મંચ પર બિરાજમાન તમામ મહાનુભવો અને બનાસકાંઠાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
તમને લાગતું હશે કે આપણા નરેન્દ્ર ભાઈ હિન્દીમાં કેમ બોલે છે,
અરે દેશને પણ તો ખબર પડવી જોઈએ ને કે બનાસકાંઠાનો ખેડૂત કેવું કામ કરે છે. મરુભૂમિમાં પણ જીવ રેડવાની તાકાત પણ જો હોય તો તે બનાસકાંઠાના ખેડૂતમાં છે, ઉત્તર ગુજરાતના ખેડૂતમાં છે. જે પોતાનો પરસેવો પાડીને જમીનમાં જીવ રેડી દે છે. અને એટલા માટે જ દેશને ખબર પડે કે આ બનાસકાંઠા જિલ્લો, પાકિસ્તાનની સીમા પર, પાણી વગર; વરસાદ વગર; રણપ્રદેશ જેવી જિંદગી જીવતો માણસ પોતાના પરાક્રમથી, પુરુષાર્થથી પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ આ જિલ્લાના નાગરિકો છે, તેમનો પુરુષાર્થ છે, અને તેમની સફળતાઓ છે.
ભાઈઓ અને બહેનો મને જણાવવામાં આવ્યું છે કે ૨૫-૨૭ વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીનું બનાસકાંઠા જિલ્લામાં આવવાનું થયું છે. ભાઈઓ અને બહેનો હું તમારી વચ્ચે પ્રધાનમંત્રીના રૂપમાં નહીં, આ ધરતીના સંતાનના રૂપમાં આવ્યો છું. આ માટીએ મને મોટો કર્યો છે. અને આજે હું ખાસ કરીને આવ્યો છું, શ્રદ્ધેય ગલબાભાઈને. તેમની તપસ્યાને નમન કરવા આવ્યો છું. લાખો પશુઓ તરફથી, લાખો પરિવારો તરફથી, બનાસકાંઠાની બંજર ભૂમિ તરફથી હું આજે ગલબાભાઈની શતાબ્દીના સમારોહની શરૂઆતમાં તેમને શત શત નમન કરું છું; આ સૌ તરફથી નમન કરું છું.
તમે કલ્પના કરો, આજથી ૫૦ વર્ષ પહેલા જયારે ગલબાભાઈની ઉંમર ૫૦ વર્ષ હતી, આઠ નાની નાની દૂધ મંડળીઓ; તેનાથી શરુઆત કરી અને આજે ખેડૂતોના સહયોગથી, પુરુષાર્થથી, પરિશ્રમથી અને તેમાં પણ બનાસકાંઠાના, ઉત્તર ગુજરાતની મારી માતાઓ, બહેનોના પુરુષાર્થના લીધે, જેમણે પશુપાલનને પરિવારની સેવાનો હિસ્સો બનાવી દીધો; તેમણે શ્વેતક્રાંતિ લાવી દીધી. આજે બનાસ ડેરીની પણ સુવર્ણ જયંતીનો અવસર છે. એવો સુયોગ છે કે એક તરફ આ મહાન આંદોલનના જનક, શ્વેત ક્રાંતિના જનક ગલબાભાઈની શતાબ્દી અને બીજી તરફ તેમના જ હાથે વાવવામાં આવેલો છોડ; આઠ મંડળીથી શરુ થયો આ છોડ, આજે બનાસ ડેરીના રૂપમાં વટવૃક્ષ બની ગયો છે; તેની સુવર્ણ જયંતીનો આ અવસર છે. અને એટલા માટે આ ૫૦ વર્ષમાં જે જે મહાનુભવોએ આ બનાસ ડેરીને ચલાવી, આગળ વધારી, આ ઊંચાઈ પર લઇ ગયા, અનેક ચેરમેન આવ્યા હશે, અનેક વહીવટકર્તાઓ આવ્યા હશે, અનેક કર્મચારીઓ રહી ચુક્યા હશે, હું આજે આ ૫૦ વર્ષની યાત્રામાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે, તે સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, તેમને સાધુવાદ પાઠવું છું.
ભાઈઓ અને બહેનો તમે મુંબઈ જાવ, સુરત જાવ, કોઈ બીજા વિસ્તારમાં જાવ તો મુશ્કેલીઓમાં પણ જિંદગી જીવવા માટે ગુજરાતથી કોણ આવ્યું છે, તો મોટાભાગે એવું જાણવા મળતું કે કચ્છ અને બનાસકાંઠાના લોકો પોતાના ગામ, પોતાનો વિસ્તાર છોડીને રોજી રોટી કમાવા માટે ક્યાંક બહાર જતા હતા, કારણકે અહિંયા કોઈ પ્રાકૃતિક સંસાધન નહોતા. અને ભાઈઓ અને બહેનો અમે શરૂઆતથી જ કહીએ છીએ કે એકવાર મા નર્મદા આપણી આ બનાસની ધરતીને આવીને સ્પર્શ કરી લેશે તો મારો ખેડૂત માટીને પણ સોનું બનાવીને મૂકી દેશે. આજે તેને બનાસની આ સુકી ધરતીને, આ રણપ્રદેશવાળી જમીનને સોનામાં ફેરવી નાખી છે.
મને બરાબર યાદ છે, હું નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો. ઘણા બધા પ્રશ્નોરુપી નિશાનો મારી તરફ લગાવવામાં આવતા હતા. આ મોદી! મુખ્યમંત્રી શું કરશે! ગામનો સરપંચ નથી રહ્યો! ક્યારેય ચૂંટણી નથી લડ્યો! તેને શું આવડવાનું હતું! બહુ મજાક ઊડતી હતી. તે સમયે મારો સૌપ્રથમ સાર્વજનિક કાર્યક્રમ ડીસામાં થયો હતો, આ જ ધરતી ઉપર થયો હતો; આ જ મેદાન ઉપર થયો હતો અને તે હતો લોક કલ્યાણ મેળો. અને એ દિવસે મેં જે દ્રશ્ય જોયું હતું આજે તેનાથી અનેક ગણું મોટું દ્રશ્ય મારી આંખો સામે જોઈ રહ્યો છું.
ભાઈઓ, બહેનો! મને બરાબર યાદ છે કે બનાસકાંઠાના ખેડૂતો મારી ઉપર ઘણા નારાજ રહેતા હતા, ગુસ્સો કરતા હતા. ક્યારેક ક્યારેક મારા પૂતળા બાળતા હતા. અને પછી હું હિંમત કરીને તેમની વચ્ચે આવતો હતો. અને હું તેમને કહેતો હતો કે જો બનાસકાંઠાનું ભાગ્ય બદલવું હોય તો આપણે પાણી બચાવવું પડશે. વીજળીના તાર છોડવા પડશે. ખેડૂતને વીજળી નહિ પાણી જોઈએ છે; આ વાત હું એ વખતે કહેતો હતો; તેમની નારાજગી વહોરી લેતો હતો; પરંતુ એ મારું સૌભાગ્ય છે કે એ જ બનાસકાંઠા, એ જ મારા બનાસકાંઠાના ખેડૂતો, તેમણે મારી વાતને માથે ચડાવી, અને આજે ડ્રીપ ઈરીગેશનમાં ટપક સિંચાઈમાં (સ્પ્રીન્કલરમાં), સમગ્ર ગુજરાતમાં નંબર એક પર લાવીને મૂકી દીધો છે. હું એ તમામ ખેડૂતોને, હું એ તમામ ખેડૂતોને માથું નમાવીને નમન કરું છું. તેમણે માત્ર પોતાનું જ ભાગ્ય નથી બદલ્યું પરંતુ તેમણે આવનારી અનેક પેઢીઓનું પણ ભાગ્ય બદલી નાખ્યું છે.
મને યાદ છે ૨૦૦૭ કે ૦૮નું વર્ષ હશે, ખેડૂતો માટેનો આવો જ મારો એક કાર્યક્રમ હતો, તો હું બનાસકાંઠામાં આવ્યો હતો. તો અમારા એક મિત્ર છે, દિવ્યાંગ છે, શ્રી ગેનાજી. ગેનાજી આપણા લાખની તાલુકાના છે. તો ગેનાજી ચાલી તો શકતા નથી, દિવ્યાંગ છે, પરંતુ બહુ પ્રગતિશીલ ખેડૂત છે. તે આટલું મોટું દાડમ લઈને; દાડમ લઈને મને ભેટ આપવા આવ્યા, નારીયેળથી પણ મોટું હતું. હું આશ્ચર્યચકિત થઇ ગયો, મેં તેમને પૂછ્યું, ભાઈ આ કમાલ તમે કેવી રીતે કરી? તો બોલ્યા, સાહેબ આજે તો મારા ખેતરમાં આખા જિલ્લાના લોકો જોવા માટે આવે છે, અને તમે જોજો ધીમે ધીમે દાડમની ખેતીમાં બનાસકાંઠા આગળ નીકળી જશે. એક ગામના મારા ગેનાજી સરકારી ગોરીયાના, હે ને ગેનાજી! આવ્યા હશે ક્યાંક, કદાચ બેઠા હશે! અમારા ગેનાજી ક્યાંક બેઠા હશે! શું કમાલ કરી દીધી, ભાઈઓ, બહેનો બનાસકાંઠાના ખેડૂતે, પ્રગતિશીલ ખેડૂતના રૂપમાં પોતાની છાપ છોડી છે અને એક બે ખેડૂત નહીં, એક આખું આંદોલન ઊભું થયું છે. આજે પણ બનાસકાંઠાએ પ્રતિ હેક્ટર બટાકાની ઉપજનો જે રેકોર્ડ નોંધાવ્યો છે તેનો રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું. તે કામ બનાસકાંઠાએ કરી બતાવ્યું છે. આજે બનાસકાંઠા બટાકા માટે પણ જાણીતું બની ગયું છે.
ભાઈઓ બહેનો! ખેડૂતો માટે કેટલીક બાબતો કેવી વરદાન હોય છે. ગલબાભાઈએ જયારે ડેરીનું કામ શરુ કર્યું, જ્યાં પાણી ન હોય રણપ્રદેશ હોય, ૧૦ વર્ષમાં ૭ વર્ષ દુકાળ પડતો હોય, જ્યાં ખેડૂત ઈશ્વરની ઈચ્છા પર જ જિંદગી ગુજારતો હોય, તેના માટે તો આત્મહત્યા એ જ એક રસ્તો બચી જાય છે. પણ આ જિલ્લાએ ખેડૂતોને પશુપાલન બાજુ વાળી દીધા, દૂધ ઉછેર બાજુ વાળી દીધા અને પશુઓની સેવા કરતા કરતા, દૂધ ક્રાંતિ કરતા કરતા પોતાના પરિવારને ચલાવ્યો, બાળકોને પણ ભણાવ્યા અને જીવનને આગળ લઇ ગયા.
ભાઈઓ, બહેનો! આ જ બનાસકાંઠા, આ જ ગુજરાત, જેણે શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, આજે મને ખુશી થઇ છે કે બનાસ ડેરીએ શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વિટ ક્રાંતિનું પણ બ્યૂગલ વગાડ્યું છે. જ્યાં શ્વેત ક્રાંતિ થઇ ત્યાં હવે સ્વિટ ક્રાંતિ પણ થવાની છે. મધુ ક્રાંતિ! મધ! બનાસે ડેરીના દૂધની જેવી જ વ્યવસ્થા ખેડૂતોને મધ માટે મધમાખી ઉછેર માટે પણ કરી છે. ટ્રેનિંગ આપવાની શરુ કરી છે. આજે તે મધમાંમાંથી પ્રથમ પેકિંગ બનાવીને તેમણે બજારમાં મુક્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં જે ડેરીનું નેટવર્ક છે, ખેડૂતોની સમિતિઓ બનેલી છે. દૂધની સાથે સાથે ખેતરોમાં જો મધમાખી ઉછેર પણ ખેડૂત કરવા લાગે તો જેમ દૂધ ભરવા જાય છે તેમ મધુ ભરવા જશે, મધ ભરવા જશે, મધ, હની લઇ જશે, અને ડેરીની ગાડીઓમાં દૂધ પણ જશે અને મધ પણ જશે. વધુ નફો, વધુ ફાયદો, વધારાની કમાણીનો એક નવો રસ્તો, ગુજરાતની પણ ડેરીઓ, બધા ખેડૂતો, આ રસ્તે ચાલીને એક શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વિટ ક્રાંતિ પણ લાવી શકે છે એવો મારો વિશ્વાસ છે. વિશ્વમાં મધની માગ છે, ઘણું મોટું બજાર છે. જો આપણે મધમાં પણ આગળ નીકળી જઈએ, અને જયારે નર્મદાનું પાણી આવ્યું છે. નર્મદાની નજીકના વિસ્તારોમાં તો ખુબ મોટી માત્રામાં તેનો લાભ મળે છે. ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવાની રીત બદલવી પડે છે, પણ ફાયદો એટલો મોટો થાય છે અને જેવી રીતે બનાસકાંઠાના ખેડૂતોના મન બદલ્યા છે, આ પણ બદલાઈને રહેશે એવો મને વિશ્વાસ છે.
આજે બનાસ ડેરીએ અમૂલ બ્રાંડ સાથે ચીઝના ઉત્પાદનનો પણ એક પ્લાન્ટ શરુ કર્યો છે. ગુજરાતમાં જેટલી પણ ડેરીઓ છે તે ચીઝના કામથી ચાલી રહી છે, તમે જાણીને નવાઈ પામશો કે દુનિયાના અનેક દેશો છે કે જે અમૂલની બ્રાન્ડનું જ ચીઝ માગે છે. જેટલું ઉત્પાદન થાય છે તરત જ વેચાઈ જાય છે. લોકો, ગ્રાહકો મળી જાય છે. આજે તેમાં એક વધારો બનાસ ડેરી દ્વારા થઇ રહ્યો છે, હું તેમને અભિનંદન આપું છું. એક ઘણી મોટી શરુઆત ડેરીએ કરી છે, કાંકરેજની ગાય, આ નસલની કિંમત આપણે જાણીએ છીએ. વૈજ્ઞાનિક પ્રયોગોએ પણ ગીરની ગાય, કાંકરેજની ગાય, તેનું મહત્વ સ્વીકાર કર્યું છે. હવે એ 2 દૂધ, જે કાંકરેજની ગાયના દૂધની એક વિશેષતા છે, વિશેષ તત્વ છે, તેને આજે તેમણે માર્કેટમાં મુક્યું છે. જે આરોગ્ય માટે જાગૃત લોકો છે, જ્યાં બાળકોના કુપોષણની સમસ્યા છે, એવા બાળકો માટે એ 2 દૂધ, કાંકરેજ ગાયનું એ 2 દૂધ તેમના સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી સાબિત થવાનું છે, એવું જ એક ભગીરથ કામ પણ આજે અહીંયાં શરુ થયું છે. અહીંયાં કાંકરેજની નસલને પ્રોત્સાહન આપવું, તેમાં સુધારો કરવો, તેની ક્ષમતામાં સુધારો કરવો, તેનું પ્રતિ લીટર દૂધ ઉત્પાદન વધારવું, તેની માટે પણ વૈજ્ઞાનિક પ્રયોગો થઇ રહ્યા છે.
હું બનાસમાં જયારે આવ્યો છું તો હું બનાસ ડેરી પાસેથી ઈચ્છીશ કે તે એક કામ બીજું પણ કરે અને તેઓ કરી શકે છે. બનાસ છે, સાબર ડેરી છે, દૂધસાગર ડેરી છે; આ ત્રણેય મળીને પણ કરી શકે છે. બે વસ્તુઓ આપણે એવી પેદા કરીએ છીએ, આપણા ખેડૂતો; પણ આપણે તેને સસ્તામાં વેચી દઈએ છીએ. અને જે આપણે કેસ્ટરની ખેતી કરીએ છીએ, દિવેલા; એરંડા. ૮૦ ટકા ખેતી આપણે ત્યાં થાય છે, તેનું ઉત્પાદન. તેની ઉપર એટલી વેલ્યુ એડિશન થાય છે, એટલી પ્રક્રિયાઓ થાય છે. સંપૂર્ણ વિશ્વની મહત્વપૂર્ણ ટેકનોલોજીઓમાં સ્પેસ શટલની ટેકનોલોજીમાં આ દિવેલાના તેલથી બનેલી વસ્તુઓ સૌથી વધારે સફળ રહે છે. પણ આપણે જે છીએ, હજુ આપણા દિવેલા, એરંડા જેને કહેવાય છે, તે એમ ને એમ વેચી દઈએ છીએ. આ બનાસ, દૂધસાગર, સાબર એક સંશોધન કેન્દ્ર બનાવે અને આપણે, આપણા ખેડૂતો જે અહીંયાં કેસ્ટર ઉગાડે છે, એરંડા પેદા કરે છે, દિવેલા ઉત્પન્ન કરે છે, તેમાં વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકાય અને આપણી આ કીમતી સંપત્તિ જે પાણીની જેમ બહાર ચાલી જાય છે તેને આપણે બચાવીએ.
બીજું છે ઇસબગુલ. ઇસબગુલની તાકાત બહુ મોટી તાકાત છે. તેમાં ઘણું વેલ્યુ એડિશન થઇ શકે છે. જયારે કુરિયન જીવતા હતા, તો શ્રીમાન કુરિયનજીને મેં કહ્યું હતું કે તમે ઈસબગુલના વેલ્યુ એડિશન પર કામ કરો. તેમણે શરુઆત પણ કરી હતી, આઈસ્ક્રિમ બનાવ્યો હતો ઇસબગુલનો. અને તે આઈસ્ક્રિમનું નામ આપ્યું હતું ઇસબકુલ. તે સમયે તેમણે આણંદમાં શરુઆત કરી હતી. આટલું મોટું ગ્લોબલ માર્કેટ છે ઈસબગુલનું. તેના સંબંધમાં પણ જો આપણે વૈજ્ઞાનિક રીતે કામ કરીએ તો ઘણો મોટો બદલાવ આવી શકે છે અને આપણે લાવવો પણ જોઈએ.
ભાઈઓ, બહેનો! અત્યારના સમયમાં સમગ્ર દેશમાં એ વાતની ચર્ચા ચાલી રહી છે કે નોટોનું શું થશે? તમે મને કહો, આઠ તારીખ પહેલા 100ની નોટની કોઈ કિંમત હતી ખરી? 50ની નોટની કોઈ કિંમત હતી ખરી? 20ની નોટની કોઈ કિંમત હતી ખરી? નાના લોકોને કોઈ પૂછતું હતું શું? બધા લોકો મોટાઓને જ પૂછતા હતા. હજાર, પાંચસો, હજાર, પાંચસો. આઠ તારીખ પછી દેશને જુઓ 100નું મુલ્ય કેટલું વધી ગયું છે, કેવી તેની તાકાત વધી ગઈ છે, જીવ આવી ગયો છે જાણે.
ભાઈઓ, બહેનો! જાણે આઠ તારીખ પહેલા મોટા મોટા લોકોને પૂછતા હતા, હજાર અને પાંચસોની જ ગણતરી કરવામાં આવતી હતી, 20, 50, 100ને કોઈ પૂછતું પણ નહોતું, નાના તરફ કોઈ જોતું પણ નહોતું. આઠ તારીખ પછી મોટા સામે કોઈ જોવા તૈયાર નથી, બધા નાના માટે તૈયાર થઇ ગયા છે ભાઈઓ. આ બદલાવ આવ્યો છે અને જેમ મોટી નોટો નહીં પણ નાની નોટની તાકાત વધી છે; મોટા લોકો નહીં, નાના લોકોની તાકાત વધારવા માટે આ બહુ મોટો નિર્ણય મેં કર્યો છે. દેશનો ગરીબ, દેશનો સામાન્ય માનવી, જેમ 100 રૂપિયાની તાકાત વધી ગઈ છે, તેમ જ ગરીબની તાકાત વધારવા માટે આ કામ મેં કર્યું છે. તમે કલ્પના કરી શકો છો ભાઈઓ, તમે જોયું હશે કે કંઈ પણ ખરીદવા જાવ તો, કાચું બિલ કે પાકું બિલ? બિલ માગશો તો નાનો વેપારી પણ કહેશે કે ના ના બિલ વિલ નથી લેવું હોય તો બીજી દુકાન પર જાઓ. રોકડા આપવા હોય તો લઇ આવો; એવું જ ચાલ્યું. મકાન જોઈએ છે, મકાનવાળો કહે છે ચેકમાં આટલા, રોકડામાં આટલા. હવે એ ગરીબ માણસ રોકડા લાવશે ક્યાંથી?
ભાઈઓ, બહેનો! આ રીતે નોટો છાપતા ગયા, છાપતા ગયા, છાપતા ગયા અને દેશ, તેનું અર્થતંત્ર આ નોટોના ઢગલાની નીચે જ દબાવા લાગ્યું. ભાઈઓ, બહેનો મારી લડાઈ છે આતંકવાદ વિરુદ્ધ, આતંકવાદીઓને હિમ્મત મળે છે નકલી નોટોથી. અને આપણે તો સીમા પર શું થઇ રહ્યું છે, બધું જાણીએ જ છીએ પડોશમાં જ રહીએ છીએ. કેવી તકલીફ આપણે સહન કરવી પડે છે, તે બનાસકાંઠા પાટણ જિલ્લાના લોકો વધુ જાણે છે.
ભાઈઓ, બહેનો! નકલી નોટના વેપારીઓ, હિન્દુસ્તાનમાં જેટલી હો હા છે ને તેના કરતા વધારે બહાર છે, નકલી નોટોના વેપારીઓમાં બહાર છે. નકસલવાદ, બધા નવયુવાનો આત્મસમર્પણ કરીને પાછા આવી રહ્યા છે. બધાને લાગે છે કે હવે મુખ્ય પ્રવાહમાં પાછા આવવું જોઈએ. આતંકવાદીઓને જ્યાંથી હિંમત મળતી હતી તે રસ્તાઓને રોકવામાં સફળ થયા છીએ. આ નકલી નોટોનો કારોબાર, તેનો મૃત્યુઘંટ, એક નિર્ણયથી કર્યો છે ભાઈઓ, બહેનો! ભ્રષ્ટાચાર, કાળું નાણું, આ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંમાં પીડા કોને થાય છે? કોઈ બેઈમાનને ના તો ભ્રષ્ટાચારથી તકલીફ હતી ના તો કાળા નાણાથી તકલીફ હતી. અરે એક ભ્રષ્ટાચારીને બીજા ભ્રષ્ટાચારીને પણ કૈક આપવું પણ પડતું હતું તો પણ આપવાવાળા ભ્રષ્ટાચારી દુઃખી નહોતા થતા. જો કોઈ દુઃખી હતું તો તે આ દેશનો ઈમાનદાર નાગરિક દુઃખી હતો. પરેશાન હતો તો આ દેશનો ઈમાનદાર નાગરિક પરેશાન હતો. ૭૦ વર્ષ સુધી ઈમાનદાર લોકોને; ૭૦ વર્ષ સુધી આ ઈમાનદાર લોકોને તમે લૂંટ્યા, તમે હેરાન કર્યા, તેમનું જીવવાનું મુશ્કેલ કરી દીધું. આજે જયારે હું ઈમાનદારોની પડખે ઊભો છું, ત્યારે ઈમાનદારોને ભડકાવવામાં આવી રહ્યા છે, અને મને ખુશી છે કે મારા દેશના ઈમાનદાર નાગરિકોએ લાખો ભડકાવનારાઓ હોવા છતાં પણ સરકારના આ નિર્ણયનો સાથ આપ્યો છે. હું સવા સો કરોડ દેશવાસીઓને શત શત નમન કરું છું કે આટલા મોટા કામમાં તેમણે મને મદદ કરી.
ભાઈઓ, બહેનો! આજકાલ ઘણા બુદ્ધિમાન લોકો ભાષણ કરતા રહે છે કે મોદીજી તમે આટલો મોટો નિર્ણય કર્યો, પણ અમારા જીવતે જીવ તો કોઈ લાભ નથી મળવાનો; મર્યા પછી મળશે. ભાઈઓ, બહેનો! આપણા દેશમાં એક ચાર્વાક ઋષિ થઇ ગયા, તે ચાર્વાક ઋષિ કહેતા હતા:- ’’ऋणम कृत्वा, घृत्तम पीवे” તેઓ કહેતા હતા કે અરે! મૃત્યુ પછી શું થવાનું છે? કોણ જાણે છે, જે મોજ કરવી હોય તે અત્યારે જ કરી લો; જે ખાવું હોય ખાઈ લો, ઘી પીવું હોય તો પી લો; આનંદથી જીવી લો. આ ચાર્વાકની ફિલોસોફીને ક્યારેય ભારતે સ્વીકાર નહોતી કરી. આપણો તો દેશ એવો છે, વૃદ્ધ ગરીબ મા બાપ; પૈસા બહુ ઓછા હોય તો વૃદ્ધ અને વૃદ્ધ મા વાત કરે છે કે એવું કરો કે સાંજે શાક બનાવવાનું બંદ કરી દો. થોડા પૈસા બચી જશે તો મર્યા પછી બાળકોને કામમાં આવશે. મારો દેશ મર્યા પછી મારું શું થશે તેની ચિંતા નથી કરતો ક્યારેય; મારો દેશ, મારા પછીની પેઢીઓનું ભલું શું થાય, તે વિચારવાવાળો દેશ છે. મારો દેશ સ્વાર્થી લોકોનો દેશ નથી. મારા દેશનું ચિંતન સુખ માટે, પોતાના સુખ માટે જીવવાવાળા નથી. મારા દેશનું ચિંતન ભાવી પેઢીઓના સુખ માટે ચાલનારું છે. આ નવા ચાર્વાક લોકો જે ઉત્પન્ન થયા છે, “ऋणम कृत्वा, घृत्तम पीवेत’’ આ જે વાતો કરવાવાળા લોકો છે, તેમને પચાસ વખત વિચારવું પડશે.
ભાઈઓ બહેનો! તમે જોયું હશે કે સંસદ ચાલી નથી રહી, ચાલવા દેવામાં આવતી નથી. આપણા દેશના રાષ્ટ્રપતિ, સાર્વજનિક જીવનમાં આટલો લાંબો અનુભવ છે; શાસન ચલાવનારા શ્રેષ્ઠતમ લોકોમાંથી આપણા રાષ્ટ્રપતિજી પણ એક છે. તેઓ અલગ રાજનૈતિક પ્રવાહમાં ભણ્યા ગણ્યા છે. પરંતુ દેશની સંસદમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેનાથી એટલા દ્રવી થઇ ઊઠ્યા છે, એટલા દુઃખી થઇ ગયા છે કે બે દિવસ પહેલા જ તેમને સાંસદોને સાર્વજનિક રૂપે ટોકવા પડ્યા હતા. વિરોધ પક્ષને નામ દઈને ટોકવા પડ્યા. અને મને આશ્ચર્ય છે કે સરકાર કહે છે અમે ચર્ચા કરવા માગીએ છીએ, સરકાર કહે છે કે પ્રધાનમંત્રી બોલવા માટે તૈયાર છે, સરકાર કહે છે કે પ્રધાનમંત્રી આવીને કહેવા તૈયાર છે, પરંતુ તેમને ખબર છે કે તેમનું જુઠ્ઠાણુંનું નથી ચાલવાનું અને એટલા માટે જ તેઓ ચર્ચાથી દૂર ભાગતા રહે છે, અને એટલા માટે જ લોકસભામાં મને બોલવા દેવામાં નથી આવતો; મેં જનસભામાં બોલવાનો વિકલ્પ પસંદ કરી લીધો છે ભાઈઓ. અને જે દિવસે મોકો મળશે લોકસભામાં પણ સવા સો કરોડ દેશવાસીઓની અવાજ હું ચોક્કસ પહોંચાડવાનો પ્રયત્ન જરૂર કરીશ મારા ભાઈઓ અને બહેનો.
ભાઈઓ, બહેનો! હું વિરોધ પક્ષના મિત્રોને, આજે મહાત્મા ગાંધીની આ ધરતી પર, સરદાર વલ્લભભાઇ પટેલની આ ધરતીથી સાર્વજનિક રૂપે આગ્રહ કરવા માગું છું. જયારે ચૂંટણી થાય છે, જયારે ચૂંટણી થાય છે અમે બધા જ પક્ષો એક બીજા વિરુદ્ધ બોલીએ છીએ; આરોપ – પ્રત્યારોપો કરીએ છીએ, સારી અને ખરાબ નીતિઓની ચર્ચા કરીએ છીએ; બધા પ્રકારે પોતાના વિરોધીઓ પર જેવો પ્રહાર કરી શકીએ તેમ છીએ તેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ; બધા પક્ષો કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ કરે છે, કોંગ્રેસ પણ કરે છે, બાકી નાના મોટા પક્ષો પણ; બધા કરે છે. પરંતુ બધા પક્ષો એક કામ જરૂરથી કરે છે, શું? મતદાતા સૂચીને યોગ્ય કરવાનું, વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે આવે તેની ચિંતા કરવી; મતદાતાઓને કેવી રીતે બટન દબાવવું; તે શીખવાડવું, બધા પક્ષો કરે છે. એક બાજુ તો નીતિઓનો વિરોધ કરે છે, બીજાને હરાવવાની તાકાત લગાવે છે, પરંતુ બીજી બાજુ બધા જ મતદાતા યાદી પર ધ્યાન આપે છે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (Electronic Voting Machine) પર ધ્યાન આપે છે. વધુ લોકો મતદાન કરવા આવે તેની ઉપર ધ્યાન આપે છે, કેમ? કારણ કે લોકશાહી આપણા સૌની જવાબદારી છે.
હું વિરોધ પક્ષના મિત્રોને કહેવા માગું છું કે તમે એવું કહેવાની હિંમત તો નથી કરી રહ્યા કે મોદી હજાર અને પાંચસોની નોટ પાછી લઇ લો કારણકે તમે જાણો છો કે જનતાનો મિજાજ બદલાયેલો છે. હા, કેટલાક લોકોએ કહ્યું, સારું મોદીજી એ તો બરાબર છે પણ એવું કરો કે એક અઠવાડિયું રોકી લો. કેમ ભાઈ! આ અઠવાડિયામાં એવો કયો જાદૂ થવાનો હતો? આ એક અઠવાડિયું રોકવાનો ઈરાદો શું હતો? પણ કોઈ પક્ષ એવું નથી કહેતો કે નિર્ણયને રોલ બેક કરો. બધા જ પક્ષો કહે છે કે, સારી રીતે લાગુ કરો. હું બધા જ પક્ષોને કહેવા માગું છું કે જેવી રીતે ચૂંટણીમાં આપણે એકબીજાનો ઘોર વિરોધ કરીએ છીએ, પણ મતદાન વધારવા માટે મહેનત કરીએ છીએ મતદાતા યાદી માટે મહેનત કરીએ છીએ, Electronic Machineની ટ્રેનિંગ માટે મહેનત કરીએ છીએ આજે સમયની માગ છે કે તમે ખુલીને મારો વિરોધ કરો, મારી ટીકા કરો, પણ લોકોને બેન્કિંગ શિખવાડવાનું કામ પણ કરો, ઇલેક્ટ્રોનિક પદ્ધતિ વડે પૈસા કેવી રીતે લઇ શકાય, આપી શકાય તે શીખવાડો. આપણે સૌ મળીને, દેશનું ભાગ્ય બદલવાનો એક શ્રેષ્ઠ અવસર આવ્યો છે, આપણે સૌ તે કામ કરીએ અને તમે પણ તેનો ફાયદો ઉઠાવો.
મને ખુશી થશે કે મારા વિરોધ પક્ષના લોકો જન જનને આ કામમાં લગાવીને જે રાજનૈતિક ફાયદો ઉઠાવશે તો દેશનું ભલું થયાનો મને આનંદ થશે. ભાઈઓ. અરે! રાજનીતિથી ઉપર રાષ્ટ્ર્નીતિ હોય છે, પક્ષથી મોટો દેશ હોય છે; ભાઈઓ બહેનો, ગરીબો ઉપર વાતો કરવી અલગ હોય છે; ગરીબો માટે નીતિઓ બનાવી કઠોરતાથી લાગુ કરવા માટે સમર્પણનો ભાવ જોઈએ છે, અને સમર્પિત ભાવથી આજે આ સરકાર તમારી સેવામાં લાગેલી છે.
ભાઈઓ બહેનો! મેં પહેલા દિવસથી જ કહ્યું છે કે આ નિર્ણય મામૂલી નથી. મારા ભાઈઓ બહેનો! ખુબ મુશ્કેલીભર્યો નિર્ણય છે, કઠોર નિર્ણય છે. અને મેં કહ્યું હતું કે ઘણી તકલીફ પણ પડશે; મેં કહ્યું હતું કે મુસીબત પણ આવશે, અને ૫૦ દિવસ આ તકલીફ થશે જ થશે. અને આ તકલીફ રોજે રોજ વધતી પણ જશે, પણ ૫૦ દિવસ પછી મેં હિસાબ કિતાબ કર્યો છે, તે એકદમ ધીમે ધીમે, ધીમે ધીમે કરીને પહેલા જેવી જ સ્થિતિ તરફ આગળ વધશે. ૫૦ દિવસ સુધી આ તકલીફો રહેવાની છે. ૫૦ દિવસ બાદ તમે પોતે પણ જોશો કે ધીમે ધીમે તમારી આંખોની સામે પરિસ્થિતિઓ સુધરતી નજરે પડશે.
ભાઈઓ બહેનો! દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનું આ એક મહત્વપૂર્ણ પગલું છે, અને કેટલાક લોકો તમે જોયું હશે; આ દિવસોમાં સરકાર બરાબર પાછળ પડી છે, બેન્ક્વાળાઓ જેલમાં જઈ રહ્યા છે; મોટા મોટા ઠગલા લઈને ભાગનારા લોકો જેલમાં જઈ રહ્યા છે; ચારે બાજુ. તેમને લાગતું હતું કે સારું મોદીજી 1000, 500ની બંધ કરે છે, અમે પાછલા દરવાજેથી કૈક કરી લઈશું, પણ તેમને ખબર નહોતી કે મોદીજીએ પાછળના દરવાજે પણ કેમેરા લગાવેલા છે. આ દરેકે દરેક જણ પકડવાના છે, કોઈ બચવાનું નથી અહીંયાં. બે મહિના, ત્રણ મહિના, છ મહિના, જેમને પણ આઠ તારીખ પછી નવા પાપ કર્યા છે, તે તો કોઈ પણ હાલતમાં બચવાના નથી ભાઈઓ, બહેનો! તેમને સજા ભોગવવી જ પડશે. સવાસો કરોડ દેશવાસીઓના સપનાને ચુર ચુર કરવાનું પાપ જેમણે કર્યું છે તેઓ બચવાના નથી, આ હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું.
ભાઈઓ બહેનો! તમે મુશ્કેલીઓ વેઠી છે, તકલીફ ઉઠાવી છે. તમારા આશીર્વાદ, દેશ માટે અને જે લોકો કહે છે ને કે ઈમાનદાર લોકો લાઈનમાં ઊભા છે, ઈમાનદાર પોતાની માટે નથી ઊભા રહેતા, તે દેશ માટે ઊભો રહે છે ભાઈઓ બહેનો; તે દેશ માટે ઊભો રહે છે.
અને એટલા માટે, બીજું! આજે સમય બદલાઈ ગયો છે ભાઈ! એક જમાનો હતો આપણા દાદા દાદી, તેમની પાસેથી સાંભળીશું તો જણાવે છે કે અમારા જમાનામાં તો “ચાંદીના ગાડાના પૈડા જેવડો રૂપિયો હતો એમ કહેતા આપણને કે બળદગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો ચાંદીનો અમે જોતા હતા, ઉપયોગ કરતા હતા. ભાઈઓ, બહેનો! આ ચાંદીના રૂપિયાથી બદલતા, બદલતા, બદલતા અનેક ધાતુઓ બદલાઈ ગઈ, તાંબુ આવ્યું, બીજું કંઈક આવ્યું, ખબર નહીં શું શું આવ્યું. અને ધીમે ધીમે કરીને આપણે કાગળમાં ચાલ્યા ગયા કે નથી ચાલ્યા ગયા? હવે યાદ આવે છે કે ચાંદીનો રૂપિયો હશે તો જ રૂપિયો માનવામાં આવશે, યાદ આવે છે ખરું? હવે તે કાગળનો રૂપિયો પણ આપણી જિંદગીનો હિસ્સો બની ગયો. ક્યારેક ચાંદીનો રૂપિયો આવતો હતો, ધીમે ધીમે કાગળનો રૂપિયો આવી ગયો.
ભાઈઓ, બહેનો! હવે સમય બદલાઈ ગયો છે, હવે તો તમારા મોબાઇલ ફોનમાં જ તમારી બેંક આવી ગઈ છે. તમારું પાકીટ પણ તમારા મોબાઈલ ફોનમાં છે. તમે ચા પીવા જાવ, બટન દબાવો, ચાવાળાને પૈસા મળી જશે, રીસીપ્ટ મળી જશે. વચ્ચે લોકો ચેક આપતા હતા. ચેક ફાડતા હતા, બે મહિના પછી ખબર પડતી કે ચેક પાછો આવ્યો છે, પછી કેસ કોર્ટમાં છે, જે સૌથી વધુ કેસ ચાલે છે, તે ચેક પાછા આવવાના ચાલે છે. આપ સૌ નવયુવાનોને ધન્યવાદ તમે બહુ મોટું કામ ઉઠાવ્યું છે, હું તમને અભિનંદન આપુ છું અને બનાસકાંઠા જિલ્લાને તમે ઈ, ઈ પાકીટથી જોડી દો ભાઈઓ. લોકોને ઈ- મોબાઇલ બેન્કિંગથી જોડવામાં તમે સફળ થશો એવો મને વિશ્વાસ છે.
ભાઈઓ બહેનો! આપણે જાણીએ છીએ કે હવે તે કાગળની નોટોનો જમાનો પણ પૂરો થવા જઈ રહ્યો છે. હવે તો તમારા મોબાઇલ ફોનમાં જ તમારી બેંક છે. એકવાર બેંકમાં જમા થઇ ગયા, તમારે બેન્કની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, તમારે એટીએમ બહાર લાઈન લગાવવાની જરૂર નથી, તમારે સમય બરબાદ કરવાની જરૂર નથી. અખબારમાં જાહેરાત આવે છે, ટીવી પર જાહેરાત આવે છે. તમે તમારા મોબાઇલ ફોનથી, જો તમારી પાસે બેંકમાં પૈસા પડ્યા છે; તો તમે તમારા પૈસાથી જે ખરીદવા માગો તે ખરીદી શકો છો. ચેક તો બાઉન્સ થતો હતો, આમાં તો જેવા પૈસા આપશો, તો સામે રીસીપ્ટ આવી જાય છે, પૈસા મળી ગયા અથવા પૈસા પહોંચી ગયા. કોઈ બાઉન્સ – વાઉન્સ થતા જ નથી, ત્યાં જ ખબર પડી જાય છે કે રૂપિયા ગયા છે કે નથી ગયા.
ભાઈઓ બહેનો! હિન્દુસ્તાન દુનિયામાં તેજ ગતિએ આગળ વધવા માગે છે. આ નોટોના બંડલોના ઢગલા, આ નોટોના પહાડ, આપણા અર્થતંત્રને દબાવી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચારીઓને તે કામમાં આવી રહ્યા છે. ગરીબની તાકાત ઓછી થઇ રહી છે, જેમ હજારની નોટની કિંમત હતી, સો રુપિયાની નહોતી, અમીરની હતી, ગરીબની નહોતી, આજે ગરીબની તાકાત પણ વધી ગઈ છે, સો રુપિયાની નોટની પણ તાકાત વધી ગઈ છે. અને જો તમે ઈ – પાકીટ વાંચી લીધું તો, બેંકોની લાઈનો ખતમ કરીને બેન્કને જ પોતાના મોબાઇલમાં લઇ ગયા. તમારે બેન્કની લાઈનમાં જવાની જરૂર નથી. બેંક તમારા મોબાઇલની લાઈનમાં ઊભી રહી જશે. હું તમને આગ્રહ કરું છું, હું દેશવાસીઓને પણ આગ્રહ કરું છું; હું મીડિયાના મિત્રોને ખાસ પ્રાર્થના કરવા માગું છું; મોદીજીની ટીકા કરવાનો તમારો અધિકાર છે, આજે જરૂર કરો. લાઈનોમાં જે ઊભા છે તેમને તકલીફ થઇ રહી છે; મને કોઈ ફરીયાદ નથી, પણ સાથે સાથે તમે એ પણ શીખવો કે હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, બેંક આપણા મોબાઇલ ફોનની લાઈનમાં ઊભી રહી જશે. બેંક વાળો આવશે કે મને તમારે ત્યાં રાખી લો, એ દિવસો આવી શકે છે. ટેકનોલોજી ઉપલબ્ધ છે, વ્યવસ્થા ઉપલબ્ધ છે.
ભાઈઓ બહેનો! હવે દેશ ભ્રષ્ટાચાર સહન નહીં કરે. હવે દેશ નકલી નોટો સહન નહીં કરે. હવે દેશ કાળું નાણું સહન નહીં કરે. ગરીબોને લૂંટવાની રમત, મધ્યમવર્ગનું શોષણ કરવાની રમત હવે નહીં ચાલે અને એટલા માટે મારે તમારા આશીર્વાદ જોઈએ છે. ઊભા થઈને બન્ને હાથે તાળીઓ પાડીને મને આશીર્વાદ આપો, મારા ગુજરાતના ભાઈઓ બહેનો! મારા ડીસાના ભાઈઓ બહેનો આશીર્વાદ આપો. પૂરી તાકાતથી આશીર્વાદ આપો.
ભારત માતાની જય
ભારત માતાની જય
ભારત માતાની જય
આ લડાઈ, આ લડાઈ ભારતનું ભાગ્ય બદલવાની છે, આ લડાઈ ભ્રષ્ટાચારને ખતમ કરવાની છે, આ લડાઈ કાળા નાણાનો ખાત્મો બોલાવવાની છે, આ લડાઈ નકલી નોટોથી દેશને મુક્ત કરાવવાની છે, અને તેમાં આ બનાસની ધરતીએ મને આશીર્વાદ આપ્યા, હું આપ સૌનો ખુબ ખુબ આભારી છું. આપ સૌનો ખુબ ખુબ આભારી છું. ફરીથી બોલો ભારત માતાની જય, પૂરી તાકાતથી બોલો, આખો દેશ સાંભળે છે.
ભારત માતાની જય
ભારત માતાની જય
ખુબ ખુબ ધન્યવાદ