મંત્રીમંડળના મારા સહયોગી કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી પી પી ચૌધરી જી, ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ, યુવા અધ્યક્ષ શ્યામ અગ્રવાલજી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ટેકનોલોજીના માધ્યમથી વિવિધ સ્થળો પરથી તમારા ઈન્સ્ટીટ્યૂટમાં બેઠેલા સૌ સાથીઓ,
આજે આઈસીએસઆઈ પોતાના 50માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રસંગે હું આ સંસ્થાની સાથે જોડાયેલા તમામ લોકોને ખુબ ખુબ અભિનંદન આપું છું.
લગભગ 49 વર્ષની યાત્રમાં પણ જે જે લોકોએ યોગદાન આપ્યું છે, તે સૌને પણ અભિનંદન આપું છું. આજે મને ઘણી ખુશી છે એક ખાસ પ્રકારના વિદ્વાનોની વચ્ચે આવ્યો છું, જેઓ એ વાત માટે જવાબદાર છે કે દેશમાં હાજર પ્રત્યેક કંપનીઓ કાયદાનું પાલન કરે, પોતાની ખાતાવહીઓમાં ગરબડ ના કરે, સંપૂર્ણ પારદર્શકતા રાખે.
તમે તમારી જવાબદારી જે રીતે નિભાવી રહ્યા છો તેનાથી જ દેશનું કોર્પોરેટ કલ્ચર કેવું હશે, તે નક્કી થાય છે.
તમારી સંસ્થાનું ધ્યેય વાક્ય પણ છે – “સત્યમ્ વદ્, ધર્મમ્ ચર્” અર્થાત સત્ય બોલો અને નિયમ- કાયદાનું પાલન કરો. તમારી આપેલી સાચી કે ખોટી સલાહ દેશના કોર્પોરેટ શાસનને પ્રભાવિત કરીને જ રહે છે.
સાથીઓ, ઘણી વાર એવું પણ થાય છે કે જયારે શિક્ષા એક આપવામાં આવી હોય પરંતુ તેને ગ્રહણ કરવાવાળાઓનું આચરણ અલગ અલગ રહેતું હોય છે. જેમ કે એક જ શિક્ષા યુધિષ્ઠીરે પણ લીધી હતી, દુર્યોધને પણ લીધી હતી. પરંતુ વર્તાવ બંનેનો અલગ રહ્યો.
મહાભારતમાં દુર્યોધને કહ્યું છે – તમે કહો છો, સત્યમ વદ્, ધર્મં ચર ? દૂર્યોધને કહ્યું –
जानामि धर्मम न च मे प्रवॄत्ति: ।
जानामि अधर्मम न च मे निवॄत्ति: ।
એટલે “એવું નથી કે, “હું ધર્મ અને અધર્મ વિષે નહોતો જાણતો.પરંતુ ધર્મના માર્ગ પર ચાલવું એ મારી પ્રવૃત્તિ ના બની શકી અને અધર્મના માર્ગેથી હું નિવૃત્ત ના થઇ શક્યો””
આવા જ લોકોને તમારી સંસ્થાનો“ ‘सत्यम वद्, धर्मम चर्” નો પાઠ સાચા માર્ગ પર જવાની દિશા બતાવે છે, એની યાદ અપાવે છે. દેશમાં ઈમાનદારીને પારદર્શકતાને સંસ્થાગત બનાવવામાં તમારા સંસ્થાનની ઘણી મોટી ભૂમિકા છે. મિત્રો , આચાર્ય ચાણક્યએ કહ્યું છે :
एकेन शुष्क वृक्षेण दह्यमानने वह्मिना ।
दह्यते तद्वनं सर्वं कुपुत्रेण कुलं यथा।।
અર્થાત જેમ સમગ્ર વનમાં જો કોઈ એક સુકા ઝાડમાં આગ લાગી જય તો આખું વન બળી જય છે. તે જ રીતે પરિવારમાં કોઈ એક પણ જો ખોટું કામ કરે તો આખો પરિવારની માન-મર્યાદા ઈજ્જત, પ્રતિષ્ઠા, બધું જ ધૂળમાં મળી જાય છે.
સાથીઓ, આ વાત સંસ્થા માટે પણ લાગુ પડે છે, દેશ માટે પણ લાગુ પડે છે, અને સો ટકા લાગુ પડે છે. આપણા દેશમાં પણ મુઠ્ઠીભર લોકો એવા છે કે જે દેશ ની પ્રતિષ્ઠાને આપણી ઈમાનદારી સામાજિક સંરચનાને નબળી બનાવવાનું કામ કરે છે. આવા લોકોને સીસ્ટમ અને સંસ્થાઓમાંથી હટાવવા માટે સરકારે પહેલા દિવસથી જ ‘સ્વચ્છતા અભિયાન’ શરુ કર્યું છે. અને આ ‘સ્વચ્છતા અભિયાન’ હેઠળ સરકાર બનતા જ ખાસ તપાસ ટુકડી – સીટ બનાવવામાં આવી, જે સુપ્રમ કોર્ટે કેટલાય વર્ષો પહેલા કહ્યું હતું. અમારી સરકાર બન્યા બાદ પહેલી જ કેબિનેટ માં એ કામ કરી દીધું છે.
વિદેશોમાં જમા થયેલા કાળા નાણા માટે કડક બ્લેક મની એક્ટ બનાવવામાં આવ્યો. અનેક નવા દેશો સાથે ટેક્સ કરારો કરવામાં આવ્યા અને જુના ટેક્સ કરારોમાં પરિવર્તન લાવવામાં આવ્યું, અનેકની સાથે બેસીને નવા રસ્તા શોધ્યા. ઈન્સોલ્વન્સી અને નાદારી કોડ બનાવવામાં આવ્યો. 28 વર્ષથી અટકેલો પડેલો બેનામી સંપત્તિ કાયદો લાગુ કરવામાં આવ્યો, અનેક વર્ષોથી લટકેલો વસ્તુ અને સેવા કર–જીએસટી લાગુ કરવામાં આવ્યો. વિમુદ્રીકરણનો નિર્ણય લેવાની હિમ્મત પણ આ સરકારે જ બતાવી
ભાઈઓ બહેનો, આ સરકારે દેશમાં સંસ્થાગત ઈમાનદારીને મજબુત કરવાનું કાર્ય કર્યું છે. આ સરકારના અથાગ પ્રયત્નોનું જ પરિણામ છે કે આજે દેશની અર્થવ્યવસ્થા ઓછા રોકડ સાથે ચાલી રહી છે. વિમુદ્રીકરણ પછી કેશ ટુ જીડીપી દર હવે 9 ટકાએ આવી ગયો છે,
9 નવેમ્બર, ઈતિહાસમાં ભ્રષ્ટાચાર મુક્તિના અભિયાનનો શુભારંભ દિવસ મનાશે. 8 નવેમ્બર. 8 નવેમ્બર, 2016 પહેલા તે રેશિયો 12 ટકા હતો આજે 9 ટકા છે. જો દેશમાં, દેશની અર્થવ્યવસ્થામાં ઈમાનદારીનો નવો દોર શરૂ ના થયો હોત તો શું આ શક્ય બનત ? અને તમારા કરતા વધારે આને કોણ જાણે છે કે પહેલા જે રીતે સરળતાથી કાળા નાણાની લેવડ દેવડ થતી હતી, હવે એવું કરતા પહેલા લોકો 50 વાર વિચારે છે. અને મારા કરતા તમે વધારે જાણો છો આ વાત ને.
સાથીઓ મહાભારતમાં જ એક અન્ય પાત્ર હતું,; શલ્યનું નામ સાંભળ્યું હશે તમે ? શલ્ય કર્ણના સારથી હતા. બીજી તરફ અર્જુનના સાર્થી કૃષ્ણ હતા આ બાજુ કર્ણના સાર્થી શૈલ્ય હતા. પરંતુ એ શૈલ્ય જે પણ યુદ્ધમાં હતા, તેને તેઓ હતોત્સાહિત કરવાનું કામ કરતા હતા, એની સાથે શું લડશો, તારી પાસે તો કોઈ દમ નથી, અરે તમારા ઘોડામાં દમ નથી, તમારા રથમાં… આવી રીતે જ, બસ એ જ કામ. હવે એ શૈલ્ય માણસ જ નથી, શૈલ્ય વૃત્તિ છે. અને માત્ર મહાભારતના યુગમાં જ નહિં, આજના યુગમાં પણ છે. કંઈ નહીં થાય, કેવી રીતે કરીશું ?
જ્યારે ડોકલામ થયું તો લોકો… નિરાશા થયા, આ તો કંઈ નથી કરી શકતા, આપણા… કેટલાક લોકોને નિરાશા ફેલાવવામાં ઘણો આનંદ આવે છે, ખૂબ આનંદ. તેમને રાત્રે ઘણી સારી ઉંઘ આવે છે. અને આવા લોકો માટે આજકાલ એક ક્વાર્ટરનો ગ્રોથ ઓછો થવો, જેમ કે સૌથી મોટો ખોરાક મળી ગયો. હવે આવા લોકોને ઓળખવાની જરૂર છે. આવા લોકો માટે જ્યારે ડેટા અનુકુળ હોય, તો તેમને સંસ્થા પણ સારી લાગે છે, તે પદ્ધતિ પણ સાચી લાગે છે. પરંતુ જેવો આ ડેટા તેમને પ્રતિકુળ થયો તો તેઓ કહે છે સંસ્થા યોગ્ય નથી, તેની પ્રક્રિયા સારી નથી. કાર્ય કરનારા યોગ્ય નથી, અલગ અલગ આરોપ લગાવે છે. કોઈપણ નિર્ણય પર પહોચતા પહેલા આવા લોકોને ઓળખવા ખુબ જરૂરી છે. એ શૈલ્ય વૃત્તિ જ્યાં સુધી આપણે નહીં જાણીએ, આપણે સત્યના માર્ગને જે વિચારીએ છીએ – સત્યમ વદ્.
સાથીઓ શું તમને લાગે છે કે આવું પ્રથમ વાર બન્યું છે કે દેશમાં જીડીપીનો વિકાસ કોઈ ત્રણ મહિનામાં 5.7 ટકા સુધી પહોંચ્યો છે ? શું આ પહેલી વાર થયું છે શું ? પાછલી સરકારમાં 6 વર્ષમાં 8 વાર એવા અવસર આવ્યા, જયારે વિકાસ દર 5.7 ટકા અથવા તેના કરતા નીચે ગયો હતો. દેશની અર્થવ્યવસ્થાએ એવો પણ સમય જોયો છે કે જયારે વિકાસ દર, ભૂલતા નહીં જૂની વાતોને, જ્યારે વિકાસ દર 0.2 ટકા 1.5 ટકા સુધી નીચે ઉતર્યો. આવી પડતી અર્થવ્યવસ્થા માટે વધુ ખતરનાક હતી કારણકે એ કાળખંડમાં… ખતરનાક કેમ હોય છે, હું જણાવ્યું છું. કે આ વર્ષોમાં જ્યારે ગ્રોથ રેટ એટલો નીચે પણ ગયો હતો, ભારત વધુ ફુગાવો, વધુ ચાલુ ખાતાની ખાધ અને વધુ ઊંચા ફિસ્કલ ડેફીસીટ સામે લડી રહ્યો હતો. આવા સંકટ સમયમાં એ હાલ થયા હતા.
સાથીઓ જો 2014 પહેલાના બે વર્ષ, એટલેકે વર્ષ 2012-13 અને 13-14ને જોઈએ તો આંશિક વૃદ્ધિ 6 ટકાની આસપાસ હતી. હવે કેટલાક લોકોએ એવું કહી શકે કે તમે બે જ વર્ષ કેમ લીધા ? કેમ કે આજકાલ શૈલ્ય વૃત્તિ કંઈ પણ કાર્ય કરી શકે છે.
બે વર્ષનો સંદર્ભ મેં એટલા માટે લીધો કેમકે આ સરકારના ત્રણ વર્ષ અને પાછલી સરકારના છેલ્લા બે વર્ષોમાં જીડીપી ડેટા નક્કી કરવાની આ એક જ રીત રહી છે. સંસ્થાથી, પદ્ધતિથી અને એટલે જ તુલના કરવી સ્વાભાવિક, સરળ હોય છે. જ્યારે સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકસ ઓફીસ – સીએસઓ એ આ સરકાર દરમિયાન જીડીપીમાં 7.4 ટકાની વૃદ્ધિ નો રીપોર્ટ રજુ કર્યો હતો, તો આજ લોકોએ તેને નકારી કાઢ્યો હતો. અને કહ્યું હતું કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં અમને એવું નથી લાગતું. અમારી જે શૈલ્ય વૃત્તિ છે, તેમાં એ બંધ નથી બેસતી.
એ જ સંસ્થા એ સમયે પસંદ નહોતી, પદ્ધતિ પસંદ નહોતી, પરંતુ 5.6 થયો, એક દમ મજા પડી ગઈ. હાં આ સંસ્થા સારી છે. અને આવા લોકો કહે છે કે તેને ફીલ નથી થઈ રહ્યો. અર્થવ્યવસ્થા એટલી ઝડપથી આગળ વધી રહી છે, અમને એ વાત ગળે નથી ઉતરતી.
એટલે આવા કેટલાક લોકોએ એવો પ્રચાર કરવાનો શરુ કર્યો કે જીડીપી નક્કી કરવાની નવી રીતોમાં કંઈક ગરબડ છે. ત્યારે આ લોકો ડેટા ના આધારે નહિ પરંતુ પોતાની લાગણી ના આધારે વાતો કરી રહ્યા હતા અને એટલા માટે તેમને અર્થવ્યવસ્થામાં વિકાસ થતો ના દેખાયો.
સાથીઓ, પરંતુ જેવો પાછલા બે કવાર્ટરમાં વિકાસ દર 6.1 ટકા અને 5.7 ટકા થયો કે તરત જ તેમને શૈલ્ય વૃત્તિને એ ડેટા ઘણા સારા લાગવા લાગ્યા, હાંશ કંઈ અમારા મનનું થયું.
સાથીઓ, હું ના તો કોઈ અર્થશાસ્ત્રી છું અને ના તો મેં ક્યારેય અર્થશાસ્ત્રી હોવાનો દાવો કર્યો છે પરંતુ આજે જયારે અર્થવ્યવસ્થા પર આટલી ચર્ચા થઈ રહી છે તો, હું તમને ફલેશબેકમાં પણ લઇ જવા માંગું છું. એક એ ગાળો હતો જયારે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ભારતને એક નવા જૂથનો ભાગ બનવવામાં આવ્યું હતું. અને એ નવું ગ્રુપ તમને લાગશે કે જી-7 હશે, જી-8 હશે, જી-20, આમાંનું જ કંઈક રખાયું હશે, ના. આ ગ્રુપનું નામ હતું ફ્રેજાઈલ ફાઈવ
આને એવું ખતરનાક જૂથ માનવામાં આવતું હતું જેની પોતાની અર્થવ્યવસ્થા તો એક સમસ્યા હતી જ પરંતુ દુનિયાને લાગી રહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સારી કરવામાં પણ નડતર બની રહી છે. અને એમાં ભારતનું નામ હતું. એટલે આપણું કામ નહીં કરી શકીએ પણ આપણે બીજાનું પણ ખરાબ કરીશું, એટલે જ ફ્રેજાઈલ ફાઈવના ગ્રુપમાં ભારતનું નામ જોડી દેવામાં આવ્યું હતું.
મારા જેવા અર્થશાસ્ત્રના ઓછા જાણકારને હજુ પણ એ સમજણમાં નહોતું આવતું કે તે સમયે મોટા મોટા અર્થશાસ્ત્રીઓની હાજરીમાં આવું કેમ બની ગયું હતું ? તમને ચોક્કસ યાદ હશે કે આપણા દેશમાં તે સમયે જીડીપી ગ્રોથ કરતા ફુગાવામાં વૃદ્ધિની ચર્ચા થતી હતી. ફિસ્કલ ડેફીસીટ અને ચાલુ ખાતા ખાધ પર પ્રમુખ ચર્ચા થતી હતી.
રૂપિયાના મુકાબલે ડોલરની કિંમતમાં વધારો થવાના મુખ્ય સમચારો બનતા હતા. ત્યાં સુધી કે વ્યાજ દરોમાં વધારો પણ બધાની ચર્ચામાં ઉમેરાયેલો મુદ્દો હતો. દેશના વિકાસને વિપરીત દિશામાં લઇ જનારા આ બધા જ માનાંકો ત્યારે કેટલાક લોકોને ગમતા હતા.
હવે જયારે એ જ માનદંડો સુધર્યા છે, વિકાસને સાચી દિશા મળી છે તો આવા અર્થશાસ્ત્રીઓએ પોતાની આંખે પટ્ટીઓ લાગવી દીધી છે. આ પટ્ટીના કારણે તેમને દીવાલ પર સ્પષ્ટ લખાયેલી વસ્તુઓ પણ નથી દેખાઈ રહી. અને હું તમારી સામે રાખવું ઈચ્છું છું. હું એ સ્લાઈડ પણ તમને બતાવી રહ્યો છું –
10 ટકા કરતા વધુ ફુગાવો ઓછો થઈને આ વર્ષે આશરે 2.5 ટકા થઇ ગયો છે. ક્યાં 10 અને ક્યાં 2.5 ? આશરે 4 ટકાની ચાલુ ખાતા પર ખાધ, અંદાજે 1 ટકા ની આસપાસ આવી ગઈ છે. તમે જોઈ શકો છો.
આ બધા જ માનાંકોને સુધારતી વખતે કેન્દ્ર સરકાર પોતાની નાણાકીય ખાધ પાછલી સરકારના સાડા 4.5 ટકાથી ઘટાડીને સાડા 3.5 ટકાએ લઇ આવી છે.
આજે વિદેશી રોકાણકારો ભારતમાં રેકોર્ડ રોકાણ કરી રહ્યા છે. ભારતનું ફોરેન એક્ષ્ચેન્જ રીઝર્વ આશરે 30 હજાર કરોડ ડોલરથી વધીને 40 હજાર કરોડ ડોલર સુધી પહોંચી ગયું છે. 25 ટકા વૃદ્ધિ
અર્થવ્યવસ્થામાં આ સુધાર, આ વિશ્વાસ, આ સફળતાઓ કદાચ તેમની નજરમાં કોઈ મહત્વની નથી. એટલા માટે દેશ માટે અત્યારે એ વિચારવાનો સમય છે કે કેટલાક અર્થશાસ્ત્રીઓ દેશહિત સાધી રહ્યા છે કે કોઈનું રાજનૈતિક હિત.
સાથીઓ, એ વાત સાચી છે કે પાછલા ત્રણ વર્ષોમાં 7.5 ટકાનો અંદાજીત વિકાસ પ્રાપ્ત કર્યા પછી આ વર્ષે એપ્રિલ-જુન ના ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે, અમે એનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે સરકાર આ ટ્રેન્ડને રીવર્સ કરવા અંતે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, ક્ષમતાવાન છે અને અમે નિર્ણયો લેવા માટે તૈયાર છીએ.
અનેક જાણકારોએ એ વાત પર સંમતી વ્યક્ત કરી છે કે દેશની અર્થવ્યવસ્થાની પાયાગત બાબતો મજબુત છે. અમે સુધારાઓ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. દેશની આર્થિક સંતુલીતતાને પણ યથાવત રાખવામાં આવશે. રોકાણ વધારવા અને આર્થિક વિકાસને ગતિ આપવા માટે અમે પ્રત્યેક જરૂરી પગલાઓ ઉપાડતા રહીશું.
હું તમને ખાતરી આપવા માંગું છું કે સરકાર વડે લેવામાં આવેલા પગલા દેશને આવનારા વર્ષોમાં વિકાસની એક નવી લીગમાં રાખવાના છે. આજે પણ, રિઝર્વ બેંકે કહ્યું છે કે આવતા ત્રિમાસિક ગાળામાં જે આકડાંની સંભાવના જણાવી છે, તેમણે વધારીને 7.7 ટકા લઈ જવાશે. જે આજે રિઝર્વ બેંકે પણ અનુમાન લગાવ્યું છે.
વર્તમાનમાં જો આ માળખાગત સુધારાઓને લીધે કોઈ ક્ષેત્રને તાત્કાલિક સહાયતાની જરૂર છે તો સરકાર તેના પ્રત્યે પણ સજાગ છે. તે પછી ભલે એમએસએમઈ ક્ષેત્ર હોય કે નિકાસ ક્ષેત્ર હોય કે પછી આપણી નોન ફોર્મલ અર્થવ્યવસ્થાનો એક ભાગ હોય. અને આજે આ મંચ પર હું મારી એક બીજી વાત ફરી કહેવા માંગું છું કે બદલાઈ રહેલી દેશની આ અર્થવ્યવસ્થામાં હવે ઈમાનદારીને પ્રીમીયમ મળશે, ઈમાનદારોના હિતોની સુરક્ષા કરવામાં આવશે.
મને એ ખબર છે કે મુખ્યધારામાં પાછા ફરી રહેલા કેટલાક વેપારીઓને ભય લાગી રહ્યો છે કે કયાંક તેમના નવા વ્યવસાયો જોઈને જૂનાની કલ્પના કરીને જુના રેકોર્ડ ફંફોસવામાં તો નહીં આવે ને ? હું ફરી એકવાર વિશ્વાસ અપાવું છું કે એવું નહી થવા દેવાય. કેમ કે પહેલા સરકાર, સરકારના નિયમ, લોકોનું આચરણ એવું હતું, એ બધુ કદાચ કરવું પડતું હશે. અને એના કારણે હવે તમને સાચી ધારામાં આવતા રોકવા, આનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે. અને એટલે જ અમારી સરકારનો ઈરાદો છે કે જેટલા ઈમાનદારીની મુખ્યધારામાં આવવા ઈચ્છે છે, તેમના માટે સ્વાગત છે અને જૂની વસ્તુઓને ત્યાં છોડીને આવે. તમે ચિંતા ના કરશો, આગળના માટે અમે તમારી સાથે છીએ.
તેવી જ રીતે આજે હું જીએસટીના સંબંધમાં પણ કહેવા માંગું છું. ત્રણ મહિના થયા. ત્રણ મહિના પછી શું થઈ રહ્યું છે, શું નહીં – દરેક વસ્તુને અમે યોગ્ય રીતે જોઈ છે. જીણવટપૂર્વક વસ્તુઓના ફીડબેક લીધા છે. અને જીએસટી કાઉન્સીલની મિટીંગ માટે મેં એમને કહ્યું હતું કે હવે ત્રણ મહિના થઈ ગયા છે, આપણે પૂરી રીતે તેનો રીવ્યૂ કરીએ, અને જ્યાં જ્યાં મુશ્કેલીઓ છે, વ્યાપારીઓને જે તકલીફ છે, ટેકનોલોજીની તકલીફ છે, ફોર્મ ભરવામાં તકલીફ છે, જે પણ તકલીફ છે – તેનો એકવાર રીવ્યૂ કરી લઈએ અને દરેક રાજનૈતિક પક્ષ, દરેક સરકારે, દરેક રાજ્ય સરકારોમાં કોઈને કોઈ રાજનૈતિક પાર્ટી છે – હળીમળીને શું બદલાવ લાવવાની જરૂરીયાત છે, તેના પર રીવ્યૂ કરી લઈએ. અને દેશા વ્યાપારીઓને હું વિશ્વાસ અપાવવા માગું છું કે અમે લકીરના ફકીર નથી. અને અમે ક્યારેય એ દાવો નથી કર્યો કે બધું જ્ઞાન અમને જ છે. પરંતુ યોગ્ય દિશામાં જવાનો પ્રયાસ છે. જ્યાં ક્યાંય અવરોધ છે, ત્રણ મહિનામાં જે અનુભવ થયા છે, તેના આધાર પર આવશ્યક જે પણ બદલાવ કરવાનો હશે, સુધારો કરવાનો હશે, એના માટે સરકાર તમારી સાથે છે.
સાથીઓ, વર્તમાન આર્થિક સ્થિતિની ચર્ચા કરતા હું કેટલીક જાણકારીઓ તમારી સામે મૂકી રહ્યો છું. આ જાણકારીઓથી શું અર્થ નીકળે છે તેનો નિર્ણય આપ દેશવાસીઓ પર છોડું છું. હું મારા દેશવાસિઓ પર છોડી રહ્યો છું.
સાથીઓ, મને પાક્કો ભરોસો છે કે જયારે તમે તમારી પહેલી ગાડી ખરીદી હશે તો મજબુરીમાં નહિ ખરીદી હોય. હું નથી માનતો કે તમારામાંથી કોઈએ મજબૂરીમાં ખરીદી હોય. ગાડી ખરીદતા પહેલા તમે રસોડાનું બજેટ જોયું હશે, બાળકોના અભ્યાસનો ખર્ચ જોયો હશે, મોટા વૃદ્ધોની દવાનો ખર્ચ જોયો હશે. તેના પછી થોડા પૈસા બચે છે ત્યારે જઈને ઘર કે ગાડી વિષે વિચારીએ છીએ. સીધી સાદી વાત છે ? આ આપણા સમાજનો પ્રાથમિક વિચાર છે કે આવામાં કદાચ જેમાં જૂન મહિના પછી મુસાફર ગાડીઓના વેચાણમાં લગભગ 12 ટકાની વૃદ્ધિ થઇ હોય તો તમે શું કહેશો ?
તમે શું કહેશો જયારે તમને જાણવા મળે કે જુન પછી કોમર્શિયલ ગાડીઓમાં પણ 23 ટકાથી વધારેની વૃદ્ધિ થઇ છે? તમે શું કહેશો જયારે દેશમાં દ્વિચક્રી વાહનોના વેચાણમાં 14 ટકાથી વધારેની વૃદ્ધિ થઇ છે. તમે શું કહેશો જયારે ડોમેસ્ટિક એર ટ્રાફિક એટલે કે વિમાનોથી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં પાછલા બે મહિનામાં 14 ટકાની વૃદ્ધિ થઇ છે. તમે શું કહેશો જયારે આંતરરાષ્ટ્રીય એર ફ્રેઇટ ટ્રાફિક એટલે કે વિમાનો દ્વારા માલ પહોંચાડવામાં આશરે 16 ટકાની વૃદ્ધિ થઇ છે. તમે શું કહેશો જયારે દેશમાં ટેલીફોન ધારકોમાં પણ 14 ટકાથી વધારેની વૃદ્ધિ થઇ છે.
સાથીઓ, આ વૃદ્ધિ સંકેત આપી રહી છે કે લોકો ગાડીઓ ખરીદી રહ્યા છે, ફોનના જોડાણો લઇ રહ્યા છે, હવાઈ મુસાફરી કરી રહ્યા છે. આ સંકેતો શહેરી ક્ષેત્રોમાં માંગની વૃદ્ધિને દર્શાવે છે. હવે જો ગ્રામીણ માંગના સંકેતોને જોઈએ તો હાલના મહિનાઓમાં ટ્રેક્ટરના વેચાણમાં 34 ટકાથી વધારેની વૃદ્ધિ થઇ છે.
એફએમસીજીના ક્ષેત્રમાં પણ માંગ વૃદ્ધિનો ટ્રેન્ડ સપ્ટેમ્બર મહિનામાં વધેલો દેખાય છે. સાથીઓ,
એવું ત્યારે થાય છે જયારે દેશના લોકોનો વિશ્વાસ વધે છે. જયારે દેશના લોકોને લાગે છે કે હા અર્થવ્યવસ્થા મજબુત છે. હમણાં જ રીલીઝ થયેલા પીએમઆઈ એ મેનુફેક્ચરીંગ ઇન્ડેક્સ એક્સપાન્ષન મોડને બતાવી રહ્યા છે. અને ફ્યુચર આઉટ્પુટ ઇન્ડેક્સ તો 60નો આંકડો પાર કરી ચુક્યો છે. તાજેતરમાં આવેલા આંકડાઓને જોઈએ તો કોલસા, વીજળી, સ્ટીલ અને કુદરતી વાયુથી ઉત્પાદનમાં પણ ખાસ્સી એવી વૃદ્ધિ નોંધાઈ છે.
સાથીઓ, પર્સનલ લોનના ડીસબર્સલમાં પણ ઝડપથી વૃદ્ધિ જોવામાં આવી રહી છે. હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા લોનમાં પણ ખાસ્સી વૃદ્ધિ થઇ છે. એટલું જ નહી કેપિટલ માર્કેટમાં હવે મુચ્યુઅલ ફંડ અને વીમામાં પણ વધુ રોકાણ થઇ રહ્યું છે.
કંપનીઓએ આઈપીઓ દ્વારા આ વર્ષે પહેલાના 6 મહિનામાં જ 25 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ફરતી કરી છે. ગયા વર્ષે સમગ્ર વર્ષમાં આ રકમ 29 હજાર કરોડ રૂપિયા હતી. નોન-ફાયનાન્સ એન્ટીટીઝમાં કોર્પોરેટ બોન્ડ અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા માત્ર ચાર મહિનામાં જ 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
આ બધા જ આંકડા દેશમાં ફાયનાન્સિંગનો બ્રોડ બેઝ દર્શાવે છે અર્થાત ભારતમાં હવે ફાયનાન્સિંગ માત્ર બેંકોની લોન સુધી જ સીમિત નથી રહ્યું. આ સરકારે સમય અને સંસાધન બંનેના યોગ્ય ઉપયોગ પર સતત જોર આપ્યું છે. પાછલી સરકારના ત્રણ વર્ષના કામની ગતિ અને અમારી સરકારના ત્રણ વર્ષના કામની ઝડપમાં ફરક સ્પષ્ટ નજરે પડે છે. આ રોડ જોઈ લો, પાછલી સરકારના છેલ્લા ત્રણ વર્ષોમાં ગામડાઓમાં 80 હજાર કિલોમીટરના રસ્તા બન્યા હતા. અમારી સરકારના ત્રણ વર્ષોમાં 1 લાખ 20 હજાર કિલોમીટરના રસ્તા બન્યા છે. એટલે કે 50 ટકાથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. પાછલી સરકારે પોતાના છેલ્લા ત્રણ વર્ષમાં 15 હજાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવાનું કામ કર્યું હતું.
અમારી સરકારે પોતાના ત્રણ વર્ષમાં 34 હજાર કિલોમીટરથી વધારેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવાનું કામ કર્યું છે. આ જ ક્ષેત્રમાં જો રોકાણની વાત કરવામાં આવે તો પાછળની સરકારે પોતાના છેલ્લા ત્રણ વર્ષોમાં જમીન લેવા અને રસ્તાઓના નિર્માણમાં 93 હજાર કરોડની રકમ ખર્ચ કરી હતી. આ સરકારમાં આ રકમ વધીને 1 લાખ 83 હજાર કરોડ રૂપિયાથી વધારે થઇ ગઈ છે. એટલે કે લગભગ બેગણું રોકાણ આ સરકારે કરીને દેખાડ્યું છે.
તમને પણ જાણ હશે કે ધોરીમાર્ગના નિર્માણમાં સરકારનેકેટલા વહીવટી અને નાણાકીય પગલાઓ ઉપાડવા પડે છે. આ આંકડાઓ બતાવે છે કે કઈ રીતે સરકારે પોલીસી પેરાલીસીસમાંથી બહાર નીકળીને પોલીસી મેકર અને પોલીસી ઈમ્પ્લીમેન્ટરની ભૂમિકા નિભાવી છે.
એ જ રીતે રેલ્વે સેક્ટરની વાત કરીએ તો પાછલી સરકારના છેલ્લા ત્રણ વર્ષોમાં લગભગ 1100 કિલોમીટર નવી રેલ લાઈનનું નિર્માણ થયું હતું. આ સરકારના ત્રણ વર્ષોમાં 2100 કિલોમીટરથી વધુ સુધી પહોંચી ગયું છે. એટલે કે અમે લગભગ બમણી ગતિએ નવી રેલ લાઈન પાથરી છે.
પાછલી સરકારના છેલ્લા ત્રણ વર્ષમાં 1300 કિલોમીટર રેલ લાઈનોનું નવીનીકરણ થયું હતું. આ સરકારના ત્રણ વર્ષમાં 2600 કિલોમીટર રેલ લાઈનનું નવીનીકરણ થયું છે. એટલે કે અમે બમણી ગતિએ રેલ્વેનું દોહરીકરણ કરીને પણ દેખાડ્યું છે.
સાથીઓ, પાછલી સરકારના છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 1 લાખ 49 હજાર કરોડનું કેપિટલ એક્સપેન્ડીચર કરવામાં આવ્યું હતું. આ સરકારના ત્રણ વર્ષોમાં લગભગ 2 લાખ 64 હજાર કરોડ રૂપિયાનું કેપિટલ ખર્ચ કરવામાં આવ્યું. એટલે કે તે પણ 75 ટકાથી વધુ છે.
હવે હું નવીનીકરણીય ઉર્જાની વાત કરું – સોલર ઉર્જા, પવન ઉર્જા અને તેના વિકાસની વાત કરું તો, પાછલી સરકારના છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 12 હજાર મેગાવોટની નવીનીકરણીય ઉર્જાની નવી ક્ષમતા જોડવામાં આવી હતી, 12 હજાર મેગાવૉટ. જો આ સરકારનાત્રણ વર્ષોની વાત કરીએ તો 22 હજાર મેગાવોટથી વધુ નવીનીકરણીય ઉર્જાની નવી ક્ષમતાને ગ્રીડ પાવર સાથે જોડવામાં આવી છે. એટલે કે અહિયાં પણ સરકારનું પ્રદર્શન લગભગ બમણું સારું છે. પાછલી સરકારે પોતાના છેલ્લા ત્રણ વર્ષોમાં નવીનીકરણીય ઉર્જા પર 4 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. અમારી સરકારે પોતાના ત્રણ વર્ષોમાં આ ક્ષેત્ર પર 10 હજાર 600 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.
પાછલી સરકારની સરખામણીએ શીપીંગ ઉદ્યોગ માં વિકાસની વાત કરીએ તો પહેલા જ્યાં કાર્ગો હેન્ડલિંગની વૃદ્ધિ નકારાત્મક હતી ત્યાં જ આ સરકારના ત્રણ વર્ષોમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે.
સાથીઓ, દેશના ભૌતિક માળખા સાથે જોડાયેલા રેલ, રસ્તા, વિજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની સાથે સાથે સરકાર સામાજિક માળખાને મજબુત કરવા ઉપર પણ પૂરું ધ્યાન આપી રહી છે.
અમે એફોર્ડેબલ હાઉસિંગના ક્ષેત્રમાં એવા એવા નીતિગત નિર્ણયો લીધા છે, નાણાકીય સુધારા કર્યા છે, જે આ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ છે.
સાથીઓ, પાછલી સરકારે પોતાના પહેલા ત્રણ વર્ષોમાં માત્ર 15 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજુરી આપી હતી, 15 હજાર કરોડ, આ સરકારે પોતાના પહેલા ત્રણ વર્ષમાં 1 લાખ 53 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજુરી આપી છે. આએ પ્રોજેક્ટ છે જે ગરીબોને, મધ્યમ વર્ગને ઘર આપવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
સાથીઓ, દેશમાં થઇ રહેલા આ ચોતરફી વિકાસ કર્યો માટે વધુ મૂડી રોકાણની પણ જરૂર છે. વધુમાં વધુ વિદેશી મૂડી કેવી રીતે ભારતમાં આવે, તેની ઉપર પણ સરકાર જોર આપી રહી છે.
મને આશા છે કે તમારામાંથી કેટલાક ને યાદ હશે કે જયારે દેશમાં વીમા ક્ષેત્રમાં સુધારાની ચર્ચા શરુ થઇ હતી તો છાપાઓની હેડલાઈન બનતી હતી – હું પાછલી સરકારની વાત કરું છું – હેડલાઈન બ નતી હતી કે આવું થયું તો ખૂબ મોટો આર્થિક સુધારા ગણાશે. ઠીક છે પાછલી સરકાર ના કરી શકી. એ સરકાર જતી રહી, પરંતુ વીમા ક્ષેત્રમાં સુધારાઓ થઈ ના શક્યા. સારા કામો છે જે અમારા માટે છોડીને ગયા.
આ સુધારાઓ અમે કર્યા, આ સરકારમાં થયા. અને પહેલા જે માનસિકતા હતી એનાથી ઘણું સારું થયું અને વધુ થયું. પરંતુ એ શૈલ્ય વૃત્તિની સમસ્યા છે તેને આ સુધારા નજરમાં નથી આવતા. જો ક્યારેક હેડલાઈન બનતી હતી કે આવું થશે તો આવું થશે, થયા બાદ શૈલ્ય વૃત્તિ અવરોધક બની ગઈ. કેમકે પસંદ એટલા માટે નથી આવતું કે સુધારા એ ગાળામાં નથી થયા. પરંતુ તેમની પસંદગીની સરકારે ના કર્યા એટલા માટે તેમને આ સુધારાઓ પણ મોટા નથી લાગતા. અને જે લોકો સુધારા-સુધારાના ગીત ગાનારાને હું જણાવવા માંગું છું કે પાછલા ત્રણ વર્ષોમાં 21 ક્ષેત્રોમાં જોડાયેલા 87 નાના મોટા સુધારાઓ કરવાનું કામ આ સરકારે કરીને બતાવ્યું છે. પછી તે બાંધકામ ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, નાણાકીય સેવાઓનું ક્ષેત્ર હોય, પછી ખાદ્યાન્ન પ્રક્રિયા જેવા કેટલાય ક્ષેત્રોમાં રોકાણના નિયમોમાં મોટા પરિવર્તનો આવ્યા છે.
દેશના આથિક ક્ષેત્રને ખોલ્યા બાદથી શરુ કરીને અત્યાર સુધીમાં જેટલું વિદેશી રોકાણ ભારતમાં થયું છે તેની સરખામણી જો પાછલા ત્રણ વર્ષોમાં થયેલા રોકાણ સાથે કરવામાં આવે તો તમને ખબર પડશે કે અમારી સરકારે જે સુધારાઓ કરી રહી છે તેનું પરિણામ શું મળી રહ્યું છે.
આ જે હું આંકડા બતાવવાનો છું – તમે આ ક્ષેત્રના છો, તમે આજ ક્ષેત્રમાં ડૂબેલા લોકો છો. પરંતુ હવે હું જે આંકડા આપી રહ્યો છું, હું ચોક્કસ કહું છું, તમે ચોંકી જશો. 1992 પછી ઉદારીકરણના કાળખંડની શરૂઆત થઈ. કદાચ હું એને જ આધાર માની લઉં તો શું સ્થિતિ છે તેનો હિસાબ જુઓ – ઉદારી કરણથી લઈને 2014 થી 2017 સુધી શું થયુ છે – બાંધકામ ક્ષેત્રમાં અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 75 ટકા પાછલા ત્રણ વર્ષોમાં થયું છે.
એર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં પણ અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 69 ટકા પાછલા ત્રણ વર્ષોમાં જ થયું છે.
ખાણ ક્ષેત્રમાં અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 56 ટકા પાછલા ત્રણ વર્ષોમાં થયું છે.
કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં પણ અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 53 ટકા પાછલા ત્રણ વર્ષોમાં થયું છે.
ઈલેક્ટ્રિકલ સાધનોમાં પણ અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 52 ટકા આ જ સરકારના ત્રણ વર્ષોમાં થયું છે.
નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં પણ અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 49 ટકા આ જ સરકારના ત્રણ વર્ષોમાં થયું છે.
ટેક્ષટાઇલ ક્ષેત્રમાં અત્યાર સુધીના કુલ વિદેશી મૂડી રોકાણના 45 ટકા પાછલા ત્રણ વર્ષોમાં થયું છે.
અને એક આશ્ચર્યની વાત જણાવું છું. 1980 થી આપણા ત્યાં ઓટો-મોબાઈલ ક્ષેત્રમાં ઉદારીકરણની ચર્ચા થઈ હતી, 80 થી. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી, જેમાં પહેલાથી જ ખાસ્સું વિદેશી મૂડી રોકાણ થઈ ગયું છે તે પણ આ ક્ષેત્રમાં, તમને સાંભળીને આશ્ચર્ય થશે, આ સેક્ટરમાં કુલ વિદેશી મૂડી રોકાણના 44 ટકા પાછલા ત્રણ વર્ષમાં થયું છે.
ભારતમાં એફડીઆઈ ઇન્ફ્લોનું વધવું એ વાતની સાબિતી છે કે વિદેશી રોકાણકારો દેશની અર્થવ્યવસ્થા પર કેટલો ભરોસો કરી રહ્યા છે. એક સરકારે વિશ્વાસ ઉભો કર્યો છે. તેનું આ પરિણામ છે. નીતિઓના કારણે વિશ્વાસ ઉભો થયો છે. નીતી અને રીતીના કારણે ઉભો થયો છે. અને એનાથી પણ ઉપર અમારી નીયતના કારણે ઉભો થયો છે.
આ બધા રોકાણો દેશના વિકાસ માટેની ગતિને ઝડપી કરવા અને રોજગારી નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. આટલા રોડ વધારવા, આટલી રેલ વધારવી, આટલો આ વિકાસ થયો, શું રોજગારી ઉભી નથી થતી. એમ જ થઈ ગયું છે શું ? પરંતુ હવે શૈલ્ય વૃત્તિ ચાલી રહી છે.
સાથીઓ, મહેનતથી કમાયેલા તમારા એક એક પૈસાની કિંમત આ સરકાર સમજે છે. એટલા માટે સરકારની નીતિઓ અને યોજનાઓમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે તે ગરીબો અને મધ્યમ વર્ગની જિંદગી તો સરળ બનાવે જ પરંતુ તેમના પૈસાની પણ બચત કરાવે.
સાથીઓ, આ સરકારના સતત પ્રયાસનું જ પરિણામ છે કે પાછલી સરકારના સમયમાં, હવે એ ભેદ જુઓ એક જ મધ્યમ વર્ગીય પરિવાર, નિમ્ન – વર્ગીય પરીવાર પૈસા કેટલા બચી રહ્યા છે.
પાછળી સરકારના સમયમાં જે એલઈડી બલ્બ હતા તેની કિંમત 350 રૂપિયા હતી, હવે તેની કિંમત સરકારે ‘ઉજાલા સ્કીમ’નું મોટું અભિયાન ચલાવી, 350 ના એલઈડી બલ્બ 40 થી 45 રૂપિયા સુધી લઈ આવી. હવે મને જણાવો કે એલઈડી બલ્બ ખરીદનારા મધ્યમ વર્ગીય, નિમ્ન – મધ્યમ વર્ગીય, તેમના ખીસ્સામાં પૈસા બચ્યા કે નહીં ? તેમને મદદ થઈ કે નહીં ? અને હવે સમજાયું કે નહીં એ સમયે 350 કેમ હતા ? હવે એ શોધનો વિષય છે.
સાથીઓ, અત્યાર સુધીમાં દેશમાં 26 કરોડથી વધુ એલઈડી બલ્બ વહેંચવામાં આવ્યા છે. જો એક બલ્બની કિમતમાં અંદાજીત 250 રૂપિયાનો પણ ઘટાડો માનીએ તો દેશના માધ્યમ વર્ગને તેનાથી લગભગ સાડા 6 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે. આ નાનો આંકડો નથી.
એટલું જ નહી, આ બલ્બ દરેક ઘરમાં વીજળીની જરૂરિયાત ઓછી કરી રહ્યા છે, વીજળીના બીલ ઓછા કરી રહ્યા છે. આનાથી દેશના મધ્યમ વર્ગમાં માત્ર એક વર્ષમાં, આ એલઈડી બલ્બ લગાવનારા પરિવારોમાં એક વર્ષમાં દેશમાં લગભગ 14 હજાર કરોડ રૂપિયા થી વધુ આંશિક રકમની બચત થઈ છે, જી હા 14 હજાર કરોડ. પહેલા મેં જણાવ્યું એલઈડી બલ્બ ખરીદીમાં 6 હજાર, વિજળી બચતમાં 14 હજાર કરોડ. 20 હજાર કરોડ રૂપિયા લગબગ બચ્યા. આ એક મધ્યમ વર્ગીય પરિવારમાં કેટલીક શક્તિ આપે છે.
સરકારના પ્રયત્નોના કારણે હવે જ્યાં જ્યાં સ્થાનિક સંસ્થાઓ છે, પોતાની શેરીની લાઈટોમાં, સ્થાનીક સંસ્થાઓની શેરી લાઈટો છે, તેમાં પણ એલઈડી બલ્બ લગાવી રહી છે. ઘણાં શહેરોએ લગાવ્યા છે, એ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને પણ આર્થિક ફાયદો થઈ રહ્યો છે. કદાચ આપણે ટાયર-2 શહેરોને જોઈએ, જેનો હું એક અંદાજ કહું તો, લગભગ વર્ષમાં તેમની વિજળીનું બિલ 10 થી 15 કરોડ રૂપિયા ઓછું થયું છે. 10-15 કરોડ રૂપિયા એક નગરપાલિકાનો ખર્ચ ઓછો થવો એટલે, એ નગરની અંદર સુવિધાઓ વધારવા માટે તેમની પાસે આર્થિક વ્યવસ્થા ઉભી થઈ.
સરકારે મધ્યમ વર્ગને ઘર બનાવવા માટે પહેલી વખત – આપણા દેશમાં મધ્યમ વર્ગને ઘર બનાવવામાં વ્યાજ દરમાં ક્યારેય રાહત અપાઈ નહોતી. પહેલી વખત આ સરકારે મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા માટે પહેલી વાર વ્યાજ દરોમાં પણ રાહત આપવાનો નિર્ણય લીધો છે. મધ્યમ વર્ગનો ભાર ઓછો કરવા, નિમ્ન મધ્યમ વર્ગને તક આપવા, અને ગરીબોનું સશક્તિકરણ કરવા માટે આ સરકારે સતત નક્કર પગલા ભરી રહી છે. નીતિઓ બનાવતી રહી છે અને તેને સમયબદ્ધ રીતે લાગુ પણ કરે છે. અને આ હેતુને પૂર્ણ કરવા માટે અમે દરેક પગલા લઈએ છીએ.
હું જાણું છું, રાજનીતિનો સ્વભાવ હું સારી રીતે જાણું છું, સમજું પણ છું કે રેવડી વેચવાને બદલે – ચૂંટણી આવતા રેવડી વહેંચે છે. પરંતુ શું રેવડી વેચવાની જગ્યાએ દેશને મજબૂત કરવા માટે કોઈ બીજો માર્ગ ના હોઈ શકે ? શું માત્ર સત્તા અને વોટની જ ચિંતા કરશે ? અમે એ માર્ગ પસંદ કર્યો છે, મુશ્કેલ છે, પરંતુ એ માર્ગ પસંદ કર્યો અને તેમાં અમે લોકોનું સશક્તિકરણ અમે કરીને રહીશું.
અને એના કારણે મારી ટીકા પણ થતી હોય છે, પરંતુ રેવડી વહેંચો તો જય જયકાર કરનારા ઘણાં લોકો થઈ જાય છે. મારી ટીકા પણ થાય છે. ઘણી ટીકા થાય, હિતધારક તત્વોને ઘણી તકલીફ થાય છે. પરંતુ હું સીધા લાભ હસ્તાંતરણ થી પૈસા મોકલું છું, તો ઘણાં ભૂતિયા લોકો ફાયદો ઉઠાવતા હતા તેમના નામ હવે ઘટી ગયા છે.
ત્યારે તેઓ મોદીને પસંદ કેવી રીતે કરેશે ? અને એટલે જ સમાન્ય માન્વીને સશક્ત કરવો છે, દેશના સામાન્ય નાગરિકને સશક્ત કરવો, તેના પર ભાર આપવો છે. અને હું એક વાત દેશવાસીઓની સામે નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે પોતાના વર્તમાનની ચિંતામાં, હું દેશના ભવિષ્યને દાવ પર નહીં લગાવી શકું.
સાથીઓ, આ સરકારે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની સાથે અંગત ક્ષેત્ર પર પણ ભાર મુક્યો છે. નહીંતર આપણા દેશમાં બે જ ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર એની જ ચર્ચા થઈ રહી હતી. ખાનગી ક્ષેત્ર કે જે લોકોની અંગત મહત્વકાંક્ષાઓ સાથે જોડાયેલું છે. એટલા માટે આ સરકાર એવા નવયુવાનોને બધી જ શક્ય મદદ આપી રહી છે કે જેઓ પોતાના જોરે કંઈક કરવા માંગે છે, પોતાના સપના પુરા કરવા માંગે છે.
મુદ્રા યોજના હેઠળ બેંક ખાતરી વગર 9 કરોડ થી વધુ ખાતા ધારકોને પોણા ચાર લાખ કરોડ રૂપિયા થી વધુ ધિરાણ અપાયું છે. તમે કલ્પના કરી શકો છો કોઈપણ બાંહેધરી વગર. 9 કરોડ લોકોને પોણાચાર કરોડ રૂપિયા અ આ 9 કરોડમાં થી 2 કરોડ 63 લાખ નવયુવાનો એવા છે કે જે પ્રથમ વારના છે અર્થાત જેમણે પેહલી વાર પોતાનો વ્યવસાય કરવા માટે મુદ્રા યોજના હેઠળ ધિરાણ મેળવ્યું છે.
સરકાર સ્કીલ ઇન્ડિયા મિશન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી યોજનાઓના માધ્યમથી પણ સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહી છે. વધુમાં વધુ લોકોને ફોર્મલ ક્ષેત્રમાં લાવવા માટે કંપનીઓ આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, ફોર્મલ ક્ષેત્રમાં રોજગારીના કેટલાક સંકેતોને જોઈએ તો માર્ચ 2014ના અંતમાં આવા 3 કરોડ 26 લાખ કર્મચારીઓ હતા કે જેઓ સક્રિય રૂપે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાં દર મહીને પીએફના પૈસા જમા કરાવતા હતા. આ આંકડા યાદ રાખજો. પાછલા ત્રણ વર્ષોમાં આ સંખ્યા વધીને 4 કરોડ 80 લાખ સુધી પહોંચી ગઈ છે. કેટલાક લોકો અહિયાં પણ એ ભૂલી જય છે કે રોજગાર વિના આ સંખ્યા વધી શકે નહી.
સાથીઓ, અમે બધી જ યોજનોને એ દિશામાં લઇ જઈ રહ્યા છીએ કે જે ગરીબ નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગની જિંદગીમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવે.
જનધન યોજના હેઠળ અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ ગરીબોના બેંક ખાતા ખોલી દેવામાં આવ્યા છે, ઉજ્જવલા યોજના હેઠળ 3 કરોડથી વધુ મહિલાઓને મફતમાં ગેસના જોડાણો આપી દેવામાં આવ્યા છે,
આશરે 15 કરોડ ગરીબોને સરકારની વીમા યોજનાઓની મર્યાદામાં લાવવામાં આવ્યા છે. કેટલાક દિવસો પેહલા જ બધા જ ગરીબોને વીજળીના જોડાણો આપવા માટે સૌભાગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
આ સરકારની આવી યોજનાઓ ગરીબોને સશક્ત કરી રહી છે. પરંતુ તેમને સૌથી વધુ નુકસાન જો કોઈ વસ્તુ થી થાય છે તો તે છે ભ્રષ્ટાચાર, તે છે કાળું નાણું. ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર રોક લગાવવા માટે તમારા સંસ્થાન અને દેશના કંપની સેક્રેટરીની ભૂમિકા બહુ મોટી છે.
નોટબંધી પછી જે ત્રણ લાખ સંદિગ્ધ કંપનીઓ વિષે જાણવા મળ્યું હતું જેમના માધ્યમથી કાળા નાણાની લેવડ દેવડ થયાની આશંકા છે તેમાંથી 2 લાખ 10 હજાર કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. આપણા દેશમાં એક કંપની પણ જો બંધ કરો તો કાળા ઝંડાનું સરઘસ નિકાળે છે. 2 લાખ 10 હજારની છે, કોઈ સમાચાર જ નથી આવતા. ન તો કોઈ મોદીનું પુતળુ બાળતા, એટલે કેટલી જુઠ્ઠી દૂનિયા ચાલી હશે, તમે કલ્પના કરી શકો છો ?
મને આશા છે કે શેલ કંપનીઓની વિરુદ્ધ આ સફાઈ અભિયાન પછી ડાયરેક્ટરોમાં પણ જાગૃતતા વધશે અને તેની અસરથી કંપનીઓમાં પારદર્શકતા પણ આવશે. અને તમે પણ એ ભૂમિકાને સારી રીતે નિભાવશો.
સાથીઓ, દેશના ઈતિહાસમાં આ સમયગાળો ઘણા મોટા પરિવર્તનનો છે, ઘણા મોટા બદલાવનો છે.
દેશમાં ઈમાનદાર અને પારદર્શકશાસનનું મહત્વ સમજમાં આવી રહ્યું છે. કોર્પોરેટ ગવર્નન્સ ફ્રેમવર્ક નક્કી કરતી વખતે આઈસીએસઆઈ ભલામણોની ખાસ્સી હકારાત્મક ભૂમિકા રહી હતી. હવે સમયની માંગ છે કે તમે એક નવું બિઝનેસ કલ્ચર ઉભું કરવામાં પણ સક્રિય ભૂમિકા નિભાવો.
જીએસટી લાગુ થયા બાદ અપ્રત્યક્ષ કરની મર્યાદામાં લગભગ 19 લાખ નવા નાગરિકો આવ્યા છે. નાના વેપારીઓ હોય કે મોટા, જીએસટીમાં સમાયેલ ઈમાનદાર વ્યવસ્થાને અપનાવે, તેની માટે વેપારી વર્ગને પ્રેરિત કરતા રહેવું એ મારી આપ સૌની પાસે અપેક્ષા છે.
તમારા સંસ્થાન સાથે લાખો વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને સૌ કોઈ છેલ્લે સુધી પહોંચતા નથી. તો તેમના માટે પણ કામ શોધવું જોઈએ ને ? જે વચ્ચે લટકી જાય છે, તેમના માટે હું કામ લઈને આવ્યો છું. શું તમારું સંસ્થાન આ બીડું ઉપાડી શકે છે, ઓછોમાં ઓછા એક લાખ નવયુવાનોને જીએસટી સાથે જોડાયેલી જાણકારીઓની તાલીમ આપવી.
અઠવાડિયા દસ દિવસની તાલીમ બાદ આ વિદ્યાર્થીઓ પોત પોતાના વિસ્તારોમાં નાના દુકાનદારોને મદદ કરી શકે છે, તેમને જીએસટી નેટવર્ક સાથે જોડવા અને રીટર્ન ફાઈલ કરવામાં મદદ કરી શકે છે, તેમને જીએસટી નેટવર્ક સાથે જોડવામાં કામ કરી શકે છે, રિટર્ન ફાઈલ કરવામાં કામ કરી શકે છે, મદદ કરી શકે છે. તેમનું એક નવા રોજગારનું ક્ષેત્ર ખુલી શકે છે. અને ઘણી સરળતાથી તેમની કમાણી પોતાના વિસ્તારમાં શરૂ થઈ જશે. અને જો ઓર્ગેનાઈઝ વેમાં તમે આ કામ ઉઠાવો છો, તો જુઓ કદાચ એક લાખ પણ ઓછા પડશે.
સાથીઓ, 2022માં દેશ આઝાદીના 75 વર્ષ ઉજવશે અને આપણા દિલમાં એક સપનું હોવું જોઈ કે જે મહાપુરુષોએ દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે, મૃત્યુને ગળે લગાવ્યું, જીવન જેલમાં વિતાવ્યું, આજીવન સંઘર્ષ કરતા રહ્યાં, માઁ ભારતી માટે અનેક સપના જોયા હતા. 2022માં એ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થી રહ્યા છે.
દરેક હિન્દુસ્તાની માટે 2022નું આવું સપનું હોવું જોઈએ 1942માં ‘હિંદ છોડો ચળવળ’ના સમયે દેશવાસિઓની અંદર જુવાળ આવ્યો હતો કે હવે તો અંગ્રેજોનો નિકાલ કરીને જ રહીશું. આપાણે પણ 2022, 75 વર્ષ માટે આવા કંઈક સપનાઓ લઈને ચાલીએ.
શું આપની સંસ્થા, કદાચ હું તેમની પાસેથી વચનો લેવા માંગું છું. હું નથી ઈચ્છતો હું આજથી જ મને હાં કહી દો. પરંતુ તમે વિચારો, શું તમે 2022 સુધી કેટલાક સંકલ્પો લઈ શકો છો શું ? એ વચનોમાં તમારા સંકલ્પ હશે અને એ સંકલ્પોને તમારે જ સિદ્ધ કરવા પડશે. શું તમે 2022 સુધીમાં દેશને એક હાઈ ટેક્સ કંપલાયન્ટ સમાજ બનાવવાનું બીડું ઉઠાવી શકો છો?
શું તમે એ બાબતની ખાતરી આપી શકો છો કે 2022 સુધીમાં દેશમાં એક પણ બનાવટી કંપની નહી રહે? શું તમે એ બાબતની ખાતરી આપી શકો છો કે 2022 સુધીમાં દેશમાં દરેક કંપની ઈમાનદારીથી ટેક્સ ભરશે? તાળીયો ઓછી થઈ ગઈ, એ મુશ્કેલ કામ હતું. શું તમે તમારી મદદની સીમા વધારીને 2022 સુધીમાં દેશમાં એક ઈમાનદાર બિઝનેસ કલ્ચર સ્થાપિત કરી શકો છો?
હું આશા રાખું છું કે તમારા 49 વર્ષની યાત્રા તમે પૂર્ણ કરી છે. સ્વર્ણ જયંતી વર્ષની શરૂઆત છે. આઈસીએસઆઈ આ લક્ષ્યોની પ્રાપ્તિ માટે અલગથી કૈક દિશા નિર્દેશ નક્કી કરશે અને તેમને પોતાની કાર્ય સંસ્કૃતિમાં પણ સામેલ કરશે.
હું તમને આ સ્વર્ણ જયંતી વર્ષ માટે અનેક-અનેક શુભકામનાઓ આપું છું. અને હું દેશવાસીઓને પણ વિશ્વાસ અપાવું છું કે, પાછલા કેટલાક દિવસોમાં આર્થિક વિષયો પર અમારી જે ટીકા થઈ છે, તે ટીકાઓને અમે ખરાબ નથી માનતા. અમે એક સંવેદનશીલ સરકાર છીએ. અમે કઠોર થી કઠોર ટીકાને પણ હૃદયથી સ્વીકારીએ છીએ અને ઉચિત સમય પર, સંવેદનાપૂર્ણ રીતે એ ટીકાઓ પર પણ ગંભીરતાથી વિચાર કરીને પૂરી નમ્રતાની સાથે દેશની અર્થવ્યવસ્થાને આજે આખા વિશ્વને ભારતની તરફ જે અપેક્ષાઓ છે, સવા સો કરોડ દેશવાસીઓ જે અપેક્ષા રાખી રહ્યા છે, તેને રીધમ થી, એજ ઝડપથી, એજ વ્યાપ થી ચલાવીને રહીશું. એ હું મારા ટીકાકારોને પણ વિશ્વાસ આપું છું. નમ્રતાપૂર્વક વિશ્વાસ આપું છું. ટીકાકારોની દરેક વાત ખોટી હોય છે, એવું અમે માનનારાઓમાંના નથી. પરંતુ દેશમાં નિરાશાનું વાતાવરણ ઉભું કરવામાંથી બચવું જોઈએ,
દેશમાં જે એક પેરામીટર મેં દેખાડ્યું, એવું કોઈ પેરામીટર છે જે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂતીને સાબિત આપે, સરકારની નિર્ણય શક્તિની સાબિતી આપે. સરકારની દિશા અને ગતિની સાબિતી આપે અને દેશ અને દુનિયામાં ભારત પ્ર્તયે જે વિશ્વાસ વધ્યો છે, તેની શક્તિ આપમેળે દેખાય છે.
એની આપણે અવગણના ન કરીએ અને આપણે નવા ભારતના નિર્માણ માટે નવા ઉથ્સાહ, નવા વિશ્વાસ નવા ઉમંગ, નવી સંસ્કૃતિ લઈને ચાલી નીકળીએ. હું પણ તમારી લોકોને સ્વર્ણ જયંતી માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપતા, તમારા ક્ષેત્રના હોવાના કારણે મારી પણ ઈચ્છા થઈ આજ વિષયો પર આજે તમારી સાથે ચર્ચા કરું અને આ વાતોને તમારા માધ્યમ થી દેશવાસીઓ સુધી પહોંચાડું.
એવા જ એક વિશ્વાસની સાથે ફરી એકવાર ખુબ ખુબ અભિનંદન.