પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.
શતાયુષિ પરમ પૂજય સિદ્ધગંગા મહાસ્વામીજી,
યવરગે પ્રણામ ગળુ,
તુમકૂરુ રામકૃષ્ણ આશ્રમ ઈપ્પત એદૂ વર્ષ
સ્વામી વિવેકાનંદ શિકાગો સંદેશાનૂરા ઈપ્પત એદૂ વર્ષ
ભગીની નિવેદિતા નૂરાએવતને જન્મ વર્ષ
નિમ્મ યુવા સમાવેશા- ત્રિવેણી સંગમા
શ્રી રામકૃષ્ણા, શ્રી શારદા માતે
સ્વામી વિવેકાનંદર સંદેશ વાહકરાદ નન્નુ પ્રીતય સોદર સોદરિયેરગી પ્રીતિયા શુભાષયગળૂ
તુમકૂરૂના આ સ્ટેડિયમ આ સમયે હજારો વિવેદાનંદી, હજારો ભગિની નિવેદિતાની ઉર્જાથી ચમકી રહ્યું છે. ચારે તરફ પ્રસરેલો કેસરિયો રંગ આ ઉર્જાને વિશેષ પ્રમાણમાં વધારી રહ્યો છે. હું પણ પોતે આવીને તમારી આ ઉર્જાના આશિર્વાદ મેળવવા ઈચ્છતો હતો એટલા માટે જ્યારે ત્રણ દિવસ પહેલાં સ્વામી વિરેશાનંદજી સરસ્વતીજીનો પત્ર મળ્યો તેથી હું તમારી વચ્ચે આવવા માટેની ઈચ્છા ધરાવતા હતો, પરંતુ સમયની કેટલીક મર્યાદાઓ રહેતી હોય છે અને તમે જાણો છો કે કાલથી સંસદનું સત્ર પણ શરૂ થઈ રહ્યું હોવાથી મારા માટે અહીંથી નિકળવાનું થોડુ મુશ્કેલ હતું. હું પોતે તમારી વચ્ચે આવી શક્યો નથી, પરંતુ આધુનિક વિજ્ઞાન, આધુનિક ટેકનોલોજીની માધ્યમથી આપ સૌની સાથે જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
યુવા પેઢીની સાથે કોઈપણ પ્રકારનો સંવાદ હોય, તેમની પાસેથી કંઇક ને કંઇક શિખવા મળી રહેતું હોય છે અને એટલા માટે હું યથાશક્તિ પ્રયત્ન કરતો હોઉં છું કે યુવાનોને વધુને વધુ પ્રમાણમાં મળું, તેમની સાથે વાતો કરૂં, તેમના અનુભવો સાંભળું, તેમની આશાઓ, તેમની આકાંક્ષાઓ જાણ્યા પછી તે અનુસાર કોઈ કાર્ય કરી શકું એ માટે હું હંમેશા પ્રયાસ કરતો રહેતો હોઉં છું.
એ મારૂ સૌભાગ્ય છે કે, મને આ વિશાળ યુવક મહોત્સવ અને સાધુ ભક્ત સંમેલનનો શુભારંભ કરવાની મને તક પ્રાપ્ત થઈ છે. ત્રણ વર્ષ પહેલાં હું જ્યારે પૂજ્ય શિવકુમાર સ્વામીજીનાં આશિર્વાદ લેવા માટે તુમકૂરૂ આવ્યો હતો ત્યારે અહીંનાં લોકોનો અને ખાસ કરીને નવયુવાનોનો જે પ્રેમ મળ્યો હતો તેને હું કદાપી ભૂલી શકીશ નહીં. ભગવાન બસવેશ્વર અને સ્વામી વિવેકાનંદજીનાં આશિર્વાદથી પૂજય શિવકુમાર સ્વામીજી રાષ્ટ્ર નિર્માણનાં યજ્ઞ માટે સમર્પિત છે. પોતાના શરીરની પળે-પળ, ક્ષણે-ક્ષણ તેમણે દેશ માટે ન્યોછાવર કરી છે. હું તેમના બહેતર સ્વાસ્થ્ય અને લાંબા આયુષ માટે હંમેશા પરમાત્માને પ્રાર્થના કરતો રહું છે.
સાથીઓ, એવું ઘણું ઓછુ બનતું હોય છે કે, ત્રણ મહાન અવસરોનો ઉત્સવ એક સાથે મનાવવામાં આવી રહ્યો હોય, પરંતુ તુમકૂરૂમાં ઉત્સવની આ ત્રિવેણીનો પણ દિવ્ય સંયોગ બન્યો છે. તૂમકૂરૂમાં રામકૃષ્ણ આશ્રમની સ્થાપનાના 25 વર્ષ, શિકાગોમાં સ્વામી વિવેકાનંદજીના સંબોધનના 125 વર્ષ અને ભગિની નિવેદીતાજીના જન્મના 150 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે થઇ રહેલું આ આયોજન સ્વયં એક ઘણું વિશેષ મહત્વ ધરાવે છે, તેવું હું અનુભવી રહ્યો છું. આ ત્રણ અવસરોની ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે કર્ણાટકનાં હજારો નવયુવાનો અહીં યુવક મહોત્સવ પ્રસંગે એકત્રિત થયા તે બાબત પણ એક ખૂબ મોટી સિદ્ધિ છે. હું વધુ એક વખત આપ સૌને આ મહોત્સવ માટે, પૂજય સ્વામીજીને, રામકૃષ્ણ મિશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વરિષ્ઠ લોકોને પ્રણામ કરૂં છું.
આજના ત્રણે આયોજનાના કેન્દ્રબિંદુમાં સ્વામી વિવેકાનંદ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે, કર્ણાટક પર તો સ્વામી વિવેકાનંદજીનો વિશેષ પ્રેમ રહેતો હતો. અમેરિકા જતાં પહેલાં, કન્યાકુમારી જતી વખતે તે કર્ણાટકમાં રોકાયા હતા અને સ્વામી વિવેકાનંદજીએ આપણા આદ્યાત્મિક વિસ્તારને સમયની આવશ્યકતાઓ સાથે જોડ્યો હતો. તેમણે આપણાં ગૌરવમય ઈતિહાસને આપણા વર્તમાનની સાથે જોડ્યો હતો. મને આ બાબતની ઘણી ખુશી છે કે આજનો આ કાર્યક્રમ સાધુ- ભક્ત સંમેલન તરીકે આપણા આદ્યાત્મિક વિસ્તરણ અને યુવક મહોત્સવ તરીકે આપણાં વર્તમાનને એક સાથે જોડીને રેલવેના પાટાની જેમ આજે દેશને આગળ વધવાની પ્રેરણા આપી રહ્યો છે.
દેશભરનો સંત સમાજ પણ અહીં એકત્ર થયો છે અને નવયુવાનો પણ એકઠા થયા છે. અહીં તીર્થ સ્થાનોની વાત થઈ રહી છે. સાથે સાથે ટેકનોલોજીની પણ ચર્ચા થાય છે. અહીંયા ઈશ્વરની પણ વાત થઈ રહી છે અને નવા ઈનોવેશનની પણ ચર્ચા થાય છે. કર્ણાટકમાં આદ્યાત્મિક મહોત્સવ અને યુવક મહોત્સવનું એક મોડલ વિકસીત થઈ રહ્યું છે. મને આશા છે કે આ આયોજન સમગ્ર દેશમાં અન્ય લોકોને પ્રેરણા આપશે. ભવિષ્યની તૈયારીઓ માટે આપણી ઐતિહાસિક પરંપરાઓ અને વર્તમાન યુવા શક્તિનો સંપર્ક અદભૂત જણાઈ રહ્યો છે.
જો આપણે દેશનાં સ્વતંત્રતાનાં આંદોલનને ધ્યાનમાં લઈને 19મી અને 20મી સદીના ગાળા પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો આપણને જણાશે કે તે સમયે પણ અલગ અલગ સ્તરે એક સંયુક્ત સંકલ્પ જોવા મળી રહ્યો હતો. આ સંયુક્ત સંકલ્પ દેશને ગુલામીની જંજીરોથી મુક્ત કરવાનો હતો. તે સમયે સંત હોય કે ભક્ત હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, ગુરૂ હોય કે શિષ્ય હોય, શ્રમિક હોય કે વ્યવસાયિક હોય, સમાજનાં તમામ અંગો એક જ સંકલ્પથી જોડાયેલા હતા.
એ સમયે આપણો સંત સમાજ એક બાબત સ્પષ્ટ રીતે જોઈ રહ્યો હતો કે, અલગ-અલગ જાતિઓમાં વિભાજીત થયેલો સમાજ, અલગ-અલગ વર્ગમાં વિભાજીત સમાજ, અંગ્રેજોનો સામનો નહીં કરી શકે. આ નબળાઈને દૂર કરવા માટે દેશનાં અલગ-અલગ ભાગોમાં ભક્તિ આંદોલનો ચાલ્યા હતા, સામાજીક આંદોલનો થયા હતા. આ આંદોલનોનાં માધ્યમથી દેશને સંગઠિત કરવામાં આવ્યો. દેશને તેની આંતરિક નબળાઈઓથી મુક્ત કરવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ આંદોલનની નેતાગીરી કરનાર વર્ગે દેશના સામાન્ય લોકોને એક સમાન બનાવી દીધા હતા. સૌને બરાબરીનું સ્થાન આપ્યું હતું. બધાંને સન્માન આપ્યું હતું. દેશની જરૂરિયાતો સમજીને તેમણે પોતાની આદ્યાત્મિક યાત્રાને રાષ્ટ્ર નિર્માણની યાત્રામાં રૂપાંતરીત કરી હતી, જોડી દીધી હતી, સમર્પિત કરી દીધી હતી. તેમણે જન સેવાને જ પ્રભુ સેવાનું માધ્યમ બનાવ્યું હતું.
સાથીઓ, લગભગ એ એવો સમય હતો કે, જ્યારે અલગ-અલગ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ આઝાદીની લડતમાં સામેલ થયા. વકિલ હોય કે શિક્ષક હોય, વૈજ્ઞાનિક હોય કે ડોક્ટર કે પછી એન્જીનિયર હોય. આ બધા વ્યવસાયીઓએ સાથે મળીને દેશની સ્વતંત્રતાના આંદોલનને એક નવી દિશા આપી અને સ્વતંત્રતા મળ્યા પછી પણ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો નાંખ્યો હતો. આ બંને પ્રયાસો જ્યારે એક સાથે આગળ વધતા હોય ત્યારે બૌદ્ધિક અને સામાજીક સ્વરૂપે ઉભા થતા હોય છે અને ભારતના સંગઠિત થયેલા લોકોએ અંગ્રેજોને ભગાડી મૂકીને જ રાહતનો શ્વાસ લીધો હતો અને સ્વતંત્રતાનાં સંયુક્ત સંકલ્પને સિદ્ધ કરી બતાવ્યો હતો.
સ્વતંત્રતાનાં અનેક દાયકા પછી હવે દેશમાં ફરી એક વાર એવી જ સંકલ્પશક્તિ આકાર લઈ રહી છે. એવી જ સંકલ્પશક્તિ નજરમાં આવી રહી છે અને આવી સંકલ્પ શક્તિનો ક્યારેક-ક્યારેક જ અનુભવ પણ થતો હોય છે. હમણાં જ તમે જોયુ હશે કે ગઈ કાલે ઉત્તર-પૂર્વમાં અને પરમ દિવસે પૂરો દેશ હોળીના રંગે રંગાયેલો હતો ત્યારે ગઈ કાલે ઉત્તર-પૂર્વની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા પછી સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ પેદા થયું હતું.
તમને લાગતું હશે કે હું આ કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ શા માટે કરી રહ્યો છું? મને લાગે છે કે તમારા વચ્ચે મારા મનમાં જે ભાવ પેદા થતો હોય તે અને જે પરિણામો આવ્યા છે તેમાં કોણ જીત્યું અને કોણ હાર્યું, કઈ પાર્ટીને જીત મળી, એક પાર્ટીની હાર તો બીજી પાર્ટીની જીત થઈ હતી. હું એને રાજનીતિક પક્ષોના વિજય અને પરાજયની તુલાથી તોલતો નથી.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉત્તર-પૂર્વનાં લોકોની ખુશી સાથે સમગ્ર દેશ સામેલ હતો. એવા પ્રસંગો ખૂબ ઓછા આવતા હોય છે કે જ્યારે ઉત્તર- પૂર્વની કોઈ સિદ્ધિ સમગ્ર દેશની સિદ્ધિ બની જાય છે. આજકાલ તમે જોઈ રહ્યા હશો કે સમગ્ર દેશ ઉત્તર- પૂર્વના લોકોનાં સપનાં અનુસાર, તેમની ભાવનાઓ મુજબ, સવારથી જ ટીવી સામે બેસી ગયા હતા. જાણે તે પોતે જ ચૂંટણીના મેદાનમાં ન હોય તેવો અનુભવ સમગ્ર ભારત કરી રહ્યું હતું.
હું સમજુ છું કે મારા ઉત્તર-પૂર્વના ભાઈઓ અને બહેનો માટે અને તેમણે જે જનાદેશ આપ્યો છે તે સ્વયં એક મોટું પરિવર્તન છે. રામકૃષ્ણ મિશન હોય, વિવેકાનંદ કેન્દ્ર હોય, હજારો કાર્યકર્તા હોય કે જીવનને સમર્પિત કરનારા નવયુવાનો હોય. સાધુ સંતો ઉત્તર-પૂર્વનાં જનકલ્યાણનાં કામોમાં લાગેલા છે અને તેના કારણે અહીં જે બેઠેલા છે તેમને ત્યાંની જમીની વાસ્તવિકતા શું છે તેનો સારી રીતે પરિચય છે અને એટલા માટે જ હું કહેવા માંગુ છું કે ઉત્તર-પૂર્વની ચૂંટણીઓના પરિણામો પછી દેશમાં જે મિજાજ દેખાઈ રહ્યો છે તે ઉત્તર-પૂર્વની દરેક વ્યક્તિના દિલમાં સમગ્ર ભારતનાં લોકોની ભાવનાઓ સાથે જોડાયેલો છે. તેમણે એક મજબૂત સંદેશ આપ્યો છે કે દેશની એકતા માટે એક ભારત- શ્રેષ્ઠ ભારત માટે આ ભાવનાઓની તાકાત ખૂબ મોટી પૂરવાર થાય છે.
સાથીઓ, અગાઉ આપણે ત્યાં નીતિઓ અને નિર્ણયો એવી રીતે લેવામાં આવતા હતા કે ઉત્તર-પૂર્વનાં મનમાં એક અલગતાની ભાવના ઘર કરી ગઈ હતી. લોકો વિકાસની નહીં, વિશ્વાસ અને પોતાપણાંની મુખ્ય ધારાથી પોતે અલગ થઈ ગયા હોય તેવું અનુભવવા લાગ્યા હતા. કેટલીક સમસ્યાઓને કારણે આવી ભાવના ઉભી થઈ હતી. છેલ્લા 4 વર્ષમાં અમારી સરકારની નીતિઓ અને નિર્ણયો દ્વારા આ ઊણપ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમનામાં જે અલગતાનો ભાવ પેદા થયો હતો તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમે ઉત્તર- પૂર્વનાં લોકોની ભાવનાત્મક એકતા માટે સંકલ્પ કર્યો અને તે સિદ્ધ કરી બતાવ્યો.
ત્રિપૂરાનાં આદિવાસી વિસ્તારોમાં જે પરિણામો આવ્યા છે તેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે અને હું તમને થોડા વિશેષ સ્વરૂપે બતાવવા માંગુ છું કે ત્રિપૂરા જેવા આટલા નાના રાજ્યમાં વિધાનસભાની 20 બેઠકો છે તે આદિવાસીઓની વધુ વસતિ ધરાવતા વિસ્તારોમાં આવેલી છે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો કે જ્યાં આદિવાસીઓ છે ત્યાં માઓવાદ છે, ત્યાં નકસલવાદ છે. ડાબેરી લોકોની આત્યાંતિક પ્રવૃત્તિ છે. આવી ઘણી બધી વાતો થતી હતી અને એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો કે તેમને અલગ કરવાનાં સતત પ્રયાસો થઈ રહ્યા હોવાથી દેશને તોડવાની કોશિષ કરનારા લોકો માટે ત્યાં ભૂમિ તૈયાર થઈ જાય. પરંતુ ગઈ કાલે ત્રિપૂરાનાં પરિણામોએ એક અલગ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ઉત્તર- પૂર્વનાં આદિવાસી ભાઈ-બહેનોએ ભારતીય જનતા પક્ષની તરફેણમાં એક પક્ષીય મતદાન કરીને નફરતની રાજનીતિને નકારી કાઢી છે.
સાથીઓ, કટ્ટરતાનો જવાબ એકતા દ્વારા જ આપી શકાશે. દેશનો કોઈપણ ભાગ, કોઈપણ વર્ગ, પોતાને મુખ્ય પ્રવાહથી અલગ થયેલો અનુભવ ન કરે તે માટે અમારી સરકાર દ્વારા સંકલ્પબદ્ધ થઈને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સમગ્ર દેશમાં એકતાનાં મંત્રને દરેક પળે શક્તિશાળી બનાવવાની જરૂર રહે છે. સંકલ્પ શક્તિનો આ પ્રવાહ આ સમયે કર્ણાટકનાં સ્ટેડિયમમાં પણ અનુભવી શકાય છે. જે મહાનુભવો મંચ પર બિરાજમાન છે તે તેનો વધારે અનુભવ કરી શકતા હશે.
સાથીઓ, રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત રહેવાનો આ સંકલ્પ સ્વામી વિવેકાનંદજીનાં એક સંદેશ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય તેમ છે. સ્વામીજીએ કહ્યું હતું કે
“Life is short, but the soul is immortal and eternal, and one thing being certain, death, let us therefore take up a great idea and give up our whole life to it.”
“જીવન ટૂંકુ છે, જીવન અનિશ્ચિત છે, પરંતુ મૃત્યુ નિશ્ચિત છે. આથી આપણે એક સંકલ્પ કરી તેને સિદ્ધ કરવા માટે જીવન ન્યોછાવર કરી દેવું જોઈએ.”
આજે હજારો યુવાનોની વચ્ચે હું આપને એ સવાલ કરવા માંગુ છું કે, આ સંકલ્પ શું હોઈ શકે છે ? ઘણીવાર મને જોવા મળે છે કે, કોઈ યુવાનને અચાનક પૂછવામાં આવે કે તેના જીવનનું લક્ષ્ય શું છે ? તો તે સીધો જવાબ આપી શકતો નથી. તે પોતાના જીવનનાં ઉદ્દેશ અંગે ગૂંચવાયેલો છે. સાથીઓ, આપણા જીવનમાં જ્યારે સંકલ્પ અને લક્ષ્ય સ્પષ્ટ થશે ત્યારે આપણે કશુંક સિદ્ધ કરી શકીશું. દેશને, માનવતાને, કંઇક આપી શકીશું. જ્યારે સંકલ્પ ભ્રમિત હોય, ગૂંચવાયેલો હોય તો લક્ષને પ્રાપ્ત કરવાનું આસાન બનતું નથી. રેલવે પ્લેટફોર્મ પર પહોંચીએ ત્યારે અનેક ગાડીઓ ઉભેલી જણાય છે, પરંતુ આપણને ખબર જ ન હોય કે, આપણે કંઈ ટ્રેનમાં બેસવાનું છે તો આપણે મુકામ સુધી પહોંચી શકતા નથી કે માર્ગ પણ નક્કી કરી શકતા નથી.
સ્વામી વિવેકાનંદજીનું એક ખૂબ જ પ્રખ્યાત કથન છે. તે “take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea, let the brain, muscles, nerve, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”
“કોઈ એક વિચારને પકડો, તે વિચારને તમારા જીવનનો વિચાર બનાવો, તેના અંગે વિચાર કરો, તેના સપનાં સેવો, એ વિચારને જીવી જાવ. તમારૂં મગજ, તમારા સ્નાયુઓ, તમારૂં ચેતાતંત્ર, તમારા શરીરનો દરેક ભાગ તે વિચારનો ભાગ બની રહેવો જોઈએ. બાકીનાં દરેક વિચારને છોડી દો. આ પ્રક્રિયા સફળતા માટેનો માર્ગ બની રહેશે.”
આ યુવક મહોત્સવમાં આજે હું દરેક યુવાનોને આગ્રહ કરૂં છું કે તે પોતાના સંકલ્પ બાબતે સ્પષ્ટ રહે. તેમણે જીવનમાં શું કરવું છે તે બાબતે હંમેશા તે સ્પષ્ટ હોવા જોઈએ.
ભાઈઓ અને બહેનો, આજે આપણું ભારત સમગ્ર દુનિયામાં નવયુવાન દેશ તરીકે ઓળખાય છે. 65 ટકાથી વધુ લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. યુવા શક્તિની આ અપાર ઉર્જા દેશનું ભાગ્ય બદલી શકે છે. સમગ્ર દેશને ઉર્જાવાન બનાવી શકે છે. 2014માં સરકાર રચાયા પછી અમારી સરકારે યુવા શક્તિને ધ્યાનમાં રાખીને તેમની ઉર્જાનો રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરવા માટે અનેક નિર્ણયો કર્યા હતા અને તે પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે.
તમને ખબર હશે કે અમે સરકારમાં આવ્યા અને આગમનના થોડાક જ સમય પછી દેશનાં ભવિષ્યનાં ઘડતર માટે અને દેશનાં નવયુવાનો માટે કૌશલ્ય વિકાસનું એક સ્વતંત્ર મંત્રાલય રચવામાં આવ્યું. અગાઉ પણ કૌશલ્ય વિકાસ થતો હતો, પરંતુ આ વિભાગ 40 થી 50 મંત્રાલયો વચ્ચે વિખેરાયેલો પડ્યો હતો. અલગ અલગ રીતે આ કામગીરીનું અનુસરણ થતું હતું. દરેકની દિશા અલગ અલગ રહેતી હતી. ક્યારેક તો દરેકની દિશા એક બીજા સાથે અથડાઈ પડતી હતી. હવે એક મંત્રાલય સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસની કામગીરી તરફ ધ્યાન આપી રહ્યું છે. આ મંત્રાલયના નેજા હેઠળ દેશના દરેક જીલ્લામાં કૌશલ્ય વિકાસનાં કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત અનુસાર ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની તાલિમ આપવામાં આવી રહી છે. યુવાનો પોતાની તાકાત દ્વારા બિઝનેસ શરૂ કરી શકે તે માટે તેમને કોઈપણ બેંક ગેરંટી વગર ધિરાણ મળી શકે એટલા માટે સરકાર દ્વારા પ્રધાન મંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશમાં લગભગ 11 કરોડ લોન આપવામાં આવી છે. કર્ણાટકનાં નવયુવાનોએ પણ 1 કરોડ 14 લાખથી વધુનાં ધિરાણ સ્વિકાર કર્યા છે. આ યોજનાને કારણે દેશમાં લગભગ 3 કરોડ ઉદ્યોગસાહસિકો પણ મળ્યા છે. મારા નવયુવાનો માટે એ મહત્વની બાબત છે કે આટલા ઓછા સમયમાં 3 કરોડ નવા ઉદ્યમી દેશની અર્થ વ્યવસ્થાને આગળ ધપાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
કૌશલ્ય વિકાસ અને સ્વ-રોજગારીને આગળ વધારવા માટે અમારી સરકારે નવયુવાનોનાં ઉત્પાદનો માટે બજાર ઉભુ કરવાનું કામ પણ કર્યું છે. સરકારે નીતિ વિષયક ફેરફાર કર્યા છે, કે જેથી સરકારી ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવે. આ સિવાય પણ એક અન્ય વ્યવસ્થા વિકસીત કરવામાં આવી છે અને એ છે જીઇએમ (GEM) એટલે કે Government e Market, ગવર્નમેન્ટ ઇ માર્કેટના નામે આ ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી હવે કોઈપણ નવયુવાન, કોઈ પણ મહિલા કે ગામની કોઈપણ વ્યક્તિ પોતાની કંપનીમાં અથવા તો પોતાના ઘરે બનાવેલા ઉત્પાદનો હોય કે સેવાઓ હોય, પોતે જો એ આપવા માંગતા હોય અને સરકારને તેની જરૂરિયાત હોય તો સરકારને કોઈ વચેટિયાઓની જરૂર પડતી નથી, ટેન્ડરની જરૂર પડતી નથી, મોટી મોટી કંપનીઓની પણ જરૂર પડતી નથી. સામાન્ય માનવી પાસેથી આ વસ્તુઓ ખરીદી શકાય છે અને અમે રાજ્ય સરકારોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે તે પણ પોતાના રાજ્યોમાં નવયુવાન ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે આ પોર્ટલથી જોડાય. દેશની 20 રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારનાં આ અભિયાન સાથે જોડાઈ ચૂકી છે.
સાથીઓ, અમારી સરકારના આ સતત પ્રયાસને કારણે જ દેશમાં હવે એક વાતાવરણ ઉભુ થયું છે, જેમાં યુવાનો આજની ઔદ્યોગિક જરૂરિયાતને આધારે તાલિમ લઈને પોતાની તાકાતથી કંઇક કરી શકે છે અને પોતાના ઉત્પાદનને બજારમાં વેચી પણ શકે છે. આ વાતાવરણ કેટલું આવશ્યક છે તે કર્ણાટકના નવયુવાનો સારી રીતે સમજી શકે છે. તમારા જેવા કરોડો નવયુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સમજીને સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા – સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.
પહેલી વાર અમારી સરકારે રોજગારીને ટેક્સ ઇન્સન્ટીવ સાથે જોડી છે. જે કંપનીઓ નવયુવાનોને પોતાના ત્યાં એપ્રેસન્ટીસશીપ કરાવી રહી છે તેમને કરવેરામાં રાહત આપવામાં આવી રહી છે. નવયુવાનોનો જે પ્રોવિડન્ટ ફંડ કપાય છે તેમાં પણ સરકાર દ્વારા આર્થિક મદદ આપવામાં આવી રહી છે. જે યુવાનોની કંપનીઓનું રૂ. 2 કરોડ સુધીનું ટર્નઓવર હોય ત્યાં સુધી આ બાબત મર્યાદિત છે અને જેમાં ડીજીટલ પદ્ધતિથી ચૂકવણી કરવામાં આવે છે તેમને પણ કરવેરામાં રાહત આપવામાં આવી રહી છે.
હું માનું છું કે આપણા દેશના યુવાનોમાં કર્તવ્યની ભાવનાનો કોઈ અભાવ જણાતો નથી. તે પોતાના વિચારોને નવીન સમાધાનનાં સ્વરૂપે જમીન પર ઉતારવા માંગે છે, કે જેથી ચીજો એટલી કાર્યક્ષમ હોય અને કરકસર યુક્ત હોય અને તેના માટે તેમને જે રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને એ કાર્ય અમારી સરકાર કરી રહી છે.
સાથીઓ, નવોન્મેશ જ વધુ સારા ભવિષ્યનો આધાર છે અને અમારી શિક્ષણ વ્યવસ્થા પણ આ વિચારને આગળ વધારીને નવોન્મેશને શાળા સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે કામગીરી કરી રહી છે. શાળાઓમાં નાની ઉંમરનાં બાળકોનાં વિચારોનું સંશોધનમાં રૂપાંતર કરવા માટે સરકાર દ્વારા અટલ ઈનોવેશન મિશન (AIM) ની શરૂઆત કરવામાં આવી છે. એઆઇએમ અત્યાર સુધીમાં દેશભરમાં 2,400 થી વધુ અટલ ટિન્કરીંગ લેબને માન્યતા આપી ચૂકી છે.
કેન્દ્ર સરકાર એક તરફ ખૂબ મોટા મિશન માટે કામ કરી રહી છે અને તે દેશમાં 20 વિશ્વસ્તરની શિક્ષણ સંસ્થાઓ નિર્માણ કરવાનું કામ કરી રહી છે. દેશમાં 20 પ્રતિષ્ઠિત સંસ્થાઓ બનાવવાનું કામ થઈ રહ્યું છે. આ મિશન હેઠળ જાહેરક્ષેત્રની પસંદગીની 10 સંસ્થાઓને નિશ્ચિત મુદત માટે કુલ રૂ. 10,000 કરોડની આર્થિક મદદ આપવામાં આવશે. આ સંસ્થાઓ આધુનિક શિક્ષણનાં ક્ષેત્રમાં ભારતને ફરી અગ્રિમ સ્થાન અપાવશે.
આ બજેટમાં અમે આરઆઇએસઇ (RISE) નામની એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ અમારી સરકાર હવે પછીનાં 4 વર્ષમાં દેશની શિક્ષણ પદ્ધતિમાં સુધારણા માટે રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરવા માટે આગળ વધી રહી છે.
સરકાર દ્વારા બજેટમાં પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશનાં એક હજાર હોનહાર એન્જીનિયરીંગનાં જે વિદ્યાર્થીઓ છે તેમને પીએચડીનાં અભ્યાસ માટે 5 વર્ષ સુધી દર મહિને રૂ. 70 હજારથી 80 હજારની સહાય આપવામાં આવશે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માનવ સંસાધનની શક્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનાં લાભ કર્ણાટકનાં યુવાનોને મળવાનું પણ એટલું જ આસાન છે અને એટલું જ શક્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈનોવેશનનાં ક્ષેત્રમાં જે કામ કરવામાં આવી રહ્યા છે તેમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થીંગ્સ. આ બધા માટે જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેને કારણે નવી સંભાવનાઓનાં દ્વાર ખૂલી જશે. ખાસ કરીને સ્માર્ટ સીટી મિશન દ્વારા સમગ્ર દેશમાં કર્ણાટકનાં પ્રતિભાશાળી યુવાનોએ પહોંચવાનું સરળ થઇ જશે. તેમની પ્રતિભાનો વધુ સારો ઉપયોગ થાય તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે.
સાથીઓ, ભગિની નિવેદીતાજીએ એક વાર ઉલ્લેખ કર્યો હતો કે, આખરે એવું શું કરવું જોઈએ કે જેનાથી સમગ્ર ભારતનાં વિદ્યાર્થીઓ કોઈ બીજા દેશની નકલ ન કરે અને પોતાની મેળે સ્વયં સંપૂર્ણ બની રહે. આ બાબતે આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે –
“Your education should be an education of the heart and the spirit, and of the spirit as much of the brain; it should be a living connection between yourselves and your past as well as the modern world!”
એટલે કે, પોતાના ઈતિહાસ અને પોતાના વર્તમાનને પોતાનાં ભવિષ્યની સાથે જોડવાની ઘણી જરૂર છે. આપણી પરંપરાઓ સાથે જોડાણ જેટલું મજબૂત થાય છે તેટલું જ દેશનો યુવા સમુદાય પોતાની જાતનો અનુભવ કરી શકે છે!
ભાઈઓ અને બહેનો, આપણી પરંપરાઓનાં સન્માનની આ ભાવના કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી ખેલે ઈન્ડિયા, ખીલે ઈન્ડિયા યોજનામાં પણ જોવા મળી રહી છે. અને હું કહું છું કે જે રમશે તે જ ખીલશે. આ માટે અમે નીતિમાં એક ખૂબ મોટું પરિવર્તન લાવ્યા છીએ. રમતોમાં ગુરૂ શિષ્યની પરંપરાને આગળ વધારવા માટે સરકાર માત્ર વર્તમાન કોચનું જ નહીં, પરંતુ એવા ગુરૂઓનું સન્માન કરશે, કે જેમણે ખેલાડીઓની આંગળી પકડીને તેમને ચાલતા શિખવ્યું હોય. આંતરરાષ્ટ્રીય મેડલ જીતવાની સ્થિતિમાં હવે અગાઉનાં ગુરૂઓને પણ સન્માનની રકમનો અમુક ભાગ આપવામાં આવશે.
પરંપરાઓની સાથે આ જોડાણને ધ્યાનમાં રાખીને ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં કબ્બડી અને ખો-ખો જેવી સ્વદેશી રમતો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ યોજનાઓ હેઠળ દેશના ખૂણે ખૂણે પડેલી પ્રતિભાઓને ઓળખીને સરકાર તે રમતોને આધુનિક મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરી રહી છે અને સરકારે નિર્ણય કર્યો છે કે દર વર્ષે 1000 યુવા ખેલાડીઓ પસંદ કરી તેમને રમત-ગમતનાં આધુનિક માળખામાં તાલીમ આપવા માટે રૂ. 5 લાખની નાણાંકિય સહાય આપવામાં આવશે.
સાથીઓ, “विद्यार्थी देवो भव:” માત્ર તમારો જ મંત્ર નથી, અમારો પણ મંત્ર છે. પરંતુ હું તો તમારી સ્વીકૃતિને તેની સાથે જોડવા માંગુ છું અને કહીશ કે “युवा देवो भव: – युवाशक्ति देवो भव:।”
યુવાનોની શક્તિને દૈવી શક્તિ સાથે સરખાવવા યોગ્ય હું એટલા માટે સમજું છું કે પરિસ્થિતિ નહીં, ઉંમરની એક અવસ્થા નહીં પરંતુ માનસિક અવસ્થા માનું છું, માનસિક સ્થિતિ સમજુ છું. યુવાનો માત્ર એ બાબત વિચારતા નથી કે જે પહેલાં સારૂં હતુ એ જ બહેતર હતું. યુવાનો એવું વિચારે છે કે જૂની બાબતોમાંથી બોધ લઈને વર્તમાન અને ભવિષ્યને કેવી રીતે બહેતર બનાવવામાં આવે. આ માટે તે દેશને બદલવાનું કામ કરી રહ્યા છે. દુનિયાને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવાનો ઈચ્છે છે કે ભવિષ્યને – વર્તમાન તથા ભૂતકાળ બંને કરતા વધુ સારી રીતે મજબૂત બનાવી શકાય.
એટલા માટે હું દેશનાં નવયુવાનોની શક્તિને ફરીથી નમન કરૂં છું. એક ભારત – શ્રેષ્ઠ ભારત શબ્દો તમે પણ સાંભળ્યા હશે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકીકૃત કરવા માટે ભગીરથ કામ કર્યું હતું. એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવું એ આપણાં લોકોની જવાબદારી છે અને આટલા માટે જ હું ઈચ્છું છું કે અહિંયા જેટલા નવયુવાનો બેઠા છે, તેમાં તમારામાંથી કેટલાક એવા લોકો પણ હશે કે જેમને ઈચ્છા થતી હશે કે તે ફ્રેન્ચ ભાષા શીખે. તમારામાંથી કેટલાક લોકો એવા હશે કે જેમને ઈચ્છા થતી હશે કે તે સ્પેનિશ ભાષા શીખે. આ એક સારી બાબત છે. દુનિયાની કોઈપણ ભાષા શીખવી તે સારી વાત છે, પરંતુ શું ક્યારેય પણ આપણાં મનમાં એવો વિચાર ઉદ્દભવે છે કે, જે દેશ આટલો મોટો દેશ છે કે જ્યાં 100 ભાષાઓ, 1700 બોલીઓમાંથી 10-12 ભાષાઓ આપણે પણ શિખવી જોઈએ. 5-50 વાક્યો આપણાં દેશની ભાષામાં બોલવાનું શીખવું જોઈએ. કોઈ અન્ય રાજ્યની ભાષાઓનાં બે-ચાર ગીતો ગણગણવા જોઈએ. હું સમજું છુ કે દેશને એકીકૃત કરવા માટે આ સામર્થ્ય પણ જરૂરી છે અને આપણે એક સહજ સ્વભાવ તરીકે આ બાબત વિકસીત કરી શકીએ તેમ છીએ. મેં પણ હમણાં તૂટી ફૂટ ભાષામાં કહીએ તો પણ કન્નડ ભાષામાં કેટલીક વાતો કરી, જે તમારા દિલને સ્પર્શવા લાગી. એમાં તમે એ બાબત જોતા નથી કે મોદીજીનાં ઉચ્ચારો બરાબર હતા કે નહીં, વ્યાકરણ સાચુ હતું કે નહીં, તમને એવું લાગતું હતું કે આપણા દેશ સાથે જોડાવા માટે તે જાતે કેટલી મહેનત કરી રહ્યા છે. આ બાબત જ દેશને એક કરવાની તાકાત ધરાવે છે અને તે જ દેશને જોડે છે.
સંકલ્પથી સિદ્ધિ સુધીની જે યાત્રા પર દેશ આગળ વધી રહ્યો છે તે ન્યૂ ઈન્ડિયાનાં જે સપનાંને પૂરા કરવા માટે દેશ આગળ વધી રહ્યો છે તેની મોટી જવાબદારી મારા દેશનાં નવયુવાનો પર છે. તેમનાં ભવિષ્ય માટે ખૂબ ખૂભ શુભેચ્છા સાથે હું વધુ એક વખત નવયુવાનોને કહેવા માંગુ છું કે, આપણે સ્વામી વિવેકાનંદજીને સ્મરણમાં રાખીએ, ભગિની નિવેદિતાજીને પણ યાદ કરીએ. જન સેવામાં જ પ્રભુ સેવા – જીવમાં શિવ જોઈએ અને આ એક એવું તત્વજ્ઞાન છે કે, જે આપણાં દેશમાં પરિવર્તન માટે જરૂરી છે, પછી ભલેને તે સ્વચ્છ ભારત યોજના હોય કે બેટી બચાવો, બેટી પઢાવો યોજના હોય કે પછી વૃદ્ધો માટે આરોગ્યની સેવાનું કામ હોય. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી પહોંચાડવાનું કામ હોય. એક કામ લઈને આપણે પણ તેમની સાથે જોડાઈ જઈએ અને મને વિશ્વાસ છે કે તમે સૌ નવયુવાનો આ સંતો – મહાન સંતો અને તુમકૂરૂની પવિત્ર ભૂમિ છે કે જ્યાં આવા વરિષ્ઠ સંતો બેઠેલા છે તેવી ભૂમિ પરથી એક નવી પ્રેરણા લઈને આગળ વધીએ.
તમે બધા નરેન્દ્ર મોદી એપથી જોડાયેલા હશો અને મને પણ મન થાય છે કે હું તમારી સાથે જોડાઉં. તમે નરેન્દ્ર મોદી એપ સાથે મારી સાથે જોડાવ, મારી સાથે વાતો કરો, તમારી ભાવનાઓને મારા સુધી પહોંચાડો અને હું આજે તમને જણાવવા માંગુ છું કે એ સાચુ છે કે હું કન્નડ ભાષા બોલી શકતો નથી એટલે મારે હિંદી ભાષામાં બોલવું પડ્યું છે. પરંતુ તમને થતું હશે કે આ બધી બાબતો કન્નડ ભાષામાં જોવી છે, સાંભળવી છે તો હું મારી ટીમને જણાવું છું કે મેં હમણાં જે બધી વાતો કરી છે તેના મુખ્ય અંશ નરેન્દ્ર મોદી એપ પર કન્નડ ભાષામાં પણ મૂકવામાં આવે. જેથી તમે કન્નડ ભાષામાં, પોતાની ભાષામાં મારી આ લાગણીઓને જાણી શકો અને તેને આગળ વધારી શકો.
હું આજે આ 10 ત્રિવેણી સંગમ માટે, આ આયોજન માટે, રામકૃષ્ણ – વિવેકાનંદ આશ્રમને વધુ એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને હું તમામ સંતગણને અહીંથી પ્રણામ કરૂં છું. સંત ગણને નમન કરૂં છું. શિવગીરી મઠને નમન કરૂં છું અને આપ સૌ નવ-યુવાનોને ખૂબ ખૂબ-શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ !!!