મહામહિમ
રાષ્ટ્રપતિ ઘની,
તમારા ઉમદા શબ્દો માટે હું ખૂબ આભારી છું. તમારી સાથે ઉપસ્થિત અફઘાનિસ્તાનના તમામ વરિષ્ઠ પદાધિકારી,
સાથિયો,
નમસ્કાર,
સૌથી પહેલાં તો, મને આવવામાં વિલંબ થયો તે બદલ હું આપની ક્ષમા ચાહુ છું. અમારૂ સંસદનુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં કેટલાક કાર્યક્રમોને કારણે મારૂ ત્યાં હોવું જરૂરી બની ગયેં હતું. આજે આપણે ભારત અને અફઘાનિસ્તાનની મૈત્રીના દીર્ઘ માર્ગમાં વધુ એક સિમાચિન્હ સ્થાપી રહ્યા છીએ. ભારત અને અફઘાનિસ્તાન માત્ર ભૌગોલિક સીમાઓને કારણે જ જોડાયેલા છે તેવુ નથી,. આપણો ઈતિહાસ અને સંસ્કૃતિ પણ એક બીજા સાથે જોડાયેલા છે. એકબીજાને પ્રભાવિત કરતાં રહ્યાં છે, આપણી ભાષાઓ, આપણી ખાણી-પીણી, આપણું સંગીત વગેરે આપણા સાહિત્યમાં ઝળકી રહ્યાં છે.
મિત્રો,
તમામ લોકો જાણે છે તે મુજબ નદીઓ વિશ્વની તમામ સભ્યતાઓની વાહક રહી છે. નદીઓએ જીવનદાતા બનીને આપણાં રાષ્ટ્ર અને આપણાં સમાજને પરિભાષિત કર્યા છે. ભારતમાં અમે અમારી ગંગા નદીને એક માતાનો દરજ્જો આપીએ છીએ. તેના કાયાકલ્પ માટે અમે અમારો ‘નમામિ ગંગે’ કાર્યક્રમ શરૂ કર્યો છે. નદીઓ માટે આ સન્માન ભારત અને અફઘાનિસ્તાનની સંયુક્ત સંસ્કૃતિના વારસામાં પડેલું છે. અમારે ત્યાં ઋગ્વેદનું ‘નદી-સ્તુતિ-સૂક્ત’ અમારા ક્ષેત્રમાં વહેતી નદીઓની પ્રશંસા કરે છે. મૌલાના જલાલુદ્દીન રૂમીએ નદીઓની શક્તિશાળી સભ્યતા સંબંધે કહયું છે કે “જે નદી તમારામાં વહે છે તે મારામાં પણ વહે છે.”
સાથીઓ,
વિતેલા આશરે બે દાયકાથી ભારત અફઘાનિસ્તાનના મોખરાના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમારી વિકાસ પરિયોજનાઓ માળખાગત સુવિધાઓ, ક્ષમતા નિર્માણ, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાયેલી છે. એક દાયકા પહેલાં પૂલ-એ-ખૂમરીથી ટ્રાન્સમિશન લાઈનની શરૂઆત કરીને કાબુલ શહેરમાં વિજળીના પૂરવઠાને બહેતર બનાવવામાં આવ્યો હતો. 218 કી.મી. લાંબા ડેલારમ-જરંજ રાજમાર્ગે અફઘાનિસ્તાન માટે કનેક્ટીવિટીનો એક વિકલ્પ પૂરો પાડ્યો હતો. થોડાક વર્ષ પહેલાં બનેલા ‘મૈત્રી બંધ’ વડે હેરાતમાં વિજળી અને સિંચાઈ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનની સંસદનું નિર્માણ ભારત અને અફઘાનિસ્તાનની જનતાનું લોકશાહી પ્રત્યેનું મહત્વનુ પ્રતિક રહ્યું છે. આ તમામ યોજનાઓનું એક મહત્વનું પાસું એ રહ્યું છે કે તેમાં ભારત અને અફઘાનિસ્તાનની દોસ્તી, આપણી ભાગીદારી વધુ મજબૂત બની છે. આ દોસ્તી જ નહીં, આ નિકટતા કોવિડ મહામારી હોવા છતાં પણ આપણી વચ્ચે જળવાઈ રહી છે. દવાઓ હોય, પીપીઈ કીટ હોય કે પછી ભારતમાં બનેલી રસીનો પૂરવઠો હોય, અમારા માટે અફઘાનિસ્તાનની આવશ્યકતા હંમેશા મહત્વની રહી છે. એટલા માટે જ હું એવુ કહેવા માંગુ છું કે આજે આપણે કાબુલમાં બનનારા જે શહતૂત બંધના નિર્માણ માટે સમજૂતી કરી રહ્યા છીએ તેનો પાયો માત્ર ઈંટો કે સિમેન્ટનો બનેલો નથી, પણ ભારત અને અફઘાનિસ્તાનની દોસ્તીની તાકાત ઉપર તે ટકેલો રહ્યો છે. કાબુલ શહેર ભારતના લોકોના દિલ અને દિમાગમાં વસેલું છે. તમે ઉલ્લેખ કર્યો તે મુજબ ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરની ‘કાબુલીવાલા’ વાર્તા વાંચીને ઘણી પેઢીઓ મોટી થઈ છે. અને એટલા માટે જ મને એ બાબતનો વિશેષ આનંદ છે કે શહતૂત બંધ પરિયોજનાથી કાબુલ શહેરના નાગરિકોને પીવા માટેના પાણીની સુવિધા પ્રાપ્ત થશે અને સાથે સાથે કાબુલ નદી બેસીનમાં એક સિંચાઈ નેટવર્કનો વિકાસ પણ કરવામાં આવશે.
સાથીઓ,
હું જ્યારે સંસદ ભવનના ઉદ્દઘાટન માટે ડિસેમ્બર 2015માં કાબુલ આવ્યો હતો ત્યારે મેં દરેક અફઘાન પુરૂષ- મહિલા અને બાળકોની આંખમાં ભારત માટે ખૂબ જ પ્રેમ જોયો હતો. અફઘાનિસ્તાનમાં મને એવું લાગ્યું ન હતું કે હું કોઈ બીજાના ઘરે છું. મને એવી અનુભૂતિ થઈ હતી કે ‘ખાના-એ-ખુદ-અસ્ત’ આ આપણું જ ઘર છે. હું બદખશાથી નિમરોજ અને હેરાતથી કંધાર સુધી દરેક અફઘાન ભાઈ- બહેનને એવો વિશ્વાસ આપવા માંગુ છું કે ભારત તમારી સાથે જ ઉભુ છે, તમારા ધૈર્ય, સાહસ અને સંકલ્પની યાત્રાના દરેક કદમ ઉપર ભારત તમારી સાથે છે. બહારની કોઈપણ તાકાત અફઘાનિસ્તાનના વિકાસને કે ભારત અને અફઘાનિસ્તાનની દોસ્તીને રોકી શકશે નહીં.
મહામહિમ
અફઘાનિસ્તાનમાં વધી રહેલી હિંસાના કારણે અમે ચિંતીત છીએ. નિર્દોષ નાગરિકો, પત્રકારો અને કાર્યકર્તાઓને કાયરતાપૂર્ણ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે હિંસા તત્કાલ ખતમ કરવા અનુરોધ કર્યો છે અને અમે ઝડપભેર એક વ્યાપક સંઘર્ષ વિરામનું સમર્થન કરીએ છીએ. હિંસા શાંતિનો પ્રતિકાર છે અને બંને સાથે સાથે ચાલી શકતા નથી. એક નજીકના પડોશી તરીકે અને મજબૂત વ્યૂહાત્મક પાર્ટનર તરીકે ભારત અને અફઘાનિસ્તાન બંને પોતાના વિસ્તારોને આતંકવાદ અને ઉગ્રવાદના ભયંકર સંકટથી મુક્ત જોવા ઈચ્છે છે. ભારત એક એવી શાંતિ પ્રક્રિયાનું સમર્થન કરે છે કે જે અફઘાનિસ્તાનના નેતૃત્વમાં હોય, અફઘાનિસ્તાનના સ્વામિત્વમાં હોય અને અફઘાનિસ્તાનના નિયંત્રણમાં હોય.
અફઘાનિસ્તાનના શાસને તેની આંતરિક એકતાને ખૂબ જ મજબૂત કરવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે સંગઠીત અફઘાનિસ્તાન કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા માટે સક્ષમ છે. અફઘાનિસ્તાનની સફળતામાં અમે ભારત અને આપણાં સમગ્ર વિસ્તારની સફળતા જોઈએ છીએ. અમે ફરી એક વખત અફઘાન મિત્રોને ભારતની દોસ્તીનો સંપૂર્ણ વિશ્વાસ આપીએ છીએ. ભારત પર મૂકેલા તમારા વિશ્વાસ માટે હુ હૃદયથી મારા તમામ વ્હાલા અફઘાન ભાઈઓ અને બહેનોનો આભાર પણ વ્યક્ત કરૂં છું.
તશક્કૂર,
આભાર!