ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુરમુજી, રાજ્યના ઊર્જાવાન લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રઘુવર દાસ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન જગત પ્રસાદ નડ્ડાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી અને આ જ ધરતીના સંતાન શ્રીમાન સુદર્શન ભગતજી, કેન્દ્રમાં અમારા સાથી જયંત સિંહાજી, નીતિ આયોગના સદસ્ય ડૉક્ટર વી.કે. પોલ, રાજ્ય સરકારના મંત્રી રામચંદ્ર ચંદ્રમુંશી, સંસદમાં મારા સાથી શ્રીમાન રામટહલ ચૌધરીજી, વિધાયક શ્રીમાન રામકુમાર પાહણજી, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં પધારેલા ઝારખંડના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
સાથીઓ, આજે આપણે સૌ આજે તે વિશેષ અવસરના સાક્ષી બની રહ્યા છીએ જેનું મૂલ્યાંકન ભવિષ્યમાં માનવતાની ખૂબ મોટી સેવાના રૂપમાં થવાનું નક્કી છે. આજે હું અહિં માત્ર ઝારખંડના વિકાસને ગતિ આપવા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં જે સપનું આપણા ઋષિ મુનીઓએ જોયું હતું, જે સપનું દરેક પરિવારનું હોય છે, અને આપણા ઋષિ મુનીઓએ સપનું જોયું હતું કે ‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા:’. આપણા આ સદીઓ જુના સંકલ્પને આ જ શતાબ્દીમાં આપણે પૂર્ણ કરવાનો છે અને આજે તેનો એક બહુમૂલ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે.
સમાજની છેલ્લી હરોળમાં જે માણસ ઉભો છે. ગરીબમાં ગરીબને પણ ઈલાજ મળે, સ્વાસ્થ્યની વધુ સારી સુવિધા મળે. આજે આ સપનાને સાકાર કરવા માટેનું એક ખૂબ મહત્વનું પગલું આ બિરસામુંડાની ધરતી પરથી ઉઠાવવામાં આવી રહ્યું છે.
આજે સમગ્ર હિંદુસ્તાનનું ધ્યાન રાંચીની ધરતી પર છે. દેશના 400થી વધુ જિલ્લાઓમાં આવા જ મોટા સમારોહ ચાલી રહ્યા છે અને ત્યાંથી બધા જ લોકો આ રાંચીના ભવ્ય સમરોહને જોઈએ રહ્યા છે અને તેઓ પણ આના પછી ત્યાં આગળ આ જ કાર્યક્રમને આગળ વધારવાના છે.
આજે અહિં મને બે મેડિકલ કોલેજનો પ્રારંભ કરવાનો અવસર મળ્યો. આપણા મુખ્યમંત્રીજી કહી રહ્યા હતા કે આઝાદીના 70 વર્ષની અંદર ત્રણ મેડિકલ કોલેજ, સાડા ત્રણસો વિદ્યાર્થી અને ચાર વર્ષમાં આઠ મેડિકલ કોલેજ, 1200 વિધાર્થીઓ. કામ કેવી રીતે થાય છે, કેટલા વ્યાપક પ્રમાણમાં થાય છે, લેટલી તીવ્ર ગતિએ થાય છે, હું નથી માનતો કે આનાથી મોટું બીજુ કોઈ ઉદાહરણ હવે કોઈને શોધવા જવાની જરૂર છે.
ભાઈઓ બહેનો, આજે આયુષ્માન ભારતના સંકલ્પની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેએવાય આજથી લાગુ થઇ રહી છે. આ યોજનાને પ્રત્યેક વ્યક્તિ પોત-પોતાની કલ્પના અનુસારનું નામ આપી રહ્યો છે. કોઈ તેને મોદી કેર કહી રહ્યા છે, કોઈ કહી રહ્યા છે કે ગરીબોની માટે યોજના છે. જુદા-જુદા નામોથી લોકો બોલાવી રહ્યા છે પરંતુ મારા માટે તો આ આપણા દેશના દરિદ્રનારાયણની સેવા કરવાનો એક મહામૂલો અવસર છે. ગરીબની સેવા કરવા માટે હું સમજુ છું કે આનાથી મોટો બીજો કોઈ કાર્યક્રમ ન હોઈ શકે, અભિયાન ન હોઈ શકે, યોજના ન હોઈ શકે.
દેશના 50 કરોડથી વધુ ભાઈ બહેનોને પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય બાહેંધરી આપનારી દુનિયાની આ પ્રકારની સૌથી મોટી યોજના છે. સમગ્ર દુનિયામાં સરકારી પૈસે આટલી મોટી યોજના કોઈ પણ દેશમાં દુનિયામાં નથી ચાલી રહી.
આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા, જ્યારે આપણે અહિં બેસીએ છીએ ત્યારે કલ્પના નથી કરી શકતા. સમગ્ર યુરોપિયન સંઘ, 27-28દેશોની જેટલી વસ્તી છે, તેટલા લોકોને ભારતમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ મળવાનો છે.
સંપૂર્ણ અમેરિકાની વસ્તી, સંપૂર્ણ કેનેડાની વસ્તી, સંપૂર્ણ મેક્સિકોની વસ્તી, આ ત્રણેય દેશોની વસ્તી ભેગી કરીએ અને જેટલી સંખ્યા બને છે તેનાથી પણ વધુ લોકોની આયુષ્માન ભારત યોજના વડે દેશના લોકોના આરોગ્યની ચિંતા થવાની છે.
અને એટલા માટે હમણાં આપણા આરોગ્ય મંત્રી નડ્ડાજી જણાવી રહ્યા હતા કે આરોગ્ય જગતનું વિશ્વનું જે સૌથી વધુ માન્યતા પ્રાપ્ત મેગેઝીન છે, તે પણ આગળ વધીને વખાણ કરી રહ્યું છે કે હિન્દુસ્તાને એક ગેમ ચેન્જર, એક ખૂબ મોટી મહત્વાકાંક્ષી યોજનાને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
અને મને વિશ્વાસ છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં દુનિયામાં મેડિકલ ક્ષેત્રમાં કામ કરનારા લોકો આરોગ્યના સંબંધમાં જૂદી-જૂદી યોજનાઓના સંબંધમાં વિચારનારા લોકો, આરોગ્ય અને અર્થશાસ્ત્રની ચર્ચા કરનારા લોકો, આરોગ્ય અને આધુનિક સંસાધનોની ચર્ચા કરનારા લોકો, આરોગ્ય અને સામાન્ય માનવીની જિંદગીના બદલાવથી સમાજ જીવન પર પડનારા પ્રભાવની ચર્ચા કરનારા લોકો, ભલે તે સામાજિક વિજ્ઞાની હોય, કે પછી મેડિકલ સાયન્સની દુનિયાના લોકો હોય, કે અર્થશાસ્ત્રના લોકો હોય, દુનિયામાં હરેકને ભારતની આ આયુષ્માન ભારતની યોજનાનો અભ્યાસ કરવો પડશે, વિચારવું પડશે અને તેના આધાર પર દુનિયાની માટે કયું મોડલ બની શકે તેમ છે તેની માટે ક્યારેક ને ક્યારેક તો વિચારીને યોજનાઓ બનાવવી જ પડશે.
હું આ યોજનાને મૂર્તરૂપ આપવામાં જે ટીમે કામ કર્યું છે, મારા તમામ સાથીઓએ જે કામ કર્યું છે, તે કામ નાનું નથી. છ મહિનાની અંદર દુનિયાની આટલી મોટી યોજના, જેની કલ્પનાથી લઈને કરિશ્મા કરીને દેખાડવા સુધીની યાત્રા માત્ર છ મહિનામાં. ક્યારેક સુશાસનની જે લોકો ચર્ચા કરતા હશે ને, એક ટીમ બનીને, એક વિઝનની સાથે, એક રોડમેપ લઈને, સમયબદ્ધ તેની પૂર્તિ કરીને અને 50 કરોડ લોકોને જોડીને, 13 હજાર દવાખાનાઓને જોડીને, છ મહિનાની અંદર આટલી મોટી યોજના આજે ધરતી પર લઈને આવવી, તે પોતાનામાં જ એક બહુ મોટી અજાયબી છે.
અને હું એટલા માટે મારી સમગ્ર ટીમને આજે સાર્વજનિક રૂપે સવા સો કરોડ દેશવાસીઓની સામે મન ભરીને અભિનંદન પાઠવુ છુ,હૃદયપૂર્વક અભિનંદન આપુ છુ. અને મને વિશ્વાસ છે કે આ ટીમ હવે વધુ તાકાત સાથે અને વધુ સમર્પણની સાથે કામ કરશે કારણ કે અત્યાર સુધી તો પ્રધાનમંત્રી તેમની પાછળ લાગેલા રહેતા હતા, પરંતુ હવે 50 કરોડ ગરીબોના આશીર્વાદ તેમની સાથે છે. ને જ્યારે 50 કરોડ ગરીબોના આશીર્વાદ આ ટીમની સાથે હોય, ગામડામાં બેઠેલ આશા વર્કર પણ મન દઈને આ કામને પૂરું કરવામાં લાગી જશે, તેને યશસ્વી બનાવીને રહેશે, એ મારો સંપૂર્ણ વિશ્વાસ છે.
સાથીઓ, ગરીબોને આરોગ્યનું આ જે સુરક્ષા કવચ પ્રાપ્ત થઇ રહ્યું છે, તેને સમર્પિત કરતા હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું, યોજના તો સારી છે, દરેકની માટે છે, પરંતુ શું કોઈ દવાખાનાનું ઉદઘાટન કરવા જાય અને એવું કહી શકે છે કે તમારું દવાખાનું હંમેશા ભરેલું રહે? કોઈ નથી કહી શકતું. હું તો દવાખાનાનું ઉદઘાટન કરવા જઈશ તો કહીશ કે તમારું દવાખાનું હંમેશા ખાલી રહે.
આજે આયુષ્માન ભારત યોજનાનો આરંભ કરતી વખતે પણ હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે મારા દેશના કોઈ પણ ગરીબને તેના પરિવારમાં એવી કોઈ મુસીબત ન આવે જેથી કરીને આ યોજના માટે દવાખાનાના દરવાજે જવાની મજબૂરી આવી પડે. કોઈને પણ જીવનમાં આવી ખરાબ હાલત ન થવી જોઈએ. અને તેના માટે પણ ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને જો કોઈ મુસીબત આવી તો આયુષ્માન ભારત તમારા ચરણોમાં હાજર છે.
જો દુર્ભાગ્યે તમારા જીવનમાં બીમારીનું દુષ્ચક્ર આવ્યું તો તમારે પણ દેશના ધનવાન માણસો જે રીતે આરોગ્યની સેવા પ્રાપ્ત કરી શકે છે,હવે મારા દેશનો ગરીબને પણ તે જ સેવાઓ ઉપલબ્ધ થવી જોઈએ. મારા દેશના ગરીબને પણ તે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ જે દેશના કોઈ ધનવાનને મળે છે.
ભાઈઓ અને બહેનો, આ યોજના આજથી લાગુ થઇ છે પરંતુ કારણ કે આટલી મોટી યોજના હતી એટલે ટ્રાયલ કરવી પણ જરૂરી હતી. ટેકનોલોજી કામ કરશે કે નહીં કરે, જે આરોગ્ય મિત્ર બનાવ્યા છે તેઓ સરખી રીતે કામ કરી શકશે કે નહીં કરી શકે, દવાખાનાઓ જે પહેલા કામ કરતા હતા તેમને બદલીને સારા કરીએ કે નહીં અને એટલા માટે છેલ્લા કેટલાક દિવસોથી દેશના જૂદા-જૂદા જિલ્લાઓમાં આની ટ્રાયલ ચાલી રહી હતી. અને મને વિશ્વાસ છે કે દેશને સાચા અર્થમાં સ્વાસ્થ્યનો અધિકાર આપવાનું આ અભિયાન પોતાના દરેક ઉદ્દેશ્યમાં સફળ રહેશે. સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્રને વધુ મજબૂત કરશે.
સાથીઓ, આયુષ્માન ભારત યોજનાથી એક વિશેષ અવસર પણ જોડાયેલો છે. જ્યારે 14 એપ્રિલના રોજ છત્તીસગઢના બસ્તરના જંગલોમાંથી મેં તેના પ્રથમ તબક્કાનો પ્રારંભ કર્યો હતો, આરોગ્ય કેન્દ્રના કામનો પ્રારંભ કર્યો હતો, તે બાબા સાહેબ આંબેડકરની જયંતી હતી. આજે જ્યારે બીજો મહત્વપૂર્ણ તબક્કો આગળ વધી રહ્યો છે તો આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી 25 સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખીને બે દિવસો પૂર્વે આજે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આજે રવિવાર હતો, મને પણ અનુકુળતા હતી અને એટલા માટે અમે બે દિવસ અગાઉ તેને કર્યો. પરંતુ આજે એક બીજો પણ મહત્વપૂર્ણ અવસર છે. આજે જે ધરતી, જે નામને લઈને ઊર્જાની અનુભૂતિ થાય છે, ચેતનવંત બની જઈએ છીએ, જેના દરેક શબ્દમાં જગાડવાનું સામર્થ્ય રહેલું છે, એવા રાષ્ટ્ર કવિ દિનકરની પણ જયંતી છે.
અને એટલા માટે તે મહાપુરુષોના આશીર્વાદની સાથે સમાજના દરેક પ્રકારના ભેદભાવને દુર કરવા માટે અને જેમણે જીવનભર ગરીબો માટે વિચાર્યું, ગરીબો માટે જીવ્યા, ગરીબોની ગરિમા માટે પોતાની જાતને ખપાવી દીધી, એવા મહાપુરુષોના સ્મરણ કરીને આજે દેશને આ યોજના અમે આપી રહ્યા છીએ.
દેશમાં વધુ સારો ઈલાજ કેટલાક લોકો સુધી જ સીમિત ન હોય. તમામને ઉત્તમ ઈલાજ મળે. એ જ ભાવના સાથે આજે આ યોજના દેશને સમર્પિત કરવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો, આપણા દેશના આરોગ્ય ક્ષેત્રની જ્યારે વાત આવે છે તો કહેવામાં આવે છે કે ભારતમાં જો કોઈના ઈલાજ પર 100રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે તો તેમાં 60 રૂપિયાથી વધુનો બોજ તે પરિવાર અને તે વ્યક્તિ પર જાય છે. તેણે બચાવેલું છે તે બધું જ બીમારીમાં જતું રહે છે. કમાણીનો મોટો ભાગ આવા જ ખર્ચાઓ થવાના કારણે દર વર્ષે લાખો લોકો ગરીબીમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હોય છે પરંતુ એક બીમારી ફરીથી એકવાર તેમને ગરીબીમાં પાછા લઇ જાય છે. આ જ હાલતને બદલવા માટે અમે આ બીડું ઉપાડ્યું છે.
ભાઈઓ બહેનો, ગરીબી હટાવોના નારા, દેશ આઝાદ થયો ત્યારથી આપણે સાંભળતા આવ્યા છીએ. ગરીબોની આંખોમાં ધૂળ નાખનારા, ગરીબોના નામની માળાઓ જપતા રહેનારા લોકો આજથી 30-40-50 વર્ષ પહેલા ગરીબોના નામ પર રાજનીતિ કરવાને બદલે ગરીબોના સશક્તિકરણ પર જોર આપતા તો દેશ, આજે જે હિન્દુસ્તાન દેખાઈ રહ્યું છે તેવું ન હોત. તેમણે ગરીબો વિષે વિચારવામાં ભૂલ કરી છે. આ મૂળભૂત ભૂલના લીધે દેશને આજે ભોગવવું પડી રહ્યું છે. તેમણે એ ન વિચાર્યું કે, ગરીબ કંઈક ને કઈક માંગે છે. ગરીબને કંઈક મફતમાં આપી દો, તેને જોઈએ છે, એ જ તેમની સૌથી મોટી ખોટી વિચારધારા હતી. ગરીબ જેટલો સ્વાભિમાની હોય છે, કદાચ તે સ્વાભિમાનને માપવા માટે તમારી પાસે કોઈ ત્રાજવું નહીં હોય.
મે ગરીબીને જીવી છે, હું ગરીબીમાંથી ઉછરીને મોટો થઈને નીકળ્યો છું. મે ગરીબોની અંદરના સ્વાભિમાનને મન ભરીને જીવ્યું છે. આ એ જ સ્વાભિમાન છે કે જે ગરીબી સામે લડવાની તાકાત પણ આપે છે. ગરીબીની હાલતમાં પણ જીવવાની તાકાત પણ આપે છે. પરંતુ ન તો ક્યારેય ગરીબના સ્વાભિમાનને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ન તો ગરીબના સપનાઓને સાકાર કરવા માટે તેના ઈરાદાઓને સમજવાની કોશિશ કરવામાં આવી અને એટલા માટે દરેક ચૂંટણીઓમાં ટુકડાઓ ફેંકો, પોતાનો રાજનૈતિક અપેક્ષા સાધો, બસ આ જ રમત ચાલતી રહી.
અમે બીમારીના મૂળને પકડ્યું છે. દેશ ગરીબીમાંથી મુક્તિ તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. પાછલા દિવસોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું- બે ત્રણ વર્ષની અંદર અંદર દેશમાં પાંચ કરોડ પરિવારો અતિ ગરીબીમાંથી બહાર આવી ગયા છે.
ભાઈઓ બહેનો, આ એટલા માટે સંભવ થઇ શક્યું છે કારણ કે ગરીબોનું સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ ઑફ પુઅર, આ વાત પર જોર આપવામાં આવી રહ્યું છે. અને એટલા માટે જો ઘર મળે છે તો તે માં જિંદગીમાં આત્મવિશ્વાસની સાથે બીજાની બરાબરીમાં ઉભી રહે છે.
જ્યારે ગરીબનું બેંકમાં ખાતું ખુલે છે તો તે પણ આત્મસમ્માનનો અનુભવ કરે છે. પૈસા બચાવવાનો ઈરાદો નક્કી કરી લે છે. જ્યારે ગરીબનું રસીકરણ થાય છે, પોષણ મિશનનો લાભ મળે છે તો ગરીબ પણ સશક્તિકરણ તરફ આગળ વધે છે.
તમે જોયું હશે, હમણાં એશિયાઇ રમતોત્સવ થયો, એશિયાઇ રમતોત્સવમાં એવોર્ડ લાવનાર કોણ હતા? ગોલ્ડ મેડલ લાવનારા કોણ હતા?ભારતને નવી નવી સન્માનજનક સ્થિતિ અપાવનારા કોણ હતા? મોટા ભાગના બાળકો, છોકરો હોય કે છોકરી, નાના ગામડામાં જન્મેલા,ગરીબના ઘરમાં પેદા થયેલા, કુપોષણની જિંદગીમાંથી ગુજારો કરીને ઉછરેલા, પરંતુ મોકો મળ્યો તો હિંદુસ્તાનનું નામ રોશન કરીને આવી ગયા.
ગરીબમાં પણ તે તાકાત પડેલી છે, તેને ઓળખવી જરૂરી છે. અને એટલા માટે આપણી બધી યોજનાઓ ગરીબોના સશક્તિકરણ માટેની છે. દેશમાં એક ઘણો મોટો બીજો બદલાવ આવ્યો છે. દેશમાં બધી નીતિઓ માત્ર અને માત્ર વોટ બેંકોની રાજનીતિને આધાર બનાવીને કરવામાં આવી છે. કઈ જાતિને ફાયદો મળશે, જે જાતિ પાસેથી ચૂંટણી જીતવાની બાહેંધરી મળશે. કયા સંપ્રદાયના લોકોને ફાયદો મળશે,જે સંપ્રદાયના લોકો પાસેથી વોટ ભેગા કરવાની સંભાવના વધશે. પછી તે પ્રાદેશિક વિકાસનો માપદંડ હોય, કે પછી તે સામાજિક બદલાવનો માપદંડ હોય, ભલે તે સાંપ્રદાયિક તણાવોમાંથી મુક્તિનો રસ્તો હોય, પહેલા સરકારોએ માત્ર અને માત્ર વોટ બેંકની રાજનીતિ અંતર્ગત સમાજની તાકાત વધારવાને બદલે રાજનૈતિક દળોની તાકાત વધારવા માટે સરકારી ખજાનાઓનો ઉપયોગ કર્યો. અને સરકારી ખજાનાઓને ભરપુર માત્રામાં લુંટવામાં આવ્યા.
અમે તે રસ્તો છોડી દીધો છે. અમે ઈચ્છીએ છીએ કે દેશ ક્યારેય પણ તે રસ્તે પાછો ના ફરે. અમારો મંત્ર રહ્યો છે ‘સૌનો સાથ સૌનો વિકાસ.’સંપ્રદાયના આધાર પર આયુષ્માન ભારત યોજના નહિ ચાલે. જાતિના આધાર પર આયુષ્માન ભારત ચાલે. ઊંચ નીચના ભેદભાવના આધાર પર આયુષ્માન ભારત નહીં ચાલે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કોઈ પણ જાતિમાંથી હોય, કોઈ પણ બિરાદરીમાંથી હોય, કોઈપણ વિસ્તારમાંથી હોય, કોઈ પણ સંપ્રદાયમાંથી હોય, ભગવાનને માનતા હોય – ન માનતા હોય, મંદિરમાં જતા હોય, મસ્જીદમાં જતા હોય,ગુરુદ્વારામાં જતા હોય, ચર્ચમાં જતા હોય, કોઈ ભેદભાવ નહીં. દરેકને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે અને એ જ છે ‘સૌનો સાથ સૌનો વિકાસ’.
સાથીઓ, આ યોજના કેટલી વ્યાપક છે – તેનું અનુમાન એ વાતથી લગાવી શકાય તેમ છે કે કેન્સર, હૃદયની બીમારી, કીડની અને લીવરની બીમારી, ડાયાબિટીસ સહિત 1300થી વધુ બીમારીઓને, તેમના ઈલાજને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. એક હજાર ત્રણસો –આ ગંભીર બીમારીઓનો ઈલાજ સરકારી નહીં પરંતુ દેશના ખાનગી દવાખાનાઓમાં પણ સુલભ હશે.
પાંચ લાખ સુધીનો જે ખર્ચ થશે, તેમાં દવાખાનામાં ભરતી થવા સિવાય જરૂરી તપાસ, દવાઓ, ભરતી થતા પહેલાનો ખર્ચ અને ઈલાજ પૂરો થવા સુધીનો ખર્ચ, તેમાં સામેલ છે. જો કોઈને પહેલાથી કોઈ બીમારી છે તો તે બીમારીનો પણ ખર્ચ આ યોજના દ્વારા ઉઠાવવામાં આવશે.
એટલું જ નહીં, દેશભરના દરેક લાભાર્થીને સરખી રીતે તેનો લાભ પહોંચાડી શકાય, તેની પણ પ્રભાવક વ્યવસ્થા કરવામાં આવી છે. તમારે ઈલાજની માટે ભટકવું નહીં પડે, તેને ધ્યાનમાં રાખતા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. બધું જ ટેકનોલોજીના માધ્યમથી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ જરૂરિયાતમંદ રહી ન જાય તેની સમીક્ષા સતત ચાલી રહી છે.
તમારે આ યોજનામાં કોઈ પ્રકારની નોંધણી કરાવવાની જરૂર નથી. તમને જે ઈ-કાર્ડ મળી રહ્યું છે તે જ તમારી માટે પુરતું છે. ઈ-કાર્ડમાં તમને લગતી બધી જ જાણકારીઓ હશે. તેની માટે તમારે તમામ કાગળની કાર્યવાહીના ચક્કરમાં પણ હવે પડવાની જરૂર નથી.
તેના સિવાય એક ટેલીફોન નંબર અને હું માનું છું કે તેને યાદ રાખવો જોઈએ તમારે લોકોએ. મારા તમામ ગરીબ પરિવારોને ખાસ આગ્રહ કરું છું, આ નંબરને જરૂરથી યાદ રાખો – 14555, એક ચાર પાંચ પાંચ પાંચ, આ નંબર પર તમે જાણકારી લઇ શકો છો કે તમારું આ યોજનામાં નામ છે કે નથી. તમારા પરિવારનું નામ છે કે નથી. તમેન શું સમસ્યા છે, કયો લાભ મળી શકે તેમ છે, આ બધી જ વસ્તુઓ,અથવા તો તમારી નજીકમાં જે કોમન સર્વિસ સેન્ટર છે, આજે દેશમાં ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર છે, તે ત્રણ લાખ સેન્ટર માટે કોઈએ પણ બે ત્રણ કિલોમીટરથી વધુ દૂર નહીં જવું પડે. તેઓ ત્યાં જઈને પણ ત્યાંથી પોતાની જાણકારીઓ લઇ શકે છે.
સાથીઓ, આ વ્યવસ્થાઓની સાથે જ બે અન્ય મોટા સહાયક આસપાસ હશે. એક – તમારા ગામની આશા અને એએનએમ બહેન, અને બીજા – દરેક દવાખાનામાં તમારી મદદ માટે ઉપસ્થિત રહેનારા પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર. આ પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર દવાખાનામાં ભરતી થવા પહેલાથી લઈને ઈલાજ પછી સુધી તમને યોજનાનો લાભ પ્રાપ્ત કરાવવામાં તમારો સંપૂર્ણ સહયોગ આપશે. દેશને આયુષ્માન બનાવવામાં લાગેલા અમારા આ સમર્પિત સાથીઓ તમામ સાચી જાણકારી તમારા સુધી પહોંચાડશે.
સાથીઓ, આયુષ્માન ભારતનું આ મિશન સાચા અર્થમાં એક ભારત, બધાને એક રીતના ઉપચારની ભાવનાને મજબૂત કરે છે. જે રાજ્યો આ યોજના સાથે જોડાયેલા છે, તેમાં રહેનારા વ્યક્તિઓ જો તે રાજ્યની બહાર ક્યાય જઈ રહ્યા છે અને ત્યાં અચાનક જરૂર પડી ગઈ તો પણ આ યોજનાનો લાભ તેઓ બીજા રાજ્યમાં પણ લઇ શકે છે.
અત્યાર સુધી આ યોજનાથી દેશભરના 13 હજારથી વધુ દવાખાનાઓ પણ આ યોજનામાં અમારા સાથી બની ચુક્યા છે. આવનારા સમયમાં બીજા પણ અન્ય દવાખાનાઓ આ મિશનનો ભાગ બનવાના છે. એટલું જ નહીં, જે દવાખાનાઓ સારી સેવાઓ આપશે, ખાસ કરીને ગામડાના દવાખાનાઓ, તો તેમને સરકાર દ્વારા મદદ પણ આપવામાં આવશે.
ભાઈઓ અને બહેનો, આયુષ્માન ભારત યોજનાનું લક્ષ્ય આર્થિક સુવિધા આપવાનું તો છે જ, સાથે સાથે એવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે કે જેનાથી તમારે ઘરની પાસે જ ઈલાજની શ્રેષ્ઠ સુવિધાઓ મળી જશે.
સાથીઓ આજે અહિંયાં આગળ 10 આરોગ્ય કેન્દ્રોનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. હવે ઝારખંડમાં આશરે 40 આવા કેન્દ્રો કામ કરી રહ્યા છે અને દેશભરમાં તે આશરે બે અઢી હજાર સુધી પહોંચી ચુક્યા છે. આગામી ચાર વર્ષમાં દેશભરમાં આવા દોઢ લાખ આરોગ્ય કેન્દ્રો તૈયાર કરવાનું લક્ષ્ય છે.
ભાઈઓ અને બહેનો, આ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો આયુષ્માન ભારતનો એક મહત્વનો હિસ્સો છે. આ કેન્દ્રોમાં નાની બીમારીઓનો ઈલાજ, તેના ઈલાજ માટે દવાઓતો ઉપલબ્ધ હશે જ, સાથે જ અહિં અનેક નિશુલ્ક ટેસ્ટ પણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેનાથી ગંભીર બીમારીઓના લક્ષણોની ઓળખ પહેલા જ કરવામાં મદદ મળશે.
સાથીઓ, સરકાર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રને સુધારવા માટે ટુકડે-ટુકડે નહીં પરંતુ સંપૂર્ણતા સાથે એક સમગ્રતયા પદ્ધતિએ કાર્ય કરી રહી છે. દરેક નિર્ણય, દરેક નીતિ એક બીજાની સાથે જોડાયેલી છે. એક બાજુ સરકાર સસ્તી આરોગ્ય કાળજી પર ધ્યાન આપી રહી છે તો સાથે જ અવરોધાત્મક આરોગ્ય કાળજી પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. યોગ હોય, સ્વચ્છ ભારત અભિયાન હોય, ખુલ્લામાં શૌચમુક્ત ગામ બનાવવાનું અભિયાન હોય, આ બધા જ માધ્યમો તે કારણોને દુર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેનાથી ગંભીર બીમારીઓ હોય છે. તમે હમણાં જ વાંચ્યું હશે કે સ્વચ્છ ભારત મિશનના લીધે ત્રણ લાખ બાળકોનું જીવન બચવાની સંભાવના ઉત્પન્ન થઇ છે. નવજાત બાળકોનું જીવન બચાવવા સાથે જોડાયેલ આંકડા હોય કે પછી પ્રસૂતા માતાઓને, દેશ ખૂબ ઝડપ ની સાથે આજે સ્વસ્થ ભારત બનવાની દિશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે.
સરકાર દ્વારા રાષ્ટ્રીય પોષણ મિશન જેવા અભિયાન પણ શરુ કરવામાં આવ્યા છે જેથી કરીને શરૂઆતના દિવસોથી જ શરીરને કુપોષિત થવાથી રોકવામાં આવી શકે. વળી મેડિકલ ફિલ્ડના માનવ સંસાધનને વધારવા પર પણ સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. અનુમાન છે કે આયુષ્માન ભારતના લીધે આવનારા ત્રણ વર્ષોમાં દેશમાં લગભગ અઢી હજાર નવા સારી ગુણવત્તાવાળા આધુનિક દવાખાના બનશે. તેમાંથી મોટાભાગના ટાયર 2, ટાયર 3, નાના–નાના કસબાઓમાં બનશે. અને તેના કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે એક નવા વ્યવસાયનું ક્ષેત્ર ખુલવાનું છે. રોજગારના નવા અવસરો ઉત્પન્ન થવાના છે.
એટલું જ નહીં, આ સમગ્ર પ્રક્રિયામાં મેડિકલ સેવાઓની સાથે સાથે વીમા, ટેકનીકલ કૌશલ્ય, કોલ સેન્ટર, વ્યવસ્થાપન, દવા ઉત્પાદન,સાધન નિર્માણ જેવા અનેક ક્ષેત્રોમાં લાખો કરોડો રોજગારની પણ સંભાવનાઓ પેદા થવા જઈ રહી છે. તેની સાથે સાથે મેડિકલ ક્ષેત્રની સાથે જોડાયેલા સ્ટાર્ટ અપની માટે પણ નવા અવસરો બનશે. લાખોની સંખ્યામાં ડૉક્ટર, નર્સ, હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને આ વ્યવસ્થાઓને ચલાવવાનો, તેની સાથે જોડાવાનો અવસર મળશે. એટલે કે એક ઘણો મોટો મોકો દેશના નિમ્ન મધ્યમ વર્ગ,મધ્યમ વર્ગની માટે પણ છે.
દેશના ગામડાઓ, કસબાઓ, ટાયર 1, ટાયર 2 શહેરોમાં આરોગ્યને લગતા માળખાગત બાંધકામને મજબૂત કરવા માટે, તેને આધુનિક બનાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. વીતેલા ચાર વર્ષોમાં દેશમાં 14 નવા એમ્સને સ્વીકૃતિ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત દરેક રાજ્યમાં ઓછામાં ઓછા એક એમ્સને બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ દેશમાં વર્તમાન સમયમાં 82 નવી સરકારી મેડિકલ કોલેજો આજે બનાવવામાં આવી રહી છે. સરકારનો જે ભાર છે દેશની ત્રણ સંસદીય કે ચાર સંસદીય બેઠકોની વચ્ચે ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ જરૂરથી હોય.
એ જ પ્રયાસ અંતર્ગત આજે અહિં પણ 600 કરોડથી વધુના ખર્ચાથી બનનારી બે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કોડરમામાં અને ચાયબાસામાં બનનારી આ મેડિકલ કોલેજમાં આશરે 400 પથારીની નવી સુવિધા જોડાવાની છે.
ભાઈઓ અને બહેનો, વીતેલા ચાર વર્ષોમાં દેશભરમાં મેડિકલના લગભગ 25 હજાર અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ નવી બેઠકો જોડવામાં આવી છે. સરકારનું લક્ષ્ય છે કે આવનારા ચાર પાંચ વર્ષો દરમિયાન દેશમાં એક લાખ નવા ડૉક્ટર તૈયાર કરવાની ક્ષમતા વિકસિત થાય. એટલે કે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધા અને માનવ સંસાધન, બંને પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે શિક્ષણની જેમ જ સ્વાસ્થ્ય પર થનારો ખર્ચ એ ખર્ચ નહીં રોકાણ હોય છે. સારું શિક્ષણ અને કૌશલ્યના અભાવમાં સમાજ અને દેશનો વિકાસ શક્ય નથી. તે જ રીતે નાગરિક સ્વસ્થ હોય, તો સશક્ત રાષ્ટ્રનું નિર્માણ નથી થઇ શકતું.
સાથીઓ, હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે આ યોજના સાથે જોડાયેલ દરેક વ્યક્તિના પ્રયાસો વડે આરોગ્ય મિત્ર અને આશા, એએનએમ બહેનોના સહયોગ સાથે, દરેક ડૉક્ટર, દરેક નર્સ, દરેક કર્મચારી, દરેક સર્વિસ પ્રોવાઇડરની સમર્પિત ભાવના વડે આપણે આ યોજનાને સફળ બનાવી શકીશું, એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. નવું ભારત સ્વસ્થ હોય, નવું ભારત સશક્ત હોય, આપ સૌ તંદુરસ્ત રહો,આયુષ્માન રહો.
એ જ કામના સાથે હું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે રાંચીની ધરતી પરથી, ભગવાન બિરસા મુંડાની ધરતી પરથી સવા સો કરોડ દેશવાસીઓના ચરણોમાં સમર્પિત કરું છું.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!
ભારત માતાની – જય
ભારત માતાની – જય
ભારત માતાની – જય
હું કહીશ આયુષ્માન, તમે કહો ભારત
આયુષ્માન – ભારત
આયુષ્માન – ભારત
આયુષ્માન – ભારત
આયુષ્માન – ભારત
આયુષ્માન – ભારત
ખૂબ ખૂબ આભાર!