મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી મનોજ સિંહાજી, એનએચઆરસીના અધ્યક્ષ જસ્ટીસ એસ. એલ. દત્તુજી, આયોગના સભ્યો, અહિં ઉપસ્થિત તમામ નવા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આજે 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ મહત્વના પડાવ પર પહોંચવા માટે આપ સૌને, દેશના જન-જનને ખૂબ-ખૂબ અભિનંદન. આ મહત્વપૂર્ણ અવસર પર આપ સૌની વચ્ચે આવીને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે.
સાથીઓ, વિતેલા અઢી દાયકામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સામાન્ય માનવીના, ગરીબ, પીડિત, વંચિત, શોષિતનો અવાજ બનીને રાષ્ટ્ર નિર્માણને દિશા દેખાડી છે. ન્યાય અને નીતિના પથ પર ચાલીને તમે જે ભૂમિકા નિભાવી છે, તેના માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાએ સતત તમારી સંસ્થાને ‘એ’ સ્ટેટ્સ આપ્યું છે. તે ભારત માટે ગર્વની વાત છે.
સાથીઓ, માનવ અધિકારની રક્ષા આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. આપણી પરંપરાઓમાં હંમેશા વ્યક્તિના જીવન નિમિત્ત સમતા, સમાનતા તેની ગરિમા પ્રત્યે સન્માન, તેને સ્વીકૃતિ મળેલી છે. અહિં શરૂઆતમાં જે શ્લોકનું પઠન થયું, તે પછીથી રાજનાથજીએ પણ વિસ્તારથી કહ્યું – ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના આપણા સંસ્કારોમાં રહેલી છે.
ગુલામીના લાંબા કાળખંડમાં જે આંદોલન થયા તેનો પણ આ મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સાથીઓ, આઝાદી પછી આ આદર્શોના સંરક્ષણની માટે જ એક મજબુત તંત્ર વિકસિત કરવામાં આવ્યું હતું. આપણે ત્યાં ત્રીસ્તરીય શાસન વ્યવસ્થા છે – એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય વ્યવસ્થા છે, સતર્ક મીડિયા છે અને સક્રિય નાગરિક સમાજ છે. અધિકારોને સુનિશ્ચિત કરવાવાળા એનએચઆરસી જેવા અનેક સંસ્થાન, કમિશન અને ટ્રીબ્યુનલો પણ છે. આપણી વ્યવસ્થા તે સંસ્થાઓને આભારી છે જે ગરીબો, મહિલાઓ, બાળકો, પીડિતો, વંચિતો, આદિવાસીઓ સહિત દરેક દેશવાસીના અધિકારને સંરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણી પંચાયતીરાજ પ્રણાલી કે પછી સ્થાનીય એકમો સાથે જોડાયેલ વ્યવસ્થા માનવ અધિકારોના સુરક્ષા તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સંસ્થાઓ વિકાસના લાભને, જન કલ્યાણકારી યોજનાઓને જમીન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ સંસ્થાઓ મહિલાઓ, વંચિત વર્ગોના સશક્તિકરણ અને ભાગીદારીમાં પણ ઘણું મોટું યોગદાન આપી રહી છે.
સાથીઓ, માનવ અધિકારો પ્રત્યે આ જ સમર્પણે દેશને 70ના દશકમાં ઘણા મોટા સંકટમાંથી ઉગાર્યું છે.
ઈમરજન્સી, કટોકરીના તે કાળખંડમાં જીવનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો, બાકી અધિકારોની તો વાત શું જ કરવામાં આવે. તે દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાવાળા હજારો-લાખો લોકોને જેલમાં ભરી દેવામાં આવ્યા હતા, પરંતુ ભારતીયોએ પોતાની પરિપાટીના આ મહત્વપૂર્ણ પાસાને, માનવ અધિકારોને પોતાના પ્રયત્નો વડે ફરીથી પ્રાપ્ત કર્યો. માનવ અધિકારો, મૂળ અધિકારોની શ્રેષ્ઠતાને ફરીથી સ્થાપિત કરનારી તે તમામ સંસ્થાઓને, સૌ લોકોને હું આજના આ પવિત્ર અવસર પર આદરપૂર્વક નમન કરું છું.
સાથીઓ, માનવ અધિકાર માત્ર એક નારો જ ન હોવો જોઈએ, તે સંસ્કાર હોવા જોઈએ, લોકનીતિનો આધાર હોવો જોઈએ. હું માનું છું કે પાછલા સાડા ચાર વર્ષોની આ ઘણી મોટી ઉપલબ્ધી રહી છે કે આ દરમિયાન ગરીબ, વંચિત, શોષિત સમાજના દબાયેલા કચડાયેલા વ્યક્તિની ગરિમાને, તેના જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે ગંભીર પ્રયાસો થયા છે. વીતેલા ચાર વર્ષોમાં જે પણ પગલાઓ ભરવામાં આવ્યા છે, જે પણ અભિયાન ચલાવવામાં આવ્યા છે, જે યોજનાઓ બનાવવામાં આવી છે, તેમનું લક્ષ્ય એ જ છે અને તે તેમણે પ્રાપ્ત પણ કર્યું છે.
સરકારનું ધ્યાન એ વાત પર રહ્યું છે કે સામાન્ય માનવીની મૂળ જરૂરિયાતોની પૂર્તિ તેના ખિસ્સાની શક્તિ વડે નહી પરંતુ માત્ર ભારતીય હોવા માત્રથી જ સ્વાભાવિક રૂપથી થઇ જાય. અમારી સરકાર ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ આ મંત્રને સેવાનું માધ્યમ માને છે. તે પોતાનામાં જ માનવ અધિકારોની સુરક્ષાની બાહેંધરીની જેમ જ કામ કરી રહી છે.
સાથીઓ, આપ સૌ એ વાતથી ખૂબ સારી રીતે પરિચિત છો કે દીકરીઓના જીવનના અધિકારને લઈને કેટલા સવાલ હતા. દીકરીને અવાંછિત માનીને ગર્ભમાં જ હત્યા કરવાની વિકૃત માનસિકતા સમાજના કેટલાક સંકુચિત સીમિત લોકોમાં રહેલી હતી.
આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ‘બેટી બચાઓ-બેટી પઢાવો’ અભિયાનના કારણે હરિયાણા-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં દીકરીઓની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઇ છે. અનેક માસુમોના જીવનને અધિકાર મળ્યો છે. જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવાથી જ નહી, સન્માન પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.
મને એ વાતની પ્રસન્નતા છે કે દિવ્યાંગ, આ ‘દિવ્યાંગ’ શબ્દ આજે કેટલાક ભારતીયો માટે સન્માનનો સૂચક બની ગયો છે. એટલું જ નહી, તેમના જીવનને સુગમ બનાવવા માટે ‘સુગમ્ય ભારત’ અભિયાન અંતર્ગત, સરકારી ઈમારતો હોય, એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, ત્યાં આગળ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગરીબને ખુલ્લા આકાશની નીચે ઝુંપડપટ્ટીમાં જીવન વિતાવવું પડે, ઋતુઓની થપાટ તેને સહન કરવા પડે, તે પણ તો તેના અધિકારનું હનન છે. આ સ્થિતિમાંથી તેને બહાર કાઢવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત દરેક બેઘર ગરીબને આવાસ આપવાનું અભિયાન ચાલી રહ્યું છે અને સપનું છે કે 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે, હિન્દુસ્તાનમાં તે પ્રત્યેક વ્યક્તિને મકાન મળવું જોઈએ, જેના માથા પર છત નથી. અત્યાર સુધી સવા સો કરોડથી વધુ ભાઈ બહેનોને ઘરની ચાવી મળી ચુકી છે.
સાથીઓ, ઘર સિવાય ગરીબને ‘ઉજ્જવલા યોજના’ અંતર્ગત મફત ગેસના જોડાણો પણ આપવામાં આવી રહ્યા છે. આ યોજના માત્ર એક કલ્યાણકારી યોજના માત્ર જ નથી. તેનો સંબંધ સમાનતા સાથે છે, ગરિમા સાથે જીવન વ્યતીત કરવા સાથે છે. તેનાથી દેશની સાડા પાંચ કરોડથી વધુ ગરીબ માતાઓ બહેનોને આજે સાફ સફાઈ વાળા ધુમાડામુક્ત રસોડાનો અધિકાર મળ્યો છે. આ પરિવાર આ અધિકારથી માત્ર એટલા માટે વંચિત હતો કારણ કે તેમનું સામર્થ્ય નહોતું, તેમના ખિસ્સા ખાલી હતા.
એટલું જ નહી, જ્યારે દેશમાં વીજળીની વ્યવસ્થા છે, વીજળી ઉત્પન્ન થઇ રહી છે, ત્યારે પણ હજારો ગામડા, કરોડો પરિવાર અંધારામાં હતા. માત્ર એટલા માટે કારણ કે તેઓ ગરીબ હતા, દૂરસુદૂરના વિસ્તારોમાં વસેલા હતા. મને ખુશી છે કે ઘણા ઓછા સમયમાં તે 18 હજાર ગામડાઓ સુધી વીજળી પહોંચી છે, જે આઝાદીના આટલા વર્ષો પછી પણ 18મી સદીમાં જીવવા માટે મજબુર હતા.
એટલું જ નહી, ‘સૌભાગ્ય યોજના’ અંતર્ગત 10-11 મહિનાઓની અંદર જ દોઢ કરોડથી વધુ પરિવારોને પ્રકાશની સમાનતા મળી છે, તેમના ઘરમાં વીજળીનો બલ્બ પ્રકાશમાન છે.
સાથીઓ, અંધકારની સાથે-સાથે ખુલ્લામાં શૌચની સમસ્યા પણ ગરિમાપૂર્ણ જીવનના રસ્તામાં એક ઘણો મોટો અવરોધ હતી. શૌચાલય ન હોવાની મજબુરીમાં જે અપમાન તે ગરીબ અંદર-અંદર જ અનુભવ કરી રહ્યો હતો, તે કોઈને કહેતો નહોતો. ખાસ કરીને મારી કરોડો બહેન-દીકરીઓ, તેમના માટે સન્માન સાથે જીવવાના અધિકારનું તો હનન થતું જ હતું, પરંતુ જીવવાના અધિકારને લઈને પણ ગંભીર સવાલ હતો. વીતેલા ચાર વર્ષોમાં દેશભરના ગામ શહેરોમાં જે સવા નવ કરોડથી વધુ શૌચાલય બન્યા છે, તેનાથી ગરીબ બહેનો ભાઈઓની માટે સ્વચ્છતા સિવાય સન્માનની સાથે જીવન જીવવાનો અધિકાર પણ સુનિશ્ચિત થયો છે. અને ઉત્તર પ્રદેશની સરકારે તો, ઉત્તર પ્રદેશ સરકારે તો શૌચાલયને ‘ઈજ્જતઘર’ નામ આપ્યું છે. દરેક શૌચાલયની ઉપર લખવામાં આવે છે ‘ઈજ્જત ઘર’.
ગરીબના જીવન, તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ એક વધુ અધિકાર, જે હમણાંમાં જ મળ્યો છે અને જેનો ઉલ્લેખ શ્રીમાન રાજનાથજીએ કર્યો તે છે પીએમજેવાય એટલે કે આયુષ્માન ભારત યોજના. તે કેટલો મોટો અધિકાર છે તેનું પ્રમાણ તો તમને દરરોજ મળી જ રહ્યું છે. મીડિયામાં દેશના ખૂણે-ખૂણેથી આવી રહેલ ખબરો ખૂબ જ સંતોષ આપનારી છે. શ્રેષ્ઠતમ દવાખાનાઓની સુવિધા હોવા છતાં પણ જે વ્યક્તિ સંસાધનના અભાવમાં સારા ઈલાજથી વંચિત હતો તેને આજે ઈલાજનો એક હક મળ્યો છે. શુભારંભ થયાના માત્ર બે અઢી અઠવાડિયાની અંદર અંદર જ 50 હજારથી વધુ ભાઈ બહેનોનો ઈલાજ થઈ ગયો છે અથવા તો ચાલી રહ્યો છે.
સાથીઓ, સ્વાસ્થ્યની સાથે સાથે આઝાદીના અનેક દાયકાઓ સુધી કરોડો દેશવાસીઓની આર્થિક આઝાદી એક નાનકડી હદમાં સીમિત હતી. માત્ર કેટલાક લોકો જ બેંકનો ઉપયોગ કરી શકતા હતા, ધિરાણ લઇ શકતા હતા. પરંતુ ઘણી મોટી જનસંખ્યા પોતાની નાની-નાની બચત પણ રસોડાના ડબ્બામાં છુપાવવા માટે મજબુર હતી. અમે સ્થિતિની ગંભીરતાને સમજી. ‘જનધન અભિયાન’ ચલાવ્યું. અને આજે જોત જોતામાં જ આશરે 35 કરોડ લોકોને બેંક સાથે જોડવામાં આવ્યા, આર્થિક આઝાદીના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવ્યો.
એટલું જ નહી, ‘મુદ્રા યોજના’ના માધ્યમથી તે લોકોને સ્વરોજગારની માટે બેંકો પાસેથી બાહેંધરી મુક્ત ધિરાણ આપવામાં આવી રહ્યું છે જે ક્યારેક માત્ર શાહુકારો પર નિર્ભર રહેતું હતું.
ભાઈઓ અને બહેનો, અમારી સરકારે કાયદાના માધ્યમથી અમારી સરકારની નીતિ અને નિર્ણયોમાં પણ સતત માનવ અધિકારોને સુનિશ્ચિત કર્યા છે. તેમને વધુ મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે. હમણાં તાજેતરમાં જ મુસ્લિમ મહિલાઓને ‘ત્રણ તલાક’થી મુક્તિ અપાવવાવાળો કાયદો આ જ શ્રેણીનો એક ભાગ છે. મને આશા છે કે મુસ્લિમ મહિલાઓના અધિકારોથી જોડાયેલા આ મહત્વના પ્રયાસને સંસદ દ્વારા પણ સ્વીકૃતિ મળી જશે.
ગર્ભવતી મહિલાઓના વેતનની સાથે મળનારી રજાને 12 અઠવાડિયાથી વધીને 26 અઠવાડિયા સુધી કરવાનો નિર્ણય પણ અમારી આ વિચારધારાનું પરિણામ છે. એક પ્રકારે તે નવજાત શિશુના અધિકારની અમે રક્ષા કરી છે. તેની પાસે તેની માતા 6 મહિના સુધી રહી શકે, તે પોતાનામાં જ ઘણો મોટો નિર્ણય છે. દુનિયાના પ્રગતિકારક દેશોમાં પણ હજુ એ થવાનું બાકી છે.
આપણી મહિલાઓને રાતની પાળીમાં કામ કરવામાં આવતી કાયદાકીય અડચણોને દૂર કરવા અને આ દરમિયાન તેમને પૂરતી સુરક્ષા મળે, એ કામ પણ આ સરકારે જ કર્યું છે.
દિવ્યાંગ લોકોના અધિકારને વધારનારા ‘રાઈટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલીટીઝ એક્ટ’ તેની માટે નોકરીઓમાં અનામત વધારવાનું હોય કે પછી ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેકશન ઑફ રાઈટ્સ બિલ, આ માનવ અધિકારો પ્રત્યે અમારી સરકારની પ્રતિબદ્ધતાના ઉદાહરણો છે.
એચઆઈવી પીડિત લોકોની સાથે કોઈ રીતનો ભેદભાવ ન હોય, તેમને સમાન સારવાર મળે, તેને પણ કાયદા દ્વારા સુનિશ્ચિત કરવાનું કામ અમે કર્યું છે.
સાથીઓ, ન્યાય મેળવવાના અધિકારને વધુ મજબુત કરવા માટે સરકાર ઈ-કોર્ટસની સંખ્યા વધારી રહી છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડને સશક્ત કરી રહી છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ સાથે અત્યાર સુધીમાં દેશની 17 હજારથી વધુ અદાલતોને જોડી દેવામાં આવી છે. કેસને લગતી જાણકારીઓ, નિર્ણયો સાથે જોડાયેલ જાણકારીઓ ઓનલાઈન થવાથી ન્યાય પ્રક્રિયામાં વધુ ગતિ આવી છે અને વિલંબિત મામલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ટેલિ-લો યોજનાના માધ્યમથી કાયદાકીય સહાયતા પણ આપવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો, નાગરિકોના અધિકારોને સુનિશ્ચિત કરવા માટે સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને વ્યવસ્થામાં પારદર્શકતા વધારવા ઉપર સતત ભાર આપી રહી છે. યુઆઈડીએઆઈ કાયદો, તેને લાવીને સરકારે માત્ર આધારને જ કાયદાકીય રૂપે મજબુત નથી કર્યો પરંતુ આધારનો ઉપયોગ વધારીને દેશના ગરીબો સુધી સરકાર યોજનાઓનો પૂરો લાભ પહોંચાડવાનો પ્રયાસ સફળતાપુર્વક કર્યો છે.
આધાર એક રીતે દેશનો સૌથી મોટો ટેકનોલોજી આધારિત સશક્તિકરણ કાર્યક્રમ બની ગયો છે. હમણાં તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે સરકારના કાર્યોની પ્રશંસા પણ કરી છે. એ જ રીતે જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી દ્વારા પારદર્શક બનાવીને સરકારે ગરીબોને સસ્તું અનાજ મેળવવું સુનિશ્ચિત કર્યું છે. નહિતર પહેલા શું થતું હતું, કેવું થતું હતું, તે પણ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.
એ જ રીતે લોકોને પોતાના અધિકાર પ્રાપ્ત કરવામાં તકલીફ ન પડે, તેના માટે અનેક પ્રક્રિયાઓને પણ સુધારવામાં આવી છે, અનેક નિયમોમાં પણ પરિવર્તન કરવામાં આવ્યા છે. સ્વ-પ્રમાણીકરણ (Self attestation) પ્રોત્સાહન આપવું કે પછી ભારતીય સશસ્ત્ર સેનાઓમાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી પસંદ કરાયેલ મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષોની જેમ સ્થાઈ કમીશનનો નિર્ણય સરકારના આ જ અભિગમનો ભાગ છે.
નિયમોમાં આવા ઘણા નાના મોટા પરિવર્તનોએ ઘણા મોટા પાયે પ્રભાવ નાખ્યો છે. જેમ કે વાંસની પરિભાષા બદલવાના કારણે દેશમાં દૂર-સુદૂરના વિસ્તારોમાં રહેનારા આદિવાસી ભાઈ બહેનોને હવે વાંસ કાપવા અને વાંસના પરિવહનનો અધિકાર મળ્યો છે. તેનાથી તેમની આવક વૃદ્ધિ પર વ્યાપક અસર પડી રહી છે.
સાથીઓ, સૌને રોજગાર, સૌને શિક્ષણ, સૌને દવા અને સૌની સાંભળ, એ લક્ષ્યની સાથે એવા અનેક કામો થયા છે જેનાથી કરોડો ભારતીય ભીષણ ગરીબીમાંથી બહાર નીકળી રહ્યા છે. દેશ ઘણી ઝડપી ગતિએ મધ્યમ વર્ગની ઘણી મોટી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. આ સફળતા જો મલી છે તો તેની પાછળ સરકારના તો પ્રયાસો છે જ, તેના કરતા પણ વધારે જન ભાગીદારી છે. દેશના કરોડો લોકોએ પોતાના કર્તવ્યોને સમજ્યું છે. પોતાના વ્યવહારમાં પરિવર્તનની માટે પોતાને પ્રેરિત કરી છે.
ભાઈઓ અને બહેનો, અમારા નિર્ણયો, અમારા કાર્યક્રમો ત્યારે જ સ્થાઈ રૂપે સફળ થઇ શકે છે જો જનતા તેની સાથે જોડાય છે. હું મારા પોતાના અનુભવના આધાર પરથી કહી શકું છું કે જન ભાગીદારીથી મોટો સફળતાનો મંત્ર બીજો કોઈ હોઈ નથી શકતો.
મને જણાવવામાં આવ્યું છે કે પોતાના રજત જયંતી સમારોહ દરમિયાન એનએચઆરસી દ્વારા દેશભરમાં જન જાગરણના અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા છે. તેમાં ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે. થોડી વાર પહેલા જ એક ટપાલ ટીકીટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એનએચઆરસીની વેબસાઈટના નવા વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનાથી તે લોકોને નિશ્ચિતપણે સુવિધા થશે જેમને મદદની જરૂર છે. મારી સલાહ છે કે સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ એનએચઆરસી વ્યાપક પ્રચાર પ્રસારનો લાભ ઉઠાવે. માનવ અધિકારો પ્રત્યે જાગૃતતા તો જરૂરી છે જ, સાથે સાથે નાગરિકોને તેમના કર્તવ્યો, તેમની ફરજોની યાદ અપાવવી એ પણ એટલી જરૂરી છે. જે વ્યક્તિ પોતાની ફરજોને સમજે છે, તે બીજાના અધિકારોનું પણ સન્માન કરવાનું જાણે છે.
મને એ પણ અહેસાસ છે કે તમારી પાસે ઘણી મોટી સંખ્યામાં ફરિયાદો આવે છે, જેમાંથી કેટલીય અતિ ગંભીર પણ હોય છે. તમે દરેક ફરીયાદની સુનાવણી કરો છો, તેનો ઉકેલ પણ લાવો છે. પરંતુ શું તે શક્ય છે કે જે વર્ગ કે જે ક્ષેત્ર સાથે જોડાયેલ ફરિયાદો આવે છે તેના વિષયમાં એક ડેટા બેઝ તૈયાર થાય, તેનો એક વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે. મને વિશ્વાસ છે કે આ પ્રક્રિયા દરમિયાન અનેક એવી સમસ્યાઓ પણ મળશે જેમનું એક વ્યાપક સમાધાન શક્ય છે.
સંતુલિત વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે આજે સરકાર જે પણ પ્રયાસો કરી રહી છે તેમાં એનએચઆરસીની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. તમારા સૂચનોનું સરકારે હંમેશા સ્વાગત કર્યું છે. દેશના લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે તેમના અધિકાર સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિક્ષણ પ્રતિબદ્ધ છે. એકવાર ફરીથી એનએચઆરસીને, આપ સૌને રજત જયંતિના આ અવસર પર ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. દેશમાં રચનાત્મક પરિવર્તનની માટે આપણે સૌ સાથે મળીને આગળ વધતા રહીશું.
એ જ કામના સાથે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!