જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમે માનસિક રીતે પણ ફિટ રહેશો : : પ્રધાનમંત્રી મોદી
જીવનશૈલીની બીમારીઓ જીવનશૈલીમાં વિકારના કારણે વધી રહી છે અને તંદુરસ્તી પ્રત્ય સભાનતા થી આપણે તેને અટકાવી શકીએ છીએ : પ્રધાનમંત્રી મોદી
ચાલો આપણે ફિટ ઇન્ડિયા અભયાનને જન આંદોલન બનાવીએ : પ્રધાનમંત્રી મોદી

મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન નરેન્દ્ર સિંહજી તોમર, ડૉક્ટર હર્ષવર્ધનજી, રમેશ પોખરિયાલ નિશંકજી અને આ સમગ્ર અભિયાનનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે, શ્રીમાન કિરેન રિજીજુજી, અહિં ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો, ખેલ જગતના બધા જ તારલાઓ અને મારા વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,

કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.

આપ સૌને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસની અનેક અનેક શુભકામનાઓ. આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં એક મહાન રમતવીર મળ્યા હતા. પોતાની તંદુરસ્તી, સ્ફૂર્તિ અને હોકી સ્ટીક વડે દુનિયાને તેમણે મંત્રમુગ્ધ કરી હતી. એવા મેજર ધ્યાનચંદજીને હું આજે આદરપૂર્વક નમન કરું છું.

આજના દિવસે ફિટ ઇન્ડિયા અભિયાન, આવી પહેલની શરૂઆત કરવા માટે એક તંદુરસ્ત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું અને આ ખ્યાલ વડે આંદોલન માટે, હું રમતગમત મંત્રાલયને, યુવા વિભાગને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

અહિયાં આગળ આજે જે રજૂઆત થઇ છે, તે રજૂઆતમાં દરેક ક્ષણે તંદુરસ્તીનો કોઈ ને કોઈ સંદેશ હતો. પરંપરાઓને યાદ કરીને સહજ રૂપે આપણે આપની જાતને તંદુરસ્ત કઈ રીતે રાખી શકીએ છીએ, ખૂબ જ શ્રેષ્ઠ રીતે આ વસ્તુઓને રજૂ કરવામાં આવી. અને આ બાબતો એટલી સુંદર રીતે રજૂ કરવામાં આવી કે મને મારા ભાષણની કોઈ જરૂર નથી લાગતી હવે. અહિયાં રજૂઆતમાં જેટલી વાતો કહેવામાં આવી છે, તેને જ જો આપણે ગાંઠ બાંધી લઈએ અને એકાદ બેને જીવનનો હિસ્સો બનાવી લઈએ; તો હું નથી માનતો કે તંદુરસ્તી માટે મારે કોઈ ઉપદેશ આપવાની જરૂર પડે.

આ ઉત્તમ કાર્યરચના માટે, આ શ્રેષ્ઠ પ્રકારની પ્રસ્તુતિ માટે, જેમણે આને ખ્યાલબદ્ધ સંકલિત કરી હશે, જેમણે આમાં નવા-નવા રૂપ રંગ ઉમેર્યા હશે, અને જેમણે પરિશ્રમ કરીને આને રજૂ કરી છે; આપ સૌ ખૂબ-ખૂબ અભિનંદનના અધિકારી છો. હું ભવિષ્યમાં ઈચ્છીશ કે આમાંથી જ એક વ્યવસાયિક વીડિયો બનાવીને તમામ શાળાઓ, કોલેજોમાં દેખાડવામાં આવે જેથી કરીને સહજ રૂપે, કારણ કે એક જન આંદોલન બનવું જોઈએ.

સાથીઓ,

આજનો આ દિવસ આપણા તે યુવા ખેલાડીઓને અભિનંદન આપવાનો પણ છે, જેઓ સતત વિશ્વના મંચ પર તિરંગાની શાનને નવી બુલંદી આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટિકસ હોય, બોક્સિંગ હોય, કુશ્તી હોય કે પછી અન્ય રમતો, આપણા ખેલાડીઓ આપની આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ લગાવી રહ્યા છે. તેમના દ્વારા જીતવામાં આવેલ મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, પરંતુ તે નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. મને ખુશી છે કે વીતેલા પાંચ વર્ષોમાં ભારતના ખેલકૂદ માટે વધુ સારો માહોલ બનાવવાનો જે પ્રયાસ થયો છે, તેનો લાભ આજે આપણને જોવા મળી રહ્યો છે.

સાથીઓ, ખેલકૂદનો સીધો સંબંધ તંદુરસ્તી સાથે છે. પરંતુ આજે જે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત થઇ છે, તેનો વિસ્તાર ખેલકૂદથી પણ આગળ વધીને આગળ જવાનો છે. તંદુરસ્તી એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરી શરત છે. આપણી સંસ્કૃતિમાં તો હંમેશાથી જ તંદુરસ્તી પરખૂબ વધુ જોર આપવામાં આવ્યું છે. કોઇપણ બીમારી બાદ પરેજી કરતા વધુ આપણે સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવનાર ઉપાયોને પ્રાથમિકતા આપી છે, તેમને શ્રેષ્ઠ માન્યા છે. તંદુરસ્તી આપણા જીવનનો મહત્વનો ભાગ રહી છે. અને આપણે ત્યાં તો આપણા પૂર્વજોએ, આપણા સાથીઓએ વારે વારે કહ્યું છે-

વ્યાયામાત લભતે સ્વાસ્થ્યમ દીર્ઘાયુષ્યમ બલં સુખં,

આરોગ્યમ પરમં ભાગ્યમ્ સ્વાસ્થ્યમ સર્વાર્થસાધનમ્.

એટલે કે વ્યાયામથી જ સ્વાસ્થ્ય, લાંબી ઉંમર, શક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. નિરોગી રહેવું એ સર્વશ્રેષ્ઠ ભાગ્ય છે અને સ્વાસ્થ્ય દ્વારા અન્ય બધા જ કાર્યો સિદ્ધ થાય છે. પરંતુ સમય જતા જતા પરિભાષાઓ બદલાઈ ગઈ- પહેલા આપણને શીખવાડવામાં આવતું હતું, આપણને સાંભળવા મળતું હતું કે સ્વાસ્થ્ય વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે, હવે સાંભળવા મળે છે કે સ્વાર્થ વડે જ બધા કાર્ય સિદ્ધ થાય છે. અને એટલા માટે આ સ્વાર્થ ભાવને સ્વાસ્થ્ય ભાવ સુધી ફરીથી પાછા લઇ જવાનો એક સામુહિક પ્રયાસ જરૂરી થઇ પડ્યો છે.

સાથીઓ,

હું જાણું છું કે કેટલાક લોકો એવું વિચારી રહ્યા હશે કે તંદુરસ્તી જરૂરી છે એ તો અમને પણ ખબર છે, તો પછી અચાનક આ પ્રકારની અભિયાનની જરૂર શા માટે છે? સાથીઓ, જરૂર છે અને આજે કદાચ ખૂબ જ વધારે જરૂર છે. તંદુરસ્તી આપણા જીવનની રીતભાતો, આપણી રહેણીકરણીનું અભિન્ન અંગ રહી છે પરંતુ એ પણ સત્ય છે કે સમયની સાથે તંદુરસ્તીને લઇને આપણા સમાજ જીવનમાં, આપણા સમાજમાં એક ઉદાસીનતા આવી ગઈ છે.

સમય કઈ રીતે બદલાયો છે, તેનું એક ઉદાહરણ હું તમને આપું છું. કેટલાક દાયકાઓ પહેલા સુધી એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 8-10 કિલોમીટર પગે ચાલીને જતો હતો, કેટલાક એકાદ કલાક સુધી સાયકલ ચલાવી લેતા હતા, ક્યારેક બસ પકડવા માટે ભાગતા હતા. એટલે કે જીવનમાં શારીરિક ગતિવિધિ સહજ થયા કરતી હતી. પછી ધીમે ધીમે ટેકનોલોજી બદલાઈ, આધુનિક સાધનો આવ્યા અને વ્યક્તિનું પગે ચાલવાનું ઓછું થઇ ગયું. શારીરિક પ્રવૃત્તિ ઓછી થઇ ગઈ. અને હવે સ્થિતિ શું છે? ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી નાખી છે કે આપણે ચાલીએ છીએ ઓછું અને તે જ ટેકનોલોજી આપણને ગણી ગણીને બતાવે છે કે આજે તમે આટલા પગલા ચાલ્યા, હજુ 5 હજાર પગલા નથી થયા, 2 હજાર પગલા નથી થયા, અને આપણે મોબાઇલ ફોન જોતા રહીએ છીએ. અહિં ઉપસ્થિત તમારામાંથી કેટલા લોકો 5 હજાર, 10 હજાર પગલાવાળું આ કામ કરો છો? કેટલાય લોકો હશે જેમણે આ પ્રકારની ઘડિયાળ પહેરી હશે અથવા મોબાઇલ ફોન પર એપ નાખીને રાખી હશે. મોબાઇલ પર ચેક કરતા રહે છે કે આજે કેટલા પગલા થયા.

સાથીઓ,

તમારામાંથી ઘણા લોકો સજાગ છો, સતર્ક છો પરંતુ દેશમાં ઘણી મોટી સંખ્યા એવા લોકોની પણ છે કે જેઓ પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન જ નથી આપી શકતા. તેમાંથી કેટલાક લોકો તો એના કરતા પણ વિશેષ છે. અને તમે જોયું હશે કે કેટલીક ચીજવસ્તુઓ ફેશન સ્ટેટમેન્ટ થઇ જાય છે. અને એટલા માટે તંદુરસ્તીની જરા વાત કરવી મિત્રોમાં- ભોજનના ટેબલ પર બેઠા છે, ભરપુર ખાઈ રહ્યા છે, જરૂર કરતા બમણું ખાઈ ચૂક્યા છે અને ખૂબ આરામથી ડાયેટિંગની ચર્ચા કરી રહ્યા છે. મહિનામાં ઓછામાં ઓછા દસ દિવસ તમને આવો અનુભવ થતો હશે કે તમે ભોજનના ટેબલ પર બેઠા છો, ભરપુર ખાઈ રહ્યા છો અને ખૂબ મોજથી ડાયેટિંગ પર સરસ સરસ ઉપદેશ આપી રહ્યા છો. એટલે કે આવા લોકો જોશમાં આવીને વાતો પણ કરે છે અને તેની સાથે જોડાયેલા ગેજેટ્સ પણ ખરીદતા રહે છે. અને તેમને ધ્યાનમાં રહે છે કે આવું કોઈ ગેજેટ્સ નવું આવ્યું હશે, કદાચ મારી તંદુરસ્તી સારી થઇ જાય. અને તમે જોયું હશે, ઘરમાં તો બહુ મોટું જીમ બનાવીને રાખ્યું હશે, તંદુરસ્તી માટે બધું જ હશે પરંતુ તેની સફાઈ માટે પણ નોકર રાખવા પડે છે કારણકે ક્યારેય જતા જ નથી અને થોડા દિવસો પછી તે સામાન ઘરના સૌથી ખૂણાવાળા ઓરડામાં મૂકી દેવામાં આવે છે. લોકો મોબાઇલ પર ફિટનેસવાળી એપ પણ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ રહેતા હોય છે, પરંતુ કેટલાક દિવસ બાદ તે એપને જોતા પણ નથી, એટલે કે જેવા હતા એવા ને એવા જ.

મારો જન્મ ગુજરાતમાં થયો. અમારે ત્યાં ગુજરાતમાં એક જ્યોતીન્દ્ર ભાઈ દવે કરીને એક બહુ ઉત્તમ પ્રકારના હાસ્ય લેખક હતા. વ્યંગ લખતા હતા અને ખૂબ રસપ્રદ લખતા હતા. અને મોટા ભાગે તેઓ પોતાના પર જ વ્યંગ લખતા હતા. સારું, તેમના શરીરનું જે વર્ણન કરતા – તેઓ કહેતા હતા કે હું ક્યાંક ઉભો રહું છું, દીવાલની પાસે ઉભો છું તો લોકોને લાગે છે કે હેન્ગર પર કેટલાક કપડા ટીંગાયેલ છે, એટલે કે તેઓ એટલા દુબળા હતા કે એવું લાગતું હતું કે જાણે હેન્ગર પર કપડા લટકેલા છે, તો કોઈ માનવા તૈયાર જ નહોતું થતું કે હું કોઈ માણસ ત્યાં ઉભેલો છું. પછી તેઓ લખતા હતા કે હું ઘરેથી નીકળું છું તો મારા ખિસ્સામાં પથ્થર ભરીને ચાલુ છું. તેઓ કોટ પહેરતા હતા, બધા જ ખિસ્સામાં પથ્થર ભરતા હતા. તો લોકોને લાગતું હતું કે કદાચ હું હિંસા કરી નાખીશ, મારી દઈશ કોઈને. તો લોકો મને પૂછતાં હતા – આટલા બધા પથ્થર લઇને કેમ ચાલો છો? તો તેમણે કહ્યું કે મને બીક લાગે છે કે ક્યાંક હવા આવે અને હું ઉડી ન જાઉં. આવી બહુ મજેદાર વસ્તુઓ લખતા હતા. એકવાર કોઈએ તેમને કહ્યું કે પથ્થર-બથ્થર લઈને ફર્યા કરતા તમે જરા વ્યાયામ કરતા રહો, વ્યાયામશાળામાં જાવ. તો તેમણે તે સજ્જનને પૂછ્યું કે કેટલો વ્યાયામ કરવો જોઈએ, તો કહે બસ પરસેવો વળી જાય એટલો તો શરુ કરો પહેલા. વ્યાયામશાળામાં જાવ અને પરસેવો આવી જાય, તેટલો તો કરો. તો કહે- સારું, કાલથી જઈશ. તો બીજા દિવસે કહે- હું વ્યાયામશાળામાં પહોંચી ગયો અને આ જે આપણા કુશ્તીબાજો હોય છે, તે લોકો અખાડામાં પોતાની કુશ્તી કરી રહ્યા હતા. કહે – જઈને હું તો જોવા લાગ્યો અને જોત જોતામાં જ મારો પરસેવો છૂટી ગયો તો મને લાગ્યું કે મારી કસરત થઇ ગઈ. એટલે કે આ વાત હસવાની જરૂર છે, મજાક પોતાની જગ્યાએ છે પરંતુ સ્વાસ્થ્યની માટે સારું પણ છે, પણ કેટલીક ચિંતાઓ આના કરતા પણ વધુ મોટી છે.

આજે ભારતમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા અનેક જીવન શૈલીને લગતા રોગો વધતા જઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક તો સાંભળવા મળે છે કે પરિવારમાં 12-15 વર્ષનું બાળક ડાયાબિટીસનું દર્દી બની ગયું છે. તમારી આસપાસ જુઓ, તો તમને અનેક લોકો તેનાથી પીડિત જોવા મળી જશે.પહેલા આપણે સાંભળતા હતા કે 50-60ની ઉંમર પછી હૃદય રોગનો ખતરો વધી જાય છે, પરંતુ આજે ક્યારેક-ક્યારેક સમાચાર આવે છે ૩૦ વર્ષ, 35 વર્ષ, 40 વર્ષનો નવયુવાન દીકરા-દીકરી જતા રહ્યા, હૃદય રોગના હુમલા આવી રહ્યા છે. આ સ્થિતિ વાસ્તવમાં ખૂબ ચિંતાજનક છે, પરંતુ આ બધી જ સ્થિતિઓમાં પણ આશાનું એક કિરણ પણ છે. હવે તમે વિચારશો કે આ બીમારીઓની વચ્ચે પણ આશાના એક કિરણની વાત કઈ રીતે કહી રહ્યો છું. હું સ્વભાવથી ખૂબ જ હકારાત્મક વિચારધારા ધરાવનાર માણસ છું. એટલા માટે હું તેમાંથી પણ કઈક સારી વસ્તુ શોધી કાઢું છું.

સાથીઓ,

જીવનશૈલીને લગતા રોગો થઇ રહ્યા છે, અનિયંત્રિત જીવનશૈલીના કારણે. હવે જીવનશૈલીને લગતા રોગોને આપણે જીવન શૈલીમાં પરિવર્તન લાવીને, તેમાં બદલાવ લાવીને, તેને સરખા પણ કરી શકીએ છીએ. તમામ એવી બીમારીઓ છે જેમને આપણા દૈનિક જીવનમાં નાના નાના પરિવર્તનો લાવીને, પોતાની જીવન શૈલીમાં બદલાવ કરીને તેનાથી આપણે બચી શકીએ છીએ, તેને દૂર રાખી શકીએ છીએ. આ પરિવર્તનો માટે દેશને પ્રેરિત કરવાનું નામ જ ફિટ ઇન્ડિયા અભિયાન છે. અને આ કોઈ સરકારી અભિયાન નથી. સરકાર તો એક ઉત્સેચક ઘટકના રૂપમાં આ વિષયને આગળ વધારશે, પરંતુ એક રીતે દરેક પરીવારનું લક્ષ્ય બનવું જોઈએ, તે દરેક પરિવારની ચર્ચાનો વિષય બનવો જોઈએ. જો વેપારી દર મહીને હિસાબ કરે છે કેટલી કમાણી કરી, શિક્ષણમાં રૂચી ધરાવનાર પરિવારોમાં ચર્ચા થાય છે સંતાનોને કેટલા માર્ક્સ આવ્યા; તે જ રીતે પરિવારની અંદર સહજ રૂપે શારીરિક શ્રમ, શારીરિક વ્યાયામ, શારીરિક તંદુરસ્તી, એ રોજબરોજની જિંદગીની ચર્ચાનો વિષય બનવા જોઈએ.

અને સાથીઓ, ભારતમાં જ અચાનક આ પ્રકારની જરૂરિયાત અનુભવાઈ હોય એવું નથી. સમયની સાથે પરિવર્તન માત્ર ભારતમાં જ આવી રહ્યું છે, એવું પણ નથી. સમગ્ર વિશ્વમાં આજે આ પ્રકારના અભિયાનોની જરૂરિયાત અનુભવાઈ રહી છે. અનેક દેશો પોતાને ત્યાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ વધારવા માટે મોટા મોટા અભિયાનો ચલાવી રહ્યા છે. આપણા પાડોશમાં ચીન-તંદુરસ્ત ચીન 2030, તેનાપર મિશન મોડમાં કામ કરી રહ્યું છે. એટલે કે 20૩૦ સુધી ચીનનો દરેક નાગરિક તંદુરસ્ત હોય, તેના માટે તેમણે આખું સમયપત્રક બનાવ્યું છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયા પોતાના નાગરિકોની શારીરિક પ્રવૃત્તિ વધારવા અને શીથીલતા એટલે કે આળસ જે છે, કઈ કરવાનું નહી, તે સ્વભાવને બદલવા માટે તેમણે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે કે 20૩૦ સુધી દેશના 15 ટકા નાગરિકોને આળસમાંથી બહાર કાઢીને તંદુરસ્તી માટે, સક્રિયતા માટે અમે કામ કરીશું. બ્રિટનમાં જોર-શોરથી અભિયાન ચાલી રહ્યું છે કે 2020 સુધી પાંચ લાખ નવા લોકો રોજની કસરતના દૈનિક ક્રમ સાથે જોડાય, તેમણે આવું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમેરિકા 2021 સુધી પોતાના એક હજાર શહેરોને ફ્રિ ફિટનેસ અભિયાન સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. જર્મનીમાં પણ ફિટ ઇનસ્ટેડ ઓફ ફેટ, તેનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે.

સાથીઓ, મે તમને માત્ર કેટલાક જ દેશોના નામ ગણાવ્યા છે. અનેક દેશ ઘણા લાંબા સમયથી આનાપર કામ શરુ કરી ચુક્યા છે. આ બધા જ દેશોમાં લોકો તંદુરસ્તીના મહત્વને સમજે છે, પરંતુ તેમ છતાં તેમણે પોતાને ત્યાં એક વિશેષ અભિયાન શરુ કર્યું છે. જરા વિચારો – આખરે શા માટે? કારણ કે માત્ર કેટલાક લોકોના તંદુરસ્ત રહેવાથી નહી પરંતુ સમગ્ર દેશ તંદુરસ્ત રહેવાથી જ દેશનો ફાયદો થશે. નવા ભારતનો દરેક નાગરિક તંદુરસ્ત રહે, પોતાની ઊર્જા બીમારીઓના ઈલાજમાં નહી પરંતુ પોતાની જાતને આગળ વધારવામાં, પોતાના પરિવાર, પોતાના દેશને આગળ વધારવામાં લગાવે, તે દિશામાં આપણે આગળ વધવાનું છે.

સાથીઓ,

જીવનમાં જ્યારે તમે એક લક્ષ્ય નિર્ધારિત કરી લો છો તો તે લક્ષ્યને અનુરૂપ જ આપણું જીવન ઘડાવાનું શરુ થઇ જાય છે. જીવન ઢળી જાય છે, આપણી આદતો એવી બની જાય છે, આપણી દિનચર્યા તેવી બની જાય છે. આપણને સવારે આઠ વાગે ઉઠવાની આદત હોય, પરંતુ ક્યારેક સવારે 6 વાગે જો વિમાન પકડવાનું છે, 6 વાગે ટ્રેન પકડવાની છે, તો આપણે ઉઠીએ જ છીએ, તૈયાર થઇને જઈએ જ છીએ. કોઈ વિદ્યાર્થીએ જો એવું નક્કી કરી લીધું હોય કે મારે 10માં કે 12માં ધોરણના બોર્ડમાં ઓછામાં ઓછા આટલા ટકા લાવવાના જ છે, તો તમે જોયું હશે કે તે પોતાની જાતે જ, પોતાની અંદર એક બહુ મોટું પરિવર્તન લાવવાનું શરુ કરી દે છે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ધૂનમાં તેની આળસ ખતમ થઇ જાય છે, તેનીબેસવાની ક્ષમતા વધી જાય છે, તેની એકાગ્રતા ક્ષમતા વધી જાય છે, તે મિત્રોમાં સમય ધીમે-ધીમે ઓછો કરતો જાય છે, થોડી ખાવાપીવાની આદતો ઓછી કરતો જાય છે, ટીવી જોવાનું બંધ કરી દે છે, એટલે કે જીવનને ઘડવા લાગી જાય છે કારણ કે મનમાં લક્ષ્ય થઇ ગયું છે કે મારે આ કરવાનું છે.

એ જ રીતે કોઈ જો પોતાના જીવનનું લક્ષ્ય સંપત્તિ નિર્માણ બનાવે છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. તે ચોવીસ કલાક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લાગેલો રહે છે. એ જ રીતે જ્યારે જીવનમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવી જાય છે, સ્વાસ્થ્ય માટે સજાગતા આવી જાય છે, મન એકવાર નક્કી કરી લે કે ભાઈ હું બિલકુલ પણ ક્યારેય થાકીશ નહી, ક્યારેય શ્વાસ ફૂલશે નહી, ચાલવું પડશે તો ચાલીશ, દોડવું પડશે તો દોડીશ, ચડવું પડશે તો ચડીશ, રોકાઈશ નહી. તમે જુઓ, ધીમે-ધીમે તમારા જીવનની દીનચર્યા પણ એ જ રીતની બનવાની શરુ થઇ જશે. અને પછી એવી વસ્તુઓ કે જે શરીરને નુકસાન કરે છે, તેનાથી તે વ્યક્તિ દૂર રહે છે કારણ કે તેની અંદર એક ચેતના આવી જાય છે, જાગૃત થઇ જાય છે. જેમ કે તે ડ્રગ્સની પકડમાં ક્યારેય નહી આવે, તેના માટે ક્યારેય ડ્રગ્સ કુલ નહી હોય, સ્ટાઈલ સ્ટેટમેન્ટ નહી બને.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે જો જીવનમાં ઉદ્દેશ્ય હોય, સંપૂર્ણ જોશની સાથે તેના માટે કામ કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય, સુખ સમૃદ્ધિ તેના પેટા પેદાશોના રૂપમાં તમારા જીવનમાં આવી જાય છે. પોતાના જીવનના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આપણી અંદર એક ઝનૂન, એક ઈચ્છાશક્તિ, એક ધૂન સવાર થયેલી હોવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે એક ઉદ્દેશ્યની સાથે, ઝનૂનની સાથે આપણે કામ કરીએ છીએ, આગળ વધીએ છીએ તો સફળતા આપણા પગ પખારવા માટે તૈયાર થઇ જાય છે. અને સફળતા પર તમે તે કહેવત તો સાંભળી જ હશે – સફળતાની કોઈ લીફ્ટ નથી હોતી, તમારે સીડી ચડવી જ પડશે. એટલે કે કહેવતમાં પણ તમને સીડીના પગથીયા ચડવા માટે જ કહેવામાં આવ્યું છે. પગથીયા તો તમે ત્યારે જ ચઢી શકશો ને જ્યારે તંદુરસ્ત હશો, નહિતર લીફ્ટ બંધ થઇ ગઈ તો વિચારશો યાર આજે નહી જઈએ, કોણ ચોથા માળે છેક જાય.

ભાઈઓ અને બહેનો,

સફળતા અને તંદુરસ્તીનો સંબંધ પણ એક બીજા સાથે જોડાયેલો છે. આજે તમે કોઇપણ ક્ષેત્રમાં જુઓ, તેના આદર્શ વ્યક્તિઓને જુઓ, તેમની સફળતાની ગાથાને જુઓ, પછી તે ખેલકૂદમાં હોય, ફિલ્મોમાં હોય, વ્યવસાયમાં હોય, તેમાંથી મોટાભાગના તંદુરસ્ત છે. આ માત્ર સંયોગ નથી. જો તમે તેમની જીવનશૈલીના વિષયમાં વાંચશો તો જાણવા મળશે કે એક વસ્તુ, તે દરેક વ્યક્તિમાં સામાન્ય છે. સફળ લોકોની સામાન્ય નિશાની છે – તંદુરસ્તી પર તેમનું ધ્યાન, તંદુરસ્તી પર તેમનો ભરોસો. તમે ઘણા બધા ડોકટરોને પણ જોયા હશે. ઘણા વિખ્યાત હોય છે અને દિવસમાં 10-10, 12-12 કલાક અનેક દર્દીઓના ઓપરેશન કરતા હોય છે. ઘણા બધા ઉદ્યમીઓ સવારે એક મીટીંગ એક શહેરમાં કરે છે, બીજી મીટીંગ બીજા શહેરમાં કરે છે, તેમના ચહેરા પર એક કરચલી પણ જોવા નથી મળતી. તેટલી જ સજાગતા સાથે કામ કરે છે. તમે કોઇપણ વ્યવસાયમાં હોવ, તમારે તમારા વ્યવસાયમાં અસરકારકતા લાવવી છે તો માનસિક અને શારીરિક તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. પછી તે બોર્ડરૂમ હોય કે બોલીવુડ, જે તંદુરસ્ત છે તે આકાશને આંબી શકે છે. શરીર સ્વસ્થ છે તો મન પણ સ્વસ્થ છે.

સાથીઓ,

જ્યારે તંદુરસ્તી તરફ આપણે ધ્યાન આપીએ છીએ, આપણે સ્વસ્થતા પર ધ્યાન આપતા પોતાની જાતને તંદુરસ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ, તો તેનાથી આપણને આપણા શરીરને સમજવાનો અવસર પણ મળે છે. તે આશ્ચર્યની વાત છે, પરંતુ આપણે આપણા શરીરના વિષયમાં, આપણી શક્તિ, આપણી નબળાઈઓના વિષયમાં બહુ ઓછું જાણીએ છીએ. એટલા માટે જ્યારે આપણે તંદુરસ્તીની આપણી યાત્રા પર નીકળીએ છીએ તો આપણા શરીરને સારી રીતે સમજવાનું શરુ કરીએ છીએ. અને મેં એવા અનેક લોકોને જોયા છે જેમણે આમ જ પોતાના શરીરની શક્તિને જાણી છે, ઓળખી છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે, જેનાથી એક વધુ સારા વ્યક્તિત્વના નિર્માણમાં તેમને મદદ મળી છે.

સાથીઓ,

ફિટ ઇન્ડિયા અભિયાન ભલે સરકારે શરુ કર્યું છે પરંતુ તેનું નેતૃત્વ આપ સૌએ જ કરવાનું છે. દેશની જનતા જ આ અભિયાનને આગળ વધારશે અને સફળતાના શિખર પર પહોંચાડશે. હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે તેમાં રોકાણ શૂન્ય છે, પરંતુ વળતર અસીમિત છે.

અહિયાં મંચ પર માનવ સંસાધન વિકાસ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી પણ છે. મારો તેમને વિશેષ આગ્રહ છે કે દેશના દરેક ગામમાં, દેશની દરેક પંચાયતમાં, દેશની દરેક શાળામાં આ અભિયાન પહોંચવું જોઈએ. આ અભિયાન માત્ર એક મંત્રાલયનું જ નથી, માત્ર સરકારનું જ નથી, આ સરકાર ભલે કેન્દ્રની હોય, કે રાજ્યની હોય, કે નગર પાલિકા હોય, પંચાયત હોય, કોઇપણ દળ હોય, કોઈ પણ વિચારધારા હોય, તંદુરસ્તીના સંબંધમાં કોઈને કોઈ પણ સમસ્યા ના હોવી જોઈએ. આખો દેશ, દરેક પરિવાર આના પર જોર આપે. હમણાં આપણે કાર્યક્રમમાં જોયું, આપણે ત્યાં તંદુરસ્તીની સાથે-સાથે વીરતાનું પણ મહત્વ છે, પરંતુ દુર્ભાગ્યે મર્યાદિત વિચારધારાના કારણે, સંપૂર્ણ વિચારશક્તિના અભાવને કારણે આપણે આપણી મહાન પરંપરાઓની ગાડીને એવી તો પાટા પરથી ઉતારી નાખી છે, જેમ કે ક્યારેક આપણે ત્યાં જે 60-70-80 વર્ષની ઉંમરના લોકો હશે, જ્યારે તેઓ શાળામાં ભણતા હતા તો ત્યારે તલવારનો ‘ત’ ભણાવવામાં આવતો હતો. ‘ત’ તલવારનો ‘ત’. પછીથી કેટલાક બુદ્ધિમાન લોકોએ વિવાદ ઉભો કર્યો, મર્યાદિત વિચારધારાનું પરિણામ હતું કે ભાઈ તલવાર બાળકોને ભણાવવાથી તેમની અંદર હિંસક મનોવૃત્તિ આવે છે. તો શું કરીએ, તો તલવારને કાઢી નાખો, ‘ત’ તરબૂચનો ‘ત’ ભણાવો. એટલે કે આપણે કઈ રીતે મનોવૈજ્ઞાનિક રૂપે પણ આપણી મહાન પરંપરાઓમાંથી વીરતાને પણ, શારીરિક સામર્થ્યને પણ, તંદુરસ્તીને પણ બહુ ઊંડી ઈજા પહોંચાડી છે.

અને એટલા માટે હું ઈચ્છીશ કે દરેક પ્રકારે આપણે તંદુરસ્તીને એક ઉત્સવના રૂપમાં, જીવનના એક ભાગના રૂપમાં, પરિવારની સફળતાના જેટલા પણ માપદંડો હોય, તેમાં તંદુરસ્તી પણ પરિવારની સફળતાનો એક માપદંડ હોવો જોઈએ. વ્યક્તિના જીવનની સફળતાઓમાં પણ તંદુરસ્તી તેનો પણ એક માપદંડ હોવો જોઈએ. જો આ ભાવને લઈને આપણે ચાલીએ છીએ અને રાજ્ય સરકારો હોય, હું તેમને પણ કહીશ કે ફિટ ઇન્ડિયા અભિયાનને વધુમાં વધુ વિસ્તાર આપવા, તેને દેશના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પહોંચાડવા માટે દરેક વ્યક્તિ આગળ આવે. પોતાની શાળાઓમાં, પોતાની કચેરીઓમાં, પોતાના રાજ્યના લોકોમાં તંદુરસ્તી માટે જાગૃતતા વધારીને, તેમના માટે જરૂરી સંસાધનો એકઠા કરીને આપણે વધુમાં વધુ લોકોને દરરોજ પોતાનો થોડો સમય તંદુરસ્તીને આપવા માટે પ્રેરિત કરવા પડશે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ, એ જ નવા ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાનો રસ્તો છે. જેમ તમે સ્વચ્છ ભારત અભિયાનને તમારા જીવનનો હિસ્સો બનાવ્યું છે, તે જ રીતે ફિટ ઇન્ડિયા અભિયાનને પણ તમારા જીવનનો હિસ્સો બનાવવાનું છે.

આવો, તમે આજે એ સંકલ્પ લો, એ પ્રતિજ્ઞા લો કે તમે પોતે પણ તંદુરસ્ત રહેશો, તમારા પરિવાર, મિત્રો, પડોશીઓ અને જેમને પણ તમે જાણો છો, તે સૌને તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહિત કરશો. હું તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત.

એ જ એક આગ્રહની સાથે એક વાર ફરી આ અભિયાનની માટે દેશવાસીઓને મારી અનેક અનેક શુભકામનાઓ છે અને સમાજના દરેક તબક્કામાં નેતૃત્વ કરનારા લોકોને મારો આગ્રહ છે કે તમે આગળ આવો, આ અભિયાનને વેગ આપો, સમાજના સ્વસ્થ હોવામાં તમે પણ ભાગીદાર બનો. એ જ એક અપેક્ષાની સાથે, અનેક અનેક શુભકામનાઓની સાથે આપ સૌનો ખૂબખૂબ આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi