પ્રધાનમંત્રીએ શ્રી આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કર્યું અને શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું
“અમુક અનુભવ એટલા અલૌકિક હોય છે, એટલા અનંત હોય છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં, બાબા કેદારનાથ ધામમાં મને આવી જ અનુભૂતિ થાય છે”
“આદિ શંકરાચાર્યનું જીવન અસામાન્ય હતું, તેમનું જીવન સામાન્ય માનવીના કલ્યાણ પ્રત્યે સમર્પિત હતું”
“ભારતીય તત્વજ્ઞાનમાં માનવ કલ્યાણ સમાયેલું છે અને તે જીવનને સર્વગ્રાહી રૂપે જુએ છે. આદિ શંકરાચાર્યએ સમાજને આ સત્ય પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કર્યું”
“આજે આપણા સાંસ્કૃતિક વારસાના કેન્દ્રોને જે રીતે જોવા જોઇતા હતા એ જ ઉચિત અને યોગ્ય એવી ગૌરવપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે”
“અયોધ્યામાં ભગવાન શ્રી રામનું એક ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે. અયોધ્યા તેની ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે”
“આજે ભારતે પોતાના માટે આકરા લક્ષ્યાંકો અને ડેડલાઇન્સ સ્થાપી છે. આજે ડેડલાઇન્સ અને લક્ષ્યાંકોને લઇને નબળા બનવાનું ભારતને પોસાય તેમ નથી”
“ઉત્તરાખંડના લોકોની અપાર સંભાવનાને નજરમાં રાખીને તથા તેમની ક્ષમતાઓમાં પૂર્ણ વિશ્વાસ રાખીને, રાજ્ય સરકારે ઉત્તરાખંડના વિકાસનો ‘મહાયજ્ઞ’ છેડ્યો છે”

જય બાબા કેદાર! જય બાબા કેદાર! જય બાબા કેદાર! દૈવી આભાથી સુસજ્જ આ કાર્યક્રમમાં આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભવો અને આ પવિત્ર ભૂમિ પર પહોંચેલા શ્રધ્ધાળુ સમુદાય. આપ સૌને મારા આદરપૂર્વક નમસ્કાર.

આપ સૌ મઠ, તમામ 12 જ્યોતિર્લિંગ, અનેક શિવાલય, અનેક શક્તિધામ, અનેક તિર્થ ક્ષેત્રના દેશના ગણમાન્ય પુરૂષ, પૂજય સંતગણ, શંકરાચાર્ય પરંપરા સાથે જોડાયેલા તમામ પૂજ્ય ઋષિ, મુનિ ઋષિ અને અનેક શ્રધ્ધાળુઓ પણ દેશના દરેક ખૂણેથી આજે કેદારનાથની આ પવિત્ર ભૂમિ સાથે, આ પવિત્ર વાતાવરણ સાથે માત્ર શારીરિક રીતે જ નહીં, પણ આત્મિક સ્વરૂપે, વર્ચ્યુઅલ માધ્યમથી, ટેકનોલોજીની મદદથી તે ત્યાંથી આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આપ સૌ આદિ શંકરાચાર્યજીની સમાધિની પુનઃસ્થાપનાના સાક્ષી બની રહ્યા છો. આ ભારતની આધ્યાત્મિક સમૃધ્ધિ અને વ્યાપકતાનું ખૂબ જ અલૌકિક દ્રશ્ય છે. આપણો દેશ તો એટલો વિશાળ છે અને એટલી મહાન ઋષિ પરંપરા છે કે એક એકથી ચડિયાતા તપસ્વી આજે પણ ભારતના દરેક ખૂણે આધ્યાત્મિક ચેતનાને જગાવી રહ્યા છે. એવા અનેક સંતગણ આજે દેશના દરેક ખૂણે અને આજે અહિંયા પણ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ સંબોધનમાં જો હું તેમનો માત્ર ઉલ્લેખ જ કરવા માગું તો કદાચ એક સપ્તાહનો સમય ઓછો પડશે. અને જો એક પણ નામ રહી ગયું હોય તો હું કદાચ પાપના બોજમાં જીવનભર દબાયેલો રહીશ. મારી ઈચ્છા હોવા છતાં પણ હું અત્યારે આપ સૌનો નામોલ્લેખ કરી શકતો નથી, પણ હું આ તમામ લોકોને આદરપૂર્વક  પ્રણામ કરૂં છું. તેઓ જ્યાંથી પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે તેમના આશીર્વાદ આપણી ખૂબ મોટી તાકાત છે. અનેક પવિત્ર કાર્ય કરવા માટે તેમના આશીર્વાદ આપણને શક્તિ પૂરી પાડશે એવો મને પૂરો વિશ્વાસ છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કેઃ

આવાહનમ ન જાનામિ,

ન જાનામિ વિસર્જનમ,

પૂજામ ચૈવ ના

જાનામી ક્ષમસ્વ પરમેશ્વરઃ!

 

એટલા માટે હું હૃદયપૂર્વક આવા તમામ વ્યક્તિઓની માફી માંગતા આ પવિત્ર અવસરે દેશના ખૂણે ખૂણેથી આ કાર્યક્રમમાં જોડાયેલા શંકરાચાર્ય, ઋષિગણ, મહાન સંત પરંપરાના તમામ અનુયાયી, હું આપ સૌને અહીંથી પ્રણામ કરતા આપ સૌના આશીર્વાદ માંગુ છું.

સાથીઓ,

 

આપણાં ઉપનિષદોમાં, આદિ શંકરાચાર્યજીની રચનાઓમાં ઘણાં સ્થળે 'નેતિ- નેતિ' નો ઉલ્લેખ થયેલો છે. જ્યારે પણ જુઓ, 'નેતિ- નેતિ' કહીને એક ભાવ વિશ્વનો વિસ્તાર કરવામાં આવ્યો છે. રામચરિત માનસમાં પણ આપણે જોઈએ તો તેમાં પણ આ બાબતનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. અલગ રીતે વાત કરવામાં આવી છે અને રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કેઃ

'અવિગત અકથ અપાર, અવિગત અપાર

નેતિ નેતિ નિત નિગમ કહ' 'નેતિ નેતિ નિત નિગમ કહ'

આનો અર્થ એવો થાય છે કે કેટલાક અનુભવ એટલા અલૌકિક હોય છે કે, એટલા અનંત હોય છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતા નથી. બાબા કેદારનાથજીના શરણમાં હુ જ્યારે પણ આવું છું, અહીંના કણ- કણ સાથે જોડાઈ જઉં છું. અહીંની હવા, હિમાલયના આ શિખરો, બાબા કેદારનું આ સાનિધ્ય, ન જાણે કેવી અનુભૂતિ તરફ ખેંચીને લઈ આવે છે, તેના માટે મારી પાસે શબ્દો જ નથી. દિવાળીના આ પવિત્ર પર્વ પર કાલે હું સરહદ પર આપણાં સૈનિકોની સાથે હતો અને આજે આ સૈનિકોની ભૂમિ પર છું. મેં તહેવારોનો આનંદ, મારા દેશના જવાન વીર સૈનિકો સાથે વહેંચ્યો છે.  દેશવાસીઓને પ્રેમનો સંદેશ, દેશવાસીઓ તરફ તેમની શ્રધ્ધા, દેશવાસીઓના તેમના આશીર્વાદ, 130 કરોડ આશીર્વાદ સાથે લઈને હું કાલે સેનાના જવાનોની વચ્ચે ગયો હતો. ગોવર્ધન પૂજાના દિવસે અને ગુજરાતના લોકો માટે તો આજ નવું વર્ષ છે. ગોવર્ધન પૂજાના દિવસે કેદારનાથજીમાં મને દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બાબા કેદારનાથ દર્શનની સાથે સાથે હમણાં મેં આદિ શંકરાચાર્યજીના સમાધિ સ્થળમાં કેટલીક પળો વિતાવી તે એક દિવ્ય અનુભૂતિની પળો હતી. સામે બેસતાં જ લાગી રહ્યું હતું કે આદિ શંકરાચાર્યજીની આંખોમાંથી તે તેજ પૂંજ, તે પ્રકાશ પૂંજ પ્રવાહિત થઈ રહ્યો છે, જે ભવ્ય ભારતનો વિશ્વાસ જગાવી રહ્યો છે. શંકરાચાર્યજીની સમાધિ ફરી એકવાર વધુ દિવ્ય સ્વરૂપ સાથે આપણાં સૌની વચ્ચે છે. તેની સાથે સાથે સરસ્વતી તટ ઉપર ઘાટનું નિર્માણ થઈ ચૂક્યુ છે અને મંદાકિની નદી પર બનેલા પૂલથી ગરૂણચટ્ટીના એ માર્ગને સુગમ બનાવવામાં આવ્યો છે. ગરૂણચટ્ટી સાથે તો મારો વિશેષ નાતો રહેલો છે, અહિંયા એક- બે લોકો જે જૂના છે તે મને ઓળખી જાય છે. મેં તમારા દર્શન કર્યા તો મને સારૂ લાગ્યું. સાધુ તો ચલતા ભલા. આનો અર્થ એ થાય છે કે જૂના લોકો તો હવે જતા રહ્યા છે. કેટલાક લોકો તો આ સ્થળને પણ છોડીને ચાલ્યા ગયા છે. કેટલાક લોકો આ ભૂમિને છોડીને ચાલ્યા ગયા છે. હવે મંદાકિનીના કાંઠે, પૂરથી સુરક્ષા માટે જે દિવાલનું નિર્માણ કરવામાં આવ્યુ છે તેના કારણે શ્રધ્ધાળુઓની યાત્રા હવે વધુ સુરક્ષિત બનશે. તિર્થ પુરોહિતો માટે બનેલા નવા આવાસને કારણે તેમને દરેક મોસમમાં સરળતા રહેશે. ભગવાન કેદારનાથની સેવા તેમના માટે હવે થોડી આસાન બનશે, થોડી સરળ બનશે. અને અગાઉ મેં જોયેલુ છે કે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે યાત્રી અહીંયા ફસાઈ જાય છે ત્યારે આ પુરોહિતોના ઘરમાં જ એક એક રૂમમાં આ લોકો પોતાનો સમય વિતાવે છે અને મેં જોયું છે કે આપણે ત્યાં પુરોહિત જાતે બહાર ઠંડીમાં થથરતા હતા, પણ પોતાના યજમાન આવ્યા હોય તો તેમની ચિંતા કરતા હતા. આ બધુ મેં જોયુ છે. તેમનો ભક્તિભાવ મેં જોયો છે. હવે આ બધી મુસિબતોમાંથી તેમને મુક્તિ મળવાની છે.

 

સાથીઓ,

આજે અહીંયા યાત્રાળુઓની સેવા અને સુવિધા સાથે જોડાયેલી અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. પર્યટક સુવિધા કેન્દ્રનું નિર્માણ થાય, યાત્રાળુઓ અને આ વિસ્તારના લોકોની સુવિધા માટે આધુનિક હોસ્પટલ હોય, સારી સુવિધા ધરાવતી હોસ્પિટલ હોય, રેઈન શેલ્ટર હોય, આ તમામ સુવિધાઓ શ્રધ્ધાળુઓની સેવા માટેનું માધ્યમ બનશે. તેમની યાત્રા હવે કષ્ટથી મુક્ત થશે. કેદાર સાથે જોડાયેલા ભગવાન શિવની ચરણોમાં લીન થવાનો યાત્રાળુઓને એક સુખદ અનુભવ પ્રાપ્ત થશે.

સાથીઓ,

વર્ષો પહેલાં અહીંયા જે તબાહી મચી હતી, જે પ્રકારે અહીંયા નુકસાન થયું હતું તે અકલ્પનિય હતું. હું મુખ્ય મંત્રી તો ગુજરાતનો હતો, પણ મારી જાતને હું રોકી શક્યો ન હતો. દોડીને અહીં આવ્યો હતો. મારી નજર સમક્ષ મેં આ તબાહી જોઈ છે. તે દર્દને જોયું છે. જે લોકો અહીંયા આવતા હતા તે વિચારતા હતા કે શું હવે આપણું આ કેદારધામ, આ કેદારપૂરી ફરીથી ઉભુ થઈ શકશે. પરંતુ મારી અંદરનો આત્મા એવું કહી રહયો હતો કે તે અગાઉ કરતાં પણ વધુ આન, બાન અને શાન સાથે તૈયાર થશે. અને મારો આ વિશ્વાસ બાબા કેદારને કારણે જ હતો. આદિશંકરની સાધનાને કારણે હતો. ઋષિમુનિઓની તપસ્યાઓને કારણે હતો, પરંતુ સાથે સાથે કચ્છના ભૂકંપ પછી કચ્છને ઉભું કરવાનો મારી પાસે અનુભવ પણ હતો અને એટલા માટે મને વિશ્વાસ હતો. અને આજે એ વિશ્વાસ મારી આંખો સામે સાકાર થતો જોઈ રહ્યો છું. જીવનમાં આનાથી મોટો કયો સંતોષ હોઈ શકે છે. હું તેને મારૂં સૌભાગ્ય માનું છું કે બાબા કેદારના, સંતોના આશીર્વાદથી આ પવિત્ર ધરતીએ, જે માટીએ, જે હવાએ ક્યારેક મારૂં પાલનપોષણ કર્યું હતું તેમની સેવા કરવાનું જીવનમાં મને સૌભાગ્ય મળ્યું તેનાથી મોટુ કયું પુણ્ય હોઈ શકે. આ આદિ ભૂમિ પર શાશ્વતની સાથે આધુનિકતાનો આ સુમેળ વિકાસના આ કામ, ભગવાન શંકરની સહજ કૃપાનું જ પરિણામ છે. આ ઈશ્વર ક્રેડિટ લઈ શકતો નથી. માનવી ક્રેડિટ લઈ શકે છે. ઈશ્વર કૃપા જ તેની હક્કદાર છે. મેં આ પાવન પ્રયાસ માટે ઉત્તરાખંડ સરકારનો, આપણાં ઊર્જાવાન નવયુવાન મુખ્યમંત્રી ધામીજીનો અને આ કામની જવાબદારી ઉપાડી લેનાર તમામ લોકોને પણ આજે હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું, કે જેમણે એડી- ચોટીનું જોર લગાવીને આ સપનાં પૂરા કર્યા છે. મને ખ્યાલ છે કે અહીંયા બરફવર્ષા વચ્ચે કેવી રીતે એટલે કે સમગ્ર વર્ષ દરમ્યાન કામ કરવું કેટલુ મુશ્કેલ બની રહે છે, અહીંયા કેટલો ઓછો સમય મળે છે, પરંતુ બરફ વર્ષાની વચ્ચે પણ આપણાં શ્રમિક ભાઈ- બહેનો કે જે આ પહાડી વિસ્તારના ન હતા અને બહારથી આવ્યા હતા તે ભગવાનનું કામ માનીને બરફ વર્ષા વચ્ચે પણ માઈનસ ઉષ્ણતામાનની વચ્ચે કામ છોડીને જતા ન હતા, કામ કરતા જ રહેતા હતા એટલે જ આ કામ થઈ શક્યું છે. મારૂં મન અહીંયા જ લાગેલું રહેતું હતું. વચ્ચે વચ્ચે ડ્રોનની મદદથી, ટેકનોલોજીની મદદથી મારી ઓફિસમાંથી એક પ્રકારે વર્ચ્યુઅલ યાત્રા કરતો હતો. હું સતત તેની બારીકીઓ અંગે ધ્યાન રાખતો હતો. કામ કેટલે પહોંચ્યું, મહિના પહેલાં કેટલું કામ થયું હતું, આ મહિને કેટલે પહોંચ્યા તે બધુ સતત જોતો રહેતો હતો. હું કેદારનાથ મંદિરના રાવલ અને તમામ પૂજારીઓનો પણ આજે વિશેષ સ્વરૂપે આભાર વ્યક્ત કરૂં છું, કારણ કે તેમના સકારાત્મક અભિગમને કારણે અને તેમના સકારાત્મક પ્રયાસોના કારણે તે પરંપરાઓ અંગે અમને જે માર્ગદર્શન આપતા રહેતા હતા, તેના કારણે જ અમે આ પૌરાણિક વારસાને પણ બચાવી શકયા છીએ. આ માટે હું આ પૂજારીઓ, આ રાવલ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું.

 

આદિ શંકરાચાર્યજી અંગે આપણાં વિદ્વાનોએ કહ્યું છે કે શંકરાચાર્યજી અંગે દરેક વિદ્વાન જણાવે છે કે "શંકરો શંકરઃ સાક્ષાત" નો અર્થ એ થાય છે કે આચાર્ય શંકર, સાક્ષાત ભગવાન શંકરનું જ સ્વરૂપ હતા. આ મહિમા, આ દેવત્વ તમે તેમના જીવનની દરેક ક્ષણ અંગે અનુભવ કરી શકો છો. તેમની તરફ જરા નજર નાંખશો તો સમગ્ર સ્મૃતિ સામે આવી જાય છે. નાની ઉંમરના બાળકમાં આ અદ્દભૂત બોધ! બાળ ઉંમરમાં જ શાસ્ત્રોનું જ્ઞાન- વિજ્ઞાનનું ચિંતન! અને જે ઉંમરમાં એક સાધારણ માનવી સંસારની વાતોમાં થોડુંક જોવા- સમજવાનું શરૂ કરતો હોય છે ત્યારે થોડીક જાગૃતિનો પ્રારંભ થાય છે. આ ઉંમરમાં વેદાંતના ઊંડાણને, સાંગોપાંગ વિવેચન તેની વ્યાખ્યા અવિરત રીતે કરતા રહેતા હતા. આ શંકરની અંદર સાક્ષાત શંકરત્વના જાગરણ સિવાય કશું થઈ શકતું ન હતું. આ શંકરત્વનું જાગરણ હતું.

સાથીઓ,

અહીંયા સંસ્કૃત અને વેદોના મોટા મોટા પંડિતો બેસતા હતા અને વર્ચ્યુઅલી પણ તે આપણી સાથે જોડાયેલા છે. તમે જાણો છો કે શંકરનો સંસ્કૃતમાં અર્થ ખૂબ સરળ છે "શમ કરોતિ સઃ શંકરઃ" નો અર્થ એ થાય છે કે જે કલ્યાણ કરે છે તે જ શંકર છે. આ કલ્યાણને પણ આચાર્ય શંકરે પ્રત્યક્ષ પ્રમાણિત કર્યું હતું. તેમના માટે રાત- દિવસ પોતાની ચેતનાને સમર્પિત કરતા રહ્યા હતા. જ્યારે ભારત રાગ- દ્વેષના વમળમાં ફસાઈને પોતાનું સંગઠીતપણું ખોઈ રહ્યું હતું ત્યારે એટલે કે સંત કેટલે દૂર સુધી જોઈ શકતા હતા. તે સમયે શંકરાચાર્યજીએ કહ્યું હતું કે "ન મે દ્વેષ રાગૌ, ન મે લોગ મોહૌ, મદો નૈવ, મે નૈવ, માત્સર્ય ભાવઃ" નો અર્થ એ થાય છે કે રાગ, દ્વેષ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહમ્ આ બધું આપણાં સ્વભાવમાં નથી. જ્યારે ભારતને જાતિ અને પંથની સીમાઓથી બહાર જોવા માટે, શંકા- આશંકાથી ઉપર ઉઠીને માનવજાતની જ્યારે જરૂરિયાત હતી ત્યારે તેમણે ચેતના ફૂંકી તો આદિ શંકરે કહ્યું કે "ન મે મૃત્યુ-શંકા, ન મે જાતિભેદ" નો અર્થ એ થાય છે કે વિનાશની શંકાઓ, નાત- જાતનો ભેદ જેવી આપણી પરંપરા સાથે મારે કોઈ લેવા-દેવા નથી, કોઈ હિસ્સો નથી, આપણે શું છીએ, આપણું દર્શન અને વિચાર શું છે તે બતાવવા માટે આદિ શંકરે કહ્યું હતું કે "ચિદાનન્દ રૂપઃ શિવોહમ"નો અર્થ એ થાય છે કે આનંદ સ્વરૂપ શિવ આપણે જ છીએ. જીવત્વમાં શિવત્વ છીએ. અને અદ્વૈતનો સિધ્ધાંત ક્યારેક ક્યારેક અદ્વૈતના સિધ્ધાંતને સમજાવવા માટે મોટા મોટા ગ્રંથોની જરૂર પડતી હોય છે. હું તો એટલો વિદ્વાન નથી, પણ મારી વાતને હું સરળ ભાષામાં સમજુ છું અને હું એટલું જ કહેવા માંગુ છું કે જ્યાં દ્વૈત નથી, ત્યાં અદ્વૈત છે. શંકરાચાર્યજીએ ભારતની ચેતનામાં ફરીથી પ્રાણ ફૂંક્યા અને આપણને આપણી આર્થિક અને પરમાર્થ  ઉન્નતિનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું છે કે "જ્ઞાન વિહીનઃ" જુઓ, જ્ઞાનની ઉપાસનાનો મહિમા કેટલું મહત્વ ધરાવે છે. "જ્ઞાન વિહીનઃ સર્વ મતેન મુક્તિમ્ ન ભજતિ જન્મ સતેન" નો અર્થ એ થાય છે કે દુઃખ, કષ્ટ અને કઠણાઈઓથી આપણી મુક્તિનો એક જ માર્ગ છે અને તે છે જ્ઞાન. ભારતની  જ્ઞાન, વિજ્ઞાન અને  દર્શનની કાળથી પર જે પરંપરા છે તેને આદિ શંકરાચાર્યજીએ ફરીથી પુનર્જીવિત કરી, તેમાં ચેતના ભરી દીધી.

 

સાથીઓ,

એક સમય એવો હતો કે જ્યારે આધ્યાત્મને, ધર્મને માત્ર રૂઢિઓ સાથે જોડીને કેટલીક એવી ખોટી મર્યાદાઓ અને કલ્પનાઓ સાથે જોડીને જોવામાં આવતો હતો, પરંતુ ભારતનું દર્શન તો માનવ કલ્યાણની જ વાત કરે છે. જીવનને પૂર્ણતાની સાથે સર્વાંગી અભિગમ, સર્વાંગી માર્ગમાં તરીકે જુએ છે. આદિ શંકરાચાર્યજીએ સમાજને આ સત્યથી પરિચિત કરાવવાનું કામ કર્યું હતું. તેમણે પવિત્ર મઠોની સ્થાપના કરી, ચાર ધર્મોની સ્થાપના કરી. દ્વાદશ જ્યોતિર્લિંગોની પુનઃજાગૃતિનું કામ કર્યું. તેમણે તમામ બાબતો છોડીને દેશ, સમાજ અને માનવતા માટે જીવનારા લોકોની એક સશક્ત પરંપરા ઉભી કરી. આજે તેમનું આ અધિષ્ઠાન ભારત અને ભારતીયતાની એક પ્રકારે મજબૂત ઓળખ બની રહી છે. આપણાં માટે ધર્મ શું છે, ધર્મ અને જ્ઞાનનો સંબંધ શું છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે "અથાતો બ્રહ્મ જીજ્ઞાસા" નો મંત્ર આપનારી ઉપનિષદિય પરંપરા શું છે કે જે દરેક પળે આપણને સવાલ કરવાનું શિખવે છે. અને ક્યારેક તો બાળક નચિકેતા યમના દરબારમાં જઈને યમની આંખોમાં આંખો પરોવીને પૂછી લે છે કે યમને પૂછે છે કે મૃત્યું શુ છે?  મને જણાવો. પ્રશ્ન પૂછવો, જ્ઞાન પ્રાપ્ત કરવું, 'અથાતો બ્રહ્મ જીજ્ઞાસા ભવઃ'  એટલે કે આપણો આ વારસો આપણાં મઠોમાં હજારો વર્ષોથી જીવંત રાખવામાં આવ્યો છે. તેને સમૃધ્ધ કરી રહ્યા છે. સંસ્કૃત હોય, સંસ્કૃત ભાષામાં વૈદિક ગણિત જેવું વિજ્ઞાન હોય, આ મઠોમાં આપણી શંકરાચાર્યની પરંપરા તે બધાનું રક્ષણ કરી રહી છે. પેઢી દર પેઢી માર્ગ બતાવવાનું કામ કરી રહી છે. હું સમજું છું કે આજે વર્તમાન સમયમાં શંકરાચાર્યજીના સિધ્ધાંત વધુ પ્રમાણમાં પ્રાસંગિક બની ગયા છે.

 

સાથીઓ,

 આપણે ત્યાં સદીઓથી ચાર ધામ યાત્રાનું મહત્વ રહ્યુ છે. દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનની, શક્તિપીઠોના દર્શનની, અષ્ટ વિનાયકજીના દર્શનની આ સમગ્ર યાત્રાની પરંપરા, આ તિર્થ યાત્રા આપણે ત્યાં જીવનકાળનો હિસ્સો માનવામાં આવે છે. આ તીર્થ યાત્રા આપણે ત્યાં સૈર સપાટા અને પર્યટન નથી, પણ ભારતને જોડનારી, ભારતનો પરિચય કરાવનારી એક જીવંત પરંપરા છે. આપણે ત્યાં દરેકને કોઈપણ વ્યક્તિ હોય તેને ઈચ્છા થતી હોય છે કે જીવનમાં ઓછામાં ઓછી એક વખત ચાર ધામની યાત્રા થાય તો સારૂં. દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી લો, મા ગંગામાં એક વખત સ્નાન તો જરૂર કરવું જોઈએ. પહેલાં આપણે બાળકોથી શરૂઆત કરીને આપણે શિખતા હતા. એવી પરંપરા હતી કે બાળકોને ઘરમાં શિખવવામાં આવતું હતું કે "સૌરાષ્ટ્રે સોમનાથંચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ" બાળપણમાં શિખવવામાં આવતું હતું કે દ્વાદશ જ્યોતિર્લિંગનો આ મંત્ર ઘેર બેઠા બેઠા જ સમગ્ર ભારતની, એક વિશાળ ભારતની રોજે રોજ યાત્રા કરાવે છે. બાળપણથી જ દેશના અલગ અલગ હિસ્સા સાથેનું આ જોડાણ એક સહજ સંસ્કાર બની જતો હતો. આ આસ્થા, આ વિચાર, પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી ભારતને એક જીવંત એકમમાં બદલી દેતો હતો. રાષ્ટ્રિય એકતાની તાકાતને વધારનારૂં, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ભવ્ય દર્શન સહજ જીવનનો એક હિસ્સો હતું. બાબા કેદારનાથના દર્શન કરીને દરેક શ્રધ્ધાળુ એક નવી ઊર્જા લઈને જતો હતો.

સાથીઓ,

આદિ શંકરાચાર્યજીના આ વારસાને, આ ચિંતનને આજે દેશ પોતાના માટે એક પ્રેરણા તરીકે જુએ છે. હવે આપણાં સાંસ્કૃતિક વારસાને, આસ્થાના કેન્દ્રોને એવા જ ગૌરવ ભાવથી જોવામાં આવી રહ્યા છે કે જે રીતે તેમને જોવા જોઈતા હતા. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે તૈયાર થઈ રહ્યું છે. અયોધ્યાને તેનું ગૌરવ સદીઓ પછી પાછું મળી રહ્યું છે. હજુ બે દિવસ પહેલાં જ અયોધ્યામાં દિપોત્સવનું ભવ્ય આયોજન સમગ્ર વિશ્વએ જોયું છે. ભારતનું પ્રાચીન સાંસ્કૃતિક સ્વરૂપ કેવું રહ્યું હશે તેની આજે આપણે કલ્પના કરી શકીએ તેમ છીએ. તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં જ કાશીનો કાયા-કલ્પ થઈ રહ્યો છે. વિશ્વનાથ ધામની કામગીરી ઝડપથી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. બનારસમાં સારનાથની નજીકમાં કુશીનગર, બોધ ગયા જેવી જગાઓએ એક બુધ્ધ સરકીટનું આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓને આકર્ષણ પૂરૂ પાડવા માટે, વિશ્વને, બુધ્ધના ભક્તોને આકર્ષિત કરવા માટે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભગવાન રામ સાથે જોડાયેલા જેટલા પણ યાત્રા ધામ છે તેને જોડીને એક સંપૂર્ણ સરકીટ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મથુરા- વૃંદાવનમાં પણ વિકાસની સાથે સાથે ત્યાંની શૂચિતા, પવિત્રતા બાબતે સંતોને આધુનિકતા તરફ વાળવામાં આવી રહયા છે, ભાવનાઓનો ખ્યાલ રાખવામાં  આવી રહ્યો છે. આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે આજનું ભારત આદિ શંકરાચાર્ય જેવા આપણાં મનિષીઓના નિર્દેશોમાં શ્રધ્ધા રાખીને તેમનું ગૌરવ કરતાં કરતાં આગળ ધપી રહ્યું છે.

 

સાથીઓ,

આ સમયે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યો છે. દેશ પોતાના ભવિષ્ય માટે, પોતાના પુનઃનિર્માણ માટે એક નવો સંકલ્પ લઈ રહ્યો છે. અમૃત મહોત્સવના આ બધા સંકલ્પોમાંથી આદિ શંકરાચાર્યને એક ખૂબ મોટી પ્રેરણા તરીકે હું જોઈ રહ્યો છું.

 

જ્યારે દેશ પોતાના માટે મોટા લક્ષ્ય નક્કી કરે છે, કઠીન સમય અને માત્ર સમય જ નહીં, સમયની સીમા પણ નિર્ધારિત કરે છે ત્યારે કેટલાક લોકો કહે છે કે આટલા ઓછા સમયમાં આટલું બધુ કામ કેવી રીતે થશે! થશે કે નહી થાય! અને ત્યારે મારી અંદરથી એક અવાજ ઉઠે છે કે 130 કરોડ દેશવાસીઓનો અવાજ મને સંભળાય છે અને મારા મુખેથી એવું નિકળે છે કે, એક જ બાબત નિકળે છે કે સમયના વ્યાપમાં બંધાઈને ભયભીત થવું તે હવે ભારતને મંજૂર નથી. તમે જુઓ, આદિ શંકરાચાર્યજીએ નાની ઉંમરમાં, તેમની ઉંમર નાની હતી ત્યારે જ તેમણે ઘર છોડી દીધુ હતુ અને સન્યાસી બની ગયા હતા. ક્યાં કેરળનું કાલડી અને ક્યાં કેદાર, ક્યાંથી ક્યાં ચાલી નિકળ્યા હતા. સન્યાસી બન્યા, ખૂબ જ નાની ઉંમરમાં આ પવિત્રભૂમિમાં તેમનું શરીર આ ધરતીમાં વિલીન થઈ ગયું. તેમણે આટલા ઓછા સમયમાં ભારતની ભૂગોળને ચૈતન્ય કરી દીધી, ભારત માટે એક નવુ ભવિષ્ય ઘડી કાઢ્યું. તેમણે જે ઊર્જા પ્રજવલ્લિત કરી તે આજે પણ ભારતને ગતિશીલ રાખી રહી છે અને આવનારા હજારો વર્ષો સુધી ગતિશીલ બનાવી રાખશે. આવી રીતે સ્વામિ વિવેકાનંદજીને જુઓ તો આઝાદીના સંગ્રામના અનેક સેનાનીઓને જુઓ તો એવા કેટલા મહાન આત્માઓ છે, મહાન વિભૂતિઓ છે કે જે આ ધરતી પર પ્રગટ થયા છે. તેમણે સમયની સિમાઓનું ઉલ્લંઘન કરીને નાના સરખા કાલખંડમાં અનેક યુગનું ઘડતર કર્યું છે. આ ભારત, આ મહાન વિભૂતિઓને પ્રેરણાને આધારે ચાલે છે. આપણે એક પ્રકારે શાશ્વતનો સ્વીકાર કરતા રહીને, આપણે ક્રિયાશીલતા પર વિશ્વાસ કરીએ છીએ એવા જ આત્મવિશ્વાસ સાથે દેશ આજે આગળ ધપી રહ્યો છે. અને આવા સમયમાં હું દેશવાસીઓને એક આગ્રહ કરવા માંગુ છું કે આઝાદીના સંગ્રામ સાથે જોડાયેલા કેટલાક ઐતિહાસિક સ્થળોને જોવાની સાથે સાથે લોકો આવા પવિત્ર સ્થળોએ વધુને વધુ પ્રમાણમાં જાય, નવી પેઢીને સાથે લઈને જાય, તેમને પરિચિત કરે, મા ભારતીનો સાક્ષાતકાર કરે,  હજારો વર્ષોની મહાન પરંપરાની ચેતનાની અનુભૂતિ કરાવે. આઝાદીના અમૃતકાળમાં સ્વતંત્રતા આઝાદીનો એક મહોત્સવ બની શકે તેમ છે. દરેક ભારતીયના દિલમાં ભારત માટે દરેક ખૂણે ખૂણે દરેક કાંકરામાં શંકરનો ભાવ જાગી શકે છે. અને એટલા માટે નીકળી પડવાનો આ સમય છે. જેમણે ગુલામીના સેંકડો વર્ષના કાલખંડને આપણી આસ્થા સાથે બાંધી રાખીને આપણી આસ્થાને ક્યારેય આંચ આવવા દીધી નથી. ગુલામીના કાલખંડમાં આ કોઈ નાની સેવા નથી. આઝાદીના કાલખંડમાં આ મહાન સેવાને, તેના પૂજનને, તેનું તર્પણ કરીને અહીંયા તપ કરવું, ત્યાં સાધના કરવી તે ભારતના નાગરિકોનું કર્તવ્ય નથી અને એટલા માટે જ હું કહું છું કે એક નાગરિક તરીકે આપણે આ પવિત્ર સ્થળોના પણ  દર્શન કરવા જોઈએ. આ સ્થળોનો મહિમા પણ જાણવો જોઈએ.

 

સાથીઓ,

દેવભૂમિ પ્રત્યે અપાર શ્રધ્ધા રાખતાં રાખતાં અહીંયા અપાર સંભાવનાઓ પર વિશ્વાસ કરીને આજે ઉત્તરાખંડની સરકાર અહીં વિકાસના મહાયજ્ઞમાં જોડાઈ છે. સમગ્ર તાકાત લગાવીને જોડાઈ ગઈ છે. ચાર ધામ સડક યોજના અંગે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ચાર ધામ હાઈવે સાથે જોડાઈ રહયા છે. ભવિષ્યમાં અહીંથી કેદારનાથજી સુધી શ્રધ્ધાળુ માત્ર કાર મારફતે આવી શકે, તેની સાથે જોડાયેલી પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. અહીંયા નજીકમાં જ હેમકુંડ સાહેબજીના દર્શન સરળ બની રહે તે માટે પણ ત્યાં રોપ વે બનાવવાની તૈયારી છે. આ સિવાય ઋષિકેશ અને કર્ણ પ્રયાગને રેલવેથી જોડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. હમણાં મુખ્ય મંત્રીજી જણાવી રહ્યા હતા કે પહાડના લોકોને રેલવે જોવાનું પણ દુષ્કર બની રહેતું હોય છે. હવે રેલવે પણ આવી રહી છે. દિલ્હી- દહેરાદૂન હાઈવે બન્યા પછી દહેરાદૂનથી દિલ્હી જનારા લોકો માટે હવે સમય ઓછો લાગવાનો છે. આ બધા કામોથી ઉત્તરાખંડને, ઉત્તરાખંડના પર્યટનને ઘણો મોટો લાભ થવાનો છે. અને મારા શબ્દો લખી રાખો કે ઉત્તરાખંડમાં જે ઝડપી ગતિથી માળખાકિય સુવિધાઓ તૈયાર થઈ રહી છે, વિતેલા 100 વર્ષમાં જેટલા શ્રધ્ધાળુઓ અહીંયા આવ્યા છે તેટલા અને કદાચ તેથી પણ વધુ આવનારા 10 વર્ષમાં આવવાના છે. તમે કલ્પના કરી શકો છો કે અહીંની અર્થવ્યવસ્થાને કેટલી મોટી તાકાત પ્રાપ્ત થવાની છે. 21મી સદીનો આ ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો છે. મારા શબ્દો લખીને રાખો. હું પવિત્ર ધરતી પરથી બોલી રહ્યો છું. હાલના સમયમાં આપણે સૌએ જોયું છે કે ચાર ધામ યાત્રામાં આવનારા શ્રધ્ધાળુઓની સંખ્યા સતત વિક્રમ તોડી રહી છે અને જો કોરોના ના હોત તો નજાણે આ સંખ્યા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હોત. ઉત્તરાખંડમાં મને આ બાબતે પણ આનંદ થઈ રહ્યો છે. ખાસ કરીને મારી માતાઓ અને બહેનોની તાકાતનું એક અલગ સામર્થ્ય હોય છે, જે રીતે ઉત્તરાખંડના નાના નાના સ્થળોએ કુદરતના ખોળામાં હોમસ્ટેનું એક નેટવર્ક બની રહ્યું છે. સેંકડો હોમસ્ટે બની રહ્યા છે અને માતાઓ તથા બહેનો જે પણ યાત્રાળુઓ આવે છે તે હોમસ્ટેને પસંદ કરવા લાગ્યા છે. રોજગારી પણ મળવા લાગી છે. સ્વાભિમાનથી જીવવાની તક પણ પ્રાપ્ત થવાની છે. અહીંની સરકાર જે રીતે વિકાસના કાર્યોમાં જોડાઈ ગઈ છે તેનાથી વધુ એક લાભ પણ થયો છે. અહીંયા હંમેશા એવું કહેવામાં આવતું હતું કે પહાડનું પાણી અને પહાડની જવાની ક્યારેય પહાડ કરતાં ઓછી હોતી નથી. મેં આ બાબતને બદલી નાંખી છે. હવે પાણી પણ પહાડને કામમાં આવશે અને જવાની પણ પહાડના કામમાં આવશે. સ્થળાંતર રોકવાનું છે, એક પછી એક જે સ્થળાંતર થઈ રહ્યું છે. ચાલો સાથીઓ, મારા નવયુવાન સાથીઓ, આ દાયકો તમારો છે. ઉત્તરાખંડનો છે, ઉજ્જવળ ભવિષ્યનો છે. બાબા કેદારના આશીર્વાદ તમારી સાથે છે.

 

આ દેવભૂમિ માત્ર માતૃભૂમિનું રક્ષણ કરનારા અનેક દીકરા- દીકરીઓનું જન્મ સ્થળ પણ છે. અહીંનું કોઈ ઘર કે કોઈ ગામ એવું નથી કે જ્યાં પરાક્રમની ગાથાનો કોઈ પરિચય ના હોય. આજે દેશ જે રીતે પોતાની સેનાઓનું આધુનિકીકરણ કરી રહ્યો છે, તેને આત્મનિર્ભર બનાવી રહ્યો છે. તેનાથી આપણાં સૈનિકોની તાકાત વધુને વધુ વધી રહી છે. આજે તેમની જરૂરિયાતને, તેમની અપેક્ષાઓને તેમના પરિવારની જરૂરિયાતોને ખૂબ જ અગ્રતા આપીને કામ કરવામાં આવી રહ્યું છે. આ અમારી એ સરકાર છે કે જેણે વન રેન્કવન પેન્શન ની ચાર દાયકા જૂની માંગણી, વિતેલી શતાબ્દિની માંગણી, આ શતાબ્દિમાં પૂરી કરી છે. મને સંતોષ છે કે મારા દેશની સેનાને, સેનાના જવાનો માટે કશુંક કરવાની મને તક મળી છે અને તેનો લાભ તો ઉત્તરાખંડના આશરે હજારો પરિવારોને મળ્યો છે. નિવૃત્ત પરિવારોને મળ્યો છે.

સાથીઓ,

ઉત્તરાખંડે કોરોના વિરૂધ્ધની લડાઈમાં જે રીતે શિસ્ત દેખાડી છે તે ખૂબ જ અભિનંદનીય અને પ્રશંસાપાત્ર છે. ભૌગોલિક તકલીફોને પાર કરીને આજે ઉત્તરાખંડે, ઉત્તરાખંડના લોકોએ રસીના 100 ટકા સિંગલ ડોઝનું ધ્યેય પાર કરી દીધું છે. ઉત્તરાખંડની તાકાત બતાવી દીધી છે. ઉત્તરાખંડનું સામર્થ્ય દેખાડયું છે. જે લોકો પહાડોથી પરિચીત છે તેમને ખબર છે કે આ કામ આસાન નથી. કલાકોના કલાકો સુધી પહાડના શિખરો પર જઈને બે કે પાંચ પરિવારનું રસીકરણ કરીને રાતોની રાતો સુધી ચાલીને ઘરે પહોંચવું પડે છે. કેટલી તકલીફ પડતી હશે તેનો હું અંદાજ લગાવી શકું છું. તે પછી ઉત્તરાખંડે જે કામ કર્યું છે અને દરેક નાગરિકની જિંદગી બચાવી છે તેના માટે મુખ્ય મંત્રીજી તમને અને તમારી ટીમને હું અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે જેટલી ઉંચાઈ ઉપર ઉત્તરાખંડ વસેલુ છે તેનાથી પણ વધુ ઉંચાઈ મારૂં ઉત્તરાખંડ હાંસલ કરીને રહેશે. બાબા કેદારની ભૂમિથી આપ સૌના આશીર્વાદથી દેશના ખૂણે ખૂણા સુધી સંતોના, મહંતોના, ઋષિમુનિઓના, આચાર્યોના આશીર્વાદની સાથે સાથે આ પવિત્ર ધરતીના અનેક સંકલ્પોની સાથે તમે આગળ ધપો. આઝાદીના અમૃતમહોત્સવમાં દેશને નવી ઉંચાઈ સુધી લઈ જવાનો સંકલ્પ દરેક વ્યક્તિ કરે. દિવાળી પછી એક નવા ઉમંગ, એક નવા પ્રકાશ, નવી ઊર્જા આપણને નવું કરવાની તાકાત પૂરી પાડે. હું ફરી એકવાર ભગવાન કેદારનાથના ચરણોમાં, આદિ શંકરાચાર્યજીના ચરણોમાં પ્રણામ કરીને આપ સૌને ફરી એક વખત દિવાળીના મહાપર્વથી માંડીને છઠ્ઠ પૂજા સુધી અનેક પર્વ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારી સાથે પ્રેમથી બોલો, ભક્તિથી બોલો, જોસ સાથે બોલો જય કેદાર!

જય કેદાર!

જય કેદાર!

ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.