ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય…
મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, અહિંના ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, સંસદના મારા તમામ સાથી, મહારાષ્ટ્રના મંત્રી અને ધારાસભ્યો તથા અહિં મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
બહેનો અને ભાઈઓ તાજેતરના વર્ષોમાં મને ત્રીજીવાર સોલાપુર આવવાનો અવસર મળ્યો છે. જ્યારે-જ્યારે હું તમારી પાસેથી આશીર્વાદ માંગવા આવ્યો છું. તમે મને ભરપૂર સ્નેહ આપ્યો છે. આશીર્વાદની ખૂબ મોટી તાકાત આપી છે. મને યાદ છે કે ગઈ વખતે હું જ્યારે અહિં આવ્યો હતો તો મેં કહ્યું હતું કે અહિં જે બીએસપી એટલે કે વીજળી, પાણી અને રસ્તાઓની સમસ્યા છે તેને ઉકેલવા માટેના પુરા પ્રયાસ કરવામાં આવશે. મને ખુશી છે કે આ દિશામાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય કે પછી સૌભાગ્ય યોજના અંતર્ગત દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ હોય, અહિં દરેક પર ઝડપી ગતિએ કામ થઇ રહ્યું છે. હું ફડણવીસજીની સરકારને અભિનંદન પાઠવું છું કે તે દરેક ઘરને વીજળી આપવા માટે ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો આજે આ જ કામને વધુ વિસ્તાર આપવા માટે ફરી એકવાર હું તમારી વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા સ્માર્ટ સિટી, ગરીબોના આવાસ, માર્ગ અને પાણી સાથે જોડાયેલી હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હું તમને એ પણ જાણકારી આપવા માગું છું કે સરકારે લગભગ 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનારી સોલાપુર-ઓસ્માનાબાદ વાયા તુળજાપુર રેલવે લાઈનને મંજૂરી આપી દીધી છે.
મા તુળજાપુર ભવાનીના આશીર્વાદથી ખૂબ જ ટૂંક સમયમાં આ લાઈન બનીને તૈયાર થઇ જશે. જેનાથી સ્થાનિક લોકોની સાથે-સાથે દેશભરમાંથી માતાના દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓને પણ સુવિધા રહેશે. આ તમામ પરિયોજનાઓની માટે હું આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું, ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું. આ યોજનાઓ પર વિસ્તૃત વાત શરુ કરતા પહેલા આજે હું સોલાપુરની આ ધરતી પરથી સમગ્ર દેશને પણ અભિનંદન આપવા માગું છું.
ગઈકાલે મોડી રાત્રે લોકસભામાં એક ઐતિહાસિક બિલ પસાર થયું છે. તમારી તાળીઓના અવાજથી મને લાગી રહ્યું છે કે તમે પણ કાલે મોડી રાત સુધી ટીવી જોવા માટે બેઠેલા હતા. સામાન્ય વર્ગના ગરીબ લોકોને 10 ટકા અનામત પર મહોર લગાવીને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું છે. દરેક વર્ગને આગળ વધવાનો અવસર મળે. અન્યાયની ભાવના દૂર થાય. ગરીબ, ભલે તે કોઇપણ ક્ષેત્રનો હોય તેને વિકાસનો પૂરે-પૂરો લાભ મળે, અવસરોમાં પ્રાથમિકતા મળે એ જ સંકલ્પની સાથે ભારતીય જનતા પક્ષ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે.
ભાઈઓ અને બહેનો, કેટલા જૂઠ ફેલાવવામાં આવે છે, કેવી રીતે લોકોને ભટકાવવામાં આવે છે. ગઈકાલના સંસદના અમારા નિર્ણયથી અને હું આશા રાખું છું કે જે રીતે ખૂબ જ તંદૂરસ્ત વાતાવરણમાં કાલે લોકસભામાં ચર્ચા થઇ, મોડી રાત સુધી ચર્ચા થઇ અને લગભગ સર્વસંમતિ વડે, કેટલાક લોકો છે કે જેમણે વિરોધ કર્યો પરંતુ તેમ છતાં પણ બંધારણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય ગઈકાલે લોકસભાએ લીધો છે. હું આશા રાખું છું કે આજે રાજ્યસભામાં ખાસ કરીને એક દિવસ માટે રાજ્યસભાનો સમય વધારવામાં આવ્યો છે. રાજ્યસભામાં પણ આપણા જેટલા પણ પ્રતિનિધિઓ બેઠા છે તેઓ પણ આ કેટલીક ભાવનાઓનો આદર કરીને સમાજની એકતા અને અખંડિતતાને બળ આપવા માટે સામાજિક ન્યાયની પ્રક્રિયાને આગળ વધારવા માટે જરૂરથી હકારાત્મક ચર્ચા પણ કરશે અને ગઈકાલની જેમ જ સુખદ નિર્ણય પણ તુરંત જ લેવામાં આવશે. એવી હું આશા રાખું છું.
ભાઈઓ અને બહેનો આપણા દેશમાં એવું જૂઠ ફેલાવવામાં આવતું હતું અને કેટલાક લોકો અનામતના નામ પર દલિતોને જે મળ્યું છે તેમાંથી કેટલુંક કાઢવા માંગતા હતા, આદિવાસીઓને જે મળ્યું છે તેમાંથી કંઈક ઓછું કરવા માંગતા હતા, ઓબીસીને જે મળ્યું છે તેમાંથી કંઈક કાઢવા માંગતા હતા અને વોટ બેંકની લઘુમતી કરવાની રાજનીતિ કરવા પર લાગેલા હતા. અમે બતાવી દીધું કે જે દલિતોને મળે છે તેમાંથી કોઈ કંઈ જ નથી લઇ શકતું. જે આદિવાસીઓને મળે છે તેમાંથી કોઈ કંઈ જ નથી લઇ શકતું. જે ઓબીસીને મળે છે તેમાંથી કોઈ કંઈ જ નથી લઇ શકતું. આ વધારાના 10 ટકા આપીને અમે સૌને ન્યાય આપવાની દિશામાં કામ કર્યું છે. અને એટલા માટે અમે આનું લઇ લેશુ, તેનું લઇ લેશુ એ જુઠ્ઠાણું ફેલાવનારાઓને ગઈકાલે દિલ્હીમાં સંસદમાં એવો કડક જવાબ મળ્યો છે, એવો તેમના મોઢા પર તમાચો માર્યો છે કે હવે જુઠ્ઠાણું ફેલાવવાની તેમની તાકાત નહીં રહે.
ભાઈઓ અને બહેનો આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ અન્ય એક બિલ પણ ગઈકાલે લોકસભામાં પસાર થયું છે. તે બિલ પણ ભારતમાતાની અંદર આસ્થા રાખનારા દરેક વ્યક્તિની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાગરિક સુધારા બિલ લોકસભામાં પસાર થયા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા મા ભારતીના દીકરાઓ, દીકરીઓને, ભારત માની જય બોલનારાઓને, વંદે માતરમ બોલનારાઓને, આ દેશની માટીને પ્રેમ કરનારાઓને ભારતની નાગરિકતા મેળવવા માટેનો રસ્તો સાફ થઇ ગયો છે.
ઇતિહાસના તમામ ઉતાર ચઢાવ જોયા પછી, તમામ અત્યાચાર સહન કર્યા પછી આપણા આ ભાઈઓ-બહેનો ભારતમાના ખોળામાં જગ્યા ઈચ્છતા હતા. તેમને સંરક્ષણ આપવું એ દરેક ભારતીયની જવાબદારી છે અને આ જવાબદારીને પૂરી કરવાનું કામ પણ ભારતીય જનતા પક્ષની દિલ્હીની સરકારે કર્યું છે. સાથીઓ, આઝાદી પછીથી દાયકાઓમાં દરેક સરકાર પોત-પોતાના હિસાબે કામ કરતી રહી છે. પરંતુ જ્યારે ભાજપના નેતૃત્વમાં આ જ કામ થાય છે તો જમીન અને જનતા સુધી તેની અસર પહોંચે છે.
ભાઈઓ અને બહેનો ગઈકાલે જ્યારે આ કાયદો પસાર થયો છે. સંસદમાં લોકસભાએ પોતાનું કામ કર્યું છે. હું આશા રાખું છું કે આજે રાજ્યસભા પણ આપણા દેશને પ્રેમ કરનારા લોકો માટે જરૂરથી તેને પસાર કરીને લાખો પરિવારોની જિંદગી બચાવવાનું કામ કરશે.
ભાઈઓ અને બહેનો હું ખાસ કરીને આસામના ભાઈઓ બહેનોને, ઉત્તરપૂર્વના ભાઈઓ બહેનોને વિશ્વાસ અપાવવા માગું છું કે ગઈકાલના આ નિર્ણયથી આસામ હોય, ઉત્તરપૂર્વ હોય કે ત્યાંના યુવાનો હોય, તેમના અધિકારોને જરા સરખી પણ આંચ નહીં આવવા દઉં, તેમની તકોમાં કોઈ અડચણ ઉભી નહીં થવા દઉં. તે હું તેમને વિશ્વાસ અપાવવા માગું છું.
ભાઈઓ અને બહેનો પહેલાની સરખામણીમાં જે મોટો તફાવત આવ્યો છે. તે નીતિનો છે, સાચા ઇરાદાની સાથે જરૂરી યોજનાઓના નિર્માણનો છે. ટુકડાઓમાં વિચારવાને બદલે સમગ્રતા અને સંપૂર્ણતાની સાથે નિર્ણય લેવાનો છે. રાષ્ટ્રહિત અને જનહિતમાં કડક અને મોટા નિર્ણયો લેવાનો છે. રાજનીતિની ઈચ્છા શક્તિનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ અમારી સરકારની સંસ્કૃતિ છે, અમારા સંસ્કાર છે અને એ જ અમારો સરોકાર પણ છે અમારી પરંપરા પણ છે. ગામડા, ગરીબથી લઈને શહેરો સુધી આ જ સંસ્થાની સાથે નવા ભારતની નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરવાનું બીડું ભાજપ સરકારે ઉપાડ્યું છે. જે સ્તર પર અને જે ગતિએ કામ થઈ રહ્યું છે તેનાથી સામાન્ય જીવનને સરળ બનાવવામાં પણ ગતિ આવી છે.
સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ લઇ લો. સોલાપુરથી ઓસ્માનાબાદ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચાર લેનનો થઇ ગયો છે અને આજે દેશની માટે સમર્પિત પણ થઇ ગયો છે. આશરે 1 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ વડે દરેક વર્ગ, દરેક સંપ્રદાય, દરેક ક્ષેત્રના લોકોને સુવિધા રહેશે.
સાથીઓ, આઝાદી પછીથી 2014 સુધી દેશમાં લગભગ 90 હજાર કિલોમીટરનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા અને આજે ચાર વર્ષ પછી 1 લાખ 30 હજાર કિલોમીટરથી વધુના છે. વીતેલા સાડા ચાર વર્ષોમાં જ આશરે 40 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો જોડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં લગભગ સાડા પાંચ લાખ કરોડના ખર્ચે આશરે 52 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રોજેક્ટ્સ સ્થાનિક લોકોના રોજગાર માટે પણ ઘણા મોટા સાધન છે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક તૈયાર કરવા માટે જે ભારતમાળા યોજના ચાલી રહી છે. તે અંતર્ગત જ રોજગારના અનેક નવા અવસરોનું નિર્માણ થઇ રહ્યું છે અને જ્યારે હું સોલાપુરમાં શિલાન્યાસ માટે આવ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. અમે દેખાડા માટે કામ નથી કરતા, પથ્થર મૂકી દો, ચૂંટણીનો સમય કાઢી નાખો પછી તમે તમારા ઘરે અને અમે અમારા ઘરે, આ જે રાજનેતાઓએ સંસ્કૃતિ બનાવી હતી તેને અમે સંપૂર્ણ રીતે નાબૂદ કરી નાખી છે અને હું આજે પણ કહું છું. આ ત્રીસ હજાર પરિવારો માટે જે ઘર બની રહ્યા છે ને આજે શિલાન્યાસ થયો છે, ચાવી આપવા માટે પણ અમે જ આવીશું. સૌથી મોટો પુલ હોય, સૌથી મોટી સુરંગ હોય, સૌથી મોટા એક્સપ્રેસ વે હોય, બધું જ આ સરકારના કાર્યકાળમાં બની ચૂક્યા છે અથવા તો પછી તેના પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો આ સૌથી લાંબા અને સૌથી મોટા છે માત્ર એટલા માટે તેનું મહત્વ છે એવું નથી પરંતુ તે એટલા માટે પણ મહત્વના છે કારણ કે તે ત્યાં આગળ બન્યા છે જ્યાં પરિસ્થિતિઓ મુશ્કેલ હતી, જ્યાં કામ સહેલું નહોતું.
ભાઈઓ અને બહેનો આ કામ કેમ થતા નહોતા, વાતો થતી હતી, 40-50 વર્ષ પહેલા વાતો થઇ છે પરંતુ ત્યાં એકાદ સંસદની બેઠક રહેતી હતી, વોટ નહોતા પડેલા તો આ લોકોને લાગતું હતું કે ત્યાં જઈને શું ઉખાડી લેવાનું છે તે જ કારણથી દેશના પૂર્વીય ભાગનો ઘણો જે વિકાસ થવો જોઈતો હતો તે અટકી ગયો. જો પશ્ચિમ ભારતનો જે વિકાસ થયો તેવો જ પૂર્વીય ભારતનો થયો હોત તો આજે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત પરંતુ ભાઈઓ અને બહેનો ત્યાં વોટ વધારે નથી. એકાદ બે બેઠકો માટે શું કામ ખર્ચો કરવાનો એવી વોટ બેંકની રાજનીતિએ વિકાસમાં પણ પથરા નાખવાનું પાપ કર્યું હતું. અમે તેમાંથી બહાર નીકળીને ત્યાં વોટ હોય કે ન હોય ભાજપ માટે અવસર હોય કે ન હોય, વસ્તી ઓછી હોય કે વધુ હોય, દેશની ભલાઈ માટે જે કરવા જેવું છે તે કરવામાં અમે ક્યારેય અટકતા નથી.
સાથીઓ, આ જ સ્થિતિ રેલવે અને એરવેને લઈને છે. આજે દેશમાં રેલવે પર અભૂતપૂર્વ કામ થઇ રહ્યું છે. પહેલાની સરખામણીએ બમણી ઝડપે રેલવે લાઈનોનું નિર્માણ અને વિસ્તૃતીકરણ થઇ રહ્યું છે. ઝડપી ગતિએ વિદ્યુતીકરણ થઇ રહ્યું છે. ત્યાં જ બીજી બાજુ આજે હવાઈ મુસાફરી માત્ર સાધન સંપન્ન લોકો માટે જ મર્યાદિત નથી રહી પરંતુ તેને અમે સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિએ હવાઈ મુસાફરીનો આનંદ લેવા માટે ઉડાન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ ચાલી રહી છે. દેશના ટીયર 2, ટીયર- ૩ શહેરોમાં એરપોર્ટ અને હેલીપેડ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રના પણ ચાર એરપોર્ટ છે, આવનારા સમયમાં સોલાપુરમાંથી પણ ઉડાન યોજના અંતર્ગત ફ્લાઈટ ઉડે તેના માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ, જ્યારે કનેક્ટિવિટી સારી હોય છે તો ગામડા અને શહેરો બંનેની સામાજિક અને આર્થિક ગતિવિધિઓમાં સુધારો આવે છે. આપણા શહેરો તો આર્થિક ગતિવિધિઓના રોજગારના મોટા કેન્દ્રો સોલાપુર સહિત દેશના અન્ય શહેરોનો વિકાસ દસકાઓની એક સતત પ્રક્રિયા વડે થયો છે. પરંતુ એ પણ સત્ય છે કે જે વિકાસ થયો છે તે યોજનાબદ્ધ રીતે થયો હોત તો આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. પરંતુ નથી થયું. દેશના ખૂબ જ ઓછા એવા શહેરો છે કે જ્યાં આયોજન સાથે એક સંપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પરિણામ એ આવ્યું કે વધતી વસ્તીની સાથે શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ન થઇ શક્યું. રસ્તાઓ અને ગલીઓ સાંકડી રહી, ગટરની લાઈનો લીક થતી રહી, કોઈ અવાજ ઉઠાવતું તો થોડું કામ કરીને વાત ટાળી દેવામાં આવતી હતી.
ભાઈઓ અને બહેનો અમારી સરકારે આ સ્થાયી વ્યવસ્થાઓને બદલે સ્થાયી સમાધાનનો રસ્તો પસંદ કર્યો છે. એ જ વિચારધારા અંતર્ગત દેશના સો શહેરોને સ્માર્ટ બનાવવાનું એક મિશન ચાલી રહ્યું છે જેમાં આ આપણું સોલાપુર પણ છે. આ શહેરોમાં રહેનારા લોકોના મત અનુસાર રાજ્ય સરકારોની સાથે મળીને જનભાગીદારીની એક વ્યાપક ચળવળ બાદ પોતાના શહેરોને આધુનિક સુવિધાઓ વડે સુસજ્જ કરવાનું અમે બીડું ઉપાડ્યું છે. અમારા આ પ્રયાસોની ચર્ચા હવે દુનિયામાં થઇ રહી છે. હમણાં તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનના અહેવાલમાં એ જણાવવામાં આવ્યું કે આવનારા દાયકાઓમાં દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસિત થનારા શહેરોમાં દસ શહેરોમાં તમામ દસ શહેરો ભારતના હશે. કોઇપણ ભારતીય માટે તે ગર્વની વાત છે. દુનિયાના દસ શહેરો અને દસેય શહેરો ભારતના… ભારત કેટલું આગળ વધશે તેનો આમાં સંકેત છે.
ભાઈઓ અને બહેનો આ દુનિયાને દેખાઈ રહ્યું છે, પરંતુ દેશના જ કેટલાક લોકો છે જેમને રાજનીતિ સિવાય કંઈ જ સમજણમાં નથી આવતું. આ એવા લોકો છે જેમની પાર્ટીના શાસન દરમિયાન આપણા શહેરોની હાલત ખરાબ થતી ગઈ. આજે આ જ લોકો સ્માર્ટ સિટી મિશનનો મજાક ઉડાવી રહ્યા છે, કોઈ કસર નથી છોડી રહ્યા.
સાથીઓ, આ મિશન દેશના ઈતિહાસમાં શહેરીકરણના વિકાસને નવું પરિમાણ આપવાનો એક પ્રયાસ છે. શહેરની દરેક સુવિધા દેશને સંકલિત કરવાનો પ્રયત્ન છે. શહેરના સામાન્ય લોકોના જીવનની તકલીફોને દૂર કરવાનો એક ઈમાનદાર પ્રયાસ છે. વીતેલા ત્રણ વર્ષોમાં આ મિશન અંતર્ગત આશરે બે લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું માળખું તૈયાર થઇ ચૂક્યું છે. તેમાંથી પણ આશરે 1 લાખ કરોડના પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ પૂરું કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રુંખલા અંતર્ગત આજે સોલાપુર સ્માર્ટ સિટી સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ અહિં કરવામાં આવ્યા છે. તેમાં પાણી અને ગટરવ્યવસ્થા સાથે જોડાયેલી યોજનાઓ છે.
સાથીઓ, સ્માર્ટ સિટી સિવાય દેશના બીજા શહેરો અને કસબાઓમાં અમૃત મિશન અંતર્ગત મૂળભૂત સુવિધાઓનું નિર્માણ થઇ રહ્યું છે. તેમાં પણ લગભગ 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ પ્રગતિ પર છે. અહિં સોલાપુરમાં પણ અમૃત યોજના અંતર્ગત પાણીનો પુરવઠો અને ગટરવ્યવસ્થા સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે આ કાર્યો પૂર્ણ થઇ જશે તો શહેરના અનેક ક્ષેત્રોમાં આપણને પાણીના લીકેજની સમસ્યાથી છુટકારો મળશે. ત્યાં જ બીજી બાજુ જે ઉજની ડેમમાંથી પીવાના પાણીનો પ્રોજેક્ટ છે તેના બનવાથી શહેરમાં પાણીની સમસ્યા પણ ઘણા અંશે હળવી થઇ જશે.
સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે શહેરના ગરીબ અને બેઘર વ્યક્તિ માટે પણ એક નવી વિચારધારા સાથે અમારી સરકાર કામ કરી રહી છે. દેશનો જન-જન સાક્ષી રહ્યો છે કે કેવી રીતે એક બાજુ ઝગમગતી સોસાયટીઓ બનતી રહી છે અને બીજી બાજુ ઝુંપડપટ્ટીઓનો વિસ્તાર થતો રહ્યો છે. આપણે ત્યાં એવી વ્યવસ્થા રહી કે જેઓ ઘર બનાવે છે, કારખાના ચલાવે છે, ઉદ્યોગોને ઊર્જા આપે છે, તેઓ ઝુંપડપટ્ટીઓમાં રહેવા માટે મજબૂર થઈ ગયા. આ સ્થિતિને બદલવાનો પ્રયાસ અટલજીએ શરુ કર્યો હતો.
શહેરોના ગરીબો માટે ઘર બનાવવાનું એક અભિયાન ચલાવ્યું તે અંતર્ગત વર્ષ 2000માં અહિં સોલાપુરમાં રહેનારા કારીગરોને ઝુંપડપટ્ટી અને ગંદકીના જીવનથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લગભગ દસ હજાર કારીગર પરિવારોએ એક સહકારી સમાજ બનાવીને અટલજીની સરકારને પ્રસ્તાવ મોકલ્યો અને પાંચ છ વર્ષોની અંદર તેમને સારા અને પાકા આવાસોની ચાવી પણ મળી ગઈ છે.
મને ખુશી છે કે 18 વર્ષ પહેલા જે કામ અટલજીએ કર્યું હતું તેને જ વિસ્તાર આપવાનો, આગળ વધારવાનો અવસર ફરી એકવાર અમારી સરકારને મળ્યો છે. આજે ગરીબ કારીગર પરિવારોને 30 હજાર ઘરોના પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે અહિં થયો છે. તેના જે લાભાર્થી છે તે કારખાનાઓમાં કામ કરે છે, રીક્ષા ચલાવે છે, ઑટો ચલાવે છે, રેંકડી, લારીઓ ચલાવે છે. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે ખૂબ ટૂંક સમયમાં તમારા હાથમાં તમારા ઘરની ચાવી હશે.
ભાઈઓ અને બહેનો આ વિશ્વાસ હું તમને એટલા માટે આપી શકું છું કે વીતેલા સાડા ચાર વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તેની ગતિએ લાખો ગરીબ પરિવારોના જીવન સ્તરને ઉપર ઉઠાવ્યું છે. શહેરોમાં પહેલા કેવા ઘરો બનતા હતા, અને હવે કેવા ઘરો બની રહ્યા છે. પહેલા સરકાર કઈ ગતિએ કામ કરતી હતી, અમે કઈ ગતિએ કામ કરી રહ્યા છીએ. આજે હું થોડું તેનું પણ ઉદાહરણ આપવા માગું છું.
સાથીઓ, 2004થી 2014ના દસ વર્ષ દિલ્હીમાં રીમોટ કંટ્રોલવાળી સરકાર ચાલતી હતી. 2004થી 2014 દસ વર્ષોમાં શહેરોમાં રહેનારા ગરીબ ભાઈઓ બહેનો માટે માત્ર 13 લાખ ઘર બનાવવાનો નિર્ણય કાગળ પર થયો હતો, કાગળ પર અને તેમાંથી 13 લાખ એટલે કે કંઈ જ નહીં. આટલા મોટા દેશમાં તેમ છતાં તે નિર્ણય કાગળ પર થયો. કામ કેટલાનું થયું, આટલા મોટા દેશમાં માત્ર 8 લાખ ઘરોનું કામ થયું. દસ વર્ષમાં 8 લાખ. એટલે કે એક વર્ષમાં 80 હજાર, આટલા મોટા દેશમાં એક વર્ષમાં 80 હજાર, આ મોદી સરકાર જુઓ એકલા સોલાપુરમાં 30 હજાર. જ્યારે ભાજપ સરકાર દરમિયાન વીતેલા સાડા ચાર વર્ષોમાં તેમના સમયમાં 13 લાખ કાગળ પર નક્કી થયું હતું. અમે 70 લાખ શહેરી ગરીબોના ઘરોને સ્વીકૃતિ આપી દીધી છે અને જે અત્યાર સુધી 10 વર્ષમાં જે નથી કરી શક્યા. અમે ચાર વર્ષમાં 14 લાખ ઘરો બનાવીને તૈયાર થઇ ચૂક્યા છે.
એટલું જ નહીં જે ગતિએ કામ ચાલી રહ્યું છે, ખૂબ જ ટૂંકાગાળામાં નજીકના ભવિષ્યમાં 38 લાખ ઘરોનું બીજું કામ પૂર્ણ થઇ જવાનું છે. વિચાર કરો તેમનો દસ વર્ષનો વિક્રમ અને અમારો સાડા ચાર વર્ષનો રેકોર્ડ. આટલું આભ અને જમીનનું અંતર છે, જો તેમની ઝડપે અમે ચાલતા તો તમારા બાળકોના બાળકો, બાળકોના બાળકોના પણ ઘર બનતા કે ન બનતા તે આપણે નથી કહી શકતા. આ જ અંતર દર્શાવે છે કે તેમને ગરીબોની કેટલી ચિંતા રહી હશે. તેનો સંપૂર્ણ અંદાજ આવી જાય છે.
સાથીઓ, અમારી સરકાર શહેરના ગરીબોની જ નહીં પરંતુ અહિંના મધ્યમ વર્ગની પણ ચિંતા કરી રહી છે. તેની માટે પણ જુના રીત-રીવાજોમાં મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે.
ભાઈઓ બહેનો, ઓછી આવક ધરાવતા વર્ગના લોકોની સાથે-સાથે વાર્ષિક 18 લાખ રૂપિયા કમાનારા મધ્યમ વર્ગના પરિવારોને પણ અમે યોજના હેઠળ લાવ્યા છીએ. તે અંતર્ગત લાભાર્થીને 20 વર્ષ સુધી હોમ લોન પર લગભગ છ લાખ રૂપિયા સુધીની બચત સુનિશ્ચિત કરવામાં આવી છે. છ લાખની આ બચત મધ્યમ વર્ગનો પરિવાર પોતાના બાળકોના પાલન પોષણ અને ભણતરમાં ઉપયોગ કરી શકે છે. આ જ જીવન જીવવાની સરળતા, આ જ સૌનો સાથ સૌનો વિકાસ.
ભાઈઓ અને બહેનો, અહિં આવેલા કામદાર સાથીઓને હું એ પણ જણાવવા માગું છું કે તમારા ઘર તો બની જ જશે તે સિવાય આપ સૌની માટે વીમા અને પેન્શનની વધુ સારી યોજનાઓ સરકાર ચલાવી રહી છે. અટલ પેન્શન યોજના અંતર્ગત આપ સૌને 1 હજારથી 5 હજાર સુધીના પેન્શનનો હક ખૂબ જ ઓછા અંશદાન પર આપવામાં આવી રહ્યો છે.
આ યોજના સાથે દેશના સવા સો કરોડથી વધુ કામદારો જોડાઈ ચૂક્યા છે જેમાંથી 11 લાખ કામદારો આપણા આ મહારાષ્ટ્રના જ છે. તે સિવાય પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના 90 પૈસા પ્રતિદિન, 90 પૈસા 1 રૂપિયો પણ નહીં. ચા પણ આજે એક રૂપિયામાં નથી મળતી, તે ચાવાળાઓને ખબર હોય છે. 90 પૈસા પ્રતિદિન અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રતિ માસ 1 રૂપિયો એટલે કે એક દિવસના માત્ર ૩-4 પૈસા. એક રૂપિયા દર મહિનાના પ્રિમીયમ પર આ ઘણી મોટી બે યોજનાઓ ચાલી રહી છે. આ બંને યોજનાઓ વડે 2-2 લાખ રૂપિયાનો વીમો ગરીબની માટે સુનિશ્ચિત થઇ જાય છે. આયોજનાઓથી દેશમાં 21 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. જેમાંથી સવા કરોડથી વધુ આપણા મહારાષ્ટ્રના ગરીબો છે. આ જ યોજનાઓના કારણે સંકટના સમયે ૩ હજાર કરોડ રૂપિયાથી વધુનો લાભ લોકોને મળી ચૂક્યો છે. 2-2 લાખના હિસાબે જેમના પરિવારમાં સંકટ આવ્યું તો તેમને પૈસા મળ્યા અને આટલા ઓછા સમયમાં ૩ હજાર કરોડ રૂપિયા આ પરિવારોની પાસે પહોંચી ગયા, તકલીફના સમયે પહોંચી ગયા. જો મોદીએ ૩ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હોત તો ભારતના દરેક છાપાઓમાં મુખ્ય સમાચાર હોત કે મોદીએ ગરીબો માટે ૩ હજાર કરોડ રૂપિયા આપી દીધા. કહ્યા વિના, મુખ્ય સમચારોમાં પ્રકાશિત થયા વિના જ, ઢોલ વગાડ્યા વગર ગરીબોના ઘરમાં ૩ હજાર કરોડ રૂપિયા પહોંચી ગયા, તેના ખાતામાં પહોંચી ગયા. આજે સમસ્યાઓ દૂર થાય છે. પરેશાનીઓમાં સરકાર કામ આવે છે. ત્યારે જ સાચો વિકાસ થયો કહેવાય છે અને નીતિ સાફ હોવાની આ જ તો જીવતી જાગતી સાબિતી હોય છે.
સાથીઓ, તમારી સરકાર આ બધા જ કામ કરી શકે છે તો તેની પાછળ એક મોટું કારણ છે… તમને ખબર છે આ બધું કેવી રીતે થઇ રહ્યું છે, તમે કહેશો, આ બધા જ આટલા બધા પૈસા અમે ખર્ચ કરી રહ્યા છીએ, આટલી યોજનાઓ ચલાવી રહ્યા છીએ. આ બધું કઈ રીતે થઇ રહ્યું છે ભાઈ, શું કારણ છે. કહી શકશો તમે… મોદી નહીં, આ એટલા માટે થઇ રહ્યું છે કે પહેલા મલાઈ વચેટીયાઓ ખાઈ જતા હતા, આજે તે બધુ બંધ થઇ ગયુ છે. ચોરી, લૂંટની દુકાનોને તાળા મારી દેવામાં આવ્યા છે. ગરીબના હકનું ગરીબને મળી રહ્યું છે. અને એટલા માટે પાઈ-પાઈનો સદુપયોગ થઇ રહ્યો છે. આ જ સૌથી મોટું કારણ છે કે વચેટીયાઓ ગયા કમીશનખોરોના વિરુદ્ધ એક વ્યાપક સફાઈ અભિયાન ચલાવ્યું છે. જ્યારે હું શહેરની સફાઈની વાત કરું છું, ગામડાના સફાઈની વાત કરું છું તો મેં સરકારમાં પણ સફાઈ ચલાવી છે.
દિલ્હીમાં સત્તાની શેરીઓથી માંડીને ખેડૂતોના બજારો, કરિયાણાની દુકાનો સુધી વચેટીયાઓને હટાવવાની ચળવળ આ ચોકીદારે છેડી છે. અને તેનું જ પરિણામ છે કે જેઓ સત્તાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજતા હતા. પેઢી દર પેઢી રાજ પરંપરાની જેમ આ ખુરશી તેમના જ ખાતામાં લખાયેલી હતી. આ જ તેઓ સમજી બેઠા હતા એવા મોટા મોટા દિગ્ગજો પણ આજે કાયદાના કઠેડામાં ઉભેલા જોવા મળે છે ભાઈ, સંરક્ષણ સોદાઓમાં લાંચ રુશ્વતના જવાબ આજે તેમને આપવા પડી રહ્યા છે. પરસેવો પડી રહ્યો છે, તમે જોયું હશે આંખો ફાટેલી ને ફાટેલી જ રહી જાય છે.
ભાઈઓ અને બહેનો, પહેલાની સરકારે વચેટીયાઓની જે સંસ્કૃતિને તંત્રનો એક ભાગ બનાવી દીધી હતી, તેમણે ગરીબોનો હક તો છીનવી જ લીધો હતો. દેશની સુરક્ષાની સાથે પણ ઘણો મોટો ખેલ કર્યો હતો. હું કાલે જ છાપાઓમાં જોઈ રહ્યો હતો કે હેલિકોપ્ટર ગોટાળાના જે વચેટીયાઓને સરકાર શોધી રહી છે. તે વચેટીયાઓમાંથી એકને વિદેશમાંથી ઉઠાવીને લાવવામાં આવ્યો છે. અત્યારે જેલમાં બંધ છે તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર તે માત્ર હેલિકોપ્ટર ડિલમાં જ સામેલ નહોતો. પરંતુ અગાઉની સરકારના સમય દરમિયાન જે યુદ્ધ વિમાનોનો જે સોદો જ્યાં થતો હતો તેમાં પણ તેની ભૂમિકા હતી. મીડિયાવાળાઓ કહી રહ્યાં છે કે આ મિશેલ મામા કોઈ બીજી કંપનીના વિમાનો માટે લોબિંગ કરી રહ્યો હતો. હવે આ સવાલનો જવાબ મળવા જરૂરી છે કે કોંગ્રેસના નેતાઓ જે અત્યારે બુમો પાડી રહ્યા છે તેમનો મિશેલ મામા સાથે શું સંબંધ છે. આ કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નહીં આપવો પડે, આપવો જોઈએ કે ન આપવો જોઈએ, આ મિશેલ મામા સાથે કોનો સંબંધ છે તે જણાવવું જોઈએ કે ન જણાવવું જોઈએ. જરા મને કહો દેશને લૂંટાવા દેવો જોઈએ ખરો.. પાઈ-પાઈનો હિસાબ માંગવો જોઈએ કે ન માંગવો જોઈએ… ચોકીદારે પોતાનું કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ… ચોકીદારે જાગવું જોઈએ કે સૂતા રહેવું જોઈએ.. જાગવું જોઈએ કે સૂતેલું રહેવું જોઈએ… ચોકીદાર હિમ્મત સાથે આગળ વધે કે ન વધે… ચોકીદારને તમારા આશીર્વાદ છે કે નથી, તમારા આશીર્વાદ છે એટલા માટે જ તો ચોકીદાર લડી રહ્યો છે. મોટા-મોટા દિગ્ગજો સામે લડી રહ્યો છે. ક્યાંક મિશેલ મામાની સોદેબાજીના લીધે જ તો તે સમયે ડિલ અટકી નહોતી ગઈ ને..?
સાથીઓ, આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ સંસ્થાઓ તો શોધી જ રહી છે, દેશની જનતા પણ જવાબ માંગી રહી છે. વચેટીયાઓના આ જે પણ હમદર્દ છે તેમને દેશની સુરક્ષા સાથે કરવામાં આવેલા ખેલનો જવાબ આપવો જ પડશે. કમિશન ખોરોના બધા ભાઈબંધો ભેગા થઈને ચોકીદારને બીવડાવવાના સપના જોઈ રહ્યા છે પરંતુ મોદી છે બીજી માટીથી ઘડાયેલો… ન તો તેને તમે ખરીદી શકશો, ન તો તેને ડરાવી શકશો, તે દેશને માટે તે પાઈ-પાઈનો હિસાબ લઇને જ રહેશે. પરંતુ મને ખબર છે તેમને ખૂબ જ નિરાશા હાથ આવવાની છે કારણ કે આ ચોકીદાર ન તો સુવે છે અને ગમે તેટલું અંધારું કેમ ન હોય તે અંધારાના પાર કરીને ચોરોને પકડવાની તાકાત ધરાવે છે.
ભાઈઓ અને બહેનો, ચોકીદારની આ શક્તિનું કારણ શું છે… હું તમને પૂછું છું કે આ ચોકીદારની શક્તિનું કારણ શું છે..?તે કઈ તાકાત છે. ભાઈઓ-બહેનો, તમારા આશીર્વાદ એ જ ચોકીદારની તાકાત છે. હું તમને વિશ્વાસ અપાવું છું તે લોકો ભલે મને લાખો ગાળો આપે, સતત જુઠ્ઠું બોલે, વારે-વારે જુઠ્ઠું બોલે, જ્યાં ઈચ્છે ત્યાં જુઠ્ઠું બોલે, જોર જોરથી જુઠ્ઠું બોલે પરંતુ ચોકીદાર આ સફાઈ અભિયાનને બંધ નહીં કરે. ન્યુ ઇન્ડિયા માટે વચેટીયાઓથી મુક્ત વ્યવસ્થાનું નિર્માણ થવું જોઈએ.
આ જ વિશ્વાસની સાથે એક વાર ફરી તમામ વિકાસની પરિયોજનાઓ માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
ખૂબ-ખૂબ આભાર!