નમસ્તે, મારા ખેડૂત ભાઈ બહેનો. નમસ્તે – નમસ્તે
મારા માટે ખુશીની બાબત એ છે કે આજે મને સમગ્ર દેશના 600 જિલ્લાના ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) તથા દેશનાં વિવિધ ગામોમાં આવેલા 2લાખ કોમન સર્વિસ સેન્ટર પર આપણા જે ખેડૂત ભાઈ- બહેનો હાજર છે અને આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના અનુભવ જાણવાની તથા તેમને સીધે સીધા સાંભળવાની મને આજે દુર્લભ તક પ્રાપ્ત થઈ છે.
તમે સૌ સમય કાઢીને આવ્યા અને એક ઉત્સવ જેવુ વાતાવરણ ઉભુ કરીને બેઠા છો. હું અહીં મારા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું કે તમારા ચહેરા પરનુ સ્મિત, તમારો ઉમંગ અને તમારા ઉત્સાહને કારણે મારા માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે. ખેડૂત આપણો અન્નદાતા છે. તે લોકોને ભોજન આપે છે. પશુઓને ચારો આપે છે, તમામ ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. દેશની ખાદ્ય સુરક્ષાનો તમામ યશ આપણા ખેડૂત ભાઈઓ-બહેનોને જાય છે.
ભારત ખાદ્યાન્નના ઉત્પાદન મામલે સ્વનિર્ભર બને તે માટે આપણા ખેડૂતોએ ઘણો પરસેવો પાડ્યો છે. લોહી-પાણી એક કર્યાં છે, પરંતુ સમય જતાં ખેડૂતનો પોતાનો વિકાસ ધીરે-ધીરે સંકોચાતો ગયો છે. શરૂઆતથી જ દેશના ખેડૂતોને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યા છે. દરેક વિચારને બદલવા માટે એક અવિરત પ્રયાસની જરૂર પડતી હોય છે. વૈજ્ઞાનિક પ્રયાસોની જરૂર હતી. પ્રગતિશીલ ખેડૂતોને આગળ લાવીને ખેડૂતોની વચ્ચે બદલાતા સમય મુજબ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવાની જરૂર હતી, પણ એ કામમાં આપણે આટલા બધાં વરસ સુધી મોડું કરી દીધુ. છેલ્લાં 4 વર્ષમાં અમે જમીનની જાણવણીથી માંડીને ઉત્તમ કક્ષાના તથા સારી ગુણવત્તા ધરાવતાં બીજ ખેડૂત માટે તૈયાર થાય અને મળી રહે, વીજળી, પાણીથી માંડીને બજાર પ્રાપ્ત થાય ત્યાં સુધીની એક સમતોલ અને વ્યાપક યોજના હાથ ધરવાના અમે ભરચક પ્રયાસો કર્યા. અને અમે નક્કી કર્યું છે કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું ધ્યેય લઈને આગળ વધવું છે. ખેડૂતોને સાથે લઈને આગળ વધવું છે. સરકારની જૂની નીતિઓને બદલી નાંખીને આગળ વધવું છે. જ્યા-જ્યાં તકલીફ હોય તેને દૂર કરીને આગળ વધવું છે. અને અમે જ્યારે ખેડૂતની આવક બમણી કરવાની વાત કરીએ છીએ ત્યારે ઘણાં લોકો એવા છે કે જે આ વાતની મજાક ઉડાવે છે કે આવું તો શક્ય નથી. આવું કઈ રીતે થઈ શકે તેમ કહીને તેમણે ખેડૂતો નિરાશ થાય તેવું વાતાવરણ ઉભુ કરી દીધુ છે. પરંતુ અમે નિર્ણય કર્યો છે અને દેશના ખેડૂતને મારા પર ભરોંસો હતો કે જો મારા દેશના ખેડૂતની સામે જો કોઈ ધ્યેય મૂકવામાં આવે પરિવર્તન લાવવામાં આવે તો તે જોખમ ઉઠાવવા તૈયાર છે. તે મહેનત કરવા તૈયાર છે, પરિવર્તન લાવવા માટે તૈયાર છે અને ભૂતકાળમાં તેણે આવુ કરી દેખાડ્યું છે.
અમે આ કામ પૂરૂ કરવા માટે ધ્યેય નક્કી કર્યું છે અને એ દિશામાં તમામ ખેડૂતોને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ નિરંતર ચાલી રહ્યો છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પહેલાં તે ખેડૂતને જે પડતર (ખર્ચ) આવે છે, તે કઈ રીતે ઓછામાં ઓછો થાય તે માટે પ્રયાસ ચાલી રહ્યો છે. બીજુ તે જ્યારે ઉત્પાદન કરે છે, ઉપજ આપે છે, તેનું વધારે મૂલ્ય કઈ રીતે મળી શકે અને ખેડૂત જે પેદા કરે છે, જેનુ ઉત્પાદન કરે છે તે ચીજોનું નુકશાન કઈ રીતે નિવારી શકાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. તેવા પ્રયાસ દ્વારા ખેડૂતોની આવકનો વૈકલ્પિક સ્રોત ઉભો કરવાનો છે.
દેશના ખેડૂતોની ઉપજનો વાજબી ભાવ મળે તેના માટે આ વખતના બજેટમાં સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે નક્કી કર્યું છે કે નિશ્ચિત પાક માટે ખેડૂતોની જે પડતર હોય તેનાથી ઓછામાં ઓછો દોઢ ગણો ભાવ તેને મળવો જોઈએ. એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હું આપ સૌને જણાવવા માંગુ છું કે એમએસપી નક્કી કરવા માટે જે ખર્ચ ગણતરીમાં લેવામાં આવશે તેમાં બીજા શ્રમિકોના શ્રમનુ મૂલ્ય પણ જોડવામાં આવશે. પશુઓ અને મશીનો માટે જે ખર્ચ કરવામાં આવ્યો હશે તેને પણ ઉમેરવામાં આવશે, બિયારણ અને ખાતર માટે જે ખર્ચ કરવામાં આવ્યો હશે તે ખર્ચ પણ ઉમેરવામાં આવશે. સિંચાઈનું ખર્ચ પણ ઉમેરવામાં આવશે. આ બધુ એમએસપીમાં સામેલ કરવામાં આવશે. કાર્યકારી મૂડી પર જે વ્યાજ આપવુ પડ્યું હશે તેને પણ ગણતરીમાં લેવામાં આવશે. રાજ્ય સરકાર જે મહેસૂલ લે છે તેને પણ ગણતરીમાં લેવામાં આવશે. આટલું જ નહીં, પણ ખેડૂત જે મહેનત કરે છે તે મહેનતનુ મૂલ્ય નક્કી કરીને તેને પણ પડતરમાં ગણતરીમાં લેવામાં આવશે. તેના પરિવારના સભ્યો મહેનત કરતા હશે તેને પણ ગણતરીમાં લઈને પડતર નક્કી કરવામાં આવશે.
ખેતી માટે સરકાર એક ચોક્કસ ભંડોળ નક્કી કરીને તેની ફાળવણી કરે છે. ગઈ સરકારે પાંચ વર્ષમાં ખેડૂતો માટે જે બજેટ ફાળવ્યું હતું કે રૂપિયા એક લાખ એકવીસ હજાર કરોડ હતું, જેને વર્ષ 2014 થી 2019 સુધી વધારીને લગભગ અમે રૂપિયા બે લાખ અગિયાર હજાર કરોડ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે અમે ખેતી માટેનુ બજેટ લગભગ બમણું કરી દીધુ છે. આ બાબત ખેડૂતોના કલ્યાણ માટેની અમારી કટિબદ્ધતા સ્પષ્ટપણે દર્શાવે છે. આજે દેશમાં માત્ર અનાજ અને શાકભાજીનું જ નહીં, દૂધનું પણ વિક્રમી ઉત્પાદન થઈ રહ્યું છે. આપણા ખેડૂત ભાઈઓએ પાછળના લગભગ 70 વર્ષના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે અને એક નવો વિક્રમ રચી દીધો છે. છેલ્લા 48 માસમાં ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ 2017-18માં અનાજનુ ઉત્પાદન લગભગ 280 મિલિયન ટન કરતાં વધારે થયું હતું, જ્યારે 2010 થી 2014 સુધી પાછલી સરકારના સમયમાં આ ઉત્પાદન સરેરાશ અઢીસો મિલિયન ટનની આસપાસ રહેતું હતું. સમાન પ્રકારે દાળ-કઠોળના ઉત્પાદનમાં 10.5 ટકાનો વધારો થયો છે. બાગાયતના ક્ષેત્રમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે.
વાદળી ક્રાંતિ એટલે કે મત્સ્ય ઉછેરના ક્ષેત્રે 26 ટકા, વૃદ્ધિ થઈ છે, તો બીજી તરફ પશુપાલન અને મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે લગભગ 24 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને ખેતીની પ્રક્રિયામાં દરેક તબક્કે મદદ મળે એવો અમારો પ્રયાસ છે, એટલે કે વાવણી પહેલાં અને વાવણીની પછી તથા પાકની કાપણી થયા પછી પણ મદદ મળે. સીધી રીતે કહીએ તો પાક તૈયાર થવાથી માંડીને બજારમાં તેના વેચાણ સુધી એટલે કે બીજથી માંડીને બજાર સુધી સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે અને તે માટેની સુવિધાઓ કેવી રીતે વધારી શકાય, યોજનાઓ કેવી રીતે આગળ વધારી શકાય, ખેડૂતોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટેની તૈયારીઓ થઈ રહી છે.
ખેડૂતના કલ્યાણ માટે એક સમગ્રલક્ષી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. વાવણી કરતાં પહેલાં ખેડૂત એ જાણી શકે કે કઈ જમીન પર કેટલું વાવેતર કરવું જોઈએ તે જાણવા માટે અમે તેના માટે સોઈલ હેલ્થ કાર્ડ શરૂ કર્યું છે. એક વખત એવી જાણકારી હોય કે શું ઉગાડવાનું છે તો પછી ખેડૂતોને સારી ગુણવત્તા ધરાવતા બિયારણ મળે અને નાણાંની સમસ્યામાંથી પસાર થવું ન પડે. આ માટે આ ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વિસ્તાર્યો છે.
આ અગાઉ ખાતર મેળવવા માટે લાંબી લાંબી લાઇનો થતી રહેતી હતી, પરંતુ હવે ખેડૂતોને યૂરિયા અથવા તો વધારાનું અન્ય કોઈ ખાતર લેવું હોય તો તે સરળતાથી મળી રહે છે. કાળા બજારથી ખરીદવું પડતું નથી. આજે ખેડૂતો માટે 100 ટકા નીમ કોટિંગ કરેલું યૂરિયા દેશમાં ઉપલબ્ધ છે.
વાવણી પછી સિંચાઈની જરૂર પડતી હોય છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ આજે દેશમાં લગભગ 100 સિંચાઈ યોજનાઓ પૂરી કરવામાં આવી રહી છે. દરેક ખેતરને પાણી મળે તેવા ધ્યેય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ખેડૂતોને પાક લેવામાં કોઈ પણ પ્રકારનું જોખમ ઉભું ન થાય તે માટે આજે પાક વીમા યોજના છે. પાકની કાપણી કર્યા પછી જ્યારે ખેડૂતનું ઉત્પાદન બજારમાં પહોંચે છે ત્યારે તેને પોતાના ઉત્પાદનની સાચી કિંમત મળી રહે તે માટે અમે ઓનલાઈન મંચ ઈ-નામ શરૂ કર્યું છે કે જેથી ખેડૂતોને પોતાની ઉપજના પૂરા પૈસા મળી શકે. સૌથી મોટી વાત એ છે કે હવે વચેટિયાઓ ખેડૂતના નફાને લઈ શકતા નથી, ઝુંટવી શકતા નથી કે કાપી શકતા નથી. આવો, આપણે જોઈએ કે આ યોજનાઓથી આપણાં ખેડૂત ભાઈઓ બહેનોને કેવો લાભ મળ્યો છે. તેમના જીવનમાં કેવુ પરિવર્તન આવ્યું છે. આ બધુ તેમના જ મુખેથી સાંભળીશું. તેમના અનુભવને આધારે ખેડૂતો વાત સાંભળશે તો કદાચ દેશના ખેડૂતોને પણ તક મળશે કે જો આ ખેડૂતો આમ કરી શકતા હોય તો હું પણ આમ કરી શકું છું.
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, આજે જે લોકો આપણો સંવાદ જોઈ રહ્યા છે તેમને આ ખેડૂતો પર અને તેમની મહેનત પર તથા તેમની પ્રગતિ પર અને તેમના નવા પ્રયોગો પર ખૂબ જ ગૌરવ થતું હશે. હું માનું છું કે જ્યારે દેશના ગામડાંઓનો અને ખેડૂતોનો ઉદય થશે ત્યારે જ ભારતનો પણ વિકાસ થશે. જ્યારે આપણો ખેડૂત સશક્ત હશે તો દેશ પણ સશક્ત બની રહેશે.
મારા વ્હાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, હું સતત આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના અલગ-અલગ લોકો સાથે વાત કરી રહ્યો છું. આજે પણ લાખો લોકો, લાખો ખેડૂતો મારી સાથે જોડાયેલા છે. તમારી વાત માત્ર હું જ નહીં, પણ સમગ્ર ભારત જોઈ રહ્યું છે, દરેક ખેડૂત સાંભળી રહ્યો છે અને તમારી પાસેથી શિખી પણ રહ્યો છે. સરકારમાં બેઠેલા લોકો પણ સાંભળી રહ્યા છે. તમારી બાબતોની એ લોકો પણ નોંધ લઈ રહ્યા છે. તમારા પ્રયોગોની એ લોકો પણ ચર્ચા કરશે અને આ બાબતોને આગળ લાગુ કરવા માટે પ્રયાસ કરશે અને આવો ક્રમ ચાલતો જ રહેશે, કારણ કે મારા માટે આ કાર્યક્રમ એક યુનિવર્સિટી બની ગયો છે, જે મને દર અઠવાડિયે કંઈક ને કંઈક શિખવી જાય છે. દેશવાસીઓને પણ કંઈક શિખવી જાય છે અને ભારતના દૂર-દૂરના ખૂણે બેઠેલા લોકોને મળવાનો અવસર આપે છે, વાતચીતની તક આપે છે. ટેકનોલોજીના માધ્યમથી હું તમારી પાસેથી ઘણું બધુ શિખી રહ્યો છું, સમજી રહ્યો છું અને દેશના અલગ-અલગ ભાગમાં શું થઈ રહ્યુ છે અને કેવી રીતે થઈ રહ્યું છે તેની સીધી જાણકારી મને તમારા માધ્યમ દ્વારા મળી રહી છે.
તો પછી હું તમને હવે પછીના બુધવારે મળવાનો છું. હવે પછીનો બુધવાર એટલે કે 27 જૂન. અને 27 જૂનના રોજ આપણાં ગરીબ લોકો, આપણાં નિમ્ન-મધ્યમ વર્ગના લોકો, આપણાં મધ્યમ વર્ગના લોકો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, આપણાં કારીગર ભાઈઓ અને બહેનો માટે જે સામાજિક સુરક્ષાની યોજના હેઠળ જે વીમા યોજના ચલાવવામાં આવી રહી છે તે બાબતે હું તેમની સાથે વાત કરીશ. સુરક્ષા વીમા યોજનાથી તેમને શું લાભ થયો છે, કારણ કે ખૂબ મોટા વ્યાપક સ્વરૂપે અમે કામ કરી રહ્યા છીએ અને મને પૂરી ખાતરી છે કે આપ સૌ ખેડૂતો, મારી બહેનો અને ભાઈઓએ આ યોજનાઓ અપનાવી જ હશે. તમે પણ સુરક્ષા વીમા યોજનાનો લાભ લીધો હશે. મને એ બાબતનો આનંદ છે કે આજે મારા દેશના તમામ ખેડૂતોનું દર્શન કરવાની મને તક મળી છે, તેમના આશીર્વાદ મેળવવાનો મને અવસર મળ્યો છે. તેમના પરિશ્રમની કથા સાંભળવાની તક મળી છે. તેમની ધગશ, તેમની તપસ્યા આ દેશને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે.
હું વધુ એક વખત મારા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને નમન કરૂં છું. આજે તમે જે સમય કાઢીને મને ઘણી બધી બાબતોની જાણકારી આપી છે. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું. ધન્યવાદ!