નમસ્કાર આસામ !
શ્રીમંત શંકરદેવના કર્મસ્થાન અને સંતોની ભૂમિ મજૂલીને મારા પ્રણામ ! કેન્દ્રના મંત્રી મંડળના મારા સહયોગી શ્રી નિતીન ગડકરીજી, શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી મનસુખ માંડવીયાજી, આસામના મુખ્ય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી, મેઘાલયના મુખ્ય મંત્રી શ્રી કોનરેડ સંગમાજી, આસામના નાણાં મંત્રી ડો. હેમંતા બિસ્વા સરમાજી અને આસામના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો મને એવું લાગી રહ્યું છે કે આલિ- આયે –લિંગાંગ ઉત્સવનો ઉમંગ હજુ બીજા દિવસે પણ ચાલુ જ છે. ગઈકાલે મિસંગ સમુદાય માટે, ખેતી અને કિસાનીનો ઉત્સવ દિન હતો, આજે મજૂલી સહિત સમગ્ર આસામ અને ઉત્તર- પૂર્વ માટે વિકાસનો એક ખૂબ મોટો મહોત્સવ છે. તાકામે, લિગાંગ, આછેંગે છેલિડુંગ !
ભાઈઓ અને બહેનો,
ભારત રત્ન ડો. ભૂપેન હજારીકાજીએ ક્યારેક લખ્યું હતું કે મહાબાહુ બ્રહ્મપુત્ર મહામિલનર તીર્થ (અ) કત (અ), જુગ ધરિ આહિ છે પ્રકાખિ હમન્વયર અર્થ (અ), આનો અર્થ એવો થાય છે કે બ્રહ્મપુત્રાનો વિસ્તાર બંધુત્વનુ, ભાઈચારાનું, મિલનનું તીર્થ છે. અનેક વર્ષોથી આ પવિત્ર નદી હળવા મળવાનો અને કનેક્ટિવિટીનો પર્યાય બની રહી છે, પરંતુ એ પણ સાચું છે કે કનેક્ટિવિટી સાથે જોડાયેલાં કામ અગાઉ થવાં જોઈતાં હતાં તેટલાં થઈ શક્યાં નથી. આ કારણે આસામની અંદર પણ અને ઉત્તર- પૂર્વનાં અન્ય ક્ષેત્રોમાં કનેક્ટિવિટી એ ખૂબ મોટો પડકાર બની રહી છે. મહાબાહુ બ્રહ્મપુત્રાના આશીર્વાદથી હવે આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે, વિતેલાં વર્ષોમાં કેન્દ્ર અને આસામની ડબલ એન્જીન સરકારે આ સમગ્ર વિસ્તારોમાં ભૌગોલિક અને સાંસ્કૃતિક બંને પ્રકારનું અંતર ઓછું કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમે બ્રહ્મપુત્રની શાશ્વત ભાવનાને અનુરૂપ, સુવિધા, સુઅવસર અને સંસ્કૃતિના પુલ બનાવ્યા છે, સેતુ રચ્યા છે. આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર વિસ્તારની ભૌતિક અને સાંસ્કૃતિક એકતાને વિતેલા વર્ષોમાં સશક્ત બનાવવાનુ કામ કર્યુ છે.
સાથીઓ,
આજનો દિવસ આસામ સહિત સમગ્ર
પૂર્વોત્તર માટે એક વ્યાપક વિઝનનું વિસ્તરણ કરનારો છે. ડો. ભૂપેન હજારીકા સેતુ હોય, બોગીબીલ બ્રીજ હોય કે સરાયઘાટ બ્રીજ હોય, આવા અનેક બ્રીજ આજે આસામનું જીવન આસાન બનાવી રહ્યા છે. આ દેશની સુરક્ષાને મજબૂત કરવાની સાથે સાથે આપણા વીર જવાનોને પણ ઘણી સગવડ પૂરી પાડી રહ્યા છે. આસામ અને ઉત્તર પૂર્વના અલગ અલગ હિસ્સાને જોડવાના આ અભિયાનને આજે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આજથી બે વધુ મોટા બ્રિજ માટેનું કામ શરૂ થઈ રહ્યુ છે. હું જ્યારે થોડાં વર્ષ પહેલાં મજૂલી દ્વિપ ગયો હતો ત્યારે ત્યાંની સમસ્યાઓનો નજીકથી અનુભવ કર્યો હતો. મને એ બાબતનો આનંદ છે કે સર્વાનંદ સોનોવાલજીની સરકારે આ તકલીફો ઓછી કરવા માટે પૂરી નિષ્ઠા સાથે પ્રયાસ કર્યા છે. મજૂલીમાં આસામનું પ્રથમ હેલીપેડ પણ બની ગયું છે.
ભાઈઓ અને બહેનો,
હવે મજૂલીવાસીઓને સડકનો પણ ઝડપી અને સુરક્ષિત વિકલ્પ પ્રાપ્ત થવાનો છે. વરસો જૂની તમારી માંગણી આજે પુલના ભૂમિ પૂજનની સાથે પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ છે. કાલીબાડી ઘાટથી જોહરાટને જોડનારો આ 8 કિ.મી. લાંબો પુલ, મજૂલીના બજારો અને પરિવારો માટે જીવનરેખા બનવાનો છે. આ બ્રિજ સુવિધાઓ અને સંભાવનાઓનો સેતુ બનવાનો છે. એવી જ રીતે ધુબરીથી મેઘાલયમાં ફૂલબારી સુધીનો 19 કિ.મી. લાંબો પુલ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે તેની મારફતે બરાક ઘાટીની કનેક્ટિવિટી મજબૂત બનવાની છે. આ પુલના કારણે મેઘાલય, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરાથી આસામનું અંતર ખૂબ ઓછુ થઈ જશે. વિચાર કરો, મેઘાલય અને આસામની વચ્ચેનું અંતર હાલમાં સડક માર્ગે જે આશરે અઢીસો કિલો મીટરનું છે તે ભવિષ્યમાં માત્ર 19 થી 20 કિલો મીટર જેટલું થઈ જશે. આ બ્રિજ અન્ય દેશો સાથે વાહનવ્યવહાર માટે પણ મહત્વનો પૂરવાર થશે.
ભાઈઓ અને બહેનો,
બ્રહ્મપુત્રા અને બરાક સહિત આસામને અન્ય નદીઓની જે ભેટ મળી છે તેને સમૃધ્ધ કરવા માટે આજે મહાબાહુ બ્રહ્મપુત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામ બ્રહ્મપુત્રના જળ વડે આ સમગ્ર ક્ષેત્રમાં વૉટર કનેક્ટિવિટી તથા પોર્ટ આધારિત વિકાસને સશક્ત બનાવશે. આ અભિયાનની શરૂઆતમાં આજે નીમાતી- મજૂલ, ઉત્તર અને દક્ષિણ ગૌહતી, ધુબરી- તસિંગમારીની વચ્ચે 3 રોપેક્સ સેવાઓનુ ઉદ્દઘાટન કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે આસામ મોટાપાયે રો-પેકસ સર્વિસ સાથે જોડાયેલું દેશનું અગ્રણી રાજય બની રહ્યું છે. આ ઉપરાંત જોગીધાપામાં આંતરિક જળમાર્ગ, પરિવહન ટર્મિનલ સહિત બ્રહ્મપુત્ર ઉપર ચાર સ્થળે ટુરિસ્ટ જેટી બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. મજૂલી સહિત આસામને, ઉત્તર પૂર્વને બહેતર કનેક્ટિવિટી આપનાર આ યોજનાઓ આ ક્ષેત્રમાં વિકાસની ગતિને વધુ ઝડપી બનાવશે. વર્ષ 2016માં તમે આપેલા એક મતથી કેટલું બધું કરી દેખાડ્યું છે. તમારા મતની આ તાકાત આસામને હજુ વધુ ઊંચાઈ ઉપર લઈ જનાર બની રહેશે.
ભાઈઓ અને બહેનો,
ગુલામીના કાળખંડમાં પણ આસામ દેશનું સંપન્ન અને વધુ આવક આપનારા રાજ્યોમાંનું એક હતું. એટલે સુધી કે ચિટગાંવ અને કોલકાતા પોર્ટ સુધી ચા અને પેટ્રોલિયમ પદાર્થો, બ્રહ્મપુત્રા- પદમા- મેઘના નદીઓ અને રેલવે લાઈનો મારફતે પહોંચતા હતા. કનેક્ટિવિટીનું આ નેટવર્ક આસામની સમૃધ્ધિનું એક મોટું કારણ બની રહ્યું હતું, પરંતુ આઝાદી પછી આ માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવાનું જરૂરી હતુ ત્યારે તેને પોતાની હાલત ઉપર છોડી દેવામાં આવ્યું હતું. જળમાર્ગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નહીં, તેથી તે લગભગ ખતમ જ થઈ ગયા હતા. આ વિસ્તારમાં અવ્યવસ્થા અને અશાંતિ પાછળ વિકાસ માટે દાખવવામાં આવેલી બેકાળજી એક મોટું કારણ બની રહી હતી. ઈતિહાસમાં કરવામાં આવેલી અનેક ભૂલોને સુધારવાની શરૂઆત અટલ બિહારી વાજપેયીજીએ કરી હતી. હવે તેનું વધુ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેને વધુ ગતિ પૂરી પાડવામાં આવી રહી છે. હવે આસામનો વિકાસ અગ્રતાઓમાં છે અને તેના માટે દિવસ- રાત પ્રયાસો પણ થઈ રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા પાંચ વર્ષમાં આસામની મલ્ટી મોડલ કનેક્ટિવિટીને ફરી એક વખત સ્થાપિત કરવા માટે એક પછી એક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. અમારી કોશિશ એ રહી છે કે આસામને, પૂર્વોત્તરને, અન્ય પૂર્વ એશિયાના દેશોની સાથે આપણાં સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધોનું કેન્દ્ર પણ બનાવવામાં આવે. એટલા માટે આંતરિક જળમાર્ગોને અહીં એક મોટી તાકાત બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. હજુ થોડાક સમય પહેલાં જ બાંગ્લાદેશ સાથે વોટર કનેક્ટિવીટી વધારવા માટે એક સમજૂતી પણ કરવામાં આવી છે. બ્રહ્મપુત્રા અને બરાક નદીને જોડવા માટે હુગલી નદીમાં ઈન્ડો- બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ ઉપર કામ ચાલી રહ્યું છે અને તેના કારણે આસામ ઉપરાંત મિઝોરમ, મણીપુર અને ત્રિપૂરાને પણ હલ્દીયા, કોલકતા, ગુવાહાટી અને જોગીધોપા માટે એક વૈકલ્પિક કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. આનો અર્થ એ થયો કે હવે ઉત્તર- પૂર્વને બાકીના ભારત સાથે જોડવા માટે જે સાંકડા વિસ્તાર ઉપર આપણે નિર્ભરતા દાખવતા હતા તે નિર્ભરતાને આ માર્ગો ઓછી કરશે.
ભાઈઓ અને બહેનો,
જોગીધાપાનું આઈડબલ્યુટી ટર્મિનલ આ વૈકલ્પિક રસ્તાને મજબૂત બનાવશે અને આસામને કોલકાતાથી હલ્દીયા પોર્ટ મારફતે જળમાર્ગ વડે જોડશે. આ ટર્મિનલ ઉપર ભૂટાન અને બાંગ્લાદેશનો કાર્ગો, જોગીધાપા મલ્ટીમોડલ લોજીસ્ટીકસ પાર્કને કાર્ગો અને બ્રહ્મપુત્ર નદી ઉપર અલગ અલગ સ્થળોએ આવવા જવાની સુવિધા ઉભી થશે.
સાથીઓ,
જો સામાન્ય લોકોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવતી હોય તો વિકાસનું લક્ષ્ય અટલ બની રહે છે અને નવા રસ્તા બની જાય છે. મજૂલી અને લેમાતીની વચ્ચે રો-પેક્સ સેવા એક આવો જ માર્ગ છે. તેના કારણે હવે તમને સડક માર્ગે આશરે સવા ચારસો કી.મી. ફરીને જવાની જરૂર રહેશે નહીં. હવે તમે રો-પેક્સ મારફતે માત્ર 12 કી.મી.ની સફર કરીને તમારી સાયકલ, સ્કૂટર, બાઈક અથવા કારને જહાજમાં લઈ જઈ શકો છે. આ રસ્તા ઉપર બે જહાજ ચલાવવામાં આવી રહ્યા છે અને તે એક વખતમાં આશરે 1600 પ્રવાસીઓ અને ડઝનબંધ વાહનોને લઈ જઈ શકશે. આવી જ સુવિધા હવે ગુવાહાટીના લોકોને પણ મળવાની છે. હવે ઉત્તરીય અને દક્ષિણ ગુવાહાટીની વચ્ચેનું અંતર 40 કી.મી.થી ઓછુ થઈને માત્ર 3 કી.મી. સુધી સંકડાઈ જવાનું છે.
સાથીઓ,
અમારી સરકાર માત્ર જળમાર્ગો જ બનાવતી નથી, પણ તેનો ઉપયોગ કરનાર લોકોને સચોટ જાણકારી પ્રાપ્ત થાય તે માટે આજે એક ઈ-પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. Car-D પોર્ટલથી રાષ્ટ્રીય જળમાર્ગના તમામ કાર્ગો અને ક્રૂઝ સાથે જોડાયેલા ટ્રાફિકનો ડેટા રિયલ ટાઈમના ધોરણે એકત્ર કરવામાં સહાય થશે. આ રીતે પાણી પોર્ટલ, નૌચાલન, ઉપરાંત જળમાર્ગોની માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલી માહિતી પણ પ્રાપ્ત થશે. જીઆઈએસ આધારિત ભારત મેપ પોર્ટલ એવા લોકોને મદદ કરે છે કે જે હરવા ફરવા માટે તથા વેપાર- કારોબાર માટે જવા ઈચ્છતા હોય. આત્મનિર્ભર ભારત માટે મલ્ટીમોડલ કનેક્ટિવીટીથી દેશમાં વિકાસ થઈ રહ્યો છે. આસામ તેનું એક બહેતર ઉદાહરણ પૂરવાર થશે.
ભાઈઓ અને બહેનો,
આસામ અને પૂર્વોત્તર માટે જળમાર્ગો- રેલવે- ધોરિમાર્ગોની કનેક્ટિવીટીની સાથે સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ એટલી જ આવશ્યક છે. તેના માટે લગાતાર કામ થઈ રહ્યું છે. હવે સેંકડો કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરીને ગુવાહાટીમાં પૂર્વોત્તરનું પ્રથમ અને દેશનું છઠ્ઠુ ડેટા સેન્ટર પણ બનવાનું છે. આ સેન્ટર ઉત્તર- પૂર્વના તમામ 8 રાજ્યો માટે ડેટા સેન્ટર હબ તરીકે કામ કરશે. આ ડેટા સેન્ટર બનવાથી આસામ સહિત સમગ્ર નોર્થ- ઈસ્ટમાં ઈ-ગવર્નન્સને, આઈટી સર્વિસ આધારિત ઉદ્યોગોને, સ્ટાર્ટઅપને વધુ બળ પ્રાપ્ત થશે. વિતેલા વર્ષોમાં ઉત્તર- પૂર્વના યુવાનો માટે બીપીઓની જે ઈકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે તેને હવે બળ મળશે. આનો અર્થ એ થાય કે એક પ્રકારે આ સેન્ટર ડીજીટલ ઈન્ડીયાના વિઝનને ઉત્તર- પૂર્વમાં પણ મજબૂત બનાવશે.
ભાઈઓ અને બહેનો,
ભારત રત્ન ડો. ભૂપેન હઝારીકાજીએ લખ્યું હતું કેઃ – કમઈ આમાર ધર્મ, આમી નતુન જુગર નતુન માનબ આનીમ નતુન સ્વર્ગ, અબહેલિત જનતાર બાબે ધરાત પાતિમ સ્વર્ગ ! આનો અર્થ એ થાય કે અમારા માટે કામ એ જ અમારો ધર્મ છે, અમે નવા યુગના નવા લોકો છીએ, ક્યારેક જે તરફ ધ્યાન આપવામાં આવતું ન હતું તેમના માટે અમે નવું સ્વર્ગ બનાવીશું, ધરતી પર સ્વર્ગ બનાવીશું. સબકા સાથ, સબકા વિશ્વાસની આ ભાવના સાથે સમગ્ર દેશમાં સરકાર કામ કરી રહી છે. બ્રહ્મપુત્રની આજુબાજુ સમૃધ્ધ થયેલ અસમિયા સંસ્કૃતિ, આદ્યાત્મ, જનજાતિઓની સમૃધ્ધ પરંપરા અને બાયોડાયવર્સી આપણો વારસો છે. શ્રીમંત શંકરદેવજી પણ મજૂલી ડ્રીપના આ વારસાને સશક્ત કરવા માટે આવ્યા હતા. તે પછી મજૂલીની ઓળખ આધ્યાત્મ કેન્દ્ર તરીકે આસામની સંસ્કૃતિ આત્મા સ્વરૂપે બની. આપ સૌએ સત્રિયા સંસ્કૃતિને જે પ્રકારે આગળ ધપાવી છે તે બાબત ખૂબ જ પ્રશંસનીય છે. મુખા શિલ્પ અને રાસ ઉત્સવ બાબતે જે પ્રકારે દેશ અને દુનિયામાં હવે ઉત્સાહ વધી રહ્યો છે તે એક અદ્દભૂત બાબત છે. આ તાકાત, આ આકર્ષણ માત્ર તમારી પાસે જ છે. તેને બચાવવાનું પણ છે અને આગળ પણ ધપાવવાનું છે.
ભાઈઓ અને બહેનો,
હું સર્વાનંદ સોનોવાલજી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું કે મજૂલીને, આસામના આ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક સામર્થ્યને વેગ આપવા માટે તેમણે પ્રશંસનીય કામ કર્યું છે. સત્રો અને બીજા મહત્વપૂર્ણ સ્થાનોને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવાનું અભિયાન હોય કે પછી કલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના હોય, મજૂલીને “બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ” નો દરજ્જો આપવાનો હોય, તેજપુર- મજૂલી- શિવસાગર હેરિટેજ સરકીટ હોય કે નમામિ બ્રહ્મપુત્ર અને નમામિ બરાક જેવા ઉત્સવોનું આયોજન હોય, આ પ્રકારના પગલાંથી આસામની ઓળખ વધુ સમૃધ્ધ થઈ રહી છે.
સાથીઓ,
આજે કનેક્ટિવિટીની જે યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેનાથી આસામમાં પ્રવાસન પ્રવૃત્તિના નવા દ્વાર ખૂલવાના છે. ક્રૂઝ ટુરિઝમ બાબતે પણ આસામ દેશનું એક ખૂબ મોટું ડેસ્ટીનેશન બની શકે છે. નેમાતી, વિશ્વનાથ ઘાટ, ગુવાહાટી અને જોગીધોપામાં ટુરિસ્ટ જેટી બનવાથી આસામમાં પ્રવાસન ઉદ્યોગને એક નવુ પાસુ પ્રાપ્ત થશે. જ્યારે ક્રૂઝમાં ફરવા માટે દેશ અને દુનિયામાંથી વધુ ખર્ચ કરનારા પ્રવાસીઓ પહોંચશે ત્યારે આસામના યુવાનો માટે કમાણીના સાધનોમાં પણ વધારો થશે. પ્રવાસન એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ઓછામાં ઓછું ભણેલી વ્યકિત અને ઓછામાં ઓછું રોકાણ કરનાર વ્યક્તિ પણ કમાતી હોય છે. આ જ તો વિકાસ છે, કે જે ગરીબમાં ગરીબને પણ, સામાન્ય નાગરિકને પણ આગળ ધપવાની તક પૂરી પાડે છે. વિકાસના આ ક્રમને આપણે જાળવી રાખવાનો છે અને તેને ગતિ પણ આપવાની છે. આસામ અને ઉત્તર- પૂર્વને આત્મનિર્ભર ભારતનો મજબૂત સ્તંભ બનાવવા માટે આપણે સૌએ મળીને કામ કરવાનુ છે. ફરી એક વખત આપ સૌને વિકાસની નવી યોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ !!