જૌન ધરતી પૈ હમાઇ રાની લક્ષ્મીબાઇ જૂ ને, આઝાદી કે લાને, અપનો સબઈ ન્યોછાર કર દઓ, વા ધરતી કે બાસિયન ખોં હમાઓ હાથ જોડ કે પરનામ પૌંચે. ઝાંસીને તો આઝાદી કી અલખ જગાઇ હતી. ઈતૈ કી માટી કે કન મેં, બીરતા ઔર દેસ પ્રેમ બસો હૈ. ઝાંસી કી વીરાંગના રાની લક્ષ્મીનાઇ જૂ કો હમાઓ કોટિ નમન.
કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, દેશના સંરક્ષણ મંત્રી અને આ પ્રદેશના યશસ્વી પ્રતિનિધિ અને મારા બહુ વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટજી, એમએસએમઈ રાજ્ય મંત્રી શ્રી ભાનુપ્રતાપ વર્માજી, તમામ અન્ય અધિકારીગણ, એનસીસી કૅડેટ્સ અને એલમ્ની અને ઉપસ્થિત સાથીઓ!
ઝાંસીની આ શૌર્ય-ભૂમિ પર પગલાં પડતાં જ, એવું કોણ હશે જેના શરીરમાં વીજળી ન દોડે!! એવું કોણ હશે અહીં જેનાં કાનોમાં ‘મૈં મેરી ઝાંસી નહીં દૂંગી’ની ગર્જના ન ગુંજવા લાગતી હોય! એવું કોણ હશે જેને અહીંની રજકણોથી લઈને આકાશનાં વિશાળ શૂન્યમાં સાક્ષાત રણચંડીના દિવ્ય દર્શન ન થતા હોય! અને આજે તો શૌર્ય અને પરાક્રમની પરાકાષ્ઠા આપણી રાણી લક્ષ્મીબાઇજીની જન્મજયંતિ પણ છે! આજે ઝાંસીની આ ધરતી આઝાદીના ભવ્ય અમૃત મહોત્સવની સાક્ષી બની રહી છે! અને આજે આ ધરતી પર એક નવું સશક્ત અને સામર્થ્યશાળી ભારત આકાર લઈ રહ્યું છે! એવામાં, આજે ઝાંસી આવીને હું કેવી લાગણી અનુભવું છું, એની અભિવ્યક્તિ શબ્દોમાં સરળ નથી. પણ હું જોઇ શકું છું, રાષ્ટ્રભક્તિનો જે જુવાળ, ‘મેરી ઝાંસી’નો જે મનોભાવ મારા મનમાં ઉમટી રહ્યો છે, એ બુંદેલખંડની જન-જનની ઊર્જા છે, એમની પ્રેરણા છે. હું આ જાગૃત ચેતનાને અનુભવી પણ રહ્યો છું અને ઝાંસીને બોલતા પણ સાંભળી રહ્યો છું! આ ઝાંસી, રાણી લક્ષ્મીબાઇની આ ધરતી બોલી રહી છે-હું તીર્થસ્થળી વીરોની, હું ક્રાંતિકારીઓની કાશીમાં છું હું છું ઝાંસી, હું છું ઝાંસી, હું છું ઝાંસી, હું છું ઝાંસી, મારી ઉપર મા ભારતીનાં અનંત આશીર્વાદ છે કે ક્રાંતિકારીઓની આ કાશી-ઝાંસીનો ગાઢ પ્રેમ મને હંમેશા મળ્યો છે, અને એ પણ મારું સૌભાગ્ય છે કે હું ઝાંસીની રાણીનાં જન્મસ્થળ, કાશીનું પ્રતિનિધિત્વ કરું છું, મને કાશીની સેવાની તક મળી છે. એટલે, આ ધરતી પર આવીને મને એક વિશેષ કૃતજ્ઞતાની અનુભૂતિ થાય છે, એક વિશેષ પોતીકાપણું લાગે છે. આ કૃતજ્ઞ ભાવથી હું ઝાંસીને નમન કરું છું, વીર-વીરાંગનાઓની ધરતી બુંદેલખંડને શિશ નમાવીને પ્રણામ કરું છું.
સાથીઓ,
આજે ગુરુ નાનકદેવજીની જયંતિ, કાર્તિક પૂર્ણિમાની સાથે સાથે દેવ-દિવાળી પણ છે. હું ગુરુનાનક દેવજીને નમન કરતા તમામ દેશવાસીઓને આ પર્વોની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. દેવ-દિવાળીએ કાશી એક અદભુત દૈવી પ્રકાશથી શણગારાય છે. આપણા શહીદો માટે ગંગાના ઘાટો પર દીવા પ્રગટાવાય છે. ગયા વખતે હું દેવ દિવાળીએ કાશીમાં જ હતો, અને આજે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ પર ઝાંસીમાં છું. હું ઝાંસીની ધરતી પરથી પોતાની કાશીના લોકોને હાર્દિક અભિનંદન પાઠવું છું.
ભાઇઓ-બહેનો,
આ ધરતી રાણી લક્ષ્મીબાઇનાં અભિન્ન સહયોગી રહેલાં વીરાંગના ઝલકારી બાઇની વીરતા અને સૈન્ય કુશળતાની પણ સાક્ષી રહી છે. હું 1857ના સ્વાધીનતા સંગ્રામની એ અમર વીરાંગનાનાં ચરણોમાં પણ આદરપૂર્વક નમન કરું છું, પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. હું નમન કરું છું આ ધરતીથી ભારતીય શૌર્ય અને સંસ્કૃતિની અમર ગાથાઓ લખનારા ચંદેલો-બુંદેલોને, જેમણે ભારતની વીરતાનું ગૌરવ વધાર્યું, સ્વીકાર કરાવ્યો. હું નમન કરું છું બુંદેલખંડના ગૌરવ એવા વીર આલ્હા-ઉદલને જે આજે પણ માતૃભૂમિની રક્ષા માટે ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આવાં કેટલાંય અમર સેનાની, મહાન ક્રાંતિકારી, યુગનાયક અને યુગનાયિકાઓ રહી છે જેમનો આ ઝાંસી સાથે વિશેષ સંબંધ રહ્યો છે, જેમણે અહીંથી પ્રેરણા મેળવી છે, હું એ તમામ મહાન વિભૂતિઓને પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું. રાણી લક્ષ્મીબાઇની સેનામાં એમની સાથે લડનારા, બલિદાન આપનારા આપ સૌ લોકોનાં જ તો પૂર્વજ હતા. આ ધરતીનાં આપ સૌ સંતાનોના માધ્યમથી હું એ બલિદાનીઓને પણ નમન કરું છું, વંદન કરું છું.
સાથીઓ,
આજે હું ઝાંસીના વધુ એક સપૂત મેજર ધ્યાનચંદજીનું પણ સ્મરણ કરવા માગું છું, જેમણે ભારતના ખેલ જગતને દુનિયામાં ઓળખ આપી. હમણાં થોડા સમય પહેલાં જ અમારી સરકારે દેશના ખેલ રત્ન ઍવોર્ડ્સને મેજર ધ્યાનચંદજીનાં નામ પર રાખવાની જાહેરાત કરી છે. ઝાંસીના આ દીકરાનું, ઝાંસીનું આ સન્માન, આપણે સૌને ગૌરવાન્વિત કરે છે.
સાથીઓ,
અહીં આવતા પૂર્વે હું મહોબામાં હતો, જ્યાં બુંદેલખંડની પાણીની સમસ્યાના ઉકેલ માટે પાણી સાથે સંકળાયેલી યોજનાઓ અને અન્ય બીજી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસની તક મને મળી. અને હવે ઝાંસીમાં, ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’નો હિસ્સો બની રહ્યો છું. આ પર્વ આજે ઝાંસીથી દેશના સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરી રહ્યું છે. હમણાં અહીં 400 કરોડ રૂપિયાના ભારત ડાયનેમિક લિમિટેડના એક નવા પ્લાન્ટનું ભૂમિપૂજન થયું છે. આનાથી યુપી ડિફેન્સ કૉરિડોરના ઝાંસી નોડને નવી ઓળખ મળશે. ઝાંસીમાં એન્ટી ટેંક મિસાઇલ્સ માટે ઉપકરણ બનશે, જેનાથી સીમાઓ પર આપણા જવાનોને નવી શક્તિ, નવો વિશ્વાસ મળશે અને એનું સીધેસીધું પરિણામ એ જ હશે કે દેશની સીમાઓ વધારે સુરક્ષિત રહેશે.
સાથીઓ,
આની સાથે જ, આજે ભારતમાં નિર્મિત સ્વદેશી લાઇટ કૉમ્બેટ હૅલિકૉપ્ટર્સ, ડ્રોન્સ અને ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ પણ આપણી સેનાઓને સમર્પિત કરાયાં છે. આ એવાં લાઇટ કૉમ્બેટ હૅલિકોપ્ટર છે જે આશરે 16 હજાર ફિટની ઊંચાઇ પર ઉડી શકે છે. આ નવા ભારતની તાકાત છે, આત્મનિર્ભર ભારતની ઉપલબ્ધિ છે જેની સાક્ષી આપણી આ વીર ઝાંસી બની રહી છે.
સાથીઓ,
આજે એક તરફ આપણી સેનાઓની તાકાત વધી રહી છે, તો સાથે જ ભવિષ્યમાં દેશની રક્ષા માટે સક્ષમ યુવાઓ માટે જમીન પણ તૈયાર થઈ રહી છે. આ 100 સૈનિક સ્કૂલ જેની શરૂઆત થશે એ આવનારા સમયમાં દેશનું ભવિષ્ય શક્તિશાળી હાથોમાં સોંપવાનું કામ કરશે. અમારી સરકારે સૈનિક સ્કૂલોમાં દીકરીઓના પ્રવેશની પણ શરૂઆત કરી છે. 33 સૈનિક શાળાઓમાં આ સત્રથી કન્યા વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ પણ થઈ ગયો છે. એટલે, હવે સૈનિક સ્કૂલોથી રાણી લક્ષ્મીબાઇ જેવી દીકરીઓ પણ નીકળશે જે દેશની રક્ષા-સુરક્ષા અને વિકાસની જવાબદારી પોતાના ખભા પર ઉપાડી લેશે. આ તમામ પ્રયાસોની સાથે જ, એનસીસી એલ્મની એસોસિયેશન અને એનસીસી કૅડેટ્સ માટે ‘નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન ટ્રેનિંગ’ એ ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ની ભાવનાને સાકાર કરશે અને મને ખુશી છે કે આજે સંરક્ષણ મંત્રાલયે, એનસીસીએ મને મારાં બાળપણની યાદો યાદ કરાવી છે. મને ફરીથી એક વાર એનસીસીનો એ રૂઆબ, એનસીસીના એક મિજાજ એની સાથે જોડી દીધો. હું પણ દેશભરમાં એ સૌને આગ્રહ કરીશ કે આપ પણ જો ક્યારેક એનસીસી કૅડેટ તરીકે રહ્યા હોય, તો આપ જરૂર આ એલ્મની એસોસિયેશના ભાગ બનો અને આવો, આપણે તમામ જૂનાં એનસીસી કૅડેટ્સ દેશ માટે આજે જ્યાં પણ હોઇએ, ગમે એ કામ કરતા હોઇએ, કંઈક ને કંઈક દેશ માટે કરવાનો સંકલ્પ કરીએ, મળીને કરીએ. જે એનસીસીએ આપણને સ્થિરતા શીખવી, જે એનસીસીએ આપણને સાહસ શીખવાડ્યું, જે એનસીસીએ આપણને રાષ્ટ્રનાં સ્વાભિમાન માટે જીવવાનો પાઠ ભણાવ્યો, એવાં સંસ્કારોને દેશ માટે આપણે પણ ઉજાગર કરીએ. એનસીસીના કૅડેટ્સના જુસ્સાનો, એનાં સમર્પણનો લાભ હવે દેશના સરહદી અને કાંઠાના વિસ્તારોને પણ અસરકારક રીતે મળશે. આજે પ્રથમ એનસીસી એલ્મની સભ્ય કાર્ડ મને આપવા માટે હું આપ સૌનો ઘણો આભારી છું. મારા માટે આ ગર્વની બાબત છે.
સાથીઓ,
વધુ એક બહુ મહત્વની શરૂઆત આજે ઝાંસીની બલિદાની માટીથી થઈ રહી છે. આજે ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ પર ડિજિટલ કિઓસ્ક પણ શરૂ કરાઇ રહ્યું છે. હવે તમામ દેશવાસી આપણા શહીદોને, યુદ્ધ નાયકોને મોબાઇલ એપ મારફતે પોતાની શ્રદ્ધાંજલિ અર્પી શકશે, સમગ્ર દેશની સાથે એક મંચ ભાવનાત્મક રીતે જોડાઈ શકશે. આ બધાંની સાથે, આજે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અટલ એક્તા પાર્ક અને 600 મેગાવૉટનો અલ્ટ્રામેગા સોલર પાવર પાર્ક પણ ઝાંસીને સમર્પિત કરાયો છે. આજે જ્યારે દુનિયા પ્રદૂષણ અને પર્યાવરણનાં પડકારો સામે ઝઝૂમી રહી છે ત્યારે સોલર પાવર પાર્ક જેવી ઉપલબ્ધિઓ દેશ અને પ્રદેશના દૂરદર્શી વિઝનનું ઉદાહરણ છે. હું વિકાસની આ ઉપલબ્ધિઓ માટે, અવિરત ચાલી રહેલી કાર્ય-યોજનાઓ માટે પણ આપ સૌને અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
મારી પાછળ ઐતિહાસિક ઝાંસીનો કિલ્લો, એ વાતનો જીવતો જાગતો સાક્ષી છે કે ભારત કદી કોઇ લડાઈ શૌર્ય અને વીરતાની ઊણપને લીધે હાર્યું નથી. રાણી લક્ષ્મીબાઇ પાસે જો અંગ્રેજોની બરાબર સંસાધનો અને આધુનિક શસ્ત્રો હોત તો દેશની આઝાદીનો ઈતિહાસ કદાચ અલગ જ હોત! જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણી પાસે અવસર હતો, અનુભવ પણ હતો. દેશને સરદાર પટેલનાં સપનાંનું ભારત બનાવવું, આત્મનિર્ભર ભારત બનાવવાની આપણી જવાબદારી છે. આ આઝાદીના અમૃતકાળમાં દેશનો સંકલ્પ છે, દેશનું લક્ષ્ય છે. અને બુંદેલખંડમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ કૉરિડોર આ અભિયાનમાં સારથીની ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. જે બુંદેલખંડ ક્યારેક ભારતનાં શૌર્ય અને સાહસ માટે જાણીતું હતું એની ઓળખ હવે ભારતના વ્યૂહાત્મક સામર્થ્યના મુખ્ય કેન્દ્ર તરીકે પણ હશે. બુંદેલખંડ એક્સપ્રેસ આ વિસ્તારના વિકાસનો એક્સપ્રેસ બનશે એ મારા પર વિશ્વાસ રાખજો. આજે અહીં મિસાઈલ ટેકનોલોજી સાથે સંકળાયેલી એક કંપનીનો શિલાન્યાસ થઈ રહ્યો છે, આવનારા સમયમાં એવી જ ઘણી બીજી કંપનીઓ પણ આવશે.
સાથીઓ,
લાંબા સમયથી ભારતની દુનિયાના સૌથી મોટા હથિયાર અને એક રીતે આપણી શું ઓળખ બની ગઈ. આપણી ઓળખ એક જ બની ગઈ હથિયાર ખરીદનાર દેશ. આપણી ગણતરી એમાં જ રહેતી હતી. પણ આજે દેશનો મંત્ર છે-મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ. આજે ભારત, પોતાની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી રહ્યું છે. આપના દેશના સંરક્ષણ ક્ષેત્ર સાથે દેશના ખાનગી ક્ષેત્રની પ્રતિભાને પણ જોડી રહ્યા છીએ. નવા સ્ટાર્ટ અપ્સને હવે આ ક્ષેત્રમાં પણ પોતાની કમાલ બતાવવાની તક મળી રહી છે. અને આ બધામાં, યુપી ડિફેન્સ કૉરિડોરનું ઝાંસી નોડ બહુ મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. એનો અર્થ છે-અહીંના એમએસએમઈ ઉદ્યોગ માટે, નાના ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ તૈયાર થશે. અહીંના યુવાઓને રોજગારની નવી તકો મળશે. અને એનો અર્થ છે- જે ક્ષેત્ર થોડાં વર્ષો અગાઉ ખોટી નીતિઓને કારણે પલાયનથી પીડિત હતું એ હવે નવી સંભાવનાઓને કારણે રોકાણકારોનાં આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશ વિદેશથી લોકો બુંદેલખંડ આવશે. બુંદેલખંડની જે ધરતીને ક્યારેક ઓછો વરસાદ અને દુકાળને લીધે સૂકી માનવા લાગી હતી ત્યા6 આજે પ્રગતિનાં બીજ અંકુરિત થઈ રહ્યા છે.
સાથીઓ,
દેશે એ પણ નક્કી કર્યું છે કે સંરક્ષણ બજેટથી જે હથિયારો-સાધનોની ખરીદી થશે એમાં મોટો હિસ્સો મેક ઇન ઇન્ડિયા સાધનો પર જ ખર્ચ થશે. સંરક્ષણ મંત્રાલયે 200થી વધારે એવાં ઉપકરણોની યાદી પણ જારી કરી છે જે હવે દેશમાંથી જ ખરીદવામાં આવશે, બહારથી લાવી જ ન શકાય. એને વિદેશથી ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાથીઓ,
આપણા આદર્શ રાણી લક્ષ્મીબાઇ, ઝલકારી બાઇ, અવંતી બાઇ, ઉદા દેવી જેવી અનેક વીરાંગનાઓ છે. આપણા આદર્શ લોહપુરુષ સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ જેવી મહાન આત્માઓ છે. એટલે, આજે અમૃત મહોત્સવમાં આપણે એક સાથે આવવાનું છે, એક સાથે આવીને દેશની એક્તા અખંડિતા માટે, આપણા સૌની એક્તા માટે સંકલ્પ લેવાનો છે. આપણે વિકાસ અને પ્રગતિ માટે સંકલ્પ લેવાનો છે. જેમ અમૃત મહોત્સવમાં આજે રાણી લક્ષ્મીબાઇને દેશ આટલી ભવ્ય રીતે યાદ કરી રહ્યો છે એવી જ રીતે, બુંદેલખંડના અનેકાનેક દીકરા-દીકરીઓ છે. હું અહીંના યુવાઓને આહવાન કરીશ, અમૃત મહોત્સવમાં આ બલિદાનીઓના ઇતિહાસને, આ ધરતીના પ્રતાપને દેશ-દુનિયા સમક્ષ લાવો. મને પૂરો વિશ્વાસ છે, આપણે સૌ સાથે મળીને આ અમર વીર ભૂમિને એનું ગૌરવ પાછું અપાવીશું. અને મને ખુશી છે કે સંસદમાં મારા સાથી ભાઇ અનુરાગજી સતત એવાં વિષયો પર કંઇકને કંઇક કરતા રહે છે. હું જોઇ રહ્યો છું કે રાષ્ટ્ર રક્ષાના આ સાપ્તાહિક પર્વને જે રીતે તેમણે સ્થાનિક લોકોને સક્રિય કર્યા, સરકાર અને લોકો મળીને કેવું અદભુત કામ કરી શકે છે એ આપણા સાંસદ અને એમના તમામ સાથીઓએ કરી બતાવ્યું છે. હું એમને પણ ખૂબ અભિનંદન આપું છું. આ ભવ્ય સમારોહને સફળ બનાવવા માટે આદરણીય રાજનાથજીના નેતૃત્વમાં સમગ્ર ટીમે જે કલ્પનાની સાથે સ્થળ પસંદ કર્યું, સંરક્ષણ કૉરિડોર માટે ઉત્તર પ્રદેશ રાષ્ટ્ર રક્ષા માટે અનેક વિવિધ પ્રકલ્પોને તૈયાર કરવાની ભૂમિ બને એ માટે આજનો આ કાર્યક્રમ બહુ લાંબા સમયગાળા સુધી અસર જન્માવનારો છે. એટલે રાજનાથજી અને એમની સમગ્ર ટીમ અનેક-અનેક અભિનંદનના અધિકારી છે. યોગીજીએ પણ ઉત્તર પ્રદેશના વિકાસને એક નવી શક્તિ આપી છે, નવી ગતિ આપી છે, પણ સંરક્ષણ કૉરિડોર અને બુંદેલખંડની આ ધરતીને શૌર્ય અને સામર્થ્ય માટે ફરી એક વાર રાષ્ટ્ર રક્ષાની ઉપજાઉ ભૂમિ માટે તૈયાર કરવી, હું સમજું છું કે આ એક બહુ મોટું દૂરંદેશીનું કાર્ય છે. હું એમને પણ અભિનંદન આપું છું.
સાથીઓ,
આજના આ પવિત્ર તહેવારોની ક્ષણે આપ સૌને અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.