ભારત માતાની જય,
ભારત માતાની જય,
ભારત માતાની જય,
મંચ પર બેઠેલા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી, અહિંના લોકપ્રિય યશસ્વી અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન આદિત્ય યોગીરાજજી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન દિનેશ શર્માજી, સાંસદ પ્રૉ. રામશરણ કઠેરીયાજી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને સંસદમાં મારા સાથીદાર ડૉ. મહેન્દ્ર પાંડેજી, ચૌધરી બાબુલાલજી તથા શ્રી અનિલ જૈન, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આગ્રાના મારા વહાલા ભાઈઓ અને બહેનો.
નવા વર્ષમાં ઉત્તરપ્રદેશમાં આ મારો પહેલો કાર્યક્રમ છે. આપ સૌને અને પૂરા ઉત્તરપ્રદેશના લોકોને વર્ષ 2019ની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નૂતન ભારતના નિર્માણની કામગીરી બજાવનાર આપ સૌને હું નમન કરૂ છું.
સાથીઓ આગ્રામાં આપ સૌની વચ્ચે આવવું મારું સૌભાગ્ય છે અને મેં જ્યારે-જ્યારે પણ તમારા સમર્થનની માગણી કરી છે ત્યારે સમગ્ર ઉત્તરપ્રદેશે મને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. તમારા સપના અને તમારી આશાઓ મુજબ સાચા ઠરવાનો એક ઈમાનદાર પ્રયાસ હું હંમેશા કરતો રહુ છું અને તમારા આશીર્વાદ મળતા રહે તે માટે સમર્પણ ભાવનાથી તમારી અને દેશવાસીઓની સેવા કરતો રહું છું.
આપ સૌના વિશ્વાસ અને સહયોગનુ એ પરિણામ છે કે સૌનો સાથ, સૌનો વિકાસનું અમારું મિશન, એક નવા મુકામ સુધી પહોંચી શક્યું છે. થોડી વાર પહેલા, અહિં આગ્રાના વિકાસ સાથે જોડાયેલી જે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે એ દિશા તરફનુ એક મહત્વનું કદમ છે.
આ યોજનાઓ મુખ્યત્વે પાણી, શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલી યોજનાઓ છે. ગટર સાથે જોડાયેલી અને કનેક્ટિવિટી માટેની યોજનાઓ છે અને તેમાં આગ્રાને સ્માર્ટ સિટી બનાવવા સાથે સંકળાયેલી યોજનાઓ પણ છે. આ તમામ યોજનાઓ માટે હું આપ સૌ નાગરિક ભાઈઓ-બહેનોનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. જાપાનનો આ યોજનાઓ માટે જે સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે હું જાપાનનો પણ હૃદયથી આભાર માનું છું.
ભાઈઓ અને બહેનો આજે આપ સૌને એ બાબત જાણીને આનંદ થશે કે વર્ષો પહેલાની એક માંગ આજે પૂરી થઈ છે. સમગ્ર આગ્રા શહેર અને મથુરા સુધી પાણીની ગંભીર સમસ્યા હતી. અહિં જે જમીનનુ પાણી છે તે મહદઅંશે ખારૂ છે. તેના કારણે એ પાણી પીવાલાયક રહ્યું નથી. જે યમુના નદીના પ્રવાહે અહિં જીવનની સંભાવનાનુ સર્જન કર્યું તે જીવનદાયીની નદીનું જળ એટલું દૂષિત થઈ ગયું કે પીવાલાયક જ રહ્યું નથી અને તેના કારણે જ અપર ગંગાની નહેરમાંથી આગ્રાને પીવાનુ પાણી પૂરૂ પાડવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આજે આશરે રૂ. 3 કરોડની આગ્રા જળસંપતિ પુરવઠા ગંગાજળ યોજના આપ સૌના માટે સમર્પિત કરી રહ્યો છું. તેનાથી આ વિસ્તારના તમામ પરિવારોને પીવાનુ સ્વચ્છ પાણી મળવાનું છે. હું તમને એ બાબતે પણ માહિતી આપવા માગું છું કે નમામિ ગંગે મિશન હેઠળ યમુનાજીની સફાઈ પણ અમારા માટે મહત્વની બાબત છે.
ભાઈઓ અને બહેનો,
આગ્રાની પાણીની સમસ્યા દૂર કરવાની સાથે-સાથે શહેરની ગટર વ્યવસ્થાને પણ આધુનિક બનાવવા માટે અનેક પ્રોજેકટ પર કામ કરવામાં આવી રહ્યું છે અને ભાઈઓ-બહેનો, તમને સૌને ગંગા જળ પીવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે પણ જ્યારે પીવાનુ શુદ્ધ પાણી મળે છે ત્યારે માત્ર પાણી મળે છે તેવુ નથી, માત્ર પાવાના પણીની સમસ્યા હલ થાય છે તેવુ નથી, પણ તેની સૌથી મોટી અસર આરોગ્ય પર થતી હોય છે. ખાસ કરીને ગરીબીમાં જીવન વિતાવતા લોકો માટે તો તે ખૂબ જ લાભદાયક બની રહે છે. એક પ્રકારે આગ્રામાં ગંગા જળ જેવુ પાણી પીવા મળે તે અહિં આવનારા પ્રવાસીઓ માટે પણ ખૂબ જ આકર્ષણનો વિષય બની શકે છે. યાત્રાળુઓ અને ખાસ કરીને વિદેશથી આવનારા લોકો જ્યારે જાણશે કે ગંગાના જળનુ શુદ્ધ પાણી તેમને મળી રહ્યું છે ત્યારે આગ્રામાં સમય વિતાવવાનું તેમને ગમશે. એ કારણે આ કામગીરીને માત્ર ઈજનેરીની કામગીરી તરીકે જોવાનુ યોગ્ય નહીં ગણાય અને આટલી લંબાઈની અનેક કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખીને જ્યારે પીવાનુ પાણી લાવવામાં આવ્યું છે ત્યારે તે માત્ર પાણી નહીં પણ આગ્રાના જીવનની અમૃતધારા બની રહેશે અને તે આગ્રાના જીવનને એક નવી શક્તિ પ્રદાન કરશે.
ભાઈઓ અને બહેનો, સમગ્ર દેશમાં એક અમૃત મિશન ચાલી રહ્યું છે. આ અમૃત મિશન હેઠળ આગ્રા શહેરના પશ્ચિમ વિભાગમાં ગટરનાં પાણીનાં નિકાલની યોજનાનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ગટરની જે લાઈનો બિછાવવામાં આવશે તેની સાથે અંદાજે 50 હજાર ઘરને જોડવામાં આવશે.
સાથીઓ, આગ્રાનો સમાવેશ દેશના એવા શહેરોમાં થાય છે કે જ્યાં સ્માર્ટ સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ ક્રમમાં આજે આગ્રામાં એક નવા કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનુ કામ પણ શરૂ કરી દેવાં આવ્યું છે. આશરે 300 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સેન્ટરથી સમગ્ર શહેરની વ્યવસ્થાઓનુ મોનિટરીંગ થશે. અહિંથી સમગ્ર શહેરની દેખરેખ 1200થી વધુ સીસીટીવી મારફતે કરવામાં આવશે. શહેરના ખુણે-ખુણે શું પ્રવૃત્તિ ચાલી રહી છે, કોઈને ટ્રાફિકમાં પરેશાની તો નથી થઈ રહીને, તેની દેખરેખ આ કેમેરા મારફતે કરવામાં આવશે. ક્યાંય કચરાના ઢગલા તો નથી થઈ ગયાને? જે લોકોનું સફાઈ કરવાનું કામ છે તે લોકો સમય પર આવ્યા છે કે નહીં તે સહિતની બાબતો પણ સીસીટીવી કેમેરાની મદદથી જાણી શકાશે. શહેરના ખૂણે-ખૂણાની તપાસ એક જગાએ બેસીને થઈ શકશે તથા ભાઈઓ અને બહેનો. આગ્રા માટે સીસીટીવી કેમેરા એ એક એવી સુવિધા છે કે જે સુરક્ષાની ગેરંટી લઈને આવે છે અને વિદેશી પ્રવાસીઓની સાથે-સાથે દેશના પ્રવાસીઓને પણ તેનાથી સુરક્ષાની ખાતરી થાય છે. સીસીટીવી કેમેરા દ્વારા થઈ રહેલી તપાસને કારણે આપણાં પ્રવાસીઓને આશ્વાસન પ્રાપ્ત થાય છે. આગ્રા જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણે આગ્રા પ્રવાસનના પાછલા 70 વર્ષના તમામ વિક્રમો તોડી શકે અને આગ્રાના અર્થતંત્રને એક એવું બળ મળે કે જેનાથી તેની સમૃદ્ધિ વધે. અહિંયા પાણીની અને સીસીટીવી કેમેરા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ વગેરે સ્માર્ટ સિટીની આ પહેલ શહેરના ટુરિઝમ માટે એક મોટી ભેટ બની રહેશે. ભાઈઓ, આટલું જ નહીં, આગ્રાની કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે આજે રેલ સેતુનું લોકાર્પણ અને હેલિપોર્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
સાથીઓ, આગ્રા જ્યારે સ્માર્ટ સિટી તરીકે પ્રસ્થાપિત થઈ જશે, સ્વચ્છ બનશે, પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે અને અહિં લાગેલા સીસીટીવી કેમેરાને કારણે અહિં આવનારા પર્યટકો માટે પણ એક ખૂબ મોટી પ્રેરણા, તાકાત અને સંતોષનું વાતાવરણ ઉભુ થશે. તાજમહાલ જેવા ઐતિહાસિક વારસાની ચમક પણ વધી જશે અને તેની અસર પર્યટન ઉદ્યોગ પર પડશે તે બાબત નક્કી છે.
ભાઈઓ અને બહેનો, કોઈપણ દેશ કે શહેર હોય, તે જ્યાં સુધી સ્માર્ટ બની શકતું નથી ત્યાં સુધી તે સ્વસ્થ રહી શકતું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રની સરકાર દ્વારા દેશભરમાં સસ્તા અને પ્રભાવી વિસ્તારોમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થાય.
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ આગ્રાની એસએન મેડિકલ કોલેજનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અહિં 250થી વધુ નવી પથારીઓ ઉમેરવામાં આવશે અને સુપર સ્પેશિયાલિટીની સુવિધા પણ વધારવામાં આવશે. આ ઉપરાંત મહિલા હોસ્પિટલમાં 100 પથારીઓ અને મેટરનિટી વીંગ શરૂ કરવામાં આવશે. બે સામુદાયિક કેન્દ્રોનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે.
સાથીઓ, આવનારા સમયમાં દેશમાં હોસ્પિટલોનું એક મોટું નેટવર્ક તૈયાર થવાનું છે અને તેના કારણે શહેરો અને નાના શહેરોમાં આરોગ્યની સુવિધાઓનો વિસ્તાર તો થશે જ, પણ સાથે-સાથે યુવાનો માટે રોજગારની તકો પણ ઉભી થશે. તેનું એક મોટું કારણ આયુષમાન યોજના છે. કેટલાક લોકો તેને મોદી કેર યોજના તરીકે પણ ઓળખાવે છે. તેની સફળતાનો અંદાજ તમને એ બાબત પરથી આવશે કે હવે દરરોજ લગભગ 10 હજાર ગરીબ આ યોજના હેઠળ ઈલાજ કરાવી રહ્યા છે અને આ લોકો એવા છે કે જે 4-4, 5-5 વર્ષોથી બિમારીઓનો સામનો કરી રહ્યા હતા. ગંભીર તકલીફોનો સામનો કરી રહ્યા હતા. નાણાંના અભાવે મોતની રાહ જોઈ રહ્યા હતા અને પીડા સહન કરી રહ્યા હતા.
ભાઈઓ અને બહેનો, ગરીબો જાય તો ક્યાં જાય. આખરે આયુષમાન ભારત યોજનાએ એટલી ઝડપથી આ પીડિતોની મદદ કરી છે કે ઘરમાં એક વ્યક્તિ જ્યારે બિમાર હોય છે, ત્યારે ગંભીર બિમારીમાં સપડાતો હોય ત્યારે, માત્ર એક વ્યક્તિ જ નહીં, સમગ્ર પરિવાર બિમાર થઈ જતો હોય છે. બાળકોનો અભ્યાસ ખર્ચ ખાવાપીવામાં વપરાઈ જતો હોય છે. ઘરના તમામ લોકો બેકાર બની જતાં હોય છે. આ બધાંને બચાવવાનું કામ આયુષમાન યોજનાએ કર્યું છે. જેને મોદી કેર યોજના તરીકે ઓળખવામાં આવે છે તેવી આ યોજનાને 100 દિવસથી વધુ સમય થયો નથી ત્યારે 100 દિવસ કરતાં ઓછા સમયમાં 7 લાખ ગરીબ ભાઈઓ-બહેનો અને બાળકોનો ઈલાજ થઈ ગયો છે અથવા તો હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ છે.
ભાઈઓ અને બહેનો, ભાજપ સરકારની વિકાસની પંચ ધારા એટલે કે બાળકોનો અભ્યાસ, યુવાનોની કમાણી, વૃદ્ધોની દવા, ખેડૂતોને સિંચાઈ અને દરેક વ્યક્તિને સાંભળવમાં આવે તે માટે આ સરકાર પ્રતિબદ્ધ છે. જો કમાણીની વાત કરીએ તો આગ્રા સહિત યુપીના લગભગ તમામ જિલ્લા પોતાના મધ્યમ અને લઘુ ઉદ્યોગોને કારણે જાણીતા બન્યા છે. આગ્રાના પેઠાં તેની તો એક ઓળખ છે જ, પરંતુ અનેક પરંપરાગત કામો પણ આગ્રામાં થાય છે. કેન્દ્ર અને યુપી સરકાર આ નાના-નાના ઉદ્યોગોને શક્તિ પૂરી પાડવામાં લાગી ગઈ છે. યુપી સરકારની એક ગામ, એક ઉત્પાદનની યોજના અહિંયા નાના-નાના અને પરંપરાગત ઉદ્યોગોને વેગ આપી રહી છે અને આ યોજના ખૂબ મહત્વપૂર્ણ પૂરવાર થવાની છે. તેની સાથે-સાથે મેક ઈન ઇન્ડિયાના આપણાં અભિયાનને પણ તેના કારણે શક્તિ મળવાની છે.
સાથીઓ, નાના, મધ્યમ અને લઘુ કદના ઉદ્યોગોને સશક્ત બનાવવા માટે અમારી સરકાર સતત પગલાં લઈ રહી છે. નાના ઉદ્યોગકારોને બેંકોમાંથી ધિરાણ મેળવવામાં તકલીફ પડે નહીં તે માટે ધિરાણ મેળવવાની ઓનલાઈન સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઉત્તરપ્રદેશના લોકો તેનો લાભ લઈ રહ્યા છે, આગ્રાના લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે. માત્ર 59 મિનિટમાં, એક કલાક પણ નહીં, માત્ર 59 મિનિટમાં જ 1 કરોડ સુધીના ધિરાણને સૈદ્ધાંતિક મંજૂરી મળી જાય તેવી ટેકનોલોજી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સરકાર દ્વારા પણ એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મોટા ઉદ્યોગો કે કંપનીઓમાં નાના ઉદ્યોગકારોના પૈસા ફસાઈ જાય નહીં, રોકડ પ્રવાહ જળવાઈ રહે. જે લોકો બહાર માલ-સામાનનો નિકાસ કરે છે અને તેના માટે જે લોકો ધિરાણ મેળવે છે તેમને વ્યાજમાં બે ટકાની રાહત આપવામાં આવી છે. આવી જ રીતે પર્યાવરણની મંજૂરીથી માંડીને ઈન્સપેક્શન સુધીના નિયમોને ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે. આવા તમામ પ્રયાસોને કારણે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને આવનાર સમયમાં વેગ મળશે અને આગ્રા તથા તેની આસપાસના યુવાનોને રોજગારી માટેની નવી તકો પણ મળશે.
નિયમ આસાન હોય ત્યારે વેપાર અને કારોબાર વિકસતા રહેતા હોય છે. વેપારીઓને સમજ પડે તેવી અને ગ્રાહકોને પણ સમજ પડે તેવી નીતિને અનુસરીને વેપારી અને ગ્રાહકના પરસ્પર સંબંધો મજબૂત કરવા માટે જીએસટીની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ આ નવી વ્યવસ્થાને માંડ દોઢ વર્ષ થયું છે ત્યારે અમે લોકોને સતત સાંભળીને, તેમની ફરિયાદો સાંભળીને તેમાં ફેરફાર કરીએ છીએ, તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે અને એવી એક સામાન્ય વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં જે વ્યવસ્થા ગોઠવાઈ છે તેનાથી આટલા મોટા કામને કારણે દુનિયાના લોકોમાં પણ અચરજ પેદા થઈ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે અને એટલા માટે જ આપણે એ બાબત સમજવાની જરૂર છે કે અગાઉ જેટલા કર લાગુ પડતા હતા તેના ઉપરાંત એક જીએસટીનો નવો કર લગાવવામાં આવ્યો છે. આ વાત ખોટી છે, ભ્રમ છે. જીએસટી એ કોઈ નવો વેરો નથી. અગાઉ જે કર લાગતા હતા તે 25 ટકા, 30 ટકા, 18 ટકા, 20 ટકા, 22 ટકા જેટલા લાગતા હતા. અને તે છૂપાયેલા રહેતા હતા. કેટલા કર લાગે છે તેનો ખ્યાલ જ આવતો ન હતો અને આપણે ચૂકવણી કરતાં રહેતા હતા. આ બધા કર નાબૂદ કરવામાં આવ્યા છે અને જે 40 ટકા હતા, 25 ટકા હતા, 30 ટકા હતા, 35 ટકા હતા, 28 ટકા હતા તે બધા કર ઓછા કરીને 99 ટકા ચીજોને 18 ટકાના કર હેઠળ આવરી લેવામાં આવી છે. કોઈ 18 ટકા કરમાં છે, તો કોઈ 12 ટકાના કરમાં છે. કોઈ 5 ટકાના કરમાં છે તો કોઈ શૂન્ય કરમાં છે અને તેનો પૂરેપૂરો લાભ જે ગ્રાહકો જાગૃત છે તેમને થઈ રહ્યો છે અને આટલા માટે જ, ભાઈઓ અને બહેનો જીએસટીને વેપારીઓ અને ગ્રાહકો માટે સરળ બનાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
લોકભાગીદારીથી ચાલતી આ સરકાર આપ સૌને મળીને તમે આપેલા સૂચનો પર અમલ કરી રહી છે અને એટલા માટે જ અમે જીએસટી કાઉન્સિલને આગ્રહ કર્યો છે કે જે ઉદ્યોગકારોનો જીએસટીના વ્યાપમાં સમાવેશ કરાયો છે તેમની આવકવેરાની મર્યાદા નક્કી કરવામાં આવે. મેં ખૂબ જ આગ્રહ કર્યો છે, નિર્ણય મારા હાથમાં નથી, પણ નિર્ણય જીએસટી કાઉન્સિલના હાથમાં છે. જીએસટી કાઉન્સિલમાં તમામ રાજકિય પક્ષોની સરકારો છે, તમામ રાજ્યોની સરકારો છે અને તે બધાંએ મળીને નિર્ણય લેવાનો હોય છે, પરંતુ મેં તેમને આગ્રહ કર્યો છે કે જીએસટીની વ્યાપમાં આવતા ઉદ્યોગકારોની આવકવેરા મર્યાદા રૂ. 20 લાખથી વધારીને રૂ. 75 લાખ કરવામાં આવે.
આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે પણ ઘર બની રહ્યા છે. તેમને પણ માત્ર 5 ટકાના વ્યાપ હેઠળ આવરી લેવામાં આવે તેવી વાત મેં જીએસટી કાઉન્સિલને આગ્રહ પૂર્વક જણાવી છે. અગાઉ પણ જણાવી હતી, પરંતુ કેટલાક રાજ્યોએ અગાઉ તેનો વિરોધ કર્યો હોવાના કારણે સંમતિ સાધી શકાઈ નહોતી. મને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક મળશે ત્યારે જનતા જનાર્દનની આ બાબતને પણ તે ધ્યાનમાં લેશે.
સાથીઓ, સૌનો સાથ સૌનો વિકાસ. આ બાબત એક સૂત્ર નથી, પણ તે સુશાસનનો આત્મા છે. દેશનો કોઈ વર્ગ, કોઈ વ્યક્તિ, કોઈ ક્ષેત્ર તકથી વંચિત ન રહી જાય તે માટેનો પ્રયાસ અમારી સરકાર કરી રહી છે.
ભાઈઓ અને બહેનો, કાલે સમગ્ર દેશે જોયું છે કે લોકસભામાં એક ઐતિહાસિક બિલને મંજૂરી આપવામાં આવી છે. આઝાદી પછી આટલા દાયકાઓ વિત્યા પછી ગરીબીના કારણે જે મોટી અસમાનતા ઉભી થઈ હતી તેનો સ્વીકાર કરીને તેનો ઉપાય શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સામાન્ય શ્રેણીના, જનરલ કેટેગરીના ગરીબ પરિવારોને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી સેવાઓમાં અનામત મળે તે બાબતે એક મોટું અને મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે.
અને મજાની બાબત તો એ છે કે મને જાણવા મળ્યું છે કે અગાઉ પણ ખૂબ નારાબાજી થઈ હતી. ચૂંટણી વખતે અનેક જાહેરાતો કરવામાં આવી હતી અને ત્યારે હું બધાંને ખૂલ્લે ખૂલ્લા કહી રહ્યો હતો કે ચૂંટણીમાં લાભ થાય કે ન થાય તેની હું પરવા કરતો નથી. હું કહેતો રહેતો હતો કે જુઓ, 50 ટકાથી વધુ અનામતનો જો કોઈ વાયદો કરવામાં આવે તો તે અપ્રમાણિકતા બની રહેશે. હું એવું પણ કહેતો હતો કે જો 50 ટકાથી આગળ વધવું હોય તો બંધારણમાં સુધારો કર્યા વગર તે થઈ શકે નહીં. જો કોઈએ આ સિવાયનો વાયદો કર્યો હોય અને જે કંઈ દલિતોને મળી રહ્યું છે તેમાં ચોરી કરવા માંગતો હોય, આદિવાસીઓને જે મળે છે તેમાં ચોરી કરવા માંગતો હોય, અન્ય પછાત વર્ગોને જે મળી રહ્યું છે તેમાં ચોરી કરવા ઈચ્છતો હોય તેમાંથી કાઢી-કાઢીને તેની ઝોળી ભરવા માંગતો હોય તો આવા લોકો તેમની મત બેંકની ઝોળી ભરતા હોય છે. અને એટલા માટે જ અમે કહ્યું હતું કે આવી કામગીરી માટે બંધારણમાં સુધારો આવશ્યક બની રહેશે અને આજે મને આનંદ થાય છે કે જે વાત હું ક્યારેક મુખ્યમંત્રી તરીકે બોલી રહ્યો હતો તે બાબતનું આજે પ્રધાનમંત્રી તરીકે મેં પાલન કર્યું છે. અમે બંધારણના સંશોધનની દિશામાં આગળ વધ્યા અને દલિતો પાસેથી સહેજ પણ ચોરી કર્યા વગર, આદિવાસીઓના હક્ક છીનવ્યા વિના, અન્ય પછાત વર્ગોના હક્કમાંથી કશું ઓછું કર્યા વગર બંધારણમાં વધુ એક સુધારો કરીને મેં મારા દેશના સવર્ણોને, ઉચ્ચ વર્ગના લોકોની, ગરીબ બાળકોની ચિંતા કરવાનું કામ કર્યું છે.
કેટલાક લોકો એવું કહેતા રહ્યા છે કે મોદીજી બધુ ચૂંટણી વખતે શા માટે લઈને આવ્યા. તમે મને કહો કે એવા કોઈ છ મહિના હોય છે કે જ્યારે આપણા દેશમાં ચૂંટણી ન હોય, જો હું 3 માસ પહેલાં લાવ્યો હોત તો તમે કહેતા હોત કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન કે છત્તીસગઠની ચૂંટણીઓ માટે લાવ્યા છે. એના પહેલાં લાવ્યો હોત તો તમે કહેત કે કર્ણાટકની ચૂંટણીઓ માટે લાવ્યો છું. એવું થાય છે કે ભારતમાં દર 6-6 મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલતી રહે છે. એટલે હું કહેતો રહું છુ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દેશમાં એક સાથે થવી જોઈએ. દિવસ રાત આ કામમાં લાગેલા રહેવાનુ બંધ થવું જોઈએ. સરકારે પૂરા 5 વર્ષ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો વારંવાર ચૂંટણીમાં વ્યસ્ત રહેવાનું હોય તો પોલિસ, કાયદો અને વ્યવસ્થા સંભાળશે કે પછી ચૂંટણીના ડબ્બા સંભાળવાની કામગીરી કરશે. આવું જ ચાલતું રહે છે, પણ આ નેતાઓને દેશની કોઈ ચિંતા નથી. એટલે એવા લોકો જે એક બીજાનુ મોં જોવા તૈયાર નથી તેવા લોકો ચોકીદારને દૂરથી જ જોઈને એવા ગભરાઈ જાય છે કે, જે થવાનુ હશે તે થશે, હિસાબ કિતાબ પાછળથી જોઈ લઈશું, પહેલાં આ ચોકીદારને બહાર કાઢો. અરે જો ચોકીદાર ગયો તો બધા લોકો લૂંટા-લૂંટ કરીને જીંદગી પસાર કરી દેશે, પરંતુ ચોકીદાર છે ત્યાં સુધી જીવવાનું મુશ્કેલ બનાવી દઈને જ જંપશે. તમે મને કહો કે ચોકીદારે તેનું કામ કરવુ જોઈએ કે ન કરવુ જોઈએ, શું ચોકીદારે કોઈનાથી ડરવુ જોઈએ?
આ ચોકીદારને શું તમારા આશીર્વાદ છે કે નહી? આ ચોકીદારે પ્રમાણિકતાથી પોતાનુ કામ કરવુ જોઈએ કે ન કરવું જોઈએ? દેશનું લૂંટાયેલું ધન પાછું આવવું જોઈએ કે ન આવવું જોઈએ, ગરીબને તેનો હક્ક મળવો જોઈએ કે ન મળવો જોઈએ. આ ચોકીદાર દેશમાં દરેકને ચોકીદાર તરીકે ઊભા રાખવામાં લાગી ગયેલો છે.
ભાઈઓ અને બહેનો, સવર્ણ સમાજના ગરીબોને અનામત આપવા માટે જે કામ થયું છે, તે કરીને સંસદે આ એક ખૂબ મોટું કામ કર્યું છે. દેશના દરેક નાગરિકનો, સંસદના દરેક સાથીઓએ સમતા અને સમરસતાની ભાવના મજબૂત કરવા માટે, જે-જે લોકો પણ આગળ આવ્યા છે. એ સૌનો હું આભાર વ્યક્ત કરૂ છું.
સાથીઓ, આ કદમથી દેશના લાખો યુવાનોને કે અભાવને કારણે, ગરીબીના કારણે પાછળ રહી જતા હતા તેમને તક મળશે. ગરીબી કોઈના વિકાસમાં, કોઈના જીવન સ્તરને ઊંચુ લઈ જવામાં અવરોધ બને નહીં તેના માટે આ ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, માત્ર નિમણુંકોમાં જ અનામતની વ્યવસ્થા નહીં, પરંતુ દેશમાં ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણની સંસ્થાઓમાં પણ અમે એક મહત્વની કામગીરી કરી છે. અમે સવર્ણ સમાજના ગરીબ લોકોની અનામત માટે કામ કર્યું અને સાથે-સાથે એવો પણ નિર્ણય લીધો કે જે ઉચ્ચ શિક્ષણની બેઠકો છે તેમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે. અમે એવું કોઈ કામ કરવા માંગતા નથી કે જેનાથી કોઈનો હક્ક છીનવાઈ જાય.
અમે એવા પ્રકારની વ્યવસ્થા લઈને આગળ વધી રહ્યા છીએ કે જેમાં આર્થિક સ્થિતિના આધારે આપણાં સમાજમાં જે એક ખાઈ ઉભી થઈ હતી તેના આધારે વર્ષોથી એક માંગણી ચાલી રહી હતી. આ માંગણી પૂરી કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, પરંતુ હું એ પણ કહીશ કે આપણે હવે એ તાકાતોથી સાવધાન રહેવાનું છે કે જે પોતાના સ્વાર્થ માટે અફવાઓનું બજાર ગરમ કરવામાં લાગી ગયેલા છે. ગરીબોના દુશ્મન એવા આ લોકો સોશિયલ મિડિયાથી માંડીને મોટા મોટા મંચ પર હવે જૂઠાણાં ફેલાવવાનું, ભ્રમ ફેલાવવાનું કામ કરવામાં લાગી ગયા છે. સમાજમાં ભાગલા પાડવાથી જેમનો સ્વાર્થ સધાય છે, તેમની કોઈપણ ચાલ હોય, કોઈપણ કાવતરું હોય તો તેને આપણે સંપૂર્ણ રીતે પરાજીત કરવાનો છે.
સાથીઓ, સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાગરિકતા સાથે જોડાયેલા બંધારણમાં કરાયેલો આ સુધારો છે અને તે દેશના એ સંકલ્પનો હિસ્સો છે કે જે મુજબ આપણે એવા તમામ લોકોની પડખે ઉભા રહીશું કે જે લોકો ક્યારેક ભારતની ભૂમિનો હિસ્સો હતા. દેશના ભાગલા થયા તે સમયે અને તે પછી અલગ અલગ પરિસ્થિતિઓના કારણે જે લોકો આપણાંથી અલગ થયા તેમનું જો ધર્મના આધારે શોષણ થતું હોય તો ભારતે તેમની પડખે રહેવું જરૂરી બને છે. મને વિશ્વાસ છે કે વિપક્ષના જે સાથીદારો આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે તે પણ આ ભાવનાને સમજશે.
સાથીઓ, ભ્રષ્ટાચારના વિરોધનું કામ કરવા માટે તમે મને સાડા ચાર વર્ષ પહેલાં જે આદેશ આપ્યો હતો તે માટે હું મારી સંપૂર્ણ ક્ષમતાથી સાચો ઠરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ કારણે જે રીતે આ ચોકીદારની સામે કેટલાંક લોકોએ એકઠા થવાનું શરૂ કરી દીધું છે અને એ બાબત પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ઉત્તરપ્રદેશમાં તો તમે એ પણ જોઈ શકશો કે જે લોકો રેતીથી માંડીને અનેક બાબતોમાં શોષિતો અને વંચિતોના અધિકાર પણ ખાઈ ગયા હતા એવા લોકોએ ભ્રષ્ટાચારની ભાગીદારી માટેનું અભિયાન શરૂ કરી દીધું છે. એક બીજાના ગોટાળા અને કૌભાંડોને છૂપાવવા માટે આ લોકો હાથ મિલાવી રહ્યા છે. જે લોકો એક-બીજા સાથે આંખ મિલાવી શકતા નહોતા તે લોકો સાથે બેસવા તૈયાર થઈ ગયા છે.
ભાઈઓ અને બહેનો, રાજનીતિક સ્વાર્થ માટે લખનઉના ગેસ્ટ હાઉસનો એક શરમજનક કિસ્સો બન્યો હતો તે કાંડને પણ ભૂલી જવામાં આવ્યો છે. મુઝફરનગર સહિત પશ્ચિમ યુરોપના અનેક ભાગોમાં જે કાંઈ થયું હતું તેને ભૂલાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. આ બધુ માત્રને માત્ર એટલા માટે થઈ રહ્યું છે કે ચોકીદાર જાગતો રહ્યો છે. ચોકીદાર સામે ઉભો રહ્યો છે. પૂરી ઈમાનદારી સાથે ઉભો છે. આ ચોકીદારને હટાવવાના એક માત્ર અભિયાન લઈને દરેક તણખલાં અને દરેક ટૂકડાને જોડવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે તપાસ સંસ્થાઓ તેમના કામનો હિસાબ માંગી રહી છે ત્યારે આ લોકો ચોકીદારની સામે કાવતરું રચી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, 2-3 દિવસ પહેલાં તમે સંસદમાં જોયું હશે કે, આપણને ગર્વ છે કે આપણાં દેશની એક દિકરી જે પહેલી વખત સંરક્ષણ મંત્રી બની છે અને પહેલીવાર એક નારી સવા સો કરોડ દેશવાસીઓના રક્ષણ માટે સૂકાન સંભાળી રહી છે. આ એક નારી ગૌરવનો વિષય છે. નારીના અભિમાનનો વિષય છે અને જ્યારે આપણાં સંરક્ષણ મંત્રી એક મહિલા હોય અને સંસદમાં વિરોધ પક્ષના નેતાઓને પરાસ્ત કરવાનું કામ કરી રહ્યા હોય ત્યારે અને તેમના તમામ જૂથને બેનકાબ કરી રહ્યાં હોય ત્યારે વિપક્ષની આંખો તેમને તાકતી જ રહી ગઈ હતી. તમે જોયું હશે કે સંરક્ષણ મંત્રી એક પછી એક સત્યને સંસદ ગૃહ સમક્ષ મૂકી રહ્યા હતા. આ લોકો એવી રીતે છોભીલા પડી ગયા હતા કે હવે તે એક નારીનું અપમાન કરવા તૈયાર થયા છે. એક મહિલા સંરક્ષણ મંત્રીનું અપમાન કરવાથી સંરક્ષણ મંત્રીનું અપમાન થતું નથી, પણ સમગ્ર ભારતની નારી શક્તિનું અપમાન થાય છે અને તેની કિંમત આ બેજવાદાર નેતાઓએ ચૂકવવી જ પડશે.
ભાઈઓ અને બહેનો, એ લોકો તેમની મરજી હોય તેટલો પ્રયાસ કરે, પરંતુ તપાસ એજન્સીઓ તો પોતાનું કામ કરવાની જ છે. આ લોકો પાસે હિસાબ માંગવામાં આવશે. સાથીઓ, જો આ ચોકીદાર આ બધાં લોકોને આવી સ્થિતિમાં મૂકી દેવા માટે સફળ થયો છે તો એવું કેવી રીતે થયું, આ બધુ મોદીના કારણે થયું નથી. તમારા આશીર્વાદને કારણે થયું છે. 130 કરોડ ભારતવાસીઓના વિશ્વાસને કારણે થયું છે. હું તમારા આ વિશ્વાસને સાચો ઠેરવવા માટે સતત પ્રયાસ કરતો રહ્યો છું.
ભાઈઓ અને બહેનો, હવે તમને મિશેલ મામાની કથા તો યાદ રહી જ ગઈ હશે. હેલિકોપ્ટરના રહસ્યો જાણનાર આ વ્યક્તિ હવે ભારતના કબજામાં આવી ગયો છે અને એટલા માટે જ આ લોકોને પરસેવો છૂટી ગયો છે. રહસ્ય જાણનાર આ વ્યક્તિ જો કશું બોલશે તો શું થશે. અને એટલા માટે જ રહસ્ય જાણનાર વ્યક્તિને પકડીને જેલમાં લઈ આવ્યા તો કોંગ્રેસે તેમના એક વકિલને તુરંત જ તેના રક્ષણ માટે મોકલી આપ્યો.
ભાઈઓ અને બહેનો, જો રહસ્ય જાણનરની મદદ માટે કોંગ્રેસનો કોઈ વકિલ પહોંચી જતો હોય તો, તેને બચાવવા માટે કોઈ વકિલ પહોંચી જતો હોય તો દાળમાં કશુંક કાળુ છે તે જાણવામાં શું સમય લાગશે? તો, પડદાની પાછળ શું ચાલી રહ્યું છે તેની ખબર તો પડી જ જશે ને.
ભાઈઓ અને બહેનો, હવે ચોકીદારને કારણે તેમની તકલીફો વધતી જાય છે. તેમને લાગતુ હતું કે આ મોદી કશું પણ કહે પણ તમામ નેતાઓની જેમ સમય જતાં આ બધુ એમને એમ રહી જશે. પરંતુ જ્યારે ચાર વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે અને મોદી એમનો એમ ઉભો રહ્યો છે ત્યારે તેમને એવું લાગી રહ્યું છે કે આ ચોકીદાર, આ ચોકીદર બચવા નહીં દે અને આ લોકો એટલા માટે હેરાન છે. વધુ એક વાર આપ સૌને વિકાસની આ યોજનાઓ માટે હું ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને આપ આટલી મોટી સંખ્યામાં અહિં મને આશીર્વાદ આપવા માટે આવ્યા તે માટે પણ હું આપ સૌનો આભાર માનું છું.
મારી સાથે બોલો,
ભારત માતાની જય
ભારત માતાની જય
ભારત માતાની જય
આપ સૌને મકરસક્રાંતિની ખૂબ–ખૂબ આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.