથી અટકીને રહેવું.. એ ક્યારેય કોઈનુંયે ભલું નથી કરતું. આપણે પરિવર્તન કરવા જોઈએ અને પરિવર્તન કરવાનો પ્રયાસ અમે કરીએ છીએ.

માનનીય અધ્યક્ષ જી,

આપણે ત્યાં ખેતી, આપણે ત્યાં કૃષિ એક રીતે આપણી સંસ્કૃતિ, મુખ્ય પ્રવાહનો હિસ્સો રહી છે. એક રીતે આપણી સંસ્કૃતિના પ્રવાહ સાથે આપણી કૃષિ જોડાયેલી છે. આપણા ઋષિઓએ, મુનિઓએ એની ઉપર ઘણું બધું લખ્યું છે, ગ્રંથ અવેલેબલ છે આપણે ત્યાં, કૃષિ બાબતમાં. ઘણા બધા ઉત્તમ અનુભવ પણ છે. અને આપણે ત્યાં રાજા પણ ખેતરોમાં હળ ચલાવતા હતા. જનક રાજાની વાત તો આપણે જાણીએ છીએ. કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામની વાત આપણે જાણીએ છીએ. કોઈ પણ મોટો પરિવાર હશે, આપણે ત્યાં કૃષિ... આ આપણા દેશમાં ફક્ત પાકો ઉગાડવાના એ જ ખેતી નથી. આપણે ત્યાં એગ્રિકલ્ચર એક રીતે સમાજજીવનના કલ્ચરનો હિસ્સો રહ્યો છે. અને એ જ હિસ્સાને ધ્યાનમાં રાખીને અમે કામ કરી રહ્યા છીએ અને આ આપણી સંસ્કૃતિ છે. આપણા તહેવારો હોય, આપણા તહેવારો હોય, પર્વ હોય, આપણો વિજય હોય, બધી બાબતો વાવણીના સમય સાથે કે લણણી સાથે જોડાયેલી રહે છે. આ આપણે ત્યાં પરંપરા રહી છે, આપણા જેટલા લોકગીત છે તે પણ ખેડૂતો સાથે જોડાયેલા હોય છે... પાક સાથે જોડાયેલા હોય છે. આપણા તહેવારો પણ તેની સાથે જ જોડાયેલા હોય છે અને એટલા માટે... આપણા દેશની વિશિષ્ટતા જુઓ.. આપણા દેશમાં કોઈને આશીર્વાદ આપીએ છીએ, કોઈને શુભેચ્છાઓ પાઠવીએ છીએ તો તેની સાથે ધન-ધાન્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ધન-ધાન્ય.. ધન અને ધાન્યને આપણે ત્યાં છૂટા નથી પાડતા. ફક્ત ધાન્ય પણ નથી હોતું.. કેટલાક શબ્દો હોય છે.. ધન પણ નથી હોતું. ધન-ધાન્ય એમ બોલાય છે... આપણે ત્યાં ધાન્યનું આ મૂલ્ય છે.. આ મહત્ત્વ છે. સમાજજીવનનો હિસ્સો છે અને જે બદલાયેલી પરિસ્થિતિ છે, આપણે પણ તેને ફરી પાટે ચડાવવા માટે પ્રયાસ કરવાની આવશ્યકતા છે.

રાજ્યસભામાં મેં વિસ્તારપૂર્વક નાના ખેડૂતો સંદર્ભે વાત કરી છે. હવે દેશનો 80-85 ટકા વર્ગ.. એના પ્રત્યે ઉપેક્ષા રાખીને આપણે દેશનું ભલું નહીં કરી શકીએ. આપણે તેમના માટે કંઈક વિચારવું જ પડશે અને ઘણી નમ્રતા સાથે આપણે વિચારવું પડશે. અને મેં ગણતરી કરીને જણાવ્યું છે કે નાના ખેડૂતોની કેવી રીતે ઉપેક્ષા થઈ છે.. ખેડૂતોના નામે થઈ છે. તેમાં એક પરિવર્તન ખૂબ જરૂરી છે અને તમારે પણ.. આ નાનો ખેડૂત જાગૃત થઈ જશે તો જવાબ તમારે પણ આપવો પડશે.. આ હું સારી રીતે સમજું છું. આપણે ત્યાં જેમ જેમ વસ્તી વધી રહી છે, જમીનનો ટુકડો નાનો થતો જઈ રહ્યો છે. પરિવારમાં જે જમીન છે, તેના ભાગલા પડી જાય છે. ચૌધરી ચરણસિંહજીએ તો એક જગ્યાએ એવું કહ્યું છે કે આપણે ત્યાં ખેડૂતની જમીનની માલિકી એટલી હદે ઓછી થઈ રહી છે કે એવી પરિસ્થિતિ આવશે કે તે પોતાના ખેતરમાં જ ટ્રેક્ટરને ટર્ન કરવું હશે તો નહીં કરી શકે... એટલો જ જમીનનો ટુકડો રહેશે.. ચૌધરી ચરણસિંહજીના આ શબ્દ છે. આવી ચિંતા જ્યારે આપણા મહાપુરુષોએ આપણી સમક્ષ વ્યક્ત કરી હોય તો આપણે પણ કોઈને કોઈ વ્યવસ્થા કરવી પડશે.

આઝાદી પછી આપણા દેશમાં 28 ટકા ખેત મજૂર હતા. 10 વર્ષ પહેલા જ્યારે વસ્તીગણતરી થઈ, તેમાં આ ખેતમજૂરની વસ્તી 28થી વધીને 55 ટકા થઈ ગઈ. હવે આ કોઈ પણ દેશ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કે ખેતમજૂરોની સંખ્યા 28 ટકાથી વધીને 55 ટકા થઈ ગઈ છે અને જમીન ઓછી હોવાને કારણે ખેતીમાંથી જે વળતર મળવું જોઈએ, એ નહીં મળવાને કારણે તેમના જીવનમાં આ મુસીબત આવી છે. અને તેઓ મજૂરી કરવા માટે.. કોઈ બીજાના ખેતરમાં જઈને મજૂરી કરવા માટે મજબૂર થઈ ગયા છે. હવે દુર્ભાગ્ય છે કે આપણા દેશમાં ખેતીમાં જે રોકાણ થવું જોઈએ, તે નથી થઈ રહ્યું. સરકાર એટલું કરી શકતી નથી.. રાજ્ય સરકારો પણ નથી કરી શકતી અને ખેડૂત પોતે પણ નથી કરી શકતો. તેને જે કંઈ કમાણી થાય છે.. બાળકોને પાળવા-પોષવામાં અને પેટ ભરવામાં ખર્ચાઈ જાય છે અને એટલા માટે રોકાણની ઘણી વધુ આવશ્યકતા છે.

જ્યાં સુધી આપણે કૃષિમાં રોકાણ નહીં લાવીએ.. જ્યાં સુધી આપણે આપણી ખેતીને આધુનિક નહીં બનાઈએ.. આપણે જ્યાં સુધી નાનામાં નાના ખેડૂતના ભલા માટે વ્યવસ્થાઓ નહીં વિકસાવીએ.. આપણે દેશના એગ્રિકલ્ચર સેક્ટરને તાકાતવાન નહીં બનાવી શકીએ. અને એટલા માટે આપણો ખેડૂત આત્મનિર્ભર બને... તેને પોતાની ઉપજ વેચવાની આઝાદી મળે.. તે દિશામાં આપણે કામ કરવાની આવશ્યકતા છે. અને આપણા ખેડૂત ફક્ત ઘઉં અને ચોખા.. ત્યાં સુધી સીમિત રહે.. એનાથી વાત નહીં બને. દુનિયામાં બજાર ક્યાં છે તે માટે આજે રિસર્ચ થઈ રહ્યા છે. એ પ્રકારની ચીજોનું ઉત્પાદન કરીએ અને એ ચીજો દુનિયાના બજારમાં વેચીએ. ભારતની આવશ્યકતાઓ છે.. આપણે બહારથી ચીજો ન લાવીએ. મને યાદ છે.. હું ઘણા સમય પહેલા જ્યારે અહીં સંગઠનનું કામ કરતો હતો.. નોર્થ પાર્ટમાં મારે ફારુક સાહેબ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. તો મને હરિયાણાનો એક ખેડૂત પોતાના ખેતરમાં લઈ ગયો. એણે મને ઘણો આગ્રહ કર્યો તો હું ગયો. નાનકડી જગ્યા હતી, તેની. એક-દોઢ-બે વિઘા જમીન હશે કદાચ. પરંતુ ઘણી પ્રગતિ.. એ મારી પાછળ પડ્યો હતો કે આવો જ આવો. મેં કહ્યું ભાઈ, શું વાત છે.. તો કહે એકવાર તમે આવો તો જોવા મળે. એટલું હું તેને ત્યાં ગયો.

આશરે 30-40 વર્ષ પહેલાની વાત છે.. 30 વર્ષ થઈ ગયાં હશે. તેણે શું કહ્યું.. દિલ્હીની ફાઈવ સ્ટાર્સ હોટલ્સમાં જે ચીજો શાક વગેરે વિદેશોમાંથી લાવતા હતા, તેનો અભ્યાસ કર્યો. જો તેમને નાની મકાઈ જોઈએ, તેમને નાનાં ટામેટાં જોઈએ, હવે તેણે પોતાની આ નાનકડી જગ્યામાં અને મર્યાદિત વાતાવરણમાં અંદરના લોકોની મદદ લીધી અને મઝા એ છે કે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટેલોમાં તેનો માલ જવાનો શરૂ થઈ ગયો. આપણા દેશમાં થોડું પરિવર્તન કરીએ આપણે. હવે આપણે ક્યારેય વિચાર્યું છે કે સ્ટ્રોબેરી, આપણે ઘણું ખરું એવું માનતા હોઈએ છીએ કે તે ઠંડા પ્રદેશોમાં જ થાય છે. હું જોઉં છું કે કચ્છના રણમાં પણ સ્ટ્રોબેરી થઈ રહી છે.. હું જોઉં છું કે મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં, ત્યાં પણ સ્ટ્રોબેરી ઉગે છે. બુંદેલખંડમાં.. જ્યાં પાણીની તકલીફ છે.. એનો અર્થ એ થયો કે આપણે ત્યાં સંભાવનાઓ છે. આપણા ખેડૂતને ગાઈડ કરીને આપણે નવી-નવી ચીજો તરફ તેમને લઈ જઈશું. હું ચોક્કસ માનું છું કે આપણા દેશનો ખેડૂત આગળ વધશે... પરંતુ તેને.. એ ઠીક છે કે તેનો અનુભવ એવો છે કે તેને હિંમત આપવી પડે છે.. તેનો હાથ પકડવો પડે છે.. તેનો હાથ પકડીને ચાલવું પડે છે. જો તે ચાલી પડે તો કમાલ કરીને બતાવે છે. તે જ રીતે કૃષિમાં જેટલાં નવાં રોકાણ વધશે.. હું માનું છું કે રોજગારની તકો પણ વધવાની છે. હવે દુનિયામાં એક નવું માર્ગેટ આપણને મળી શકે છે.

આપણે ત્યાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારા લાવવા માટે એગ્રો-બિઝ ઈન્ડસ્ટ્રીની સંભાવનાઓ પણ વધશે. અને એટલા માટે આપણે આ સમગ્ર ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આપણે અવશ્ય કામ કરવું જોઈએ. અનેક વિપરિત પરિસ્થિતિઓમાં પણ આપણા ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું છે. કોરોના કાળમાં પણ વિક્રમી ઉત્પાદન કર્યું છે. એ આપણી બધાની જવાબદારી છે કે આપણા ખેડૂતની જે મુશ્કેલીઓ છે તે ઓછી થાય. તેની સામે જે પડકારો છે, તે પડકારો ઓછા કરવા માટે આપણે કેટલાંક પગલાં ઉઠાવીએ. અને આ કૃષિ સુધારાથી આપણે એ દિશામાં કંઈને કંઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખેડૂતોને એક સમાન પ્લેટફોર્મ આપણે આપી શકીએ, આધુનિક ટેકનોલોજી આપી શકીએ.. તેમની અંદર એક નવો આત્મવિશ્વાસ ભરી શકીએ.. આ દિશામાં સકારાત્મક વિચારની ખૂબ આવશ્યકતા છે. જૂની વિચારધારા, જૂના માપદંડ કૃષિનો ઉદ્ધાર કરી શકતા હોત તો ઘણા પહેલા જ કરી દીધો હોત. સેકન્ડ ગ્રીન રેવોલ્યુશન (બીજી હરિયાળી ક્રાંતિ)ની વાત આપણે કરી આપણે એક નવી વ્યવસ્થા-પદ્ધતિ આગળ વધવા માટે આપીશું અને બધા જ એ બાબતે ચિંતન કરીએ. રાજનીતિનો વિષય ન હોવો જોઈએ. આ દેશની ભલાઈ માટે ખૂબ આવશ્યક છે. સાથે બેસીને આપણે તે માટે વિચારવું જોઈએ. તમામ પક્ષો, સત્તામાં હોય કે વિપક્ષમાં.. એ આપણા સહુની જવાબદારી છે અને આપણે 21મી સદીમાં 18મી સદીના વિચારો સાથે આપણા એગ્રિકલ્ચર સેક્ટરની આકાંક્ષાઓને ક્યારેય પૂરી નહીં કરી શકીએ. આ વિચારધારા જ આપણે બદલવી પડશે.

કોઈ નથી ઈચ્છતું કે આપણો ખેડૂત ગરીબીના ચક્કરમાં ફસાયેલો રહે. તેને જિંદગી જીવવાનો હક્ક ન મળે. હું માનું છું કે તેણે આશ્રિત ન રહેવું પડે.. તેણે પરાધીન ન રહેવું પડે. સરકારી ટુકડાઓ ઉપર પાલનપોષણ માટે મજબૂર ન થવું પડે. આ જવાબદારી પણ આપણા સહુની છે અને જવાબદારીને નિભાવવાનું પણ.. આપણા અન્નદાતા સમૃદ્ધ થાય, આપણા અન્નદાતા દેશ માટે કંઈકને કંઈ વધુ કરી શકે.. તેમને આપણે અવસર આપીશું તો તેઓ ઘણું બધું કરી શકે તેમ છે.

સરદાર વલ્લભભાઈ પટેલ એક વાત કહેતા હતા - તેઓ કહેતા હતા કે સ્વતંત્રતા મેળવ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ ફેલાઈ નહીં શકે. જ્યાં સુધી નાના ખેડૂતને નવા અધિકાર નહીં મળે, ત્યાં સુધી પૂર્ણ આઝાદીની તેમની વાત અધૂરી રહેશે અને એટલા માટે મોટો ફેરફાર કરીને આપણે આપણા આ ખેડૂતોને એક લાંબી યાત્રા માટે તૈયાર કરવા પડશે અને આપણે સહુએ સાથે મળીને કરવું પડશે. કંઈ ખોટું કરવાના ઈરાદાથી કશું ન કરવું જોઈએ, સારું કરવાનો ઈરાદો હોવો જોઈએ. કોઈની ભલાઈ કરવા માટેનો ઈરાદો હોવો જોઈએ.

અમારી સરકારે નાના ખેડૂતો માટે દરેક પગલે તમે જોશો. નાના ખેડૂતોને અમે છેલ્લાં છ વર્ષોથી બિયારણ આપવાથી માંડીને બજાર સુધી ઘણી દરમ્યાનગીરી કરી છે, જે નાના ખેડૂતોની સહાય કરી શકે છે.. નાના ખેડૂતોને આગળ લાવી શકે છે. હવે જેમ કે ડેરી સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટર છે.. સશક્ત પણ છે અને તેની એક મજબૂત વેલ્યુ ચેઇન પણ સ્થાપિત થઈ છે. હવે સરકારની દખલ ઓછામાં ઓછી છે, તો પણ તેણે પોતાની મજબૂતી બનાવી છે. આપણે ધીમે ધીમે ફળ, ફૂલ, શાકભાજી તરફ પણ ભાર મૂકી શકીએ છીએ અને તે પછી અનાજ તરફ ધ્યાન આપી શકીએ છીએ. આપણે તેમને ઘણા તાકાતવાન બનાવી શકીએ છીએ. આપણી પાસે મોડેલ છે.. સફળ મોડેલ છે. એ સફળ મોડેલનો આપણે પ્રયોગ કરવો જોઈએ. આપણે તેમને વૈકલ્પિક બજાર આપવું જોઈએ.

બીજું મહત્ત્વપૂર્ણ કામ અમે જે કર્યું - ten thousand farmers producers organisation. આ ખેડૂતો માટે.. નાના ખેડૂતો માટે એક ઘણી મોટી શક્તિના રૂપે સામે આવશે. અને જ્યાં - જ્યાં મહારાષ્ટ્રમાં વિશેષ પ્રયોગ થયો છે એફપીઓ બનાવવાનો. બીજાં ઘણાં રાજ્યોમાં પણ કેરળમાં પણ કમ્યુનિસ્ટ પાર્ટીએ ઘણી સંખ્યામાં એફપીઓ બનાવવાના કાર્યમાં રોકાયેલા છે. પરંતુ તેને કારણે ખેડૂત પોતાનું બજાર શોધવા માટે સામુહિક શક્તિ સ્વરૂપે ઉભરશે. આ 10,000 એફપીઓ બન્યા પછી તમે જોશો કે ગામમાં ખેડૂત નાનો છે, તેને બજારની તાકાત ખેડૂત પોતે નક્કી કરશે અને ખેડૂત શક્તિવાન બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ એફપીઓના માધ્યમથી બેન્કમાંથી નાણાં પણ મળી શકે છે, તે નાનાં નાનાં સંગ્રહસ્થાનોની વ્યવસ્થા પણ ઊભી કરી શકે છે, જો તે થોડી વધુ તાકાત એકઠી કરે તો, તે નાનાં-નાનાં કોલ્ડ સ્ટોરેજ પણ બનાવી શકે છે. અને અમે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ફાળવ્યા છે અને તેને અમે સ્વસહાયતા જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, આ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં પણ લગભગ સાત કરોડ બહેનો જોડાયેલી છે. ગામની બહેનો છેવટે તો ખેડૂતની દીકરીઓ હોય છે. કોઈને કોઈ ખેતી સાથે જોડાયેલા પરિવારની દીકરી હોય છે, અને તે નેટવર્ક પણ આજે ખેડૂતોના ભલા માટે કામ આવી રહ્યું છે અને આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. અને તેના દ્વારા પણ મને યાદ છે, ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આદિવાસીઓ પાસે જમીન પણ ઘણી ઊંચી-નીચી છે, અસમતોલ જમીન છે અને ઘણી નાની જમીન છે. અમે એક પ્રોજેક્ટ કર્યો હતો. અને અબ્દુલ કલામજી એક દિવસ પોતાનો જન્મદિવસ ત્યાં આવ્યા હતા. તેમણે કહ્યું, ભાઈ કોઈ પ્રોટોકોલ નથી જોઈતા. હું આ ખેડૂતો સાથે રહેવા માગું છું. ઘણો સફળ પ્રયોગ હતો. મહિલાઓ મોટી સંખ્યામાં કામકરતી હતી એ આદિવાસી પટ્ટામાં. અને મશરૂમ, કાજુ.. એ ગોવાની બરાબરીના કાજુ પેદા કરવા લાગી હતી અને તેમણે માર્કેટ હાંસલ કર્યું હતું. નાના ખેડૂત હતા, નાની જગ્યા હતી, પરંતુ પ્રયત્ન કર્યા તો પરિણામ મળ્યું અને અબ્દુલ કલામજીએ એના વિશે લખ્યું પણ છે. તેમણે આવીને જોયું હતું. તો હું કહું છું કે આપણે નવા પ્રયાસોની દિશામાં જવું જોઈએ. દાળની આપણા દેશમાં મુશ્કેલી છે. અમે 2014માં ખેડૂતોને વિનંતી કરી હતી.

હવે તમે જુઓ, દાળની આપણે ત્યાં મુશ્કેલી હતી. મેં 2014માં આવીને ખેડૂતો સમક્ષ વિનંતી કરી, તેમણે દેશમાં દાળની મુશ્કેલીથી આપણને મુક્ત કરી દીધા અને તેમને બજાર પણ મળી ગયું. અને હું જોઈ રહ્યો છું કે આજકાલ ઓનલાઈન-ઓફલાઈન ઈનામ દ્વારા પણ ગામડાનો ખેડૂત પણ પોતાનો માલ વેચી રહ્યો છે. અમે કિસાન રેલનો એક પ્રયોગ કર્યો, આ કોરોનાના સમયનો ઉપયોગ કરીને અને આ કિસાન રેલ અને કિસાન ઉડાનથી પણ નાના ખેડૂતને મોટાં બજારો સુધી પહોંચવામાં એક ઘણી મોટી મદદ મળી છે. એક પ્રકારે આ ટ્રેન હરતું ફરતું કોલ્ડ સ્ટોરેજ છે અને હું ગૃહમાં સભ્યોને અવશ્ય કહેવા માગું છું કે કિસાન રેલ કહેવા માટે તો સામાનની હેરફેર કરતી એક વ્યવસ્થા છે, પરંતુ તેણે અંતરિયાળ ગામડાના નાના ખેડૂતને કોઈ અન્ય રાજ્યના બીજા બજાર સાથે જોડી દીધો છે. હવે જુઓ, નાસિકનો ખેડૂત મુઝફ્ફરનગરના વેપારી સાથે જોડાયો છે અને શું મોકલે છે, એ ખેડૂતની વધુ શક્તિ ન હતી, ત્રીસ કિલો દાડમ મોકલે છે. એ તેણે નાસિકથી કિસાન રેલ મારફતે મોકલ્યા અને ખર્ચ થયો ફક્ત 124 રૂપિયા, તેને મોટું બજાર મળી ગયું. આ ત્રીસ કિલો એટલી નાની માત્રા છે કે કદાચ કોઈ કુરિયર વાળો પણ ન લઈ જાય. પરંતુ આ વ્યવસ્થા હતી તો અહીંનો ખેડૂત છેક ત્યાં સુધી જઈને પોતાનો માલ વેચી શક્યો છે. તે જ રીતે તેને જે પણ સુવિધા મળે છે, તે ઈંડા હોય, મેં જોયું છે કે કોઈએ ઈંડાં મોકલ્યાં છે અને ઈંડાં પણ તેને મોકલવાનો ખર્ચ થયો આશરે 60 રૂપિયા અને ઈંડાં પહોંચી ગયાં, સમયસર પહોંચી ગયાં, તેનો માલ વેચાઈ ગયો. દેવલાલીમાં, દેવલાલીમાં એક ખેડૂતો સાત કિલો કિવિ દાનાપુર મોકલ્યાં. મોકલવાનો ખર્ચ થયો 62 રૂપિયા, પરંતુ તેનાં 60 કિલોના કિવિ માટે એક સારું બજાર મળ્યું અને બીજા રાજ્યમાં બજાર મળ્યું. કિસાન રેલ કેટલી નાનકડી વાત છે, પરંતુ કેટલું મોટું પરિવર્તન કરી શકે છે, તેનો આપણે નમૂનો જોઈએ છીએ.

માનનીય અધ્યક્ષ જી,

ચૌધરી ચરણ સિંહજીએ એક પુસ્તક લખ્યું છે - ભારતની અર્થનીતિ. ભારતની અર્થનીતિના પુસ્તકમાં ચૌધરી સાહેબે લખ્યું, સૂચવ્યું છે - સમગ્ર દેશને ખાદ્યાન્ન આપવા માટે એક જ ક્ષેત્ર માની લેવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો, દેશના એક હિસ્સામાંથી બીજા હિસ્સામાં લાવવા-લઈ જવા ઉપર કોઈ પ્રતિબંધ ન હોય, આ ચૌધરી ચરણ સિંહજીના પુસ્તકનું ક્વોટ છે. કૃષિ સુધારા, કિસાન રેલ, મંડીઓને ઈલેક્ટ્રોનિક પ્લેટ હોય, ઈનામ, આ બધી બાબતો આપણા દેશના ખેડૂતો અને નાના ખેડૂતોને એક ઘણો મોટો અવસર આપવાના પ્રયાસના ભાગરૂપે થઈ રહ્યું છે.

માનનીય અધ્યક્ષ જી,

જે લોકો આટલી વાતો કરે છે, સરકાર આટલાં વર્ષો સુધી ચલાવી છે. હું નથી માનતો કે તેમને ખેડૂતોની મુશ્કેલીઓની ખબર ન હોય અથવા તેમને સમજણ ન હોય. ખબર પણ હતી, સમજણ પણ હતી અને તેમને હું આજે તેમની જ વાત યાદ કરાવવા માગું છું. એ હાજર નથી, હું જાણું છું, પરંતુ દેશ માટે સમજવું ખૂબ જરૂરી છે. હું ક્વોટ વાંચું છું - the state took initiative to amend their state APMC Act in the year 2005 itself providing for direct marketing contract farming setting up of a private market, consumer, farmer markets, e-trading and notified the rules in 2007 to implement the amended provision in fact 24 private markets have already come up in the state. આ કોણે કહ્યું હતું ? આ એપીએમસી એક્ટ બદલી નાખ્યો છે, આ વાત ગૌરવપૂર્વક કોણ કહી રહ્યું હતું ? 24 એવાં બજાર બની ચૂક્યાં છે, તેનું ગૌરવ કોણ લઈ રહ્યું હતું ? ડૉ. મનમોહન સિંહજીની સરકારના કૃષિ મંત્રી શ્રી શરદ પવારજી આ ગૌરવપૂર્વક કહી રહ્યા હતા. હવે આજે એકદમ ઊંધી વાત કરી રહ્યા છે અને એટલા માટે શક જાય છે કે આખરે તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે આવો રસ્તો કેમ પસંદ કર્યો છે ? દેશની મંડીઓ ચાલી રહી છે, સિન્ડિકેટની કિંમતોને પ્રભાવિત કરવાવાળા નેક્સસ વિશે તેમને જ્યારે પૂછવામાં આવ્યું, તેમને એક સવાલ પૂછ્યો હતો કે આ નેક્સસ છે, મંડીઓવાળું, વગેરે તો તમારું શું કહેવું છે ? તો શરદ પવારનો એક બીજો જવાબ છે એ પણ ઘણો ઈન્ટરેસ્ટિંગ છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોના બચાવ માટે તો એપીએમસી રિફોર્મને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને એપીએમસી મંડીઓનો વિકલ્પ મળે. જ્યારે વધુ વેપારી રજિસ્ટર થશે, ત્યારે સ્પર્ધા વધશે અને તેનાથી મડીઓમાં સાંઠ-ગાંઠ ભાંગી પડશે, આ વાત તેમણે કહી હતી. હવે એટલા માટે હું સમજું છું કે આ વાતોને આપણે સમજવી પડશે. જ્યાં તેમની સરકારો છે, અલગ - અલગ જે સામે બેઠા છે એ મિત્રોની, તેમણે પણ ઓછા વધતા પ્રમાણમાં આ કૃષિ ક્ષેત્રમાં સુધારા કરવાનો પ્રયાસ પણ કર્યો છે અને અમે તે એ છીએ, જેમણે 1500 કાયદા નાબૂદ કર્યા હતા. અમે પ્રોગ્રેસિવ પોલિટિક્સ (વિકાસલક્ષી રાજકારણ)માં વિશ્વાસ ધરાવીએ છીએ, અમે રિગ્રેસિવ પોલિટિક્સમાં નથી પડવા માગતા અને એટલા માટે અને ભોજપુરીમાં એક કહેવત છે, કેટલાક લોકો એવા છે. ભોજપુરીમાં કહેવત છે - ના ખેલબ, ના ખેલન દેબ, રમત પણ બગડે છે. હું રમીશ પણ નહીં અને રમવા પણ નહીં દઉં, હું રમતને પણ બગાડીને મૂકીશ.

માનનીય અધ્યક્ષ જી,

દેશનું સામર્થ્ય વધારવામાં સહુનું સામુહિક યોગદાન કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, કચ્છથી માંડીને કામાખ્યા સુધી જ્યારે દરેક ભારતીયનો પરસેવો પડે છે ત્યારે દેશ આગળ વધે છે. હું કોંગ્રેસના સાથીઓને યાદ અપાવવા માંગું છું કે દેશ માટે પબ્લિક સેક્ટર જરૂરી છે તો પ્રાયવેટ સેક્ટરની ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે. સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપ્યું. પ્રાયવેટ પાર્ટીઓ આવી, મેન્યુફેક્ચરર્સ આવ્યા. આજે ગરીબમાં ગરીબ પરિવાર સુધી સ્માર્ટફોન પહોંચી રહ્યા છે. ટેલીકોમમાં સ્પર્ધાને પ્રોત્સાહન અપાયું તો મોબાઈલ ઉપર વાત કરવાનું લગભગ બંધ થઈ ગયું અને ડેટા પણ દુનિયામાં સૌથી સસ્તા આજે હિન્દુસ્તાનમાં છે. એટલે સુધી કે આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રી આપણા વેક્સિન ઉત્પાદકો, શું આ બધા સરકારી છે ? આજે માનવતાનાં કામ જો ભારતમાં થઈ રહ્યાં છે, તો તેમાં આ ખાનગી ક્ષેત્રની પણ ઘણી મોટી ભૂમિકા છે, ખાનગી કંપનીઓનો રોલ છે અને આપણને આપણા દેશના નવયુવાનો ઉપર ભરોસો હોવો જોઈએ. આપણા દેશના નવયુવાનો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, આ રીતે ખરાબ બોલતા રહીશું, તેમને હલકા દેખાડતા રહીશું અને આપણે કોઈ પણ પ્રાયવેટ એક્ટિવિટીને નકારી દઈશું. કોઈ જમાનો હશે, જ્યારે કોઈ સરકાર કરશે તેમ વિચારીશું. એ જમાનામાં જરૂરી હશે, કરાશે.

આજે દુનિયા બદલાઈ ચૂકી છે, સમાજની પોતાની તાકાત છે, દેશની અંદર તાકાત છે. દરેકને તક મળવી જોઈએ અને તેમને આ રીતે અપ્રામાણિક જાહેર કરવા, તેમના માટે ગંદી ભાષાનો ઉપયોગ કરવો, આ એક કલ્ચર કોઈ જમાનામાં વોટ મેળવવા માટે કામ આવ્યું હશે. કૃપા કરીને આપણે અને મેં લાલ કિલ્લા ઉપરથી કહ્યું વેલ્થ ક્રિએટર પણ દેશ માટે જરૂરી હોય છે, ત્યારે તો વેલ્થ વહેંચાશે, ગરીબ સુધી વેલ્થ વહેંચીશું ક્યાંથી ? રોજગાર ક્યાંથી આપીશું ? અને બધું અમલદારો જ કરશે. આઈએએસ બની ગયા એટલે તે ફર્ટિલાઈઝરનાં કારખાનાં પણ ચલાવશે, આઈએએસ થઈ ગયા એટલે તે કેમિકલનાં કારખાનાં પણ ચલાવશે, આઈએએસ થઈ ગયા, એ હવાઈ જહાજ પણ ચલાવશે. આ કઈ મોટી તાકાત આપણે બનાવી દીધી છે ? અમલદારોના હાથમાં દેશ આપીને આપણે શું કરવાના છીએ ? આપણા મલદારો પણ દેશના જ છે, તો દેશના નવયુવાનો પણ દેશના છે. આપણે આપણા દેશના નવયુવાનોને જેટલા વધુ અવસર આપીશું, મને લાગે છે તેમને એટલો જ લાભ થશે.

માનનીય અધ્યક્ષ જી,

જ્યારે હકીકતોના આધાર ઉપર વાત ટકતી નથી, તો એવું થાય છે, જે અત્યારે જોયું છે. આશંકાઓ ફેલાવવામાં આવે છે, આવું થઈ જશે, તેવું થઈ જશે અને આવો માહોલ આંદોલનજીવી પેદા કરે છે. માનનીય અધ્યક્ષ જી, ખેડૂત આંદોલનની પવિત્રતા અને હું ખૂબ જવાબદારીભર્યા શબ્દ પ્રયોગ કરી રહ્યો છું, હું ખેડૂત આંદોલનને પવિત્ર માનું છું અને ભારતની લોકશાહીમાં આંદોલનનું મહત્ત્વ છે અને રહેશે જ અને તે જરૂરી પણ છે. પરંતુ જ્યારે આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા માટે નીકળે છે, ત્યારે શું થાય છે ? કોઈ મને જણાવે કે ત્રણ કૃષિ કાયદાની વાત હોય અને રમખાણ મચાવનારા લોકો જે જેલમાં છે, જે સંપ્રદાયવાદી લોકો જેલમાં છે, જે આતંકવાદી લોકો જેલમાં છે, જે નક્સલવાદી જેલમાં છે તેમનો ફોટો લઈને તેમની મુક્તિની માગણી કરવી, એ ખેડૂતોના આંદોલનને અપવિત્ર કરવાનો પ્રયાસ છે કે નહીં ?

માનનીય અધ્યક્ષ જી,

આ દેશમાં ટોલ પ્લાઝા તમામ સરકારોએ સ્વીકારેલી વ્યવસ્થા છે. ટોલ પ્લાઝા આ દેશમાં તમામ સરકારોએ સ્થાપેલી વ્યવસ્થા છે અને ટોલ પ્લાઝાનો ભંગ કરવો, એ ટોલ પ્લાઝા ઉપર કબ્જો જમાવી દેવો, તે ટોલ પ્લાઝાને ચાલવા ન દેવાં, આ જે પદ્ધતિઓ ચાલી છે, એ પદ્ધતિઓ પવિત્ર આંદોલનને કલંકિત કરવાનો પ્રયાસ છે કે નહીં ? જ્યારે પંજાબની ધરતી ઉપર સેંકડોની સંખ્યામાં જ્યારે ટેલીકોમનાં ટાવર તોડી નાંખવામાં આવે, શું તે ખેડૂતોની માગણી સાથે સુસંગત છે ? ખેડૂતના પવિત્ર આંદોલનને બરબાદ કરવાનું કામ આંદોલનકારીઓ નહીં, પરંતુ આંદોલનજીવીઓએ કર્યું છે અને એટલા માટે દેશને આંદોલકારી અને આંદોલનજીવીઓ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે અને દેશને આ આંદોલનજીવીઓથી બચાવવો પણ એટલો જ જરૂરી છે. અફવાઓ ફેલાવવી, જુઠાણું ફેલાવવું, ગેરમાર્ગે દોરવવા અને દેશને દબાવીને રાખવો, દેશ ઘણો મોટો છે, દેશના સામાન્ય માનવીની આશા-આકાંક્ષાઓ ઘણી છે અને તેને લઈને આપણે આગળ વધવાનું છે અને એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં એક ઘણો મોટો વર્ગ છે, આ વર્ગની પોતાની એક ઓળખ છે talking the right things એટલે કે કાયમ સાચી વાત બોલવી. સાચી વાત કહેવામાં કશું ખોટું નથી, પરંતુ આ વર્ગના, જે doing the right things ના માર્ગે ચાલવાવાળા એવા લોકો તરફ નફરત - ચીડ ધરાવતો વર્ગ છે.

આ તફાવત સમજવા જેવો છે talking the right things તેમની વકીલાત કરવાવાળા જ્યારે doing the right thingsની વાત આવે છે ત્યારે તેની જ વિરુદ્ધ ઊભા રહી જાય છે. તેઓ ફક્ત વાતો કરવામાં વિશ્વાસ ધરાવે છે, સારું કામ કરવામાં તેમને ભરોસો જ નથી. જે લોકો ઈલેક્ટોરલ રિફોર્મની વાત કરે છે. વન નેશન વન ઈલેક્શનની જ્યારે વાત આવે છે તો વિરોધમાં ઊભા રહી જાય છે. આ જ લોકો જ્યારે જેન્ડર જસ્ટિસ (લિંગ સમાનતા)ની વાત આવે છે ત્યારે ઉછળી ઉછળીને બોલે છે, પરંતુ જો ટ્રિપલ તલાક નાબૂદ કરવાની વાત કરીએ તો તેના વિરોધમાં ઊભા રહી જાય છે. એન્વાયર્નમેન્ટની વાત કરે છે, પરંતુ હાઈડ્રો પાવર કે ન્યુક્લિયર પાવર સામે ઝંડો લઈને ઊભા રહી જાય છે, થવું ન જોઈએ, આ દેશ માટે આંદોલન ચલાવે છે, તામિલનાડુ તો એનાથી પીડિત છે. તે જ રીતે જો દિલ્હીમાં પોલ્યુશન માટે કોર્ટમાં જઈને રીટ કરે છે, અપીલ કરે છે, પીઆઈએલ કરે છે, દિલ્હીના એ જ લોકો પરાળી સળગાવનારાના સમર્થનમાં જઈને ઊભા રહી જાય છે. ત્યારે સમજણ નથી પડતી કે કેવી રીતે દેશને ગેરમાર્ગે દોરવાનો આ લોકોનો પ્રયાસ છે અને તેને જોવાની સમજવાની જરૂર છે. હું જોઈ રહ્યો છું કે આ છ વર્ષમાં વિપક્ષના મુદ્દા કેટલા બદલાઈ ગયા છે. અમે પણ ક્યારેક વિપક્ષમાં હતા, પરંતુ અમે જ્યારે પણ વિપક્ષમાં હતા ત્યારે તમે જોયું હશે કે દેશના વિકાસના મુદ્દાઓ લઈને ભ્રષ્ટાચારના મુદ્દાઓ લઈને અમે શાસનમાં બેઠેલા લોકોને ઘેરતા હતા. અમે એ અવાજ ઉઠાવતા હતા, અમે પ્રયાસ કરતા હતા. મને આશ્ચર્ય છે, આજકાલ વિકાસના મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. હું રાહ જોઉં છું આવા મુદ્દાઓ ઉઠાવો, જેથી અમને કંઈક કહેવાનો મોકો મળે, કેમકે અમે શું કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અમને તક જ નથી આપતા, કેમકે તેમની પાસે આવા મુદ્દાઓ ઉપર બોલવા માટે કશું રહ્યું નથી અને એટલે જ ન તો તેઓ કેટલા માર્ગો બંધાયા એવું પૂછે છે, ન તો કેટલા પુલ બંધાયા એવું પૂછે છે, ના બોર્ડર મેનેજમેન્ટમાં શું થયું, કેટલા પાટા પાથરવામાં આવ્યા, આ બધા વિષયો ઉપર તેમને ચર્ચા કરવામાં ઈન્ટરેસ્ટ નથી.

માનનીય અધ્યક્ષ જી,

21મી સદીમાં ઈન્ફ્રાસ્ટ્ક્રચરનું ઘણું મોટું મહત્ત્વ છે અને ભારતને આગળ લઈ જવાનું છે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવો ખૂબ જરૂર છે અને આત્મનિર્ભર ભારતના રોડ મેપ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવો એ સમયની માગ છે અને આપણે સહુએ તેનો સ્વીકાર કરવો પડશે. ઈન્ફ્રાસ્ટ્ર્કચર મજબૂત થશે, ત્યારે દેશની ગતિ પણ વધશે, તેનો વ્યાપ પણ વિસ્તરશે અને એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ અને ઈફ્રાસ્ટ્રક્ચરનો અર્થ છે ગરીબ માટે, મધ્યમ વર્ગ માટે, અનેક નવી સંભાવનાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જન્મ આપે છે, નવી તકો પેદા કરે છે, રોજગારના નવા અવસર લઈને આવે છે, ઈકોનોમીને મલ્ટીપ્લાય રિફ્લેક્ટ કરવાની તેની તાકાત હોય છે અને એટલે આપણે ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ વોટ બેન્કની તક નથી હોતી, કાગળ ઉપર જાહેરાત કરી દેવી કે આ રોડ બનશે, એક ચૂંટણી જીતી લો. બીજીવાર ત્યાં જઈને સફેદ પટ્ટા દોરી લો, બીજી ચૂંટણી જીતી લો. ત્રીજીવાર જઈને ત્યાં થોડી માટી નાંખી દો, ચલો. આ આવા કામ માટે નથી. આ સાચેસાચ જીવન પરિવર્તન માટે, અર્થવ્યવસ્થાને બદલવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણે ભાર મૂકવાની આવશ્યકતા છે. 110 લાખ કરોડની યોજના સાથે બજેટમાં અભૂતપૂર્વ ખર્ચ સાથે આગળ વધવાની દિશામાં આપણે ચાલી રહ્યા છીએ. દેશનાં 27 શહેરોમાં મેટ્રો ટ્રેન, 6 લાખથી વધુ ગામમાં ઝડપી ઈન્ટરનેટ, વીજળીના ક્ષેત્રે અમે વન નેશન વન ગ્રિડ - આ કોન્સેપ્ટ સાકાર કરવામાં સફળ થયા છીએ. સોલર પાવર સહિત રિન્યુએબલ એનર્જી સંદર્ભે આજે દુનિયામાં પાંચ ટોચના દેશોમાં ભારતે પોતાનું સ્થાન બનાવી લીધું છે. દુનિયાના સૌથી મોટા સોલર અને વિન્ડની હાઈબ્રિડ પાવર આજે ભારતમાં દુનિયાનો સૌથી મોટો પાર્ક બની રહ્યો છે. વિકાસમાં આપણે એક નવો વેગ જોઈ રહ્યા છીએ, નવી ઊંચાઈઓએ જઈ રહ્યો છે.

આપણે જોયું છે કે જ્યાં જ્યાં અસમાનતા છે, ખાસ કરીને પૂર્વ ભારતમાં, જો દેશના પૂર્વ ભારતનો વિકાસ કરવો હોય તો આપણે આ પ્રદેશને એ સ્થિતિમાં લાવવો પડશે જેથી પશ્ચિમ ભારતની જે આર્થિક વ્યવસ્થા છે, તેની તે બરાબરી તરત કરી શકે તો સાથે મળીને દેશમાં પ્રગતિની સંભાવનાઓ વધશે અને એટલા માટે અમે પૂર્વ ભારતના વિકાસ ઉપર વધુ ભાર મૂક્યો છે. પછી તે ગેસ પાઈપલાઈન નાંખવાની વાત હોય, કે રસ્તા બનાવવાની વાત હોય, એરપોર્ટ બનાવવાની વાત હોય, કે રેલવે માર્ગ બાંધવાની વાત હોય, ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વાત હોય અને એટલું જ નહીં, વોટર વેઝ દ્વારા નોર્થ ઈસ્ટનાં રાજ્યોને જોડવા માટે એક ઘણો મોટો ભગીરથ પ્રયાસ ચાલી રહ્યો છે અને મને લાગે છે, અમારું એક ફોકસ છે કે દેશને એક સંતુલિત વિકાસ તરફ લઈ જવો જોઈએ. દેશના દરેક ક્ષેત્રને, એક પણ ક્ષેત્ર પાછળ ન છૂટવું જોઈએ, તે રીતે વિકાસની અવધારણા લઈને આગળ ધપવાનું કામ અમે કર્યું છે. અને એટલે ઈસ્ટર્ન ઈન્ડિયામાં અમે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. ડઝનબંધ જિલ્લામાં સીએનજી, પીએનજી, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક સ્થાપવામાં અમે સફળ થયા છીએ. ગેસ પાઈપલાઈન પહોંચવાને કારણે ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં પણ ઘણો વેગ આવ્યો છે અને ફર્ટિલાઈઝરનાં જે કારખાનાં બંધ પડ્યાં હતાં, તેમને ફરી ખોલવાની સંભાવના ઊભી થઈ છે, કેમકે અમે ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂક્યો છે, અમે એ પાઈપલાઈન ઉપર ધ્યાન આપ્યું છે.

માનનીય અધ્યક્ષ જી,

અનેક વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ, કે સમર્પિત ફ્રેઈટ કોરિડોર પણ સમર્પિત ફ્રેઈટ કોરિડોરની જે હાલત હતી, તેમાં ફક્ત એક કિલોમીટરનું કામ થયું હતું. આજે આશરે છ વર્ષમાં 600 કિલોમીટરનું કામ થયું છે અને વાસ્તવમાં સમર્પિત ફ્રેઈટ કોરિડોર ઉપર કામ શરૂ થઈ ગયુ છે, માલની હેરફેરનું કામ શરૂ થઈ ગયું છે અને તે સેક્શન કામ કરી રહ્યો છે. યુપીએના સમયે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્ર્કચર, કોઈ પણ દેશની રક્ષા માટે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું મહત્ત્વ ધરાવે છે, પરંતુ તેના પ્રત્યે આટલી ઉદાસીનતા દાખવવામાં આવી, આટલી લાપરવાહી દાખવવામાં આવી, દેશમાં અમે એ વિષયોની પબ્લિસિટી નથી કરી શકતા, કેમકે દેશની સિક્યોરિટીની દ્રષ્ટિએ તે યોગ્ય નથી. પરંતુ એ ચિંતાનો વિષય છે કેમકે ત્યાં લોકો નથી, વોટ નથી, જરૂરત નથી હોતી, લશ્કરનો જવાન જ્યારે જશે, જશે, જોયું જશે, શું થવાનું છે ? આવા જ વિચારનું પરિણામ હતું અને એટલું જ નહીં, એકવાર તો સંરક્ષણ મંત્રીએ પાર્લામેન્ટમાં કહી દીધું હતું કે અમે બોર્ડર ઉપર એટલા માટે ઈન્ફ્રાસ્ટ્ર્કચર ઊભાં નથી કરતા, કેમકે ક્યાંક દુશ્મન દેશ એ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ન કરી લે, કમાલના છો, ભઇ. આ વિચાર છે, આ બદલીને આપણએ આજે લગભગ જે અપેક્ષાઓ અને આયોજન હતાં તેનો એક ઘણો મોટો હિસ્સો બોર્ડર ઉપર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આપણે પૂરો કર્યો છે. એલએસી ઉપર પુલો, આજે મારું અનુમાન છે કે આશરે 75 જેટલા પુલોનું કામ ત્યાં વેગથી ચાલી રહ્યું છે અને એટલા માટે અમે કેટલાયે કિલોમીટરના રસ્તા બનાવ્યા છે અને હું ઈચ્છું છું કે જે કામ અમારી સામે હતું તેમાંથી લગભગ 75 ટકા તો અમે પૂરું પણ કરી લીધું છે અને ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખીશું. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિવિધ ક્ષેત્રોને તમે એ જ રીતે જુઓ, અટલ ટનલ હિમાચલ પ્રદેશમાં, તેની શી હાલત હતી ? અટલજીના સમયમાં તેની કલ્પના કરાઈ હતી, અટલજીના ગયા પછી કોઈને કોઈ ફાઈલમાં દબાયેલી રહી, અટવાયેલી રહી.

એકવાર થોડું કામ થયું, પછી અટકી ગયું. એમ કરતાં કરતાં સમય ચાલ્યો ગયો, છેલ્લાં છ વર્ષમાં અમે તેની પાછળ લાગ્યા અને આજે અટલ ટનલ કાર્યરત થઈ ગઈ છે. દેશનું સૈન્ય પણ, સૈન્ય પણ ત્યાંથી આરામથી મુવ કરી રહ્યું છે, દેશના નાગરિક પણ મુવ કરી રહ્યા છે. જે રસ્તાઓ છ-છ મહિનાઓ સુધી બંધ રહેતા હતા, તે આજે કામ કરવા લાગ્યા છે અને અટલ ટનલ કામ કરી રહી છે. એ જ રીતે હું એ વાત સાફ કહેવા માગું છું કે જ્યારે પણ દેશ સામે કોઈ પડકાર આવ્યો છે, આ દેશનું સામર્થ્ય છે, આપણા દેશના સુરક્ષા દળોનું સામર્થ્ય છે, દેશને ક્યારેય નીચે જોવાનો વારો નથી આવવા દીધો, એવી સ્થિતિ આપણા સૈન્યના જવાનો ક્યારેય સર્જાવા દેશે જ નહીં, ક્યારેય નહીં થવા દે, એવો મને પૂરો વિશ્વાસ છે. આજે તેમના હિસ્સામાં જે કોઈ જવાબદારી છે, જ્યાં પણ તેમને જવાબદારી સોંપાઈ છે, તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે પણ અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. અને અમને આપણા દેશની સેના ઉપર ગર્વ છે, આપણા વીરજવાનો ઉપર ગર્વ છે, તેમના સામર્થ્ય ઉપર અમને ગર્વ છે અને દેશ હિંમતપૂર્વક પોતાના નિર્ણયો પણ લઈ શકે છે અને આપણે તેને આગળ પણ લઈ જઈ શકીએ છીએ. મેં ક્યારેક એક ગઝલ સાંભળી હતી, મને વધારે તો રસ નથી, મને વધુ આવડતું પણ નથી. પરંતુ તેમાં લખાયું હતું - मैं जिसे ओड़ता-बिछाता हूं, वो गजल आपको सुनाता हूं - મને લાગે છે કે જે સાથીઓ ચાલી ગયા, તેઓ જે ચીજોમાં જીવે છે, રહે છે, તેઓ એ જ સંભળાવે છે, જે તેમણે તેમના કાર્યકાળમાં જોયું હોય, જે તેમણે તેમના કાર્યકાળમાં કર્યું હોય, તે જ તેઓ કહેતા રહેતા હોય છે અને એટલે હું સમજું છું કે આપણે હવે ચાલવું જ પડશે. આપણે ઘણી હિંમત સાથે આગળ વધવું પડશે. અને મેં કહ્યું કોરોના બાદ એક નવો વર્લ્ડ ઓર્ડર જ્યારે આપણી સમક્ષ આવી રહ્યો છે, ત્યારે ભારતે કંઈ નહીં બદલાય એવી માનસિકતા છોડી દેવી પડશે, આ તો ચાલતું રહે, ચાલ્યા કરેની માનસિકતા છોડવી પડશે. 130 કરોડ દેશવાસીઓના સામર્થ્ય સાથે ચાલી રહ્યા છીએ. પ્રોબ્લેમ આવશે પરંતુ જો લાખો મુસીબતો છે તો અબજો ઉકેલ પણ છે. આ દેશ તાકાતવાન છે અને એટલા માટે જ આપણે આપણી બંધારણીય વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. અને મને વિશ્વાસ છે કે આપણે આ વાતો લઈને આગળ વધીશું. એ વાત સાચી છે કે મિડલ મેન કલ્ચર (વચેટિયાઓનું સામ્રાજ્ય) નાબૂદ થયું છે. પરંતુ દેશના મિડલ ક્લાસની ભલાઈ માટે ઘણી ઝડપથી કામ થઈ રહ્યું છે, જેના કારણે દેશને આગળ વધવામાં હવે જે વિશાળ મિડલ ક્લાસ છે, તે ઘણી મોટી ભૂમિકા ભજવવાનો છે. અને તે માટે જરૂરી જે પણ કાયદાકીય વ્યવસ્થાઓ કરવી પડે, તે કાયદા વ્યવસ્થા પણ અમે કરી છે.

માનનીય અધ્યક્ષ જી,

એક પ્રકારના વિશ્વાસ સાથે, એક પ્રગતિના વાતાવરણમાં દેશને આગળ લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલી રહ્યો છે. હું રાષ્ટ્રપતિ જીનો હૃદયપૂર્વક આભારી છું કે અનેક વિષયો ઉપર તેમણે આ વાત સ્પષ્ટ કરી છે. જેમનો રાજકીય એજન્ડા છે, તે તેમને મુબારક. અમે દેશના એજન્ડા સાથે આગળ વધીએ છીએ. દેશના એજન્ડા સાથે ચાલતા રહીશું. હું ફરી એકવાર દેશના ખેડૂતોને આગ્રહ કરીશ કે આવો, સાથે બેસીને સમસ્યાઓનો ઉકેલ લાવીએ. આ જ એક અપેક્ષા સાથે રાષ્ટ્રપતિજીના ભાષણને રાષ્ટ્રપતિજીનો આભાર માનતા હું પોતાની વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 નવેમ્બર 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage