મારી સાથે બંને હાથ ઉપર કરીને બોલો… નર્મદે… નર્મદે… નર્મદે…. સર્વદે…. નર્મદે… નર્મદે… નર્મદે…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહિયાંના મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ… મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
કોઈ સમયે મને ફોટોગ્રાફીની જરા આદત રહેતી હતી. મન કરતું હતું કે ફોટા પાડું… પછીથી તો એ બધું જ છૂટી ગયું પરંતુ આજે જ્યારે હું અહિયાં બેઠેલો હતો, તો મને મન થઇ રહ્યું હતું કે સારું થાત આજે મારા હાથમાં પણ જો કેમેરો હોત. ઉપરથી હું જે દ્રશ્ય જોઈ રહ્યો છું. નીચે જનસાગર છે, પાછળ જળસાગર છે અને હું આ બધા કેમેરાવાળાઓને પણ પ્રાર્થના કરીશ કે અમારા બહુ ફોટા પાડી લીધા હવે જરા કેમેરા તે બાજુ પણ ફેરવો… કેવી રીતે જનસાગર અને જળસાગરનું મિલન થઇ રહ્યું છે. કદાચ ફોટોગ્રાફીની દુનિયાવાળાઓને આવું દ્રશ્ય ભાગ્યે જ મળી શકે તેવું છે. અને હું અહિયાંના વ્યવસ્થાપકોને પણ આ સ્થળ માટે તેમની સૌંદર્યલક્ષી સૂઝબૂઝ માટે વિશેષ અભિનંદન આપું છું.
આજના દિવસે માઁ નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા-અર્ચનાનો અવસર મળવો તેનાથી મોટુ સૌભાગ્ય બીજું શું હોઈ શકે છે, હું ગુજરાત સરકારનો, આપ સૌનો આભારી છું કે તમે મને નમામી દેવી નર્મદા સમારોહમાં આવવાનું નિમંત્રણ આપ્યું અને તેનો ભાગ બનાવ્યો. હું તમામ ગુજરાતવાસીઓને પણ આ ઉત્સવ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આજે આ એવો અવસર છે જેનો લાભ મધ્યપ્રદેશને, મહારાષ્ટ્રને, રાજસ્થાનને અને ગુજરાતને.. આ ચારેય રાજ્યોના લોકોને, ખેડૂતોને, તે રાજ્યની જનતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
સાથીઓ, આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે, આપણું ઘરેણું છે. પર્યાવરણને સંરક્ષિત રાખીને કેવી રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડિયામાં જોવા મળી રહ્યું છે.
આજે સવારથી મને અનેક જગ્યાઓ ઉપર જવાનો અવસર મળ્યો. અને દરેક સ્થાન પર મેં પ્રકૃતિ અને વિકાસનો અદભૂત તાલમેળ પણ અનુભવ કર્યો છે. એક બાજુ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન, કૈક્ટસ ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડિયામાં પ્રગતિ, પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનનો અદભૂત સંગમ થઇ રહ્યો છે અને તે સૌની માટે બહુ મોટી પ્રેરણા છે.
સાથીઓ, આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છાશક્તિ ખૂબ જરૂરી છે. ભગવાન વિશ્વકર્માના ભારત પર આશીર્વાદ બનેલા રહે આપણા સૌની એ જ પ્રાર્થના છે.
આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, બંને તે જ ઈચ્છા શક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે.
મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ પ્રત્યેક સંકલ્પને સિદ્ધ કરીશું, પ્રત્યેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું.
સાથીઓ, આજનો આ અવસર ખૂબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ પછી પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની તે આંખોની નજર સામે થઇ રહ્યું છે.
આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને સંપૂર્ણ ભરેલો જોયો છે. એક સમય હતો જ્યારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે.
સાથીઓ, આજની સ્થતિ સુધી આપણને પહોંચાડવા માટે લાખો લોકોનું યોગદાન રહ્યું છે. સામાન્યમાં સામાન્ય નાગરિકનું યોગદાન રહ્યું છે. સાધુ-સંતોની ભૂમિકા રહી છે. અનેક સામાજિક સંગઠનોનું યોગદાન રહ્યું છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે. જેમણે આ સરદાર સરોવર પરિયોજના માટે પોતાનું યોગદાન આપ્યું છે. આવા દરેક સાથીને હું નમન કરું છું.
સાથીઓ, કેવડિયામાં આજે જેટલો ઉત્સાહ છે તેટલો જ જોશ આખા ગુજરાતમાં છે. આજે કેનાલો, તળાવો, સરોવરો, નદીઓની સાફ-સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા સ્તર પર, મોટા પાયા પર વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ થવાનો છે. તે નિશ્ચિતપણે અભિનંદનિય છે, સરાહનિય કાર્ય છે. આ જ તે પ્રેરણા છે જેના જોર પર જળ જીવન મિશન આગળ વધવાનું છે. અને દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થવાનું છે. ગુજરાતમાં થઇ રહેલા સફળ પ્રયોગોને, જનભાગીદારીના પ્રયોગોને, જનભાગીદારી સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ કામોને આપણે વધારે આગળ વધારવાના છે. ગુજરાતના ગામડે ગામડામાં જેઓ આ પ્રકારની જનભાગીદારી સાથે, જનસમર્થન સાથે તેના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે. તેવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ આખા દેશમાં પોતાના અનુભવોને વહેંચે.
સાથીઓ, આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માઁ નર્મદાની કૃપા થઈ રહી છે. જ્યાં ક્યારેક કેટલાય અઠવાડિયાઓ સુધી પાણી નહોતું પહોંચી શકતું હતું. ગુજરાતમાં દાયકાઓ પહેલાના તે દિવસો પણ જ્યારે પાણીની લડાઈમાં ગોળીઓ પણ ચલાવાઈ છે. બહેનો-દીકરીઓને પીવાના પાણીની વ્યવસ્થા માટે 5-5, 10-10 કિલોમીટર પગે ચાલીને જવું પડતું હતું. ગરમી ચાલુ થતા જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પોતપોતાના પશુધનને લઈને સેંકડો કિલોમીટર જ્યાં પાણીની સંભાવના રહેતી હોય ત્યાં આગળ તેઓ ઘર, ગામ, ખેતર, વાડીઓ છોડીને જતા રહેવા માટે મજબૂર થઇ જતા હતા. મને યાદ છે વર્ષ 2000 એટલી ભયંકર ગરમીમાં એવી હાલત થઇ ગઈ હતી કે રાજકોટને સૂર્યનગર, જામનગર પાણી પહોંચાડવા માટે હિન્દુસ્તાનમાં સૌપ્રથમ વાર પાણી માટે વિશેષ પાણીની ટ્રેન ચલાવવાની નોબત આવી હતી.
સાથીઓ, આજે જ્યારે તે જૂના દિવસોને યાદ કરીએ છીએ તો લાગે છે કે ગુજરાત આજે આટલું આગળ નીકળી આવ્યું છે. તમને ગર્વ થાય છે કે નથી થતું, તમને ખુશી થાય છે. તમે મને જ્યારે અહિંની જવાબદારી સોંપી ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો સિંચાઈ માટે, પીવા માટે, વીજળી માટે ડેમનું કામ ઝડપી બનાવવાનું હતું. બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. તમે વિચારો વર્ષ 2001 સુધી મુખ્ય નહેરનું કામ માત્ર 150 કિલોમીટર સુધી જ થઇ શક્યું હતું. સિંચાઈ વ્યવસ્થા અને નહેરોની જાળ અડધી-પડધી વિખેરાયેલી, લટકેલી પડી હતી. પરંતુ આપ સૌએ, ગુજરાતના લોકોએ ક્યારેય પણ હિંમત નથી હારી.
આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઇ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈના વ્યાપમાં લાવવામાં આવી છે.
ભાઈઓ-બહેનો, તમે કલ્પના કરી શકો છો ટપક સિંચાઈ, સુક્ષ્મ સિંચાઈની મર્યાદા વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતી અને લગભગ 8 હજાર ખેડૂત પરિવારો જ તેનો લાભ લઇ શકતા હતા. ટીપા દીઠ વધુ પાક (More Crop Per Drop)નું અભિયાન ચલાવવામાં આવ્યું, પાણી બચાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું, સુક્ષ્મ સિંચાઈ પર ભાર મૂકવામાં આવ્યો, ટપક સિંચાઈ પર ભાર મુકવામાં આવ્યો. અને એક જમાનામાં માત્ર 12-14 હજાર હેક્ટર હતું આજે 19 લાખ હેક્ટર જમીન, હું ગુજરાતની વાત કરી રહ્યો છું. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. તે તમારા સૌના સહયોગ વિના શક્ય બની શકે તેમ નહોતું. ગુજરાતના ગામડાઓમાં બેઠેલા ખેડૂતોની સંવેદનશીલતા વિના આ શક્ય નહોતું. નવા વિજ્ઞાન, ટેકનોલોજીને સ્વીકાર કરવાના ગુજરાતના ખેડૂતોના સ્વભાવનું પરિણામ હતું કે આપણે આટલું મોટું સપનું સિદ્ધ કરી શક્યા. ટીંપા દીઠ વધુ પાક, એ ગુજરાતના દરેક ખેતરમાં વાત પહોંચી ગઈ. હમણાં થોડા સમય પહેલા આઈઆઈએમ અમદાવાદે આ વિષયમાં એક અભ્યાસ કર્યો હતો. હું તમને અને દેશને તે અંગે પણ જણાવવા માગું છું.
સાથીઓ, આ અભ્યાસમાં બહાર આવ્યું કે સુક્ષ્મ સિંચાઈના કારણે ટપક સિંચાઈ અને સ્પ્રીંકલરના કારણે જ ગુજરાતમાં 50 ટકા પાણીની બચત થઇ છે. 25 ટકા સુધી ખાતરનો ઉપયોગ ઓછો થયો છે. 40 ટકા સુધી મજૂરીનો ખર્ચ ઘટ્યો છે અને વીજળીની બચત થઇ તે તો જુદું. એટલું જ નહિં એક બાજુ બચત થઇ તો બીજી બાજુ પાકના ઉત્પાદનમાં પણ ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ હેક્ટરદીઠ દરેક ખેડૂત પરિવારની આવકમાં લગભગ સાડા પંદર હજાર રૂપિયાની વૃદ્ધિ પણ થઇ છે.
સાથીઓ, મને યાદ છે કે જ્યારે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે પાણી કચ્છ માટે પારસ સાબિત થશે આજે મને ખુશી છે કે માઁ નર્મદાનું જળ માત્ર કચ્છ જ નહિં સૌરાષ્ટ્ર જ નહિં ગુજરાતના એક મોટા ભાગ માટે પારસ સિદ્ધ થઇ રહ્યું છે, નર્મદાનું પાણી માત્ર પાણી નથી તે તો પારસ છે. જે માટીને સ્પર્શ કરતા જ માટીને સોનું બનાવી દે છે. નર્મદા જળના કારણે જ સિંચાઈની સુવિધા તો વધી જ છે, નળથી જળનો વિસ્તાર પણ વીતેલા બે દાયકાઓમાં આશરે ત્રણ ગણો વધ્યો છે. વર્ષ 2001માં ગુજરાતના માત્ર 26 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવતું હતું. એટલે કે જ્યારથી દેશમાં ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ શરુ થયું છે ત્યારથી 2001 સુધી એટલે કે લગભગ 5 દાયકા સુધી માત્ર 26 ટકા ઘર આવરી લેવામાં આવ્યા હતા. આજે આપ સૌના પ્રયાસોની અસર છે, ગુજરાતની યોજનાઓનો પ્રભાવ છે કે રાજ્યના 78 ટકા ઘરોમાં નળમાંથી પાણી આવે છે. હવે આ જ પ્રેરણા દ્વારા આપણે દેશભરમાં હર ઘર જળના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે.
ભાઈઓ-બહેનો, આજે સૌની યોજના હોય, સુજલામ સુફલામ યોજના હોય, આજે ગુજરાતના ગામડા અને શહેરો તીવ્ર ગતિએ પાણીના નેટવર્ક સાથે જોડાઈ રહ્યા છે. હું ગુજરાત સરકારના પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની આગેવાનીમાં અને હવે રૂપાણીજીના નેતૃત્વમાં દરેક ઘરને, દરેક ખેતરને, પાણી સાથે જોડવાના મિશનને આગળ વધારવા માટે હું તે તમામ સરકારોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, સિંચાઈની સુવિધા મળવાથી એક બાજુ લાભ ગુજરાતના ખેડૂતોને થયો છે. પહેલા ખેડૂત પરંપરાગત પાક જ ઉગાડતો હતો. પરંતુ સિંચાઈની સુવિધા મળ્યા પછી રોકડિયા પાકોનું ઉત્પાદન શરુ થયું, બાગાયતી તરફનું વલણ વધ્યું. રોકડું કામ થવા લાગ્યું. તાજેતરમાં એક અન્ય અભ્યાસ પણ સામે આવ્યો છે જેનાથી જાણવા મળે છે કે આ પરિવર્તન વડે અનેક ખેડૂત પરિવારોની આવક વધી છે.
ભાઈઓ અને બહેનો, ગુજરાત સહિત દેશના દરેક ખેડૂત પરિવારની આવકને 2022 સુધીમાં બમણી કરવા માટે અનેક દિશાઓમાંથી અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. નવી સરકાર બન્યા પછી વીતેલા 100 દિવસોમાં આ દિશામાં અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ હવે ગુજરાતના દરેક ખેડૂત પરિવારને મળી રહ્યો છે.
થોડા દિવસો પહેલા નાના ખેડૂતો અને નાના દુકાનદારો, નાના વેપારીઓ માટે પેન્શન યોજનાની પણ શરૂઆત થઇ ચૂકી છે. તેનો લાભ પણ ગુજરાતના અને દેશના ખેડૂત પરિવારોને મળવાનો છે.
સાથીઓ, ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને બીજા નાગરિકો માટે પાણીના માધ્યમથી પરિવહનની પણ એક વ્યાપક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા, તેની શરૂઆત કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ ફેરી સુવિધાનો સવા ત્રણ લાખથી વધુ યાત્રિકો ઉપયોગ કરી ચૂક્યા છે. એટલું જ નહિં લગભગ લગભગ 70 હજાર ગાડીઓ પણ તેની મદદથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે. વિચાર કરો પહેલા ક્યાં રસ્તાથી સાડા ત્રણ સો કિલોમીટરનું ચક્કર કાપવું પડતું હતું. હવે સમુદ્રથી માત્ર 31 કિલોમીટરનું અંતર પૂરું કરવું પડે છે. ક્યાં સાડા ત્રણસો કિલોમીટર અને ક્યાં 31 કિલોમીટરની યાત્રા. આ સુવિધાએ લોકોની સુવિધા તો વધારી જ છે, તેમનો સમય પણ બચાવ્યો છે. પર્યાવરણની પણ રક્ષા કરી છે. આર્થિક રૂપે પણ મદદ થઇ છે.
સાથીઓ, આ જ પ્રકારની સેવા મુંબઈથી હજીરાની વચ્ચે તે અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે તેની બંધારણીય મંજૂરી આપી દીધી છે. ખૂબ જ ટૂંક સમયમાં તેના પર કામ શરુ થઇ જશે. રો-રો ફેરી જેવા પ્રોજેક્ટ વડે ગુજરાતના જળ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
સાથીઓ, પ્રવાસનની વાત જ્યારે આવે છે તો સ્ટેચ્યુ ઑફ યુનિટીની ચર્ચા સ્વાભાવિક છે. તેના કારણે કેવડિયા અને ગુજરાત સમગ્ર વિશ્વના નકશા પર છવાઈ ગયા છે. હજુ તેનું લોકાર્પણ થયું તેને માત્ર 11 મહિના જ થયા છે એક વર્ષ પણ નથી થયું પરંતુ 11 મહિનાઓમાં અત્યાર સુધી 23 લાખથી વધુ પ્રવાસીઓ, દેશ અને દુનિયાના પર્યટકો આપણા સરદાર પટેલના સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા આવી ચૂક્યા છે.
પ્રતિદિન સરેરાશ સાડા 8 હજાર પ્રવાસીઓ અહિં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે ગયા મહીને જન્માષ્ટમીના દિવસે તો રેકોર્ડ 34 હજારથી વધુ પર્યટકો અહિયાં આ ધરતી પર પહોંચ્યા હતા. જ્યારે આટલી મોટી ઉપલબ્ધિ છે તો તેનું અનુમાન તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે અમેરિકાના સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને જોવા માટે સરેરાશ 10 હજાર લોકો પ્રતિદિન પહોંચે છે જ્યારે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને 133 વર્ષ થઇ ચૂક્યા છે અને સ્ટેચ્યુ ઑફ યુનિટીને માત્ર 11 મહિના અને દરરોજ સાડા 8 હજાર લોકોનું આવવું 11 મહિનામાં 23 લાખ લોકોનું આવવું તે પોતાનામાં જ એક મોટી અજાયબી છે.
ભાઈઓ અને બહેનો, સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે અહિંના આદિવાસી ભાઈઓ અને બહેનો અને યુવાન સાથીઓના રોજગારનું માધ્યમ પણ બનતું જઈ રહ્યું છે. આવનારા સમયમાં જ્યારે અહિંના રસ્તાઓ, અહિંના પ્રવાસન સાથે જોડાયેલ અન્ય પ્રોજેક્ટ્સ પુરા થઇ જશે તો રોજગારના અવસર હજુ વધારે વધી જશે. આજે અહિં હું જે-જે પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યું છે તેને જોવા માટે ગયો હતો. અહિંયા આવવામાં મને વાર એટલા માટે લાગી કે મને જોતા જોતા અને મારા માટે તો જરાય ટ્રાફિક પણ નહોતો, ઝડપથી જઈ રહ્યો હતો, તો પણ ચાર કલાક લાગી ગયા અને હજુ પણ હું સંપૂર્ણ નથી જોઈ શક્યો. અહિયાં એટલું મોટું વ્યાપક કામ… જ્યારે ભવિષ્યમાં પ્રવાસીઓ અહિયાં આવશે, બે-બે, ચાર ચાર દિવસ રહેવા માટે તેમને મન થઇ જશે. અહિયાં શાકભાજી, ફળ, ફૂલ, દૂધ ઉત્પાદન કરનારા આદિવાસી સાથીઓને ઘણું મોટું બજાર અહિયાં ઉપલબ્ધ થવાનું છે.
આપણે બસ એક ધ્યાન રાખવાનું છે આ ક્ષેત્રને પ્લાસ્ટિકથી બચાવવાનું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ માટે સમગ્ર દેશ પ્રયાસ કરી રહ્યો છે. મને જાણકારી છે કે આપ સૌ સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત આ કામમાં લાગેલા છો. પરંતુ અને આપણે એ વાત ના ભૂલીએ કે આપણું જળ, આપણા જંગલો અને આપણી જમીન પ્લાસ્ટિકથી મુક્ત રહે, તેની માટે આપણા પ્રયાસોને વધુ ઝડપી કરવા જોઈએ, દરેક નાગરિકની એ શપથ હોવી જોઈએ, પ્રતિબદ્ધતા હોવી જોઈએ.
સાથીઓ, વિશ્વકર્મા દિવસ કે જે મેં શરૂઆતમાં જ કહ્યું 17 સપ્ટેમ્બર આ વિશ્વકર્મા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. પરંતુ 17 સપ્ટેમ્બરની સાથે જ આજના દિવસનું એક બીજું મહત્વ પણ છે, આજે 17 સપ્ટેમ્બર, આજના દિવસનું એક બીજું મહત્વ પણ છે, 17 સપ્ટેમ્બરના રોજ… આ દિવસ સરદાર સાહેબ અને ભારતની એકતાની માટે જે પ્રયાસો કરવામાં આવ્યા તેમના પ્રયાસોનું 17 સપ્ટેમ્બર એક સ્વર્ણિમ પૃષ્ઠ લખવામાં આવ્યું છે. આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. આજના જ દિવસે 1948માં હૈદરાબાદનું વિલય ભારતમાં થયું હતું અને આજે હૈદરાબાદ દેશની ઉન્નતિ અને પ્રગતિમાં સંપૂર્ણ મજબૂતી સાથે યોગદાન આપી રહ્યું છે.
કલ્પના કરો કે જો સરદાર વલ્લભભાઇ, તેમની જે દૂરદર્શિતા, જો તેઓ ત્યારે ન હોત તો આજે ભારતનો નકશો કેવો હોત અને ભારતની સમસ્યાઓ કેટલી વધારે હોત.
ભાઈઓ અને બહેનો, એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદારના સપનાને આજે દેશ સાકાર થતા જોઈ રહ્યો છે. આઝાદી દરમિયાન, આઝાદી પછીના વર્ષોમાં જે કામ અધૂરા રહી ગયા હતા, તેમને પુરા કરવાનો પ્રયાસ આજે હિન્દુસ્તાન કરી રહ્યું છે.
જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને 70 વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેનું દુષ્પરિણામ, હિંસા અને અલગાવના રૂપમાં, અધુરી આશાઓ અને આકાંક્ષાઓના રૂપમાં સમગ્ર હિન્દુસ્તાને ભોગવ્યું છે.
સરદાર સાહેબની પ્રેરણાથી એક મહત્વપૂર્ણ નિર્ણય દેશે લીધો છે. દાયકાઓ જૂની સમસ્યાના સમાધાન માટે નવા રસ્તા પર ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મને પૂરો વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરના લદ્દાખ અને કારગીલના લાખો સાથીઓના સક્રિય સહયોગથી આપણે વિકાસ અને વિશ્વાસની નવી ધારા વહેવડાવવામાં સફળ થવાના છીએ.
સાથીઓ, ભારતની એકતા અને ભારતની શ્રેષ્ઠતા માટે તમારો આ સેવક સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. વીતેલા સો દિવસમાં અમારી આ પ્રતિબદ્ધતાને અમે વધારે મજબૂત કરી છે. વીતેલા સો દિવસોમાં એક પછી એક અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં ખેડૂતોના કલ્યાણથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થવ્યવસ્થાને સશક્ત કરવાના સમાધાનોનો પણ સમાવેશ થાય છે.
મેં ચૂંટણી દરમિયાન પણ તમને કહ્યું હતું, આજે ફરી કહી રહ્યો છું. અમારી નવી સરકાર, પહેલા કરતા પણ વધુ ઝડપી ગતિએ કામ કરશે, પહેલા કરતા પણ વધુ મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરશે.
એક વાર ફરી હું સમગ્ર ગુજરાતને સરદાર સાહેબની ભાવના સાકાર થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તમે મને આ અવસરનો હિસ્સો બનાવ્યો તેની માટે ખૂબ-ખૂબ આભાર. તમે સૌએ આજે મારા પર જે આશીર્વાદ વરસાવ્યા છે. ગુજરાતના લોકોએ, દેશના લોકોએ, દુનિયામાં વસેલા સૌએ, હું આજે અહિયાં માતા નર્મદાની સાક્ષીએ ઉભા રહીને માથું નમાવીને તેમને પણ નમન કરું છું, તેમનો પણ આભાર પ્રગટ કરું છું. ફરી એકવાર બંને હાથ ઉપર કરીને મારી સાથે બોલો… નર્મદે… અવાજ કચ્છ સુધી પહોંચવો જોઈએ, નર્મદે… નર્મદે… નર્મદે…
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ખૂબ ખૂબ આભાર સૌનો