આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.
આજે મને દેશભરના તે લોકોને મળવાનો અવસર મળ્યો છે જેમણે પોતાના જીવનમાં અંધકારથી પ્રકાશ તરફની સફર પૂરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. વર્ષોના અંધારા પછી એક રીતે તે ગામનું જીવન હવે રોશન થયું છે. આપણા સૌની પાસે એ 24 કલાક હોય છે, મારી પાસે પણ 24 કલાક છે, તમારી પાસે પણ 24 કલાક છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમયનો વધુમાં વધુ સદુપયોગ થાય, જેનાથી આપણો પોતાનો, આપણા પરિવારનો, આપણા સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો રસ્તો તૈયાર થાય. પરંતુ તમારા 24 કલાકમાંથી 10-12 કલાક હંમેશા માટે નીકળી જતા હોય છે, ત્યારે તમે શું કરી શકો છો. શું બચેલા 12-14 કલાકોમાં તમે એટલું જ કાર્ય કરી શકો છો, જેટલું 24 કલાકમાં કરો છો. તમારા મનમાં સવાલ ઉઠશે કે મોદીજી શું પૂછી રહ્યા છે અને તેવું કઈ રીતે શક્ય છે કે કોઈની પાસે દિવસના 24 કલાકની જગ્યાએ માત્ર 12-14 કલાકનો સમય હોય. દેશવાસીઓ તમને ભલે આ સાચું ન લાગે પરંતુ આપણા દેશના સુદૂર પછાત વિસ્તારોમાં હજારો ગામડાઓમાં રહેનારા લાખો પરિવારોએ દસકાઓ સુધી તે જીવન જીવ્યું છે. એવા ગામડાઓ જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વીજળી નહોતી પહોંચી અને ત્યાં રહેનારાઓનું જીવન સૂર્યોદયથી સુર્યાસ્તની વચ્ચે સમેટાઈને રહી ગયું હતું. સુરજનો પ્રકાશ જ તેમના કામ કરવાના કલાકો નક્કી કરતો હતો. પછી તે બાળકનો અભ્યાસ હોય, રસોઈ બનાવવાની હોય, ભોજન કરવાનું હોય કે પછી ઘરના બીજા નાના મોટા કામ હોય. દેશને આઝાદ થયે કેટલા દસકાઓ વીતી ગયા. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે જ્યારે અમારી સરકાર આવી ત્યારે દેશના 18,000થી વધુ ગામડાઓ એવા હતા જ્યાં વીજળી હતી જ નહીં. ખૂબ આશ્ચર્ય થતું હોય છે એ વિચારીને કે આખરે એવી કઈ અડચણ હતી જેને પાર કરીને પાછળની અનેક સરકારો અંધકારમાં ડૂબેલા હજારો ગામડાઓ સુધી વીજળી ન પહોંચાડી શકી. પાછળની સરકારોએ વીજળી પહોંચાડવાના વાયદા તો ઘણા કર્યા પરંતુ તે વાયદાઓને પુરા કરવામાં ન આવ્યા. તે દિશામાં કોઈ કામ ન થયું. 2005 એટલે કે આજથી લગભગ 13 વર્ષ પહેલા, એ સમયે કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા અને તેમણે 2009 સુધી દેશના દરેક ગામડામાં વીજળી પહોંચાડી દેશે એવો વાયદો કર્યો હતો અને કોંગ્રેસની તત્કાલીન અધ્યક્ષાએ તો તેનાથી પણ એક પગલું વધારે આગળ વધીને 2009 સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની વાત કરી હતી. સારું થાત જો પોતાની જાતને ખૂબ જાગૃત અને જનહિતકારી માનનારા જે લોકો હોય છે તેમણે 2009માં ગામડાઓમાં જઈને પુછપરછ કરી હોત, અહેવાલો તૈયાર કર્યા હોત, સિવિલ સોસાયટીની વાત કહી હોત તો બની શકત કે 2009 નહીં 2010માં થઇ જાત, 2011માં થઇ જાત, પરંતુ તે સમયે વાયદાઓ પુરા ન થયા. તેને કોઈ ગંભીરતાથી લેતા જ નહોતા અને આજે જ્યારે અમે વાયદાઓને ગંભીરતાથી લઈએ છીએ તો આજે એ શોધવાનો પ્રયાસ થાય છે, અરે જલ્દી શોધો યાર આમાં ક્યાં ખોટ છે. હું માનું છું કે આ જ લોકશાહીની તાકાત છે. આપણે લોકો સારું કરવાનો સતત પ્રયાસ કરીએ અને જ્યાં પણ ખોટ રહી જાય છે, તેને ઉજાગર કરીને તેને સરખી કરવાનો પ્રયાસ કરવામાં આવે. જ્યારે આપણે સૌ મળીને કામ કરીએ છીએ, તો સારા પરિણામો પણ નીકળે છે.
15 ઓગસ્ટ, 2015ના રોજ મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું હતું અને અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે આપણે એક હજાર દિવસની અંદર દેશના દરેક ગામડામાં વીજળી પહોંચાડીશું. સરકારે કોઈ વિલંબ વિના આ દિશામાં કામ કરવાનું શરુ કર્યું અને તેમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કર્યો. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશના દરેક ભાગોમાં જે પણ ગામ વીજળીની સુવિધાથી વંચિત હતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત ત્યાં વીજળી પહોંચાડવાના કાર્યમાં અમે લાગી ગયા. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં વીજળી પુરવઠા સાથે સંબંધિત તમામ પાસાઓને સામેલ કરવામાં આવ્યા. આ યોજનામાં ગામડાઓ, વસાહતોના વિદ્યુતીકરણની સાથે-સાથે વિતરણ વ્યવસ્થાને મજબુત કરવા અને ખેડૂતોને વીજળી પહોંચાડવા માટે અલગ ફેડરની વ્યવસ્થાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે દેશના તમામ ગામ અને તેની સાથે જોડાયેલી વસાહતો ભલે નાની હોય કે મોટી તેમને આ યોજના હેઠળ એક પછી એક સામેલ કરતા જઈએ અને પ્રકાશનો ફેલાવો થતો ગયો.
કોઈપણ ગામ કે વસ્તી ભલે તેની જનસંખ્યા ગમે તેટલી ઓછી હોય, વીજળીની સુવિધાથી વંચિત ન રહે તે લક્ષ્યને લઇને કામ કરી રહ્યા છીએ. જ્યાં આગળ ગ્રિડ સાથે જોડાવાનું શક્ય પણ હોય તે ગામડાઓ પર અને તે વસાહતોમાં ઑફ ગ્રિડ માધ્યમથી વીજળીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 28 એપ્રિલ, 2018ને ભારતની વિકાસ યાત્રામાં એક ઐતિહાસિક દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. મણિપુરનું લાઇસાંગ ગામ પાવર ગ્રિડથી જોડાનારું છેલ્લું ગામ હતું. આ દિવસ દરેક દેશવાસી માટે ગર્વની ક્ષણ હતી અને મને ખુશી છે કે આજે આખરે જ્યાં વીજળી પહોંચી છે તે લાઇસાંગ ગામના લોકો સાથે હું વાતચીત શરુ કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા તેમને જ સાંભળીએ છીએ, તેમનું શું કહેવું છે, તેઓ મણિપુરના સેનાપતિ જિલ્લામાં છે……
જુઓ મારા વ્હાલા દેશવાસીઓ હમણાં આપણે જુદા-જુદા અનુભવો સાંભળ્યા કેવી રીતે વીજળી આવ્યા પછી જીવન સરળ બન્યું છે. જે 18,000 ગામડાઓમાં વીજળી નહોતી પહોંચી તેમાંના મોટા ભાગના ગામડાઓ ખૂબ જ દુરસુદૂરના વિસ્તારોમાં છે. જેમ કે પહાડી ક્ષેત્રોના બર્ફીલા પહાડોમાં છે, ગાઢ જંગલો વડે ઘેરાયેલા છે અથવા પછી ઉગ્રવાદ તેમજ નક્સલી ગતિવિધિઓના કારણે અશાંત ક્ષેત્રોમાં છે. આ ગામડાઓમાં વીજળી પહોંચાડવી એ કોઈ પડકારથી ઓછું નહોતું. આ એવા ગામ છે જ્યાં આવવા-જવાની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને ત્યાં આગળ સરળતાથી પહોંચી પણ શકાતું નહોતું. કેટલાય એવા ગામડાઓ છે જ્યાં પહોંચવા માટે ત્રણ-ચાર દિવસ પગપાળા ચાલવું પડે છે. સામાનને જુદા-જુદા માધ્યમોથી ઘોડા પર, ખચ્ચર પર, ખભા પર લઇને નાવડીઓમાં લઇ જવામાં આવ્યો. અનેક ગામ જેમ કે જમ્મુ અને કાશ્મીરના 35 ગામડાઓ અને અરુણાચલ પ્રદેશના 16 ગામોમાં હેલીકોપ્ટરથી સામાન પહોંચાડવાનો હતો. હું માનું છું કે આ સરકારની ઉપલબ્ધિ નથી, આ તે દરેક વ્યક્તિની સિદ્ધિ છે, તે ગામના લોકોની સિદ્ધિ છે જેમને આ કામ સાથે જોડવામાં આવ્યા અથવા તે સરકારના નાના મોટા અધિકારીઓ જેમણે દિવસ રાત મહેનત કરી, કષ્ટ ઉઠાવ્યું, થાંભલાઓ ઊંચકી ઊંચકીને ગયા. તે સરકારના નાના-નાના અધિકારીઓ, આ તેમનું કામ છે. ઈલેક્ટ્રિશિયન હોય, ટેક્નિશિયન હોય, મજૂર હોય. આ કાર્યમાં જોડાયેલા લોકોના અથાક પ્રયાસોનું જ પરિણામ છે કે આજે આપણે હિન્દુસ્તાનના દરેક ગામ સુધી અજવાળું પહોંચાડી શક્યા છીએ. હું એ તમામ લોકોનો બધા જ દેશવાસીઓની તરફથી ખૂબ-ખૂબ આભાર માનું છું. તેમને શુભકામનાઓ પાઠવું છું.
તમે જુઓ મુંબઈની જ્યારે પણ વાત આવે છે તો આપણે મોટા-મોટા મકાનો પ્રકાશથી ઝળહળતું શહેર અને રસ્તાઓની યાદ આવે છે. મુંબઈથી થોડે અંતરે એલીફંટા દ્વીપ આવેલો છે. તે પર્યટનનું એક ખૂબ જ આકર્ષક કેન્દ્ર છે. એલીફંટાની ગુફાઓ યુનેસ્કોની વૈશ્વિક વિરાસતની યાદીમાં સામેલ છે. ત્યાં આગળ દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં પર્યટકો દરરોજ આવે છે. મને એ વાત જાણીને નવાઈ લાગી કે મુંબઈની આટલી નજીક હોવા છતાં અને પર્યટનનું આટલું મોટું કેન્દ્ર હોવા છતાં પણ આઝાદીના આટલા વર્ષો સુધી એલીફંટા દ્વીપના ગામડાઓમાં વીજળી પહોંચી નહોતી અને ન તો તેના વિશે મેં ક્યારેય છાપામાં વાંચ્યું હતું અને ન તો ટીવી પર વિશેષ કાર્યક્રમ થયો કે ત્યાં આગળ અંધારું છે. કોઈ ને પરવા નહોતી. હા અત્યારે ખુશી છે હવે અમે કામ કરી રહ્યા છીએ તો લોકો પહોંચી જાય છે કે ડાબી બાજુ લાઈટ નથી આવી, જમણી બાજુ નથી આવી, પાછળ આવી, આગળ નથી આવી, નાની આવી, મોટી આવી. બધું થઇ રહ્યું છે. જો આ જ વસ્તુઓ પહેલા થઇ હોત. કોઈ વિચારી શકે છે 70 વર્ષ સુધી આપણું પ્રવાસન સ્થળ એલીફંટા દ્વીપના ગામડાના લોકો અંધારાની જિંદગી વિતાવી રહ્યા હતા. સમુદ્રમાં કેબલ પાથરીને ત્યાં સુધી વીજળી પહોંચાડવામાં આવી છે. આજે તે ગામડાઓનું અંધારું દુર થઇ ગયું છે. જ્યારે ઈરાદાઓ સારા હોય, સાફ હોય અને નીતિ સ્પષ્ટ હોય તો અઘરામાં અઘરું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય તેમ છે.
આવો હવે જઈએ કેટલાક અન્ય વિસ્તારોમાં, આવો સૌથી પહેલા ઝારખંડ જઈએ છીએ…
જુઓ ભાઈઓ બહેનો પાછળની સરકારોએ દેશના પૂર્વીય ક્ષેત્રના વિકાસ પર કંઈ ધ્યાન નહોતું આપ્યું. આ ક્ષેત્ર વિકાસ અને વિભિન્ન સુવિધાઓથી વંચિત રહ્યું હતું. આ તે વાત પરથી સમજી શકાય તેમ છે કે દેશના 18,000થી વધુ ગામડાઓ જ્યાં વીજળી નહોતી પહોંચી. તેમાંથી આ આંકડો જરા ચોકાવનારો છે. 18,000માંથી 14,582 એટલે કે લગભગ 15,000 ગામડાઓ એવા હતા જે અમારા પૂર્વીય ક્ષેત્રનાં હતા અને તેમાં પણ એટલે કે 14,582 ગામડાઓમાંથી 5,790 એટલે કે લગભગ 6,000 ગામડાઓ પૂર્વોત્તરનાં હતા, પૂર્વાંચલના હતા, તમે જુઓ, આ તમે ટીવી પર જોતા હશો, મેં તેનો નકશો રાખ્યો છે. જે લાલ-લાલ ટાઈપના દેખાય છે તમને, તે આખો વિસ્તાર અંધારામાં હતો. હવે મને કહો જો બધાનું ભલું કરવા માટે વિચારતા તો આવી હાલત થાતી? પરંતુ ત્યાં લોકો ઓછા છે, સંસદની બેઠકો પણ ઓછી છે. તો તે સરકારોને વધુ ફાયદો નહોતો દેખાતો. દેશની સેવા રાજનૈતિક ફાયદા સાથે જોડાયેલી નથી હોતી. દેશની સેવા તો દેશવાસીઓને માટે હોય છે અને મારું હંમેશાથી એવું માનવાનું રહ્યું છે કે ભારતની વિકાસ યાત્રામાં વધુ ગતિ આવશે જ્યારે આપણા પૂર્વીય ક્ષેત્રોમાં રહેનારા લોકોનો અહિંના સમાજમાં સંતુલિત વિકાસ પણ ઝડપી ગતિએ થશે.
જ્યારે અમારી સરકાર બની અમે આ જ અભિગમ સાથે આગળ વધ્યા અને અમે પૂર્વોત્તરના વિકાસની મુખ્ય ધારામાં જોડાવાની દિશામાં પ્રયાસ શરુ કર્યો છે. તેની માટે સૌથી પહેલી જરૂરિયાત એ હતી કે ત્યાંના ગામડાઓમાં વીજળી પહોંચે. અત્યારે એ ગામડાનું અંધારું દુર થઇ ગયું છે. વીજળી આવે છે તો શું થાય છે, જીવનમાં શું બદલાવ આવે છે. તમારા લોકોથી વધારે આ વાતને કોણ જાણી શકે છે. મને દેશાવાસીઓના ઘણા બધા પત્રો આવતા રહે છે. લોકો મારી સાથે પોતાના અનુભવો વહેંચતા રહેતા હોય છે. મને અનેક પત્રો વાંચીને ઘણું બધું શીખવા મળે છે.
તમે કલ્પના કરી શકો છો કે વીજળી આવવાથી ગામડામાં રહેતા સામાન્ય જન-જીવનમાં કેટલો બદલાવ આવ્યો છે. હવે ગામના લોકોને સમય પર અંધારાનો નહીં પરંતુ તેમનો પોતાનો અધિકાર હોય છે. હવે સુર્યાસ્તમાં માત્ર સૂર્ય અસ્ત થાય છે, લોકોનો દિવસ અસ્ત નથી થતો. બાળકો દિવસ ડૂબ્યા પછી પણ બલ્બના પ્રકાશમાં આરામથી અભ્યાસ કરી શકે છે. ગામની મહિલાઓને હવે રાતનું જમવાનું સાંજે કે બપોરથી જે બનાવવાનું શરુ કરવું પડતું હતું. ખાવાનું હમણાં બન્યું છે જલદી-જલ્દી શરુ કરી દેવાનું ચક્કર ચાલતું હતું, તે ભયમાંથી મુક્તિ મળી ગઈ છે. હાટ, બજારો મોડી રાત સુધી ખુલ્લા રહેશે. મોબાઈલ ચાર્જ કરવા માટે દુર સુદૂર કોઈ દુકાન શોધવા નથી જવું પડતું. હવે રાત્રે બીજા ગામમાં મોબાઈલ મુકીને આવો અને સવારે લેવા જાઉં અને તે જ ફોનથી રાત્રે કોઈ ગડબડ કરી નાખે તો બધો ગુનો તમારો બની જતો અને તમે જેલમાં જતા રહેતા હતા. કેવી-કેવી તકલીફો હતી. જમ્મુ કશ્મીરના લોકો આપણી વચ્ચે આવ્યા છે, આવો, કારણ કે ત્યાં આગળ તો પહાડોમાં મોટી મુસીબતોથી આ બધો સામાન હેલીકોપ્ટરથી મોકલવો પડતો હતો તો હું ઈચ્છીશ કે જમ્મુ કાશ્મીરના મારા ભાઈઓ બહેનો પાસેથી હું કેટલીક વાતો સાંભળું.
જુઓ લાખો લોકો જેઓ આજે આપણી સાથે જોડાયા છે, તેઓ જાણી શક્યા છે કે જ્યારે વિકાસ થાય છે તો જીવન પર કેટલો વ્યાપક પ્રભાવ પડે છે. કેટલો મોટો બદલાવ આવે છે. આજે દેશના દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. પરંતુ અમે તેટલાથી જ સંતુષ્ટ થયા છીએ એવું નથી, એટલા માટે હવે ગામથી આગળ વધીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના સપનાને સાકાર કરવા માટે અમારી સરકારે આ દેશના દરેક ઘરને પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે અને આ દિશામાં પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના કે જેનો નાનકડો શબ્દ બને છે ‘સૌભાગ્ય’ યોજના, તેની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ બચેલા તમામ ઘરોને ભલે તે ગામમાં હોય કે શહેરમાં વીજળીનું જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત ચાર કરોડ ગરીબ પરિવારોને વીજળીના જોડાણો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય અમે નિર્ધારિત કર્યું છે અને અમે તેના માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ યોજના અંતર્ગત આશરે 80-85-90 લાખથી વધુ ઘરોમાં વીજળી પહોંચી ચૂકી છે. ગરીબ પરિવારોને માટે વીજળીના જોડાણો બિલકુલ મફત છે અને સક્ષમ પરિવારો પાસેથી માત્ર 500 રૂપિયા લેવામાં આવશે, જેને જોડાણ મળ્યા બાદ દસ સરળ હપ્તામાં તમે તમારા વીજળીના બિલની સાથે ચૂકવી શકો છો. ઘરોમાં વીજળી પહોંચાડવાનાં લક્ષ્યને નિર્ધારિત સમયસીમામાં પૂરું કરવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓછામાં ઓછા સમયમાં લોકોના ઘર સુધી વીજળી પહોંચે તેના માટે ગામડાઓમાં કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે. જ્યાં સ્થળ પર જ બધી પ્રક્રિયા પુરી કરીને નવા જોડાણોને મંજુરી આપી દેવામાં આવી રહી છે.
તેના સિવાય દૂરના અને દુર્ગમ ક્ષેત્રોમાં રહેનારા પરિવારોને માટે સૌર ઊર્જા, સૂર્ય ઊર્જા આધારિત પ્રણાલીઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. હું માનું છું કે વીજળી માત્ર પ્રકાશ જ પુરો નથી પાડતી પરંતુ વીજળી લોકોમાં આત્મવિશ્વાસ પણ ભરે છે. વીજળી, ઊર્જા, એક રીતે ગરીબીના વિરુદ્ધમાં લડાઈ લડવા માટેનું સારું સાધન પણ બની શકે છે. ગામ-ગામ સુધી પહોંચેલો પ્રકાશ માત્ર સુરજ ડૂબ્યા પછીના અંધારાને જ દુર નથી કરી રહ્યો, પરંતુ આ પ્રકાશ ગામ અને ગામના લોકોના જીવનમાં પ્રગતિનો પ્રકાશ ભરી રહ્યો છે અને તેનું પ્રમાણ છે તમારી આ વાતો, જેને પરિવર્તન પછીના અનુભવો તરીકે તમે અમારી સાથે અહિં વહેંચી. આખા દેશે તમને સાંભળ્યા છે. બીજા અનેક ગામડાઓ પણ છે, સમયનો અભાવ છે, સંસદ ચાલી રહી છે મારે પહોંચવાનું છે, પરંતુ કેટલાક ગામડાઓને નમસ્તે જરૂરથી કહેવા માંગીશ. બસ્તરને નમસ્તે, અલીરાજપુરને નમસ્તે, સીહોરને નમસ્તે, નવપાડાને નમસ્તે, સીતાપુરને નમસ્તે અને ક્યારેક-ક્યારેક તમે લોકો ટીવીમાં જોતા હશો, છાપામાં વાંચતા હશો અમારા વિરોધીઓના ભાષણો સાંભળતા હશો. વિરોધીઓના ગીતો વગાડનારાઓને સાંભળતા હશો. તેઓ કહે છે જુઓ આટલા ઘરોમાં વીજળી નથી, આટલા ઘરોમાં વીજળી નથી. તમે એવું ન માનતા કે આ અમારી ટીકા છે કે પછી અમારી સરકારની ટીકા છે. આ તો પાછલા 70 વર્ષ જેઓ સરકાર ચલાવી રહ્યા હતા તેમની ટીકા છે. તે અમારી ટીકા નથી તે તો તેમની ટીકા છે કે આટલું કામ બાકી રાખ્યું છે. અમે તો તેને પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
અને એટલા માટે જો ચાર કરોડ પરિવારોમાં વીજળી નથી તો તેનો અર્થ એ નથી કે તમારા ઘરમાં પહેલા વીજળી હતી, તમારા ગામમાં પહેલા વીજળી હતી અને મોદી સરકારે આવીને બધી કાપી નાખી, થાંભલાઓ ઉખાડીને લઇ ગયા, બધા તાર લઇને જતા રહ્યા, એવું નથી. પહેલા કંઈ હતું જ નહીં. અમે તો લગાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ અને એટલા માટે જે લોકો ખૂબ ઉત્સાહમાં આવીને અમારા વિરોધીઓ અમને ગાળો આપતા રહે છે, તે પરિવારમાં વીજળી નથી પહોંચી, તેના ઘરમાં વીજળી નથી પહોંચી, ત્યાં આગળ થાંભલો નથી લાગ્યો. પહેલા કોઈએ નહોતો લગાવ્યો. અમે કોશિશ કરી રહ્યા છીએ અને તમારો સાથ સહયોગ રહ્યો અને નાના-નાના લોકો જેમણે મહેનત કરી છે અમે તેમને નિરાશ કરવાનું કામ ન કરીએ. મોદીને જેટલી ગાળો આપવી છે આપતા રહો. પરંતુ જે નાના-નાના લોકો મહેનત કરી રહ્યા છે ગામમાં પ્રકાશ લાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમનું આપણે મના-સન્માન વધારીએ, તેમનું આપણે ગૌરવ કરીએ તેમનો કામ કરવાનો જુસ્સો વધે તેના માટે આપણે સૌ પ્રયાસ કરીએ તો પછી દેશમાં જે સમસ્યાઓ છે એક પછી એક સમસ્યાઓથી આપણે આપણા ગામને, આપણા પરિવારોને, આપણા દેશને બહાર કાઢી શકીએ છીએ. કારણ કે આખરે આપણા સૌનું કામ શું છે, સમસ્યાઓ ગણતાં જવું એ આપણું કામ નથી. આપણું કામ છે સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટેના માર્ગો શોધવા.
મને વિશ્વાસ છે કે પરમાત્મા આપણને સૌને શક્તિ આપશે. આપણા ઈરાદાઓ સારા છે. આપ સૌના પ્રત્યે અમારા દિલમાં એટલો પ્રેમ છે અમે તમારા માટે જેટલું કરીએ એટલું ઓછું છે. અમે કરતા રહીશું. હું છેલ્લે તમને એક વીડિયો પણ દેખાડવા માંગું છું. આવો આપણે એક વીડિયો જોઈએ એ પછી હું મારી વાતને સમાપ્ત કરીશ.