ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, મુખ્યમંત્રી, યશસ્વી, તેજસ્વી, પરિશ્રમી, શ્રીમાન યોગી આદિત્યનાથજી, હંમેશા હસતા રહેવાનો જેનો સ્વભાવ છે તેવા મારા સાથી ઉપ-મુખ્યમંત્રી શ્રીમાન કેશવપ્રસાદ મૌર્યજી, ઔદ્યોગિક વિકાસ મંત્રી શ્રીમાન સતીશ મહાનાજી, રાજ્ય સરકારમાં મંત્રી ભાઈશ્રી દારા સિંહજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન મહેન્દ્રનાથ પાંડેજી, સંસદમાં અમારી સાથી બહેન નીલમ સોનેકરજી, વિધેયક ભાઈ શ્રી અરુણજી અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
ઋષિ મુનીઓની તપભૂમિ અને સાહિત્ય જગતને અનેક મનીષીઓ આપનારી આઝમગઢની આ ભૂમિને હું નમન કરું છું. આજે ઉત્તરપ્રદેશના વિકાસમાં એક નવો અધ્યાય જોડાવાની શરૂઆત થઇ છે. પૂર્વીય ભારતમાં પૂર્વીય ઉત્તરપ્રદેશના એક મોટા ક્ષેત્રમાં વિકાસની એક નવી ગંગા વહેશે. આ ગંગા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના સ્વરૂપમાં તમને મળવા જઈ રહી છે અને જેનો શિલાન્યાસ કરવાનો આપણને અવસર મળ્યો છે.
સાથીઓ ઉત્તરપ્રદેશનો આ રીતે વિકાસ થાય, ઝડપી ગતિએ વિકાસ થાય, જે વિસ્તારો પછાત છે, તેમને વધારે ઊર્જા લગાવીને બીજાની બરાબરીમાં લાવવામાં આવે, આ દિશામાં કામ કરવાનો નિર્ણય આ ઉત્તરપ્રદેશની જનતા જનાર્દનનો છે, તમારો છે, અમે તો સેવકના રૂપમાં તેનું પાલન કરી રહ્યા છીએ. ચાર વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશે ભારતીય જનતા પાર્ટીને ભરપુર આશીર્વાદ આપીને કેન્દ્ર સરકારમાં કામ કરવાની જવાબદારી આપી. મને કાશીમાંથી ચૂંટ્યો અને ગયા વર્ષે તમે વિકાસની ગતિને બમણી કરનારો ઐતિહાસિક નિર્ણય લીધો. છેલ્લા એક વર્ષમાં જે રીતે યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં કાર્ય કરવામાં આવ્યું છે, તે અભૂતપૂર્વ છે. મોટા-મોટા અપરાધીઓની સ્થિતિ શું છે, તે તમને સારી રીતે ખબર છે. ભારતીય જનતા પક્ષની સરકારે ઉત્તર પ્રદેશમાં વિકાસનું ઉત્તમ વાતાવરણ બનવવાનો પ્રયાસ કર્યો છે. અપરાધ પર નિયંત્રણ લગાવીને, ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવીને યોગીજીએ મોટામાં મોટું રોકાણ લાવવા અને નાનામાં નાના ઉદ્યમી માટે વેપારને સુલભ બનાવવાનું કામ કર્યું છે. ખેડૂત હોય કે નવયુવાન, મહિલા હોય કે પીડિત, શોષિત, વંચિત વર્ગ હોય, તમામના ઉત્થાન માટે સંકલ્પબદ્ધ થઇને યોગીજીની સરકાર તમારી સેવામાં લાગેલી છે. પહેલાના દસ વર્ષોમાં ઉત્તરપ્રદેશની જે રીતે ઓળખ બની ગઈ હતી, તે ઓળખ હવે બદલાવાની શરુ થઇ ગઈ છે. હવે જનતાના પૈસા જનતાની ભલાઈ માટે ખર્ચ થઇ રહ્યા છે. એક-એક પાઈને ઈમાનદારીની સાથે ખર્ચ કરવામાં આવી રહી છે. આ બદલાયેલી કાર્ય સંસ્કૃતિ ઉત્તરપ્રદેશને નવી ઉંચાઈઓ પર લઈને જશે.
ભાઈઓ અને બહેનો, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે સમગ્ર ઉત્તરપ્રદેશ, ખાસ કરીને પૂર્વીય ઉત્તરપ્રદેશની આશાઓ અને આકાંક્ષાઓને નવી ઊંચાઈઓ આપનાર છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર 23,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યા છે. લખનઉથી લઈને ગાજીપુરની વચ્ચે 340 કિલોમીટરના રસ્તામાં જેટલા પણ શહેર, કસબાઓ અને ગામડાઓ આવશે, ત્યાનું ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. એટલું જ નહીં આ માર્ગના બન્યા પછી દિલ્હીથી ગાજીપુરનું અંતર પણ અનેક કલાકો ઓછું થઇ જશે અને ત્યાં કલાકો સુધી લાગતો ટ્રાફિક જામ, તે બરબાદ થઇ રહેલું પેટ્રોલ અને ડીઝલ, પર્યાવરણને નુકસાન આ બધી જ વાતો એક્સપ્રેસ-વે બન્યા પછી વીતેલા કાળની વાતો બની જશે અને સૌથી મોટી વાત કે ક્ષેત્રના લોકોનો સમય બચી જશે. અહીંનો ખેડૂત હોય, પશુપાલક હોય, મારો વણકર ભાઈ હોય, માટીના વાસણોનું કામ કરનારો હોય, દરેકના જીવનને આ એક્સપ્રેસ-વે નવી દિશા આપનાર છે, નવી ગતિ આપનાર છે. આ રસ્તો બની ગયા પછી પૂર્વાંચલના ખેડૂત ભાઈઓ બહેનોનું અનાજ, ફળ શાકભાજી, દૂધ ઓછા સમયમાં દિલ્હીની બજારો સુધી પહોંચી શકશે. એક રીતે ઔદ્યોગિક કોરીડોરના રૂપમાં વિકસિત થશે. આ સંપૂર્ણ એક્સપ્રેસ-વેની આસપાસ નવા ઉદ્યોગો વિકસિત થશે. ભવિષ્યમાં અહિં શિક્ષણ, પ્રશિક્ષણ સંસ્થાન, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તબીબી સંસ્થા જેવી તમામ સંસ્થાઓની સંભાવનાઓ હું જોઈ રહ્યો છું. તેના સિવાય એક બીજી વસ્તુ વધશે અને તે છે પર્યટન, પ્રવાસન. આ ક્ષેત્રમાં જે આપણા મહત્વપૂર્ણ પૌરાણિક સ્થાનો છે, ભગવાન રામ સાથે જોડાયેલા છે, આપણા ઋષિ મુનીઓ સાથે જોડાયેલ છે, તે દરેકનો વધુ પ્રચાર-પ્રસાર થઇ શકશે. તેનાથી અહીંના યુવાનોને પોતાના પારંપરિક કામકાજની સાથે-સાથે રોજગારીના નવા અવસરો પણ ઉપલબ્ધ થશે.
સાથીઓ, મને એમ પણ જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ગોરખપુરને પણ એક એક્સપ્રેસ-વે સાથે જોડવામાં આવશે. તે સિવાય બુંદેલખંડનો પણ આવો જ એક એક્સપ્રેસ-વે બનાવવાનો નિર્ણય અહીંની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. આ બધા જ પ્રયાસો ઉત્તરપ્રદેશમાં સંપર્કને નવા સ્તર પર લઇ જશે. 21મી સદીમાં વિકાસની પાયાની શરત હોય છે જોડાણ. જેમ-જેમ કોઈપણ વિસ્તારમાં જોડાણ વધે છે, ત્યાંની સંપૂર્ણ પ્રણાલી સ્વતઃ વિકસિત થવા લાગે છે. જોડાણથી રોજગારના નવા અવસરો ઉભા કરવા, કારોબારને સરળ બનાવવો અને દેશના ખેડૂત, ગરીબ, વંચિત, શોષિત, પછાત લોકોના જીવન સ્તરને ઉપર ઉઠાવવાનો સતત પ્રયાસ ચાલી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, જ્યારે તમારી નીતિ કામ કરવાની હોય અને લક્ષ્ય વિકાસ હોય, ત્યારે કામની ગતિ પોતાની મેળે જ વધી જાય છે. ફાઈલોને પછી રાહ નથી જોવી પડતી કે કોઈની સિફારિશ લાગે અને ત્યારે જઈને ફાઈલ આગળ વધે. એને કારણ જ વીતેલા ચાર વર્ષોમાં ઉત્તરપ્રદેશમાં નેશનલ હાઈવેનું નેટવર્ક લગભગ બમણું થઇ ગયું છે. 2014થી પહેલા જેટલી લંબાઈના ધોરીમાર્ગો હતા, જેટલી સંખ્યામાં નેશનલ હાઈવે હતા, હવે અત્યારે તેના કરતા બમણા થઈ ગયા છે. વિચારો, આઝાદી પછી જેટલું કામ થયું, તેટલું માત્ર ચાર વર્ષમાં ભાજપાની સરકારે કરીને દેખાડ્યું છે. હવે અહિં યોગીજીની સરકાર બન્યા પછી ઝડપ હજુ વધારે વધી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં માત્ર હાઈવે જ નહી પરંતુ જળમાર્ગ અને હવાઈમાર્ગ પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગંગાજીમાં બનારસથી હલ્દીયા સુધી ચાલનારા જહાજ જે સંપૂર્ણ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વધુ આગળ લઇ જશે. તેના સિવાય હવાઈ સંપર્ક પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને મેં હંમેશા સપનું જોયું છે, હવાઈ ચપ્પલ પહેરનારા લોકો પણ હવાઈ જહાજમાં ઉડી શકે તેને ધ્યાનમાં રાખીને સરકાર ઉડાન યોજનાને ઝડપી ગતિએ આગળ વધારી રહી છે. આ યોજનાના માધ્યમથી નાના શહેરોને હવાઈ કનેક્ટિવિટીની સાથે જોડવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના પણ 12 હવાઈમથક આ જ યોજના અંતર્ગત વિકસિત કરવામાં આવી રહ્યા છે. તેના સિવાય કુશી નગરમાં અને જેવરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોના કામને પણ ગતિ આપવામાં આવી છે.
ભાઈઓ અને બહેનો, મોદી હોય કે યોગી તમે લોકો જ અમારો પરિવાર છો. તમારા સપના એ જ અમારા સપના છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ સાથે જોડાયેલા છીએ, એટલા માટે જ જ્યારે ઉડાન યોજના હેઠળ ભાડાની વાત આવી તો એવું નક્કી કરવામાં આવ્યું કે એક કલાક સુધીની મુસાફરી કરવા માટે અઢી હજાર રૂપિયાથી વધારેનો ખર્ચ ન કરવો પડે. આજે તેનું જ પરિણામ છે કે ગયા વર્ષે જેટલા લોકોએ રેલવેના એસી કોચમાં મુસાફરી કરી તેનાથી વધુ લોકોએ હવાઈ જહાજમાં યાત્રા કરી. સાથીઓ, પહેલાની સરકારોની નીતિઓ એવી રહી છે કે દેશનો આ ભાગ આ આપણું પૂર્વીય ભારત, આ આપણા ઉત્તરપ્રદેશનો પૂર્વીય ઉત્તરપ્રદેશ હંમેશા વિકાસની દોડમાં પાછળ રહ્યો છે. જ્યારે હું માનું છું કે પૂર્વીય ભારતમાં દેશના વિકાસને અનેક ગણી ઝડપી બનાવવાની ક્ષમતા છે, પૂર્વીય ઉત્તરપ્રદેશમાં પણ તેવી જ ક્ષમતા છે. અહીંના નવયુવાનો હવે બીજા રાજ્યોમાં જઈને પોતાના કામ કરવી શકે છે, તો જ્યારે તેમને અહિં જ યોગ્ય અવસર મળી જાય તો નિશ્ચિતરૂપે તે સમગ્ર ક્ષેત્રની કાયાપલટ કરી શકે છે.
સાથીઓ જ્યાં સુધી પૂર્વમાં વિકાસનો સૂર્ય નહીં ઉગે ત્યાં સુધી નવા ભારતની ચમક ફીકી રહી જશે અને એટલા માટે વીતેલા ચાર વર્ષોમાં પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, પૂર્વોત્તર આ ક્ષેત્રોમાં માર્ગો, રેલવે, હવાઈ મથક સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓને મંજુરી આપવામાં આવી છે. દેશના આ પૂર્વીય ભાગને એક રીતે વિકાસનો નવો કોરીડોર બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. અહિં આગળ નવી મેડીકલ કોલેજ એઈમ્સ, બંધ પડેલા ખાણના કારખાનાઓને ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથીઓ આ જે પણ કાર્ય છે તે આ ક્ષેત્રના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે. કોઇપણ પ્રકારના ભેદભાવ વિના, ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો મંત્ર લઈને અમે આગળ વધી રહ્યા છીએ. સૌને સમાન રૂપે આગળ વધવાનો અવસર મળે, સૌનો સંતુલિત વિકાસ થાય. અમારી સરકાર ગામડાઓને વિકાસનું કેન્દ્ર બિંદુ બનાવવા માટે કામ કરી રહી છે. દેશની દરેક મોટી ગ્રામ પંચાયતએ ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ પંચાયતોને તેની સાથે જોડી દેવામાં આવી છે. લગભગ ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર ગામ અને ગરીબના સશક્તિકરણનું તેમના જીવનને સરળ બનાવવાનું ઘણું મોટું કામ કરી રહી છે. તેના સિવાય ગામડાઓમાં આરોગ્ય માટે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે દોઢ લાખથી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રો પણ બનાવવામાં આવી રહ્યા છે.
સાથીઓ, પાછલા ચાર વર્ષોમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને જૂની આવાસ યોજનાઓને પૂરી કરીને ગામડાના ગરીબો માટે એક કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના’ અંતર્ગત દેશના દરેક ગામડાઓને જોડવાનું કાર્ય પણ હવે છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. ભાઈઓ અને બહેનો દેશ અને ગામડાઓમાં સ્વરાજ્યનું આ જ સપનું પૂજ્ય મહાત્મા ગાંધીએ જોયું હતું, બાબા સાહેબ આંબેડકરે જોયું હતું, પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીએ જોયું હતું, ડૉ રામમનોહર લોહિયાજીએ જોયું હતું. આ નવી બની રહેલી વ્યવસ્થાઓ સૌને માટે છે, સૌનું ભલું કરવા માટે છે. પરંતુ દુર્ભાગ્યથી સમતા અને સમાનતાની વાતો કરનારા કેટલાક રાજનૈતિક દળોએ બાબાસાહેબ અને રામમનોહર લોહિયાજીના નામ પર માત્ર રાજનીતિ કરવાનું કામ કર્યું છે. સાથીઓ હું આઝમગઢના લોકો પાસેથી જાણવા માંગું છું કે શું પહેલાની સરકારોના સમયમાં જે રીતે કાર્યો અહિં થયા હતા શું તમે કલ્પના કરી શકો છો? તે કાર્યકલાપોએ ભલું કર્યું છે? શું આઝમગઢનો હજુ વધારે વિકાસ નહોતો થવો જોઈતો? શું જે લોકો પર આઝમગઢ અને આ ક્ષેત્રના લોકોએ ભરોસો મુક્યો, તેમણે તમારો ભરોસો કચડી નાખાવનું કામ કર્યું છે કે નથી કર્યું? સચ્ચાઈ એ છે કે આ દળોએ જનતા અને ગરીબનું ભલું નહી માત્ર અને માત્ર પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ભલું કર્યું છે. મત ગરીબ પાસેથી માંગે , મત દલિત પાસેથી માંગે, મત પછાત લોકો પાસેથી માંગે, તેમના નામ પર સરકાર બનાવીને તેમણે પોતાની તિજોરીઓ ભરી લીધી તેના સિવાય કંઈ જ નથી કર્યું. આજકાલ તો તમે પોતે જ જોઈ રહ્યાં છો કે જેઓ ક્યારેક એક બીજાને જોવા પણ નહોતા માંગતા, પસંદ નહોતા કરતા તેઓ હવે એક સાથે છે. સવાર-સાંજ જ્યારે પણ મળો, મોદી-મોદી-મોદી. ભાઈઓ અને બહેનો, પોતાના સ્વાર્થ માટે જેટલા જમાનત ઉપર છે, તેઓ સાથે મળીને તમામ પરિવારવાદી પાર્ટીઓ, આ બધા લોકોને જોઈ લેજો, આ પરિવારવાળી પાર્ટીઓ છે, આ બધી પરિવારવાળી પાર્ટીઓ મળીને હવે તમારા વિકાસને રોકવા પર લાગેલી છે. તમને સશક્ત બનવાથી રોકવા માંગે છે. તેમને ખબર છે કે જો ગરીબ, ખેડૂત, દલિત, પછાત આ લોકો જો સશક્ત બની જશે તો તેમની દુકાનો હંમેશા માટે બંધ થઇ જશે.
ભાઈઓ અને બહેનો, આ બધા જ પક્ષોની પોલ તો ત્રણ તલાક પરના તેમના પ્રતિભાવે પણ ખોલી નાખી છે. એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર મહિલાઓના જીવનને સરળ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે, ત્યાં જ આ બધા પક્ષો મળીને મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ બહેન-દીકરીઓના જીવનને વધુ સંકટમાં નાખવાનું કામ કરી રહ્યા છે. લાખો કરોડો મુસ્લિમ બહેનો દીકરીઓની હંમેશા માંગ હતી કે ત્રણ તલાકને બંધ કરવામાં આવે અને દુનિયાના ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ ત્રણ તલાકની પ્રથા પર રોક લગાવવામાં આવેલી છે. મેં છાપામાં વાંચ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન નામદારે એવું કહ્યું કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. પાછલા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે, મને આશ્ચર્ય નથી થઇ રહ્યું કારણ કે પહેલા જ્યારે મનમોહનજીની સરકાર હતી ખુદ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીએ કહી નાખ્યું હતું કે દેશના પ્રાકૃતિક સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે. એવું તેઓ કહી ચુક્યા હતા. પરંતુ હું કોંગ્રેસ પાર્ટીના આ નામદારને પૂછવા માંગું છું તમે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની પાર્ટી છે, તમને યોગ્ય લાગે, તમને મુબારક, પરંતુ એ તો કહો કે મુસલમાનોની પાર્ટી માત્ર પુરુષોની જ છે કે પછી મહિલાઓની પણ છે? શું મુસ્લિમ મહિલાઓ માટે, તેમની આબરૂ માટે, સન્માન માટે, ગૌરવને માટે, તેમના હકને માટે કોઈ જગ્યા છે ખરી? સંસદમાં કાયદો રોકીને બેસી જાય છે, હલ્લો કરવા લાગે છે, સંસદ ચાલવા નથી દેતા. હું આ પરિવારવાદી પાર્ટીઓ, આ મોદીને હટાવવા માટે મેદાનમાં દિવસ રાત એક કરનારી પાર્ટીઓને કહેવા માંગું છું, હજી સંસદ શરુ થવામાં ચાર પાંચ દિવસ બાકી છે. જરા તમે ત્રણ તલાકના કારણે પીડિત મુસ્લિમ મહિલાઓને જરા મળીને આવો, હલાલાના કારણે પરેશાન તે માં બહેનોને મળીને આવો, તેમને પૂછીને આવો અને પછી સંસદમાં તમારી વાત કહો.
ભાઈઓ બહેનો, 21મી સદીમાં આવા રાજનીતિક દળો કે જેઓ 18મી શતાબ્દીમાં ગુજારો કરી રહ્યા છે તેઓ મોદીને હટાવવા માટેના નારા આપી શકે છે, દેશનું ભલું નથી કરી શકતા ભાઈઓ બહેનો. જ્યારે ભાજપ સરકારે સંસદમાં કાયદો લાવીને મુસ્લિમ બહેનો દીકરીઓને અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો, તેઓ હવે તેમાં પણ પથ્થર ફેંકી રહ્યા છે. તેઓ ઈચ્છે છે ત્રણ તલાક થતા રહે, મુસ્લિમ બહેન દીકરીઓનું જીવન નર્ક બનતું રહે, પરંતુ હું વિશ્વાસ અપાવું છું કે હું આ રાજનૈતિક દળોને સમજાવવા માટે પૂરો પ્રયાસ કરીશ, તેમને સમજાવીને આપણી બહેન દીકરીઓના અધિકાર અપાવવા માટે તેમને સાથે લાવવાની કોશિશ કરીશ, જેથી કરીને આપણી મુસ્લિમ દીકરીઓને કે જેઓને ત્રણ તલાકના કારણે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેનાથી તેમને મુક્તિ મળે.
ભાઈઓ બહેનો આવા નેતાઓથી, આવા દળોથી સાવધાન રહેવાની જરૂર છે. પોતાના સ્વાર્થમાં ડૂબેલા આ લોકો સૌનું ભલું નથી ઈચ્છતા. રાષ્ટ્રનું ભલું નથી વિચારી શકતા. ત્યાં જ બીજી તરફ કેન્દ્રની જે સરકાર છે, ઉત્તરપ્રદેશની જે ભાજપ સરકાર છે, તેના માટે દેશ એ જ પરિવાર છે, દેશ જ સર્વોપરી છે, સવા સો કરોડ દેશવાસીઓ આપણો પરિવાર છે. ખેડૂત હોય, ગરીબ હોય, વંચિત હોય, શોષિત હોય, પછાતોના જીવનને સરળ અને સુગમ કઈ રીતે બનાવી શકાય તેના માટે અમારી સરકાર સતત કાર્ય કરી રહી છે. જનધન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં લગભગ પાંચ કરોડ ગરીબોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે. લાકડાના ધુમાડાથી મુક્તિ અપાવવા માટે 80 લાખથી વધુ મહિલાઓને મફત ગેસનું જોડાણ આપવામાં આવ્યું છે. માત્ર એક રૂપિયો મહીને અને 90 પૈસા પ્રતિદિનના પ્રિમિયમ પર એક કરોડ 60 લાખથી વધુ ગરીબોને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. હવે આયુષ્માન ભારત અંતર્ગત સરકારની તૈયારી દરેક ગરીબ પરિવારને વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સુનિશ્ચિત કરવાની છે. હમણાં તાજેતરમાં જ સરકારે ખેડૂતોને કરેલા પોતાના વાયદા પુરા કર્યા છે. સરકાર દ્વારા 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવો, એમએસપીમાં ઘણો મોટો વધારો કરવામાં આવ્યો છે. ડાંગર હોય, મકાઈ, જુવાર, બાજરી, તુવેર, અડદ, મગ, સુરજમુખી, સોયાબીન, તલ તેમના ટેકાના ભાવમાં બસ્સો રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીની વૃદ્ધિ કરવામાં આવી છે. અનેક પાકોમાં તો ખર્ચના સો ટકા એટલે કે બમણા સુધીનું મુલ્ય મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાથીઓ અમારી સરકાર દેશની, દેશના નાગરિકોની જરૂરિયાતોને સમજીને યોજનાઓ બનાવી રહી છે, નિર્ણયો લઇ રહી છે. એવા નિર્ણયો જેમની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી, જેમને પહેલાની સરકારો માત્ર ફાઈલોમાં જ ફેરવતી રહી, તે નિર્ણયોને લેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકાર કરી રહી છે. તમારી દરેક જરૂરિયાત પ્રત્યે આ સરકાર સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે. અહિયાં આ ક્ષેત્રમાં બનારસી સાડીઓના કારોબાર સાથે જોડાયેલ વણકર ભાઈ બહેનો પણ સારી રીતે સમજી લે તેમને તો પાછલી સરકારોએ ભુલાવી નાખ્યા હતા, જ્યારે આ સરકાર તેમની માટે આધુનિક મશીનો, ઓછા વ્યાજ પર ધિરાણથી લઈને નવા બજાર બનાવવા સુધીના કામ કરી રહી છે. બનારસમાં વેચાણ સુવિધા કેન્દ્ર તો ગયા વર્ષે જ શરુ થઇ ગયું છે. આ કેન્દ્ર પર તમે સૌ વણકર અને શિલ્પકારો માટે નવી આશા બનીને આવ્યું છે. તેનાથી હસ્ત શિલ્પી અને હાથથી બનેલા ગાલીચાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યાં જ યોગીજીની સરકારે ટેક્સટાઇલ ક્ષેત્રની માટે પણ નવી નીતિઓ બનાવી છે. અહિં જે પણ ઉત્પાદનો થાય છે, તેમનો પ્રચાર-પ્રસાર અને બજાર અપાવવા માટે એક જિલ્લો, એક ઉત્પાદન યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.
ભાઈઓ બહેનો, અહીં કાળી માટીની કલા તો પોતાનામાં જ અનોખી છે. હું યોગીજી અને તેમની ટીમને અભિનંદન આપું છું કે જેમણે તાજેતરમાં જ જે માટી કલા બોર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે, તે પ્રશંસનીય છે. તેનાથી માત્ર લાખો નવા રોજગારનું જ સર્જન નહી થાય પરંતુ એક કળા પણ જીવિત રહેશે.
સાથીઓ, જ્યારે જનહિત અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવામાં આવે છે, જ્યારે ગરીબની ચિંતા કરીને તેના જીવનને સરળ અને સુગમ બનાવવાના લક્ષ્ય પર કામ કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના નિર્ણયો લેવાય છે. નહિંતર કાગળોમાં યોજના બનતા અને ભાષણોમાં શિલાન્યાસ થતા, તે આપ સારી રીતે જાણો છો, તમે તે જોયું છે. ઉત્તરપ્રદેશ અને દેશ હવે તે કાર્ય સંસ્કૃતિથી આગળ વધી ગયું છે.
પૂર્વાંચલના, ઉત્તરપ્રદેશના આપ સૌ ભાઈઓ બહેનોને આ આધુનિક એક્સપ્રેસ-વેનું કામ શરુ થવા બદલ ફરી એકવાર ખૂબ-ખૂબ અભિનંદનની સાથે આપ સૌને અનેક શુભકામનાઓ આપું છું. તમે આટલી મોટી ભારે સંખ્યામાં, આટલી ગરમીમાં, આ લોકોનું પૂર, આ પોતાનામાં જ તમારા પ્રેમનું પ્રતીક છે. તમે આશીર્વાદ આપવા આવ્યા, હું હૃદયથી આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું.