ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન શ્રી મુકેશ અંબાણીજી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી ડી. રાજગોપાલનજી, ડાયરેક્ટર જનરલ પ્રોફેસર એસ. સુંદર મનોહરનજી, ફેકલ્ટી સભ્યો, વાલીઓ અને મારા તમામ યુવા સાથીઓ!
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાનના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ! જે સાથીદારો આજે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે તેમને અને તેમાના માતા- પિતાને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે દેશને તમારા જેવા ઉદ્યોગ માટે સજ્જ ગ્રેજ્યુએટસ મળી રહ્યા છે. તમારા પરિશ્રમ બદલ તમને અભિનંદન, તમે આ યુનિવર્સિટીમાંથી જે કાંઈ શિખ્યું છે તેના માટે શુભેચ્છાઓ. રાષ્ટ્રના નિર્માણ માટે જે મોટા લક્ષ્ય લઈને આજે તમે અહીંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારી નવી સફર માટે અને મંજીલ માટે શુભેચ્છાઓ.
મને વિશ્વાસ છે કે આજે આપનું કૌશલ્ય, તમારી પ્રતિભા, તમારા પ્રોફશનાલિઝમથી આત્મનિર્ભર ભારત એક મોટી તાકાત બનીને ઉભરશે. આજે પીડીપીયુ સાથે જોડાયેલા પાંચ અલગ અલગ પ્રોજેક્ટસનું પણ ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાઓ, પીડીપીયુને માત્ર દેશના ઉર્જા સેક્ટર જ નહીં, પરંતુ પ્રોફેશનલ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટ-અપ વ્યવસ્થાનું એક મહત્વનું કેન્દ્ર બનાવશે.
સાથીઓ,
હું ઘણાં સમય પહેલાંથી આ યુનિવર્સિટીના પ્રોજેક્ટસની શરૂઆત સાથે જોડાયેલો રહ્યો છું એટલા માટે મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે આજે પીડીપીયુ માત્ર દેશની જ નહીં, વિશ્વમાં પણ પોતાનું એક સ્થાન બનાવી રહી છે. પોતાની ઓળખ ઉભી કરી રહી છે. હું આજે અહીંયા મુખ્ય મહેમાન તરીકે નહીં, પણ તમારા આ મહાન સંકલ્પનો જે પરિવાર છે તે પરિવારના એક સભ્ય તરીકે તમારી વચ્ચે આવ્યો છું.
મને એ જોઈને ખૂબ જ ગર્વ થાય છે કે આ યુનિવર્સિટી પોતાના સમયથી ઘણી આગળ ચાલી રહી છે. એક એવો સમય હતો કે જ્યારે લોકો સવાલ કરતા હતા કે આ પ્રકારની યુનિવર્સિટી કેટલી આગળ ધપી શકશે ? પરંતુ અહીંયા વિદ્યાર્થીઓએ, ફેકલ્ટીના સભ્યોએ, અહીંથી તૈયાર થઈને નીકળનારા પ્રોફેશનલ્સે પોતાની કામગીરી મારફતે આ તમામ સવાલોનો જવાબ આપી દીધો છે.
વિતેલા દોઢ દાયકામાં પીડીપીયુએ પેટ્રોલિયમ સેક્ટરની સાથે સાથે સમગ્ર ઉર્જા ક્ષેત્રમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું વિસ્તરણ કર્યું છે અને પીડીપીયુની પ્રગતિ જોઈને આજે હું ગુજરાત સરકારને પણ અનુરોધ કરૂં છું કે જ્યારે હું આ કામની શરૂઆતમાં વિચારી રહ્યો હતો ત્યારે મારા મનમાં હતું કે પેટ્રોલિયમ યુનિવર્સિટી કારણ કે ગુજરાત પેટ્રોલિયમ ક્ષેત્રમાં આગળ ધપવા માંગતું હતું, પરંતુ હવે જે પ્રકારે દેશની જરૂરિયાતો છે, જે પ્રકારે આ યુનિવર્સિટીએ પોતાનું સ્વરૂપ દર્શાવ્યું છે ત્યારે હું ગુજરાત સરકારને આગ્રહ કરીશ કે જરૂર જણાય તો કાયદામાં ફેરફાર કરીને તેને પેટ્રોલિયમ યુનિવર્સિટીને બદલે તેનું નામ એનર્જી યુનિવર્સિટી તરીકે રૂપાંતરીત કરવામાં આવે તો તે ઘણું સારૂં રહેશે, કારણ કે તેના રૂપ અને વ્યાપનો ઘણો વિસ્તાર થવાનો છે તેમજ તમે લોકોએ આટલા ઓછા સમયમાં જે કમાયા છો, દેશને જે આપ્યું છે, કદાચ એનર્જી યુનિવર્સિટીથી તેનો વિસ્તાર થશે તો તે દેશ માટે ખૂબ જ લાભદાયી નીવડશે. પેટ્રોલિયમ યુનિવર્સિટીની કલ્પના મારી જ હતી અને મારી જ કલ્પનાનો વિસ્તાર કરતાં હું પેટ્રોલિયમની જગ્યાએ સમગ્ર એનર્જી ક્ષેત્રને તેની સાથે જોડવા માટે આપને આગ્રહ કરી રહ્યો છું. તમે લોકો વિચાર કરો અને જો યોગ્ય લાગે તો મારો આ જે વિચાર છે તેની પર ધ્યાન આપો.
અહીંયા સ્થાપવામાં આવી રહેલો 45 મેગા વોટનો સોલાર પેનલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ હોય કે પછી સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન વોટર ટેકનોલોજી હોય, દેશ માટે પીડીપીયુ એક બૃહદ વિઝનને પ્રગટ કરી રહ્યું છે.
સાથીઓ,
આજે તમે એવા ઉદ્યોગમાં કદમ મૂકી રહ્યા છો, યુનિવર્સિટીમાંથી નીકળીને ઉદ્યોગ તરફ આગળ વધી રહ્યા છો, મહામારીને કારણે જ્યારે સમગ્ર દુનિયાના ઉર્જા ક્ષેત્રમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે તેવી સ્થિતિમાં ભારતના ઉર્જા ક્ષેત્રમાં વૃધ્ધિની, સાહસ ભાવનાની, રોજગારીની અપાર સંભાવનાઓ છે. આનો અર્થ એ કે તમે સૌ યોગ્ય સમયે, યોગ્ય ક્ષેત્રમાં પહોંચ્યા છો. આ દાયકામાં માત્ર ઓઈલ અને ગેસ સેક્ટરમાં લાખો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ થવાનું છે. એટલા માટે તમારા માટે સંશોધનથી માંડીને મેન્યુફેક્ચરીંગ સુધી તકો જ તકો છે.
સાથીઓ,
આજે દેશ પોતાની કાર્બન ફૂટપ્રિન્ટને 30 થી 35 ટકા ઓછી કરવાના લક્ષ્યાંક સાથે આગળ ધપી રહ્યો છે. દુનિયાની સામે જ્યારે હું આ વાત લઈને ગયો ત્યારે દુનિયાને પણ અજાયબ લાગ્યું હતું કે શું ભારત આ કરી શકશે ? આપણો પ્રયાસ એવો રહ્યો છે કે આ દાયકામાં પોતાની ઉર્જા જરૂરિયાતોમાં નેચરલ ગેસની હિસ્સેદારી આપણે 4 ગણી વધારીશું. દેશની ઓઈલ રિફાઈનીંગ ક્ષમતા પણ આવનારા પાંચ વર્ષના ગાળામાં આશરે બમણી કરવાનું કામ થઈ રહ્યું છે અને તેમાં પણ આપ સૌ માટે અનેક સંભાવનાઓ છે. દેશની ઉર્જા સુરક્ષા સાથે જોડાયેલી સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ લગાતાર કામ ચાલી રહ્યું છે. આ સેકટરમાં તમારા જેવા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે એક વિશેષ ભંડોળ પણ ઉભુ કરવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ જો કોઈ આઈડીયા હોય, કોઈ પ્રોડક્ટ હોય કે કોઈ કન્સેપ્ટ હોય, જેને તમે ઈન્ક્યુબેટ કરવા માંગતા હો તો આ ફંડ તમારા માટે એક શ્રેષ્ઠ અવસર પણ છે. સરકાર તરફથી એક ઉપહાર પણ છે.
એક રીતે કહીએ તો, મને વિશ્વાસ છે કે આજ જ્યારે હું તમારી સાથે આ વાતો કરી રહ્યો છુ ત્યારે તમને થોડી ચિંતા પણ થશે. તમે વિચારી રહ્યા હશો કે કોરોનાનો સમય છે, ખબર નહી સ્થિતિ ક્યારે સરખી થશે અને તમારા મનમાં જે ચિંતાઓ થતી હશે તે સ્વાભાવિક પણ છે. એક એવો સમય હતો કે સમગ્ર દુનિયા આટલા મોટા સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ગ્રેજ્યુએટ થવું તે કોઈ આસાન બાબત નથી, પરંતુ યાદ રાખો તમારી તાકાત, તમારી ક્ષમતા આ પડકારો કરતાં ઘણી મોટી છે. આવો વિશ્વાસ ગૂમાવશો નહીં.
સમસ્યા શું છે તેના કરતાં વધુ મહત્વની બાબત એ છે કે તમારો ઉદ્દેશ શું છે, તમારી અગ્રતા શું છે અને તમારૂં આયોજન શું છે ? અને એટલા માટે એ જરૂરી છે કે તમારી પાસે ઉદ્દેશ હોય, અગ્રતા નિશ્ચિત હોય અને તેના માટે એક સમુચિત આયોજન પણ હોય, કારણ કે એવું નથી કે તમે તમારા જીવનમાં પ્રથમ વખત કોઈ કઠણાઈનો સામનો કરી રહ્યા હશો. એવું પણ નથી કે આ પડકાર એ આખરી પડકાર બની રહેશે. એવું પણ નથી કે સફળ વ્યક્તિઓ પાસે સમસ્યાઓ નથી હોતી, પરંતુ જે પડકારોનો સ્વીકાર કરે છે, જે પડકારોનો મુકાબલો કરે છે, જે પડકારોને પરાસ્ત કરે છે, સમસ્યાઓ સાથે સમાધાન કરતો નથી તે આખરે જીંદગીમાં સફળ થાય છે. કોઈપણ સફળ વ્યક્તિને જુઓ, તે દરેક પડકારોનો સામનો કરીને જ આગળ આવ્યો હશે.
સાથીઓ,
તમે જો 100 વર્ષ પહેલાંનો સમય યાદ કરશો અને હું ઈચ્છીશ કે આજે મારા દેશના નવયુવાનો તે કાલખંડને પણ યાદ કરે. 100 વર્ષ પહેલાંનો કાલ ખંડ એટલે કે આજે આપણે 2020માં છીએ, વિચારી લો કે આજે 2020માં તમારી જે ઉંમર છે, 1920માં તમારી ઉંમરના લોકોનાં સપનાં શું હતા ? 1920માં જે લોકો તમારી ઉંમરના હતા તેમનું ઝનૂન શું હતું, તેમની વિચારધારા શું હતી ? જરા 100 વર્ષ જૂના ઈતિહાસ પર નજર કરો. યાદ કરીશું તો 1920 થી શરૂ થયેલો સમય ભારતની આઝાદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો.
એક રીતે કહીએ તો આઝાદીની લડાઈ દરમ્યાન ગુલામીના કાલખંડમાં કોઈ વર્ષ એવુ નહોતું કે તેમાં આઝાદીના જંગ માટે લડત આપવામાં આવી ના હોય. 1857નું વર્ષ સ્વતંત્રતા સંગ્રામમાં એક ટર્નીંગ પોઈન્ટ બની ગયું હતું, પરંતુ 1920 થી શરૂ કરીને 1947નો જે સમય હતો તે બિલકુલ અલગ હતો. આપણને એ ગાળામાં એવી ઘટનાઓ દેખાતી હતી કે દેશના દરેક ખૂણે, દરેક ક્ષેત્રમાં, દરેક વર્ગમાં એટલે કે દેશનું એક એક બાળક, દરેક વર્ગનો વ્યક્તિ, ગામ હોય, શહેર હોય, ભણેલી વ્યક્તિ હોય, અમીર હોય, ગરીબ હોય દરેક વ્યક્તિ આઝાદીના જંગનો સિપાઈ બની ગયો હતો. લોકો સંગઠીત થઈ ગયા હતા. લોકોએ પોતાના જીવનના સપનાંની આહુતિ આપી હતી અને આઝાદી મેળવવા માટે સંકલ્પ લીધો હતો. અને આપણે જોયું છે કે 1920 થી 1947 સુધી જે યુવા પેઢી હતી, કે જેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દીધું હતું. આજે આપણને ઘણી વખત એ સમયની યુવા પેઢીની ઈર્ષા પણ થતી હોય છે, ક્યારેક મનમાં થતું હશે કે કાશ ! મારો જન્મ પણ 1920 થી 1947ના કાલખંડમાં થયો હોત તો હું પણ દેશ માટે ભગત સિંહ બનીને ચાલી નિકળ્યો હોત. યાદ કરીએ તો મનમાં આવા વિચારો આવતા હોય છે, પરંતુ દોસ્તો આપણને એ સમયે દેશ માટે મરવાની તક મળી નથી, આજે આપણને દેશ માટે જીવવાની તક મળી છે.
તે સમયના નવયુવાનો પણ પોતાનું સર્વસ્વ દેશ માટે સમર્પિત કરીને, માત્ર એક લક્ષ્ય માટે કામ કરી રહ્યા હતા અને તેમનું લક્ષ્ય શું હતું, એક જ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવી. તેમાં અનેક ધારણાઓ હતી, અલગ અલગ વિચાર ધરાવતા લોકો હતા, પરંતુ તમામ પ્રવાહો એક જ દિશામાં ચાલી રહ્યા હતા અને એ દિશા હતી મા ભારતીની આઝાદી. મહાત્મા ગાંધીજીનું નેતૃત્વ હોય કે પછી સુભાષ બાબુનું નેતૃત્વ હોય કે પછી ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂનું નેતૃત્વ હોય કે પછી વીર સાવરકરનું નેતૃત્વ હોય. દરેક પ્રવાહો અલગ અલગ હશે, માર્ગ અલગ અલગ હશે, રસ્તા અલગ અલગ હશે, પણ મંજીલ એક જ હતી- મા ભારતીની આઝાદી.
કાશ્મીરથી લઈને કાળા પાણી સુધીની દરેક કાલ કોઠડીમાં, ફાંસીના દરેક ગાળિયાથી એક જ અવાજ ઉઠતો હતો- દિવાલોમાં એક જ વાત ગૂંજતી હતી. ફાંસીના ગાળિયા એક નારાથી સુશોભિત થતા હતા અને તે નારો હતો- તે સંકલ્પ હતો, જીવનની શ્રધ્ધા હતી તે, મા ભારતીની આઝાદી હતી.
મારા નવયુવાન સાથીઓ,
આજે આપણે તે કાળખંડમાં નથી, પણ આજે માતૃભૂમિની સેવા માટેની તક એવી જ છે. તે સમયે નવયુવાનોએ પોતાની યુવાનીની આહુતિ આઝાદી માટે આપી હતી, તો આપણે પણ આત્મનિર્ભર ભારત માટે જીવવાનું શિખી શકીએ છીએ, જીવીને બતાવી શકીએ છીએ. આજે આપણે આત્મનિર્ભર ભારત માટે જાતે જ એક આંદોલન બની જવાનું છે, એક આંદોલનના સિપાઈ બનવાનું છે. એક આંદોલનનું નેતૃત્વ કરવાનું છે. આજે આપણે આત્મનિર્ભર ભારત માટે ખાસ કરીને દરેક ભારતીય અને મારા નવયુવાન સાથીઓ, તમારી પાસે મારી અપેક્ષા છે કે આપણે પોતાની જાતને ખપાવી દેવાની છે.
આજનું ભારત પરિવર્તન માટે એક મોટા કાલખંડમાંથી પસાર થઈ રહ્યું છે. તમારી પાસે વર્તમાનની સાથે સાથે ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાની ખૂબ મોટી જવાબદારી છે. તમે વિચાર કરો, તમે કેવા સુવર્ણ કાળમાં છો. તમે કદાચ જાતે વિચાર્યું પણ નહીં હોય કે ભારતની સ્વતંત્રતાને 2022માં 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં થઈ રહ્યા છે. આનો અર્થ એ કે 25 વર્ષ તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વર્ષ છે. દેશના 25 મહત્વપૂર્ણ વર્ષ અને તમારા માટે મહત્વપૂર્ણ 25 વર્ષ એક સાથે છે. બંને એક બીજા સાથે કદમ મિલાવે છે અને આવું સૌભાગ્ય જે તમને મળ્યું છે તેવું કદાચ ભાગ્યે જ બીજા કોઈને મળશે.
તમે જુઓ, જીવનમાં એ જ લોકો સફળ થાય છે કે જે કશુંક કરીને બતાવે છે. જેમના જીવનમાં જવાબદારીની ભાવના હોય છે. સફળતાની સૌથી મોટી શરૂઆત તેની મૂડી, જવાબદારીની ભાવના હોય છે અને તમે ઝીણવટપૂર્વક જોશો તો અને જે લોકો નિષ્ફળ નિવડ્યા છે તેમના જીવન તરફ જોશો તો, તમારા દોસ્તો તરફ જોશો તો તેનું કારણ જોવા મળશે કે તેમના મનમાં જવાબદારીની ભાવનાને બદલે બોજાની ભાવના હતી અને એ બોજ નીચે તે દબાયેલા હતા.
જુઓ દોસ્તો, જવાબદારીની ભાવના દરેક વ્યક્તિના જીવનમાં તકની ભાવનાને પણ જન્મ આપે છે. તેમને રસ્તામાં અવરોધના બદલે તક જ, તક દેખાય છે. જવાબદારીની ભાવના જીવનના ઉદ્દેશની સાથે સંવાદિતા ધરાવતી હોય તો તેમની વચ્ચે કોઈ વિરોધાભાસ નહીં હોવો જોઈએ. તેમની વચ્ચે કોઈ સંઘર્ષ નહીં હોવો જોઈએ. જવાબદારીની ભાવના અને જીવનનો ઉદ્દેશ એ બંને એવા પાટા છે કે જેની પર સંકલ્પોની ગાડી ખૂબ ઝડપથી દોડી જતી હોય છે.
મારો તમને આગ્રહ છે કે તમારી અંદર જવાબદારીની એક ભાવના ચોક્કસ ઉભી કરો. આ જવાબદારીની ભાવના દેશ માટે હોવી જોઈએ. દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે હોવી જોઈએ. આજે દેશના અનેક સેક્ટર ખૂબ ઝડપથી આગળ ધપી રહ્યા છે.
સાથીઓ,
ઈચ્છાઓની ભરમાર કરતાં સંકલ્પની શક્તિ અપરંપાર હોય છે. કરવા માટે ઘણું બધું છે, દેશ માટે હાંસલ કરવાનું ઘણું બધું છે, પરંતુ તમારો સંકલ્પ, તમારું લક્ષ, વેરવિખેર ન હોવું જોઈએ, ટુકડાઓમાં વિખેરાયેલું ન હોવું જોઈએ. તમે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશો, તો તમે પોતાની અંદર એનર્જીનો એક વિશાળ ભંડાર પણ અનુભવી શકશો. તમારી અંદરનો જે એનર્જીનો પૂલ છે, તે તમને દોડાવશે, નવા નવા વિચારો આપશે, નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડશે. અને તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, આજે આપણે જે પણ છીએ, જ્યાં પણ પહોંચ્યા છીએ, થોડું તમારા મનને પૂછજો કે, તમે એટલા માટે પહોંચ્યા છો કે તમે સારા માર્ક્સ લાવ્યા હતા, શું એટલા માટે પહોંચ્યા છો કે તમારા માતા–પિતા પાસે પૈસા બહુ હતા, શું એટલા માટે પહોંચ્યા છો કે તમારી પાસે પ્રતિભા હતી. ઠીક છે, આ બધી બાબતોનો ફાળો હશે, પરંતુ જો એવી વિચારધારા હોય, તો તમારી આ વિચારધારા ઘણી અધૂરી છે. આજે આપણે જ્યાં પણ છીએ, જેવા પણ છીએ, આપણાથી વધુ આપણી આસપાસના લોકોનું યોગદાન છે, સમાજનું યોગદાન છે, દેશનું યોગદાન છે, દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિનું યોગદાન છે, ત્યારે જઈને હું આજે અહીં પહોંચ્યો છે. ક્યારેક – ક્યારેક આપણને તેનો અહેસાસ પણ નથી હોતો.
આજે પણ તમે જે યુનિવર્સિટીમાં છો, તે બનાવવામાં કેટલાયે મજૂર ભાઈ–બહેનોએ પોતાનો પરસેવો વહાવ્યો છે, કેટલાયે મધ્યમ વર્ગના પરિવારોએ પોતાના વેરા ચૂકવ્યા હશે, ત્યારે જઈને આ યુનિવર્સિટી બની હશે, આ યુનિવર્સિટીમાં તમારું ભણતર થશે, એવા ઘણા લોકો હશે, જેમના નામ પણ તમને ખબર નહીં હોય, પરંતુ તેમનું પણ તમારી જિંદગીમાં કશુંને કશું યોગદાન છે. આપણને હંમેશા એ અહેસાસ હોવો જોઈએ કે આપણે આ લોકોના પણ ઋણી છીએ, આપણા ઉપર તેમનું પણ કરજ છે. આપણને સમાજે, દેશે અહીં સુધી પહોંચાડ્યા છે. એટલે, આપણે પણ સંકલ્પ લેવો પડશે કે આપણે પણ, દેશનું જે ઋણ મારા ઉપર છે, તે ઋણ હું ઉતારીશ, હું તેને સમાજને પરત કરીશ.
સાથીઓ,
માનવ જીવન માટે ગતિ અને પ્રગતિ અનિવાર્ય છે. સાથે–સાથે આપણે ભાવિ પેઢી માટે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ એટલું જ આવશ્યક છે. જે રીતે ક્લીન એનર્જી ઉજ્જવળ ભવિષ્યની આશા છે, તે જ રીતે જીવનમાં પણ બે વાતો જરૂરી છે – એક, ક્લીન સ્લેટ અને બીજું, ક્લીન હાર્ટ. આપણે ઘણીવાર સાંભળીએ છીએ, તમે પણ બોલતા હશો, તમે પણ સાંભળતા હશો, છોડો યાર, આ તો આવું જ છે, છોડો યાર, કંઈ નહીં થાય, અરે યાર આપણું શું છે, ચલો, એડજસ્ટ કરી લો, ચલો, ચાલતા રહો. આનાથી નહીં ચાલે. ઘણીવાર લોકો બોલતા હોય છે કે દેશમાં તો આ બધું આમ જ ચાલશે, આપણે ત્યાં તો આવું જ થતું આવ્યું છે, અરે ભાઈ, આ જ તો આપણી પરંપરા છે, આમ જ થવાનું છે.
સાથીઓ,
આ બધી વાતો હારેલા મનની વાતો છે, આ તૂટેલા મનની વાતો હોય છે, એક રીતે, જેને કાટ લાગી ગયો હોય તેવા મસ્તિષ્કની વાતો છે. આ બધી વાતો કેટલાક લોકોના મન–મસ્તિષ્કમાં ચોંટી જાય છે, તેઓ આ જ એપ્રોચ સાથે દરેક કામ કરે છે. પરંતુ આજની જે પેઢી છે, 21મી સદીનો જે યુવાન છે, તેણે એક ક્લીન સ્લેટ – કોરી પાટી સાથે આગળ વધવું પડશે. કેટલાક લોકોના મનમાં આ જે પથ્થર ઉપર કોતરાયું હોય તેમ જડબેસલાક બેસી ગયું છે કે કશું બદલાશે નહીં, તે કોતરાયેલી ચીજને સાફ કરવી પડશે. તે જ રીતે, ક્લીન હાર્ટ (સ્વચ્છ હૃદય), તેનો અર્થ મારે સમજાવો નહીં પડે. ક્લીન હાર્ટનો મતલબ છે કે ચોખ્ખી દાનત.
સાથીઓ,
જ્યારે તમે પૂર્વ–ધારણાયુક્ત વિચારો સાથે આગળ વધો છો, ત્યારે કોઈ પણ નવી ચીજ માટે દરવાજા તમે પોતે જ બંધ કરી દો છો.
સાથીઓ,
આજથી વીસ વર્ષ પહેલાનો સમય હતો, જ્યારે હું પહેલીવાર ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો. અનેક પડકારો હતા, અનેક સ્તર ઉપર કામ થઈ રહ્યું હતું. હવે હું તો નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો, હું અગાઉ દિલ્હીમાં રહેતો હતો, અચાનક ગુજરાત આવવું પડ્યું, મારી પાસે રહેવા માટે તો કોઈ જગ્યા ન હતી, તો ગાંધીનગરના સરકીટ હાઉસમાં મેં રૂમ બુક કરાવી લીધો, હજુ સોગંદવિધિ બાકી હતી. પરંતુ નક્કી થઈ ગયું હતું કે હું મુખ્યમંત્રી બનવાનો છું. તો સ્વાભાવિક છે કે લોકો પુષ્પગુચ્છ લઈને આવે છે, મળે છે. એ ગાળામાં જ્યારે લોકો મારી પાસે મળવા માટે આવતા. પરંતુ જે લોકો પણ આવતા, તે વાતવાતમાં ઘણીવાર મને કહેતા કે મોદી જી, તમે મુખ્યમંત્રી બની રહ્યા છો તો એક કામ જરૂર કરજો. લગભગ 70-80 ટકા લોકોએ આ કહ્યું હતું, તમને પણ સાંભળીને આશ્ચર્ય થશે. એ લોકો કહેતા હતા કે મોદીજી, કંઈ પણ કરો, સાંજે જમવા બેસીએ તે સમયે વીજળી મળે, એટલું તો કરો. આના ઉપરથી તમે વિચારી શકો છો કે એ સમયે વીજળી સ્થિતિ કેવી હતી.
હવે હું પણ જે પ્રકારના પરિવારમાંથી આવું છું, મને પણ આ વાત સારી રીતે ખબર હતી કે વીજળી હોય અને ન હોય તેનું કેટલું મહત્ત્વ હોય છે. મેં વિચાર્યું કે આનો કાયમી ઉકેલ શું છે? હું અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો, ચર્ચાઓ કરી રહ્યો હતો, પરંતુ એ જ રટણ હતું, અરે ભાઈ, આ તો આમ જ રહેશે. આપણી પાસે જેટલી વીજળી છે, એટલામાં આપણે આટલું જ કરી શકીએ એમ છીએ. જ્યારે વધુ વીજળી પેદા કરીશું, ત્યારે જોઈશું, આવા જવાબ આવતા હતા. મેં કહ્યું, ભાઈ, અત્યારે જે પણ સ્થિતિ છે, તેમાં કોઈ ઉકેલ છે ખરો ? એ સમયે ઈશ્વરની કૃપાથી પરિસ્થિતિને જોતાં મનમાં એક વિચાર આવ્યો. મેં કહ્યું, ભાઈ, એક કામ કરી શકીએ ખરા ? જે એગ્રિકલ્ચર ફીડર છે અને જે ડોમેસ્ટિક ફીડર છે, એ બંનેને આપણે અલગ કરી શકીએ ખરા ? કેમકે લોકો એક એવી ધારણા બાંધીને બેઠા છે કે સાહેબ, ખેતીમાં વીજળીની ચોરી થાય છે, આમ થાય છે, તેમ થાય છે, જાત–જાતની વાતો હું સાંભળતો હતો. હવે આમ તો હું નવો હતો અને દરેક વાત સમજાવવામાં મને તકલીફ પડતી હતી, કેમકે આ મોટા મોટા અધિકારીઓ હતા, તેઓ મારી વાત સમજશે કે નહીં સમજે.
મારી આ વાત સાથે અધિકારીઓ સંમત ન થયા. કેમકે પૂર્વ–ધારણાયુક્ત વિચારો હતો, આમ ન થઈ શકે. કોઈએ કહ્યું કે આ શક્ય નથી. કોઈએ કહ્યું આર્થિક સ્થિતિ નથી, કોઈએ કહ્યું વીજળી નથી. તમને આશ્ચર્ય થશે કે આને માટે જે ફાઈલો ચાલી, એ ફાઈલોનું વજન 5-7-10 કિલો સુધી કદાચ પહોંચી ગયું હશે. અને દરેક વખતે, દરેક વિકલ્પ નકારાત્મક રહેતો હતો.
હવે મને લાગતું હતું કે મારે જ કંઈ કરવું પડશે. એ પછી મેં એક બીજા વિકલ્પ ઉપર કામ શરૂ કર્યું. મેં ઉત્તર ગુજરાતની એક સોસાયટી, જેની સાથે 45 ગામડાં જોડાયેલાં હતાં, તેમને બોલાવ્યા. મેં કહ્યું, મારું એક સ્વપ્ન છે, શું તમે કરી શકશો ? તેમણે કહ્યું કે અમને વિચારવા દો. મેં કહ્યું એન્જિનિયરીંગ વગેરેની મદદ લો. મારી એટલી ઈચ્છા છે કે ગામમાં જે વીજળી જાય છે, ત્યાં હું ડોમેસ્ટિક અને એગ્રિકલ્ચર – બંને ફીડર અલગ કરવા માગું છું. તેઓ પાછા આવ્યા, તેમણે કહ્યું કે સાહેબ, અમારે કોઈ મદદની જરૂર નથી. અમને આ કામ માટે 10 કરોડ રૂપિયા ખર્ચવા ગુજરાત સરકાર મંજૂરી આપે. મેં કહ્યું કે તે મારી જવાબદારી. અમે પરમિશન આપી.
તેમણે એ કામ શરૂ કર્યું. મેં એન્જિનિયરોને થોડો આગ્રહ કર્યો કે તમે જરા આ કામ કરો. અને એ 45 ગામડાંમાં ડોમેસ્ટિક ફીડર અને એગ્રિકલ્ચર ફીડર અલગ કરી દીધાં. એનું પરિણામ એ આવ્યું કે ખેતીમાં જેટલો સમય વીજળી આપવાની હતી, એટલો સમય અપાતી હતી, એ સમય અલગ હતો, ઘરોમાં 24 કલાક વીજળી પહોંચવા લાગી. અને એ પછી મેં એજ્યુકેશન યુનિવર્સિટીઓની મદદથી નવયુવાનોને મોકલીને તેનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરાવ્યું. તમને આશ્ચર્ય થશે કે ગુજરાતમાં રાત્રે વાળુ કરતી વખતે વીજળી મળવી પણ મુશ્કેલ હતી, 24 કલાક વીજળી મળવાની સાથે એક ઈકોનોમી શરૂ થઈ. ટેલર પણ પોતાની સિલાઈ મશીનને પગ વડે નહીં, ઈકેક્ટ્રિક મશીનથી ચલાવવા માંડ્યા. ધોબી પણ ઈલેક્ટ્રિક ઈસ્ત્રીથી કામ કરવા લાગ્યા. કિચનમાં પણ ઘણી બધી ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓ આવવા માંડી. લોકો એસી ખરીદવા લાગ્યા, પંખા ખરીદવા લાગ્યા, ટીવી ખરીદવા લાગ્યા. એક રીતે, સમગ્ર જીવન બદલાવું શરૂ થઈ ગયું. સરકારની આવકમાં પણ વધારો થયો. આ પ્રયોગે એ સમયના અમારા તમામ અધિકારીઓના મનમાં પરિવર્તન આણ્યું. છેવટે નિર્ણય થયો કે આ રસ્તો સાચો છે. અને સમગ્ર ગુજરાતમાં એક હજાર દિવસનો કાર્યક્રમ બનાવ્યો. એક હજાર દિવસમાં એગ્રિકલ્ચર ફીડર અને ડોમેસ્ટિક ફીડર અલગ કરી દેવાશે. અને એક હજાર દિવસની અંદર જ સમગ્ર ગુજરાતમાં ઘરોમાં 24 કલાક વીજળી પહોંચાડવી શક્ય બની. જો મેં તે પૂર્વ–ધારણાયુક્ત વિચારો પકડી રાખ્યા હોત તો આ શક્ય ન બન્યું હોત, ક્લીન–સ્લેટ હતો હું. હું નવેસરથી વિચારતો હતો અને તેનું જ પરિણામ મળ્યું.
સાથીઓ, એક વાત માનીને ચાલો કે Restrictions don't matter, your response matters (પ્રતિબંધોથી કોઈ ફરક પડતો નથી, તમારો પ્રતિભાવ મહત્ત્વનો છે). હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. ગુજરાત એવું સૌપ્રથમ રાજ્ય હતું, જેણે પોતાને સ્તરે સોલર પૉલિસી બનાવી હતી. ત્યારે એવી વાત આવી હતી કે સૌર ઉર્જાની કિંમત પ્રતિ યુનિટ 12-13 રૂપિયા આવશે. આ કિંમત એ સમયને હિસાબે ઘણી વધુ હતી, કેમકે થર્મલની જે વીજળી હતી તે પણ બે, અઢી, ત્રણ રૂપિયા સુધીમાં મળતી હતી. એ જ વીજળી હવે 13 રૂપિયા, હવે તમે જાણો છો આજકાલ જે રીતે હાય–વૉય કરવાની ફેશન છે, દરેક વાતમાં વાંધા કાઢવાની ફેશન છે, તે સમયે અને મારા માટે તો ઘણી પરેશાનીઓ રહેતી હતી. હવે મારી સમક્ષ વાત આવી. કે સાહેબ આ તો બહુ મોટું તોફાન ઊભું કરશે. ક્યાં બે–ત્રણ રૂપિયાની વીજળી અને ક્યાં 12-13 રૂપિયાવાળી વીજળી.
પરંતુ સાથીઓ, મારી સામે એક એવી પળ હતી કે મારે મારી પ્રતિષ્ઠાની ચિંતા કરવી છે કે મારી ભાવિ પેઢીની ચિંતા કરવી છે. મને ખબર હતી કે આ પ્રકારના નિર્ણયની માધ્યમોમાં સારી પેઢી બુરાઈ કરવામાં આવશે. જાત–જાતના ભ્રષ્ટાચારના આરોપ મૂકાશે, ઘણું બધું થશે. પરંતુ હું ક્લીન–હાર્ટ હતો. હું યથાર્થપણે માનતો હતો કે જીવનશૈલી બદલવા માટે આપણે કંઈકને કંઈક તો કરવું પડશે.
છેવટે અમે નિર્ણય લીધો. સોલર એનર્જી – સૌર ઉર્જા તરફ જવાનો નિર્ણય લીધો. અને અમે પ્રામાણિકતા સાથે આ નિર્ણય લીધો. ઉજ્જ્વળ ભવિષ્ય માટે લીધો, એક વિઝન સાથે લીધો.
ગુજરાતમાં સોલર પ્લાન્ટની શરૂઆત થઈ, ઘણી મોટી માત્રામાં થઈ. પરંતુ તે જ સમયે જ્યારે ગુજરાતે પૉલિસી બનાવી, તો ભારત સરકારે પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ સાથે – યથાવત્ એ જ પૉલિસી એ સમયે બનાવી. પરંતુ તેમણે શું કર્યું, તેમણે કિંમત 18-19 રૂપિયા નક્કી કરી. હવે અમારા અધિકારીઓ આવ્યા, કહે, સાહેબ, અમે 12-13 રૂપિયા આપીશું એ લોકો 18-19 આપશે તો આપણે ત્યાં કોણ આવશે. મેં ના પાડી, હું 12-13 ઉપર જ દ્રઢ રહીશે, 18-19 આપવા તૈયાર નથી. પરંતુ આપણે ડેવલપમેન્ટ માટે એક એવી ઈકો–સિસ્ટમ આપીશું, પારદર્શિતા આપીશું, ઝડપ કરીશું. દુનિયા આપણે ત્યાં આવશે, એક સુશાસનના મોડેલ સાથે આપણે આગળ વધીશું અને આજે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતે સોલરની જે પહેલ કરી, આજે સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત ક્યાં પહોંચી ગયું છે, એ તમારી સામે પુરાવો છે. અને આજે યુનિવર્સિટી પોતે જ આ કામ આગળ વધારવા માટે પહેલ કરી રહી છે.
જે કામ 12-13 રૂપિયાથી શરૂ થયું હતું, તે સમગ્ર દેશમાં સોલર મુવમેન્ટ (સૌર ક્રાંતિ) બની ગયું. અને અહીં આવ્યા પછી તો મેં ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, એક એવી સંસ્થાનું નિર્માણ કર્યું છે, જેમાં દુનિયાના લગભગ 80-85 દેશો સભ્યો બની ગયા છે અને વિશ્વ સ્તરે સૌર ક્રાંતિ સર્જવા જોડાઈ ગયા છે. પરંતુ આ પ્રતીતિ ક્લીન હાર્ટ – સ્વચ્છ હૃદય સાથે કરવી જોઈએ. તેનું આ પરિણામ છે કે આજે હિન્દુસ્તાન સોલર ક્ષેત્રે ઘણું ઝડપભેર આગળ વધી રહ્યું છે. આજે સૌર ઉર્જાની કિંમત પ્રતિ યુનિટ 12-13 રૂપિયાથી પણ ઘટીને બે રૂપિયાથી પણ ઓછા ભાવે પહોંચી ગઈ છે.
સૌર ઉર્જા, દેશની પણ એક ટોચની પ્રાથમિકતા બની ગઈ છે. અને આપણે વર્ષ 2022 સુધીમાં 175 ગિગા વૉટ રિન્યુએબલ એનર્જીનો સંકલ્પ લીધો છે અને મને વિશ્વાસ છે કે આપણે 2022 પૂરું થતાં પહેલા જ તે સંકલ્પ પૂરો કરી શકીશું. અને 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે આપણું લક્ષ 450 ગિગા વૉટ છે, જે ઘણું મોટું લક્ષ છે. તે પણ સમય પહેલાં જ આપણે પૂર્ણ કરીશું, તેવો મને વિશ્વાસ છે.
દુનિયામાં એવું કશું જ નથી, જે શક્ય ન હોય. કાં તો ’હું તે કરી બતાવીશ’ – એમ હોય છે, અથવા તો ’હું તે નહીં થવા દઉં’ એમ હોય છે. આ વિશ્વાસ તમને હંમેશા કામ આવશે.
સાથીઓ,
પરિવર્તન, પોતાનામાં કરવાનું હોય તે દુનિયામાં કરવાનું હોય, પરિવર્તન ક્યારેય એક દિવસમાં, એક સપ્તાહમાં કે એક વર્ષમાં નથી આવતું. પરિવર્તન માટે થોડોક પ્રયાસ કરો, પરંતુ થોડો–થોડો નિરંતર પ્રયાસ સાતત્યપૂર્ણ રીતે આપણે દરરોજ સતત કરવો પડે છે. નિયમિત રીતે કરાયેલા નાનાં–નાનાં કામ, ઘણાં મોટાં પરિવર્તન લાવે છે. જેમ કે, જો તમે દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ કંઈક નવું વાંચવાની કે લખવાની આદત પાડી શકો છો. આ રીતે, તમે એમ પણ વિચારી શકો છો કે દરરોજ 20 મિનિટ કંઈક નવું શીખવા માટે ફાળવીશ!
એક દિવસમાં તમે જોશો તો આ ફક્ત 20 મિનિટની જ વાત હશે. પરંતુ આ વીસ મિનિટ એક વર્ષમાં 120 કલાક જેટલી થશે. આ 120 કલાકના પ્રયાસો તમારી અંદર એટલું મોટું પરિવર્તન લાવશે કે તમને એ ખબર પડશે ત્યારે તમે પોતે પણ આશ્ચર્ય પામશો.
સાથીઓ,
તમે ક્રિકેટમાં પણ જોયું હશે. જ્યારે કોઈ ટીમે ઘણું મોટું ટાર્ગેટ સર કરવાનું હોય છે, ત્યારે તે એવું નથી વિચારતી કે કુલ કેટલા રન બનાવવાના છે. બેસ્ટમેન એ વિચારે છે કે દરેક ઑવરમાં કેટલા રન બનાવવા જોઈએ.
આ જ મંત્ર ફાયનાન્સિયલ પ્લાનિંગમાં પણ અનેક લોકો ઉપયોગમાં લે છે. દરેક મહિને પાંચ હજાર રૂપિયા જમા કરે છે, અને બે વર્ષમાં એક લાખથી વધુ રૂપિયા એકઠાં થઈ જાય છે. આ રીતના સતત પ્રયાસ, સાતત્યપૂર્ણ પ્રયત્નો તમારી અંદર એવી ક્ષમતાઓનું નિર્માણ કરી દે છે, જેની અસર ટૂંકા ગાળામાં દેખાતી નથી, પરંતુ લાંબા ગાળે એ તમારી ઘણી મોટી થાપણ બની જાય છે, તમારી ઘણી મોટી શક્તિ બની જાય છે.
રાષ્ટ્રીય સ્તરે જ્યારે દેશ પણ આવા જ સાતત્યપૂર્ણ પ્રયાસો સાથે ચાલે છે ત્યારે તેનાં પણ આવાં જ પરિણામ આવે છે. ઉદાહરણ તરીકે, સ્વચ્છ ભારત અભિયાનને જ લઈ લો. આપણે સફાઈ વિશે ફક્ત ગાંધી જયંતિ ટાણે, ફક્ત ઑક્ટોબરમાં જ નથી વિચારતા, પરંતુ આપણે દરરોજ આ માટે પ્રયાસ કરીએ છીએ. મેં પણ 2014થી 2019 દરમ્યાન મન કી બાતના લગભગ તમામ કાર્યક્રમમાં સફાઈ માટે દેશવાસીઓ સાથે સતત વાત કરી છે, ચર્ચા કરી છે, તેમને આગ્રહ પણ કર્યો છે. દર વખતે અલગ અલગ મુદ્દા ઉપર થોડી થોડી વાત થતી રહી. પરંતુ લાખો–કરોડો લોકોના નાના–નાના પ્રયાસોથી સ્વચ્છ ભારત એક જનઆંદોલન બની ગયું. સાતત્યપૂર્ણ પ્રયાસોનો આ જ પ્રભાવ છે. આમ જ પરિણામ આવે છે.
સાથીઓ,
21મી સદીમાં વિશ્વની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસે છે અને ભારતની આશા અને અપેક્ષાઓ તમારી સાથે જોડાયેલી છે. આપણે ઝડપી ગતિએ ચાલવું જ પડશે, આગળ વધવું જ પડશે. પંડિત દીન દયાળ ઉપાધ્યાયજીએ અંત્યોદયના વિચારો આપ્યા, નેશન ફર્સ્ટના જે સિદ્ધાંતો સાથે તેઓ ચાલ્યા, આપણે સાથે મળીને તેને વધુ મજબૂત કરવાના છે. આપણું પ્રત્યેક કાર્ય, રાષ્ટ્ર માટે હોય, એ જ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે.
ફરી એકવાર તમને સહુને ખૂબ – ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે અનેક–અનેક શુભેચ્છાઓ આપું છું.
ખૂબ–ખૂબ આભાર !!