મંચ પર બિરાજમાન આપણા દેશના વિદેશ મંત્રી અને દેશના પહેલા મહિલા વિદેશ મંત્રી બહેન સુષ્મા સ્વરાજજી, જનરલ વી. કે. સિંહ, વિનય સહસ્ત્રબુદ્ધેજી અને દુનિયાના અનેક દેશોમાંથી આવેલા તમામ મહાનુભવ હું આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં તો હું સ્વાગત કરું જ છું પરંતુ ગઈકાલે તમે જ્યાં જઈને આવ્યા છો તે ઉત્તર પ્રદેશમાંથી હું લોકસભાનો પ્રતિનિધિ છું અને એટલા માટે પણ હું ખાસ રીતે તમારું આદરપૂર્વક સ્વાગત કરું છું.
આપણા દેશમાં હિંદુ પરંપરામાં એક માન્યતા રહેલી છે કે જ્યારે કોઈ તીર્થયાત્રા કરીને આવે છે જો તમે તેને નમસ્કાર કરો છો તો તીર્થયાત્રામાં જે પુણ્ય તેણે કમાયું છે તેનો કેટલોક ભાગ નમસ્કાર કરનારાને પણ મળે છે તો મારી માટે ખુશીની વાત છે કે તમે બધા એક અનમોલ સાંસ્કૃતિક વિરાસતની તીર્થયાત્રા કરીને આવ્યાછો અને આજે તમારા દર્શન કરવાનો મને મોકો મળ્યો છે, તો જે પુણ્ય તમે કમાઈને લાવ્યા છો તેનો થોડો ભાગ મને પણ મળ્યો છે.
તમે મારા કરતા વધારે ભાગ્યશાળી છો કારણ કે હું આ વખતના કુંભમાં હજી સુધી નથી જઈ શક્યો, તમે જઈને આવ્યા છો પરંતુ હું કાલે જવાનો છું. ભાગ્યે જ કોઈ એવો કુંભ હશે જ્યારથી હું સમજવા લાગ્યો છું કે જ્યાં મને જવાનું સૌભાગ્ય ન મળ્યું હોય, કાલે પણ હું જઈશ.
કુંભનો મેળો જ્યાં સુધી ત્યાં જતા નથી ત્યાં સુધી અંદાજો નથી આવતો કે કેટલી મોટી વિરાસત છે આ અને હજારો વર્ષથી નિશ્ચિત તારીખ અને સમય અનુસાર, સમયપત્રક પ્રમાણે તે ચાલી રહી છે. કોઈ આમંત્રણ પત્રિકા નથી હોતી. ના કોઈ મહેમાન હોય છે, ના કોઈ યજમાન હોય છે. તેમ છતાં મા ગંગાના ચરણોમાં અને જ્યાં પણ કુંભ થાય છે ત્યાં બધા દેશ અને દુનિયાના તીર્થયાત્રી ત્યાં પહોંચી જાય છે. તે અસામાન્ય વસ્તુ છે કે કોઇપણ પ્રકારના કાગળ, ચિઠ્ઠી, પત્ર વિના હજારો વર્ષથી લોકો અહિં પહોંચે છે.
અને તમે જે કુંભને જોઈને ઘણા પ્રભાવિત થયાછો, તમારા મનને તે સ્પર્શી ગયો છે પરંતુ એ પણ તમને ખબર હશે કે આ પૂર્ણ કુંભ નથી, અર્ધકુંભની જો આ તાકાત છે તો જ્યારે પૂર્ણ કુંભ થશે તો તે કેવો થતો હશે તેનો તમે અંદાજ લગાવી શકો છો.
સાંસ્કૃતિક રૂપે ભારતમાં એકતા ઉપર ખૂબ વધુ જોર આપવામાં આવ્યું છે. આ સમાગમ હવે એક રીતે આધ્યાત્મિક પ્રેરણા માટે તો છે જ પરંતુ તે સામાજિક સુધારણાની ચળવળનો એક ભાગ પણ છે. એક રીતે આ તે જમાનાની પંચાયત છે, તે જમાનાનું જે પણ લોકશાહી માળખું હશે કારણ કે સમાજ જીવનમાં કામ કરનારા અધ્યાત્મિક નેતા હોય, સામાજિક નેતા હોય, શિક્ષણવિદ હોય તેઓ ત્રણ વર્ષ સુધી પોત-પોતાના ક્ષેત્રમાં ભ્રમણ કરતા હતા, લોકોને મળતા હતા, સંવાદ કરતા હતા અને ત્રણ વર્ષમાં એક વાર નાનો કુંભ થતો હતો ત્યાં બધા પોતાના બેસીને 40-45 દિવસ સુધી વિચાર વિમર્શ કરતા હતા, હિન્દુસ્તાનના ક્યા ખૂણામાં શું ચાલી રહ્યું છે અને તેમાંથી કોઈ ને કોઈ વાત નક્કી કરતા હતા. અને 12 વર્ષમાં એક વાર 12 વર્ષના સમયગાળાની આખી સમીક્ષા કરીને 12 વર્ષ પછી સમાજને કંઈ રીતે માર્ગદર્શનની જરૂર છે, સમાજમાં ક્યા પરિવર્તનો લાવવાની જરૂરિયાત છે એક રીતે સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થા હતી, નીચેથી ઉપર માહિતી જતી હતી અને સામાજિક, રાજકીય, ધાર્મિક નેતા, રાજા સહિત, રાજા મહારાજાઓ પણ તેમાં હાજર રહેતા હતા અને આ વિચાર વિમર્શમાંથી આગળના 12 વર્ષનો રોડમેપ તૈયાર થતો હતો અને દર ત્રણ વર્ષે તેની સમિક્ષા થતી હતી.
તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે જે દુનિયાની સામે ક્યારેય આવી જ નથી. તમે આ વખતે પણ જોયું હશે, આ કુંભના મેળામાં પણ કોઈ ને કોઈ સચોટ વિશેષ સંદેશ હતો. સર્વસામાન્યની ભલાઈ માટે સંદેશ હતો. અને ત્યાં આગળ તમે કોઈ ભેદભાવ નહીં જોયો હોય. દરેક વ્યક્તિ ગંગાનો અધિકારી છે, ગંગામાં ડૂબકી લગાવે છે. પોતાની શ્રદ્ધા અનુસાર પોતાનો ક્રિયાકલાપ કરે છે.
ભારત પ્રવાસનનું એક કેન્દ્ર એટલા માટે બનવા જઈ રહ્યું છે કારણ કે વિશ્વ એક શાંતિની શોધમાં છે. વ્યક્તિગત જીવનની ભાગદોડમાંથી પણ તે કેટલીક ક્ષણો પોતાની માટે, પોતાના આંતરિક માટે વિતાવવા માંગે છે. ધન, વૈભવ, સમૃદ્ધિ સારી હોટલ આ બધી વસ્તુઓ તેને પ્રભાવિત તો કરે છે, પ્રેરિત નથી કરતી તેને, પ્રભાવશાળી દુનિયાથી હવે તે ઉબી ગયો છે. તે પ્રેરણાદાયી વિશ્વની શોધમાં છે.
અને તમે કુંભમાં અનુભવ કર્યો હશે કે ભૌતિક સંપદાની અછત હોવા છતાં પણ એક આંતરિક આનંદને કઈ રીતે શોધી શકાય તેમ છે, સંભાળી શકાય તેમ છે અને તેના વડે જીવનની રાહ બનાવી શકાય તેમ છે. તે તમે સારી રીતે પોતાની આંખે જોયું હશે.
અને મને વિશ્વાસ છે કે તમે જ્યારે તમારા દેશમાં પાછા ફરશો તો ત્યાં જાત જાતના લોકો તમને પૂછશે કે આખરે હતું શું… શું એક નદીની અંદર ડૂબકી લગાવવા માટે તમે આટલો ખર્ચો કરીને જતા રહ્યા ત્યાં આગળ, ઘણા લોકોને નવાઈ લાગે છે કે આમાં છે શું? પરંતુ જ્યારે તમે ત્યાંનું દ્રશ્ય જોશો અનેકામચલાઉ વ્યવસ્થા તો ભારતની આયોજન ક્ષમતાનું સ્તર શું છે. તે પોતાનામાં જ તમે અનુભવ કર્યો હશે.
મને જણાવવામાં આવ્યું છે કે દરરોજ ત્યાં હજારોની સંખ્યામાં ખોવાયેલા લોકો અથવા ખોવાયેલા બાળકોની માહિતી કેન્દ્ર ઉપર આવે છે. કારણ કે આટલા કરોડો લોકો હોય છે તો ક્યારેક એકાદ બાળક હાથમાંથી છૂટી જાય છે કોઈ વડીલ રહી જાય છે. પછી આટલી ભીડમાં ખબર નથી પડતી. ત્યાં આગળ એટલું સક્ષમ વ્યવસ્થાતંત્ર છે કે કલાક બે કલાકમાં ખોવાયેલાની ફરિયાદ આવતા જ તેને શોધીને તેના પરિવાર સાથે મિલાવી દેવામાં આવે છે. કોઈ કલ્પના કરી શકે છે?
દરરોજગંગાના તટ પર એક રીતે યુરોપનો એક દેશ એકત્રિત થાય છે દરરોજ અને બધી વ્યવસ્થાઓ કામચલાઉ વ્યવસ્થા થઇ રહી છે એટલે કે જે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીઓ છે, તેમના માટે આ કેસ સ્ટડીનો વિષય છે. કે આટલી મોટી સંખ્યામાં લોકો પોત-પોતાની રીતે આવ્યા છે, પોતાની આદતોને લઇને આવ્યા છે, પોતાની ભાષાને લઇને આવ્યા છે. પરંતુ એક એવી વ્યવસ્થા કે જે બધાને સેવા પુરી પાડે છે, બધાને સંભાળી શકે છે અને બધાની આશા અપેક્ષા પૂરી કરી રહી છે. તે પોતાનામાં જ વ્યવસ્થાપનની દુનિયાની બહુ મોટી ઘટના છે.
અને વિશ્વનું આ બાજુ ધ્યાન જશે અને હું ભારતના વિદેશ મંત્રાલયને ખાસ કરીને સુષ્માજીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે જે કુંભ મેળો એટલે કે એક ટાસ્ક જેમને લાગતું હતું કે હા… હા ભાઈ સારું છે લોકો આવે છે.. જાય છે પરંતુ તેનું એક સામાજિક સ્વરૂપ હોય છે. તેનું એક વ્યવસ્થાપનનું પાસું હોય છે, તેમાં આધુનિકતા હોય છે ટેકનોલોજી હોય છે, વ્યવસ્થા હોય છે અને શ્રદ્ધા પણ હોય છે, સાંસ્કૃતિક ચેતના પણ હોય છે.
આ અદભૂત મિલનનો કાર્યક્રમ દુનિયાના લોકોએ જ્યારે આજે જોયો છે અને ભારતે આ પ્રકારનો આ પહેલો પ્રયાસ કર્યો છે. તમે આવીને અમારા આ પ્રયાસને સફળ બનાવવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. તેની માટે તમે પણ અભિનંદનના અધિકારી છો. તમારો પણ હું ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું.
ભારતમાં જે રીતે ભારતની જે સાંસ્કૃતિક વિરાસત છે, આ વિશ્વને આકર્ષિત કરવાનું અભૂતપૂર્વ સામર્થ્ય છે તેમાં અને અમે તેની માટે કટિબદ્ધ છીએ. આ પ્રકારની યોજનાઓ દ્વારા અમે દુનિયાને ભારતની આ મહાન વિરાસતની સાથે પણ જોડવા માંગીએ છીએ.
અને મને વિશ્વાસ છે કે વિશ્વ ભારતની આધુનિક ભારતની ઓળખ કરશે અને અનમોલ વિરાસતમાંથી પણ ભારતથી વિશ્વ પરિચિત થવા માટે પ્રયાસ કરશે. આવનારા દિવસોમાં આપણે ત્યાં સંસદની ચૂંટણી થવાની છે. જેવો કુંભનો મેળો છે તેની વ્યવસ્થા, કામચલાઉ વ્યવસ્થા ત્યાંની બધી ટેકનોલોજી દ્વારા વ્યવસ્થાઓ, તે પોતાનામાં જ એક આકર્ષણનું કેન્દ્ર છે. તે જ રીતે 800 મીલીયન લોકો મત આપે. તેનું આખું જે તંત્ર છે, વિશ્વની સૌથી મોટી ચૂંટણી આ હોય છે. વિશ્વની સૌથી મોટી… અને મારો તો એ પ્રયાસ રહેશે.. મેં તો ચૂંટણીપંચને પણ કહ્યું છે કે વિશ્વની દરેક દેશ ભારતના ચૂંટણી પ્રવાસન માટે નીકળે.. હિન્દુસ્તાનના પ્રવાસનને જુએ અને માત્ર મતદાનના દિવસે નહીં, કોઈ માર્ચ મહિનામાં આવે, કોઈ માર્ચના 2જા અઠવાડિયામાં આવે, કોઈ માર્ચના ૩જા અઠવાડિયામાં આવે, કોઈ એપ્રિલમાં આવે, કોઈ મેમાં આવે, સતત દુનિયાના દરેક દેશના બબ્બે પ્રતિનિધિ દર અઠવાડિયે અહિયાં આવે, હજારોની સંખ્યામાં વિશ્વના લોકો આવે, કેભારતમાં લોકશાહી કેટલી લોકોની નસોમાં છે.
ભારતમાં ગામડામાં બેઠેલો માણસ પણ કઈ રીતે દેશની બાબતોની જાણકારી ધરાવે છે, કઈ રીતે તે દેશના સંબંધમાં નિર્ણય કરે છે. વિશ્વની માટે ભારતની ચૂંટણી પોતાનામાં જ અજાયબી છે. જો મારા કુંભની આટલી મોટી તાકાત છે કે વ્યવસ્થાપનની ક્ષમતાને પ્રદર્શિત કરે છે તો મારા દેશની ચૂંટણીની રચના, ચૂંટણીનું આયોજન અને આટલી મોટી લોકશાહીની ભાગીદારી. વિશ્વમાં લોકશાહીમાં વિશ્વાસ ધરાવનારા લોકો માટે પણ તે પ્રેરણા આપે છે. અને લોકશાહી તરફ જેઓ હજી નથી પહોંચી શક્યા તેમની માટે પણ પ્રેરણાનું કારણ બની શકે છે. તો હું ઈચ્છીશ કે મારા દેશનું ચૂંટણી પંચ પહેલ કરે, આપણું વિદેશ મંત્રાલય તેમને સંપૂર્ણ રીતે મદદ કરે. અને દુનિયાભરની યુનિવર્સિટી, દુનિયાભરના વિદ્યાર્થીઓ, દુનિયાભરના લોકશાહી આ બધા જ લોકો જેઓ લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તે આવનારા દિવસોમાં લોકશાહીનો જે કુંભ થવાનો છે તેને પણ અહિયાં આવીને જુએ. અને ભારતના સામાન્ય માનવીની લોકશાહી પ્રત્યે જે કટિબદ્ધતા છે, ભારતના સામાન્ય માનવીની માનવીય મુલ્યો પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે તેને પોતાની આંખે જુએ અને દુનિયાને સંદેશ આપે કે ભારતને આપણે જેવો માનીએ છીએ, સાંભળીએ છીએ, કોઈની આંખે જે જોયું છે અમે અમારી આંખે એક બીજું હિન્દુસ્તાન જોયું છે, અસલી હિન્દુસ્તાન જોયું છે, સામર્થ્યવાન હિન્દુસ્તાન જોયું છે અને વિશ્વને કઈક આપવાનું સામર્થ્ય ધરાવતું હિન્દુસ્તાન જોયું છે.
તમે જ્યારે અક્ષયવટ જોયું હશે, ભારતના લોકો માટે અક્ષયવટ એક શ્રદ્ધાનું કારણ હશે, પરંતુ માની લો કે તે શ્રદ્ધા સાથે તમારો પરિચય ના પણ હોય તો પણ તમને એટલી તો ખબર પડશે જ કે દેશ કેટલો પ્રકૃતિ પ્રેમી છે કે હજારો વર્ષોથી એક વૃક્ષ પ્રત્યે આસ્થા રાખનાર તે સમાજ વૃક્ષઅને છોડવાઓમાં પણ પરમાત્માને જુએ છે જો તે સમાજને કોઈ સમજે તો વિશ્વને ક્યારેય જળવાયુ પરિવર્તન અથવા જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ સામે લડવું ન પડત, જો આ વાતોને આપણે પહેલાથી જ સમજ્યા હોત. તે માત્ર એક વૃક્ષના દર્શન નહોતા. તે ભારતના લોકો કદાચ તેની દંતકથા જાણે છે, ભારતના લોકો માટે તે હશે પરંતુ જેઓ દંતકથાઓને નથી જાણતા તેમની માટે આ સામર્થ્ય છે કે અમે છોડમાં પણ પરમાત્મા જોઈએ છીએ. અને અમે પ્રકૃતિ પ્રત્યે એટલા સહજીવનના અભ્યાસુ છીએ. સહજીવનની સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનારા લોકો છીએ જે માનવજાતિની ખૂબ જ અનિવાર્યતા છે. આજે પ્રકૃતિની સાથે સંઘર્ષના કારણે માનવ જાત જે સંકટોમાં ફસાયેલી પડી છે તેમાંથી નીકળવાનો રસ્તો પણ આ જ મહાન પરંપરાએ આપ્યો છે. પછી તે અક્ષયવટનું દર્શન હોય, નદી પ્રત્યે શ્રદ્ધાની વાત હોય, ચોકસાઈપૂર્વકની વ્યવસ્થાની વાત હોય, કોઇપણ પાસાને જોઈએ તો દુનિયાની માટે આ કેસ સ્ટડી છે, યુનિવર્સિટીઓ માટે કેસ સ્ટડી છે અને ભારત પ્રત્યે આકર્ષણ વધારવા માટે, ભારતની મહાન પરંપરાઓ, માનવ જાતિના કલ્યાણનો રસ્તો દર્શાવનારી પરંપરાઓ છે તે દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આવા મહત્વપૂર્ણ અવસર પર તમારું આગમન મારી માટે ઘણો ગર્વનો વિષય છે, આનંદનો વિષય છે.
હું ફરી એકવાર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને જેટલો પણ સમય તમને અહિં વિતાવવાનો અવસર મળે તમે જરૂરથી ભારતને જાણવા સમજવા માટે તે સમયનો ઉપયોગ કરશો અને પોતાના દેશમાં જઈને દુનિયાને જણાવશો કે તમે જે સાંભળ્યું છે તેના કરતા હિન્દુસ્તાન કઈક અલગ છે. હિન્દુસ્તાન કઈક વધારે છે, તમે જે હિન્દુસ્તાનને જાણો છો પુરાતન જાણો છો. આ જ હિન્દુસ્તાન છે જે આવનારા દિવસોમાં પણ માનવ જાતિને દિશા ચીંધવાનું સામર્થ્ય ધરાવી શકે છે. તમે સાચા અર્થમાં ભારતની આ મહાન પરંપરાના રાજદૂત બનીને પાછા ફરશો એ જ મારી આપ સૌને શુભકામનાઓ છે.
ખૂબ-ખૂબ આભાર!