‘વોકલ ફોર લોકલ’ અને આત્મનિર્ભર અભિયાનની સફળતા આપણા યુવાનો પર નિર્ભર છે: પ્રધાનમંત્રી
NCC અને NSS તેમજ અન્ય સંગઠનોને રસી અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે આહ્વાન કર્યું

મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી, દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી અર્જૂન મૂંડાજી, ડો. કિરણ રિજિજજુજી, શ્રીમતી રેણુકા સિંહ સરૂટાજી અને સમગ્ર દેશમાંથી અહીં આવેલા મારા વ્હાલા નવયુવાન સાથીઓ. કોરોનાએ હકીકતમાં ઘણું બધુ બદલી નાંખ્યુ છે. માસ્ક, બે ગજનુ અંતર, આ બધુ એવું લાગી રહ્યું છે કે જાણે રોજબરોજની જીંદગીનો હિસ્સો બની ગયુ હોય. અગાઉ જ્યારે ફોટો પડાવવા જતા હતા ત્યારે કેમેરામેન કહેતો હતો કે સ્માઈલ, હવે માસ્કને કારણે તે બોલતો નથી. આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અલગ અલગ બેસવાની વ્યવસ્થા કરવી પડી છે. ખુબ જ ફેલાઈને બેસવું પડે છે, પરંતુ આ બધા છતાં તમારો ઉત્સાહ, તમારો ઉમંગ, એમાં કોઈ ઊણપ વર્તાતી નથી, એ એવોને એવો જ છે.

સાથીઓ,

તમે અહીં દેશના અલગ અલગ ખૂણેથી આવ્યા છો. અહીંયાં દૂર દૂર જનજાતિ વિસ્તારોમાંથી આવેલા લોકો છે. એનસીસી અને એનએસએસના ઉર્જાવાન યુવકો પણ છે અને રાજપથ ઉપર અલગ અલગ રાજ્યોની ઝલક બાકીના દેશ સુધી પહોંચાડનાર સાથી કલાકારો પણ છે. રાજપથ ઉપર જ્યારે તમે જોશની સાથે કદમ તાલ કરો છો ત્યારે ત્યારે દરેક દેશવાસીનું દિલ જોશથી ભરાઈ જાય છે. જ્યારે તમે ભારતની સમૃધ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને વારસાની ઝલક જુઓ છો ત્યારે દરેક દેશવાસીનું મસ્તક ગૌરવથી ઉંચુ થઈ જાય છે અને મેં જોયુ છે કે પરેડ વખતે મારી સાથે કોઈને કોઈ દેશના પ્રમુખ રહેતા હોય છે. આટલી બધી ચીજો જોઈને તેમને ખૂબ જ અચરજ થાય છે. ઘણાં બધા સવાલ પૂછતા રહેતા હોય છે કે દેશના કયા ખૂણામાં શું છે, કેવુ છે, તે જાણવાનો પ્રયાસ કરતા રહે છે. જ્યારે આપણા આદિવાસી સાથીઓ રાજપથ ઉપર સંસ્કૃતિના રંગ ફેલાવે છે ત્યારે સમગ્ર ભારત એ રંગોમાં રંગાઈ જાય છે, ઝૂમી ઉઠે છે. ગણતંત્ર દિવસની પરેડ ભારતની મહાન સામાજિક - સાંસ્કૃતિક વારસાની સાથે સાથે આપણા લશ્કરી સામર્થ્યને પણ નમન કરે છે. ગણતંત્રની પરેડ એ દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જીવંત કરનાર આપણા બંધારણને નમન કરે છે. હું તમને 26 જાન્યુઆરીના બહેતર પ્રદર્શન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું. મારો તમને એક આગ્રહ પણ છે. હાલમાં દિલ્હીમાં ઠીક ઠીક ઠંડી પડી રહી છે. જે લોકો દક્ષિણમાંથી આવ્યા હશે તેમને તો ઘણી વધારે તકલીફ પડતી હશે. અને તમે ઘણાં દિવસથી અહીંયાં છો, પણ તમારામાંથી ઘણા બધા લોકો, મેં કહ્યું તે મુજબ ઠંડી સહન કરવાની આદત ધરાવતા નથી, આટલી વહેલી સવારે ઉઠીને તમારે ડ્રીલ માટે જવું પડતું હશે. હું તમને કહીશ કે તમે તમારી તબિયતનો જરૂરથી ખ્યાલ રાખજો.

સાથીઓ,

આ વર્ષે આપણો દેશ આપણી આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ વર્ષ ગુરૂ તેગ બહાદૂરજીનું 400મુ પ્રકાશ પર્વ પણ છે. આને આ વર્ષે હાલમાં આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ. હવે દેશે નક્કી કર્યુ છે કે નેતાજીના જન્મ દિવસને આપણે પરાક્રમ પર્વ તરીકે મનાવીશું. કાલે પરાક્રમ દિવસ પ્રસંગે હું તેમની જન્મભૂમિ કોલકતામાં જ હતો. આઝાદીનુ 75મુ વર્ષ, ગુરૂ તેગ બહાદૂરજીનું જીવન, નેતાજીનું શૌર્ય, આ બધુ આપણા સૌના માટે ખૂબ જ પ્રેરણા સમાન છે. આપણને આપણા દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની તક મળી નથી, કારણ કે આપણામાંથી ઘણાં બધા લોકોએ આઝાદી પછી જન્મ લીધો છે, પરંતુ દેશે આપણને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની તક જરૂર પૂરી પાડી છે. આપણે દેશ માટે જે કાંઈ સારૂ કરી શકીએ તેમ છીએ તે આપણે કરવુ જોઈએ.

સાથીઓ,

અહીં ગણતંત્ર દિવસની પરેડની તૈયારીઓ દરમિયાન તમે પણ અનુભવ કર્યો હશે કે આપણો દેશ કેવા વૈવિધ્યથી ભરેલો છે. અનેક ભાષાઓ, અનેક બોલીઓ, અલગ અલગ ખાન-પાન, કેટલુ બધુ નોખું નોખું છે, પરંતુ ભારત એક છે. ભારત એટલે કરોડો કરોડો સામાન્ય માણસોના લોહી અને પરસેવાની, આકાંક્ષાઓ અને અપેક્ષાઓની સામૂહિક શક્તિ, ભારત એટલે રાજ્ય અનેક પણ રાષ્ટ્ર એક. ભારત એટલે પંથ અનેક પણ લક્ષ્ય એક, ભારત એટલે રિવાજ અનેક, પણ મૂલ્ય એક, ભારત એટલે ભાષાઓ અનેક પણ અભિવ્યક્તિ એક, ભારત એટલે કે રંગ અનેક, પણ તિરંગો એક, જો આ બધું એક જ વાક્યમાં કહેવું હોય તો ભારતમાં રસ્તા ભલે અલગ અલગ હોય, પણ જવાનું એક જ સ્થળે હોય છે, મંઝીલ એક જ હોય છે, એક ભારત શ્રેષ્ઠ ભારત.

સાથીઓ,

આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની આ શાશ્વત ભાવના દેશના દરેકે દરેક ખૂણામાં પ્રગટ થઈ રહી છે. તમે જોયું અને સાંભળ્યું પણ હશે કે મિઝોરમની 4 વર્ષની બાલિકા, તેણે જ્યારે વંદે માતરમ ગાયું ત્યારે સાંભળનાર સૌને ગર્વથી ભરી દીધા હતા. કેરળની શાળાની એક બાળકી, કઠીન પરિશ્રમથી શીખીને એક હિમાચલી ગીત ખૂબ જ યોગ્ય રીતે ગાઈ રહી હતી. આ બધાથી રાષ્ટ્રની તાકાતનો અનુભવ થઈ રહ્યો છે. તેલુગુ ભાષા બોલનારી બેટી, જ્યારે પોતાના સ્કૂલ પ્રોજેકટમાં ખૂબ જ રોચક રીતે હરિયાણવી ખાણી- પીણીનો પરિચય આપે છે ત્યારે આપણને ભારતની શ્રેષ્ઠતાના દર્શન થાય છે.

સાથીઓ,

ભારતની આ તાકાતનો દેશ અને દુનિયા સાથે પરિચય કરાવવા માટે એક ભારત, શ્રેષ્ઠ ભારત પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. અને તમે બધા તો ડિજિટલ જનરેશન વાળા છો. તો આ પોર્ટલ ઉપર જરૂર જજો અને આ પોર્ટલ ઉપર જે વાનગી અને તેને બનાવવાની પધ્ધતિનો વિભાગ છે, તેમાં એક હજારથી વધુ લોકોએ પોતાની વાનગીઓ જણાવી છે. ક્યારેક સમય કાઢીને આ પોર્ટલ જરૂરથી જોજો અને પરિવારમાં પણ આ બધુ બતાવશો તો તેમને ખૂબ જ આનંદ થશે.

સાથીઓ,

વિતેલા દિવસોમાં, કોરોના કાળમાં શાળા- કોલેજો વગેરે બંધ હોવાને કારણે, દેશના યુવકોએ ડિજિટલ માધ્યમથી અન્ય રાજ્યોની સાથે વેબીનાર કર્યા છે. આ વેબીનારમાં સંગીત, નૃત્ય, ખાણી-પીણી અંગે અલગ અલગ રાજયોની અલગ શૈલીઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આજે સરકારની પણ એ કોશિશ રહે છે કે દરેક પ્રાંત, દરેક વિસ્તારની ભાષાઓ, ખાન-પાનનો, કલાનો સમગ્ર દેશમાં પ્રચાર- પ્રસાર થાય. દેશના દરેક રાજ્યની રહેણી-કરણી, ત્રીજ તહેવારની બાબતમાં વધુ જાગૃતિ પેદા થાય અને ખાસ કરીને આપણી સાંસ્કૃતિક પરંપરાઓ, કલા અને કસબ મારફતે દેશ ઘણું બધુ શીખી શકે છે. આ બધી બાબતોને આગળ ધપાવવામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન ખૂબ જ મદદ કરી રહ્યું છે.

સાથીઓ,

આજકાલ તમે સાંભળ્યું હશે કે દેશમાં ઘણું બોલવામાં આવી રહ્યુ છે, લોકલ પોર વોકલ જેવા શબ્દો સાંભળવા મળે છે. આપણાં ઘરની આસપાસ જે ચીજો બની રહી છે તે સ્થાનિક સ્તર ઉપર બની રહી છે. તેના માટે માન દાખવવું, તેના માટે ગર્વ કરવો, તેને પ્રોત્સાહિત કરવી, એ જ છે લોકલ ફોર વોકલ, પણ લોકલ ફોર વોકલની ભાવના ત્યારે જ મજબૂત થશે જ્યારે તેને એક ભારત શ્રેષ્ઠ ભારતમાંથી શક્તિ પ્રાપ્ત થશે. હું તામિલનાડુમાં રહેતો હોઉ તો પણ મને હરિયાણાની કોઈ ચીજ બાબતે મને ગર્વ થવો જોઈએ. એક ક્ષેત્રની સ્થાનિક પ્રોડકટ અંગે બીજો વિસ્તાર ગર્વ કરશે તો તેમાં એક ગ્લોબલ પ્રોડકટ બનવાની તાકાત પેદા થશે.

સાથીઓ,

આ લોકલ ફોર વોકલથી આત્મનિર્ભર ભારત અભિયાન, તેની સફળતા તમારા જેવા નવયુવાન ઉપર આધાર રાખે છે. આજે મારી સામે એનસીસી અને એનએસએસના આટલા બધા નવયુવાનો છે તેમને તો આ જ દિક્ષા અને શિક્ષા આપવામાં આવે છે. આજે હું તમને નાનું સરખું કામ સોંપવા માગુ છું. સમગ્ર દેશના એનસીસીના નવયુવાનો મને આ કામમાં જરૂર મદદ કરશે. તમે સૌ એક કામ કરો, સવારે ઉઠીને રાત્રે સુઈ જાવ ત્યાં સુધી તમે જે ચીજોનો ઉપયોગ કરો છો- ભલે ને તે ટૂથપેસ્ટ હોય, બ્રશ હોય કે કાંસકો હોય, ગમે તે હોય, ઘરમાં એસી હોય મોબાઈલ ફોન હોય, જે કાંઈ પણ હોય, તમે જરા જોઈ લો કે કેટલી ચીજોની તમને જરૂર પડે છે. અને તેમાં કેટલી ચીજો એવી છે કે જેમાં દેશના મજૂરનો પરસેવો મહેંકી રહ્યો છે. એવી કેટલી ચીજો છે કે જેમાં આપણાં દેશની માટીની સુગંધ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જાણે- અજાણે કેટલી બધી વિદેશી ચીજો આપણાં જીવનમાં ઘૂસી ગઈ છે એની આપણને ખબર પણ નથી. એક વાર આ બધી ચીજો સામે જોશો તો ખબર પડશે કે આત્મનિર્ભર બનવાનું કર્તવ્ય સૌથી પહેલાં અહીંથી જ શરૂ કરવુ જોઈએ. આનો અર્થ હું એવો કરી રહ્યો નથી કે તમારી પાસે કોઈ વિદેશી ચીજ હોય તો તેને જઈને ફેંકી દો. હું એવુ પણ નથી કહી રહ્યો કે દુનિયામાં કોઈ સારી ચીજ હોય અને આપણે ત્યાં ના હોય તો તેને લેવાની મનાઈ કરો એવુ થઈ શકે નહીં, પરંતુ આપણને ખબર પણ નથી કે એવી ચીજો છે કે જેણે આપણા રોજબરોજના જીવનમાં આપણને ગુલામ બનાવી દીધા છે, માનસિક ગુલામ બનાવી દીધા છે. મારા નવયુવાન સાથીઓને હું આગ્રહ કરીશ કે એનસીસી અને એનએસએસના શિસ્તબધ્ધ જવાનોને હું આગ્રહ કરીશ કે તમારા પરિવારના બધા સભ્યોને સાથે બેસાડીને જરા યાદી તો બનાવો, એકવાર બનાવી જુઓ, પછી તમારે ક્યારેય મારી વાત યાદ નહીં કરવી પડે. તમારો આત્મા જ કહેશે કે આપણે આપણાં દેશને કેટલું નુકસાન પહોંચાડી દીધુ છે.

સાથીઓ,

ભારત કોઈના કહેવાથી આત્મનિર્ભર નહીં બની શકે, પરંતુ મેં જે રીતે તમને કહ્યું તે મુજબ દેશના યુવાનો કરશે તો જ તે થઈ શકશે અને તમે ત્યારે જ સૌથી બહેતર રીતે કરી શકશો કે જ્યારે તમારી પાસે યોગ્ય સ્કીલ- સેટ હશે.

સાથીઓ,

સ્કીલના, કૌશલ્યના આ મહત્વને જોઈને જ વર્ષ 2014માં સરકારે જ કૌશલ્ય વિકાસ માટે એક વિશેષ મંત્રાલયની રચના કરી હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ કરતાં વધુ યુવાન સાથીઓને અલગ અલગ કલા અને કૌશલ્યની તાલીમ અપાઈ ચૂકી છે. કૌશલ્ય વિકાસના આ કાર્યક્રમ હેઠળ માત્ર તાલીમ જ આપવામાં આવે છે એવું નથી, પણ લાખો યુવાનોને રોજગાર અને સ્વરોજગાર માટે પણ મદદ કરવામાં આવી રહી છે. લક્ષ્ય એવું છે કે ભારત પાસે કુશળ યુવાનો હોય અને સ્કીલ-સેટના આધારે તેમને નવી રોજગારી પણ મળી શકે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત માટે યુવાનોના કૌશલ્ય પર આ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની કામગીરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ રજૂ કરવામાં આવી છે. તમે પણ તે જોઈ શકશો કે તેમાં ભણતરની સાથે-સાથે ભણતરનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઉપર એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કોશિશ એ રહી છે કે વિદ્યાર્થીઓને પોતાની રૂચિ મુજબ વિષય પસંદ કરવાની આઝાદી મળે. તેમણે ક્યારે અભ્યાસ કરવો છે અને ક્યારે ફરીથી શરૂ કરવો તે બાબતે તેમને સુગમતા પૂરી પાડવામાં આવી છે. પ્રયાસ એવો રહ્યો છે કે આપણાં વિદ્યાર્થીઓ જે બાબતો જાતે કરવા માંગે છે તેમાં તે આગળ ધપતા રહે.

સાથીઓ,

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રથમ વખત વ્યવસાયલક્ષી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો છે. ધોરણ-6ના વિદ્યાર્થીઓને સ્થાનિક જરૂરિયાતો અને સ્થાનિક વ્યવસાયો સાથે જોડીને પોતાની અભિરૂચિ મુજબ કોઈપણ અભ્યાસક્રમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માત્ર ભણાવવાનો જ અભ્યાસક્રમ નથી, શીખવા અને શીખવાડવાના અભ્યાસક્રમ છે અને તેમાં સ્થાનિક કુશળ કારીગરોની સાથે-સાથે પ્રેક્ટીકલ અનુભવ પણ આપવામાં આવશે. તે પછી તબક્કાવાર પધ્ધતિ તમામ મિડલ સ્કૂલોના શૈક્ષણિક વિષયોમાં વ્યવસાયિક શિક્ષણને એકીકૃત કરવાનું લક્ષ્ય પણ છે. આજે હું તમને આ બધુ વિસ્તારથી એટલા માટે કહી રહયો છું કે તમે જેટલા જાગૃત રહેશો તેટલું જ તમારૂં ભવિષ્ય ઉજ્જવળ બની રહેશે.

સાથીઓ,

આપ સૌ આત્મનિર્ભર ભારત અભિયાનના સાચા સૂત્રધાર છો. એનસીસી હોય કે એનએસએસ હોય કે પછી બીજુ કોઈ સંગઠન હોય, તમારે દેશની સામે આવનારા દરેક પડકાર, દરેક સંકટ સમયમાં પોતાની ભૂમિકા નિભાવવાની છે. કોરોના કાળમાં પણ તમે સ્વયંસેવક તરીકે જે કામ કર્યું છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. જ્યારે દેશને, શાસન- પ્રશાસનને સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે સ્વયંસેવક તરીકે આગળ આવીને વ્યવસ્થાઓ ઉભી કરવામાં મદદ કરી છે. આરોગ્ય સેતુ એપને જન-જન સુધી પહોંચાડવાની હોય કે પછી કોરોના સંક્રમણ સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ બાબતે જાગૃતિ ફેલાવવાની હોય, તમે પ્રશંસનીય કામ કર્યું છે. કોરોનાના આ સમયમાં ફીટ ઇન્ડિયા અભિયાનના માધ્યમથી ફીટનેસ તરફ જાગૃતિ પેદા કરવામાં પણ તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

સાથીઓ,

તમે જે અત્યાર સુધી કર્યું છે તે બધી બાબતોને આગળના ક્રમ સુધી લઈ જવાનો સમય આવી ગયો છે. અને હું આપ સૌને એટલા માટે કહી રહ્યો છું કે તમારી પહોંચ દેશના દરેક ભાગમાં અને દરેક સમાજ સુધી છે. મારો તમને એ આગ્રહ છે કે તમારે દેશમાં ચાલી રહેલા કોરોના રસી અભિયાનમાં પણ દેશની મદદ માટે આગળ આવવાનું છે. તમારે રસી બાબતે સાચી માહિતી દેશના ગરીબમાં ગરીબ અને સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની છે. કોરોનાની રસી ભારતમાં બનાવીને ભારતના વૈજ્ઞાનિકોએ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવ્યું છે અને હવે આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. જૂઠ અને અફવા ફેલાવનાર દરેક તંત્રને આપણે સાચી જાણકારી આપીને પરાસ્ત કરવાનું છે. આપણે એ બાબત પણ યાદ રાખવાની છે કે આપણું ગણતંત્ર એટલા માટે મજબૂત છે કારણ કે તેમાં કર્તવ્યની ભાવનાનો સંકલ્પ છે. આપણે આ ભાવનાને મજબૂત કરવાની છે અને તેનાથી જ આપણું ગણતંત્ર મજબૂત બનશે અને આત્મનિર્ભરતાનો આપણો સંકલ્પ પણ સિધ્ધ થશે. આપ સૌને આ મહત્વના રાષ્ટ્રીય પર્વમાં સામેલ થવાની તક મળી છે. મનને ઘડવાનો અને દેશને જાણવાનો તથા દેશ માટે કશુંક કરી છૂટવાનો આટલો મોટો સંસ્કાર બીજો કોઈ હોઈ શકે નહીં. આપ સૌને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે પ્રમાણે મને વિશ્વાસ છે કે 26 જાન્યુઆરીના આ ભવ્ય સમારંભ પછી તમે જ્યારે ઘરે પાછા ફરશો ત્યારે આપ અહીંની અનેક ચીજોને યાદ રાખીને જશો, પણ સાથે-સાથે એ બાબત ક્યારેય પણ ભૂલશો નહીં કે આપણે આપણાં દેશને આપણું સર્વ શ્રેષ્ઠ અર્પિત કરવાનું જ છે. કરવાનું જ છે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ખૂબ ખૂબ ધન્યાવાદ !

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.