મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સહયોગી, શ્રીમાન મનોજ સિંહાજી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સીઈઓ, સચિવ, પોસ્ટ આઈપીપીબીના તમામ સાથીઓ, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, ભાઈઓ અને બહેનો. આ સમયે ટેકનોલોજીના માધ્યમથી દેશભરના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર પોસ્ટલ વિભાગના હજારો કર્મચારીઓ તથા ત્યાંના નાગરિક પણ અને જેમ કે આપણા મનોજજીએ જણાવ્યું કે આશરે 20 લાખ લોકો અત્યારે આ કાર્યક્રમની સાથે જોડાયેલા છે. ત્યાં આગળ અનેક રાજ્યપાલ મહોદયો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રી પરિષદના અમારા સાથીઓ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એ સૌ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, હું એમનું સૌનું પણ આ સમારોહમાં સ્વાગત કરું છું અને આ મહત્વપૂર્ણ અવસર પર સૌને હું અભિનંદન પાઠવુ છું.
આપણા મંત્રી શ્રીમાન મનોજ સિંહાજી આઈઆઈટીયન છે અને આઈઆઈટીમાં ભણેલા હોવાને કારણે તેઓ સ્વભાવથી જ દરેક ચીજવસ્તુમાં ટેકનોલોજીને જોડી દેતા હોય છે અને એટલા માટે આ સમારોહ પણ ટેકનોલોજીથી ભરપુર છે અને સાથે-સાથે આ પહેલ પણ ટેકનોલોજીવાળી છે અને મનોજજીએ વ્યક્તિગત રૂચી લઈને આ કામને આગળ વધાર્યું છે. તેમની પોતાની ટેકનોલોજીની પૃષ્ઠભૂમિ હોવાને કારણે ઘણા ઉત્તમ પ્રકારના તેમના ઇનપુટ મળ્યા અને તેનું જ પરિણામ છે કે આજે દેશને એક ઘણું મોટું નજરાણું મળી રહ્યું છે અને આજે 1 સપ્ટેમ્બરને, દેશના ઈતિહાસમાં એક નવી અને અભૂતપૂર્વ વ્યવસ્થાની શરૂઆત થવાના નાતે યાદ કરવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી દેશના દરેક ગરીબ, સામાન્ય માનવી સુધી દેશના ખૂણે ખૂણા સુધી, દૂર સુદૂરના પહાડો પર વસેલા લોકો સુધી, ગાઢ જંગલોમાં રહેનારા આપણા આદિવાસીઓ સુધી, દૂર કોઈ દ્વીપમાં રહેનારા તે સમૂહો સુધી એટલે કે એક-એક ભારતીયના ઘરના દરવાજા સુધી બેંક અને બેંકની સુવિધા પહોંચાડવાનો જે અમારો સંકલ્પ છે, એક રીતે આજે તે માર્ગ આ પ્રારંભની સાથે ખુલી ગયો છે. આ નવી વ્યવસ્થાને માટે હું તમામ દેશવાસીઓને ખૂબ–ખૂબ અભિનંદન આપું છું.
ભાઈઓ બહેનો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક દેશના અર્થતંત્રમાં સામાજિક વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કરવા જઈ રહી છે. અમારી સરકારે પહેલા જે જનધનના માધ્યમથી કરોડો ગરીબ પરિવારોને પહેલી વાર બેંક સુધી પહોંચાડ્યા અને આજે આ પહેલ દ્વારા અમે બેંકને, ગામ અને ગરીબના દરવાજા સુધી પહોંચાડવાનું કામ શરૂ કરી રહ્યા છીએ. તમારી બેંક તમારા દ્વારે એ માત્ર એક ઘોષ વાક્ય જ નથી, એ અમારી પ્રતિબદ્ધતા છે, અમારું સપનું છે. આ સપનાને સાકાર કરવા માટે સતત એક પછી એક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. દેશભરના સાડા છસો જિલ્લાઓમાં આજે ઇન્ડિયા પોસ્ટપેમેન્ટસ બેંકની શાખાઓ પ્રારંભ થવા જઈ રહી છે અને આપણા ટપાલ લઇ જનારો ટપાલી હવે હરતી-ફરતી બેંક બની ગયો છે.
હમણાં જ્યારે હું આવી રહ્યો હતો તો મે અહિયાં એક પ્રદર્શન જોયું, શું વ્યવસ્થા થઇ રહી છે, કેવી રીતે કામ થવાનું છે તે વિષયમાં વિસ્તારથી મને જણાવવામાં આવ્યું અને બની શકે છે કે તે તમે પણ સ્ક્રીન પર જોયું હશે અને જ્યારે હું તેને જોઈ રહ્યો હતો તો ત્યાં આગળ જે નિષ્ણાતો હતા જે મને આ સંપૂર્ણ યોજના સમજાવી રહ્યા હતા અને ત્યારે એક વિશ્વાસ, મારી અંદર એક આત્મ સંતોષનો ભાવ જાગી રહ્યો હતો કે આવા સાથીઓની સાથે રહીને તેમની કર્તવ્ય નિષ્ઠા, તેમનો આ પ્રયાસ જરૂર નવો રંગ લાવશે અને મને યાદ છે કે એક સમય હતો અને ટપાલીના સંદર્ભમાં હું સમજુ છું કે આપણે ત્યાં ઘણી બધી વાતો કહેવામાં આવે છે. સરકારો પ્રત્યે વિશ્વાસ ક્યારેય ડગમગ્યો હશે પરંતુ ટપાલી પ્રત્યે ક્યારેય વિશ્વાસ ડગમગ્યો નથી. ઘણા ઓછા લોકોને જાણ હશે, જે લોકો ગ્રામીણ જીવનથી પરિચિત હશે તેમને જાણ હશે કે દસકાઓ પહેલા ટપાલી જ્યારે એક ગામડામાંથી બીજા ગામડે જતો હતો તો તેના હાથમાં એક ભાલો રહેતો હતો અને ભાલા પર એક ઘૂઘરી બાંધેલી રહેતી હતી અને તે ચાલતો હતો તો ઘૂઘરીની અવાજ આવતો. એક ગામથી જ્યારે બીજા ગામ ટપાલી જતો હતો અને ઘૂઘરીનો અવાજ આવતો હોય તો તે વિસ્તાર ગમે તેટલો ગાઢ જ કેમ ન હોય, ગમે તેટલો દુર્ગમ જ કેમ ન હોય, ગમે તેટલો સંકટથી ભરેલો જ કેમ ન હોય, ડાકુઓ આવતા-જતા રહેતા હોય, ચોર લુંટારા રહેતા હોય, પરંતુ જ્યારે ઘૂઘરીની અવાજ આવે એટલે કે ટપાલી આવ્યો છે, કોઈ ચોર લુંટારો તેમને હેરાન નહોતો કરતો. તે ચોર લુંટારાઓને પણ ખબર હતી કે ટપાલી કોઈ ગરીબ માને માટે મનીઓર્ડર લઇને જઈ રહ્યો છે.
તમને જાણ હશે, અત્યારે તો દરેક ઘરમાં ખૂણામાં ઘડિયાળ પડેલી હશે, પરંતુ ગામડામાં કદાચ એકાદ ટાવર હોય તો ઘડિયાળ રહેતી હતી, નહિતર ઘડિયાળ ક્યાં હતી અને હું એવી જિંદગી જીવીને આવ્યો છું તો મને ખબર છે કે જે વડીલ લોકો પોતાના ઘરની બહાર બેસી રહેતા હતા અને જરૂરથી પૂછતાં હતા – ટપાલી આવી ગયો કે શું? કદાચ કોઈ વડીલ એવો નહીં હોય કે જે દિવસમાં બે ચાર વાર પૂછતા નહીં હોય કે ટપાલી આવ્યો કે નહીં? લોકોને લાગે છે કે શું તેમની કોઈ ટપાલ આવવાની હતી, ટપાલ તો નહોતી આવતી પરંતુ તે ટપાલી માટે નહોતા પૂછતાં તેમને ખબર હતી કે આવી ગયો મતલબ ઘડિયાળમાં આટલો સમય થયો છે, એટલે કે સમયસૂચકતા. ટપાલી આવ્યો કે નથી આવ્યો તેના આધારે આપણી સમાજ વ્યવસ્થા નક્કી થતી હતી અને એટલા માટે એક રીતે ટપાલી એ દરેક પરિવારની સાથે એક લાગણીમય તંતુ વડે ટપાલ દ્વારા જોડાયેલો રહેતો હતો અને એટલા માટે ટપાલીને પણ સમાજમાં એક વિશેષ સ્વીકાર્યતા અને સન્માન પ્રાપ્ત થયેલા હતા.
આજના આ યુગમાં ટેકનોલોજીએ ઘણું બધું બદલી નાખ્યું છે, પરંતુ ટપાલોને લઈને ટપાલીની જે ભાવના, જે વિશ્વસનીયતા પહેલા હતી તે આજે પણ એવી જ છે. ટપાલી અને પોસ્ટ ઑફીસ એક રીતે આપણા જીવનનો, આપણા સમાજનો, આપણી ફિલ્મોનો, આપણા સાહિત્યનો આપણી લોક કથાઓનો એક મહત્વપૂર્ણ ભાગ બનીને રહ્યા છે. આપણે સૌએ હમણાં જે જાહેરાત જોઈ રહ્યા હતા – ‘ડાકિયા ડાક લાયા’ આવા ગીતો દસકાઓ સુધી લોકોને પોતાના જીવનના હિસ્સો બનેલા રહ્યા છે. હવે આજથી ટપાલી ટપાલ લાવ્યાની સાથે-સાથે ટપાલી બેંક પણ લાવ્યો છે.
દસકાઓ પહેલા હું એકવાર કેનેડા ગયો હતો તો મને કેનેડામાં એક ફિલ્મ જોવા મળી હતી, મને આજે પણ યાદ છે તે ફિલ્મનું નામ હતું એરમેઈલ અને સાચે જ રૂંવાડા ઉભા કરી દેનારી એ ફિલ્મ છે, એ ટપાલ પર છે અને આપણા જીવનમાં, આપણા લોકોમાં ટપાલનું જે મહત્વ છે તે આ ફિલ્મની વાર્તાનો આધાર હતો. ફિલ્મમાં એક વિમાન હતું, જે અંદર ટપાલો લઈને જઈ રહ્યું હતું પરંતુ દુર્ભાગ્યે તે ક્રેશ થઇ ગયું અને આ બનાવ પછી જે વિમાન ક્રેશ થયું હતું તેમાં જે ચિઠ્ઠીઓ હતી તેને ભેગી કરીને તે લોકો સુધી પહોંચાડવાની પૂરી વાર્તા તે ફિલ્મમાં છે. કેવી રીતે તે ટપાલોને સાચવવામાં આવી હતી અને એવી રીતે જાણે કોઈ વ્યક્તિના જીવનને બચાવવા માટે પ્રયત્નો થઇ રહ્યા હોય, તેવા પ્રયત્નો ટપાલી તે ટપાલોને બચાવવા માટે કરી રહ્યા હતા. બની શકે કદાચ આજે પણ યુટ્યુબ પર તે ફિલ્મ હોય તો તમે જરૂરથી જોજો અને તે પત્રોમાં કેટલું વ્હાલ હતું, સંદેશ હતો, ચિંતા હતી, ફરિયાદો હતી. પત્રોમાં આત્મીયતા એ જ તેનો આત્મા હોય છે. આજે પણ મને સેંકડોની સંખ્યામાં દરરોજ પત્રો મળે છે. હું જ્યારથી આવ્યો છું ત્યારથી પોસ્ટ વિભાગનું પણ કામ વધી ગયું છે. કોઈ પત્ર ત્યારે લખે છે ને જ્યારે તેને ભરોસો હોય છે અને મારો જે મન કી બાતનો કાર્યક્રમ હોય છે, તેને લઈને પણ દર મહીને હજારો ચિઠ્ઠીઓ આવે છે. આ પત્રો લોકોની સાથે મારા સીધા સંવાદને સ્થાપિત કરે છે. જ્યારે તે પત્રો હું વાંચું છું તો લાગે છે કે લખનારો સામે જ છે, પોતાની વાત સીધી મને કહી રહ્યો છે.
સાથીઓ અમારી સરકારની પહોંચ સમયની સાથે ચાલે છે. ભવિષ્યની જરૂરિયાતોના હિસાબે વ્યવસ્થાઓમાં જરૂરી બદલાવ કરવામાં આવ્યા છે. અમે તેવા પુરાતનપંથીઓ નથી, અમે સમયની સાથે બદલનાર લોકો છીએ. અમે ટેકનોલોજીને સ્વીકારનારા લોકો છીએ. દેશની, સમાજની, સમયની માગ અનુસાર વ્યવસ્થાઓ વિકસિત કરવાના પક્ષમાં છીએ. જીએસટી હોય, આધાર હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, તેવા અનેક પ્રયાસોની કડીમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક પણ હવે જોડાઈ ગઈ છે. અમારી સરકાર જૂની વ્યવસ્થાઓને પોતાના હાલ પર છોડવાવાળી નથી, પરંતુ સુધારા, દેખાવ અને તેને પરિવર્તિત કરવાનું કામ કરી રહી છે. બદલતી ટેકનોલોજીના માધ્યમથી… અને માધ્યમો પણ બદલાયા છે, ભલે બદલાયા હોય, પરંતુ ઉદ્દેશ્ય તો હજુ પણ તે જ છે. અંતર્દેશીય પત્ર હોય કે ઇનલેન્ડ લેટરની જગ્યા હવે ભલે ઈ મેઈલએ લઇ લીધી હોય, પરંતુ લક્ષ્ય બંનેનું એક જ છે અને એટલા માટે જે ટેકનોલોજીએ પોસ્ટ ઑફીસને પડકાર ફેંક્યો, કારણ કે લોકોને લાગતું હતું કે હવે આ ટપાલ વિભાગ રહેશે કે નહીં રહે. ટપાલીઓ રહેશે કે નહીં રહે, તેમની નોકરી રહેશે, કે નહીં રહે... તેની ચર્ચા ચાલી રહી હતી. ટેકનોલોજીએ જે પડકારો ફેંક્યા, તે જ ટેકનોલોજીને આધાર બનાવીને અમે આ પડકારને અવસરમાં બદલવા માટે આગળ વધી રહ્યા છીએ.
ભારતીય ટપાલ વિભાગ, દેશની એવી વ્યવસ્થા છે જેની પાસે દોઢ લાખથી વધુ ટપાલ ઘર છે. તેમાંથી પણ સવા લાખથી વધુ માત્ર ગામડામાં જ છે. ત્રણ લાખથી વધુ પોસ્ટ મેન અને ગ્રામીણ ટપાલ સેવકો દેશના જન-જન સાથે જોડાયેલા છે. આટલા વ્યાપક નેટવર્કને ટેકનોલોજી સાથે જોડીને 21મી સદીમાં સેવાનું સૌથી શક્તિશાળી તંત્ર બનાવવાનું બીડું અમારી સરકારે ઉઠાવ્યું છે. હવે ટપાલીના હાથમાં સમર્થ ફોન છે અને તેના થેલામાં, તેની બેગમાં એક ડિજિટલ ડિવાઈસ પણ છે. સાથીઓ એકતા, સમાનતા, સમાવેશી સેવા અને વિશ્વાસનું પ્રતિક આ પોસ્ટ પેમેન્ટ બેંક હવે દેશની બેન્કિંગ વ્યવસ્થાને જ નહીં પરંતુ ડિજિટલ લેવડ-દેવડની વ્યવસ્થાને પણ વિસ્તૃત કરવાની તાકાત ધરાવે છે. આઈપીપીબીમાં બચત ખાતાની સાથે-સાથે નાનામાં નાનો વ્યાપારી પોતાનું કામ ચલાવવા માટે ચાલુ ખાતા પણ ખોલાવી શકે છે. યુપી અને બિહારનો જે કારીગર મુંબઈ કે બેન્ગલુરૂમાં કામ કરી રહ્યો છે, તે સરળતાથી પોતાના પરિવારને પૈસા મોકલી શકશે. બીજા બેંક ખાતાઓમાં તે પૈસા ટ્રાન્સફર પણ કરી શકે છે. સરકારી સહાયતાના પૈસા મનરેગાની મજુરી માટે પણ આ ખાતાનો ઉપયોગ તેઓ સરળતાથી કરી શકે છે. વીજળી અને ફોનના બિલ જમા કરાવવા માટે પણ તેને ક્યાંય બીજે જવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં, બીજી બેંકો કે નાણાકીય સંસ્થાનોની સાથે ભાગીદારી કરીને પોસ્ટ પેમેન્ટસ બેંક ધિરાણ પણ આપી શકશે. રોકાણ અને વીમા જેવી સેવાઓ પણ પોતાના ગ્રાહકો સુધી પહોંચાડશે. સૌથી મહત્વની વાત એ છે કે આ બધી સેવાઓ બેંકના કાઉન્ટર સિવાય ઘરે આવીને ટપાલી આપવાનો છે. બેંક સાથે સંવાદ, ડિજિટલ લેવડ–દેવડમાં જે પણ મુશ્કેલી અત્યાર સુધી આવતી હતી, તેમનું સમાધાન પણ ટપાલી પાસે હશે. તમે કેટલા પૈસા જમા કર્યા હતા, તમને કેટલું વ્યાજ મળ્યું, કેટલા પૈસા તમારા ખાતામાં બચ્યા છે એ બધું હવે ઘરે બેઠા-બેઠા ટપાલી કહી દેશે. તે માત્ર એક બેંક નથી પરંતુ ગામ, ગરીબ, મધ્યમ વર્ગનો વિશ્વાસપાત્ર સહયોગી સાબિત થવા જવાનો છે.
હવે તમારે તમારું ખાતું, તમારા ખાતાનો નંબર, યાદ રાખવાની, કોઈને પાસવર્ડ કહેવાની કોઈ જરૂર નથી. ગ્રામીણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આ બેંકની બધી જ પ્રક્રિયાઓને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. આ નવી બેંકમાં થોડી જ મીનીટોમાં તમારું ખાતું ખુલી જશે અને અમારા મંત્રીજી કહેતા હતા, વધુમાં વધુ એક મિનીટ. તેની સાથે જ ખાતા ધારકને એક ક્યુઆર કાર્ડ આપવામાં આવશે. જે મને હમણાં જ આપવામાં આવ્યું છે, કારણ કે મારું પણ ખાતું ખુલી ગયું છે. જે ખાતો નથી તે પણ ખાતું તો રાખે જ છે.
તમને નવાઇ લાગશે અમારા જીવનમાં બેંક ખાતાનો ક્યારેય કોઈ સંબંધ રહ્યો જ નથી, પરંતુ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે દેના બેંકની એક યોજના હતી, તે એક ગલ્લો આપતી હતી બાળકોને અને એક ખાતું ખોલતા હતા, તો અમને પણ આપ્યું પરંતુ અમારું તો ખાતું હંમેશા ખાલી જ રહ્યું. પછીથી અમે તો ગામ છોડીને જતા રહ્યા, પરંતુ બેંક ખાતું બનેલું રહ્યું અને બેંકવાળાઓને દર વર્ષે તેને કેરી ફોરવર્ડ કરવું પડતું હતું. બેંકના લોકો મને શોધી રહ્યા હતા, ખાતું બંધ કરવા માટે. મારું કોઈ ઠેકાણું તો હતું નહીં. આશરે 32 વર્ષ પછી તેમને ખબર પડી કે હું ક્યાંક આવ્યો છું તો બેંકવાળા બિચારા ત્યાં આવ્યા અને કહ્યું કે ભાઈ સહી કરી આપો અમારે તમારું ખાતું બંધ કરાવવું છે. જો કે પછીથી જ્યારે ગુજરાતમાં ધારાસભ્ય બન્યો ત્યારે પગાર આવવા લાગ્યો તો બેંક ખાતું ખોલાવવું પડ્યું, પરંતુ તેના પહેલા કયારેય કોઈ સંબંધ જ નથી રહ્યો અને આજે પોસ્ટ વાળાઓએ એક બીજું ખાતું ખોલી નાખ્યું.
જુઓ, ટપાલી માત્ર ટપાલ પહોંચાડતો હતો, એવું નથી. જે પરિવાર ભણેલા ગણેલા નહોતા તો ટપાલી બેસીને ટપાલ ખોલીને આખી કથા સંભળાવતો હતો અને પછી જતો હતો, પછી તે ઘરડી મા કહેતી હતી કે બેટા તે દીકરાને જવાબ લખવો છે તો કાલે તું એક પોસ્ટ કાર્ડ લઈને આવજે અને હું જવાબ કહીશ, તો બીજા દિવસે તે ટપાલી પોસ્ટ કાર્ડ લઈને પણ આવી જતો હતો અને તે મા લખાવતી હતી, તે લખી આપતો હતો. એટલે કે કેટલી આત્મીય વ્યવસ્થા, તે જ ટેકનોલોજીનું કામ મારો ટપાલી ફરી એકવાર કરશે. એટલે કે એક ક્યુઆર કાર્ડ તમારી આંગળીનું નિશાન અને ટપાલીની વાણી, બેન્કિંગને સરળ અને દરેક આશંકાનું સમાધાન કરવાવાળા છે. સાથીઓ ગામડામાં સૌથી વધારે મજબુત નેટવર્ક હોવાને કારણે આઈપીપીબી ખેડૂતોને માટે પણ એક મોટી સુવિધા સિદ્ધ થશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી યોજનાઓને તેનાથી વિશેષ લાભ મળશે. દાવાને સમય પર સેટલ કરવા હોય કે પછી ખેડૂતોને આ યોજના સાથે જોડવાના હોય, નિશ્ચિતપણે આ બેંકથી લાભ થવાનો જ છે. પોસ્ટ પેમેન્ટસ બેંક પછી હવે યોજનાઓના દાવાની રકમ પણ ઘરે બેઠા જ મળવાની છે. તે સિવાય આ બેંક સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરીઓના નામ પર પૈસા બચાવવાના અભિયાનને પણ ગતિ આપશે.
ભાઈઓ અને બહેનો, અમારી સરકાર દેશની બેંકોને ગરીબના દરવાજા પર લઈને આવી ગઈ છે. નહિતર ચાર પાંચ વર્ષ પહેલા સુધી તો એવી પરિસ્થિતિ હતી અને એવી સ્થિતિ બનાવી દેવામાં આવી હતી કે બેંકોના મહત્તમ પૈસા માત્ર તે જ ગણ્યાગાંઠ્યા લોકોને માટે અનામત રાખી દેવામાં આવ્યા હતા જે કોઈ એક પરિવારના નજીકના રહ્યા કરતા હતા. તમે જરા વિચારો આઝાદી પછીથી લઈને 2008 સુધી એટલે કે 1947 થી 2008 સુધી આપણા દેશની તમામ બેંકોએ કુલ મળીને 18 લાખ કરોડ રૂપિયાની રકમ જ લોનના રૂપમાં આપી હતી. 18 લાખ કરોડ, આટલા મોટા સમયગાળામાં, પરંતુ 2008 પછી માત્ર છ વર્ષની અંદર એટલે કે 60 વર્ષમાં શું થયું અને છ વર્ષમાં શું થયું? 60 વર્ષમાં 18 લાખ કરોડ અને છ વર્ષમાં આ રકમ વધીને 52 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે. લઇ જાઓ. પછીથી મોદી આવશે, રડશે, લઇ જાવ. એટલે કે જેટલું ધિરાણ દેશની બેંકોએ આઝાદી પછી આપ્યું હતું તેને લગભગ બમણું ધિરાણ પાછળની સરકારના છ વર્ષમાં… તારું પણ ભલું થાય અને મારું પણ ભલું થાય. અને આ ધિરાણ મળતું કઈ રીતે હતું? આપણા દેશમાં આ ટેકનોલોજી તો હવે આવી, પરંતુ તે સમયે એક વિશેષ પરંપરા ચાલી રહી હતી, ફોન બેન્કિંગની અને તે ફોન બેન્કિંગનો પ્રસાર એટલો થયેલો હતો. કેટલાય નામદારો જો ફોન કરી દે તો બેન્કિંગ અને ફોન પર ધિરાણ દેનારા બંનેનો બેડો પાર.. લોન મળી જ જતી હતી. જે કોઇપણ મોટા ધનિક, ધન્ના શેઠને લોન જોઈતી હતી તો તે નામદારો પાસેથી બેંકમાં ફોન કરાવી દેવામાં આવતા હતા. બેન્કવાળા તે વ્યક્તિ કે કંપનીને ઝડપથી અરબો–ખરબો રૂપિયાનું ધિરાણ આપી દેતા હતા. બધા જ નિયમો, બધા જ કાયદા કાનૂનોથી પર હતો તે નામદારોનો ટેલીફોન. કોંગ્રેસ અને તેમના નામદારોની ફોન બેન્કિંગે દેશને ખૂબ નુકસાન પહોંચાડ્યું. હવે સવાલ એ પણ ઉઠે છે કે બેંકોએ આ પ્રકારની ફોન બેન્કિંગ માટે મનાઈ કેમ ન કરી.
સાથીઓ, તમને એ તો ખબર છે કે તે સમયે બેંકોમાં નામદારોના આશીર્વાદથી જ મોટા ભાગના લોકોની પસંદગી થતી હતી. નામદારોના પ્રભાવતના કારણે જ બેંકના મોટા મોટા દિગ્ગજો પણ લોન આપવા માટે ન નહોતા પાડી શકતા. છ વર્ષમાં લગભગ બમણી લોન આપવા પાછળ આ જ સૌથી મોટું કારણ હતું. બેંકોએ એ જાણતા હોવા છતાં કે તેમના દ્વારા આપવામાં આવેલ લોનનું વળતર મુશ્કેલ હશે, બસ કેટલાક વિશેષ લોકોને લોન આપવી જ પડતી હતી. ખબર નથી પાછું આવશે કે કેમ, પણ આપી દો. એટલું જ નહીં, જ્યારે આવા લોકો ધિરાણ ચુકવવામાં નાદાર બનવા લાગ્યા તો બેંકોમાં ફરીથી દબાણ આવ્યું તેમને નવી લોન આપો અને આ ગોરખધંધો, આ ચક્ર લોનના પુનર્ગઠનના નામ પર થયું. એટલે કે એક વાર લઇ લીધું પછી જ્યાં પહોંચાડવાનું હતું ત્યાં પહોંચાડી દીધું. હવે તે ફરીથી માંગી રહ્યો છે કે હવે બીજી આપો તો હું આપું છું. તે આપે છે, આ આપે છે, આ આપે છે, આ આપે છે. એ જ ચક્ર ચાલતું રહેતું હતું. જે લોકો આ ગોરખધંધામાં લાગેલા હતા, તેમને પણ સારી રીતે ખબર હતી કે એક દિવસે તેમની પોલ જરૂરથી ખુલવાની છે અને એટલા માટે તે જ સમયથી હેર ફેરી કરવામાં આવી અને એક વ્યૂહરચના પણ સાથે-સાથે રચવામાં આવી હતી, બેંકોએ આપેલું કેટલું ધિરાણ પાછું નથી આવી રહ્યું તેના સાચા આંકડાઓ દેશની સામે છુપાવવામાં આવ્યા. દેશને અંધારામાં રાખવામાં આવ્યો.એટલે કે જે લાખો, કરોડો રૂપિયા ફસાયેલા હતા તેને કાગળ પર સાચી રીતે જણાવવામાં ન આવ્યા, છુપાવવામાં આવ્યા. દેશ પાસે ખોટુ બોલવામાં આવ્યું કે માત્ર બે લાખ કરોડ રૂપિયા છે, જે આવવાના બાકી છે અને શંકા છે કે આવશે કે નહીં આવે. જે સમયે દેશમાં મોટા-મોટા ગોટાળાઓ ઉજાગર થઇ રહ્યા હતા તે સમયે પાછલી સરકારે બધી જ મહેનત પોતાના આ સૌથી મોટા ગોટાળાને છુપાવવામાં લગાવેલી હતી. બેંકોમાં કેટલાક ખાસ લોકો પણ આમાં નામદારોની જરા મદદ કરી રહ્યા હતા.
2014માં જ્યારે અમારી સરકાર બની તો બધી જ સચ્ચાઈ સામે આવવા લાગી, ત્યારે બેંકોને કડકાઈથી કહેવામાં આવ્યું કે સાચે સાચી મુલવણી કરીને તેની કેટલી રકમ, આ પ્રકારની લેવડ-દેવડ અને તેમની લોન આપવાની બાકી છે, કેટલા રૂપિયા ફસાયેલા છે, બધી જ જાણકારી લાવો. છ વર્ષમાં જે રકમ આપવામાં આવી તેની સચ્ચાઈ એ છે કે જે રકમને પાછલી સરકારે માત્ર બે અઢી લાખ કરોડ બતાવી રહ્યા હતા તે વાસ્તવમાં નવ લાખ કરોડ રૂપિયા હતી. આજે દેશ આ સાંભળીને આશ્ચર્યચકિત થઇ જશે, દેશની સાથે કેટલી બનાવટ કરવામાં આવી. દેશની સામે કેટલું જુઠ્ઠું બોલવામાં આવ્યું. દરરોજ વ્યાજની રકમ જોડાવાને કારણે આ દિવસે દિવસે વધુ વધતી જઈ રહી છે. આવનારા દિવસોમાં આ હજુ વધારે વધી જશે, કારણ કે વ્યાજ તો જોડાવાનું જ છે, બેંક તો પોતાના કાગળ મુજબ તો કામ કરવાની જ છે.
સાથીઓ 2014માં સરકાર બન્યા પછી કેટલાક સમય બાદ જ અમને અહેસાસ થઇ ગયો હતો કે કોંગ્રેસની અને આ નામદાર દેશની અર્થવ્યસ્થાની અંદર એક એવી લેન્ડમાઈન પાથરીને ગયા છે. જો તે જ વખતે દેશ અને દુનિયાની સામે તેની સચ્ચાઈ રાખી દેવામાં આવી હોત તો એવો વિસ્ફોટ થાત કે અર્થવ્યવસ્થા કદાચ સંભાળવી મુશ્કેલ બની જાત. એટલી બરબાદી કરીને રાખી હતી. એટલા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક ખૂબ ઝીણવટથી કામ કરતા કરતા આ સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે અમે દિવસ-રાત લાગેલા રહ્યા.
ભાઈઓ અને બહેનો, અમારી આ સરકાર, એનપીએની સચ્ચાઈ, પાછલી સરકારના ગોટાળાને દેશની સામે લઈને આવી છે. અમે માત્ર બીમારીને ઓળખી નથી કાઢી પરંતુ તેના કારણોની પણ તપાસ કરી છે અને તે બીમારીમાથી બહાર નીકળવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ પણ ઉઠાવ્યા છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં 50 કરોડથી પણ વધુની તમામ લોનની સમીક્ષા કરવામાં આવી. લોનની શરતોનું ખૂબ કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. અમે કાયદાઓ બદલ્યા છે. બેંકોના મર્જરનો નિર્ણય લીધો, બેન્કિંગ ક્ષેત્રમાં વ્યવસાયિક અભિગમને પ્રોત્સાહન આપ્યું. સાર્વજનિક ક્ષેત્રની બેંકોને સુધારવા માટે સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. ભાગેડુ આર્થિક અપરાધી વિધેયક (Fugitive Economic Offenders Bill), ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ ભાગેડુઓ પોતાની સંપત્તિમાં પોતે ભાગ ન લઇ શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને દેશ છોડીને ભાગવું તેમના માટે સરળ ન હોય. નાદારી કાનૂન અને એનસીએલટી દ્વારા એનપીએની વસૂલાત શરુ કરવામાં આવી છે. 12 સૌથી મોટા નાદારો, જેમને 2014ની પહેલા લોન આપવામાં આવી હતી જેમની એનપીએ રકમ લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા છે તેમની વિરુદ્ધ ઝડપી ગતિએ કાર્યવાહી ચાલી રહી છે. હવે તેના પરિણામો પણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે તે 12 સિવાય અને બીજા 27, તે પણ મોટા મોટા લોન ખાતાવાળાઓ છે જેમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાના એનપીએ છે. તેમના વળતરની પણ વ્યવસ્થા ખૂબ સખતાઈથી થઇ રહી છે. જેમને લાગી રહ્યું હતું કે નામદારોની સહભાગિતા અને મહેરબાનીથી તેમને મળેલા લાખો-કરોડો રૂપિયા હંમેશા માટે તેમની પાસે રહેશે, હંમેશા આવક જ રહેશે, હવે તેમના ખાતામાંથી આઉટગોઇંગ પણ શરુ થઇ ગયું છે. દેશમાં એક નવું પરિવર્તન આવ્યું છે. હવે એક નવું કલ્ચર આવ્યું છે, કલ્ચર બદલાઈ રહ્યું છે. પહેલા બેંકો તેમની પાછળ પડી રહેતી હતી. હવે અમે કાયદાની જાળ એવી બનાવી છે કે હવે તેઓ ચુકવણી કરવા માટે આંટા મારતા રહે છે. કંઈક કરો ભાઈ, થોડું લઇ લો, થોડા આવતા મહીને આપી દઈશ, કોઈ મને બચાવી લો. હવે તેઓ પોતે બેંકની પાછળ દોડવા લાગ્યા છે. પૈસા પાછા આપવા માટે મજબૂર થઇ રહ્યા છે. દિવસે દિવસે મજબુત થઇ રહેલી બેન્કિંગ વ્યવસ્થાની સાથે જ હવે એવા લોકો પર તપાસ એજન્સીઓની જાળ વધુ કસાવા જઈ રહી છે અને હું દેશને ફરીથી આશ્વસ્ત કરવા માંગું છું કે આ બધી જ મોટી લોનોમાંથી એક પણ લોન આ સરકાર દ્વારા આપવામાં આવેલ નથી. અમે તો આવ્યા પછી બેંકોની દિશા અને દશા બંનેમાં નિરંતર પરિવર્તન કર્યું છેઅને આજનું આ આયોજન પણ તેનું જ એક મહત્વપૂર્ણ પગલું છે. પહેલા નામદારોના આશીર્વાદથી આ મોટા લોકોને ધિરાણ મળતું હતું. હવે દેશના ગરીબને બેંક પાસેથી ધિરાણ મળવું એ આપણા ટપાલીના હાથમાં આવી ગયું છે.
ગયા ચાર વર્ષમાં મુદ્રા યોજનાના માધ્યમથી 13 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ સ્વરોજગાર માટે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના નવયુવાનોને આપવામાં આવ્યું છે. 32 કરોડથી વધુ ગરીબોના જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. 21 કરોડથી વધુ ગરીબોને માત્ર એક રૂપિયા મહીનાનો એક રૂપિયો અને 90 પૈસા પ્રતિ દિનના પ્રીમિયમ પર વીમા અને પેન્શનનું સુરક્ષા કવચ પણ આપવાનું કામ અમારી સરકારે કર્યું છે.
ભાઈઓ અને બહેનો, દેશની અર્થવ્યસ્થાને જે સુરંગ પર નામદારોએ બેસાડી હતી, તે સુરંગને અમારી સરકારે નિષ્ક્રિય કરી નાખી છે. દેશ આજે એક નવા આત્મવિશ્વાસથી ભરેલો છે. એક બાજુ આ એશિયાઇ રમતોત્સવમાં ભારતે, આપણા ખેલાડીઓએ પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે, તો બીજી તરફ કાલે દેશને અર્થવ્યવસ્થાના આંકડાઓ દ્વારા પણ એક નવું ચંદ્રક મળ્યું છે. જે આંકડા આવ્યા છે તે દેશની મજબૂત થઇ રહેલી અર્થવ્યવસ્થા અને તેમાં આવતા આત્મવિશ્વાસના પ્રમાણ છે. 8.2 ટકાના દરે થઇ રહેલ વિકાસ, ભારતની અર્થવ્યવસ્થાની વધી રહેલી તાકાતને બતાવે છે. એક નવા ભારતની ઉજ્જવળ તસવીરને સામે લાવે છે. આ આંકડા માત્ર સારા જ નથી પરંતુ બધા જ જે નિષ્ણાત લોકો છે, અનુમાન લગાવતા હતા તેના કરતા પણ ઘણા વધુ છે. જ્યારે દેશ સાચી દિશામાં ચાલે છે અને નિયત સાફ હોય છે તો આવા જ સકારાત્મક પરિણામો જોવા મળે છે. સાથીઓ આ સંભવ થયું છે સવા સો કરોડ દેશવાસીઓની મહેનતથી, લગનથી અને પ્રતિબદ્ધતાને કારણે. આપણા યુવાનો, આપણી મહિલાઓ, આપણા ખેડૂતો, આપણા ઉદ્યમીઓ, આપણા મજૂરો આ આપણને સૌને, તે સૌના પુરુષાર્થનું પરિમાણ છે કે દેશ આજે ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.
આજે ભારત માત્ર દેશની સૌથી ઝડપી ગતિએ આગળ વધનારી અર્થવ્યવસ્થા જ નથી પરંતુ સૌથી ઝડપી ગતિએ ગરીબી દૂર કરનારો દેશ પણ બન્યો છે. જીડીપીના આંકડા સાબિતી છે કે નવું ભારત પોતાના સામર્થ્યના જોરે સવા સો કરોડ ભારતીયોના સંઘર્ષ અને સમર્પણના દમ પર આગળ વધી રહ્યું છે. હું દેશને ફરી કહેવા માંગીશ કે બેંકોના જેટલા પણ પૈસા નામદારોએ ફસાવ્યા હતા, તે એક-એક રૂપિયો પાછો લઈને જ અમે રહેવાના છીએ. તેનાથી દેશનો ગરીબમાં ગરીબ વ્યક્તિને સશક્ત કરવાના કામ કરવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક પણ તેમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવશે. આઈપીપીબી અને પોસ્ટ ઑફીસના માધ્યમથી બેન્કિંગ, વીમા સામાજિક સુરક્ષાની યોજનાઓ સીધા લાભ હસ્તાંતરણ, પાસપોર્ટ સેવા, ઓનલાઈન શોપિંગ જેવી અનેક સુવિધાઓ ગામે ગામ, ઘરે-ઘરે અને પ્રભાવી રીતે પહોંચવની છે. એટલે કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના માર્ગને આપણા ટપાલી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વધુ સશક્ત કરવા માટે હવે એક નવા રૂપમાં દેશની સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. મને ખુશી છે કે આ વિરાટ મિશનને ગામડે-ગામડે, ઘર-ઘર સુધી, ખેડૂત સુધી, નાના વેપારીઓ સુધી પહોંચાડવા માટે દેશના ત્રણ લાખ ટપાલ સેવકો કટિબદ્ધ થઈને તૈયાર છે. ટપાલ સેવક લોકોને ડિજિટલ લેવડ–દેવડમાં માત્ર સહયોગ જ નહીં કરે પરંતુ તેમને તાલીમ પણ આપશે જેથી કરીને ભવિષ્યમાં તેઓ પોતાના ફોનથી પોતે જ બેન્કિંગ અને ડિજિટલ વ્યવહારો કરી શકે. આ રીતે આપણા ટપાલી ભાઈઓ માત્ર બેન્કર જ નહીં હોય પરંતુ દેશના ડિજિટલ શિક્ષક પણ બનવાના છે. દેશની સેવા કરવાવાળાની આ ભૂમિકાને જોતા વીતેલા કેટલાક મહિનાઓમાં સરકારે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે જુલાઈમાં જ ગ્રામીણ ટપાલ સેવકોના વેતન અને ભથ્થા સાથે જોડાયેલ જૂની માંગણીને પૂરી કરી છે. તેનો લાભ દેશના અઢી લાખથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોને મળવાનું નક્કી થયું છે. પહેલા તેમને જે સમય સંબંધી ભથ્થા મળતા હતા, તેમાં પણ ડઝનબંધ સ્લેબ રહેતા હતા. હવે તેને પણ ઘટાડીને માત્ર ત્રણ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય તેમને જે ભથ્થા બે થી ચાર હજારની વચ્ચે મળતા હતા તેને વધારીને 10 હજારથી 14 હજાર સુધી કરી દેવામાં આવ્યા છે. તેઓ જે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે તેને જોતા એક નવા ભથ્થાની પણ શરૂઆત કરવામાં આવી છે. જે મહિલા ગ્રામીણ ટપાલ સેવક છે તેમને સંપૂર્ણ વેતનની સાથે 180 દિવસની એટલે કે છ મહિનાની માતૃત્વ રજાઓ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારના પ્રયાસોના કારણે ગ્રામીણ ટપાલ સેવકોના વેતનમાં અંદાજીત 50 ટકાથી વધુની વૃદ્ધિ કરવામાં આવી છે. મને જણાવવામાં આવ્યું છે કે ટપાલ સેવકની ખાલી જગ્યાઓમાં પણ ભરતી કરવા માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. આ નિર્ણયો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકના આપણા સૌથી મજબુત પ્રતિનિધિઓને વધુ મજબુત કરવામાં સહાયક સિદ્ધ થશે.
સાથીઓ આજે દેશ ત્રણ હજારથી વધુ સ્થાનો પર આ સેવા શરુ કરી રહ્યો છે અને જેમ કે આપણા મનોજ સિંહાજી જણાવી રહ્યા હતા કે આવનારા કેટલાક જ મહિનાઓમાં દોઢ લાખથી વધુ પોસ્ટ ઑફીસ આ સુવિધા સાથે જોડાઈ જશે.નવા ભારતની આ નવી વ્યવસ્થાઓને દેશને મજબુત ટેલિકોમ માળખાથી પણ મદદ મળશે. દેશવાસીઓને આ નવી વ્યવસ્થા માટે નવા બેંકની માટે નવી સુવિધા માટે ખૂબ–ખૂબ અભિનંદનની સાથે હું ફરી એકવાર ટપાલ સેવા ક્ષેત્રની સાથે જોડાયેલા આપણા તમામ સાથીઓનું સન્માન કરીને તેમનો આદર કરીને હું મારી વાતને વિરામ આપું છું. ટપાલ વિભાગના દરેક કર્મચારી, આ બેંક સાથે જોડાયેલ દરેક વ્યક્તિને હું ફરીથી ખૂબ–ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ–ખૂબ ધન્યવાદ આપું છું, અને મનોજ સિંહાજીને ખૂબ–ખૂબ અભિનંદન આપું છું કારણ કે તેમની આઈઆઈટીની પૃષ્ઠભૂમિને લીધે આ કામમાં મને ઘણી મદદ કરી છે. ટેકનોલોજીએ ભરપુર મદદ કરી છે. અને તેના માટે મંત્રીજીને પણ નેતૃત્વ આપવા માટે ખૂબ–ખૂબ અભિનંદન આપું છું. આભાર!