નેટવર્ક 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીજી,
નેટવર્ક 18 સાથે સંકળાયેલા તમામ પત્રકાર સાથી,
મેનેજમેન્ટ સાથે જોડાયેલ લોકો,
અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવો,
નેટવર્ક 18ના દર્શકગણ અને મારા પ્રિય સાથીઓ,
હમણાં થોડા સમય પહેલા જ મને રાષ્ટ્રીય સમર સ્મારક દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ પણ સંયોગ જુઓ કે તેની તરત જ પછી રાઈઝીંગ ઇન્ડિયા સમિટમાં એક એવા વિષય પર બોલવાનો અવસર મળી રહ્યો છે, જે મારા હૃદયની ખુબ નજીક છે.
હું નેટવર્ક 18ની ટીમને આ વિષય – ‘બિયોન્ડ પોલીટીક્સ: ડિફાઈનીંગ નેશનલ પ્રાયોરીટીઝ’ નક્કી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન આપું છું. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં, રાષ્ટ્ર નિર્માણની દિશા કઈ હોય, એક રાષ્ટ્રના રૂપમાં અમારી પ્રાથમિકતા શું હોય, તેની ઉપર સતત મંથન ઘણું જ જરૂરી છે.
હવે જ્યારે હું મીડિયાના સાથીઓની વચ્ચે છું તો આ ચર્ચાને આગળ વધારવા માટે તમારી પસંદગીની પદ્ધતિ જ અપનાવીશ. એટલે કે પહેલા શું હતું અને હવે શું છે. તેનાથી જ તમને પણ સ્પષ્ટ થઇ જશે કે પહેલા શું પ્રાથમિકતાઓ હતી, અને હવે શું છે. તેનાથી જ એ પણ ખબર પડશે કે રાજનીતિથી દુર જઈને જ્યારે રાષ્ટ્રનીતિને પ્રાથમિકતા આપવામાં આવે છે, તો કઈ રીતના પરિણામો નીકળે છે.
સાથીઓ, વર્ષ 2014ના પહેલા દેશમાં સ્થિતિ એવી હતી કે જે વધવું જોઈતું હતું તે ઘટી રહ્યું હતું અને જે ઘટવું જોઈતું હતું તે વધી રહ્યું હતું.
હવે જેમ કે, મોંઘવારીનું જ ઉદાહરણ લઈએ. આપણને સૌને ખબર છે કે મોંઘવારી દર નિયંત્રણમાં રહેવો જોઈએ. પરંતુ વાસ્તવિકતા શું હતી? ગઈ સરકારમાં જરૂરી વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા હતા. મોંઘવારી સુરસાની જેમ મોઢું ફાડી રહી હતી.
આપ સૌને, ખાસ કરીને ન્યુઝરૂમના પ્રોડ્યુસર્સને યાદ હશે કે મહંગાઈ ડાયન ખાએ જાત હૈ, તમારે કેટલી વાર પોતાના શોમાં ચલાવવું પડતું હતું.
સાથીઓ, તમે ત્યારે બહુ રીપોર્ટ કર્યું હતું કે મોંઘવારી 10 ટકાનો આંકડો પાર કરી ગઈ હતી. પરંતુ આજે અમારી સરકારમાં મોંઘવારી દર નીચે ઉતરીને 2-4 ટકાની આસપાસ રહી ગયો છે. આ તફાવત ત્યારે આવે છે જ્યારે રાજનીતિથી દુર હટીને રાષ્ટ્રનીતને પ્રાથમિકતા આપવામાં આવે છે.
સાથીઓ, આ જ સ્થિતિ આવક વેરાને લઇને હતી. મધ્યમ વર્ગ રાહત માટે સતત અવાજ આપતો રહેતો હતો પરંતુ રાહતના નામ પર કઈક જ મળતું નહોતું. અમારી સરકારે આવક વેરા પર રાહતની સીમા પહેલા અઢી લાખ રૂપિયા સુધી કરી, પછી 5 લાખ સુધીની આવક માટે કરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો અને આ વખતે તો 5 લાખ સુધીની કરપાત્ર આવકને જ ટેક્સની સીમામાંથી બહાર કાઢી નાખી છે.
સાથીઓ, હવે જીડીપી વૃદ્ધિની વાત કરું તો તમે પહેલાની સરકાર અને અત્યારની સરકાર, પહેલાની પ્રાથમિકતા અને અત્યારની પ્રાથમિકતાનો તફાવત, વધારે સ્પષ્ટતા સાથે સમજી શકશો. તમને ખબર હશે કે અટલજીની સરકારે વર્ષ 2004માં યુપીએને 8 ટકા વિકાસ દરવાળી અર્થવ્યવસ્થા સોંપી હતી. પરંતુ વર્ષ 2013-14માં જ્યારે યુપીએની વિદાય થઇ રહી હતી ત્યારે વિકાસ દર 5 ટકાની નજીક પહોંચી ગયો હતો.
2014માં એક વાર ફરી અમે આ પડકારનો સ્વીકાર કર્યો. આજે એક વાર ફરી જીડીપી વૃદ્ધિ દરને અમારી સરકારે 7 થી 8 ટકાની વચ્ચે પહોંચાડી દીધો છે. તેઓ વધેલાને ઘટાડીને ગયા અને અમે ઘટાડેલાને ફરી વધારી નાખ્યો. તે અમારી પ્રાથમિકતા છે.
સાથીઓ, આ જ હાલત ભારતની ગ્લોબલ સ્ટેન્ડિંગની રહી. આપણે બધા ભણતા આવ્યા હતા કે 21મી સદી ભારતની સદી છે. પરંતુ યુપીએ સરકારમાં શું થયું? ભારતને 2013 સુધી આવતા આવતા દુનિયાના “નાજુક પાંચ” દેશોમાં પહોંચાડી દેવામાં આવ્યો. આજે એક વાર ફરી સરકારના દ્રઢ નિશ્ચય અને સવા સો કરોડ દેશવાસીઓના પરિશ્રમના બળ પર ભારત “સૌથી ઝડપથી વધતું મોટું અર્થતંત્ર” બની ગયું છે.
સાથીઓ, વેપાર કરવાની સરળતાના ક્રમાંકમાં પણ ગઈ સરકારે જતા જતા દેશનું નામ ડુબાડવામાં કોઈ કસર નહોતી છોડી. આ કોંગ્રેસી સંસ્કૃતિનું જ પરિણામ હતું કે વર્ષ 2011ના 132માં ક્રમથી નીચે ઉતરીને ભારતનો ક્રમ 2014માં 142 સુધી ચાલ્યો ગયો હતો. તમે જરા વિચાર કરો કે તે સમયે દેશમાં વ્યાપારનું કેવું વાતાવરણ બનાવી દેવામાં આવ્યું હતું. આ ક્રમમાં સુધારો કરીને દેશને 77માં સ્થાન પર પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું છે.
સાથીઓ, ગઈ સરકાર દરમિયાન વેપાર કરવાની સરળતામાં દેશનો ક્રમ એટલા માટે પણ નીચે ઉતરી રહ્યો હતો કારણ કે ભ્રષ્ટાચારનો ગ્રાફ આકાશને આંબી રહ્યો હતો. સ્પેક્ટ્રમથી લઈને સબમરીન સુધી, અને કોલસાથી લઈને કોમનવેલ્થ ગેમ સુધી, કોઇપણ ભ્રષ્ટાચારથી અછુતું નહોતું રહ્યું. તે સમયગાળામાં દરેક સંસ્થા ભલે તે સર્વોચ્ચ અદાલત હોય, સીએજી હોય, મીડિયા હોય, દરેક જગ્યા પર સરકારની ભ્રષ્ટાચારની ફાઈલો ખુલી રહી હતી.
આજે પરિસ્થિતિ એવી છે કે રાજનૈતિક વિરોધના કારણે વિપક્ષના અમારા સાથીઓ છદ્મ પદ્ધતિએ અદાલતમાં જાય છે અને ત્યાંથી તેમને ફટકાર લાગે છે અને સરકારને પ્રશંસા મળે છે. સરકારી સંસ્કારોમાં આ સાર્થક બદલાવ વીતેલી અમાણી સરકારના સમયગાળા દરમિયાન આવ્યો છે.
ભાઈઓ અને બહેનો, રાજનીતિથી જુદી, અમારી સરકારની પ્રાથમિકતાઓ કઈ રીતે અલગ રહી, કઈ રીતે અમે એક યોજનાથી બીજીને જોડતા જઈને આગળ વધી રહ્યા છીએ અને તેનાથી વ્યવસ્થાતંત્ર કઈ રીતે સરળ અને પારદર્શક બની રહ્યું છે, તેના એક બીજા ઉદાહરણ પર હું તમારી સાથે વિસ્તારપૂર્વક વાત કરવા માંગું છું.
તમને યાદ હશે કે જ્યારે અમે ચાર વર્ષ પહેલા જનધન યોજના શરુ કરી હતી, તો કેટલી મજાક ઉડાવવામાં આવી હતી. કેટલાક લોકો કહેતા હતા કે ગરીબોના બેંક ખાતા ખોલાવીને અમે કયું તીર મારી લીધું. કેટલાય લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે જેમની પાસે ખાવા માટે કઈ નથી, તેઓ બેંકમાં ખાતા ખોલાવીને શું કરશે?
એવી જ માનસિકતાના કારણે આપણા દેશમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ, અડધા કરતા વધુ લોકોની પાસે બેંકના ખાતાઓ નહોતા. હવે આજે અમારી સરકારના પ્રયાસોના કારણે દેશમાં 34 કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખુલી ગયા છે.
સાથીઓ, જનધન ખાતા ખુલ્યા પછી અમે તેને આધાર નંબરો સાથે જોડ્યા, પ્રયાસ કર્યો કે વધુમાં વધુ ખાતા મોબાઈલ નંબર સાથે પણ જોડાઈ જાય. આ બાજુ અમે દેશમાં જનધન ખાતા ખોલી રહ્યા હતા, પેલી બાજુ તે સરકારી યોજનાઓને પણ શોધવામાં આવી રહી હતી જેમાં લાભાર્થીઓને પૈસા આપવાની જોગવાઈઓ હતી. પહેલા આ પૈસા કઈ રીતે મળતા હતા, કોણ વચ્ચેથી એમને પચાવી જતું હતું, તે પણ તમને ખબર છે.
ભાઈઓ અને બહેનો, અમે એક એક કરીને યોજનાઓ શોધતા ગયા અને તેમને જનધન ખાતાઓ સાથે જોડતા ગયા. આજે સ્થિતિ એવી છે કે સરકારની સવા ચારસોથી વધુ યોજનાઓના પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં હસ્તાંતરિત થઇ રહ્યા છે.
અમારી સરકાર દરમિયાન લગભગ લગભગ 6 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાં સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવ્યા છે. અને મને એ કહેતા ગર્વ થાય છે કે પહેલાની જેમ 100માંથી માત્ર 15 પૈસા નહી પરંતુ સંપૂર્ણ પૈસા લાભાર્થીઓને મળી રહ્યા છે.
સરકારના આ પ્રભાવોનો ભ્રષ્ટાચાર અને કાળાનાણા ઉપર શું પ્રભાવ પડ્યો છે, તે પણ તમારે જાણવું જરૂરી છે.
સાથીઓ, જનધન ખાતા, આધાર અને મોબાઈલને જોડવાનું એ પરિણામ આવ્યું છે કે એક પછી એક કરીને કાગળોમાં દબાયેલા એવા ભૂતિયા નામ સામે આવવા લાગ્યા. તમે વિચાર કરો, જો તમારા જૂથમાં અથવા ચેનલમાં 50 લોકો એવા થઇ જાય કે જેમનો દર મહીને પગાર જઈ રહ્યો છે, પરંતુ તેઓ વાસ્તવમાં છે જ નહી, તો શું થશે.
હવે અહિયાં એચઆરવાળા લોકો કહેશે અમારે ત્યાં એવું બની જ ના શકે. પરંતુ સાથીઓ પહેલાની સરકારોએ, દેશમાં જે વ્યવસ્થા બનાવીને રાખી હતી તેમાં એક બે નહી 8 કરોડ એવા ભૂતિયા નામ હતા, જેમના નામ પર સરકારી લાભ હસ્તાંતરિત કરવામાં આવી રહ્યા હતા.
સાથીઓ, સરકારના આ પ્રયાસ વડે એક લાખ 10 હજાર કરોડથી વધુ રૂપિયા ખોટા હાથોમાં જવાથી બચી રહ્યા છે. અને જ્યારે હું આ કહું છું કે 1 લાખ 10 હજાર કરોડ રૂપિયા બચી રહ્યા છે, તો તે પણ વિચારો કે પહેલા આ જ પૈસા કોઈ બીજાની પાસે પણ તો જઈ જ રહ્યા હતા.
વર્ષે દર વર્ષે આ પૈસા તે વચેટીયાઓની પાસે જઈ રહ્યા હતા, તે લોકોની પાસે જઈ રહ્યા હતા જેઓ આના હકદાર નહોતા. હવે આ બધી લીકેજ અમારી સરકારે બંધ કરી દીધી છે.
સાથીઓ, બેંક ખાતા, ડેટા અને ટેકનોલોજીની આ જ તાકાત આજે દુનિયાની સૌથી મોટી કલ્યાણકારી યોજનાઓનો મજબુત આધાર બની રહી છે.
આજે જે આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના લગભગ 50 કરોડ ગરીબોને જે 5 લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ આપવામાં આવી રહ્યો છે, તેમાં પણ લીકેજની કોઈ ગુંજાઈશ નથી. ઈલાજના સંપૂર્ણ પૈસા સીધા દવાખાનાના ખાતામાં જાય છે. જેના લાભાર્થી આધાર નંબરથી લેસ છે અને તેમની પસંદગી 2015માં જાહેર કરવામાં આવેલા સામાજિક આર્થિક સર્વેના આધાર પર કરવામાં આવી છે.
લગભગ લગભગ દરેક કલ્યાણકારી યોજના માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેનાથી બેઈમાની અને લીકેજ બંને પર લગામ કસાઈ છે.
તમારી જાણકારીમાં છે કે ગઈકાલે જ અમારી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. દેશના લગભગ 12 કરોડ ખેડૂત પરિવારોને તેમની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે, જેમ કે ચારો ખરીદવા માટે, બિયારણ ખરીદવા માટે, જંતુનાશકો ખરીદવા માટે, ખાતર ખરીદવા માટે સરકાર વર્ષમાં લગભગ 75 હજાર કરોડ રૂપિયા, સીધા ખેડૂતોના ખાતામાં હસ્તાંતરિત કરવા જઈ રહી છે. આ યોજનામાં પણ લીકેજ શક્ય નથી.
હવે વિચારો, કોઈને ચારા ગોટાળો કરવો છે તો કઈ રીતે કરશે? કારણ કે હવે તો સીધા મોબાઈલ પર મેસેજ આવે છે, કાચી પાકી રસીદની બધી વ્યવસ્થા જ મોદીએ ખતમ કરી નાખી છે. એટલા માટે જ મને પાણી પી પીને ગાળો આપવામાં આવે છે.
ભાઈઓ અને બહેનો, જેની જેની માટે મેં લૂંટના રસ્તાઓ બંધ કર્યા છે, તેઓ મને આજકાલ એટલો સ્નેહ પ્રદર્શિત કરી રહ્યા છે કે ના પૂછો. એક મંચ પર એકઠા થઈને, આટલી ગાળો કદાચ જ કોઈને આપવામાં આવી હશે.
સાથીઓ, તેમની માટે મોદીને ગાળો આપવી એ પ્રાથમિકતા છે, મારી માટે પ્રાથમિકતા છે કે દેશનો ઈમાનદાર કરદાતા, જે આટલી મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, તેના દ્વારા સરકારને મળેલી એક એક પાઈનો સાચો ઉપયોગ થાય.
આપણે ત્યાં કઈ રીતે જનતાના પૈસાને જનતાના ના સમજવાની પરંપરા લાંબા સમયથી હાવી રહેલી છે, તમે પણ જાણો છો. જો આવું ના હોત તો સેંકડો યોજનાઓ દાયકાઓ સુધી અધુરી ના રહેત, અટકતી ભટકતી ના રહેત.
એટલા માટે જ અમારી સરકાર, યોજનાઓમાં વિલંબને અપરાધી લાપરવાહી કરતા ઓછી જરાય નથી માનતી. હું તમને માત્ર 2-૩ ઉદાહરણ આપું છું કે પહેલાના દાયકાઓમાં કઈ રીતે કામ થયું છે અને કઈ રીતે તેનો પ્રભાવ લોકોના જીવન પર અને કરદાતાઓના પૈસા પર પડ્યો છે.
સાથીઓ, યુપીમાં એક સિંચાઈ પરિયોજના છે, બાણસાગરના નામે. આ યોજના લગભગ લગભગ 4 દાયકા પહેલા શરુ થઇ હતી. તે વખતે એવો અંદાજો લગાવવામાં આવ્યો હતો કે ૩૦૦ કરોડ રૂપિયામાં આનું કામ પૂરું થઇ જશે. પરંતુ તે લટકેલી રહી, અટકેલી રહી, 2014માં અમારી સરકાર બન્યા પછી આની પર ફરીથી કામ શરુ કરવામાં આવ્યું. ત્યાં સુધી તેના ખર્ચની રકમ વધીને ૩ હજાર કરોડ રૂપિયા થઈ ગઈ.
એવું તો હતું નહી કે પહેલાની સરકારોને કોઈ કામ કરતા રોકી રહ્યું હતું, ના પાડતું હતું. ત્યારે ૩૦૦ કરોડ રૂપિયાની તંગી હોય, એવું પણ હું નથી માનતો. વાસ્તવમાં કામ સમયસર પૂરું થાય, તે માટે અંદરથી જ ઈચ્છા નહોતી. માન્યતા એવી હતી કે સારું છે, મોડું થાય છે તો થયા કરે, મારું શું નુકસાન છે.
એક બીજી ડેમ પરિયોજના છે, ઝારખંડની મંડલ ડેમ. આ પણ ચાર દાયકાથી અધુરી હતી. જ્યારે તેની શરૂઆત કરવામાં આવી તો તેનો ખર્ચો હતો માત્ર 30 કરોડ અને હવે આ બંધ લગભગ 2400 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને પૂરો કરવામાં આવી રહ્યો છે. એટલે કે પરિયોજના લટકવાની 80 ગણી કિંમત દેશનો ઈમાનદાર કરદાતા ચૂકવી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, તમે લોકો ગોટાળાના સમાચારો સાંભળતા હતા, તો સાવધાન થઇ જતા હતા. સારી વાત છે. પરંતુ દેશમાં આ પ્રકારની સેંકડો પરિયોજનાઓમાં વિલંબના કારણે, દેશના જે લાખો કરોડો રૂપિયા, તમારા જેવા ઈમાનદાર કરદાતાના જે પૈસા સતત બરબાદ થઇ રહ્યા હતા, તેની કોને પરવા હતી? આ પૈસાને સન્માન આપવું અમારી સરકારની પ્રાથમિકતા હતી અને એટલા માટે જ સરકારી વ્યવસ્થામાં લેટ લતીફીની સંસ્કૃતિને બદલવાનો મેં પહેલા જ દિવસથી પ્રયાસ કર્યો છે.
હું એક એક રાજ્યના મુખ્ય સચિવને લઇને બેઠેલો છું, એક એક મંત્રાલયના સચિવને લઇને બેઠેલો છું કે કઈ પણ થાય, પરંતુ યોજનાઓમાં વિલંબ ના થવો જોઈએ, જનતાના પૈસા બરબાદ ના થવા જોઈએ. સાથીઓ, 12 લાખ કરોડ રૂપિયા કરતા વધુની જૂની યોજનાઓની સમીક્ષા મેં પોતે કરી છે.
સાથીઓ, જેટલા પણ પ્રોજેક્ટ્સની પ્રગતિના માધ્યમથી સમીક્ષા કરવામાં આવી, તેમાંથી મોટાભાગની પૂર્વી ભારતની છે, ઉત્તરપૂર્વની છે. તે પણ અમારી સરકારની પ્રાથમિકતાઓનો એક અન્ય મોટો ભાગ રહ્યો છે. પૂર્વી ભારતને નવા ભારતના વિકાસનું વૃદ્ધિ એન્જીન બનાવવું, સૌનો સાથ, સૌનો વિકાસના અમારા દ્રષ્ટિકોણનું મહત્વપૂર્ણ પાસું છે.
તમે ઘણી વાર એ રીપોર્ટ કર્યું છે કે કઈ રીતે પૂર્વી અને ઉત્તર પૂર્વી ભારતમાં દાયકાઓ પછી પહેલીવાર રેલ્વે પહોંચી રહી છે, પહેલીવાર એરપોર્ટ બની રહ્યા છે, પહેલીવાર વીજળી પહોંચી રહી છે.
સાથીઓ, અમારો પુરેપુરો પ્રયાસ છે કે સમાજ અથવા દેશનો તે દરેક વર્ગ, જે પોતાને કોઈ ને કોઈ કારણસર ઉપેક્ષિત અનુભવ કરી રહ્યો હતો, તેની પાસે પહોંચી શકાય, તેની ચિંતાને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે.
સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય હોય કે પછી શ્રમિકોની માટે પેન્શનની ઐતિહાસિક યોજના,
ભટકતા સમુદાયના લોકોની માટે કલ્યાણ વિકાસ બોર્ડ બનાવવાનો નિર્ણય હોય કે પછી દેશના કરોડો માછીમારોની માટે એક જુદા વિભાગ, અમે સૌના સાથ સૌના વિકાસના મંત્ર પર કામ કરી રહ્યા છીએ.
દેશના પ્રત્યેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક ખૂણા સુધી વિકાસ અને વિશ્વાસનો પ્રકાશ પહોંચાડવાની અમારી પ્રાથમિકતા જ ન્યુ ઇન્ડિયાના નવા આત્મવિશ્વાસનું કારણ બની રહી છે.
આ જ આત્મવિશ્વાસની વચ્ચે, હું તમારી સાથે તે વિષય પર પણ વાત કરવા માંગીશ, જે તમારો ખુબ જ પસંદગીનો વિષય રહ્યો છે. તે વિષય છે રોજગાર.
મને જણાવવામાં આવ્યું છે કે નેટવર્ક 18માં વર્ષ 2014 પછીથી એક પણ વ્યક્તિને નોકરી નથી મળી? રાહુલજી આ જાણકારી સાચી છે ને?
જો કે આશ્ચર્ય ના પામશો. હું જવાબનો સવાલ કહેવાનો પ્રયાસ આપ સૌ સાથીઓને કરી રહ્યો હતો.
ભાઈઓ અને બહેનો,
જરા વિચારો ભારત જ્યારે સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે તો શું તે શક્ય છે કે નોકરીનું નિર્માણ કર્યા વિના આ થઇ જાય?
જ્યારે દેશમાં એફડીઆઈ અત્યાર સુધીના સમયમાં સૌથી ઊંચું રહ્યું હોય તો શું આ શક્ય છે કે નોકરીઓ ઉત્પન્ન જ ના થઇ રહી હોય?
જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય અહેવાલ કહી રહ્યો છે કે ભારત સૌથી ઝડપથી ગરીબીને દુર કરી રહ્યું છે તો શું તે શક્ય છે કે નોકરી વિના લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે?
જરા વિચારો જ્યારે દેશમાં પહેલાની સરખામણીએ અનેક ગણી વધારે ઝડપથી માર્ગ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, રેલ્વે માર્ગોના વિસ્તૃતીકરણનું કામ થઇ રહ્યું છે.
ગરીબોની માટે લાખો મકાન બનાવવાથી લઇને નવા પુલ, નવા બંધ, નવા વિમાનમથકો જેવા માળખાગત બાંધકામના બીજા પ્રોજેક્ટ્સ પર રેકોર્ડ કામ થઇ રહ્યું છે. પ્રવાસનના ક્ષેત્રમાં રોકાણ વધી રહ્યું છે તો શું તે શક્ય છે કે આ બધી જ પ્રવૃત્તિઓ વડે રોજગારી ઉત્પન્ન જ ના થઇ હોય?
તમે તમારી આસપાસના વાતાવરણમાં ડોક્ટર, એન્જીનીયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આગળ વધતો જોયો હશે. આવકવેરા વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લા ચાર નાણાકીય વર્ષ દરમિયાન વ્યવસ્થામાં 6 લાખ વ્યવસાયિકો જોડાયા છે. તેમાંથી પ્રત્યેક વ્યવસાયિકને સહાયક સ્ટાફની પણ જરૂર પડશે. એવામાં આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ જ વ્યવસાયિકોએ છેલ્લા 4 વર્ષોમાં લાખો લોકોને રોજગાર આપ્યો છે.
આટલું જ નહી રસ્તા પર દોડનારી ગાડીઓ પણ એક નવું જ ચિત્ર બતાવી રહી છે. કોઈ મને કહી રહ્યું હતું કે તમારા ફિલ્મ સીટી, નોયડામાં પહેલા જ્યાં અડધા કરતા વધુ જગ્યાઓ ખાલી રહી જતી હતી, હવે ત્યાં ગાડીઓના પાર્કિંગની જગ્યા પણ બચી નથી.
કહેવાનો અર્થ એ છે કે છેલ્લા 5 વર્ષોમાં વાહનવ્યવહાર ક્ષેત્રમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વ્યવસાયિક વાહનોની જ વાત કરીએ તો પાછલા વર્ષે જ ભારતમાં લગભગ સાડા 7 લાખ ગાડીઓ વેચાઈ છે. શું આ શક્ય છે કે નોકરીઓ વિના આટલી વ્યવસાયિક ગાડીઓ વેચાઈ રહી છે?
હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને જ લઇ લો. મેં મીડિયામાં જ આની સાથે સંકળાયેલ એકથી વધીને એક પ્રેરિત કરનારી વાર્તાઓ જોઈ છે. તેમાંથી અનેક લાભાર્થીઓને તો હું પોતે જ મળ્યો છું, તેમની સફળતાની કથાઓ મેં પોતે જાણી છે. કઈ રીતે તેમણે ધિરાણ મેળવીને પોતાનો રોજગાર શરુ કર્યો અને આજે ડઝનબંધને રોજગાર આપી રહ્યા છે.
સાથીઓ, આ યોજના અંતર્ગત 15 કરોડથી વધુ ઉદ્યમીઓને 7 લાખ કરોડ રૂપિયા કરતા વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી 4 કરોડથી વધુ યુવા ઉદ્યમીઓ એવા છે, જેમણે પોતાના વ્યવસાયની માટે પહેલીવાર ધિરાણ લીધું છે. શું તે શક્ય છે કે આટલી મોટી સંખ્યામાં નાના ઉદ્યમીઓને લોન આપવામાં આવી હોય અને તેનાથી લોકોને રોજગાર ના મળ્યો હોય?
સાથીઓ, રોજગારને લઈને સરકારને ઈપીએફઓ પાસેથી પણ એક વ્યાપક જાણકારી મળે છે. જ્યાં સુધી ઇપીએફઓની વાત છે તો કરોડો લોકોના પૈસા કપાઈ રહ્યા છે, અંશદાન જમા થઇ રહ્યું છે ત્યારે જઈને આ આંકડા આવે છે. એવું નથી કે હજાર – 10 હજાર લોકોનો સર્વે કરીને આંકડા કહેવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર 2017થી લઈને નવેમ્બર 2018ની વચ્ચે દર મહીને લગભગ 5 લાખ નોંધણીકર્તાઓ, ઇપીએફઓ સાથે જોડાયા છે. એ જ રીતે એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ઈએસઆઈસી સાથે દર મહીને આશરે 10થી 11 લાખ નોંધણીકર્તાઓ જોડાયા છે.
જો આપણે આને ઇપીએફઓના આંકડાઓ કરતા 50 ટકા ઓવરલેપ પણ માનીએ તો પણ ઔપચારિક કાર્યબળમાં દર મહીને લગભગ 10 લાખ લોકો સામેલ થયા છે. એટલે કે 1 કરોડ 20 લાખ નોકરીઓ દર વર્ષે.
સાથીઓ, વીતેલા 4 વર્ષોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં આશરે 45 ટકાની ઐતિહાસિક વૃદ્ધિ થઇ છે. પ્રવાસનથી થનારી વિદેશી હુંડીયામણની કમાણી પણ વીતેલા 4 વર્ષોમાં 50 ટકા વધી ગઈ છે. એટલું જ નહી ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ઐતિહાસિક વૃદ્ધિ થઇ છે. ગયા વર્ષે 10 કરોડથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી. શું આ બધાથી રોજગારના અવસરનું સર્જન નથી થયું?
આ આંકડાઓથી એ સ્પષ્ટ જાણકારી મળે છે કે દેશમાં દરેક ક્ષેત્રમાં રોજગારીના અવસર ઉત્પન્ન થયા છે અને લોકોને નોકરીઓ મળી છે.
બની શકે છે કે કેટલાયને મોદીની વાત માનવી ના હોય. પરંતુ એ પણ તો યાદ રાખો કે પશ્ચિમ બંગાળ સરકાર કહી રહી છે કે ગયા વર્ષે તેમણે નવ લાખ નોકરીઓનું નિર્માણ કર્યું છે. અને 2012 થી 2016 સુધી અડસઠ લાખ નોકરીઓ આપી છે. કર્ણાટક સરકાર કહે છે કે છેલ્લા પાંચ વર્ષોમાં 53 લાખ નોકરીઓ આપી છે.
શું તે શક્ય છે કે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં નોકરીઓના અવસર ઉભા થઇ રહ્યા છે પરંતુ ભારતમાં નથી થઇ રહ્યા?
સાથીઓ, રોજગારને લઈને હું માનું છું કે હજુ પણ દેશમાં ઘણું બધું કરવાનું બાકી છે, પરંતુ જે દિશામાં વધારે ઝડપથી અમે આગળ વધી રહ્યા છીએ, મને પૂરો વિશ્વાસ છે કે નોકરીઓને લઈને પણ ભારત સમગ્ર દુનિયાની સામે એક મિસાલ બનીને બહાર આવશે.
સાથીઓ, આ ન્યુ ઇન્ડિયાને બનાવવામાં, સશક્ત કરવામાં મીડિયાની, આપ સૌની ભૂમિકા પણ ઘણી મહત્વની છે. સરકારની, વ્યવસ્થાતંત્રની ખામીઓ ઉજાગર કરવાનો તમારો સ્વાભાવિક અધિકાર છે પરંતુ દેશમાં હકારાત્મકતાના વાતાવરણને વધુ સશક્ત કરવું એ પણ તમારા બધાની જ જવાબદારી છે.
હું તમને સાધુવાદ આપું છું કે તમે તમારી હકારાત્મક ભૂમિકાને જવાબદારી સાથે નિભાવી પણ છે. સમાજ અને વ્યવસ્થા સાથે જોડાયેલ સુધારાઓના વિષયમાં તમે સંપૂર્ણ ઈમાનદારી સાથે જન જાગૃતિનું કામ કર્યું છે.
મને વિશ્વાસ છે કે ન્યુઇન્ડિયાના ઉત્થાનમાં તમારી આ ભૂમિકા વધુ સશક્ત રહેવાની છે અને મજબુત થવાની છે.
અંતમાં, આપ સૌને આ સમિટના આયોજન બદલ અને અહિયાં આગળ મને ફરી આમંત્રિત કરવા બદલ ખુબ ખુબ આભાર
આભાર!!