નમસ્કાર,
આ કાર્યક્રમ તમને થોડો વિશેષ લાગતો હશે. આ વખતે બજેટ પછી અમે નિર્ણય કર્યો છે કે બજેટમાં જે બાબતો નક્કી કરવામાં આવી છે એ બાબતોને લઈને જેમને બજેટ સાથે સંબંધ છે, તેવાં અલગ અલગ ક્ષેત્રો સાથે તે અંગે વિસ્તારથી વાત કરવી અને 1 એપ્રિલથી જ્યારે નવું બજેટ લાગુ થઈ જાય ત્યારે એ જ દિવસથી તમામ યોજનાઓ લાગુ થઈ જાય, તમામ યોજનાઓ આગળ ધપે અને ફેબ્રુઆરી તથા માર્ચનો ઉપયોગ બજેટની તૈયારી માટે કરવામાં આવે તેવો હેતુ છે.
આપણે અગાઉની તુલનામાં આ બજેટ આશરે એક મહીનો વહેલુ રજૂ કર્યુ છે એટલે આપણી પાસે બે માસનો સમય છે. તેનો મહત્તમ લાભ આપણે કેવી રીતે લઈ શકીએ તે માટે અલગ અલગ ક્ષેત્રોના લોકો સાથે સતત વાતચીત થઈ રહી છે. ક્યારેક માળખાગત સુવિધાઓ બાબતે દરેક સાથે વાત થઈ તો, ક્યારેક સંરક્ષણ ક્ષેત્ર સંબંધી સૌની સાથે વાત થઈ છે. આજે મને આરોગ્ય ક્ષેત્રના લોકો સાથે વાત કરવાની તક મળી છે.
આ વર્ષના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે જેટલું બજેટ ફાળવવામાં આવ્યુ છે તે અભૂતપૂર્વ છે. તે દરેક દેશવાસીને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવાના આપણા ઉદ્દેશની કટીબધ્ધતાનું પ્રતિક છે. વિતેલા વર્ષ દરમ્યાન એક રીતે કહીએ તો દેશ માટે, દુનિયા માટે અને સમગ્ર માનવજાત માટે તેમજ ખાસ કરીને આરોગ્ય ક્ષેત્ર માટે અને એક રીતે કહીએ તો અગ્નિપરીક્ષા જેવો સમય હતો.
મને એ બાબતનો આનંદ છે કે આ અગ્નિપરીક્ષામાં આપ સૌ અને દેશનું આરોગ્યક્ષેત્ર સફળ થયાં છે. આપણે અનેક લોકોની જીંદગી બચાવવામાં સફળ થયા છીએ. માત્ર થોડાક મહીનાઓની અંદર જે રીતે દેશમાં અઢી હજાર લેબોરેટરીઝનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું, થોડાક ડઝન ટેસ્ટથી આપણે હાલમાં આશરે 21 કરોડ ટેસ્ટના મુકામ સુધી પહોંચી ચૂક્યા છીએ. આ બધુ સરકાર અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને કામ કરવાને કારણે શક્ય બન્યું છે.
સાથીઓ,
કોરોનાએ આપણને એ બોધપાઠ આપ્યો છે કે આ મહામારી સાથે આપણે માત્ર આજે પૂરતું જ લડવાનુ નથી, પણ ભવિષ્યમાં આવનારી કોઈપણ મહામારી સામે લડત આપવાની છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે દેશને તૈયાર કરવાનો છે. આથી આરોગ્યની કાળજી સાથે જોડાયેલાં ક્ષેત્રોને મજબૂત કરવાનું પણ એટલું જ આવશ્યક બની રહે છે. તબીબી ઉપકરણોથી માંડીને દવાઓ સુધી અને વેન્ટીલેટરથી માંડીને વેકસીન સુધી વૈજ્ઞાનિક સંશોધનથી માંડીને દેખરેખની માળખાગત સુવિધાઓ સુધી, ડોકટરથી માંડીને મહામારીના નિષ્ણાતો સુધી આપણે તમામ ઉપર ધ્યાન આપવાનુ છે કે જેથી ભવિષ્યમાં દેશમાં આરોગ્ય સામેની કોઈપણ આફત સામે બહેતર પધ્ધતિથી તૈયાર રહી શકાય.
મૂળભૂત રીતે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની પાછળ આ પ્રકારની પ્રેરણા કામ કરે છે. આ યોજના હેઠળ સંશોધનથી અને ટેસ્ટીંગથી માંડીને સારવાર સુધીની તમામ સુવિધાઓ દેશમાં જ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના આરોગ્યની દરેક બાબતે આપણી ક્ષમતામાં વૃધ્ધિ થશે. 15મુ નાણાં પંચ, એની ભલામણોનો સ્વીકાર થયા પછી આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ માટે રૂ.70,000 કરોડથી વધુ રકમ મળવાની છે. આનો અર્થ એ થાય કે સરકારનો ઝોક માત્ર આરોગ્યના ક્ષેત્રમાં રોકાણ કરવાનો જ નથી, પણ દૂર દૂરના પ્રદેશોમાં આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પણ છે. આપણે એ બાબત ઉપર પણ ધ્યાન રાખવાનું છે કે આરોગ્ય ક્ષેત્રમાં કરવામાં આવેલું મૂડીરોકાણ માત્ર આરોગ્ય માટે જ નહી, પણ રોજગારી માટેની તકોમાં પણ વધારો કરી શકે છે.
સાથીઓ,
કોરોના દરમ્યાન ભારતના આરોગ્ય ક્ષેત્રએ જે મજબૂતી દેખાડી છે, આપણે જે અનુભવ અને આપણી શક્તિ પ્રદર્શિત કરી છે તેની દુનિયાએ ખૂબ જ ઝીણવટપૂર્વક નોંધ લીધી છે. આજે સમગ્ર દુનિયામાં ભારતના આરોગ્ય ક્ષેત્રની પ્રતિષ્ઠા અને ભારતના આરોગ્ય ક્ષેત્ર ઉપરના ભરોંસામાં વધારો થયો છે અને તે એક નવા જ સ્તર સુધી પહોંચ્યો છે. આ ભરોસાને ધ્યાનમાં રાખીને આપણે પોતાની તૈયારીઓ કરવાની છે. આવનારા સમયમાં ભારતીય ડોકટરોની માંગ વિશ્વમાં મોટા પ્રમાણમાં વધવાની છે, અને એનું કારણ ભરોંસો છે. આવનારા સમયમાં ભારતની નર્સો અને પેરા-મેડિકલ સ્ટાફની માંગ પણ સમગ્ર દુનિયામાં વધવાની છે. તમે લખીને રાખો આ સમય દરમ્યાન ભારતની દવાઓ અને ભારતની રસીને એક નવો ભરોસો હાંસલ થયો છે. આટલી વધતી જતી માંગને કારણે આપણે પણ પોતાની તૈયારીઓ કરવાની રહેશે. સ્વાભાવિક રીતે લોકોનું ધ્યાન આપણા તબીબી શિક્ષણની વ્યવસ્થા તરફ જશે અને તેની ઉપર ભરોંસો વધશે. આવનારા દિવસોમાં દુનિયાના વધુ દેશમાંથી તબીબી શિક્ષણ માટે, ભારતમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવે તેવી સંભાવના વધી જાય છે અને આપણે તેના માટે પ્રોત્સાહિત પણ આપવું જોઈએ.
કોરોના કાળ દરમ્યાન આપણે વેન્ટીલેટર અને અન્ય સામાન બનાવવામાં પણ નિપુણતા હાંસલ કરી છે. તેની વૈશ્વિક માંગ પૂરી કરવા માટે ભારતે ઝડપથી કામ કરવાનુ રહેશે. ભારતે એવું સપનું જોવું જોઈએ કે દુનિયાના જે જે દેશમાં તબીબી ઉપકરણોની જરૂરિયાત છે, તે ઓછા ખર્ચે કેવી રીતે તૈયાર થઈ શકે? ભારત વૈશ્વિક સપ્લાયર કેવી રીતે બની શકે? અને પોસાય તેવી સેવાઓની વ્યવસ્થા કેવી રીતે ઉભી થઈ શકે અને તે લાંબો સમય ટકી શકે તેવી વ્યવસ્થા હશે. ટેકનોલોજી વાપરનાર માટે સરળ બની શકે તેવી હશે. અને હું સ્પષ્ટપણે માનું છું કે દુનિયાની નજર ભારત તરફ જશે અને આરોગ્ય ક્ષેત્રમાં તો જરૂરથી જશે.
સાથીઓ,
સરકારનું બજેટ ચોકકસપણે એક ઉદ્દીપક એજન્ટ તરીકેનુ કામ કરે છે, પરંતુ એ બાબત સાકાર ત્યારે જ થશે જ્યારે આપણે સૌ સાથે મળીને કામ કરીશું.
સાથીઓ,
આરોગ્ય ક્ષેત્ર માટે આપણો અભિગમ અગાઉની સરકારોની તુલનામાં થોડોક અલગ છે. આ બજેટ પછી તમને પણ એવો સવાલ થઈ રહયો હશે કે જેમાં સ્વચ્છતાની વાત થશે, પોષણની વાત થશે, વેલનેસની વાત થશે, આયુષનું હેલ્થ પ્લાનિંગ થશે. આ બધી બાબતો આપણે એક સર્વગ્રાહી અભિગમ સાથે આગળ ધપાવવાની છે. આ એ જ વિચાર ધારા છે કે જેને કારણે અગાઉ આરોગ્ય ક્ષેત્રને પહેલાં ટૂકડાઓમાં જોવામાં આવતુ હતું અને ટૂકડાઓમાં જ તેનું વ્યવસ્થાપન કરવામાં આવતુ હતુ.
અમારી સરકાર ટૂકડાઓમાં વ્યવસ્થાપન કરવાને બદલે આરોગ્ય અંગેના મુદ્દાઓને સમગ્રલક્ષી પધ્ધતિથી જુએ છે. એક સુસંકલિત અભિગમની જેમ અને ધ્યાન કેન્દ્રિત કરી શકાય તેવી પધ્ધતિને અનુસરીને અમે કામ શરૂ કર્યુ છે. અમે બિમારી અટકાવવાથી માંડીને તેની સારવાર સુધીની બાબતમાં સુસંકલિત અભિગમ અપનાવ્યો છે. અમે દેશમાં માત્ર સારવાર ઉપર જ નહી, પણ વેલનેસ બાબત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ભારતને સ્વસ્થ રાખવા માટે આપણે એટલા માટે જ ચાર મોરચા ઉપર એક સાથે કામ કરી રહ્યા છીએ.
પ્રથમ મોરચો- બિમારીઓને આવતી રોકવાનો છે. એનો અર્થ એ છે કે બિમારી આવે તે પહેલાં જ તેને રોકવી, વેલનેસને પ્રોત્સાહન આપવું. સ્વચ્છ ભારત અભિયાન હોય કે પછી યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, પોષણથી માંડીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોની યોગ્ય સમયે સાચી સંભાળ લેવાય અને તેમને સારવાર આપવાની હોય કે પીવાનુ શુધ્ધ પાણી પહોંચાડવાનો પ્રયાસ હોય એવા તમામ ઉપાયો આ વ્યવસ્થાના હિસ્સારૂપ બાબત છે.
બીજો મોરચો- ગરીબમાં ગરીબ માણસને સસ્તી અને અસરકારક સારવાર પૂરી પાડવાનો છે. આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જેવી યોજનાઓ તો આ કામ કરી જ રહી છે.
ત્રીજો મોરચો- આરોગ્ય અંગેની માળખાગત સુવિધાઓનો તથા આરોગ્ય ક્ષેત્રે કામ કરતા પ્રોફેશનલની ગુણવત્તા તથા માટાપાયે ઉપલબ્ધિમાં વધારો કરવાનો છે. વિતેલાં 6 વર્ષમાં એઈમ્સ અને એ પ્રકારની સંસ્થાઓનો વિસ્તાર દેશના દૂર દૂરના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. દેશમાં વધુને વધુ તબીબી કોલેજો બનાવવા પાછળનો પણ આ જ આશય કામ કરે છે.
ચોથો મોરચો છે- સમસ્યાઓના નિવારણ માટે મિશન મોડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને નિર્ધારિત સમય મર્યાદામાં આપણે કામ કરવાનુ છે. મિશન ઈન્દ્રધનુષને દેશના આદિવાસી વિસ્તારો અને દૂર દૂર સુધીના વિસ્તારોમાં પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
દેશમાં ટીબી સામે જંગ શરૂ થયો છે અને દુનિયાએ વર્ષ 2030 સુધીમાં દુનિયાને ટીબીથી મુક્ત કરવા માટેનો લક્ષ્યાંક નક્કી થયો છે. આપણે વર્ષ 2025 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાનું ધ્યેય રાખ્યું છે. હું હાલમાં ટીબી તરફ ધ્યાન આપવાનુ એટલા માટે કહી રહ્યો છું, કારણ કે ટીબી પણ ચેપ લાગેલા માણસનાં ડ્રોપલેટથી જ ફેલાતો હોય છે. ટીબીને રોકવા માટે પણ માસ્ક પહેરવું, વહેલું નિદાન કરવું અને વહેલી સારવાર કરવી તે બાબત ખૂબ જ મહત્વની બની રહે છે.
કોરોના કાળની પરિસ્થિતિ વચ્ચે આપણને જે અનુભવ હાંસલ થયો છે તે એક રીતે કહીએ તો ભારતના સામાન્ય માનવી સુધી પહોંચી ચૂક્યો છે. અને હવે આપણે જો વાસ્તવિક રીતે ટીબીના ક્ષેત્રમાં એ જ પ્રકારે કામ કરીશું તો આપણે ટીબી સામે જે લડાઈ લડવાની છે તેમાં ખૂબ જ આસાનીથી જીત હાંસલ કરી શકીશું. અને એટલા માટે જ કોરોનાનો જે અનુભવ પ્રાપ્ત થયો છે, કોરોનાના કારણે સામાન્ય લોકોમાં જે જાગૃતિ પેદા થઈ છે તથા બિમારીથી બચવામાં ભારતના સામાન્ય નાગરિકે જે યોગદાન આપ્યું છે તે તમામ બાબતો જોતાં લાગે છે કે આ મોડલમાં જરૂરી સુધારા કરીને તથા કેટલાક ઉમેરા અને ફેરફારો કરીને જો આપણે તેને ટીબી સામેની લડત માટે લાગુ કરીશું તો વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું સપનું પૂરૂ કરી શકીએ તેમ છીએ.
સમાન પ્રકારે તમને યાદ હશે કે આપણે ત્યાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર વગેરે જે વિસ્તારો છે કે જેને પૂર્વાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પૂર્વાંચલ વિસ્તારમાં મગજના તાવને કારણે દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકોના દુઃખદ મૃત્યુ થાય છે. સંસદમાં પણ તે અંગે ચર્ચા થાય છે. એક વખત તો આ વિષય ઉપર ચર્ચા કરતાં કરતાં ઉત્તર પ્રદેશના આપણા હાલના મુખ્યમંત્રી યોગીજી ખૂબ જ રડી પડ્યા હતા. આ બાળકોની મરવાની સ્થિતિ જોઈને, પરંતુ જ્યારથી તે ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેમણે એક રીતે કહીએ તો ધ્યાન કેન્દ્રિત કરીને સંપૂર્ણ જોર લગાવ્યું છે. આજે આપણને તેના ખૂબ જ આશાસ્પદ પરિણામો મળી રહ્યા છે. આપણે મગજના તાવને ફેલાતો રોકવા માટે ભાર મૂક્યો, સારવારનું સુવિધાઓમાં પણ વધારો કર્યો અને તેની અસર હવે જોવા મળી રહી છે.
સાથીઓ,
કોરોના કાળમાં આયુષ સાથે જોડાયેલા આપણાં નેટવર્કે પણ બહેતર કામ કર્યું છે. માત્ર માનવ સંશાધન માટે જ નહીં, પણ ચેપથી માંડીને વૈજ્ઞાનિક સંશોધન બાબતે પણ આપણાં આયુષ ક્ષેત્રની માળખાગત સુવિધાઓ દેશને ખૂબ કામ આવી છે.
ભારતની દવાઓની સાથે સાથે, ભારતની વેક્સીન અને તેની સાથે સાથે આપણાં મસાલા, આપણાં કાઢાનું પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે તેનો અનુભવ આજે દુનિયા કરી રહી છે. આપણી પરંપરાગત દવાઓએ પણ વિશ્વના મનમાં પોતાની એક જગા બનાવી લીધી છે. જે લોકો પરંપરાગત ઓષધિઓ સાથે જોડાયેલા લોકો છે, જે લોકો તેના ઉત્પાદનની કામગીરી સાથે જોડાયેલા છે તે તથા આયુર્વેદિક પરંપરાઓ સાથે જે લોકો પરિચીત છે તેમનું ફોકસ પણ વૈશ્વિક હોવું જોઈએ.
વિશ્વ જે રીતે યોગનો આસાનીથી સ્વીકાર કરી રહ્યુ છે અને તે રીતે જ વિશ્વ સમગ્રલક્ષી આરોગ્ય સંભાળના અભિગમ તરફ આગળ વધતું ગયું છે અને આ જ અસરથી મુક્ત સારવાર તરફ વિશ્વના લોકોનું ધ્યાન ગયું છે. તેના કારણે ભારતની પરંપરાગત દવાઓ ખૂબ કામ આવી રહી છે. ભારતની જે પરંપરાગત ઔષધિઓ છે તે મુખ્યત્વે હર્બલ આધારિત છે. આ કારણે દુનિયામાં તેનું આકર્ષણ ખૂબ જ ઝડપથી વધી શકે તેમ છે અને નુકસાન થવા અંગે લોકો ખૂબ જ નિશ્ચિંત થઈ જાય છે. આ દવાઓ નુકસાનકારક નથી. શું આપણે આ દવાઓના પ્રચાર માટે જોર લગાવી શકીએ તેમ છીએ ? આપણાં આરોગ્યનું બજેટ તથા આ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે મળીને કોઈ કામ કરી શકે તેમ છે ?
કોરોના કાળ દરમ્યાન આપણી પરંપરાગત ઔષધિઓની તાકાત જોયા પછી આપણાં માટે ખુશીનો વિષય એ છે કે આયુર્વેદમાં પરંપરાગત ઔષધિઓમાં વિશ્વાસ મૂકનારા તમામ લોકો અને તેનાથી અલગ તબીબીબ વ્યવસાય સાથે જોડાયેલા આપણાં લોકો માટે ગર્વની બાબત એ છે કે વિશ્વ આરોગ્ય કેન્દ્ર – WHO હવે ભારતમાં પોતાનું ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડીશનલ મેડિસીન શરૂ કરવાનું છે. તેમણે આ અંગે જાહેરાત કરી દીધી છે. ભારત સરકારે પણ એ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. આપણને જે માન-સન્માન મળ્યું છે તેને દુનિયા સુધી પહોંચાડવાની આપણી જવાબદારી બની રહે છે.
સાથીઓ,
પ્રાપ્યતા અને પોસાય તેવી સ્થિતિને હવે પછીના સ્તર પર લઈ જવાનો સમય છે. એટલા માટે જ આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ડીજીટલ હેલ્થ મિશન, દેશના સામાન્ય નાગરિકોને યોગ્ય સમયે, સુવિધા અનુસાર અસરકારક ઈલાજ પૂરો પાડવામાં ખૂબ મદદ કરી શકશે.
સાથીઓ,
વિતેલા વર્ષેમાં વધુ એક અભિગમ બદલવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે. આ પરિવર્તન આત્મનિર્ભર ભારત માટે ખૂબ જ જરૂરી છે. આજે આપણે ફાર્મસી ઓફ વર્લ્ડ હોવાનું ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ આજે ઘણી બધી બાબતો માટે અને ખાસ કરીને કાચા માલ માટે આપણે વિદેશ ઉપર આધાર રાખવા પડે છે.
દવાઓ તથા તબીબી ઉપકરણો તેમજ કાચા માલ માટે ભારતની વિદેશ ઉપરની નિર્ભરતા, વિદેશ ઉપર આધાર રાખવાથી આપણાં ઉદ્યોગને કેટલો ખરાબ અનુભવ થાય છે તેનો અનુભવ આપણે કરી ચૂક્યા છીએ. આ યોગ્ય નથી. આટલા માટે જ ગરીબોને સસ્તી દવાઓ અને સાધનો પૂરાં પાડવામાં આપણને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આપણે આ બાબતનો પણ માર્ગ શોધવાનો છે. ભારતને આપણે આ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવું જ પડશે. એટલા માટે જ આ ચાર વિશેષ યોજનાઓ હાલમાં શરૂ કરવામાં આવી છે. બજેટમાં પણ તેનો ઉલ્લેખ છે. તમે પણ તેનો અભ્યાસ કર્યો હશે.
આ યોજનાઓ હેઠળ દેશમાં જ દવાઓ અને તબીબી ઉપકરણો માટે કાચા માલનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. આ રીતે દવાઓ અને તબીબી ઉપકરણો બનાવવા માટે હાથ ધરવામાં આવેલી મેગા પાર્કસના નિર્માણની યોજનાને પણ ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
સાથીઓ,
દેશમાં છેવાડા સુધી આરોગ્ય સુવિધા પહોંચે તેટલું જ નહી પણ દૂર દૂરના વિસ્તારોમાં પણ સેવાઓ પહોંચે તે આપણું લક્ષ્ય છે. જે રીતે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે એવા અહેવાલો મળે છે જ્યાં એક જ મતદાતા હોય ત્યાં પણ પોલીંગ બૂથ લગાવવામાં આવે છે. મને લાગે છે કે આરોગ્ય ક્ષેત્રમાં અને આરોગ્ય શિક્ષણ એમ બે વિષય છે તેમાં જ્યાં એક જ નાગરિક હોય ત્યાં આપણે પહોંચી જવું જોઈએ તેવો આપણો મિજાજ હોવો જોઈએ અને આપણે એ બાબત પર ભાર મૂકવાનો છે. આ બાબતે સંપૂર્ણ કોશિષ કરવાની છે. તમામ ક્ષેત્રોમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બને તે બાબત ઉપર પણ ભાર મૂકવાનો છે. દેશમાં વેલનેસ સેન્ટરની જરૂર છે. દેશમાં જીલ્લા સ્તરની હોસ્પિટલોની જરૂર છે. દેશને ક્રિટિકલ કેર યુનિટસની જરૂર છે. આરોગ્યની સંભાળ રાખી શકાય તેવી ચકાસણીની માળખાગત સુવિધાઓની જરૂર છે. દેશમાં આધુનિક લેબ્ઝની પણ જરૂર છે. દેશને ટેલિ-મેડીસીનની જરૂર છે. આપણે દરેક સ્તર પર કામ કરવાનું છે અને દરેક સ્તરે વેગ આપવાનો છે.
આપણે એ બાબતની ખાત્રી રાખવાની છે કે દેશના લોકો, ભલે તે ગરીબમાં પણ ગરીબ હોય, ભલે તે દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોય, તેમને શક્ય તેટલી ઉત્તમ સારવાર મળી રહે અને સમયસર મળે તથા તમામ લોકોને મળે તે બાબતનું ધ્યાન રાખવાનું છે. જ્યારે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો, સ્થાનિક નગરપાલિકાઓ અને દેશનું ખાનગી ક્ષેત્ર મળીને કામ કરશે તો બહેતર પરિણામો મળી શકશે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ભાગીદારીની સાથે સાથે જાહેર આરોગ્યની જાળવણી માટેની લેબોરેટરીઝનું નેટવર્ક ઉભુ કરવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ (પીપીપી) ને પણ ટેકો પૂરો પાડવાનો છે. નેશનલ ડિજીટલ હેલ્થ મિશન નાગરીકોના ડિજીટલ હેલ્થ રેકોર્ડ રાખવાનું અને અતિ આધનિક ટેકનોલોજી બાબતે પણ ભાગીદારી થઈ શકે તેમ છે.
મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને એક મજબૂત ભાગીદારીનું નિર્માણ થાય તેવો માર્ગ કાઢી શકીશું. સ્વસ્થ અને સમર્થ ભારત માટે આત્મનિર્ભર ઉપાય શોધી શકીશું. મારો આપ સૌને આગ્રહ છે કે આપણે તમામ સહયોગીઓની સાથે મળીને આ વિષયના જે જાણકાર લોકો છે તેમની સાથે ચર્ચા કરવાની રહેશે...બજેટમાં જે આવવાનું હતું તે આવી ગયું છે. તમારી ઘણી બધી અપેક્ષાઓ હશે, પણ તેનો કદાચ તેમાં સમાવેશ નહીં થયો હોય, પરંતુ તે માટે પણ આ કોઈ આખરી બજેટ નથી. હવે પછીનું બજેટ જોઈશું. આજે જે બજેટ આવ્યું છે તેને ઝડપી ગતિથી વધુને વધુ પ્રમાણમાં અને જેમ બને તેમ ઝડપથી આપણે સૌએ સાથે મળીને તેનું અમલીકરણ કેવી રીતે કરવું, વ્યવસ્થાઓ કેવી રીતે વિકસાવવી અને સામાન્ય માનવી સુધી ઝડપથી કેવી રીતે પહોંચાડી શકાય તેની વ્યવસ્થા કરવાની રહેશે. હું એવી ઈચ્છા રાખું છું કે આપ સૌનો અનુભવ ભારત સરકારને કામમાં આવવાનો છે. બજેટ પછી અમે સંસદમાં ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ પ્રથમ વખત બજેટની ચર્ચા સંબંધિત લોકો સાથે કરવામાં આવી રહી છે. બજેટ પહેલાં જે ચર્ચા કરીએ છીએ તે સૂચનો મેળવવા માટે કરીએ છીએ... બજેટ પછી જે ચર્ચા કરવામાં આવે છે તે ઉકેલ શોધવા તરફની હોય છે.
અને એટલા માટે જ આપણે સૌએ સાથે મળીને ઉપાયો શોધવાના છે. આપણે સૌએ સાથે મળીને ખૂબ ઝડપથી આગળ ધપવાનું છે. સરકાર અને તમે અલગ નથી. સરકાર પણ તમારી જ છે અને તમે પણ સરકાર માટે જ છો. આપણે સૌ સાથે મળીને દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિને ધ્યાનમાં રાખીને આરોગ્ય ક્ષેત્રનું ઉજળું ભવિષ્ય, તંદુરસ્ત ભારત માટે આપણે સૌ આ બાબતોને આગળ ધપાવીશું. આપ સૌએ સમય કાઢ્યો છે, તમારૂં માર્ગદર્શન ખૂબ જ કામમાં આવશે. તમારી સક્રિય ભાગીદારી પણ ખૂબ જ મદદરૂપ બનશે.
હું ફરી એક વખત તમે સમય કાઢ્યો તે બદલ તમારો આભાર વ્યક્ત કરૂં છું. તમારા જે મૂલ્યવાન સૂચનો છે તે અમને આગળ જતાં ખૂબ જ કામમાં આવશે. તમે સૂચનો પણ આપશો અને ભાગીદારી પણ કરશો. તમે અપેક્ષાઓ પણ રાખશો અને જવાબદારી પણ નિભાવશો તેવા વિશ્વાસની સાથે.
ખૂબ ખૂબ ધન્યવાદ !