We need an institutional arrangement that enables excellence in sports: PM
A digital movement in the nation is going on and the youth are at the core of this: PM Modi
As far as tourism is concerned, India is blessed with so much potential and this can draw the world: PM

તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જે કદાચ કચ્છની ધરતી ઉપર પહેલી વાર આવ્યા હશે અને કદાચ કચ્છ આવ્યા હશે તો પણ આટલા દૂર પાકિસ્તાનની સીમા ઉપર રણપ્રદેશમાં કોણ આવશે? પરંતુ આજે તમને ત્યાં જવાનો પણ મોકો મળ્યો. જે લોકો હિમાલયની પર્વતમાળામાંથી આવ્યા હશે તેમના માટે રણપ્રદેશ એક અલગ જ અનુભવ હશે. ઉત્તર પૂર્વમાં હરિયાળી ઝાડીઓની વચ્ચે જેણે જીવન પસાર કર્યું છે તેમના માટે રણપ્રદેશનો અનુભવ કંઈક અલગ જ હોય છે અને મને વિશ્વાસ છે કે આ પરિસરની પણ તમારી આ ચિંતન શિબિર પર હકારાત્મક અસર ઊભી થશે.

સરકારમાં ખૂબ જરૂરી હોય છે કે આપણે સાથે મળીને આપણા કાર્યને સમજીએ, આપણા કાર્યની રચનાને સમજીએ. કઈ રીતે દુનિયા બદલાઈ રહી છે, તે બદલાઈ રહેલી દુનિયામાં આપણે લોકો ક્યાં ઊભા છીએ, ક્યાં પહોચવાનું છે, ક્યાં સુધી પહોંચી શકીએ છીએ. આ બધી વાતોનું સતત આપણે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. દુર્ભાગ્યે સરકારોનો એક સ્વભાવ બની ગયો છે અને તે છે એકલા કામ કરવાનો. ક્યારેક ક્યારેક તો એક જ વિભાગની અંદર અંદર જ એકલાપણું હોય છે કે એક ટેબલ પર શું ચાલી રહ્યું છે તેની માહિતી બીજા ટેબલને ના મળે તેની ચિંતા હોય છે.

એક વિભાગનો બીજા વિભાગ સાથે મેળ નથી હોતો અને તેના કારણે એક વિભાગ એક કાર્યક્રમ વિચારે છે તો બીજો વિભાગ તેનાથી સાવ ઊંધું વિચારે છે. ક્યારેક ક્યારેક તો નવાઈ લાગે છે કે અદાલતોની અંદર સરકારના જ બે વિભાગો સામ-સામે વકીલોને પૈસા આપીને લડાઈ લડે છે. હવે આ જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિ કોઈ સ્વસ્થ પરિસ્થિતિ નથી, તેમાં પરિવર્તન આવવું જોઈએ અને પરિવર્તન લાવવાની રીત છે કે આપણે સાથે મળીને બેસીએ અને વિગતે એક વિશાળ દૃષ્ટિકોણ અંતર્ગત આપણી શું ભૂમિકા રહેશે, આપણા વિભાગની શું ભૂમિકા રહેશે, આપણે શું પરિણામ લાવી શકીએ છીએ, તેના વિષે વિચારીએ તો તે સારું રહેશે. કેટલાક વિભાગો હોય છે, આવા વિભાગો અલગ હોવા છતાં પણ સરખા મગજના હોય છે. એક બીજા સાથે તેમનો કોઈ ને કોઈ રીતે પનારો પડતો હોય છે.

અહિંયા ખાસ કરીને તો જે ચાર મંત્રાલયના લોકો એકઠા થયા છે, એક રીતે આ તમામનો એક બીજા સાથે કોઈ ને કોઈ સંબંધ હોય છે અને એટલા માટે સારું એ રહેશે કે આપણે હળી-મળીને બેસીને આપણા અનુભવોને વહેંચીએ. જે વિશેષજ્ઞો છે તેમને સાંભળીએ. આપણી તકલીફોના ઉપાય માટે આપણે લોકોએ કેવા કેવા રસ્તા શોધ્યા છે, કેવા પ્રયોગો કર્યા છે, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ ત્રણ દિવસ દરમિયાન જે ઔપચારિક સત્રોનું આયોજન થશે તેના સિવાય જેટલો સમય તમે એક બીજા સાથે ખૂલીને વાતચીત કરીને, ભોજન લેતી વખતે, આવતા જતા અને ટેન્ટ લાઈફમાં રહેવાનો તો કેટલાકને પહેલી જ વાર અવસર મળ્યો હશે. બની શકે કે અત્યારે કદાચ ગરમી લગતી હોય પણ સાંજ થતા જ ત્યાં ઠંડી વધારે થઈ જાય છે તો તે પણ.. આ મુશ્કેલીઓની વચ્ચે પણ સાથે જીવવાની એક મજા હોય છે તો અધિકૃત સત્રોના સિવાય પણ પોત-પોતાના રાજ્યોના અનુભવો પોતાના સાથીઓ સાથે વહેંચો, અન્ય રાજ્યોને પૂછો. આ એક રીતે આપણી બહુ મોટી અમાનત હશે કે જેને આપણે આગળ જતા આપણી નીતિઓમાં, આપણી વિકાસની યાત્રામાં આગળ વધારી શકીએ છીએ.

કેટલાક કામ એવા હોય છે કે જેને વિભાગથી ઉપર ઊઠીને, કેન્દ્ર અને રાજ્યોથી ઉપર ઊઠીને આપણે કરવાના હોય છે. આજે જે ચાર વિભાગના લોકો ત્યાં એકઠા થયા છે તેમના કાર્યનો એક રીતે એવો સ્વભાવ છે કે જેના અંતર્ગત કાશ્મીરમાં બેઠેલા લોકોને જે નિર્ણય કરવો હશે અથવા કન્યાકુમારીમાં બેઠેલા લોકોને જે નિર્ણય કરવો હશે તેમાં કેન્દ્રીય વિચાર એક જ હશે. સંસાધનોના અનુસાર વધારે કે ઓછા હોય તે શક્ય છે. હવે જેમ હિન્દુસ્તાનની કઈ સરકાર હશે કે જે નહીં ઇચ્છતી હોય કે અમારા યુવાનો ખેલ-કૂદના વિશ્વમાં આગળ આવે. અર્થ એ થયો છે કે હિન્દુસ્તાનના બધા રાજ્યો ઈચ્છે છે. જો બધા રાજ્યો ઈચ્છે છે તો શું બધા રાજ્યો બેસીને વિચારી નથી શકતા કે આપણી પાસે જે આ ભૌગોલિક વિભાગો છે.

આજે દુનિયાની સામે આપણે તાકાત સાથે કહીએ છીએ કે અમારા 800 મિલિયન 35 થી ઓછી વયના યુવાનોનો વર્ગ છે. હિન્દુસ્તાન યુવાન છે. 35 વર્ષથી ઓછી ઉંમરના 65 ટકા લોકો છે. શું આપણી તમામ સરકારોનું, કેન્દ્ર હોય કે રાજ્ય હોય, આપણા લોકોની ફરજ નથી બનતી કે આપણે વિચારીએ કે જે દેશ પાસે આટલું યુવા ધન હોય, તે દેશ અને દુનિયાને શું શું આપી શકે છે. આપણે યુવાધનની શક્તિઓને કઈ રીતે ગતિમાન કરીએ. આપણી સરકારો એવી કઈ નીતિઓ બનાવે, કયા પ્રકારના રોડ મેપ તૈયાર કરે જેથી કરીને આપણી યુવા શક્તિનો મહત્તમ ઉપયોગ દેશ અને દુનિયામાં થઇ શકે. જો આપણે અત્યારથી, આમ તો આપણે પાછળની શતાબ્દીમાં આ વિષયોને ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર હતી પરંતુ હવે પણ જો આપણે શરૂઆત કરીએ તો બની શકે છે કે આપણે વસ્તુઓને ખૂબ જ સુખદ પરિણામ તરફ લઇ જઈ શકીએ તેમ છીએ. આપણો માનવ સંસાધન વિકાસ કેવો હશે. દુનિયાની સામે આપણી યુવા શક્તિની ઓળખ શું હશે. આપણી યુવા શક્તિને કઈ રીતે આપણે વાળવા માગીએ છીએ, કયા રૂપમાં ઢાળવા માગીએ છીએ, કયા રૂપમાં આગળ વધારવા માગીએ છીએ. જયારે પણ આંતરરાષ્ટ્રીય ખેલ-કૂદની સ્પર્ધા હોય છે, કોઈ એવોર્ડ મળે છે તો ખુશી થાય છે. નથી મળતો તો લાગે છે કે ના ના આવતી વખતે વિચારવું જ પડશે.

આપણે સૌએ વિદ્યાર્થી કાળમાં જોયું હશે. આપણા લોકોનો સ્વભાવ રહે છે કે પરીક્ષા આવે છે તો આપણે વિચારીએ છીએ કે બસ આવતા વર્ષે તો શાળા કોલેજ શરુ થતાની સાથે જ ભણવાનું ચાલુ કરી દેવું છે. ધીમે ધીમે પહેલું સત્ર જતું રહે છે. વેકેશનમાં ફરી નક્કી કરીએ છીએ કે આ વખતે તો વેકેશન પછી જેવી શાળાઓ ખુલશે, હું ભણવાનું ચાલુ કરી દઈશ. પછી ધીમે ધીમે પરીક્ષા આવી જાય છે તો વિચારીએ છીએ કે ના ના હવે તો રાત્રે મોડે મોડે સુધી જાગીને ભણવું છે. રાત્રે ઊંઘ આવે છે તો વિચારીએ છીએ કે સવારે વહેલા ઊઠીને વાંચવું છે. માતાને પણ કહી દઈએ છીએ કે મા જરા મને કાલે સવારે વહેલા ઊઠાડી દેજો મારે કાલે વાંચવાનું છે. આપણે આપણી જાતે જ આપણું ટાઈમ-ટેબલ બદલતા રહીએ છીએ અને પોતાની જાતને ગોઠવતા રહીએ છીએ. રસ્તાઓ શોધતા રહીએ છીએ. શું તે જરૂરી નથી કે જો ખેલ-કૂદની સ્પર્ધા માટે આપણે એક એવી સંગઠનાત્મક વ્યવસ્થા ઊભી કરીએ, સતત આપણા ખેલાડીઓને સ્પર્ધામાં જવાનો મોકો મળતો રહે. તે તાલુકા સ્તરની હોય, જિલ્લા સ્તરની હોય, શાળા-કોલેજ વચ્ચેની હોય, જયાં સુધી સતત ખેલ-કૂદની સ્પર્ધાઓ નહીં થાય, ત્યાં સુધી ખેલાડીઓ તૈયાર નથી થતા. આપણે માત્ર માળખું બનાવી દઈએ, માત્ર આટલું કરવાથી અનેક પરિવારો જાગૃત બનશે, કોઈ એકાદ ખેલાડી હશે કે જે પોતાનું જીવન જીવતો હશે અને લાગી જાય તો આગળ નીકળી જાય છે પણ જ્યાં સુધી દેશમાં એક માહોલ નથી બનાવતા તો ત્યાં સુધી આપણને સારા લોકો નથી મળતા. ક્રિકેટમાં આ બનેલું છે કેટલીક માત્રામાં. દરેક ગલી મહોલ્લામાં લોકો ક્રિકેટ રમે છે. નાની નાની રમતો ચાલતી રહે છે. તેમાંથી ખેલાડીઓ બહાર નીકળીને આવે છે અને તેનાથી એક બહુ મોટું તંત્ર ઊભું થઇ ગયું છે પણ આપણા દેશની પાસે ક્રિકેટ સિવાય પણ ઘણા કૌશલ્યો છે, સામર્થ્યવાન લોકો છે અને શારીરિક તંદુરસ્તીની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ખેલ જગતમાં ટેલેન્ટનું પણ એટલું જ મહત્વ હોય છે. તે નીતિ અને નિયમોની વચ્ચે પોતાની જાતને તૈયાર કરવાની હોય છે. આપણે જેટલી માત્રામાં આ બધી વાતો ઉપર વિચારીને કોઈ નિર્ણય કરી શકીએ છીએ, કોઈ યોજના બનાવી શકીએ છીએ, તમે જોજો પરિણામ મળવાનું શરુ થઇ જશે.

દુનિયામાં રમત-ગમત એ સરકારી કાર્યક્રમ ઓછો છે અને સામાન્ય લોકો સાથે વધુ જોડાયેલો છે, કોર્પોરેટ હાઉસ તેની સાથે જોડાયેલા હોય છે. એક એક રમત સાથે એક એક રાજ્ય પોતાની ઓળખ ઊભી કરીને તેનો ફાયદો ઊઠાવી શકે છે. શું આપણે ક્યારેય આપણા રાજ્યની અંદર કોઈ આકલન કર્યું કે એકાદ એવો જિલ્લો હશે કે જે ફૂટબોલમાં સારું રમતો હશે. એકાદ એવો જિલ્લો હશે કે જે વોલિબોલમાં સારું પ્રદર્શન કરતો હશે. એકાદ જિલ્લો હશે કે જે કદાચ તીરંદાજીમાં સારું કરશે. જ્યાં સુધી જિલ્લા સ્તરની આપણી ક્ષમતાઓનું આકલન નહીં કરીએ, આપણી પાસે ક્યાં, કયા પ્રકારનું માળખું છે, કઈ રમતની અંદર આપણી પાસે સારા કોચ છે અને તે ક્ષેત્રમાં કેવા કેવા આપણા નવયુવાનો તૈયાર થાય છે, તેની ઉપર જો આપણે જોર નહીં આપીએ, તો આપણે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં લોકો દરેક પ્રકારની રમતો રમતા હશે તો પણ બની શકે કે આપણે ક્યાંય પણ કંઈ જ નહીં કરી શકીએ, તો એ જરુરી છે કે આપણે પરિવર્તન લાવીએ.

આપણી યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કઈ રીતે ઉપયોગી સાબિત થશે. શું એ દિશામાં આપણે ક્યારેય વિચાર્યું છે. સારી ચર્ચા, સારી નેતૃત્વ શક્તિ, ગામડાઓની તકલીફો સમજવાનાતેમના પ્રયાસ, આપણી યુવા શક્તિનો ઉપયોગ કઈ રીતે થઇ શકે છે. આજે દેશમાં ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે. યુવા સમાજ ખૂબ ઝડપથી આ વસ્તુઓને ગ્રહણ કરવાનો સ્વભાવ ધરાવે છે. આપણા જેટલા યુવકો સાથે જોડાયેલી જેટલી વ્યવસ્થાઓ છે, સંગઠનો છે, સરકારી તંત્રો છે,આપણે આવા કામમાં તેમને લગાવી શકીએ છીએ. તમે જોયું હશે સ્વચ્છ ભારત અભિયાન. અનેક રાજ્યોના અનેક શહેરોના યુવા સંગઠનોએ પોતાની પહેલો વડે સ્વચ્છ ભારત અભિયાનને આટલી તાકાત આપી છે, આટલી પ્રતિષ્ઠા આપી છે તો તેમની એક સર્જનાત્મકતાને ગતિમાન કરવાનો, આગળ વધારવાનો એક ખૂબ સુંદર અવસર મળે છે.

તમે જોયું હશે કે પાછળના કેટલાક દિવસોમાં કેટલાક રેલવે સ્ટેશનોને લોકોએ, સ્થાનિક કલાકાર યુવકોએ સાથે મળીને સુશોભિત કર્યા છે. હવે પહેલાના સમયના રેલવે સ્ટેશન અને આજે જ્યાં લોકો જોડાઈ ગયા. રેલવેએ કંઈ જ ખર્ચો નથી કર્યો. તે લોકો આવ્યા પોતાનો કલર-બલર લઈને અને તેમની પાસે ટેલેન્ટ પણ હતું અને તેમણે પોતાના રેલવે સ્ટેશનને પોતાના ગામની ઓળખ આપી દીધી, તો મુસાફરો આવે છે તો રેલવે સ્ટેશન આખું જોઇને જાય છે. આપણે આપણી યુવા શક્તિને સર્જનાત્મક કાર્યોમાં કેવી રીતે લગાવીએ, તેમના સામર્થ્યનો ઉપયોગ કઈ રીતે કરીએ, તે દિશામાં આપણે લોકોએ સતત વિચારતા રહેવું જોઈએ, તેના માટે નવી નવી યોજનાઓની રચના કરવી જોઈએ.

આપણી પાસે NSS, NCC આ બધી રચનાઓ છે. તેમ છતાં પણ સાહસિક કામોમાં આપણા દેશનો યુવાન પાછળ કેમ રહે. સાહસપૂર્ણ જીવનની તેના મનમાં ઈચ્છા કેમ ના જાગે. તે પોતાનો કેટલોક સમય, વેકેશનનો સમય ત્યાં કેમ ના વિતાવે. ક્યારેક ક્યારેક જોઈએ છીએ કે આપણા દેશમાં શ્રમ પ્રત્યે એક એવી વિચારધારા બની ગઈ છે કે વ્હાઈટ કોલર જોબ જ સારી વસ્તુ છે બાકી બધી બેકાર છે. દુનિયામાં જયારે આપણા બાળકો જાય છે તો શનિવાર, રવિવારે હોટલમાં કામ કરવામાં તેમને સંકોચ નથી થતો, કારણકે ત્યાનું કલ્ચર તેઓ જુએ છે. ભારતના યુવાનના મનમાં પણ શ્રમ માટે પ્રતિષ્ઠા, હાથથી કરવાનું કામ ખરાબ નથી હોતું, તે સંસ્કાર, પરંપરા આપણે કેવી રીતે વિકસિત કરીએ. આપણા આ જે નાના મોટા સંગઠનો કામ કરી રહ્યા છે તેઓ આ બદલાવ લાવી શકે છે, તે દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે. આપણી સંસ્કૃતિક વિરાસત અણમોલ છે. આપણે દુનિયા ઉપર પ્રભાવ ઉત્પન્ન કરી શકીએ, એટલી સાંસ્કૃતિક વિરાસત આપણી પાસે છે. પરંતુ આપણે જે રીતે વિશ્વની સામે તેને લઇ જવી જોઈએ તેટલી લઇ નથી જઈ શક્યા કારણકે આપણે આપણી અંદર એક વિશ્વાસ ગુમાવી દીધો છે. એવો કયો દેશ હોઈ શકે છે જેને પોતાના પૂર્વજો પર, પોતાની જૂની પરંપરાઓ ઉપર, પોતાની સંસ્કૃતિ ઉપર, વિરાસત ઉપર ગર્વ ના હોય. જો આપણને જ ગર્વ નહીં હોય તો આપણે દુનિયાને શું દેખાડીશું. આપણી પાસે જે છે, તેના પ્રત્યે ગર્વનો ભાવ, તે આપણી શિક્ષાનો એક ભાગ બને, આપણી યુવા પ્રવૃત્તિનો એક ભાગ બને અને આપણી સાંસ્કૃતિક વિરાસતને વિશ્વની સામે એક અનોખી વિરાસતના રૂપમાં પ્રસ્તુત કરવાનો આપણો સતત પ્રયાસ હોવો જોઈએ. માત્ર કેટલીક કલા મંડળીઓ, આ તેમનું કામ છે, એવું માનીને જો આપણે ચાલીશું તો નહીં ચાલે. તે સમાજનો એક ભાગ હોવો જોઈએ, જો તેને સમાજનો એક ભાગ બનાવીને આપણે ચાલીએ છીએ તો ચોક્કસપણે તેનું એક અલગ પરિણામ મળે છે અને તે દિશામાં આપણે પ્રયાસ કરવો જોઈએ.

દુનીયાના દેશો પાસે, જો તેમણે પ્રવાસનનો પણ વિકાસ કર્યો છે તો આર્ટીફીશીયલ નિર્માણ માટે તેમણે વ્યવસ્થાઓ વિકસાવવી પડે છે જ્યાં મનોરંજનની સુવિધા હોય, લોકો બહારથી આવે, રહે, ટેકનોલોજીનો ઉપયોગ થાય. આપણે એવા લોકો છીએ કે જેમની પાસે હજારો વર્ષ જૂની વસ્તુઓ ઉપલબ્ધ છે અને દુનિયાનો એક ખૂબ મોટો વર્ગ છે જેને એમાં રસ હોય છે. પરંતુ આ ત્યારે શક્ય બને છે જયારે આપણે આપણી સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે ખૂબ ગૌરવ સાથે દુનિયાનેકહીએ. જેટલા ગૌરવથી આપણે તાજ મહેલની ચર્ચા કરીએ છીએ તેટલા જ ગૌરવથી આપણા અનેક પ્રકારના, અરે આપણું સંગીત જ લઇ લો, આપણા વાદ્યો લઇ લો, આપણા વાદ્યોની પરંપરા લઇ લો, આપણા સંગીતની રાગ રાગિણી લઇ લો, દુનિયાનીઅજાયબી છે. એટલેકે આપણે કઈ રીતે આપણી વિરાસતોને, ખાણી-પીણી, કોઈ કલ્પના કરી શકે છે કે ભારતમાં કેટલા પ્રકારની ખાણી-પીણી છે. આપણે લોકો હિન્દુસ્તાનમાં જન્મ્યા છીએ, જો આપણે દરરોજ એક નવા રાજ્યની નવી ખાવાની રીતથી ખાવાની શરૂઆત કરીએ તો કદાચ આપણું એક જીવન પણ ટૂંકું પડી જશે. એટલી વિવિધતાઓ છે. આ વિવિધતાઓથી દુનિયાને આપણે પરિચિત કરાવી છે. આપણો દેશ એવો નથી કે ભાઈ એક ખૂણામાં પીઝા હટ છે તો 2000 કિમી દૂર બીજા ખૂણામાં પણ એવું જ પીઝા હટ હશે. એક ખૂણામાં જે રીતે પીઝા બને છે તે જ પ્રોસેસથી અહિંયા પણ બનતા હશે. જે સામગ્રી ત્યાં હશે, એ જ સામગ્રી અહિંયા પણ હશે. અહિંયા તો દક્ષિણમાં શરુ કરીએ ચોખા, તો ઉપર જતા જતા તો ચોખા સાવ ખતમ થઇ જાય છે, અને ઘઉં ઉપર આવી જાય છે. આ વિવિધતા છે જે દુનિયાની સામે રાખવાની તાકાત રાખીએ છીએ આપણે. પરંતુ આપણે આ વસ્તુઓ ઉપર ધ્યાન જ નથી આપ્યું કે આપણી પાસે શું છે. દરેક રાજ્યની એક ઓળખ કેમ ના હોય.

જ્યાં સુધી આપણે એક રાજ્યની આપણી એક ઓળખ નહીં બનાવીએ કદાચ રાજ્યોમાં પણ કેટલાક એવા વિસ્તારો હોય છે જેમની ઓળખ ઊભી કરી શકાય એમ છે. હવે તમે લોકો હિમાચલ જશો તો સોલન તરફ જશો તો ત્યાં આગળ બોર્ડ મારેલા હોય છે – સોલન તરફ, આ મશરૂમ સીટી છે. હું જયારે હિમાચલમાં કામ કરતો હતો ત્યારનો મારો અનુભવ છે તો તેમણે તેને એક મશરૂમ સીટીના રૂપે વિખ્યાત કરી દીધું છે. જો તમે સુરત જશો તો સુરતના લોકોએ તેને સિલ્ક સીટીના રૂપમાં વિખ્યાત કરી દીધું છે. આપણે આપણી આવી જે જે વિરાસતો છે તેમની એક ખાસ બ્રાન્ડીંગ ખૂબ કાળજીપૂર્વક પોતાના વિસ્તારોમાં, પોતાના શહેરોનો, આપણે તે દિશામાં જાગૃત પ્રયાસો નથી કરતા. આપ સૌ બેઠા છો ચર્ચાઓ કરશો, બની શકે છે કે તેમાંથી કેટલાક મુદ્દાઓ આમાંથી નીકળીને બહાર આવશે.

આજે વિશ્વમાં પ્રવાસન ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધી રહેલું વ્યવસાયિક ક્ષેત્ર છે. સૌથી વધુ ગતિએ તેનો વિકાસ થઇ રહ્યો છે. દુનિયાનો મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગનો જથ્થો વધી રહ્યો છે. ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગના લોકો પોતાનું ધન બહાર જઈને ખર્ચ કરવા માટે પણ તૈયાર હોય છે. ભારત જેવો દેશ વિશ્વના પ્રવાસનને આપણે આપણા ટાર્ગેટ ગ્રુપના રૂપે વિચારી શકીએ છીએ ખરા? દુનિયાને શું જોઈએ છે, આપણા દેશમાં કયા વિસ્તારમાં શું છે, શું આપણે ક્યારેય વિશ્વના 50 દેશો અને ત્યાંના પ્રવાસીની માનસિકતાની સમીક્ષા કરી છે ખરી? તેમાં યુરોપનો પ્રવાસી હશે તો તેને આ..આ વસ્તુઓ જોવાનો શોખ છે આ..આ પસંદ છે. હિન્દુસ્તાનના આ ખૂણામાં એ વસ્તુઓ છે જે યુરોપના પ્રવાસીને આપણે આકર્ષિત કરવી જોઈએ, આ બન્નેને જોડવા જોઈએ. ના તો આપણે હિન્દુસ્તાનમાં આપણું સામર્થ્ય ક્યાં છે તેનુંઆકલન કરી છે, કે ના તો આપણે દુનિયાના પ્રવાસીઓને શું પસંદ છે તેના પર ધ્યાન આપીએ છીએ, તે આપણે જોયું છે. દુનિયાના દરેક વર્ગની પોતાની એક પસંદ હોય છે, જ્યાં સુધી તે એવા પ્રકારની વસ્તુઓ નથી જોતો. પક્ષી નિરીક્ષકો, કદાચ દુનિયામાં સૌથી વધારે ખર્ચ કરનારા લોકો કોઈ છે તો તે પક્ષી નિરીક્ષકો છે, તેઓ જ્યાં જશે આખો મહિનો તેમનો કેમેરો લઈને પડ્યા રહે છે અને એક એક પક્ષી પાછળ લાગેલા રહે છે, એક એક ચકલીની પાછળ લાગેલા રહે છે. હવે તેઓ ખૂબ પૈસા ખર્ચ કરનારા લોકો હોય છે. આપણી પાસે શું મેપિંગ છે ક્યાંય?

આ પ્રકારના પક્ષીઓ જોવા છે તો આ રાજ્યમાં જાવ, તો આ વિસ્તારમાં આવો, આ ઋતુમાં જાવ. દુનિયામાં પક્ષી નિરીક્ષકોની જે ક્લબ છે તેમને શું ખબર છે કે હિન્દુસ્તાનના આ ખૂણામાં પક્ષી નિરીક્ષકો માટે જગ્યા છે. શું આપણે તેમને બંનેને જોડ્યા છે? અને જો એકવાર ખબર પડી જાય કે ભાઈ ભારતમાં અંદર આ ચારસો જગ્યાઓ એવી છે કે જ્યાં પક્ષી નિરીક્ષકો માટે એક સારું સ્થાન બની શકે તેમ છે તો પક્ષી નિરીક્ષકોને શું શું માળખું જોઈએ? કયા પ્રકારની સુવિધાઓ જોઈએ? આપણે આવા લક્ષિત વિકાસની દિશામાં પ્રયત્નો કરીએ છીએ ખરા?જો આપણે લક્ષિત વિકાસની દિશામાં પ્રયાસ કરીશું તો આપણે ખૂબ ઓછા ખર્ચ વડે વધુ પરિણામ મેળવી શકીએ, એવી વ્યવસ્થા વિકસિત કરી શકીએ છીએ.

તમે જોયું હશે કે જે લોકો હમણાં હમણાં પહોંચ્યા હશે કદાચ તેઓ નહીં જોઈ શક્યા હોય; પણ જે લોકો ગઈકાલે આવ્યા હશે અથવા સવારે પહોંચ્યા હશે તેમણે જોયું હશે, આ રણની અંદર કેટલુ મોટું પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય તેમ છે. આ એક કાર્યશાળા આ વર્કશોપ કચ્છમાં રાખવા પાછળનું એક કારણ એ પણ છે કે આપણે જોઈએ કે એકવાર જો આપણે પ્રયાસ કરીએ તો આપણે કઈ રીતે આપણી વસ્તુઓને લોકો પાસે લઇ જઈ શકીએ છીએ. કચ્છમાં રહેનારા લોકોને પણ ખબર નહોતી કે તેમની પાસે આટલું મોટું સફેદ રણ છે. જયારે આ કચ્છ રણોત્સવ શરુ થયો તો તેઓ પોતાનામાં જ એક બહુ મોટા હાલ 50 સો કરોડ રૂપિયાનો લગભગ આનો કારોબાર એક જિલ્લામાં થઈ જાય છે. હેન્ડીક્રાફટ વેચાઈ જાય છે. તમે જુઓ કે એક વ્યવસ્થા ઊભી કરવાથી દુનિયાના પ્રવાસીઓને કઈ રીતે આકર્ષિત કરી શકાય તેમ છે. આજે આપણે પોતે ત્યાં જોઈ રહ્યા છીએ.

આપણે જોયું કે આપણા પ્રવાસન સ્થળો હોય, પરંતુ તેમાં કઈ ભાષામાં બોર્ડ લાગેલા હશે, આપણી કોઈ વ્યવસ્થા નથી. જો ગોવાની અંદર રશિયન પ્રવાસી વધારે આવે છે, તો ગોવાના વેપારીઓને રશિયન ભાષા શીખવાની ઈચ્છા થાય છે અને તમે ઓયું હશે કે ગોવાના જે નાના નાના વેપારીઓ હોય છે તેઓ રશિયનભાષા તૂટી ફૂટી બોલતા શીખી જાય છે. કેમ? કારણકે મહત્તમ રશિયન પ્રવાસીઓ આવવાના શરુ થઇ ગયા તેમને લાગવા માંડશે કે ભાઈ આપણા માટે આ જરૂરી છે, પણ આપણે પ્રયાસ કરીએ છીએ ખરા? જો કુલ્લુ મનાલીમાં યુરોપિયન પ્રવાસીઓ વધારે આવે છે તો યુરોપની જે ભાષા છે, તેના કોઈ સાઈન બોર્ડ ત્યાં છે ખરા? આ બધું આપણે સાવચેતીપૂર્વક કર્યું નથી. અને એનું પરિણામ એ આવ્યું કે પ્રવાસીઓ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ આપણે નિર્માણ કરી શકતા નથી. અને તેના લીધે આપણને જે લાભ મળવો જોઈએ તે લાભ મળતો નથી.

તમે લોકો કચ્છમાં બેઠા છો, આપ સૌ કચ્છમાં એક સો, બસો, અઢીસો કિલોમીટર તમે જ્યાં છો ત્યાંથી દૂર ધોળાવીરા છે, આ પાંચ હજાર વર્ષ જૂની નગર રચના છે ધોળાવીરા, મોહેંજો દડો કાલખંડનું નિર્માણ છે. જો ત્યાં જવાનો કાર્યક્રમ તમે બનાવ્યો હશે તો તમે જોશો કે પાંચ હજાર વર્ષ પહેલા પણ ત્યાં તે શહેરની અંદર સાઈન બોર્ડ હતા, કે આ બાજુ જવાની જગ્યાઓ આ આ છે, 500 મીટર પછી તે જગ્યા જગ્યા છે, ડાબી બાજુ જશો તો આ, આ બધા ત્યાં સાઈન બોર્ડ છે. તેનો અર્થ એવો થયો કે તે સમયમાં પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં ધોળાવીરામાં બહારથી લોકોની આવન-જાવન ઘણી રહેતી હશે, ત્યારે જઈને ત્યાં સાઈન બોર્ડની જરૂર પડી હશે. અને તે દુનિયામાં સૌથી પ્રથમ સાઈન બોર્ડ વાળી વ્યવસ્થાના રૂપમાં આ ધોળાવીરાને માનવામાં આવે છે. શું આપણે લોકોએ ક્યારેય એવું વિચાર્યું છે કે આપણા પ્રવાસન સ્થળોના સાઈન બોર્ડની સામાન્ય કેટલીક વસ્તુઓ હોઈ શકે છે શું? જેના લીધે બહારથી જે લોકો આવશે તેમને લાગે કે હા ભાઈ આ લખ્યું છે, મતલબ આ થશે. અહિંયા મને આ વસ્તુ મળશે.

આપણે વૈજ્ઞાનિક રીતે આપણા પ્રવાસનને વિકસિત કરવા માટે, મેં નાનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે આપણને ધ્યાનમાં આવશે કે આપણે પ્રવાસનને વિકસિત કરવા માટે અરે આપણું સાહિત્ય કઈ ભાષામાં છે, જો મારા તે પ્રવાસન સ્થળ પર અંગ્રેજી ભાષી લોકો વધુ આવે છે, પરંતુ મારું ત્યાનું સાહિત્ય હિન્દીમાં છે અથવા મારી ત્યાંની સ્થાનિક ભાષામાં છે, તો ખર્ચ કરવા છતાં પણ હું તેનું માર્કેટિંગ નથી કરી શકતો. આપણી વેબસાઈટસ, પ્રવાસન સ્થળો માટે વેબસાઈટ આપણે વિકસિત કરવા માગીએ છીએ, પરંતુ મોટાભાગે આપણી વેબસાઈટ આપણી પોતાની ભાષામાં છે જયારે આપણે એક ગ્લોબલ માર્કેટને જો પકડવું હશે તો આપણે તેમની ભાષામાં આપણી વેબસાઈટ બનાવીએ છીએ ખરા? અને હું નથી માનતો કે તેમાં કોઈ વધારે ખર્ચ કરવાનું આ કામ છે.

એ આપણે લોકો નક્કી કરીએ કે ભાઈ હા, અમારે પ્રવાસનને વધારવું છે તો તમે જોજો થઇ જશે. ક્યારેક ક્યારેક એક મોટી ચિંતાનો વિષય થઇ જાય છે પ્રવાસનમાં કે ભાઈ લોકો કેમ નથી આવતા? તો કહે છે કે માળખું નથી. માળખું કેમ નથી તો લોકો નથી આવતા. આ એક એવું દ્વંદ્વ છે કે જે દ્વંદ્વમાંથી તમારે જાતે જ હિમ્મત કરીને નીકળવું પડશે.

ત્યાં આગળ HRD મંત્રાલયના લોકો પણ બેઠા છે. રાજ્યોની સરકારો શું એ નક્કી કરી શકે છે? માની લો કે પોતાના રાજ્યમાં નક્કી કરે કે ભાઈ આ ધોરણના જે વિદ્યાર્થીઓ હશે તેઓ વર્ષમાં એકવાર તેમને પર્યટન માટે જવાનું છે તો પોતાના ગામની જ અલગ અલગ જગ્યા પર જઈશું. આ ઉંમરે પહોંચ્યા તો પછી તાલુકામાં, આ ધોરણમાં આવ્યા તો જિલ્લામાં જઈશું, તે ધોરણમાં ગયા તો આ રાજ્યમાં જઈશું. આપણે આ રીતનું તેમના માટે કામ નક્કી કરીશું તો તેઓ ધીરે ધીરે તેમને ખબર પડશે કે તેમના ગામમાં શું છે, તાલુકામાં શું છે, જિલ્લામાં શું છે? તે દસમા ધોરણમાં પહોંચશે ત્યાં સુધીમાં તેને બધી ખબર પડી જશે. આપણે એવું નથી કરતા, આપણે ત્યાં તો પાંચમા ધોરણનો વિદ્યાર્થી હશે, પણ શિક્ષકે જો ઉદયપુર નહીં જોયું હોય તો શિક્ષક તેમને ઉદયપુર લઇ જશે. ગામમાં શું છે તેણે નહીં જોયું હોય.

આપણા HRD મંત્રાલય અને આપણા પ્રવાસન મંત્રાલય વચ્ચે આ તાલમેલ હોય. માની લો કે આપણે નક્કી કરીએ કે આપણા રાજ્યમાં 10 જગ્યાઓ એવી હોય જે પ્રવાસન સ્થળ માટે વિકસિત કરી શકાય. બધા મળીને નક્કી કરે. તમને ખબર છે કે તે દસ જગ્યાઓ પર આજે ન તો હોટલ છે નરેસ્ટોરન્ટ છે, ન ખાણી-પીણીની વ્યવસ્થા છે, પણ જગ્યા સારી છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે પહેલા તમારા રાજ્યના જે સંસાધનો છે તેમને ગતિમાન કરો. નક્કી કરો કે ભાઈ આપણી બધી યુનિવર્સીટીઓએ પાંચ વર્ષ સુધી પ્રવાસી તરીકે ક્યાં જવું છે તો પહેલા આ દસ સ્થળો જે રાજ્યે નક્કી કર્યા છે ત્યાં તો જવું જ પડશે, બે રાત રોકાવું પડશે. તે ખર્ચો થશે પ્રવાસી તરીકે, પણ આ રીતે રોકાણ થશે. માની લો કે દરરોજ દસ બસો આવે છે કોલેજના વિદ્યાર્થીઓની, તે ગામના લોકો નક્કી કરશે કે ભાઈ લોકો આવવા લાગ્યા છે; ચાલો, ચણા-મમરા વેચવાની દુકાન કરી લો, ચાલો ભજીયા બનાવવાની દુકાન કરી લો, ચાલો પાણી લોકોને જોઈએ છે તો પાણી લાવવાનું કામ. ધીમે ધીમે, ધીમે ધીમે વિકસિત થઇ જશે. પરંતુ આપણે ક્યારેય આપણા પોતાના સ્થળોને વિકસિત કરવા માટે પહેલા આપણા પ્રવાસીઓને મોકલવા જોઈએ. આ આપણે મોટાભાગે; જો હિન્દુસ્તાનના દરેક રાજ્ય પાંચ સ્થળો નક્કી કરે અને શરૂઆતના બે ત્રણ વર્ષ અને કોઈ આવે કે ના આવે, પોતાના રાજ્યના વિદ્યાર્થીઓને મોકલવાનું શરુ કરી દે. ત્યાં પોતાની જાતે જ એક પ્રકારનો બદલાવ આવવાની શરૂઆત થઇ જશે, પ્રવાસીઓ આવવાની શરૂઆત થઇ જશે.

આ જે કચ્છના રણમાં બેઠા છો, શરૂઆતમાં ગુજરાતના જ લોકો આવતા હતા; વધુમાં વધુ મુંબઈના લોકો આવવાની શરૂઆત થઇ, પણ આજે ઓનલાઈન બુકીંગ એક એક વર્ષ પહેલા થવા લાગ્યું છે. આપણે પહેલા આ પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે ત્યારે જઈને પ્રવાસન સ્થળ માટે જે જરૂરી માળખું હોય છે તે નક્કી થઈ શકે છે પછી ત્યાં માનવ સંસાધન માટે ચિંતા કરવી પડે છે. આપણું દુર્ભાગ્ય છે કે જે આપણા પ્રવાસન સ્થળો છે, અથવા ધાર્મિક સ્થળો છે જ્યાં પ્રવાસીઓ આવે છે, પણ ત્યાં ગાઈડ માટે કૌશલ્ય વિકાસ, માનવ સંસાધન વિકાસનો કોઈ કોર્સ નથી હોતો. તે નગરમાં ગાઈડની રીતે કામ કરવા વાળા યુવાનોને શા માટે તૈયાર કરવામાં ન આવે? તેમની ખાસ તાલીમ કેમ ના હોય? તેમની સ્પર્ધા કેમ ના હોય? તેમના પરીવેશો કેમ તૈયાર કરવામાં ના આવે? તે જ યુનિફોર્મમાં ગાઈડ હોવા જોઈએ, ગાઈડ પાસે આઇડેન્ટિટી કાર્ડ શા માટે ના હોવા જોઈએ, આપણે જ્યાં સુધી પ્રોફેશનલીઝમ નહીં લાવીએ ત્યાં સુધી આપણે પ્રવાસન ક્ષેત્રને વિકસિત નહીં કરી શકીએ.

ભારતમાં બે પ્રકારના પ્રવાસન વિકસિત કરવાનું લક્ષ્ય રાખવું પડશે; એક પરંપરાગત યાત્રી; દરેક દીકરાને હોય છે કે મારા મા-બાપને ક્યારેક ને ક્યારેક તો ગંગા સ્નાન કરાવું; દરેક દીકરાને થાય છે કે મારા મા-બાપને ક્યારેક ને ક્યારેક તો ચાર ધામ યાત્રા કરાવું; દરેક દીકરાને થાય છે કે મારા મા-બાપને ક્યારેક શિવજીના સ્થાનકે લઇ જાઉં; ગણેશજીના સ્થાનકે લઇ જાઉં; તે સ્વાભાવિક રીતે હોય છે; આ જે પરંપરાગત છે તો તે જવાના જ છે, વ્યવસ્થા હશે તો પણ જશે અને મુશ્કેલી હશે તો પણ જશે.

આ સવા સો કરોડ દેશવાસીઓનું આ પણ એક બહુ મોટું માર્કેટ છે. શું ક્યારેય આપણે તેમને સંબોધ્યા છે? અને આપણા સવા સો કરોડ દેશવાસીઓ કે જે સહજ રૂપે યાત્રાના સ્થાને જવા માગે છે ત્યાં જો વૈજ્ઞાનિક રીતે વિચાર કરીને આપણે માળખું તૈયાર કરીએ છીએ, તો તે જ ગ્લોબલ પ્રવાસન માટે પણ એક આકર્ષણનું કારણ બની શકે તેમ છે.
બીજા પ્રવાસીઓ તે છે જે વિદેશથી પણ આવે છે, જે આપણી બીજી વસ્તુઓ પણ જોવા માગે છે. તેમને બીચ પ્રવાસનમાં રસ હશે, તેમને સાહસિક પ્રવાસનમાં પણ રસ હશે, તેમને સ્પોટર્સ પ્રવાસનમાં રસ હશે, તેમને હિમાલયની બર્ફીલી જગ્યાઓ પર જવાની ઈચ્છા હશે, બની શકે કે તેમને તાજ મહેલ કે કુતુબ મીનાર જોવા હશે, તો આ એક અલગ કેટેગરીના લોકો છે. આપણે જ્યાં સુધી આપણા પ્રવાસીઓ માટે શું શું વ્યવસ્થા કરી શકીએ છીએ, તે દિશામાં જો આપણે નથી વિચારતા તો આપણે પ્રવાસનને જોર નહીં આપીએ શકીએ.

તમે સૌ લોકો ત્યાં બેઠેલા છો. એક કાર્યક્રમની ચર્ચા ત્યાં કદાચ થવાની છે, “એક ભારત, શ્રેષ્ઠ ભારત”. HRD મંત્રાલયના અધિકારીઓ ત્યાં બેઠેલા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત, ભારત જેવા દેશને આગળ વધારવા માટે આપણે વધારે જોર આપવાની જરૂર છે. થયું શું કે આપણે લોકોને એવું જ કહ્યું કે ભાઈ કાં તો આ, કાં તો આ. આટલા મોટા દેશમાં કાં તો આ અથવા આ નથી ચાલતું. આપણા દેશમાં કોઈ છોકરો ફ્રેન્ચ ભાષા જાણે છે, તો આપણે છાતી પહોળી કરીને જુઓ આ અમારો પાડોશી છે, તેનો છોકરો ફ્રેન્ચ ભાષા પણ જાણે છે; આપણો કોઈ છોકરો સ્પેનીશ જાણે છે તો આપણે કહીએ છીએ કે જુઓ અમારો છોકરો સ્પેનીશ જાણે છે; પણ આપણે દેશની અંદર આ માહોલ નથી બનાવી શકતા કે હરિયાણાનો છોકરો, તેને પણ તેલુગુ ભાષા બોલતા આવડવી જોઈએ;ગુજરાતનો છોકરો, તેને પણ તો ક્યારેક મલયાલમ શીખવાનું મન થવું જોઈએ, અને તેને મલયાલમ આવડે છે તો તેને ગર્વ થવો જોઈએ.

આપણે દેશની અંદર આપણી જે વિરાસત છે તેના પ્રત્યે ગૌરવ નથી અનુભવી રહ્યા. જે દેશ પાસે 100થી વધુ ભાષાઓ છે, 1700થી વધુ બોલીઓ છે, તે દેશ કેટલો અમીર છે! શું આપણે ક્યારેય આ વિરાસત પ્રત્યે આપણી યુવા પેઢીને જોડવા માટે વિચાર કર્યો છે? આપણે ક્યારેક ક્યારેક દુનિયાના ફલાણા દેશમાં શું છે તેનું તો જ્ઞાન રાખીએ છીએ પણ મારા જ દેશમાં કે મારા જ રાજ્યમાં કયા ખૂણામાં શું છે; તેનું અજ્ઞાન છે. ભારત એટલો વિશાળ દેશ છે, આપણે આપણી આવનારી પેઢીને ભારતથી સારી રીતે પરિચિત કરાવીએ, સારી રીતે જોડીએ અને તેના માટે જ સરદાર પટેલ જયંતીના દિવસે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” આ કાર્યક્રમનો આરંભ કર્યો છે. શરૂઆતમાં બે રાજ્યો એક બીજા સાથે એમઓયુ કરે છે, અને પ્રયાસ કરે છે કે બે રાજ્યો એક બીજા સાથે પોતાના સંબંધોને વિકસિત કેવી રીતે કરે? આપણે વિશ્વના તો કેટલાય રાજ્યો સાથે કરી લઈએ છીએ, વિશ્વના શહેરો સાથે પણ કરી લઈએ છીએ, પણ આપણા જ દેશમાં નથી કરતા. હવે જેમ હરિયાણાએ તેલંગાણા સાથે કર્યું છે. હરિયાણાના નવયુવાનો પ્રવાસી તરીકે આ આખા વર્ષ દરમિયાન તેલંગાણા કેમ ના જાય? તેલંગાણાના નવયુવાનો આ વર્ષ દરમિયાન પ્રવાસી બનીને હરિયાણા કેમ ના જાય? હરિયાણાની પરંપરાગત રમતો, તેલંગાણાની પરંપરાગત રમતો; આ બન્નેની રમતોની સ્પર્ધાના કાર્યક્રમો હરિયાણા અને તેલંગાણામાં એક બીજાને ત્યાં કેમ ના થાય? હરિયાણામાં તેલુગુ ફિલ્મના ફિલ્મ ફેસ્ટીવલ કેમ ના થાય? તેલુગુમાં હરિયાણાના ફિલ્મ ફેસ્ટીવલ કેમ ના થાય? હરિયાણામાં તેલુગુ ભાષાના નાટ્ય મહોત્સવ કેમ ના થાય? સહજ રૂપે હરિયાણાના બાળકોને એક વર્ષમાં 100 તેલુગુ વાક્યો શીખવાડી શકીએ છીએ, બોલચાલના 100 વાક્યો. તેલંગાણાના બાળકોને 100 હરિયાણવી ભાષાના, હિન્દી ભાષાના વાક્યો શીખવાડી શકીએ છીએ.

તમે જોજો, દેશમાં કોઈપણ પ્રયત્ન કર્યા વગર દરેક રાજ્યમાં પ્રત્યેક દસમીઆઠમીપદની વ્યક્તિ કોઈ ને કોઈ રાજ્યની ભાષા બોલી શકતી હશે. કોઈ આવશે તો તેને લાગશે, અચ્છા ભાઈ તમિલનાડુથી આવ્યા છો, આવો, આવો, વણક્ક્મ કહીને શરુ કરશે. તરત શરુ થઇ જાય છે. એટલા માટે મારો આગ્રહ છે કે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” આ કાર્યક્રમ માટે રાજ્યો આગળ આવે. HRD મંત્રાલય હોય, યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય અને પ્રવાસન વિભાગ હોય, આ વિભાગ છે જે ઉદ્દીપક એજન્ટના રૂપમાં ખૂબ મોટું કામ કરી શકે તેમ છે.

તમે, તમે માની લો ક્વીઝ કોમ્પિટિશન, આ દિવસોમાં આપણા વિદેશ વિભાગે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાય માટે એક ક્વીઝ કોમ્પિટિશન શરુ કરી છે. જે બીજી-ત્રીજી પેઢીથી લોકો વિદેશોમાં છે તેમના બાળકોને એટલી તો ખબર છે કે તેમના પૂર્વજો ભારતના છે પણ તેમને એ નથી ખબર કે ભારત શું છે. તો તેમણે એક ક્વીઝ કોમ્પિટિશન શરુ કરી. ગયા વર્ષે પાંચ હજાર (5000) દુનિયાના અલગ અલગ દેશોના બાળકો જે મૂળ ભારતીય પરિવારના છે, પણ તેઓ અહીં જન્મ્યા નથી; તેમણે ક્યારેય ભારત જોયું નથી, આ સ્પર્ધામાં ભાગ લીધો, હિન્દુસ્તાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, અને તેમનો એક ઇનામ આપવાનો કાર્યક્રમ પણ બહુ સારો થઇ ગયો, ગઈ 2જી ઓક્ટોબરે.

આપણા દેશના અલગ અલગ રાજ્યોની ઓનલાઈન ક્વીઝ કોમ્પિટિશન થઇ શકે છે શું? જો ગુજરાતે છત્તીસગઢ સાથે એમઓયુ કર્યા છે, એક ભારત શ્રેષ્ઠ ભારતનો, તો છત્તીસગઢના બાળકો ક્વીઝ કોમ્પિટિશનમાં ગુજરાતના પાંચ હજાર સવાલોના જવાબ આપે, ગુજરાતના બાળકો છત્તીસગઢના પાંચ હજાર સવાલોના જવાબ આપે, કેટલા જિલ્લા છે, કેટલી જાતિઓ છે, કેવી બોલીઓ છે, કેવી ખાણી પીણી છે, કેવો પહેરવેશ છે, કઈ વસ્તુ ક્યાં છે, તમે જુઓ કે કેટલું મોટું સંકલન સરળતાથી થશે, અને જો તે બાળકો આવા દસ રાજ્યોની ક્વીઝ કોમ્પિટિશનમાં ધીમે ધીમે કરીને ભાગ લે છે તો ભારતના વિષયમાં કેટલી માહિતી તેને હશે.

હું ઈચ્છું છું કે બધા રાજ્યો પોતાની એક ક્વીઝ બેંક બનાવે; બે હજાર, પાંચ હજાર, સાત હજાર સવાલો અને જવાબો, બની શકે તો જે સંબંધ હોય તેના ફોટોગ્રાફ્સ; ઓનલાઈન એક પ્લેટફોર્મ તૈયાર કરે અને રાજ્યો સાથે એમઓયુ થાય, તે રાજ્યોના બાળકો વચ્ચે સ્પિચ કોમ્પિટિશન થાય.

આ દિવસોમાં અમે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ પોલીસ વિભાગના લોકોને કહ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડમાં એક રાજ્યની પોલીસ વિભાગના લોકો બીજા રાજ્યના પોલીસ વિભાગમાં જાય. તે રાજ્યના લોકો પરેડ કરતા હશે તેમાં એક બીજા રાજ્યની ટુકડી પણ હશે. આ વસ્તુઓ છે જે આપણને એક બીજાની નજીક લાવે છે. આ સરળતાથી થઈ શકે એવા કામ છે, અને તેની ઉપર આપણે જોર આપી રહ્યા છીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને પણ સફળ કરવાની દિશામાં આપણે લોકોએ પ્રયાસ કરવો જોઈએ, અને ભારત આટલી વિવિધતાઓથી ભરેલો છે, આપણે આપણા જ દેશને આપણામાં સમાવવા માટે એક બીડું ઊઠાવીએ તો પણ એક જિંદગી ટૂંકી પડી જશે એટલો વિશાળ દેશ છે; આટલી વિવીધતાઓથી ભરેલો દેશ છે; અને દરેક નવી વસ્તુ જાણીશું તો આપણને ખુશી થશે.

જેમ મેં એક કામ કહેલું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતમાં, જેમ કે માની લો હરિયાણા છે, તેલંગણા સાથે છે. શું હરિયાણાની દરેક શાળામાં તેલુગુ ભાષાના પાંચ ગીતો મોઢે થઇ શકે છે? પાંચ ગીતો ગાતા આવડી શકે છે? તેલંગણાના લોકોને હરિયાણાના પાંચ ગીતો આવડે છે? અને આ મજા આવશે, તેમને આનંદ આવશે, તેમાં કોઈ એકસ્ટ્રા મહેનત નહીં કરવી પડે. સરળતાથી આપણે દેશની વિવિધતાઓને જાણીએ ઓળખીએઅને તે પ્રવાસનને પણ ખૂબ જોર આપનારૂં છે.

અમારી યુવા શક્તિમાં એક ચૈતન્ય ભરનારું કામ છે. ભારતને જોડીને ભારતને એક નવી ઊંચાઈઓ પર લઇ જવાનો અવસર છે. એક વસ્તુ નાની પણ કેમના હોય, પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે તે આમાં આપણે જોઈ શકીએ છીએ. તો તમે અહિંયા ત્રણ દિવસ ચિંતન મનન કરવાના છો, આટલી દૂરથી તમે આવ્યા છો, હું આશા રાખું છું કે તમે ખાસ કરીને જે મંત્રી પરિષદના લોકો આવ્યા છે, તેઓ જરૂર બેસશે, પોતાના અનુભવનો લાભ બધા જ રાજ્યોને આપશે, પોતાના દ્રષ્ટિબિંદુનો લાભ આપશે, અને સાંજે રણપ્રદેશમાં જયારે જાવ, મારો આ ભૂમિ સાથે શરૂઆતથી લગાવ રહ્યો છે. હું તમને એક સલાહ આપવા માગું છું, આજે સાંજે જયારે રણમાં તમે જાવ જેટલા અંદર સુધી જઈ શકો, સુરક્ષા દળો જ્યાં સુધી પરવાનગી આપે ત્યાં સુધી જજો, પણ બની શકે તો તમારા સાથીઓને છોડીને 25, 50 ડગલા દૂર ક્યાંક જઈને દસ મિનિટ ઊભા રહેજો, એકલા. તે વિરાટ રૂપને જોજો. તે ભૂરા આકાશને જોજો, તે સફેદ ચાદરને જોજો, કદાચ જીવનમાં આવો અનુભવ ખૂબદુર્લભ અને હા દોસ્તો, જો અંદર જ ગપ્પા મારતા રહેશો, તો તે અનુભૂતિ નહીં થાય. 15, 20 મિનિટ માટે જાતે જ બધા લોકો 20, 25 ડગલા દૂર એકલા જઈને ઊભા રહી જાવ, તમે જરૂરથી એક નવો અનુભવ કરશો, અને તે અનુભવને બધાની સામે જરૂરથી કહેશો. આ જગ્યા એવી છે કે જ્યાં આજથી દસ વર્ષ પહેલા જો જવું હોય તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક લગતા હતા રણમાં, આજે તમે કદાચ 50 મિનીટ, 60 મિનીટમાં ત્યાં પહોંચી ગયા હશો.

ભૂકંપ પછી કેટલું પરિવર્તન આવે છે તે તમે જોયું છે. અને આ હિન્દુસ્તાનનું છેલ્લું ગામડું છે જ્યાં તમે બેઠા છો. તેના પછી કોઈ જનસંખ્યા નથી. આ છેલ્લા ગામના છેલ્લા મુકામ પર તમે ભારતના ભવિષ્યનું ચિંતન કરી રહ્યા છો. ભારતના પ્રવાસનને આગળ વધારવા માટે ચિંતન કરી રહ્યા છો. ભારતની યુવા શક્તિને પ્રેરણા આપવા માટે કોઈ ને કોઈ સંકલ્પ કરીને ઊઠવાના છો.

મને વિશ્વાસ છે કે આપ સૌને આ મંથન આવનારા દિવસોમાં નીતિ નિર્ધારણ કરવામાં ખૂબ મોટી સકારાત્મક ભૂમિકા નિભાવશે. મારી આ પ્રસંગે આપ સૌને ખૂબખૂબ શુભેચ્છાઓ છે. તમે બે ત્રણ દિવસ જે ચર્ચા કરવાના છો, તેનેખૂબ ઝીણવટથી હું દરેક વસ્તુને જોવાનો છું, કેમકે મારો આ રસનો વિષય છે.

અને આ ક્ષેત્રમાં ખૂબ સામર્થ્ય છે, આપણે તેને આગળ વધારવાનું છે. તો હું તમે સૌ જે મહેનત કરવાના છો, તેનો પૂરો ફાયદો હું ઊઠાવવા માગું છું, તો મને વધારેમાં વધારે લાભ મળે, એવું કામ તમે જરૂરથી કરજો. દેશને તો લાભ મળે એવું કામ તો તમે કરો જ છો, પરંતુ મારું જ્ઞાનવર્ધન થશે, તમારા આ અનુભવ દ્વારા. તો હું તેની રાહ જોઇશ.

હવે તો ત્રણ દિવસના તમારા વિચાર વિમર્શ બાદ જે મંથનનું અમૃત નીકળશે તે અમૃત માટે હું પણ રાહ જોઉં છું. મારી આપ સૌને ખૂબખૂબ શુભ કામનાઓ છે. હું વિજય રુપાણીજી અને તેમની આખી ટીમને પણ અભિનંદન આપું છું કે તેમણે આના માટે, કેમકે તેમને ત્યાં પ્રવાસનની એટલી ભીડ હોય છે તો વચ્ચેથી આ રીતે કોઈ કોન્ફરન્સ માટે ટેન્ટ વગેરે આપવા એ પણ જરા તેમની માટે આર્થિક રીતે તકલીફ આપનારું કામ હોય છે, પણ આપી રહ્યા છે, પરંતુ તેના કારણે જરૂરથી દેશભરમાંથી લોકો આવ્યા છે તો તેઓ તમારા આ રણોત્સવનો પ્રચાર પણ કરશે. બની શકે છે કે આવનારા દિવસોમાં તેમની તરફથી 50-50 લોકો વધારે આવવાના શરુ થઇ જાય. તો તમારું આ એક રોકાણ જ છે, તો ગુજરાત સરકારને પણ હું અભિનંદન આપું છું. અભિનંદન આપું છું તેમને.

આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays homage to Dr Harekrushna Mahatab on his 125th birth anniversary
November 22, 2024

The Prime Minister Shri Narendra Modi today hailed Dr. Harekrushna Mahatab Ji as a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. Paying homage on his 125th birth anniversary, Shri Modi reiterated the Government’s commitment to fulfilling Dr. Mahtab’s ideals.

Responding to a post on X by the President of India, he wrote:

“Dr. Harekrushna Mahatab Ji was a towering personality who devoted his life to making India free and ensuring a life of dignity and equality for every Indian. His contribution towards Odisha's development is particularly noteworthy. He was also a prolific thinker and intellectual. I pay homage to him on his 125th birth anniversary and reiterate our commitment to fulfilling his ideals.”