દેશના ખૂણે ખૂણેથી આવેલા બધા જ યુવા સાથીઓ,
પ્રજાસત્તાક દિવસના પાવન પર્વે દેશના ખૂણે ખૂણેથી આવેલા NCCના કેડેટ્સની લોકશાહી પ્રત્યે પોતાની શ્રદ્ધા, ભારતની એકતા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા, વિવિધતામાં એકતા સાથે સામર્થ્યની અનુભૂતિ દેશ અને દુનિયાએ તમારા માધ્યમથી પ્રાપ્ત કરી છે. હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતના ઉત્તમ નાગરિકો હોવાના નાતે આવનારા સમયમાં આપ સૌ પોતાના અંગત જીવનમાં, સામાન્ય જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં માનવતા પ્રત્યે આવી જ પ્રતિબદ્ધતા, આવા જ સમર્પણના ઉદાહરણો પુરા પાડતા રહેશો. એ કદાચ વિશ્વમાં ભારતની એક અનોખી ઓળખ બનાવવામાં નિમિત બની રહેશે.
NCCના કેટેડ માટે ફક્ત યુનિફોર્મ નથી હોતો, એકલી પરેડ નથી હોતી, માત્ર કેમ્પ નથી હોતા, NCCના માધ્યમથી એક ઉમદા ધ્યેયની ભાવનાનું બીજારોપણ થાય છે. આપણી અંદર જીવન જીવવાનો એક ધ્યેય, તેના સંસ્કાર અને તે પણ સામૂહિક સંસ્કારનો એ સમયગાળો બને છે. NCCના કારણે પોતાની શિક્ષા-દીક્ષા ઉપરાંત ભારતની વિવિધતા, ભારતની આંતરિક ઊર્જા, ભારતના વિરાટ સામર્થ્યના આપણને દર્શન થાય છે. દુનિયાના લોકોને આશ્ચર્ય થાય છે કે, આ કેવો દેશ છે જ્યાં 1500થી વધુ બોલીઓ છે, 100થી વધુ ભાષાઓ છે, દર વીસ ગામે બોલી બદલાય છે, વેશભૂષા બદલાય છે અને છતાં બધા જ લોકો એકતાના એક સૂત્ર સાથે બંધાયેલા છે. ઈજા હિમાલયને થાય તો આંસુ કન્યાકુમારી સુધી ટપકે છે. આ રાષ્ટ્રીય એકાત્મતાની ભાવના છે. ભારતના કોઈપણ ખૂણામાં કઈંક સારૂં થાય તો દેશવાસીઓની ખુશીનો પાર નથી રહેતો અને ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈ ભારતીય દ્વારા કઈંક ખોટું થઈ જાય તો આપણને એટલું દુખ થાય છે કે જાણે આપણી સમક્ષ જ કોઈક ઘટના બની હોય. દેશના કોઈપણ ખૂણામાં કોઈ કુદરતી આપત્તિ આવી હોય ત્યારે સમગ્ર દેશે એકતા દર્શાવી સામૂહિક રીતે તે માટે સંવેદના દર્શાવી છે, પીડામાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો છે. દેશ સમક્ષ કોઈ પડકાર આવ્યો હોય તો સવાસો કરોડ દેશવાસીઓએ તેને પોતાની સામેનો પડકાર ગણ્યો છે. સૌએ પોતાના પુરુષાર્થ દ્વારા અને પરાક્રમ દ્વારા એને પહોંચી વળવાના ભરપૂર પ્રયાસો કર્યા છે.
આ આપણા દેશની પોતાની તાકાત છે. કોઈ દેશ રાજા – મહારાજાઓથી નથી બનતો. દેશ શાસકોથી પણ નથી બનતો. દેશ સરકારોથી નથી બનતો. દેશ બને છે સામાન્ય નાગરિકોથી, શિક્ષકોથી, ખેડૂતોથી, શ્રમિકોથી, વિજ્ઞાનીઓથી, જ્ઞાનીઓથી, આચાર્ચોથી, ભગવંતોથી. એક અખંડ તપસ્યા હોય છે, જે રાષ્ટ્રને આ વિરાટ રૂપ આપે છે. આપણે નસીબદાર લોકો છીએ કે હજારો વર્ષોના આ મહાન વારસાનો આપણે પણ એક જીવંત અંશ છીએ. આપણી પણ જવાબદારી બને છે એમાં આપણે કઈંક પ્રદાન કરીએ. આ જવાબદારી નિભાવવા માટે જે સંસ્કાર જોઈએ, જે તાલીમ જોઈએ, જે અનુભવ જોઈએ તે આપણને NCCના માધ્યમથી મળે છે.
મારૂં પણ એ સૌભાગ્ય રહ્યું છે. બચપનમાં NCCના કેડેટ તરીકે ધ્યેયની એ ભાવના, એ અનુભૂતિની સમજ વિકસિત થઈ હતી. હું તમારા જેવો હોંશિયાર નહોતો, એટલો તેજસ્વી કેડેટ નહોતો અને તેથી દિલ્હીની પરેડ માટે ક્યારેય મારી પસંદગી થઈ નહોતી. પણ તમને જોઈને મને ગર્વ થાય છે કે, બચપનમાં મારી પાસે જે શક્તિ હતી, અનુભૂતિ હતી, અનુભવ હતો તેના કરતા તમે બધા ઘણા આગળ છો, એ જોઈને મને વધુ આનંદ થાય છે. આથી જ એવો ભરોસો પણ થાય છે કે, તમારામાં આગળ વધવાનું સામર્થ્ય મારા કરતા અનેકગણું વધારે છે. આ યુવા શક્તિમાં દેશને આગળ ધપાવવાનું સામર્થ્ય મારા કરતા અનેકગણું વધારે છે અને ત્યારે જ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણને વિશ્વાસ જાગે છે, આપણે નિશ્ચિંત થઈ શકીએ છીએ.
NCCએ, તેના કેડેટ્સે સ્વચ્છતા અભિયાનને અપનાવી લીધું છે, પોતિકું બનાવી દીધું છે. દેશમાં જ્યાં પણ જવાની તક મળી છે ત્યાં જોયું છે કે NCC દ્વારા સ્વચ્છતા અભિયાન યોજનાપૂર્વક ચલાવાઈ રહ્યું છે. જે સંગઠન પાસે 13 લાખથી પણ વધુ કેડેટ્સ હોય, એ કેડેટ્સ વ્યવસ્થિત રીતે સ્વચ્છતા અભિયાન ચલાવે ત્યારે તેઓ બીજાને પણ પ્રેરણા આપે છે. પણ એક નાગરિક તરીકે, પોતાના જીવનમાં, પોતાના પરિવારના જીવનમાં, પોતાની આસપાસના પરિસરમાં, પોતાના મિત્રોમાં, મિત્રોના પરિવારોમાં સ્વચ્છતા એક સ્વભાવ બનાવવામાં NCCના દરેક કેડેટ એક કેટેલિટિક એજન્ટ તરીકે કામ કરી શકે છે. NCCની વ્યવસ્થા અંતર્ગત સ્વચ્છતા એક પ્રેરક છે પણ એક નાગરિક તરીકે કેડેટ સમાજમાં સ્વચ્છતાને એક સ્વભાવ બનાવવા માટે, સ્વચ્છતા ભારતનું ચરિત્ર બની રહે તે માટે, 2019માં આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવીએ ત્યારે દેશમાં ગંદકી પ્રત્યે ભરપૂર નફરત હોય, સ્વચ્છતા પ્રત્યે પ્રેમ હોય, સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનમાં તેમની પોતાની જવાબદારી બની જાય એ વાતને આગળ ધપાવવા માટે દરેકે ઘણું કરવાની જરૂરત છે. NCCના કેડેટ આટલી મોટી સંખ્યામાં છે અને તેઓ દેશના દરેક ખૂણામાં ફેલાયેલા નવયુવાનો છે, ઊર્જા છે, ઉમંગ છે, ઉત્સાહ છે, તાલીમ છે એ તો કદાચ સૌથી મોટી તાકાત સ્વરૂપે આ સ્વચ્છતા આંદોલનને આગળ ધપાવી શકે છે.
યુવા મન અને ખાસ કરીને ભારતીય મન ટેકનોલોજીને બહુ ઝડપથી અપનાવી લે છે. આ દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લગભગ તમામ નાગરિકો પાસે આધાર કાર્ડ હોય, આધાર નંબર હોય, બાયોમેટ્રિક્સ એની ઓળખ હોય, આ બધું દેશની ઘણી મોટી સંપત્તિ બને છે, જે આજે ભારત પાસે છે. આ વિશિષ્ટ ઓળખ આપણી તમામ યોજનાઓનો આધાર બની શકે છે.
હાલના દિવસોમાં લોકો ડિજિટલ કરન્સીની દિશામાં કેવી રીતે પ્રયાણ કરી શકાય તેના માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. NCCના કેડેટ્સે તેને આગળ ધપાવ્યું છે. નોટ, નોટનું છાપવાનું, છાપ્યા પછી તે ગામેગામ પહોંચાડવામાં અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. એક-એક એટીએમ સાચવવામાં પાંચ-પાંચ પોલીસવાળાને કામે લગાડવા પડે છે. આપણે ડિજિટલની દિશામાં આગળ વધીએ તો દેશનો કેટલો પૈસો બચાવી શકીએ તેમ છીએ અને એ પૈસા ગરીબ લોકોને ઘર આપવા માટે, ગરીબોને શિક્ષણ આપવા, ગરીબોને દવાઓ આપવા માટે, ગરીબોના બાળકોને સંસ્કાર આપવા માટે ઉપયોગમાં લઈ શકાય. આપણા પોતાના ખિસ્સામાંથી કઈં પણ આપ્યા વિના, આપણા ખિસ્સામાંથી કોઈ વધારાનો ખર્ચ કર્યા વિના આપણે દેશમાં ડિજિટલ પેમેન્ટની ટેવ પાડીએ તો.
BHIM app – બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને આપ પોતાના મોબાઈલ ઉપર BHIM app ડાઉનલોડ કરો અને BHIM app સાથે જ લોકોને લેતી દેતી કરવાની આદત પાડો, પોતાના પરિવારની દરેક વ્યક્તિને ટેવ પાડો, આપણે જ્યાંથી વસ્તુઓ ખરીદીએ છીએ કે આપણા માલનું વેચાણ કરીએ છીએ એ દુકાનદારને ટેવ પાડીએ. તમને કલ્પના નહીં હોય એટલી મોટી દેશની સેવા આપણે કરી શકીશું અને હિન્દુસ્તાનનો દરેક નાગરિક આ કામ કરી શકે છે.
બદલાતા યુગમાં વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી હોય અને સમાજ પણ ટેકનોલોજી ચાલિત (technology driven society) હોય ત્યારે ભારત વિશ્વમાં પાછળ રહી જઈ શકે નહીં. જે દેશની 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયની હોય, ડેમોગ્રાફિક ડિવિડન્ડના નામે આપણે દુનિયામાં છાતી ફૂલાવીને, આંખમાં આંખ મિલાવીને વાત કરતા હોઈએ ત્યારે આ દેશનો 80 કરોડનો યુવા વર્ગ નક્કી કરી નાખે કે અર્થતંત્રમાં પરિવર્તન લાવવાના કામમાં આપણે ફાળો આપવો છે તો, કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે પ્રધાનમંત્રી કે નાણાં મંત્રી કરતા પણ વધુ મોટું કામ હિન્દુસ્તાનનો નવયુવાન કરી શકે છે. NCCએ પણ આ જવાબદારી ઉપાડી લીધી છે. મને વિશ્વાસ છે કે, તેઓ એ જવાબદારી નિભાવતા રહેશે.
NCCના કેડેટ્સમાં દેશભક્તિ છલકાતી હોય છે. શિસ્ત એમની વિશેષતા રહે છે. સાથે મળીને કામ કરવું એમનો સ્વભાવ હોય છે. કદમ સાથે કદમ મિલાવીને ચાલવું, ખભે ખભા મિલાવીને ચાલવું અને સાથે મળીને વિચારવું, વિચારીને ચાલવું, ચાલીને કઈંક પામવું એ NCCની વિશેષતા રહી છે. આથી જ વિશ્વ આજે જ્યારે આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણી યુવા પેઢીમાં સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે પોતિકાપણાની ભાવના સતત જગાવતા રહેવું પડે છે. આપણે ત્યાં એક કહેવત છે, “રાષ્ટ્રમ જાગ્રયામ વ્યં.” (અર્થાત સતત જાગતા રહેવું). એ માટે સાવધ રહેવું પડે છે. આપણી આસપાસનો કોઈ નવયુવાન ક્યાંક ખોટા રસ્તે તો નથી ચાલી નિકળ્યોને, એવું હોય તો એને રોકવો પડશે. એના જીવનમાં કોઈ એવી બુરાઈઓ તો નથી આવી રહીને, જે એને તબાહ કરી નાખે, એના આખા પરિવારને તબાહ કરી નાખે અને સમાજના માટે પણ એ બોજ બની જાય. આપણે સાવધ રહીશું તો આપણી આજુબાજુના પરિસરને, આપણા સાથીઓને પણ, પછી ભલે તેઓ NCC માં હોય કે ના હોય, આપણે જે ધ્યેયની ભાવના પ્રાપ્ત કરી છે, જીવનનો જે હેતુ આપણે જાણીએ છીએ, તેનો લાભ તેમને પણ પ્રચાર-પ્રસાર દ્વારા મળી શકે છે અને એ પણ આપણા માર્ગે ચાલી શકે છે.
આજે પ્રજાસત્તાક દિવસની આ પરેડમાં આટલા દિવસોમાં તમે લોકો ઘણી બધી વસ્તુઓ શિખ્યા છો, તમે ઘણા નવા મિત્રો મેળવ્યા છે, ભારતના ખૂણે ખૂણાને જાણવા – સમજવાની તક તમને મળી છે. ઘણી જ ઉત્તમ યાદો સાથે આપ સૌ પોતાના ઘેર પાછા ફરવાના છો. તમારા સ્કૂલ-કોલેજના સાથી વિદ્યાર્થીઓ, આપના સાથીઓ એ વાતની રાહ જોતા હોય છે કે તમે ક્યારે પહોંચો અને તમારા અનુભવોની વાત એમની સાથે કરો. તમે પોતાના ફોટા પણ એમને મોબાઈલથી મોકલી આપ્યા હશે, એ વાત તેમની સાથે શેર પણ કરી હશે કે પરેડમાં હું અહીં હતો અને તમારા સાથીઓએ પણ બારીકીપૂર્વક પરેડ નિહાળી હશે કે, આખી પરેડ દેખાય કે ના દેખાય, આપણા ગામનો છોકરો દેખાય છે કે નહીં. આપણી સ્કૂલનો છોકરો દેખાય છે કે નથી દેખાતો. આખા હિન્દુસ્તાનના દરેક ખૂણામાં રહેલી દરેક વ્યક્તિની નજર તમારા ઉપર હતી. આ કોઈ નાનું ગૌરવ નથી. આ તો ખૂબજ આનંદની પળો હોય છે. આ યાદગીરીઓ સાથે લઈને તમે પાછા ફરો છો ત્યારે તમારી પાસે એ એક અણમોલ ખજાનો બની રહે છે. એને ક્યારેય વિખરાવા દેતા નહીં, એ યાદગીરીઓ ભૂલી જતા નહીં, એને બરાબર સાચવી રાખજો, એને બરાબર સજાવવાની કોશિષ કરજો. આ સારી વાતો જેટલી વિકસાવી શકાશે એટલું જ જીવન પણ ખીલી ઉઠશે. એની મહેંક સંપૂર્ણપણે આપના જીવનમાં પ્રગટ થતી રહેશે તો એ તમારી આસપાસના સમગ્ર પરિસરને પુલકિત કરતી રહેશે.
મારી આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આજે વિજયી રહેલા કેડેટ્સને પણ હું દિલથી ખૂબ ખૂબ વધાઈ આપું છું, અભિનંદન આપું છું. NCCને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.