દેશના સામાજિક અને ઔદ્યોગિક નેતૃત્વને હંમેશા પ્રેરિત અને ઊર્જાવાન કરનારા રતન ટાટાજી, તેમની આ વિરાસતને આગળ વધારનારા એન ચંદ્રશેખરજી, રૂપાજી, દેવીઓ અને સજ્જનો!!
રતન ટાટાજી, ચંદ્રશેખરનજીને મળવું, તેમની સાથે ચર્ચા કરવી એ હંમેશા એક નવો જ અનુભવ આપે છે. તેમના પર દેશની સૌથી મોટી સંસ્થાઓમાંની એકને નેતૃત્વ પ્રદાન કરવાની જવાબદારી છે. આટલી મોટી જવાબદારી હોવા છતાં સ્મિત અને તણાવ મુક્ત, તેઓ કેવી રીતે રહે છે, મને લાગે છે, આવનારા સમયમાં તેના પર પણ એક પુસ્તક ચંદ્રશેખરનજીએ લખવું જોઈએ અને હા, આ વિચારમાં મારી કોઈ પેટન્ટ પણ નથી. તમે કોઇપણ પ્રકારના તણાવ વગર આ કામ કરી શકો છો!!
સાથીઓ,
તેઓ પુસ્તક લખશે કે નહીં, તે હું નથી કહી શકતો પરંતુ સ્મિત અને તણાવમુક્ત મનથી શું થાય છે, તેનું પરિણામ બ્રિજિટલ નેશનના રૂપમાં આપણી સમક્ષ છે. સકારાત્મકતા, રચનાત્મકતા અને રચનાત્મક વિચારધારા વડે દેશની સમસ્યાઓના સમાધાન માટે જે વિચારો નીકળે છે તેનું આ પરિણામ છે. આ જ સકારાત્મકતા, આ જ આશાવાદ પોતાની પ્રતિભા અને સંસાધનો પર આ જ વિશ્વાસ એ નવા ભારતની વિચારધારા છે. મને વિશ્વાસ છે કે આ પુસ્તક મહત્વાકાંક્ષી ભારતને તો પ્રોત્સાહિત કરશે જ, સમાજના કેટલાક વ્યવસાયિક નિરાશાવાદીઓને પણ નવા અભિગમ અને નવા દૃષ્ટિકોણ માટે પ્રોત્સાહિત કરશે. હું ચંદ્રશેખરજી અને રૂપાજીને આ દૂરંદેશી દસ્તાવેજ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.
સાથીઓ,
આ પુસ્તક એવા સમયે આવ્યું છે, જ્યારે ટેકનોલોજીને એક દુષ્ટ તરીકે પ્રસ્તુત કરવાની એક બહુ મોટો પ્રયાસ થઇ રહ્યો છે. ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ખાસ કરીને ભારતના સંદર્ભમાં ટેકનોલોજીને આપણા વસતિવિષયક વિભાજન માટે પડકાર રૂપે રજૂ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પુસ્તકમાં સરકારના એ વિઝનને વધુ મજબૂત કરવામાં આવ્યું છે જે અનુસાર ટેકનોલોજી જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં. ટેકનોલોજી એક સેતુ છે, વિભાજક નથી.
ટેકનોલોજી અને પ્રતિભા, ઊર્જાને બમણી કરનાર છે, ભય ઉત્પન્ન કરનાર નથી.
ટેકનોલોજી એ મહત્વાકાંક્ષા અને સિદ્ધિઓની વચ્ચેનો સેતુ છે.
ટેકનોલોજી એ ડિમાન્ડ અને ડિલેવરી વચ્ચેનો સેતુ છે.
ટેકનોલોજી એ સરકાર અને પ્રશાસન વચ્ચેનો સેતુ છે.
ટેકનોલોજી એ સૌના સાથને સૌના વિકાસ સાથે જોડનારો સેતુ છે.
સાથીઓ,
આ જ ભાવના વીતેલા 5 વર્ષોમાં અમારા કાર્યકાળમાં રહી છે અને આ જ ભવિષ્યની માટે અમારો અભિગમ છે. આ પુસ્તકમાં ખૂબ સારી રીતે જણાવવામાં આવ્યું છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ, રોબોટિક્સ જેવી આધુનિક ટેકનોલોજી કેવી રીતે વિકાસના સાધનના રૂપમાં, સહાયક તરીકે મદદ કરનારી છે. આ જ વાત હું મારા પોતાના અનુભવોના આધારે પણ કહી શકું છું. વીતેલા 5 વર્ષોમાં ટેકનોલોજીની મદદથી ભારતમાં શાસન વ્યવસ્થાને કેવી રીતે સુધારવામાં અને પરિવર્તિત કરવામાં આવ્યું છે, તેનો તમે પોતે અનુભવ કરી શકો છો. આ બધું કેવી રીતે થઇ રહ્યું છે, તેનું એક ઉદાહરણ હું તમને આપું છું.
સાથીઓ,
આપણા દેશમાં એલપીજી ગેસનું જોડાણ આપવાની યોજના, સબસીડી આપવાનું કામ દાયકાઓથી ચાલી રહ્યું છે. અમે જ્યારે ઉજ્જવલા યોજના શરુ કરી તો કેટલાય લોકોને લાગ્યું કે કદાચ આ પણ એવી જ યોજના હશે જેવી બનતી આવી છે. પરંતુ તેની માટે અમે વિચારધારાને પણ બદલી, પહોંચને પણ બદલી અને તેમાં ટેકનોલોજીને દાખલ કરી.
સાથીઓ,
અમે પહેલાની જેમ જ ચાલતા તો ફરી પાછી સમિતિઓ બનતી, સમિતિઓ બેસી રહેતી, જુદા-જુદા હિતધારકો સાથે વાતચીત કરતી રહેતી અને નિર્ધારિત તારીખને અમે ક્યારેય પહોંચી ન શક્યા હોત. પરંતુ સમિતિને બદલે અમે ટેકનોલોજીવાળા અભિગમ પર ભરોસો કર્યો. ડેટા ઇન્ટેલિજન્સની મદદથી પહેલા અમે 17 હજાર વર્તમાન એલપીજી વિતરણ કેન્દ્રોને શોધ્યા અને પછી 10 હજાર નવા કેન્દ્રો ખૂબ જ ટૂંક સમયમાં તૈયાર કર્યા. તેના માટે અમે દેશના દરેક ગામને ડિજિટલી જોડ્યા. આ માહિતીને અન્ય માહિતી કેન્દ્રો, જેવા કે સેલ રીપોર્ટ, એલપીજી પેનીટ્રેશન પોપ્યુલેશન, સામાજિક-આર્થિક સ્થિતિ, આ બધાની સમિક્ષા કરવામાં આવી. લાખો ગામડાઓમાંથી આશરે 64 લાખ જુદા-જુદા માહિતી કેન્દ્રોની સમિક્ષાના આધાર પર નક્કી કરવામાં આવ્યું કે આ વિતરણ કેન્દ્રો ક્યાં ક્યાં બનવા જોઈએ. પરંતુ અમારું કામ અહિયાં જ પૂરું નહોતું થતું. બીજી એક મોટી સમસ્યા હતી જેનું સમાધાન ટેકનોલોજીએ આપ્યું. ડેશબોર્ડ પર અમલીકરણ અને વિતરણની વાસ્તવિક સમય અનુસાર દેખરેખ દરમિયાન અમને ખબર પડી કે ઘણી બધી મહિલાઓની અરજી નામંજૂર થઇ રહી છે. કારણકે તેમની પાસે બેંક ખાતા નહોતા. આ સમસ્યાને પહોંચી વળવા માટે જનધન કેમ્પ લગાવવામાં આવ્યા અને આવી મહિલાઓના બેંકમાં ખાતાઓ ખોલવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે અમે 3 વર્ષમાં 8 કરોડ જોડાણો આપવાનું જે લક્ષ્ય રાખ્યું હતું, તેને નિર્ધારિત સમયમર્યાદા કરતા ઘણું વહેલા જ પૂરું કરી દેવામાં આવ્યું.
સાથીઓ,
આ તો વાત થઇ ટેકનોલોજી વડે પહોંચ વધારવાની. હવે હું તમને પહોંચ વડે વર્તનમાં પરિવર્તન લાવવામાં ટેકનોલોજીની શું ભૂમિકા રહે છે, તેનું પણ ઉદાહરણ આપું છું. દેશમાં આરોગ્ય કાળજીની સ્થિતિ પર તમારા પુસ્તકમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ખાસ કરીને સારવાર ન કરાવવાની જે માનસિકતા બંધણી તેનું કારણ ગરીબી રહ્યું છે, આવું પૈસાના અભાવને કારણે થઇ રહ્યું છે.
આયુષ્માન ભારત યોજનાએ આ સ્થિતિને બદલવાની દિશામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે. પહેલા જે ગરીબ એ ચિંતામાં સારવાર કરાવતા ખચકાતો હતો, કે તેનું બધું જ વેચાઈ જશે, તે હવે દવાખાને પહોંચવા લાગ્યો છે. તે ગરીબ કે જે પહેલા ખાનગી દવાખાનાના દરવાજા પર ટકોર મારતા અચકાતો હતો, તેને ત્યાં પ્રવેશ મળ્યો છે.
આજે સ્થિતિ એવી છે કે ગરીબોના વર્તનમાં પણ પરિવર્તન આવ્યું છે. તબીબી સેવાઓની માંગ પણ વધી છે, ગરીબોની સારવાર પણ થઇ રહ્યા છે અને હોસ્પિટલોને સરકાર તરફથી પૈસા પણ મળી રહ્યા છે. આ પણ જો શક્ય થઇ રહ્યું છે તો માત્ર ટેકનોલોજીના માધ્યમથી.
સાથીઓ,
આ જ ટેકનોલોજી વડે આયુષ્માન ભારતને આરોગ્ય કાળજીના સંપૂર્ણ પેકેજ તરીકે અમે વિકસિત કરી રહ્યા છીએ. પહેલા રોગોને થતા અટકાવવા (Preventive Health Care) પર ધ્યાન આપવામાં જ નહોતું આવતું, પ્રાથમિક આરોગ્ય કાળજી માત્ર માથાનો દુઃખાવો અને પેટના દુઃખાવા સુધી મર્યાદિત હતી અને ત્રીજી આરોગ્ય કાળજી તો સંપૂર્ણ રીતે એક જુદા જ રસ્તે હતી. હવે તેના માટે આખા દેશમાં દોઢ લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેમને ત્રીજા આરોગ્ય કાળજીના પાયાના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યા છે. ખૂબ ઓછા સમયમાં અત્યાર સુધી 21 હજારથી વધુ આવા કેન્દ્રો તૈયાર પણ થઇ ચૂક્યા છે. તમને નવાઈ લાગશે કે આટલા ઓછા સમયમાં, આ કેન્દ્રો પર દોઢ કરોડથી વધુ લોકોને હાયપરટેન્શન, સવા કરોડથી વધુ ડાયાબિટીસ, દોઢ કરોડથી વધુ કેન્સરના કેસ તપાસવામાં આવી ચૂક્યા છે. પહેલા પ્રાથમિક હેલ્થ કેર સેન્ટરમાં આ શક્ય જ નહોતું. હવે આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોમાંથી જ આ કેસ આગળ મોકલવામાં આવી રહ્યા છે અને ત્રીજા આરોગ્ય કાળજી નેટવર્કમાં ત્યાંની માહિતીના આધાર પર સીધી અને ઝડપી સારવાર શક્ય બનવાની શરૂઆત થઇ ગઈ છે.
સાથીઓ,
ટેકનોલોજી જ્યારે સેતુ બને છે તો આપણને પારદર્શકતા અને લક્ષ્યિત પહોંચનું પણ સમાધાન મળે છે. ભારતમાં વચેટિયા અને દલાલોની શું ભૂમિકા હતી, તેનાથી તમે ખૂબ સારી રીતે પરિચિત રહ્યા છો. સરકારો દેશ ચલાવે છે, મધ્યમવર્ગનો માનવી પ્રશાસન ચલાવે છે, આને એક નિયમ બનાવી લેવામાં આવ્યો હતો. આવું એટલા માટે થતું હતું કારણ કે લોકો અને પ્રક્રિયાની વચ્ચે તફાવત હતો. જન્મથી લઈને મૃત્યુ સુધી, પ્રમાણપત્રની એક લાંબી વ્યવસ્થા હતી, જેમાં સામાન્ય માનવી પીસાતો રહેતો હતો. આજે જન્મથી લઈને જીવન પ્રમાણપત્ર સુધીની સેંકડો સરકારી સેવાઓ ઓનલાઈન છે. આજે સ્વ-પ્રમાણિકરણનો ખ્યાલ દેશમાં પ્રચલિત બની રહ્યો છે. હવે આપણે સ્વ-પ્રમાણિકરણ, સ્વ-ઘોષણા અને ફેસલેસ ટેક્સ મૂલ્યાંકન જેવા વ્યવસ્થાતંત્રો તરફ આગળ વધી રહ્યા છે.
સાથીઓ,
ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કેવી રીતે પડકારોને અવસરોમાં બદલી નાખે છે, તેનું એક અન્ય ઉદાહરણ છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દેશનું સૌથી મોટું નેટવર્ક, આપણી પોસ્ટ ઓફીસ સેવા પર મોબાઇલ અને ઈન્ટરનેટના વધતા પ્રસારના કારણે બંધ થવાની ભીતિ સેવાઈ રહી હતી, લાખો લોકોના રોજગાર પર સંકટના વાદળો હતા.
પરંતુ આજે ટેકનોલોજીના કારણે જ પોસ્ટ ઓફિસો, બેન્કિંગ સેવાઓની અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ઘરે બેઠા પહોંચ પૂરી પાડતા કેન્દ્રો બની રહ્યા છે. એ જ રીતે ગામડે-ગામડે ઓનલાઈન સેવા પહોંચાડનારા કોમન સર્વિસ સેન્ટરનું નેટવર્ક 12 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી રહ્યા છે.
સાથીઓ,
ઉદ્યોગના જુસ્સાને, એમએસએમઈને મજબૂત કરવા અને તેમને રોજગાર નિર્માણના મહત્વના કેન્દ્રો બનાવવા માટે જે પણ ભલામણો પુસ્તકમાં આપવામાં આવી છે, તેની સાથે પણ હું મોટાભાગે સહમત છું. તેમા આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પણ અમે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છીએ. જાહેર ઉપલબ્ધિઓ માટે સરકાર ઈ-માર્કેટ એટલે કે જેમના વિષયમાં આપ સૌ જાણો જ છો. તે સરકારની માગ અને એમએસએમઈના સપ્લાય ઇકોસીસ્ટમની વચ્ચે સેતુ બન્યા છે. આ તંત્રની સફળતાનો અંદાજો એ જ વાત પરથી લગાવી શકાય તેમ છે કે આ વર્ષે આના માધ્યમથી આશરે 50 હજાર કરોડ રૂપિયાની ખરીદીનો લક્ષ્ય છે.
સાથીઓ,
એ જ રીતે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્થાનિક માગ અને પુરવઠા વચ્ચે, તો મેક ઇન ઇન્ડિયા, સ્થાનિક પુરવઠા અને વૈશ્વિક માગની વચ્ચે સેતુનું કામ કરી રહ્યા છે. તમે આ પુસ્તકમાં માગ અને પુરવઠામાં સમસ્યાઓ પર ખૂબ ઝીણવટપૂર્વક સમજાવ્યું છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા પણ આ જ સમસ્યાઓ સામે લડી રહ્યું છે. ભારતના જે પડકારો છે તેમને સામે રાખતા, વિચારોનું મનોમંથન કરીને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાનો આ એક પ્રયાસ છે. આ જ કારણ છે કે આજે વધુ સ્ટાર્ટ અપ્સ ટીયર 2, ટીયર 3 શહેરોમાં તૈયાર થઇ રહ્યા છે.
સાથીઓ,
આ બધી જ વાતોની વચ્ચે એ પણ સત્ય છે કે માત્ર ટેકનોલોજી જ સમાધાન નથી હોતી, માનવીય નીતિ અને યોગ્ય ઈચ્છાશક્તિ હોવા પણ ખૂબ જરૂરી છે. આ જ વાત કૃત્રિમ બુદ્ધિમત્તા પર પણ લાગુ થાય છે. ચર્ચાનો વિષય એ ન હોવો જોઈએ કે કૃત્રિમ બુદ્ધિમત્તાથી ભય શું છે? રોબોટ માણસથી વધુ હોંશિયાર ક્યાં સુધીમાં થઇ જશે? પરંતુ ચર્ચાનો વિષય હોવો જોઈએ કે, કૃત્રિમ બુદ્ધિમત્તા અને માનવીના ઈચ્છાશક્તિની વચ્ચે આપણે સેતુ કઈ રીતે તૈયાર કરી શકીએ? આપણા કૌશલ્યને નવી માગ અનુસાર આધુનિક કઈ રીતે બનાવીએ? ચાલો કૃત્રિમ બુદ્ધિમત્તાને માત્ર એક સાધન બનાવીએ કે જે થોડું વધુ સુસંસ્કૃત છે.
કહેવા માટે તો ઘણું બધું છે પરંતુ અન્ય લોકોને પુસ્તક વાંચવા માટે પણ મારે સમય આપવાનો છે. એક વાર ફરી આ સર્વશ્રેષ્ઠ પુસ્તક, સર્વશ્રેષ્ઠ પ્રયાસ માટે ખૂબ-ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
આભાર!