ભારત માતાની જય.
ભારત માતાની જય.
ભારત માતાની જય.
આસામના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી રામેશ્વર તેલી જી, આસામ સરકારમાં મંત્રી શ્રીમાન હેમંતા બિસ્વા સરમા જી, શ્રી અતુલ બોરા જી, શ્રી કેશબ મહંતા જી, શ્રી રંજીત દત્તા જી, બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજનના વડા શ્રી પ્રમોદ બોરો જી, અન્ય સહુ સાંસદો, ધારાસભ્યો, અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
मौर भाई बहिन सब, तहनिदेर कि खबर, भालइ तौ? खुलुमबाय। नोंथामोंनहा माबोरै दं? ગયા મહિનામાં આસામમાં આવીને ગરીબ, પીડિત, શોષિત, વંચિત સમાજના લોકોને જમીનના પટ્ટાની વહેંચણીના કાર્યક્રમમાં ભાગ લેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે મેં કહ્યું હતું કે આસામના લોકોનો સ્નેહ અને તમારો પ્રેમ એટલો ઊંડો છે, કે તેઓ મને વારંવાર આસામ લઈ આવે છે. હવે ફરી એકવાર હું આપ સહુને પ્રણામ કરવા આવ્યો છું. તમારા સહુના દર્શન કરવા માટે આવ્યો છું. મેં કાલે સોશિયલ મીડિયા ઉપર જોયું, પછી મેં ટ્વિટ પણ કર્યું કે ઢેક્યાજુલીને કેટલું સુંદર સજાવાયું છે. કેટલા બધાં દીવડા તમે લોકોએ પ્રજ્વલિત કર્યા છે. આ પોતાનાપણા માટે હું આસામની જનતાના ચરણોમાં પ્રણામ કરું છું. હું આસામના મુખ્યમંત્રી સર્વાનંદ જી, હેમંતા જી, રંજીત દત્તા જી, સરકારમાં અને ભાજપા સંગઠનમાં બેઠેલા, તમામની પ્રશંસા કરીશ. તેઓ એટલી ઝડપભેર આસામના વિકાસમાં, આસામની સેવામાં લાગેલા છે કે મને અહીં વિકાસના કાર્યક્રમોમાં આવવાનો સતત અવસર મળતો રહ્યો છે. આજનો દિવસ તો મારા માટે બીજા પણ એક કારણે વિશેષ છે ! આજે મને સોનિતપુર-ઢેક્યાજુલીની આ પવિત્ર ધરતીને પ્રણામ કરવાની તક મળી છે. આ એ જ ધરતી છે, જ્યાં રુદ્રપદ મંદિર પાસે આસામનો સદીઓ જૂનો ઈતિહાસ આપણી સમક્ષ આવ્યો હતો. આ એ જ ધરતી છે, જ્યાં આસામના લોકોએ આક્રમણ કરનારાઓને હરાવ્યા હતા, પોતાની એકતા, પોતાની શક્તિ, પોતાના શૌર્યનો પરિચય આપ્યો હતો. 1942માં આ જ ધરતી ઉપર આસામના સ્વાધીનતા સૈનિકોએ દેશની આઝાદી માટે, તિરંગાના સન્માન માટે, પોતાનું બલિદાન આપ્યું હતું. આપણા આ જ શહીદોના પરાક્રમ ઉપર ભૂપેન હજારિકા જી કહેતા હતા ---
भारत हिंहह आजि जाग्रत हय।
प्रति रक्त बिन्दुते,
हहस्र श्वहीदर
हाहत प्रतिज्ञाओ उज्वल हय।
એટલે કે, આજે ભારતના સિંહો જાગૃત થયા છે. આ શહીદોના રક્તનું એક-એક ટીપું, તેમના સાહસ આપણા સંકલ્પોને વધુ મજબૂત કરે છે. એટલે જ, શહીદોના શૌર્યની સાક્ષી એવી સોનિતપુરની આ ધરતી, આસામનો આ ભૂતકાળ, વારંવાર મારા મનને આસામ માટે ગૌરવનો અનુભવ કરાવે છે.
સાથીઓ,
આપણે બધા કાયમ એવું સાંભળતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ કે દેશની પહેલી સવાર પૂર્વોત્તરમાં પડે છે. પરંતુ હકીકત એ પણ છે કે પૂર્વોત્તર અને આસામમાં વિકાસની સવારે લાંબો સમય રાહ જોવી પડી છે. હિંસા, અભાવ, તણાવ, ભેદભાવ, પક્ષપાત, સંઘર્ષ, આ તમામ વાતોને પાછળ છોડીને હવે સમગ્ર નોર્થ ઈસ્ટ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. અને આસામ તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ઐતિહાસિક બોડો સમજૂતી પછી તાજેતરમાં જ બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની ચૂંટણીઓએ અહીં વિકાસ અને વિશ્વાસનો નવો અધ્યાય રચ્યો છે. આજનો દિવસ પણ આસામના ભાગ્ય અને આસામના ભવિષ્યમાં આ મોટા પરિવર્તનનો સાક્ષી છે. આજે એક તરફ, બિશ્વનાથ અને ચરઈદેવમાં બે મેડિકલ કોલેજોની ભેટ આસામને મળી રહી છે, તો આ જ સમયે બીજી તરફ, ‘આસામ માલા’ દ્વારા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો પણ નંખાયો છે.
अखमर बिकाखर जात्रात आजि एक उल्लेखजोग्य़ दिन। एइ बिखेख दिनटोत मइ अखमबाखीक आन्तरिक अभिनन्दन जनाइछोँ।
સાથીઓ,
સાથે મળીને કરેલા પ્રયાસોથી, સાથે મળીને લીધેલાં સંકલ્પોથી કેવું પરિણામ મેળવી શકાય છે, આસામ તેનું એક મોટું ઉદાહરણ છે. તમને પાંચ વર્ષ પહેલાનો એ સમય યાદ હશે, જ્યારે આસામના મોટા ભાગના અંતરિયાળ વિસ્તારોમાં સારી હોસ્પિટલ કેવળ એક સ્વપ્ન સમાન હતી. સારી હોસ્પિટલ, સારી સારવારનો અર્થ હતો કલાકોની મુસાફરી, કલાકોની પ્રતીક્ષા અને સતત અગણિત મુશ્કેલીઓ ! મને આસામના લોકોએ જણાવ્યું છે કે તેમને હંમેશા એ જ ચિંતા રહેતી હતી કે કોઈ મેડિકલ ઈમરજન્સી ન આવી પડે ! પરંતુ આ સમસ્યાઓ હવે ઝડપથી ઉકેલની દિશામાં આગળ વધી રહી છે. તમે આ ફરકને સહેલાઈથી જોઈ શકો છો, અનુભવી શકો છો. આઝાદી પછી 7 દાયકાઓમાં, એટલે કે 2016 સુધીમાં આસામમાં ફક્ત 6 મેડિકલ કોલેજ હતી. પરંતુ આ પાંચ વર્ષોમાં જ આસામમાં વધુ 6 મેડિકલ કોલેજ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. આજે ઉત્તર આસામ અને અપર આસામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બિસ્વનાથ અને ચરઈદેવમાં વધુ બે મેડિકલ કોલેજોનો શિલાન્યાસ થયો છે. આ મેડિકલ કોલેજ પોતે આધુનિક સ્વાસ્થ્ય સેવાઓનાં કેન્દ્ર તો બનશે જ, સાથે સાથે, આવનારાં કેટલાંક વર્ષોમાં અહીંથી જ મારા હજારો નવયુવાન ડૉક્ટર બનીને નીકળશે.
તમે જુઓ, 2016 સુધીમાં આસામમાં કુલ એમબીબીએસ બેઠકો આશરે 725 જ હતી. પરંતુ આ નવી મેડિકલ કોલેજ જેવી શરૂ થશે, આસામને દર વર્ષે 1600 નવા એમબીબીએસ ડૉક્ટર્સ મળવા લાગશે. અને મારું તો હજુ વધુ એક સ્વપ્ન છે. ઘણું સાહસભર્યું સ્વપ્ન લાગે છે, પરંતુ મારા દેશના ગામમાં મારા દેશના ગરીબના ઘરમાં ટેલેન્ટની કોઈ ઉણપ નથી હોતી. તેને તક મળી નથી હોતી. આઝાદ ભારત જ્યારે હવે 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. તો મારું એક સ્વપ્ન છે. દરેક રાજ્યમાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ, ઓછામાં ઓછી એક ટેકનિકલ કોલેજ, જે માતૃભાષામાં શિક્ષણ આપતી હોય, તે શરૂ થાય. શું અસમિયા ભાષામાં ભણીને કોઈ સારો ડૉક્ટર ન બની શકે ? આઝાદીના 75 વર્ષ થવા આવ્યાં અને એટલે ચૂંટણી પછી આસામમાં જે નવી સરકાર બનશે, હું અહીં આસામના લોકો તરફથી તમને વચન આપું છું કે આસામમાં પણ એક મેડિકલ કોલેજ સ્થાનિક ભાષામાં અમે શરૂ કરીશું. એક ટેકનિકલ કોલેજ સ્થાનિક ભાષામાં શરૂ કરીશું. અને ધીમે ધીમે એ સંખ્યા વધારવામાં આવશે. તેને કોઈ અટકાવી નહીં શકે. આ ડૉક્ટર્સ આસામના અલગ અલગ પ્રદેશોમાં, અંતરિયાળ વિસ્તારોમાં પોતાની સેવાઓ આપશે. તેનાથી પણ સારવારમાં સુવિધા થશે, લોકોએ સારવાર માટે ખૂબ દૂર સુધી જવું નહીં પડે.
સાથીઓ,
આજે ગુવાહાટીમાં એમ્સનું કામ પણ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. તેનું કામ આવનારા દોઢ વર્ષોમાં પૂરું પણ થઈ જશે. એમ્સના હાલના કેમ્પસમાં આ જ શૈક્ષણિક સત્રથી એમબીબીએસની પહેલી બેચ શરૂ પણ થઈ ગઈ છે. આવનારા વર્ષોમાં તેનું નવું કેમ્પસ જેવું તૈયાર થઈ જશે કે તમે જોશો કે ગુવાહાટી આધુનિક સ્વાસ્થ્ય સેવાઓના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એમ્સ ગુવાહાટી ફક્ત આસામ જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તરના જીવનમાં એક મોટું પરિવર્તન કરવાનું છે. આજે જ્યારે હું એમ્સની વાત કરી રહ્યો છું, તો એક સવાલ તમને સહુને પૂછવા માગું છું. દેશની પાછલી સરકારો શા માટે એ સમજી ન શકી કે ગુવાહાટીમાં જ એમ્સ હોય તો તમને લોકોને કેટલો લાભ થાય. એ લોકો પૂર્વોત્તરથી એટલા દૂર રહ્યા હતા કે તમારી તકલીફો ક્યારેય સમજી જ ન શક્યા.
સાથીઓ,
આજે કેન્દ્ર સરકાર દ્વારા આસામના વિકાસ માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવામાં આવી રહ્યું છે. આસામ પણ દેશ સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહ્યું છે. આયુષ્માન ભારત યોજના હોય, જનઔષધિ કેન્દ્ર હોય, પ્રધાનમંત્રી નેશનલ ડાયલિસિસ પ્રોગ્રામ હોય, કે પછી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ હોય, સામાન્ય માનવીના જીવનમાં જે પરિવર્તન આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે, એ જ પરિવર્તન, એ જ સુધારા આસામમાં પણ જોવા મળી રહ્યા છે. આજે આસામમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ આશરે સવા કરોડ ગરીબોને મળી રહ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આસામની 3500થી વધુ હોસ્પિટલ આ યોજના સાથે જોડાઈ ચૂકી છે. આટલા ઓછા સમયમાં આસામના દોઢ લાખ ગરીબ આયુષ્માન ભારત યોજના હેઠળ પોતાની સારવાર વિના મૂલ્યે કરાવી ચૂક્યા છે. આ તમામ યોજનાઓ દ્વારા આસામના ગરીબોને સેંકડો કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચ થતા બચ્યા છે. ગરીબના નાણાં બચ્યાં છે. આયુષ્માન ભારત યોજનાની સાથે જ લોકોને આસામ સરકારના અટલ અમૃત અભિયાનથી પણ ફાયદો થઈ રહ્યો છે. આ યોજનામાં ગરીબોની સાથે જ સામાન્ય વર્ગના નાગરિકોને પણ અત્યંત ઓછા હપ્તે સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તે સાથે જ આસામના ખૂણે ખૂણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પણ ખોલવામાં આવી રહ્યાં છે, જે ગામડાંમાં વસતા ગરીબોના મૂળભૂત સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં છે. મને જણાવવામાં આવ્યું છે કે આ સેન્ટર્સ ઉપર અત્યાર સુધીમાં આસામના 55 લાખથી વધુ ભાઈ-બહેનોએ પોતાની પ્રાથમિક સારવાર કરાવી છે
સાથીઓ,
સ્વાસ્થ્ય સેવાઓ માટે સંવેદનશીલતા અને આધુનિક સુવિધાઓનું મહત્ત્વ સમગ્ર દેશે કોરોનાકાળામાં ખૂબ સારી રીતે અનુભવ્યું છે. દેશે કોરોના સામે જે રીતે લડત આપી છે, જેટલી અસરકારક રીતે ભારત પોતાનો વેક્સિન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે, તેની પ્રશંસા આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. કોરોનામાંથી પાઠ ભણીને દેશે, પ્રત્યેક દેશવાસીનાં જીવનને સુરક્ષિત અને સરળ બનાવવા માટે વધુ ઝડપભેર કામ કરવું શરૂ કર્યું છે. એની ઝલક તમે આ વખતના બજેટમાં પણ જોઈ છે. બજેટમાં આ વખતે સ્વાસ્થ્ય પાછળ થનારા ખર્ચમાં અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. સરકારે એ પણ નક્કી કર્યું છે કે હવે દેશના 600થી વધુ જિલ્લાઓમાં ઈન્ટીગ્રેટેડ લેબોરેટરીઝ બનાવવામાં આવશે. એનો ઘણો મોટો લાભ નાનાં કસ્બા અને ગામડાંના લાકોને થશે, જેમણે મેડિકલ ટેસ્ટ કરાવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે.
સાથીઓ,
આસામની ખુશહાલી, અહીંની પ્રગતિનું એક ઘણું મોટું કેન્દ્ર આસામના ચાના બગીચાઓ પણ છે. સોનિતપુરની લાલ ચા તો એમ પણ પોતાની વિશિષ્ટ ફ્લેવર માટે પ્રખ્યાત છે. સોનિતપુર અને આસામની ચાનો સ્વાદ કેટલો વિશિષ્ટ હોય છે, તે મારાથી વધુ કોને ખબર હોઈ શકે ? એટલા માટે જ હું હંમેશા ચા ઉદ્યોગના કામદારોના વિકાસને સમગ્ર આસામના વિકાસ સાથે જોડીને જોઉં છું. મને ખુશી છે કે આ દિશામાં આસામ સરકાર ઘણા સકારાત્મક પ્રયાસ કરી રહી છે. હમણાં કાલે જ આસામ ચાહ બગીચા ધન પુરસ્કાર મેલા સ્કીમ હેઠળ આસામના સાડા સાત લાખ ટી ગાર્ટન વર્કર્સના બેન્ક ખાતાંઓમાં કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. ટી ગાર્ડન્સમાં કામ કરનારી ગર્ભવતી મહિલાઓને એક વિશેષ યોજના હેઠળ સીધી મદદ કરવામાં આવી રહી છે, ટી વર્કર્સ અને તેમના પરિવારને સ્વાસ્થ્યની દેખભાળ માટે, તપાસ અને સારવાર માટે ટી ગાર્ડન્સમાં જ મોબાઈલ મેડિકલ યુનિટ પણ મોકલવામાં આવે છે, વિના મૂલ્યે દવાઓની વ્યવસ્થા પણ કરાય છે. આસામ સરકારના આ પ્રાયાસો સાથે જોડાઈને આ વર્ષે દેશના બજેટમાં પણ ચાના બગીચામાં કામ કરનારા આપણા ભાઈઓ અને બહેનો માટે એક હજાર કરોડ રૂપિયાની વિશેષ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ટી વર્કર માટે એક હજાર કરોડ રૂપિયા. આ પૈસા તમને મળનારી સુવિધાઓ વધારશે, આપણા ટી વર્કર્સના જીવનને વધુ આસાન બનાવશે.
સાથીઓ,
આજે જ્યારે હું આસામના ટી વર્કર્સની વાત કરી રહ્યો છું, ત્યારે હું આ દિવસોમાં દેશ વિરુદ્ધ ચાલી રહેલાં ષડયંત્રોની પણ વાત કરવા માગું છું. આજે દેશને બદનામ કરવા માટે ષડયંત્ર રચવાવાળા એ હદ સુધી પહોંચી ગયા છે કે ભારતની ચાને પણ નથી છોડી રહ્યા. તમે સમાચારોમાં સાંભળ્યું હશે, આ ષડયંત્ર કરવાવાળા કહે છે કે ભારતની ચાની છબી ખરડાવવી છે. યોજનાપૂર્વક ખરડાવવી છે. ભારતની ચાને વિશ્વભરમાં બદનામ કરવી છે. કેટલાક દસ્તાવેજ પ્રકાશમાં આવ્યા છે, જેમાં ખુલાસો થાય છે કે વિદેશમાં બેઠેલી કેટલીક તાકતો, ચા સાથે ભારતની જે ઓળખ જોડાયેલી છે, તેના ઉપર હુમલો કરવાની તૈયારીમાં બેઠી છે. શું તમને આ હુમલો મંજૂર છે ? આ હુમલા પછી ચૂપ રહેનારા લોકો મંજૂર છે તમને ? હુમલો કરનારાઓની પ્રશંસા કરનારા લોકો મંજૂર છે તમને ? આ તમામ રાજકીય પક્ષો પાસે ચાના પ્રત્યેક બગીચા જવાબ માંગશે. હિન્દુસ્તાનની ચા પીનાર પ્રત્યેક માનવી જવાબ માંગશે. હું આસામની ધરતી ઉપરથી આ ષડયંત્રકારીઓને કહેવા માગું છું કે તેઓ જેટલી મરજી પડે એટલા ષડયંત્ર રચે, દેશ તેમના નાપાક ઈરાદાઓને સફળ થવા નહીં દે. મારા ટી વર્કર આ લડાઈમાં વિજય મેળવીને જ જંપશે. ભારતની ચા ઉપર કરવામાં આવી રહેલા આ હુમલાઓમાં એટલી તાકાત નથી કે તે આપણા ટી વર્કર્સના પરિશ્રમનો મુકાબલો કરી શકે. આ રીતે વિકાસ અને પ્રગતિના રસ્તે દેશ આગળ ધપતો રહેશે. આસામ આ રીતે વિકાસની નવી નવી ઊંચાઈઓને આંબતો રહેશે. આસામના વિકાસનું આ ચક્ર આ જ વેગથી ફરતું રહેશે.
સાથીઓ,
આજે જ્યારે આસામમાં પ્રત્યેક ક્ષેત્રમાં આટલું કામ થઈ રહ્યું છે, દરેક વર્ગ અને દરેક ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એ પણ જરૂરી છે કે આસામનું સામર્થ્ય વધુ વૃદ્ધિ પામે. આસામનું સામર્થ્ય વધારવા માટે અહીં આધુનિક રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તેને જ ધ્યાનમાં રાખીને આજે ભારત માલા પ્રોજેક્ટને સમાંતર આસામ માટે અસમ માલાનો પ્રારંભ કરાયો છે. આવનારાં 15 વર્ષોમાં આસામમાં પહોળા હાઈવેનું નેટવર્ક હશે, અહીંના તમામ ગામ મુખ્ય માર્ગો સાથે જોડાય, અહીંના રસ્તા દેશના મોટાં શહેરોની માફક આધુનિક હોય, અસમ માલા પ્રોજેક્ટ તમારા સપનાં પૂરાં કરશે, તમારું સામર્થ્ય વધારશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ આસામમાં હજારો કિલોમીટરના રસ્તાઓ બાંધવામાં આવ્યા છે, નવા-નવા પુલ બનાવવામાં આવ્યા છે. આજે ભૂપેન હજારિકા બ્રિજ અને સરાયઘાટ બ્રિજ આસામની આધુનિક ઓળખનો હિસ્સો બની રહ્યા છે. આવનારા દિવસોમાં આ કામ હજુ વધુ વેગથી આગળ ધપશે. વિકાસ અને પ્રગતિની ગતિ વધારવા માટે આ વખતે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર અભૂતપૂર્વ ભાર મૂકવામાં આવ્યો છે. એક તરફ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ થઈ રહ્યું છે, તો બીજી તરફ અસમ માલા જેવા પ્રોજેક્ટથી કનેક્ટિવિટી વધારવાનું કામ થઈ રહ્યું છે, તમે કલ્પના કરો, આવનારા દિવસોમાં આસામમાં કેટલું કામ થવાનું છે, અને આ કામમાં કેટલા યુવાનોને રોજગાર મળવાનો છે. જ્યારે હાઈવે વધુ સારા હશે, કનેક્ટિવિટી વધશે, તો વ્યાપાર અને ઉદ્યોગ પણ વધશે, પર્યટન પણ વધશે. તેનાથી આપણા યુવાનો માટે રોજગારના નવા અવસર ઊભા થશે, આસામના વિકાસને નવી ગતિ મળશે.
સાથીઓ,
આસામના પ્રસિદ્ધિ કવિ રુપકુંવર જ્યોતિ પ્રસાદ અગ્રવાલની પંક્તિઓ છે -
मेरी नया भारत की,
नया छवि,
जागा रे,
जागा रे,
આજે આ પંક્તિઓને સાકાર કરીને આપણે નવા ભારતનો ઉદય કરવાનો છે. આ નવું ભારત આત્મનિર્ભર હશે, આ નવું ભારત, આસામના વિકાસની નવી ઊંચાઈઓને આંબશે. આ જ શુભકામનાઓ સાથે, તમારા સહુનો ખૂબ ખૂબ આભાર! ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી સાથે બંને મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત સાથે બોલો, ભારત માતાની - જય. ભારત માતાની - જય. ભારત માતાની - જય. ખૂબ ખૂબ આભાર.