મારા પ્યારા ભાઈઓ અને બહેનો, નમસ્કાર,
મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે અલગ-અલગ યોજનાઓથી સામાન્ય વ્યક્તિના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તેમના અનુભવો અંગે સીધી એ જ લોકો સાથે વાતચીત કરીને હું એ જાણું છું અને તેથી જ હું અવારનવાર આવા લાભાર્થીઓ સાથે સીધી મુલાકાત કરવાનો પ્રયાસ કરું છું. સાચું હોય, ખોટું હોય, સારું હોય, ખરાબ હોય, મુશ્કેલીઓ પડી હોય, સવલતો મળી હોય. આ તમામ વિશે સીધુ તમારા જેવા લોકો પાસેથી જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે.
સરકાર દ્વારા અહેવાલ તૈયાર થાય છે. તેનું અલગ મહત્વ છે જ પરંતુ પ્રત્યક્ષ રીતે જેનાથી લાભ મળ્યો અને જે લોકોને લાભ મળ્યો તેમની સાથે વાર્તાલાપ કરીને જે નવી વસ્તુ જાણવા મળી જેમ કે ઉજ્જવલા યોજના, ગેસ જોડાણ, હું એ ઉજ્જવલા અંગે ઘણી વાતો કરતો હતો પરંતુ જ્યારે ઉજ્જવલાના લાભાર્થીઓને મળ્યો તો તેમણે મને ઘણી રસપ્રદ વાતો જણાવી. તેમણે કહ્યું કે અમારું પાણી બચી ગયું. મેં પૂછ્યું પાણી કેવી રીતે બચી ગયું? તો પહેલા તો કહ્યું કે લાકડાના ચૂલા પર રસોઈ કરતા હતા તો તમામ વાસણો કાળા પડી જતા હતા અને દિવસમાં ચાર ચાર વાર એ વાસણો ધોવામાં પાણી ઘણું વપરાતું હતું. હવે ગેસની સગડી આવી ગઈ છે તો અમારે તેમ કરવું પડતું નથી. હને હું એ વાત માનતો નથી કે તેમની સાથે વાત કરું છું તો ઘણી વાતો મને સમજાતી નથી. આવી તો ઘણી વાતો છે. જ્યારે હું પોતે વાત કરું છું અને આ જ પ્રકારેમાં આજે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે અથવા તો એવા લોકો જેમની સામે ઘર તૈયાર થઈ રહ્યા છે, ઘર બનાવવાના કામમાં જોડાયેલા છે. જેમને થોડા જ સમયમાં ઘર મળી જવું નક્કી છે. આવા તમામ લોકો સાથએ રૂબરૂમાં મળવાનું અને તેમની સાથે વાતચીત કરવાનો મને અવસર મળ્યો છે.
તમે સૌ જાણો છો કે દરેક વ્યક્તિની હંમેશાં ઇચ્છા રહે છે કે તેનું પોતાનું ઘર હોય, ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ લાગે છે કે ભાઈ મારું પોતાનું ઘર હોય. ભલે નાનું કેમ ન હોય પરંતુ પોતાનું ઘર હોવાની જે સુખદ અનુભૂતિ થાય છે, તે તો જેમને ઘર મળ્યું છે તે જ જાણે છે બીજું કોઈ જાણતું નથી અને હું તમને ટીવીના માધ્યમથી જોઈ રહ્યો છું. ટેકનોલોજીના માધ્યમથી જોઈ રહ્યો છું. તમારા ચહેરા પર એક ખુશી છે, એક સંતોષનો ભાવ છે. જીવન જીવવાનો એક નવો ઉમંગ પેદા થયો છે. તે હું જોઈ રહ્યો છું. અને જ્યારે હું તમારો ઉત્સાહ અને ઉમંગ મારી ખુદની આંખથી જોઉં છું તો મારો ઉત્સાહ પણ દસ ગણો થઈ જાય છે. આમ થાય છે ત્યારે મારું મન પણ કહે છે કે વધુને વધુ કામ કરું. તમારા માટે વધુને વધુ મહેનત કરું. કારણકે તમારા ચહેરાની ખુશી મને જોવા મળે છે અને એ જ મારી ખુશીનું કારણ છે.
કોઈ પણ આવાસ યોજનાનો અર્થ એ નથી હોતો કે લોકોને માથા પર એક છત માટે જગ્યા મળે. આવાસનો મતલબ ઘર સાથે છે માત્ર ચાર દીવાલ કે છત નથી. ઘર એટલે કે એવી જગ્યા જ્યાંનું જીવન જીવવા લાયક હોય, તમામ સવલતો ઉપલબ્ધ હોય. જેમાં પરિવારની ખુશી હોય. જેની સાથે પરિવારની તમામ વ્યક્તિના સ્વપ્ન સંકળાયેલા હોય.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મૂળમાં જ આ ભાવના રહેલી છે. પોતાનું ઘર એ દરેકનુ સ્વપ્ન હોય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિની પણ એવી ઇચ્છા હોય છે કે તેની પાસે પોતાનું પાક્કું ઘર હોય પરંતુ સ્વતંત્રતાના આટલા વર્ષ પછી પણ ગરીબની ઇચ્છા અધૂરી રહી છે. આ સરકારે સંકલ્પ કર્યો અને નક્કી કર્યું કે 2022, જ્યારે આપણી સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થશે તો આપણે કાંઈક કરીશું, કેટલાક અવસર એવા હોય છે જ્યારે આપણને દોડવાનું મન થાય છે. ચાલો ભાઈ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ચાલો કાંઈક કામ કરીએ, વધારે કરીએ, સારું કામ કરીએ અને તમામ લોકોની ભલાઈ કરીએ.
અમે પણ પ્રયાસ કર્યો છે કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થશે ત્યારે આપણને આ પાંચ વર્ષ કે ચાર વર્ષ કે જે કોઈ સમય મળ્યો છે, દોડવાની તાકાત આવી જાય, કાંઇક કામ કરવાની હિંમત આવી જાય. અને અમે એક સ્વપ્ન લીધું છે કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યારે હિન્દુસ્તાનમાં દરેક પરિવારની પાસે, ગરીબમાં ગરીબ પાસે, ગામ હોય કે શહેર, ઝૂંપડીમાં રહેતો હોય કે ફૂટપાથ પર રહેતો હોય ક્યાંય પણ રહેતો હોય, તે પરિવાર પાસે પોતાનું પાક્કું મકાન હોય. અને માત્ર ઘર જ નહીં પરંતુ તેમાં વિજળી હોય, નળ હોય અને એ નળમાં પાણી આવતું હોય, ગેસની સગડી હોય, સૌભાગ્યની વીજળી હોય, શૌચાલય હોય, એટલે કે તેને એમ લાગવું જોઇએ કે હા, હવે જીવન જીવવા લાયક બની ગયું છે. હવે કાંઈક વધુ કરીને આગળ વધવાનો માર્ગ બને, ગરીબમાં ગરીબ મણસને પણ માત્ર વિશ્રામ માટે જગ્યા ન મળે પરંતુ માન સન્માન અને પરિવારનું ગૌરવ વધારવાની તક મળે. તમામ માટે ઘર એ અમારું સ્વપ્ન પણ છે અને સંકલ્પ પણ છે. એટલે તે તમારું સ્વપ્ન, મારું સ્વપ્ન, તમારુ સ્વપ્ન દેશની સરકારનું સ્વપ્ન છે.
કરોડો લોકોના વિશાળ દેશમાં આ સ્વપ્ન પૂર્ણ કરવું સરળ કાર્ય નથી. પડકાર મોટો છે અન કપરો પણ છે અને આઝાદીના આટલા વર્ષનો અનુભવ કહે છે કે આ બધું તો શક્ય જ નથી અને તેમ છતાં પણ આ ગરીબનું જીવન છે. ઘર વિના રહેનારાઓનું જીવન છે. જેમણે મને આ નિર્ણય લેવાની હિંમત આપી છે. તમારા પ્રત્યેના પ્રેમે. તમારા પ્રત્યે મારા દિલમાં જે લગાવ છે તેને કારણે આટલો મોટો નિર્ણય લીધો છે. હવે નિર્ણય પૂરો કરવામાં સરકારી સાધનો અને બાકીના લોકો પણ મદદ કરી રહ્યા છે. કાર્ય થઈ રહ્યું છે. પરંતુ માત્ર ઇચ્છાશક્તિથી થોડું આ બધું થાય છે. તેના માટે યોજના જોઇએ, તેના માટે ગતિ જોઈએ. પ્રજાનો વિશ્વાસ અને સમર્થન જોઇએ. પ્રજા માટે સમર્પણનો ભાવ જોઇએ. આ પડકારનો સામનો કરવા માટે અગાઉની સરકારોના જે કામકાજ છે, કેવી રીતે કામ થતું હતું કેવી રીતે શરૂ કરતા હતા. બધું જ તમે લોકો જાણો છો.
હું માનું છું કે આજે તેમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજે અમે ઘણા મંદીરો, સમૂદાયોના નામે, ઝૂંપડપટ્ટીના નામે મકાન બનાવવાનું શરૂ કર્યું પરંતુ વધતી જતી વસતિના નામે આ પ્રયાસ અપૂરતા પુરવાર થયા. પછી તો એ યોજના વ્યક્તિઓના નામે બનવા લાગી, પરિવારોના નામે બનવા લાગી. સામાન્ય રીતે તેમનો ઉદ્દેશ્ય સામાન્ય માનવીને ઘર આપવાને બદલે રાજકીય હિતો સાધવા માટે વધી ગયો. દલાલોની એક મોટી ફોજ બની ગઈ અને દલાલ માલામાલ થવા લાગ્યા. અમે એક અલગ જ વલણ સાથે આ પડકારો પર કામ શરૂ કર્યું. ટુકડામાં વિચારવાને બદલે મિશન મોડ પર કાર્ય કરવાનો સંકલ્પ કર્યો. અમે નક્કી કર્યું કે 2022 સુધીમા ગ્રામીણ ક્ષેત્રમાં ત્રણ કરોડ અને શહેરી ક્ષેત્રોમાં એક કરોડ ઘરનું બાંધકામ કરીશું. જ્યારે લક્ષ્યાંક આટલો મોટો હોય તો સ્વાભાવિક છે કે તેને પૂર્ણ કરવા માટે બજેટ પણ વિશાળ જોઇએ. એક સમય હતો જ્યારે બજેટની ફાળવણીને અનુરૂપ લક્ષ્યાંક નિર્ધારિત કરાતા હતા. પરંતુ હવે અમે પહેલા લક્ષ્યાંક નક્કી કરીએ છીએ. દેશને શેની પહેલા જરૂર છે, કેટલી જરૂર છે તેના આધાર પર લક્ષ્યાંક નક્કી કરીએ છીએ અને પછી તે મુજબ બજેટ નક્કી કરીએ છીએ. તેને જ કારણે જો હું શહેરી ક્ષેત્રની વાત કરું તો અમારી અગાઉની સરકાર હતી તે માત્ર ગરીબોના નામે જ રમત રમતી રહેતી હતી.
યુપીએ સરકારના દસ વર્ષોમાં જેટલા ઘરના નિર્માણને મંજૂરી મળી ન હતી તેના કરતાં ચાર ગણા મકાનોને અમે છેલ્લા ચાર વર્ષમાં મંજૂરી આપી છે. યુપીએ સરકારના દસ વર્ષમાં કુલ સાડા 13 લાખ મકાનને મંજૂરી મળી હતી જ્યારે અમારી સરકારના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં 47 લાખ મકાન એટલે કે લગભગ લગભગ 50 લાખને આંક પાર કરીને અમે આટલા ઘરને મંજૂરી આપી છે. તેમાંથી સાત લાખ ઘરો નવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે.
હવે હાઉસિંગમાં નવી ટેકનોલોજીને વેગ આપવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ શરૂ કરી રહ્યા છીએ. જેથી ઓછા દરના હાઉસિંગમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. આ જ રીતે જો ગામડાની વાત કરીએ તો અગાઉની સરકારે છેલ્લા ચાર વર્ષમાં ગામડાની અંદર સમગ્ર ભારતમાં લગભગ 25 લાખ ઘરના નિર્માણ કર્યા હતા. જેની સામે અમારી સરકારે છેલ્લા ચાર વર્ષમાં આશરે 25 લાખ ઘરનું નિર્માણ કર્યું છે. એટલે કે સવા ત્રણસો ટકા કરતાં પણ વધારે વૃદ્ધિ. પહેલા મકાન બનાવવા માટે 18 મહિનાનો સમય લાગતો હતો પરંતુ અમે તેને ઘટાડીન તેનું મહત્વ સમજીને ગતિ વધારીને 18 મહિનાનું કામ 12 મહિનામાં પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને આગળ વધ્યા છીએ.
હવે સ્થિતિ એ છે કે એક વર્ષ કરતાં પણ ઓછા ગાળામાં મકાન બનીને તૈયાર થઈ જાય છે. આજે મકાનનોના નિર્માણમાં ઝડપ આવી રહી છે અને જૂઓ કે કેવી રીતે આવી રહી છે. માત્ર ઇંટ અને પથ્થર ઝડપથી નાખી દઇએ તો મકાન બની જાય છે એવું નથી. તેના માટે તમામ સ્તરે યોજનાબદ્ધ રીતે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. માત્ર સ્કેલ જ નહીં પરંતુ કદને લઈને પણ પરિવર્તન થઈ રહ્યા છે. ગામડામાં મકાન બનાવવા માટે ઓછામાં ઓછું ક્ષેત્રફળ અગાઉ 20 ચોરસ મીટર હતું જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે અમે આવીને તેને 20 ચોરસ મીટરને બદલે 25 ચોરસ મીટર કરી નાખ્યું છે. તમને લાગશે કે પાંચ ચોરસ મીટરનો જ ફરક લઈને જગ્યા બનાવવાનો શું અર્થ છે પરંતુ સૌથી મોટો ફાયદો એ છે કે હવે તે મકાનમાં એક અલગ સુસજ્જ રસોડું તેમાં સંકળાઈ ગયું છે.
ગામડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અગાઉ 70-75 હજાર રૂપિયાની મદદ આપવામાં આવતી હતી. જેને અમે વધારીને હવે સવા લાખ રૂપિયા કરી નાખી છે. આજે લાભાર્થીઓને મનરેગામાંથી 90-95 દિવસનું મહેનતાણુ મજૂરી માટે પણ તેમના ખાતામાં જમા થાય છે.
આ ઉપરાંત આજે શૌચાલય બનાવવા માટે 12 હજાર રૂપિયા અલગથી આપવામાં આવે છે. પહેલા એમ જોવા મળતું હતું કે વચેટિયાઓના અને નેતાઓના ઘર બની જતા હતા. પરંતુ ગરીબનું ઘર બનતું ન હતું. ગરીબોના પૈસામાં કોઈ તરાપ મારે નહીં તેને અન્ય કોઈ લઈ જાય નહીં તેના માટે અમે નક્કર વ્યવસ્થા કરી દીધી છે.
આજે ડીબીટી (સીધા લાભ હસ્તાંતરણ)ના માધ્યમથી વચેટિયા પ્રથા બંધ થઈ ગઈ છે અને લાભાર્થીઓને સબસિડી તથા મદદ માટેની રકમ સીધા તેમના ખાતામાં આપવામાં આવી રહી છે. પહેલા જનધન ખાતુ ખોલાવ્યું અને હવે રૂપિયા મોકલવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમની પ્રગતિની દેખરેખ માટે આજે જ ઘર બની રહ્યા છે, જે આવાસ બની રહ્યા છે તેમની જીયો ટ્રેકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પારદર્શકતા જળવાઈ રહે. આ કાર્યોને દિશા (DISHA) પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. તેના થકી હું મારી ઓફિસમાંથી મોનિટર કરી શકું છું કે કેટલું કામ થયું છે અને ક્યાં ક્યાં થયું છે. પ્રગતીની સંપૂર્ણ વિગતો હું મારી ઓફિસમાં બેસીને જોઈ શકું છું.
યુપીએ સરકારના કાર્યકાળમાં લાભાર્થીઓની પસંદગી જે અગાઉના રાજનેતાઓએ તૈયાર કરી હતી તે બીપીએલ યાદીમાંથી કરવામાં આવતી હતી પરંતુ આજે અમે લોકોએ સામાજિક-આર્થિક આધારે ગણતરી કરવાનું શરૂ કર્યું છે તેને કારણે પહેલા જે મુક્તિ આપવામાં આવતી હતી. હવે તેને અમે જોડી દીધી છે અને તેને કારણે વધુને લધુ લોકોને તેમાં સામેલ કરીને તેમને લાભ આપવામાં આવ્યો છે. દરેક ક્ષેત્ર, દરેક વર્ગના લોકોને તેનો લાભ મળી રહ્યો છે.
ઘર માત્ર જરૂરિયાતો સાથે જ નહીં પરંતુ ઘર સન્માન સાથે પણ સંકળાયેલું છે. સ્વાભિમાન સાથે પણ સંકળાયેલું છે. અને એક વાર પોતાનું ઘર બની જાય તો ઘરના તમામ સભ્યોની વિચારધારામાં પરિવર્તન આવે છે. આગળ વધવાનો નવો ઉત્સાહ પેદા થાય છે.
અમારો પ્રયાસ છે કે દરેક પરિવારની એ જરૂરિયાતને પૂરી કરવી અને તેનું સન્માન વધારવું અને તેથી જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોકસ ખાસ કરીને સમાજના નબળા વર્ગો અને મહિલાઓ પર કેન્દ્રિત છે. આદિવાસી હોય કે દલિત હોય કે પછાત કે એસસી, એસટી, ઓબીસી કે લઘુમતિ હોય કે કોઈ દિવ્યાંગ ભાઈ બહેનો હોય અમે તેમને પ્રાથમિકતા આપી રહ્યા છીએ.
આ પ્રમાણે યોજનાબદ્ધ રીતે વ્યાપક સ્તર પર થઈ રહેલા પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ઝડપથી મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે. આપણે જમીનથી જોડાયેલા લોકો છીએ. સામાન્ય માનવીની સમસ્યાઓને તેમની પીડાને આપણે સારી રીતે સમજીએ છીએ અને આ જ કારણ છે કે અમે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છીએ. સરકારોમાં આમ ચાલતું આવ્યું છે કે દરેક યોજના અલગ-અલગ રીતે કામ કરે છે. પહેલા મંત્રાલયોની વચ્ચે, બે વિભાગો વચ્ચે, બે યોજનાઓની વચ્ચે સમન્વય રહેતો ન હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિવિધ સરકારી યોજનાઓને એક સાથે લાવવામાં આવી છે, જોડવામાં આવી છે. નિર્માણ અને રોજગારી માટે તેને મનરેગા સાથે સાંકળવામાં આવી. ઘરમાં શૌચાલય, વિજળી, પાણી અને એલપીજી ગેસની સવલત હોય તેનું ધ્યાન અલગથી રાખવામાં આવ્યું. ઘરમાં શૌચાલય હોય તે માટે સ્વચ્છ ભારત મિશન સાથે તેને જોડવામાં આવી. ઘરમાં વીજળીની સવલત હોય તે માટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અને સૌભાગ્ય યોજનાને એક સાથે જોડાવામા આવી. પાણીની સુવિધા માટે તેને ગ્રામીણ પેયજળ કાર્યક્મ સાથે સાંકળવામાં આવી. એલપીજી વ્યવસ્થા થાય તે માટે ઉજ્જવલા યોજનાને તેની સાથે જોડી દેવાઈ. આ આવાસ યોજના માત્ર એક ઘર પૂરતી મર્યાદિત નથી પરંતુ તે સશક્તિકરણનું પણ માધ્યમ છે. શહેરોમાં જેમને મકાનનો લાભ મળ્યો છે તેમાંથી 70 ટકા મહિલાઓના નામે છે.
આજે જ્યારે અગાઉની સરખામણીએ વધુ મકાનો બની રહ્યા છે તો તેનાથી રોજગારીની તકો પણ પેદા થઈ રહી છે.
સ્થાનિક સ્તર પર ઇંટ, સિમેન્ટ, રેતીથી લઈને તમામ પ્રકારની બાંધકામ સામગ્રીનો વેપાર વધી રહ્યો છે. સ્થાનિક મજૂરો, કારીગરોને પણ લાભ મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગામડામાં ગુણવત્તાપૂર્વક કાર્ય માટે સરકારે એક લાખ રાજ મિસ્ત્રિઓને પ્રશિક્ષણ આપવાનું કામ પણ શરૂ કર્યું છે. તમને આ જાણ કરતાં આનંદ થશે કે અન્ય ઘણા રાજ્યોમાં રાજ મિસ્ત્રિની માફક રાની મિસ્ત્રીને પણ પ્રશિક્ષિત કરવામાં આવી રહી છે. આ મહિલા સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે.
શહેરી ક્ષેત્રમાં વધુને વધુ લોકોને આ યોજના અંતર્ગત એકત્રિત કરવા માટે સરકારે તાર મોડેલ તૈયાર કર્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી ક્ષેત્રોના લાભાર્થીઓને ઘર બનાવવા અથવા તો તેનો કદનો વ્યાપ વધારવા માટે પ્રતિઘર દોઢ લાખ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે.
લિંક સબસિડી યોજના હેઠળ ઘર બનાવવા માટે લેવાયેલી લોન પરનું વ્યાજમાં ત્રણથી છ ટકાની સબસિડી આપવામાં આવી છે. એ ક્ષેત્રોમાં પુનઃવિકાસ માટે સરકાર ઘર દીઠ એક લાખ રૂપિયાની સહાય કરે છે. અથવા તો પબ્લિક સેક્ટરની સાથે ભાગીદારીમાં વાજબી દરે આવાસ, પરવડે તેવા મકાન માટે આર્થિક રીતે પછાત લોકો માટે ઘર દીઠ દોઢ લાખ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે. અગાઉ જોવા મળતું હતું કે બિલ્ડરો પૈસા તો લઈ લેતા હતા પરંતુ વર્ષો સુધી એક ઇંટ પણ લગાડવામાં આવતી નહોતી. ગરીબ અને મધ્યમ વર્ગનો ફાયદો થાય, ઘર ખરીદનારાના હિતોનું રક્ષણ થઈ શકે. મધ્યમવર્ગીય પરિવાર જીવનની સમગ્ર કમાણી મકાન બનાવવામાં લગાવી દે છે તો તેને કોઈ લૂંટી લે નહીં તેના માટે અમે રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ) લાગુ કર્યો છે. આ કાનૂનથી પારદર્શકતા આવવાની સાથે-સાથે ખરીદનારને તેનો હક્ક પણ મળશે અને બિલ્ડર પણ ખરીદનાર સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરતા ડરશે.
આજે દેશમાં એવા ઘણા દાખલા છે જેમની આશાઓ અને અપેક્ષાઓને આ યોજનાથી પાંખો આવી છે. ઘર બનવાથી સમૃદ્ધિ અને સુરક્ષા તો વધે જ છે અને આરોગ્ય પણ સારું રહે છે. પોતાનું ઘર હોવું દરેકની પ્રથમ પ્રાથમિકતા હોય છે, અગાઉ પણ હતી પરંતુ કમનસીબની વાત એ હતી કે પહેલા આ બધુ છેલ્લે પૂર્ણ થતું હતું, અધૂરું રહી જતું હતું જ્યારે હવે એવું નથી થતું.
આપણે બધા હંમેશાં સાંભળતા આવ્યા છીએ કે એક જીવન વીતી જાય છે પોતાનું ઘર બનાવવામાં. સાંભળી છે ને આ કહેવત, આખી જિંદગી જતી રહે છે એક ઘર બનાવવામાં. પણ હવે આ જૂદી સરકાર છે. હવે કહેવત પણ બદલાઈ રહી છે, દેશ બદલાઈ રહ્યો છે, કહેવત બદલાઈ રહી છે અને કહેવત બદલવાનો સમય આવી ગયો છે. હવે સમય આવી ગયો છે કે હવે આપણી અંદરથી અવાજ આવશે કે હવે જીવન વીતે છે પોતાના જ આશિયાનામાં.
હું માનું છું કે હવે આટલી મોટી વ્યવસ્થા છે તો હજી પણ કેટલાક લોકો હશે જેમની જૂની આદતો બદલી નહીં હોય અને તેથી તમને સૌને મારી અપીલ છે કે આ યોજના હેઠળ કોઈ પણ પ્રકારનો લાભ પહોંચાડવા માટે જો કોઈ તમારી પાસેથી બિનજરૂરી પૈસા કે અન્ય કોઈ માગણી કરી રહ્યું છે તો તમે જરા પણ ખચકાટ વિના તેની ફરિયાદ કરો. તેના માટે તમે કલેક્ટર કે મંત્રી પાસે તમારી ફરિયાદ કરી શકો છો.
મેં પહેલા પણ કહ્યું હતું કે ભારતના સપના અને આકાંક્ષાઓ આટલા માત્રથી જ પૂરા થતા નથી. અમે એક મજબૂત જમીન તૈયાર કરી છે અને આપણી સામે એક અસીમ આકાશ છે, સૌના માટે મકાન, સૌના માટે વીજળી, સૌના માટે બેંક, સૌના માટે વીમો, સૌના માટે ગેસ કનેક્શન આ બધુ નવા ભારતની સંપૂર્ણતાની ઝલક હશે.
આધુનિક સુવિધાઓથી જોડાયેલા ગામડા અને સમાજની દિશામાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને તેથી જ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો સમક્ષ આ વાત કરવાની આજે મને તક મળી છે. એક નાનકડો વીડિયો હું તમને દેખાડવા માગું છું. ત્યાર બાદ હું તમને પણ સાંભળવાનું પસંદ કરીશ.