આપ સૌની સાથે સીધો સંવાદ કરવા માટેનો આ પ્રકારનો આ સૌપ્રથમ પ્રયાસ છે અને મને જણાવવામાં આવ્યું છે કે દેશના લગભગ દરેક બ્લોકમાંથી તમે લોકો સીધા આ સંવાદમાં જોડાયા છો. પછી તે આશા હોય, આંગણવાડી કાર્યકર્તા હોય કે પછી એએનએમ, આપ સૌ રાષ્ટ્ર નિર્માણના અગ્રણી સિપાહી છો. તમારા વિના દેશમાં સ્વસ્થ માતૃત્વની કલ્પના કરવી પણ અઘરી છે. મને ખુશી છે કે તમે સૌ દેશના પાયાને, દેશના ભવિષ્યને મજબુત કરવામાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છો. દેશની દરેક માતા, દરેક શિશુના સુરક્ષાનાં વ્યાપને મજબુત કરવાની જવાબદારી તમે સૌએ તમારા ખભા પર ઉઠાવેલી છે. સુરક્ષાના આ વ્યાપના ત્રણ પાસા છે. પહેલું છે પોષણ એટલે કે ખાણી-પીણી, બીજું છે રસીકરણ અને ત્રીજું છે સ્વચ્છતા, એવું નથી કે પહેલા લોકો આ વિષયમાં જાણતા નહોતા અથવા પહેલા યોજનાઓ નહોતી બની.
આ તમામ પાસાઓને લઈને આઝાદી પછીથી જ અનેક કાર્યક્રમો ચાલ્યા, પરંતુ ખાસ વધુ સફળતા ન મળી શકી. આપણાથી ઓછા વિકસિત, ઓછા સંસાધનોવાળા, નાના-નાના દેશો પણ આ વિષયોમાં અનેક ગણા આગળ નીકળી ચૂક્યા છે. ઘણું બધું સારું કરી રહ્યા છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે 2014 પછીથી એક નવી રણનીતિની સાથે અમે કામ કરવાનું શરુ કર્યું.
મિશન ઇન્દ્રધનુષને આપ સૌ સારી રીતે જાણો છો. આ મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દેશના રસીકરણ અભિયાનને દૂર-સુદૂર અને પછાત વિસ્તારોમાં આપણા જે નાના-નાના ભૂલકાઓ છે, તેમના સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આપ સૌએ આ મિશનને ઝડપી ગતિએ આગળ વધાર્યું અને દેશમાં ત્રણ કરોડથી વધુ બાળકો અને 85 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરાવ્યું. પૂર્વીય ઉત્તરપ્રદેશ, પૂર્વીય ભારતના કાર્યકર્તાઓ ખૂબ સારી પેઠે જાણે છે કે ઇન્સેફેલાઈટીસ કેવી રીતે આપણા બાળકો માટે ખતરનાક રહ્યું છે. આવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમમાં જાપાની ઇન્સેફેલાઈટીસની રસી આપણે પાંચ નવી રસી સાથે જોડી છે.
તેમજ બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. તેમાં પણ તમારું યોગદાન ઘણું મહત્વપૂર્ણ રહ્યું હતું. આપ સૌ મારા સાથી છો. પહેલાના જમાનામાં કહેવાતું હતું કે ભગવાન હજાર હાથવાળો હોય છે. હવે આ હજાર હાથ એમ જ થોડા લગાવી દેવામાં આવે છે. તેનો અર્થ થતો હતો કે તેમની ટીમમાં એવા પાંચસો લોકો રહેતા હતા જેમના હાથ બધી જ સમસ્યાઓનું સમાધાન કરીને તેમનો સાથ આપતા હોય છે. આજે દેશનો પ્રધાનમંત્રી કહી શકે છે કે એમના હજાર હાથ નહીં પણ લાખો હાથ છે. અને આ હાથ તમે સૌ મારા સાથીઓ છો.
સાથીઓ સ્વાસ્થ્યનો સીધો સંબંધ પોષણ સાથે છે અને પોષણ પણ આપણે શું ખાઈએ? કેવી રીતે ખાઈએ છીએ? માત્ર તેટલા સુધી જ સીમિત નથી. સ્વચ્છતા હોય, રસીકરણ હોય, તમને કદાચ નવાઈ લાગશે, નાની ઉંમરમાં લગ્ન એ પણ આ સમસ્યાનું એક ખૂબ મોટું કારણ છે. યોગ્ય ઉંમરે લગ્ન થાય. મા બનવાની પણ સાચી ઉંમર હોવી જોઈએ, જો સમય કરતા પહેલા મા બને તો સમજી લેવું કે માની તબિયત અને બાળકની તબિયત બંને સંકટમાં રહે છે અને જીવનભર તે વિકસી શકતા નથી.
ભોજન પહેલા અને ભોજન પછી હાથ કેવી રીતે ધોવામાં આવે? આવા અનેક પાસાઓ પણ પોષણની સાથે જોડાયેલા છે. તેને જ ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજસ્થાનના ઝુંઝુંનુમાંથી દેશભરમાં રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરવામાં આવી છે. આ ખૂબ મોટું મહત્વાકાંક્ષી અભિયાન છે. પડકાર મોટો છે પરંતુ આ પડકાર મેં મારા બળ પર નથી લીધો. આ પડકાર માટે તમારા પર મારો ભરોસો છે, તમે કરી દેખાડ્યું છે અને હવે તમે કરીને દેખાડશો. આ વિશ્વાસને કારણે આટલા મોટા પડકારને અમે સ્વીકાર્યો છે. જો આપણે માત્ર પોષણના અભિયાનને દરેક માતા, દરેક શિશુ સુધી પહોંચાડવામાં સફળ થઈશું તો લાખો જીવ બચી જશે. દેશના વિકાસને નવી ગતિ મળશે.
ક્યારેક આપણે સાંભળીએ છીએ કે પાણીમાં કોઈ ડૂબી રહ્યું હતું તો કોઈએ તેને બચાવી લીધા. તો તે ગામમાં જીવનભર તેના નામની ચર્ચા થાય છે, કેમ? તેણે કોઈની જિંદગી બચાવી લીધી હતી. રેલવેના પાટા નીચે કોઈ આવી જવાનું હતું પરંતુ કોઈએ ખેંચીને બચાવી લીધો તો દુનિયા ભરના ટીવીમાં આવતું રહે છે કે જુઓ કેવી રીતે જિંદગી બચાવી. પરંતુ તમે તો એવા લોકો છો કે જેઓ દરરોજ પોતાની મહેનતથી, પોતાના ત્યાગ અને તપસ્યાથી અનેક નાના-નાના માસુમ બાળકોની જિંદગી બચાવતા રહો છો. એક ડોક્ટર પોતાના સમગ્ર જીવનકાળમાં જેટલી જિંદગીઓ બચાવે છે. ક્યારેક-ક્યારેક લાગે છે કે તમે આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ નાના-નાના કામ દ્વારા તેના કરતા પણ વધુ જિંદગીઓ બચાવી લો છો.
દેશમાં ચાલી રહેલા પોષણ માસને સફળ બનાવવામાં લાગેલા આપ સૌ 24 લાખથી વધુ કાર્યકર્તાઓને તમારા આ યોગદાનને માટે તમારા આ એકનિષ્ઠ કાર્ય માટે દિવસ રાત આ લોકોની જિંદગી બચાવવામાં લાગેલા રહેવા માટે હું આજે સાર્વજનિક રીતે આપ સૌને આદરપૂર્વક નમન કરું છું અને મને તમને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ અભિયાન દરમિયાન તમારા કયાં પડકારો રહ્યા છે. કયા સૂચનો છે, કયા અનુભવો છે તે હું જાણવા માટે ઘણો ઉત્સુક છું કારણ કે તમારા દ્વારા જે વાતો આવશે. જો સમગ્ર યોજનામાં કંઈક ખામી હશે તો અહિં અમે એરકંડીશનરમાં બેઠેલા લોકો તેનું સમાધાન નહી કરી શકીએ જેટલું તમે તમારા રોજબરોજના વ્યવહારિક જીવન દ્વારા કરો છો અને તમારી વાત જ્યારે દેશ સાંભળશે તો દેશની અન્ય લાખો આપણી સાથી બહેનો છે, કાર્યકર્તાઓ છે, તે પણ તેમાંથી શીખશે અને એટલા માટે હું આજે તમને સાંભળવા માગું છું.