આ બજેટ 100 વર્ષની ભયંકર આપદા વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ બજેટ, અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે જ સામાન્ય માનવી માટે, અનેક નવી તકો સર્જશે. આ બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓની નવી સંભાવનાઓથી ભરેલું છે. અને વધુ એક નવું ક્ષેત્ર ખુલ્યું છે અને એ છે ગ્રીન જોબ્સનું. આ બજેટ તત્કાલીન આવશ્યકતાઓનું પણ સમાધાન કરે છે અને દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને પણ સુનિશ્ચચિત કરે છે.
હું છેલ્લા કેટલાક કલાકોથી જોઈ રહ્યો છું, જે પ્રકારે આ બજેટનું દરેક ક્ષેત્રમાં સ્વાગત થયું છે, સામાન્ય માનવીની જે સકારાત્મક પ્રતિક્રિયા આવી છે, તેણે જનતા જનાર્દનની સેવાનો અમારો ઉત્સાહ અનેકગણો વધારી દીધો છે.
જીવનના દરેક ક્ષેત્રમાં આધુનિકતા આવે, ટેકનોલોજી આવે, જેમકે કિસાન ડ્રોન હોય, વંદે ભારત ટ્રેન હોય, ડિજિટલ કરન્સી હોય, બેન્કિંગના ક્ષેત્રમાં ડિજિટલ યુનિટ્સ હોય, 5G સેવાઓનું રોલ આઉટ હોય, નેશનલ હેલ્થ માટે ડિજિટલ ઈકોસિસ્ટમ હોય, તેનો લાભ આપણા યુવાનો, આપણા મધ્યમ વર્ગીય, ગરીબ-દલિત, પછાત, આ તમામ વર્ગોને મળશે.
આ બજેટનું એક મહત્વનું પાસુ છે – ગરીબનું કલ્યાણ. દરેક ગરીબ પાસે પાક્કું ઘર હોય, નળમાંથી જળ આવતું હોય, તેમની પાસે શૌચાલય હોય, ગેસની સુવિધા હોય, આ તમામ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે જ આધુનિક ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ એટલો જ ભાર અપાયો છે.
જે ભારતના પહાડી ક્ષેત્રો છે, હિમાલયનો આખો પટ્ટો. જ્યાં જીવન સરળ બને, ત્યાંથી પલાયન ન થાય, તેને ધ્યાનમાં રાખીને પણ નવી ઘોષણા કરવામાં આવી છે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, નોર્થ-ઈસ્ટ, એવા ક્ષેત્રો માટે પ્રથમવાર દેશમાં પર્વતમાળા યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પહાડો પર ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટીની આધુનિક વ્યવસ્થાનું નિર્માણ કરશે.
ભારતના કોટિ-કોટિ લોકોની આસ્થા, મા ગંગાની સફાઈની સાથે-સાથે ખેડૂતોના કલ્યામ માટે એક અગત્યનું કદમ ઉઠાવાયું છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આ રાજ્યોમાં ગંગા કિનારે, નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવાં આવશે. આનાથી મા ગંગાની સફાઈનું જે અભિયાન છે તેમાં મા ગંગાને કેમિકલ મુક્ત કરવામાં પણ ખૂબ મોટી મદદ મળશે.
બજેટની જોગવાઈ એ સુનિશ્ચિત કરનારી છે કે કૃષિ લાભપ્રદ હોય, તેમાં નવી તકો હોય. નવા એગ્રીકલ્ચર સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ફંડ હોય કે પછી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે નવું પેકેજ, તેનાથી ખેડૂતોની આવક વધારવામાં ખૂબ મદદ મળશે. MSP ખરીદીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સવા બે લાખ કરોડ રૂપિયાથી પણ વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
કોરોના કાળમાં MSME એટલે કે આપણા નાના ઉદ્યોગોની મદદ અને તેમની સુરક્ષા માટે દેશે સતત અનેક નિર્મય લીધા હતા. અનેક પ્રકારની મદદ પહોંચાડી હતી. આ બજેટમાં ક્રેડિટ ગેરંટીમાં રેકોર્ડ વૃદ્ધિની સાથે જ અનેક અન્ય યોજનાઓનું એલાન કરવામાં આવ્યું છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68 ટકા ડોમેસ્ટિક ઈન્ડસ્ટ્રીને રિઝર્વ કરવાનો પણ મોટો લાભ, ભારતના MSME સેક્ટરને મળશે. આ આત્મનિર્ભરતાની તરફ ખૂબ મોટું મજબૂત કદમ છે. સાડા 7 લાખ કરોડ રૂપિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટમાં અર્થવ્યવસ્થાને નવી ગતિની સાથે જ, નાના અને અન્ય ઉદ્યોગો માટે નવી તકો પણ સર્જાશે.
હું નાણાં મંત્રી નિર્મલાજી અને તેમની સમગ્ર ટીમને આ લોકાભિમુખ અને પ્રગતિશીલ બજેટ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
કાલે ભારતીય જનતા પાર્ટીએ મને સવારે 11 વાગ્યે બજેટ અને આત્મનિર્ભર ભારત વિષય પર વાતચીત કરવા માટે આમંત્રિત કર્યો છે. કાલે 11 વાગ્યે હું બજેટના આ વિષય પર વિસ્તારથી વાત કરીશ. આજે આટલું પૂરતું છે. ખૂબ-ખૂબ ધન્યવાદ!