મંચ પર ઉપસ્થિત ડાલમિયા ભારત જૂથના એમડી ભાઈ ડાલમિયા, યુથ ફોર ડેવલપમેન્ટના મેન્ટર મૃત્યુંજય સિંહજી, અધ્યક્ષ ભાઈ પ્રફુલ્લ નિગમજી, રૂરલ અચીવર શ્રી ચૈત રામ પવારજી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા યુવા સાથીઓ. અહિયાં મને દેશ ભરના કેટલાક અચીવર્સને કે જેઓ આ વિશેષ પ્રોત્સાહનને સહકાર આપી રહ્યા છે. તેમને સન્માનિત કરવાનો અવસર મળ્યો છે. એક પુસ્તકાલયની શરુઆત કરવામાં આવી છે. અને ગ્રામીણ ભારતને લઈને એક શ્વેત પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. મને ખુશી છે કે તમે બધા જ દેશની જરૂરિયાતોને જોઈને તે જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને તમારા કાર્યની રચના કરી રહ્યા છો. આપ સૌએ અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યું છે તેની માટે હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને આ પ્રયાસ સફળતાની સાથે સતત આગળ વધે તેની માટે સરકારનો સહયોગ પણ રહેશે અને મારી શુભકામનાઓ પણ રહેશે.
સાથીઓ વર્તમાન સમયમાં આપણો દેશ પરિવર્તનના એક મહત્વપૂર્ણ કાળખંડમાંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં તમે પણ અનુભવ કર્યો હશે કે કઈ રીતે દેશ 21મી સદીમાં નવી ઉંચાઈઓને પાર કરવા માટે આગળ વધી રહ્યો છે. ચાર વર્ષમાં દેશની આબરૂ વધી છે, ગૌરવ વધ્યું છે અને સવા સો કરોડ હિન્દુસ્તાનીઓએ વિશ્વના પટલ પર ટકોરો માર્યો છે કે હવે ભારતે ઉડાન ભરી લીધી છે.
મિત્રો, એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે જ્યારે ભારતને “નાજુક પાંચ” દેશોમાંથી એક ગણવામાં આવતો હતો. આજે આપણે વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયા છીએ. ભારતના સવા સો કરોડ લોકોથી સુસજ્જ આપણે વધુ ઝડપથી વિકાસ પામીશું. એક આંતરરાષ્ટ્રીય અહેવાલના જણાવ્યા અનુસાર, ભારતમાં ગરીબી નોંધપાત્ર રીતે નીચે ઉતરી રહી છે. આ અહેવાલ અનુસાર છેલ્લા બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળી ગયા છે. તમને શું લાગે છે આ કોણે શક્ય બનાવ્યું? તે ભારતની જનતા છે. સરકાર માત્ર એક પરિબળની ભૂમિકા ભજવી શકે છે. તે યુવાનો છે કે જેઓ માત્ર ઉપલબ્ધ તકોનો ઉપયોગ જ નથી કરી રહ્યા પરંતુ તેમની જાતે નવી તકોનું નિર્માણ પણ કરી રહ્યા છે. આ “ચાલશે”ની માન્યતાવાળું ભારત નથી રહ્યું. હવે તે જતું રહ્યું. આ આપણું ન્યુ ઇન્ડિયા છે.
સાથીઓ ન્યુ ઇન્ડિયાને સંલગ્ન સવા સો કરોડ ભારતવાસી છે પરંતુ તેનો આધાર યુવા ભારત છે. યુવાનોની યુવા શક્તિ છે, જે જૂની વ્યવસ્થાઓને તેની કાર્યપ્રણાલીને, જુના રીત રીવાજોને, જૂની વિચારધારામાંથી તે બોજમાંથી મુક્ત છે. આ તે નવયુવાન વર્ગ છે, જેણે વ્યવસ્થાઓને બદલવા માટે પ્રેરિત કરી છે. યુવાનોનો આ જ સમૂહ આજે ઉભરતા ભારતની ઓળખ બની રહ્યો છે. કેટલાક લોકો પરિવર્તન માટે સમય બદલવાની રાહ જુએ છે. કેટલાક લોકો પરિવર્તનનો સંકલ્પ લઈને સમયને બદલી નાખતા હોય છે. તમે રાહ જોનારાઓમાંના નથી, સમય બદલનારા નવયુવાનો છો. કારણ કે તમારી પાસે બદલાવ લાવનારું મન છે, મિશન છે, કઈક કરી છૂટવા માટે સમય નહીં મન જોઈએ, ઈચ્છા શક્તિ જોઈએ. આજે દેશમાં આ જ અદમ્ય ઈચ્છા શક્તિની સાથે યુવાનો રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગેલા છે.
મિત્રો, આજે ભારત જરા પણ ઓછું ઉતરે તેમ નથી. યુવાનોની મહત્વાકાંક્ષા અને સામર્થ્યની જેમ જ ભારત પણ મોટા પરિવર્તનકારી પગલાઓ ભરી રહ્યું છે. ભારતના ભવિષ્યનું આરોગ્ય તંદુરસ્ત બનાવતા ૩ કરોડથી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ એક મોટો આંકડો છે. તેના નેતૃત્વનું સંચાલન કોણ કરી રહ્યું છે? યુવાન ડોકટરો, નર્સો, સહાયક કર્મચારીઓ અને સ્વયંસેવકો. ભારતે છેલ્લા ચાર વર્ષમાં 1.75 લાખ કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બનાવ્યા છે. તે કોણે બાંધ્યા? યુવાન મજુરો અને કામદારોએ. ભારતે છેલ્લા 4 વર્ષમાં પ્રત્યેક ગામડામાં વીજળી પહોંચાડી છે. 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે અને આ લક્ષ્ય નિર્ધારિત સમયમાં પૂરું કરી દેવામાં આવ્યું હતું. હવે અમે દરેક ઘરને વીજળી પહોંચાડી રહ્યા છીએ. ઓક્ટોબર 2017થી અત્યાર સુધીમાં 85 લાખ ઘરોને વીજળી પહોંચાડવામાં આવી છે. કોણે તેમના સાથી નાગરિકોના ઘરમાં વીજળી પહોંચાડી? યુવાન ઈલેક્ટ્રીશિયન અને ટેકનીશીયનોએ. કોણે 4 કરોડ 65 લાખ ગેસના જોડાણો ગરીબો સુધી પહોંચાડ્યા? ફરી એકવાર, ભારતની યુવા પેઢીએ અને આ તેમણે તેમની પોતાને માટે નથી કર્યું પરંતુ ગરીબ મહિલાઓ કે જેમાંની ઘણી બધી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તેમને માટે કાળજી અને ચિંતાના લીધે કર્યું છે. છેલ્લા 4 વર્ષમાં ગરીબો માટે 1 કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોણે તે કર્યું? તે યુવાન એન્જીનીયરો, કડીયાઓ અને મજુરો હતા કે જેમણે આ કાર્યને શક્ય બનાવ્યું. આ સંખ્યાઓ મોટા ભાગે કરોડોમાં છે. તે ઘણા મોટા આંકડાઓ છે. શા માટે આવા મોટા આકડાઓ શક્ય બન્યા? કારણ કે 35થી ઓછી ઉંમરના ભારતના 800 મિલિયન યુવાનોને કારણે શક્ય બન્યું છે.
જે દેશમાં આટલી અપાર યુવા શક્તિ હોય, અને તેનાથી કોઈને ઈર્ષ્યા પણ થઇ શકે છે. અને એટલા માટે હું માનું છું કે તમે આ કાર્યક્રમની ખૂબ જ સચોટ ટેગલાઈન પસંદ કરી છે. અને તમે કહ્યું છે હવે અમારો વારો છે. અને અમારો એટલે કે એક નાગરિકનો પણ છે અને ભારતનો છે. સાથીઓ એક જમાનો હતો, જ્યારે શાસન માત્ર રાજ પરિવારોનું રહેતું હતું. સદીઓ પહેલા એવું હતું. સ્વતંત્રતા પછી આઝાદી પછી બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું તે પછી, લોકશાહી પછી નવી રીતના રાજ પરિવારો ઉભા થયા. સ્વતંત્રતા પછી રાજનીતિમાં પણ ત્રણ-ત્રણ પેઢીઓ સુધી રાજ ચાલતું રહ્યું હતું. શાસન કેટલાક પરિવારોના નિયંત્રણમાં જ રહ્યું. પરંતુ આજે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અને તે તમે બદલ્યું છે, દેશવાસીઓએ બદલ્યું છે. તમે જુઓ રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી અને હું પોતે, નાનકડા સ્થાનમાંથી આવ્યા છીએ. અમારા પૂર્વજો કોઈ હોદ્દા પર ન હતા. તમારા જેવા પરિવારોમાંથી જ અમે આવીએ છીએ. લોકતાંત્રિક રીતે ચૂંટાઈને આવ્યા છીએ અને એ જ દર્શાવે છે કે કઈ રીતે દેશનું જનમન બદલાયું છે અને આ વાત માત્ર ત્રણે પદો ઉપર જ લાગુ નથી થતું. તમે જુદા-જુદા રાજ્યના મંત્રીઓને પણ જુઓ. યોગી આદિત્યનાથ, ત્રિપુરાના વિપ્લવદેવ, ઉત્તરાખંડના ત્રિવેન્દ્ર સિંહ રાવત, મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ, બિહારના આપણા નીતીશજી, હરિયાણાના મનહર લાલજી, ઝારખંડના રઘુવરદાસજી, આ બધા જ લોકો ખૂબ જ સામાન્ય પરિવારમાંથી નીકળીને આ પદો ઉપર જનતા જનાર્દને તેમને પહોંચાડ્યા છે. તેમણે ખૂબ સામાન્ય જીવન જીવ્યું છે. અને એટલા માટે આજે પણ તે દરેક ગરીબના પ્રત્યે તેમની સમસ્યાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. તેમણે પોતાનું જીવન નવયુવાનોની વચ્ચે કામ કરીને, તેમની આશા, અપેક્ષાઓને અનુરૂપ કામ કરીને ખપાવ્યું છે. તેઓ ઘડાઈને આવ્યા છે, તેઓ સમજે છે કે ન્યુ ઇન્ડિયાનો નવયુવાન શું ઈચ્છે છે.
મારા નવયુવાન સાથીઓ શું આ બદલાવ નથી અને આ આપણા દેશના લોકતંત્રની માટે હું સમજુ છું કે ઘણી મોટી હકારાત્મક પુંજી છે, એક ઘણો મોટો સકારાત્મક સંકેત છે કે હવે આ રીતનું વાતાવરણ રાજનીતિ નહી પરંતુ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોના આઈએએસ, આઈપીએસ બનનારા નવયુવાનો જાહેર વહીવટની સેવામાં આવનારા નવયુવાનોની સંખ્યા સતત વધી રહી છે. નાના શહેરોના લોકોના મોટા સપના પણ હવે પુરા થવાના છે. આ બદલાવ જ તો છે કે જે ન્યુ ઇન્ડિયાને ઓળખ પ્રદાન કરી રહ્યા છે. આજે તમે ખેલકૂદનું ક્ષેત્ર જોઈ લો, 10માં અને 12ના ટોપર્સ જોઈ લો, હવે મોટા શહેરો કે મોટી શાળાઓના નથી હોતા. રમતગમત જોઈ લો મોટા મોટા શહેર, મોટા-મોટા ગામડાઓમાંથી નહી પરંતુ નાના-નાના ગામડાઓમાંથી નીકળે છે. આ પરિવર્તન છે.
મિત્રો, કેટલાક દિવસો અગાઉ આસામના ચોખાના ખેતરોમાંથી આવતી એક 18 વર્ષની ઉંમર ધરાવતી એક યુવતીએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું. હું હિમા દાસની વાત કરી રહ્યો છું. તેની દોડમાં તમે એક સામર્થ્ય અને ચમક ઝળહળતી જોઈ શકો છો. વાસ્તવમાં આવા અનેક યુવાનો છે જેઓ મેડલ્સ અને રેકોર્ડ્સ દેશમાં લાવી રહ્યા છે. તેઓ ન્યુ ઇન્ડિયાને પ્રદર્શિત કરે છે. તેઓએ તીક્ષ્ણ અવરોધોને પાર કર્યા છે, મજબુત દ્રઢનિશ્ચય દેખાડ્યો છે અને મહાન ઉંચાઈઓને પ્રાપ્ત કરી છે. આપણે બેડમિન્ટનમાં ટોચની ખેલકૂદ સત્તા છીએ કે જે તીરંદાજી, વેઇટ લીફટીંગ અને બીજી ઘણી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યો છે. જેઓ મેડલો અને પુરસ્કારો લાવે છે તેઓ નાના શહેરોમાંથી આવે છે. તેઓ સામાન્ય મધ્યમવર્ગ કે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે. યુવાન ભારત અનુભવે છે કે “કઈ પણ શક્ય છે! બધું જ હાસલ કરી શકાય છે.” આ જુસ્સો ભારતનો વિકાસ કરશે.
આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું જે કદ વધ્યું છે, પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત થઇ છે. તેણે યુવાનોમાં એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે. અવસરોની સમાનતા છે, પારદર્શકતા, પ્રતિભાની ઓળખ અને સન્માનનું જ આ પરિણામ છે. નવી પહોંચ સાથે સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા એવા અનેક પ્રયાસોએ ન્યુ ઇન્ડિયાનો પાયો મજબૂતીના આધાર સાથે તૈયાર થઇ રહ્યો છે. હવે સીલોને ખતમ કરીને સોલ્યુશન ઉપર જોર આપવામાં આવી રહ્યું છે. દેશની શું જરૂરિયાતો છે તેમને સમજીને, તેમના અનુસાર યોજનાઓ બનાવવામાં આવી રહી છે. નવયુવાનોની, ઉદ્યમીઓની, મહિલાઓની, ખેડૂતોની, મધ્યમ વર્ગની, નાની-નાની મુશ્કેલીઓને દુર કરવા માટે તેમના જીવનને સરળ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
મિત્રો, ભારતને વિશાળ માર્ગોના માળખાગત બાંધકામની જરૂરિયાત છે. ભારતમાળા તેના માટે હજારો કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે. ભારતને બંદર આધારિત વિકાસની જરૂર છે. સાગરમાળા તેની માટે માળખાગત બાંધકામ બાંધવામાં મદદ કરી રહ્યું છે. ભારતને જાહેર સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ બનવાની જરૂરિયાત છે. જેએએમ ત્રિમૂર્તિ (JAM Trinity) આપણને ત્યાં લઇ ગઈ છે. ભારતને સ્વચ્છ અર્થતંત્રની જરૂર છે. ડિજિટલ પેમેન્ટમાં વધારો અને ભીમ એપ જેવી નવી પહેલો આપણને તે દિશામાં લઇ જઈ રહી છે. ભારતને એક સંગઠિત / અને સરળ કર મમાળખાની જરૂર છે. તેની માટે જીએસટી છે. ભારતને હવાઈ મુસાફરીની શક્તિ ખોલવાની જરૂર છે. ઉડાન યોજના ગરીબને પણ હવાઈ મુસાફરી કરવા માટે સજ્જ કરવા તૈયાર છે. ભારતને વધુ કૌશલ્ય ધરાવતા માનવબળની જરૂર છે. સ્કિલ ઇન્ડિયા તેની માટે તૈયાર છે. ભારતમાં ગામડાઓને આઈ વે સાથે જોડવાની જરૂરિયાત છે. અમે ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનું 2.7 લાખ કિલોમીટરની જાળ પાથરી છે કે જે એક લાખથી વધુ ગ્રામ પંચાયતોને જોડે છે. ભારતને વધુ ઉદ્યોગ સાહસિકોની જરૂર છે. મુદ્રા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા તેના માટે સજ્જ છે. ભારતને સસ્તી આરોગ્ય સેવાની જરૂર છે. આયુષ્માન ભારત તેના માટે છે. ભારતને આજે તેની સ્ટાર્ટ અપ પેઢીને સમૃદ્ધ બનાવવાની જરૂર છે. તમે ખૂબ જ ઝડપથી તમારું સ્ટાર્ટ અપ નોંધાવી શકો છો. સ્ટાર્ટ અપની માટે પણ જાહેર ઉપલબ્ધીઓમાં એક સમાન સ્તરની સ્પર્ધા છે. અમે ભારતના ભવિષ્યને દરેક પ્રકારે મજબુત બનાવી રહ્યા છીએ જેથી કરીને નવું ભારત ઉડાન ભરવામાં સક્ષમ બની શકે.
સાથીઓ રચનાત્મક વિચારો અને નવીનીકરણો હંમેશા ભારતના સામાન્ય જીવનનો હિસ્સો રહ્યા છે પરંતુ યુવાનોની આ શક્તિનો રાષ્ટ્ર નિર્માણમાં વધુમાં વધુ ઉપયોગ થાય, તેની માટે ઉપયુક્ત વાતાવરણ હવે તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશના નવયુવાનોની આકાંક્ષાઓ અને અસીમ ક્ષમતાઓ માટે જ સરકાર નવીનીકરણ અને સંશોધનને પ્રોત્સાહન આપી રહી છે. શાળાઓમાં જ નવીનીકરણનું વાતાવરણ નિર્માણ થાય તેની માટે અટલ ઇનોવેશન મિશન શરુ કરવામાં આવ્યું છે, દેશની શાળાઓમાં કોલેજોમાં ઇનોવેશનની પ્રણાલી બનાવવા પર જોર લગાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વધારવા અને તેમની રચનાત્મકતાને યોગ્ય મંચ આપવા માટે દેશભરમાં 2400થી વધુ અટલ ડિજિટલ લેબને મંજુરી આપવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી વડે પરિચિત કરાવવામાં આવી રહ્યા છે. નવીનીકરણ ધરાવતા વિચારોને આગળ લાવવા માટે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી દેશના નવયુવાનોને દેશની સમસ્યાઓને ઉકેલવાના કાર્ય સાથે સીધા જોડવામાં આવ્યા છે. આ રસ્તા પર ચાલીને યુવાનો સ્ટાર્ટ અપની દુનિયામાં પગલું માંડશે.
અમે જોયું છે કે કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારની કાર્યવાહી અને જીએસટીની માંગ કઈ રીતે રેકોર્ડ સંખ્યામાં લોકો ટેસ્ટ આપવા આગળ આવી રહ્યા છે. આ બદલાયેલા વાતાવરણની સાબિતી છે. મને યાદ છે જ્યારે ડિજિટલ ચુકવણીની વાત શરુ થઇ હતી તો કઈ રીતે મોટા મોટા દીગજ્જોએ કહ્યું હતું કે ભારત જેવો ગરીબ દેશ ડિજિટલ ચુકવણીમાં આગળ વધી શકે તેમ નથી. પરંતુ આજે ડિજિટલ ચુકવણીની પ્રગતિ, જુઓ આ યુવાનો જ તો છે જેમના કારણે આજે દેશના દરેક ગામડામાં ડિજિટલ ચુકવણીની વ્યવસ્થા પહોંચી ગઈ છે. લોકો ડિજિટલ ચુકવણી કરવા લાગ્યા છે.
મિત્રો જ્યારે વિકાસ એ જ આપણું એકમાત્ર લક્ષ્ય હોય, ત્યારે આપણે લોકોની ચિંતાઓ અને મહત્વાકાંક્ષા પ્રત્યે સજાગ રહીએ છીએ. જ્યારે આપણે લોકો માટે સંવેદનશીલ રહીએ છીએ ત્યારે તે સરળ બનતી નીતિઓમાં જોવા મળે છે. જ્યારે આપણે લાલ પટ્ટી હટાવીએ છીએ અને નીતિઓને વધુ સરળ બનાવીએ છીએ ત્યાર આપણે વધુ સીધું વિદેશી મૂડી રોકાણ લાવીએ છીએ. જ્યારે આપણે વધુ સીધું વિદેશી મૂડી રોકાણ લાવીએ છીએ ત્યારે આપણે ભારતમાં વધુ ઉદ્યોગોની શરૂઆત કરીએ છીએ. જ્યારે આપણે વધુ ઉદ્યોગોનું નિર્માણ કરીએ છીએ ત્યારે આપણે વધુ રોજગારીની તકોનું નિર્માણ કરીએ છીએ. જ્યારે આપણે વધુ રોજગારીની તકોનું નિર્માણ કરીએ છીએ, ત્યારે આપણે યુવાનોને તેમનું ભવિષ્ય સુધારવા માટે સશક્ત બનાવીએ છીએ. જ્યારે દરેક નાગરિકનું ભવિષ્ય સુધરે છે ત્યારે વિશ્વમાં ભારતનું ભવિષ્ય અને અને પ્રતિષ્ઠા પણ સુધરે છે.
સાથીઓ આપણી પાસે આજે એક ઉત્તમ અવસર છે, આપણે તે પેઢીના છીએ, જેને દેશની આઝાદી માટે મરી ફીટવાનું સૌભાગ્ય નહોતું મળ્યું પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે જીવવાનું અને દેશની માટે કઈક કરવાનો મોકો આપણને જરૂરથી મળ્યો છે. ઈતિહાસ સાક્ષી છે કે સ્વતંત્રતાના આંદોલનમાં પણ નવયુવાનોએ આગળ વધીને કમાન સાંભળી હતી. યુવાનોના જોશ અને જુસ્સાએ આઝાદીની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી. આજે ન્યુ ઇન્ડિયાને માટે તે જ ભૂમિકા આપ સૌ પણ નિભાવવા જઈ રહ્યા છો. તમારે સાથે મળીને એક એવા નવા ભારતનું નિર્માણ કરવાનું છે કે જેનું સપનું આપણા સ્વતંત્ર સેનાનીઓએ જોયું હતું. દેશને માટે પોતાને ખપાવી દેનારાઓએ જોયું હતું.
મિત્રો, ન્યુ ઇન્ડિયા એ એક એવી ભૂમિ છે કે જ્યાં તમે તમારુ નામ બનાવો છો, તમારું નામ તમને નથી બનાવતું. જ્યાં તમારા વિચારો મહત્વના છે, તમારો પ્રભાવ નહી. જ્યાં તકો અવરોધવાને બદલે મજબૂતી આપે છે. જ્યાં એક બિલિયન મહત્વાકાંક્ષાઓને વહેવા માટે મોકળો માર્ગ મળી રહે છે. જ્યાં પ્રગતિની યાત્રા અમુક પસંદ કરાયેલ લોકોના બદલે દરેકને સંમૃદ્ધ બનાવે છે. આ એક એવુ સ્થળ છે જ્યાં લોકો પ્રક્રિયાઓને પ્રભાવિત કરવાને બદલે પ્રક્રિયાઓને પ્રગતિ તરફ દોરી જાય છે.
જ્યાં નિરંકુશ નફરત પર આશાની શક્તિ શાસન કરે છે.
જ્યાં 125 કરોડ ભારતીયો માત્ર પોતાના નસીબના ભરોસે બેસી રહેવાને બદલે તેમનું પોતાનું નસીબ જાતે લખે છે. આ આપણું નવું ભારત છે!
સાથીઓ તમે ભારતનું વર્તમાન અને ભવિષ્ય છો. ભારતને તમારી ભાગીદારી જોઈએ છે, માત્ર સાંભળવાવાળી નહી, અમને સલાહ આપનારી, અમારી સાથે ખભે ખભો મીલાવને કામ કરનારા યુવાનો જોઈએ છે.
તમે સફળ થશો તો દેશ સફળ થશે. તમારા સંકલ્પો સિદ્ધ થશે તો દેશના સંકલ્પો સિદ્ધ થશે. એક વાર ફરી આ શાનદાર પહેલ માટે, યુથ ફોર ડેવલપમેન્ટની સંપૂર્ણ ટીમને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને જે લોકોએ આજે સન્માન પ્રાપ્ત કર્યું છે હું તેમને વિશેષ રૂપે અભિનંદન આપું છું. કારણ કે તેમના દરેક કામ તેમના દરેક પ્રયાસની ચર્ચા થશે. તેમનું કાર્ય પોતાનામાં જ બીજા લોકો માટે પ્રેરણા બની જશે. અને હું માનું છું કે શબ્દથી વધુ કૃતિની તાકાત હોય છે અને તમે એવા લોકો છો, તમે એવા કર્મયોગી છો જેમણે દુરસુદૂર કઈ વસ્તીમાં, કોઈ ગામમાં પોતાના સપનાઓને સાકાર કરવા માટે તમારી જાતને ખપાવી દીધી છે, એક કામ હાથમાં લીધું તેને પૂરું કરીને બતાવ્યું છે. અને તેનું જ પરિણામ છે કે આજે તમે સંતોષની અનુભૂતિ કરી રહ્યા છો. અને स्वांतःसुखाए, એટલે કે જે કામ સ્વયંને આનંદ આપે છે તે કરો છો. તેની પ્રેરણા આધ્યાત્મિક તાકાતથી પણ અનેક ગણી વધારે હોય છે. હું તે સ્થિતિને પ્રાપ્ત કરનારા આ સૌ નવયુવાનોને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
ખૂબ-ખૂબ આભાર!