આદરણીય સુમિત્રા તાઈજી, મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન આનંદ કુમાર, નાયબ અધ્યક્ષ શ્રીમાન થામ્બુરાઈજી, દેશભરમાંથી આવેલા તમામ વિધાનસભાના આદરણીય અધ્યક્ષ મહોદય, તમામ રાજકીય પક્ષોનાં તમામ વરિષ્ઠ નેતાગણ, સાંસદગણ અને ધારાસભ્યો.
આ કાર્યક્રમની રચના માટે હું સૌપ્રથમ તો સુમિત્રાજીનો આભાર માનવા ઇચ્છીશ. આપણને ખબર છે કે આપણા સામાન્ય જીવનમાં આપણી ઇચ્છા થાય છે કે કોઈ મોટા તીર્થધામની યાત્રા કરી આવીએ, આપણા માતાપિતાને લઈ જઈએ, અને જ્યારે મોટા તીર્થધામમાં જઇએ છીએ તો ત્યાં જઈને મનમાં એક સંકલ્પ કરીએ છીએ કે ભાઈ હું જીવનમાં આમ કરીશ, પરિવારમાં આમ કરીશ, કોઈને કોઈ સંકલ્પ જરૂર કરીએ છીએ. દરેક લોકો પોતપોતાના ક્ષેત્રમાં આમ કરે છે.
આજે તમે બધા માત્ર એક કાર્યક્રમમાં આવ્યા નથી. તમે કલ્પના કરો કે તમે ક્યાં બેઠા છો ? આ તો સદન છે જ્યાં મેં પહેલી વાર 2014ના મે મહિનામાં પ્રવેશ કર્યો હતો તેના પહેલા મેં સંસદનો સેન્ટ્રલ હોલ ક્યારેય જોયો ન હતો. મુખ્યમંત્રી અહીં આવી શકે છે, મુખ્યમંત્રીઓ પર એવું કોઈ બંધન નથી પરંતુ મને અહીં આવવાનો અવસર મળ્યો ન હતો. અને જ્યારે દેશે બહુમતિ આપી અને અહીં નેતાઓની ચૂંટણી થનારી હતી તો એ દિવસે હું આ સેન્ટ્રલ હોલમાં પહેલી વાર આવ્યો હતો. આ એ સેન્ટ્રલ હોલ છે જ્યાં બંધારણ સભાની વિસ્તારપૂર્વક બેઠક થઈ હતી.વર્ષો સુધી થઈ. તમે એ જગ્યાએ બેઠા છો જ્યાં ક્યારેક આ જ બેઠક પર પંડિત નહેરુજી બેઠા હશે, ક્યારેક બાબા સાહેબ આંબેડકર બેઠા હશે, ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હશે, રાજગોપાલાચાર્યજી બેઠા હશે, ડૉક્ટર રાજેન્દ્ર બાબુ બેઠા હશે, ક્યારેક મુનશીજી પણ બેઠા હશે.
ટૂંકમાં દેશના એવા મહાપુરુષ જેમના નામ આપણને અંદરથી એક નવી પ્રેરણા આપે છે તેઓ અહીં ક્યારેક બેસતા હતા, બંધારણ સભાની ચર્ચા કરતા હતા એ જગ્યાએ આજે તમે બેઠા છો. એટલે કે જો આપણે આવી વાતોનું સ્મરણ કરીએ તો તમારી અંદર એક પવિત્રતાની અનુભૂતિ આપોઆપ થાય છે.
બંધારણના ઘડવૈયાઓએ અને ખાસ કરીને બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણને એક સામાજિક દસ્તાવેજના રૂપમાં તેનું વર્ણન કર્યું છે. અને આ વાત સાચી છે કે દુનિયામાં આપણા બંધારણની વિશેષતા છે, માત્ર નિયમોને કારણે જ નહીં, અધિકારોને કારણે જ નહીં, કાર્યોની વહેંચણીને કારણે જ નહીં, પરંતુ દેશમાં સદીઓથી જે ખરાબીઓ ઘર કરી ગઈ હતી તેનાથી મુક્તિ અપાવવાની એક મથામણમાંથી, એક મંથનમાંથી જે અમૃત નીકળ્યું તેણે આપણા બંધારણમાં શબ્દના સ્વરૂપે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ વાત હતી સામાજિક ન્યાયની. હવે આપણે મોટા ભાગે સામાજિક ન્યાયની વાત કરીએ છીએ તો સમાજની અવસ્થા સુધી જ મર્યાદિત રહી જઇએ છીએ, જરૂરી પણ છે પરંતુ ક્યારેક ક્યારેક એમ પણ લાગે છે કે સામાજિક ન્યાયનું અન્ય એક ક્ષેત્ર પણ છે.
કોઈ મને એ કહે કે એક ઘરમાં વિજળી છે અને તેની પડખેના ઘરમાં જ વિજળી નથી તો શું સામાજિક ન્યાય આપણને એ જવાબદારી નથી આપતું કે તેમના ઘરમાં પણ વિજળી હોવી જોઇએ? એક ગામમાં વિજળી છે અને તેની નજીકના ગામમાં વિજળી નથી તો શું સામાજિક ન્યાયનો એ સંદેશો નથી કે જો આ ગામમાં વિજળી છે જણાવો બાજુના ગામમાં પણ વિજળી હોવી જોઇએ? એક જિલ્લો વિકસેલો છે, ઘણો આગળ નીકળી ગયો છે પરંતુ બીજો જિલ્લો પાછળ રહી ગયો છે તો શું સામાજિક ન્યાયની વાત કરવામાં આપણી મર્યાદા એ નથી કે એ જિલ્લો ઓછામાં ઓછો બરાબરી પર તો આવવો જ જોઇએ? અને તેથી જ સામાજિક ન્યાયનો સિદ્ધાંત આપણને આ જવાબદારી માટે પ્રેરિત કરે છે.
બની શકે છે કે દેશ જે સૌની અપેક્ષા હતી ત્યાં નહીં પહોંચ્યો હોય પરંતુ આપણા રાજ્યમાં પાંચ જિલ્લા સારી રીતે આગળ પહોંચ્યા છે અને ત્રણ જિલ્લા પાછળ રહી ગયા છે તો તેનો અર્થ પાંચ સુધી તો પહોંચવાની ક્ષમતા છે જ અને એ ત્રણને પણ પાંચની બરાબરી પર લાવી શકાય છે. જો રાજ્યની અંદર કેટલાક પરિમાણોમાં કોઈ જિલ્લા સારું કાર્ય કરી શકે છે તો તેનો અર્થ એ થયો કે એ રાજ્યમાં કોઇક ક્ષમતા છે પરંતુ કેટલાક જિલ્લા પાછળ રહી ગયા છે તો શું આપણે નક્કી કરી શકીએ છીએ કે આખરે આમ કેમ થયું છે?
આપણા દેશમાં આપણો સ્વભાવ શું છે, આપણે જ્યારે શાળામાં અભ્યાસ કરીએ છીએ તો પરીક્ષા આપીએ છીએ જો ભૂગોળમાં આપણે નબળા છીએ તો વિચારીએ છીએ કે ગણિતમાં જોર લગાવી દઇશ કે ભૂગોળમાં માર્ક ઓછા આવશે તો તે સરભર થઇ જશે પરંતુ ફર્સ્ટ ક્લાસ તો આવી જ જશે. દરેક વ્યક્તિ આમ જ વિચારે છે, આપણે આ જ રીતે મોટા થયા છીએ. રાજ્યને પણ જ્યારે લક્ષ્યાંકની વાત આવે છે કે ભારત સરકાર પણ જ્યારે કોઈ લક્ષ્યાંક નક્કી કરે છે ત્યારે આપણે શું કરીએ છીએ. જે સરળતાથી પરિણામ આપનારા લોકો છે તેની પાછળ જ તાકાત લગાડવામાં આવે છે, યાર કરી લો ને… અને તેનું પરિણામ એ આવે છે કે જે સારું કરે છે તે સતત સારામાં સારા બનતા જાય છે અને આંકડાના હિસાબે પરિણામ પણ સારું દેખાય છે. અરે, વાહ સરસ થઈ ગયું આટલા ટકા નક્કી કર્યા હતા ને થઈ ગયું પરંતુ જે પાછળ રહી જાય છે તે વધુને વધુ પછાત બનતા જાય છે. અને તેથી જ આપણે વ્યૂહાત્મક રીતે આપણે વિકાસના મોડેલ તરફ થોડા વધુ નજીક અને ઝીણવટપૂર્વક જવાની જરૂર પેદા થઈ છે. આપણે રાજ્યની રીતે જોઇએ તો સારું થયું છે એક સ્પર્ધાત્મક સહકાર ધરાવતા રાષ્ટ્રનો માહોલ બન્યો છે અને હું એ દૃશ્યને પણ માનું છું કે આ દૃશ્ય એ સ્વતંત્ર રાષ્ટ્ર તરફ લઈ જાય છે જેનું જીવતું જાગતું સ્વરૂપ છે. અહીં સંસદના સદસ્યો ધારાસભ્યો સાથે બેસીને તેમના વિસ્તારની, રાજ્યની અને દેશની ચિંતા અને ચર્ચા કરી રહ્યા છે. આ પોતાનામાં એક સ્વતંત્ર રાષ્ટ્રને નવી દિશા પ્રાપ્ત થઈ છે.
આપણે સંયુક્ત સહકારને કારણે રાજ્યની વચ્ચે સરખામણી થવા લાગી છે અને કોઈ રાજ્ય પાછળ રહી ગયું તો ટીકા પણ થાય છે. તેમને પણ લાગે છે ના અમે પણ કાંઇક કરીશું તેવું વાતાવરણ તો બન્યું છે પરંતુ દેશ જે અપેક્ષા રાખે છે જો એ અપેક્ષાઓને પૂરી કરવી છે તો આપણે આ ધારાપરિમાણના હિસાબે અને એ એકમના હિસાબે ચાલીશું તો કદાચ યોગ્ય પરિણામ નહીં મળે.
એક અનુભવ મળ્યો સ્વચ્છતા અભિયાનનો. સ્વચ્છતાનો જ્યારે ક્રમાંક શરૂ થયો તો શહેર શહેરની વચ્ચે થયો. મહાનગર મહાનગરની વચ્ચે થવા લાગ્યો તો એક હરિફાઈ પેદા થઈ અને જો કોઈ નગર પાછળ રહી ગયું તો ગામડાના લોકો જ અવાજ ઉઠાવવા માંડ્યા કે ભાઈ શું કારણ છે, એ શહેર તો આગળ વધી ગયું આપણે કેમ ગંદા રહી ગયા. તેમાંથી એક આંદોલન શરૂ થયું, એક સ્પર્ધા પેદા થઈ.
આ વિષયને જોયો તો ભાઈ આખરે દેશમાં કાંઇક તો ઘણી સારી પ્રગતિ કરી રહ્યા છે તો પણ દેશ આગળ કેમ વધી રહ્યો નથી? પરિસ્થિતિ બદલાઈ ખરી? તો તેમાંથી એક વિચાર આવ્યો કે આપણે કેમ દેશના આ જિલ્લાઓને અલગ તારવીએ, કોઈ ધારાપરિમાણ નક્કી કરીએ કે જેમની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે એ જ આંકડાનો આધાર લઈએ, કેટલાક આંકડા 2011ના માપદંડ પરથી છે, ત્યાર બાદના સર્વે નથી પરંતુ જે કાંઈ પણ ઉપલબ્ધ છે 48 જેટલા ઝીણા ઝીણા માપદંડ કાઢયા અને તેમાં જોયું કે ભાઈ આ 48 માપદંડમાં પાછળ છે તેવા જિલ્લા કયા કયા છે. અને માહિતી મળી કે જે પાંચ-દસ પરિમાણોમાં પાછળ છે તેમાંથી મોટા ભાગના તમામ પરિમાણોમાં પાછળ છે.
થાય છે શું કે રાજ્યમાં દસ જિલ્લાઓ મહેનત કરીને આગળ વધી રહ્યા છે પરંતુ પાંચ જિલ્લા પાછળ છે તો તેઓ તેને પાછા ખેંચે છે. આગળ ગયેલાઓને પાછળ ખેંચવાનું કામ કરે છે. તમામ જિલ્લા ધક્કો મારે તે વ્યવહારુ રીતે જરૂરી છે અને તેમાંથી જ વિચાર આવ્યો કે ચોક્કસ માપદંડ સાથે એ સંશોધન કરો કે કયા જિલ્લામાં કામ કરવા માટે ખાસ ધ્યાન આપવા માટે ખાસ દસ્તાવેજીકરણની જરૂરિયાત છે. લગભગ એક વર્ષ માટે તેના માટે હોમવર્ક ચાલતું રહ્યું. અલગ અલગ સ્તરે મંત્રણાઓ થઈ. બેઠકો યોજાઈ, ઓળખવિધી થઈ ગઈ. પાછળથી એ 115 જિલ્લામાં જે જિલ્લા ન્યાયાધીશ, કલેક્ટર છે તેઓને બોલાવવામાં આવ્યા. તેમનો બે દિવસનો વર્કશોપ કરવામાં આવ્યો કે ભાઈ સમસ્યા શું છે?
હવે રાજકારણ જેવો સ્વભાવ છે તેમાં તમે કે હું કોઈ અલગ નથી. બધા એક જ છે. હુ પણ એક જ છું. આપણા લોકોનો સ્વભાવ કેવો છે. સારું ચાલો બજેટ કહો. પૈસા ક્યાં છે? પરંતુ જો ધ્યાનથી જોશો તો ઉપલબ્ધ સંસાધનોથી જ જો કોઈ એક જિલ્લો આગળ ગયો છે એ જ સંસાધન ઉપલબ્ધ હોવા છતાં બીજો પાછળ રહી ગયો છે મતલબ સંસાધન એ કોઈ સમસ્યા નથી. કદાચ સંચાલનને મુદ્દો હોઈ શકે, નેતાગીરી એ મુદ્દો હોઈ શકે, સંકલન એ મુદ્દો હોઈ શકે, અસરકારક અમલીકરણ એ મુદ્દો હોઈ શકે અને તેથી આપણે આ વસ્તુઓને કેવી રીતે બદલીએ? અને તેમાંથી તમામ કલેક્ટરની સાથે હું પણ બેઠો વાત કરી, ભારત સરકારના તમામ વરિષ્ઠ અધિકારી તેમની સાથે બેઠા.
એક વસ્તુ મારા ધ્યાનમાં આવી, હું કોઈની ટીકા કરવા માટે કહી રહ્યો નથી પરંતુ એક ગૃહમાં આજે એવા લોકો બેઠા છે જેમની સામે આજે હું ખૂલીને વાત કરું તો વાંધો નહીં આવે. મને આશ્ચર્ય થતું હતું કે સામાન્ય રીતે જિલ્લા કલેક્ટર હોય છે તેમની સરેરાશ ઉંમર 27,28 કે 30ની આસપાસ હોય છે, યુવાન આઇએએસ ઓફિસર હોય છે તેમને ત્રણ ચાર વર્ષમાં ત્યાં પહોંચવાની તક મળી જાય છે પરંતુ મેં 115 જિલ્લા જોયા તેમાં 80 ટકાથી લોકોથી વધુ જિલ્લા કલેક્ટરને હું મળ્યો તેઓ 40થી વધુની વયના હતા, કોઈ 45ના હતા.
હવે મને કહો કે 40-45ની વયનો અધિકારીએ જિલ્લામાં છે એ બાળક મોટા થયા તેના પ્રવેશની ચિંતા કરી રહ્યા છે. મોટા શહેરમાં કામ મળી જાય તે વાત તેના મગજમાં રહે છે. બાળકના અભ્યાસની કાંઈ વ્યવસ્થા થાય એ જ બાબત તેના મગજમાં રહે છે. બીજું આ મોટા ભાગના રાજ્ય કક્ષાના પ્રમોટ ઓફિસર હોય છે તેમને ત્યાં જવાનો અર્થ તો તેમની વિચારસરણીમાં જ બેસી ગયું છે કે આ જિલ્લો તો પછાત છે, રાજ્ય પછાત છે. કોઈને પણ મોકલી દો યાર ગાડી ચાલી જશે. બસ, ત્યાંથી જ શરૂઆત થાય છે. જો આપણે બધા મળીને નક્કી કરીએ કે આ 115 જિલ્લામાં આવનારા પાંચ વર્ષ સુધી નવા અધિકારીઓને મુકીશું જેમનામાં ઉર્જા છે, કાંઇક કરવાનો ઉત્સાહ છે. તમે જુઓ પરિસ્થિત બદલાવાની શરૂ થઈ જશે.
હું મુખ્યમંત્રીઓને વાત કરી રહ્યો છું કે તમે તેમને ભરોસો આપો કે ભાઈ તને પડકારી રહ્યા છે, ત્યાં મોકલ્યો તેનો અર્થ અધિકારીઓ જ અંદરો-અંદર ચર્ચા કરવા લાગે છે કે તું તો મરી ગયો, કોઈ રાજકીય ઓળખાણ નથી યાર. શું થયું તને કેમ અહીં ધકેલી દીધો. આ માનસિકતા શરૂ થઈ જાય છે.
ક્યારેક ક્યારેક આપણને લાગે છે સંસાધન. હવે કોઈ મને કહો કે ભાઈ એક જિલ્લામાં રસીકરણનું ઘણું સારું કામ થઈ રહ્યું છે પરંતુ પડોશમાં નથી થઈ રહ્યું તો ખામી ક્યાં છે, હું નથી માનતો કે કોઈ ઉણપ છે પરંતુ જે પ્રેરણા જોઇએ જે એક મજબૂત યોજના જોઇએ, લોકોની ભાગીદારી, સહકાર જોઇએ, તેનો અભાવ છે કે રસીકરણ નથી, તે નથી તો બીમારીઓ માટેના દરવાજા ખૂલી ગયા છે, દરવાજા ખૂલી ગયા છે તો બીમારી આવતી જતી રહેશે. તે એક પછી એક વધતું જશે.
સ્કૂલ ડ્રોપઆઉટ – સ્કૂલ છે ? છે, શિક્ષક છે ? છે. મકાન છે ? છે. બધું જ છે. બજેટ છે ? છે. પણ અહીં શાળા છોડનારાની સંખ્યા ઓછી છે. પડોશમાં નજર કરો. કહેવાનો અર્થ એ છે કે મામલો સંસાધન પર અટકેલો નથી.
બીજું તમે જોયું હશે કે જ્યાં ઓફિસરોએ અને સ્થાનિક નેતાઓએ એક મિશનના રૂપમાં નેતાગીરી આપી છે, લોકોને તેમાં સાંકળ્યા છે, તમે જૂઓ, જોતજોતામાં મોટું પરિણામ મળી આવે છે.
જનભાગીદારી અને તમામ દિશામાં શું આપણા પંચાયતના પ્રધાન હોય, પંચાયતના સદસ્યો હોય, નગરપાલિકાના સદસ્ય હોય, નગરપાલિકાના પ્રધાનો, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, આ તમામ જે કોઈ આપણા સમાજ જીવનમાં જેમની પાસે પ્રતિનિધિત્વનો મોકો મળ્યો છે એક ધારાસભ્યના રૂપમાં, એક સાંસદના રૂપમાં મારા ક્ષેત્રમાં જો આ પ્રકારનું એક પ્રેરક જિલ્લો આવ્યો છે આપણે નક્કી કરીશું કે એક દિશામા ચાર કામ તો પૂરા કરીને જ રહીશું. આ દસ કામ તો કરીને જ રહીશું. આપણે તાકાત લગાવીશું. આપણે લોકોને સાંકળીશું. તમે જોશો કે પરિવર્તન શરૂ થઈ જશે.
ક્યારેક ક્યારેક ધ્યાનથી જોઇએ તો કેવુ પરિવર્તન આવે છે. કોઈ એક વ્યક્તિ તુંદુરસ્ત, દોડતો, રમતો કામ કરનારી વ્યક્તિ સારી રીતે ખાઈ રહ્યો છે, પરિવારનું જીવન બરાબર છે, વ્યવસ્થા બરાબર છે, કોઈ સમસ્યા નથી પરંતુ ધીમે ધીમે વજન ઘટી રહ્યું છે તો તેને લાગે છે કે ના ના શરૂઆતમાં તો તે કહી દે છે કે ના હું તો ડાયેટિંગ કરું છું. પહેલા કરતા ફિટ લાગી રહ્યો છું પરંતુ વજન ઘટી રહ્યું છે તો તેને લાગે છે કે આ શું થઈ રહ્યું છે ત્યારે જ નબળાઈ શરૂ થઈ જાય છે તેમ છતાં તે પોતાની જિંદગી જીવી રહ્યો છે, સારી રીતે જીવી રહ્યો છે પરંતુ કોઈ સારો અનુભવી ડોક્ટર કહે છે કે અરે ભાઈ એક વાર ચેક કરાવી લો, અને જ્યારે ચેક કરાવે છે તો ખબર પડે છે યાર ડાયાબિટીસ છે અને તેને કારણે જ આટલા તંદુરસ્ત શરીરમાં એક વાર ડાયાબિટીસ ઘૂસી ગયો અને તેણે આ રોગને એમ જ હાથમાં લીધો, જે દવા લેવાની શરૂ કરી, ડાયાબિટીસ તો હતો જ, ગયો નહીં અંકુશમાં આવ્યો અને બાકીના તમામ માપદંડો અંકુશમાં આવી ગયા.
હું સમજું છું કે આપણા જિલ્લાની પણ આવી જ હાલત છે. આપણે એક વાર જોઇએ કે એ કઈ વસ્તુ છે જે આ જિલ્લાને નબળો પાડી રહી છે. આપણે તેને સમજીએ અને તેમાંથી પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ. તમે જૂઓ કે કોઈ જિલ્લો પાછળ નહીં રહે.
કલ્પના કરો કે 132 જિલ્લામાંથી 30-35 ડાબેરીઓ કે છેવાડાનાં છે જેને આપણે મંત્રાલયને ખાસ કહ્યું છે કે તેમની તરફ કોઈ ખાસ ધ્યાન આપે. આપણે એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરી શકીએ છીએ પરંતુ બાકીના લગભગ 80-90 જિલ્લા એવા છે કે જેને આપણે આસાનીથી હાથમાં લઈ શકીએ તેમ છીએ. હવે, જિલ્લાનું પ્લાનિંગ પણ કેવું હોવું જોઇએ. એક જિલ્લામાં પણ તમે જોયું હશે કે એક તાલુકો હશે. હોઈ શકે કે રસીકરણમાં સારું પરિણામ આવતું હશે. એક તાલુકો એવો હશે જે કદાચ શિક્ષણમાં સારું પરિણામ આપતો હશે જ્યાં વિદ્યાર્થીઓની શાળા છોડવાની સંખ્યા ઓછી રહેતી હશે. ક્યાંકને ક્યાંક તો તેનામાં પણ મજબૂતી, તાકાત હશે. તેમાં ખામી વાળા ક્ષેત્રો છે, તે ગામ તરફ નજર કરો કે ભાઈ આ ગામમાં તો ત્રણ વસ્તુ તો ઘણી સારી છે પરંતુ બે વસ્તુ ઓછી છે. એ બે વસ્તુને ધ્યાનમાં લો.
એક વાર આમ કરો તો વધુ મહેનત નહીં લાગે. 115 જિલ્લાની ખામીઓને અને તમને જ્યારે નીતિ પંચના લોકો પ્રેઝન્ટેશન આપશે. મેં હજી બે દિવસ અગાઉ તમામ મંત્રીઓ સાથે બેસીને એક પ્રેઝન્ટેશન જોયું. સરકારના પ્રેઝન્ટેશન હું છેલ્લા 20 વર્ષથી જોતો આવ્યો છું પરંતુ આટલું ચોક્કસ, આટલું સ્પષ્ટ અને એક સામાન્ય માણસને પણ સમજ આવે કે હા, ભાઈ આનો માર્ગ છે. આ માર્ગ એ છે કે આટલું ભવ્ય પ્રેઝન્ટેશન હમણા અમિતાભ કાન્તે આપ્યું. નીતિ પંચનુ પ્રેઝન્ટેશન આપ્યું હતું. હું ખૂબ જ પ્રભાવિત થયો હતો તેઓ તમને પણ દર્શાવવાના છે, આપવાના છે.
તેમાં એક વિષય છે કે ભાઈ તમારો આ જિલ્લો આ વિષયમાં તમારા રાજ્યની જે સરેરાશ સ્થિતિ છે તેના કરતાં આટલો પાછળ છે. તમારા રાજ્યનો જે સૌથી સારા પરિણામ લાવનારો જિલ્લો છે તેના કરતાં આટલો પાછળ છે. નેશનલ સરેરાશ કરતાં આટલો પાછળ અને નેશનલના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લા કરતાં આટલો પાછળ છે. આ ચાર માપદંડથી તેને વારંવાર જોવામાં આવે છે. તમને પણ લાગશે કે જો મારા દેશના 200 જિલ્લા આગળ વધી શકે છે તો મારો જિલ્લો પણ આગળ વધી શકે છે અને આ વાત આપણે માનીને ચાલીએ. આપણે અહીં તમામ રાજકીય પક્ષના લોકો બેઠા છીએ. કોઈ એક જમાનો હતો જ્યારે દેશમાં કટ્ટર રાજકારણી, દિવસ રાત રાજકારણ, આંદોલનની રાજનીતિ, નિવેદનબાજીનું રાજકારણ, સંઘર્ષનું રાજકારણ આ ખૂબ કામ લાગતું હતું. આજે સમય બદલાયો છે તમે સત્તામાં છો કે વિરોધ પક્ષમાં છો જનતાના કામે આવો છો કે નથી આવતા તે વાતને જનતા જૂએ છે.
તમે કેટલા યુદ્ધ લડ્યા, કેટલા સરઘસ કાઢયા તે આજથી 20 વર્ષ પહેલા મહત્વ ધરાવતું હતું તમારી રાજકીય કારકિર્દીમાં આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, આજે તો તમે જોયું હશે કે જે વારંવાર ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ છે. જો તમે તેમની સમીક્ષા કરશો તો ખ્યાલ આવશે કે તેઓ એટલા માટે ચૂંટાઈને નથી આવતા કે તેમણે કેટલો સંઘર્ષ કર્યો છે, પરંતુ તમે બરાબર જોશો કે તેમના જીવનમાં એકાદ બે વસ્તુ એવી હોય છે જે બિલકુલ રાજકારણથી અલગ હોય, સત્તા સંઘર્ષથી અલગ હોય, જનતાનાં સુખ, દુઃખથી જોડાયેલી અને તે તેમાં તેની ઓળખ પુરવાર થાય છે, એવી રીતે તે તો પહોંચેલો હોય છે તે દર વખતે એ વિષયમાં કાંઇકને કાંઇક કરે છે. પછી તે હોસ્પિટલ જતો હશે, મળતો હશે અને આ પ્રભાવથી તેનું રાજકારણ ચાલી જાય છે.
આપણે પણ પ્રયાસ કરવો જોઇએ કે કટ્ટરવાદી રાજકારણ તમે છોડી દો. હું એમ નથી કહેતો કે સમાજની રચના જ તમને આ છોડાવી રહી છે. સમાજમાં જે જાગૃતિ આવી છે તે જ તમને છોડાવી રહી છે. તેઓ ઇચ્છે છે કે મારા સુખ-દુખના સમયે મારી સાથે કોણ છે ? મારા જીવનમાં પરિવર્તન લાવવા માટે મારી સાથે કોણ છે ? તેનો ઘણો મોટો પ્રભાવ હોય છે. આપણે આપણા ક્ષેત્રમાં નક્કી કરીએ કે ભાઈ હું મહિલા બાળકના શિક્ષણમાં 100 ટકા કામ કરીશ. હું પહેલ કરીને એક વસ્તુમાં પરિવર્તન કરીશ તો પ્રણાલી આપોઆપ બદલવાનું શરૂ કરી દેશે.
કોઈ કહેશે કે ભાઈ ઇન્દ્રધનુષ યોજના છે. રસીકરણની તારીખ છે, એ દિવસે તો હું ફિલ્ડમાં ચોક્કસ રહીશ. મારા સ્વયંસેવકો રહેશે. જે લોકો આપણા સમાજ જીવનમાં છે તેમને પણ એકત્રિત કરીશ. ઇન્દ્રધનુષ યોજના હેઠળ હું રસીકરણનું કાર્ય પૂર્ણ કરીશ. પહેલા આપણે ત્યાં આ રસીકરણ 30 ટકા, 40 ટકા, 50 ટકા હતું. સરકાર ખર્ચ જ કરતી ન હતી એવું ન હતું સરકાર ખર્ચ કરતી હતી. બજેટમાં ખર્ચ હતો. ગુલામ નબી જ્યારે આરોગ્ય વિભાગ જોતા હતા ત્યારે પણ થતું હતું. પરંતુ જનભાગીદારીના અભાવને કારણે કામ અટકી જતું હતું.
ઇન્દ્રધનુષ યોજના હેઠળ એક ખાસ પ્રયાસનો પ્રારંભ કરવામાં આવ્યો, હવે રસીકરણ લગભગ 70થી 75 ટકા સુધી પહોંચી ગયું છે. પરંતુ શું આપણે 90 ટકા સુધી પહોંચાડી શકીએ છીએ ? એક વાર 90 ટકા પહોંચી જાય તો 100 ટકા પહોંચાડવામાં તકલીફ પડશે નહીં. અને એક વાર ગર્ભવતી મહિલા તથા બાળકોનું રસીકરણ થઈ ગયું તો પોલિયો મુક્તિ આપોઆપ થઈ જશે અને ગંભીર પ્રકારની બીમારીઓથી બચવાનું કામ આપોઆપ થઈ જશે.
વ્યવસ્થાઓ છે, યોજનાઓ છે અન હવે તો તેના માટે બજેટ હોય તેવી જરૂર પણ નથી. જે બજેટ છે, જે સંસાધનો છે, જે માનવશક્તિ છે, એ જ જો મિશન મોડમાં કામ કરે તો પરિણામ ઉત્તમ મળી શકે છે. આ જ એક ભૂમિકા સાથે એક aspiration (મહત્વાકાંક્ષી) અને તેના માટે મેં backward (પછાત) શબ્દ કહેવાનું પસંદ નથી કર્યું અન્યથા માનસિકતાથી જ શરૂઆત થાય.
તમને ખબર હશે કે પહેલા આપણે ત્યાં રેલવેના ત્રણ ક્લાસ રહેતા હતા. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ. પછી સરકારે આજથી 20-25 વર્ષ અગાઉ થર્ડ ક્લાસ બંધ કરી દીધો. ડબ્બામાં કોઈ ફરક પડ્યો નહીં પરંતુ માનસિકતામાં મોટો ફરક આવી ગયો કે જે માણસ તેમાં બેસતો હતો તેના પ્રત્યે નફરત કે અચ્છા આ થર્ડ ક્લાસમાં બેસે છે ? હવે એ પરિવર્તન આવી ગયું. ડબ્બો એ જ છે, બેસવાની જગ્યા એ જ છે. તેથી જ જ્યારે આપણે પછાત શબ્દનો પ્રયોગ કરીશું તો યાર, જવા દો યાર હું તો પછાત જિલ્લાનો ધારાસભ્ય છું. સારૂ તમે પણ પછાત છો.!! અહીંથી જ શરૂઆત થઈ જાય છે. આપણે દેશમાં પછાતની સ્પર્ધા કરવી નથી. આપણે આગળ વધવાની સ્પર્ધા કરવી છે અને આપણે, આપણા એ વિસ્તારોના, એ ક્ષેત્રોના વિકાસ સામાજિક ન્યાયનું કામ છે. જો એ જિલ્લાનો વિકાસ થયો તો તેનો અર્થ સામાજિક ન્યાયનો અધિકાર આપોઆપ બની જશે.
જો આપણા ક્ષેત્રમાં તમામ બાળકોને શિક્ષણ મળે છે તો તેનો અર્થ એ થયો કે સામાજિક ન્યાયનું એક ડગલું આગળ ભરાયું. જો તમામ ઘરમાં વિજળી છે, મતલબ સામાજિક ન્યાય તરફ આગેકૂચ થઈ. સામાજિક ન્યાયની જે કલ્પના આ જ સદનમાં, આ જ સભાગૃહમાં આપણા જે મહાપુરુષોએ કરી હતી તેને એક નવા સ્વરૂપમાં, અને જેમાં સંઘર્ષની સંભાવના ઘણી ઓછી છે, તને મળ્યું અને મને નથી મળ્યુંની ભાવના ઓછી છે, બધા માટે કરવું એ ભાવનાને સાથે લઈને ચાલીશું તો કેટલું મોટું પરિણામ હાંસલ કરી શકાશે.
અને, મને વિશ્વાસ છે કે તમામ રાજકીય પક્ષના નેતા અહીં હાજર છે. એ જ ક્ષેત્રમાં ધારાસભ્યો અને સાંસદો અહીં હાજર છે. એક વાર નિર્ણય કરી લો કે હમણા હું મારો પ્રવાસ કરું છું તો એ પ્રકારના જિલ્લાના જે અધિકારીઓ મને પહેલા મળ્યા હતા, જેમણે બે મહિના અગાઉ અભ્યાસ કર્યો હતો તેમને બોલાવું છું અને પૂછી રહ્યો છું. પરમ દિવસે હું ઝુંઝનું હતો જ્યાં મેં રાજસ્થાનના અપેક્ષિત જિલ્લાને બોલાવ્યા હતા, અને હરિયાણાનાં એક હતા તેમને પણ બોલાવ્યા હતા. મેં કહ્યું બોલો ભાઈ, તેમની સાથે અડધો કલાક બેઠો હતો. તેમને પૂછ્યું બોલો ભાઈ શું થયું ? હું જોઈ રહ્યો છું કે, જો આપણે બધા પણ તેમના એક મદદગારની રીતે કામ કરીશું, આપણે હિસાબ કિતાબ માગીશું તો તેઓ થાકી જશે. કેમ નથી થયું ? મારા વિસ્તારમાં કેમ નથી થયું ? ફલાણું તો ઠીક છે, રાજકારણનો એ સ્વભાવ છે પરંતુ ભાઈ તું ચિતાં ન કરીશ હું તારી સાથે રહીશ. સારુ થશે કે મદદ નથી કરતાં, હું આવું છુ તારી સાથે, ચાલો. આમ કહીશું તો તેનો ઉત્સાહ વધશે. આપણે સરકારમાં બેઠેલા લોકોએ તેમનો ઉત્સાહ વધારવો જોઇએ.
જનભાગીદારી વધારીએ. એ વિસ્તારના જેટલા એનજીઓ છે તેમને આપણે એકત્રિત કરીએ. યુવાનોની જેટલી પ્રવૃત્તિ છે તેમને એકઠા કરીએ. કે જૂઓ ભાઈ આપણે સ્થિતિ બદલવી છે. અમારી પાસે સંસાધનો છે પણ પરિણામ આવતું નથી. અમારે આ વચ્ચેની જે ખાઈ છે તે ભરવી છે અને અમે તેમ કરીશું. શાસન વ્યવસ્થા આપોઆપ દોડતી થઈ જશે કેમ કે તેમને પણ પરિણામ મળવા લાગે છે તો તેમનો ઉત્સાહ બમણો થઈ જાય છે. તમને નવાઈ લાગશે કે 115 જિલ્લામાંથી કેટલાક જિલ્લા એવા છે કે તેનું નામ સાંભળીને જ આપણે ભડકી જઇએ છીએ કે અરે! આ પણ પછાત છે. અહીં તો આટલો મોટો ઔદ્યોગિક વિકાસ થયો અને આ પછાતમાં આવે છે ? કારણ શું ? એ ઔદ્યોગિક વિકાસ કે કોઈ એક વસ્તુને કારણે તેનો ઝાકઝમાળ એટલો વધી ગયો કે જેવું ડાયાબિટીસનાં દરદીનું થાય છે તેમ બાકીની વસ્તુઓ પ્રત્યે ધ્યાન જ અપાયું નહીં. એક જ મોટી વસ્તુનો જયજયકાર થતો રહ્યો. એવા પણ જિલ્લા ધ્યાનમાં આવ્યા કે જે જિલ્લાએ ઘણી પ્રસિદ્ધિ મેળવી હોય પરંતુ ઝીણવટપૂર્વક જોઇએ તો ધારાપરિમાણોમાં પાછળ રહી ગયો હોય. અને તેની પાસે પેલી જે એક વસ્તુ હતી જેને કારણે ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિ અભિભૂત થઈ જતો હતો, અરે વાહ, આટલું સુંદર પણ નીચે જોઇએ તો બધી જ ગરબડ હતી.
તો આવી પણ કેટલીક વસ્તુઓ ધ્યાનમાં આવી છે ભાઈઓ. કેટલાક લોકોના મનમાં એમ થશે કે ભાઈ મારો જિલ્લો આવ્યો નહીં, મારો જિલ્લો આવો છે. હું સમજી શકું છું પરંતુ હજી તો 2011માં જે આંકડા હતા તેના આધાર પર આ બધું થઈ રહ્યું છે, થોડા આંકડા પાછળથી મળ્યા. રાજ્યોને પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ જિલ્લાઓ તમે પસંદ કરેલા છે તમને લાગતું હોય કે પરિવર્તન જરૂરી છે તો કરો અને પાંચ-છ રાજ્ય એવા છે જેમણે જિલ્લા બદલાવ્યા હતા.
બાકી આ બાબતને કોઈ રાજકીય રંગ આપશો નહીં. તેનું થયું અને મારું થયું નહીં તેવા ભાવનો ત્યાગ કરીને, આપણે બધાએ સાથે મળીને એક વર્ષમાં (મિત્રો વધુ નથી કહેતો) માત્ર એક વર્ષમાં, જો આપણે ફક્ત એક વર્ષ માટે કાર્ય કરીશું અને જો આ પરિમાણો બદલાઈ જશે તો તમારા રાજ્યના પરિમાણ પણ બદલાઈ જશે. સમગ્ર દેશનું ચિત્ર બદલાઈ જશે. તમારો માનવ વિકાસ સૂચકાંક. ભારત અત્યારે દુનિયામાં 130-131માં ક્રમે આવી ગયો છે.
આજે વિશ્વમાં ભારત પાસેથી જે આશા-અપેક્ષાઓ બંધાઈ રહી છે, આપણે માનવ વિકાસ સૂચકાંકની દૃષ્ટિએ તેમાં સુધારો કરીશું અને આ 115 જિલ્લામાં વિકાસ થશે તો દેશનો વિકાસ આપોઆપ થવાનો છે તમારે વધારાનું કાંઈ કરવું પડશે નહીં.
અને જો તેને કરતા રહીશું તો યોજનાઓનો ફાયદો પણ છે. જુઓ ક્યારેક ક્યારેક શું લાગે છે, જેમકે મનરેગા છે, ગરીબ જ્યાં રોજગારી નથી, તેમને રોજગારી મળે તે તેનો મૂળ ઉદ્દેશ્ય છે. અનુભવ એ થયો છે કે જ્યાં સૌથી વધુ ગરીબી છે ત્યાં ઓછામાં ઓછું મનરેગા હોય છે. અને જ્યાં સમૃદ્ધિ છે ત્યાં સૌથી વધુ મનરેગા છે. વધુ લોકો કેમ ? કારણ એ જ કે જે સારા રાજ્યો છે ત્યાં સુસંચાલન છે જેનો મુખ્ય લાભ મનરેગાથી જ ઓળખવામાં આવે છે અને જ્યાં ગરીબી પણ છે, મજૂરીની જરૂર પણ છે, મનરેગાનો પૈસા પણ છે પરંતુ સંચાલનમાં નબળાઈ છે તો પૈસા એ ગરીબો સુધી પહોંચતા નથી.
હકીકતમાં જે દેશના સારા, આર્થિક રીતે સમૃદ્ધિ ધરાવતા રાજ્યો છે ત્યાં તો મનરેગાનાં પૈસા ઓછામાં ઓછા જવા જોઇએ અને જ્યાં ગરીબી છે તે રાજ્યોમાં સૌથી વધુ જવા જોઇએ પરંતુ સંસાધન સમસ્યા નથી. સુસંચાલન એ સમસ્યા છે, સહકારની સમસ્યા છે, પ્રવૃત્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા છે. આ વસ્તુઓ પર ભાર મૂકીએ તો આપણે સારું અને મોટું પરિણામ લાવી શકીએ છીએ.
હું ફરી એક વાર સુમિત્રાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ એક સારા સમાગમના માધ્યમથી, બે દિવસના મંથનથી, આ 115 જિલ્લાનાં ભાગ્યને બદલવાનું કામ, જ્યાં બંધારણ સભા મળી હતી, જ્યાં આપણા મહાપુરુષોએ બેસીને ચિંતન કર્યું હતું, રાષ્ટ્ર માટે જે સપનું નિહાળ્યું હતું એ જ ગૃહમાં બેસીને આજે આપણે એક નવી દિશા તરફ ડગલું માંડી રહ્યા છીએ. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ફરી એક વાર અહીં આવવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની રહ્યો છું.
આભાર.