ઇન્ડિયા ટુડે ગ્રૂપનાં ચેરમેન અને એડિટન-ઇન-ચીફ અરુણ પુરીજી,
તમારાં ગ્રૂપનાં તમામ પત્રકાર સાથીદાર,
ન્યૂઝરૂમમાં અત્યારે કામ કરતાં તમામ પત્રકારો
તમારી સાથે જોડાયેલાં સ્ટ્રિંગર્સ,
અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવ અને મારાં સાથીદારો,
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે જોડાયેલા તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગું છું.
તમારું ગ્રૂપ જે રીતે સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થયું, લોકોને જાગૃત કર્યા, એનાં માટે પણ તમે અભિનંદનને પાત્ર છો.
સાથીદારો,
મને કહેવામાં આવ્યું છે કે, દેશનું નેતૃત્વ કરતાં મને શું શીખવા મળ્યું – આ વિશે મારાં અનુભવો તમારી સાથે વહેંચું.
જ્યારે વર્ષ 2014ની ચૂંટણી પછી હું દિલ્હી આવ્યો હતો, તો ખરેખર ઘણી બધી વાતોનું અનુભવ નહોતો. કેન્દ્ર સરકાર કેવી રીતે ચાલે છે, કેવી કેવી વ્યવસ્થાઓ છે, સિસ્ટમ શું છે, એનો બહુ અંદાજ નહોતો.
અને મારું માનવું છે કે, કેન્દ્ર સરકારમાં ક્યારેય કામ ન કરવું મારાં માટે વરદાન સાબિત થયું.
જો હું જૂની વ્યવસ્થા સાથે જોડાયેલો હોત, તો ચૂંટણી પછી એક એમાં ફિટ થઈ ગયો હોત. પણ આવું થયું નથી.
સાથીદારો,
મને યાદ છે, જ્યારે વર્ષ 2014 અગાઉ તમારા સ્ટુડિયોમાં પણ ચર્ચા થતી હતી કે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એની સમજણ તો મોદી ધરાવતાં નથી. તો આ સ્થિતિમાં આપણી વિદેશી નીતિનું શું થશે?
પણ છેલ્લાં થોડાં દિવસોનાં ઘટનાક્રમમાં તમને જોવા મળ્યું છે કે, ભારતની વિદેશી નીતિની અસર અત્યારે કેવી છે.
જોવા મળે છે કે નહીં….?…..
ચાલો, તમે સ્વીકાર્યું તો ખરું.
સાથીદારો,
હાલનું ભારત નવું ભારત છે. પરિવર્તન થયેલું ભારત છે.
આપણાં માટે એક-એક વીર જવાનનું લોહી અમૂલ્ય છે.
અગાઉ શું થતું હતું, ગમે એટલા લોકો માર્યા જાય, જવાન શહીદ થઈ જાય,
પણ હવે કોઈ ભારત સામે આંખ ઊંચી કરવાનું સાહસ કરી શકતું નથી.
અમારી સરકાર દેશહિતમાં દરેક નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધ છે.
અત્યારે ભારત એક નવી નીતિ અને રીતિ પર ચાલી રહ્યો છે તથા અત્યારે સમગ્ર વિશ્વ પણ એને સમજવા લાગ્યું છે.
સાથીદારો,
હાલનું નવું ભારત નીડર છે, નિર્ભીક છે અને નિર્ણાયક છે, કારણ કે અત્યારે સરકાર સવા સો કરોડ ભારતીયોનાં પુરુષાર્થ, તેમનાં વિશ્વાસ સાથે આગળ વધી રહી છે.
ભારતીયોની આ એકતાથી જ દેશની અંદર અને બહાર કેટલાંક દેશવિરોધી લોકોમાં એક ડર પેદા થયો છે.
આજે જે આ વાતાવરણ ઊભું થયું છે, એને જોઈને હું એટલું જ કહીશ કે આ ડર સારો છે.
જ્યારે દુશ્મનમાં ભારતનાં પરાક્રમનો ડર હોય, તો આ ડર સારો છે.
જ્યારે આતંકનાં આકાઓમાં સૈનિકોનાં શૌર્યનો ડર હોય, તો આ ડર સારો છે.
જ્યારે ભાગેડુઓમાં પણ કાયદાનો અને પોતાની સંપત્તિ જપ્ત થવાનો ડર હોય, તો આ ડર સારો છે.
જ્યારે મામાનાં બોલવાથી મોટાં મોટાં પરિવારો ધ્રુજી જાય, તો આ ડર સારો છે.
જ્યારે ભ્રષ્ટ નેતાઓને પણ જેલ જવાનો ડર સતાવવા લાગે, ત્યારે આ ડર સારો છે.
જ્યારે ભ્રષ્ટાચારીઓમાં પણ કાયદોનો ડર હોય, તો આ ડર સારો છે.
સાથીદારો,
સ્વતંત્રતા પછીનાં દાયકાઓમાં દેશે ઘણું બધું સહન કર્યું છે.
હવે આ નવું ભારત પોતાનાં સામર્થ્ય, પોતાનાં સાધન, પોતાનાં સંસાધનો પર ભરોસો કરીને આગળ વધી રહ્યું છે. પોતાની મૂળભૂત નબળાઈઓ દૂર કરીને, પોતાના પડકારને ઓછા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પણ સાથીદારો પ્રગતિનાં પંથે અગ્રેસર આપણાં ભારત સામે વધુ એક પડકારો ઊભો થયો છે.
આ પડકાર છે, પોતાનાં જ દેશનો વિરોધ કરીને અને પોતાનાં જ દેશની મજાક ઉડાવીને વિકૃત આત્મસંતોષ લેવાની પ્રવૃત્તિનો.
મને આશ્ચર્ય થાય છે કે, જ્યારે આજે આખો દેશ આપણી સેનાની સાથે ખભેખભો મિલાવીને ઊભો છે, ત્યારે કેટલાંક લોકો સેના પર જ શંકા કરી રહ્યાં છે.
એક તરફ આજે સંપૂર્ણ વિશ્વ આતંક વિરૂદ્ધ લડાઈમાં ભારતનો સાથ આપી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટલાંક રાજકીય પક્ષો આતંક વિરૂદ્ધ અમારી લડાઈ પર શંકા કરી રહ્યાં છે.
આ એ જ લોકો છે, જેમનાં નિવેદનોને, જેમનાં લેખોને પાકિસ્તાની સાંસદ, રેડિયો અને ટેલીવિઝન ચેનલો પણ ભારત વિરૂદ્ધ ઉપયોગ કરે છે.
આ લોકો મોદીનો વિરોધ કરતાં કરતાં દેશનાં વિરોધ પર ઉતરી આવ્યાં છે, દેશને જ નુકસાન પહોંચાડી રહ્યાં છે.
હું આજે આ મંચ પરથી આ પ્રકારનાં તમામ લોકોને પૂછવા ઇચ્છું છું કે, તમને આપણી સેનાનાં સામર્થ્ય પર વિશ્વાસ છે કે પછી શંકા છે ?
હું તેમની પાસેથી જાણવા ઇચ્છું છું કે, તમારે આપણી સેનાએ કહેલી વાતો પર ભરોસો કરવાનો છે કે પછી આપણી ધરતી પર આતંકવાદને પોષતા લોકોની વાતો પર ભરોસો કરવાનો છે.
ભાઈઓ અને બહેનો,
હું આ પ્રકારનાં તમામ લોકો અને રાજકીય પક્ષોને કહેવા માંગું છું કે, મોદી આવશે અને ચાલ્યો જશે, પણ ભારત હંમેશા રહેશે. એટલે મારો આગ્રહ છે કે, કૃપા કરીને એમણે પોતાનાં રાજકીય લાભ માટે, પોતાનાં બૌદ્ધિક અહંકારની પુષ્ટિ માટે દેશની સુરક્ષા સાથે રમત રમવાનું છોડી દેવું જોઈએ, ભારતને નબળું પાડવાનું બંધ કરી દેવું જોઈએ.
સાથીદારો,
રાફેલની ખામી અત્યારે દેશ અનુભવી રહ્યો છે.
આજે હિંદુસ્તાન એકસૂરમાં કહી રહ્યો છે કે, જો આપણી પાસે રાફેલ હોત, તો દેશને કેટલો ફાયદો થયો હોત ?
રાફેલ પર સૌપ્રથમ સ્વાર્થી નીતિને કારણે અને હવે રાજનીતિને કારણે દેશને બહુ નુકશાન થયું છે.
હું આ લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, મોદીનો વિરોધ કરવો હોય તો કરો, અમારી યોજનાઓમાં ખામીઓ કાઢો, એની શું અસર થઈ રહી છે, શું અસર થતી નથી એની ચર્ચા કરો.
આ મુદ્દાઓ પર સરકારની ટીકા કરો, તમારું હંમેશા સ્વાગત છે, પણ દેશની સુરક્ષા, દેશનાં હિતોનો વિરોધ ન કરો.
તમે આ બાબત ધ્યાનમાં રાખો કે મોદીવિરોધની આ જિદમાં મસૂદ અઝહર અને હાફિઝ સૈયદ જેવા આતંકવાદીઓને, આતંકવાદને પોષતા લોકોને સહારો ન મળી જાય, તેઓ વધારે મજબૂત ન થઈ જાય.
મિત્રો,
ઘણાં વર્ષોથી દેશ પર શાસન કરતાં લોકો સાથે બે બાબતો જોડાયેલી છે – લહાણી અને સોદાબાજીઓ.
લહાણી અને સોદાબાજીઓનાં આ કલ્ચરે આપણાં દેશનાં વિકાસની સફરને મોટાં પાયે નુકસાન કર્યું હતું.
આ અભિગમને કારણે સૌથી વધુ નુકસાન કોને થયું છે એ તમે જાણો છો? આપણાં સૈનિકો અને ખેડૂતોને.
ચાલો હું સૌપ્રથમ સંરક્ષણ ક્ષેત્ર વિશે વાત કરું.
જે લોકોએ આટલાં વર્ષો સુધી દેશ પર રાજ કર્યું તેઓ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કૌભાંડોમાં શા માટે સંકળાયેલા છે?
તેમણે જીપથી શરૂઆત કરી હતી અને પછી શસ્ત્રો, સબમરીનો, હેલિકોપ્ટરોમાં કૌભાંડો કર્યા.
આ પ્રક્રિયામાં સંરક્ષણ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું હતું.
જો સોદો ન થઈ શકે, તો સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ ન થઈ શકે.
દરેક સોદાબાજીમાં કોણ જોડાયેલું હોય છે? દરેક વચેટિયાની નજીક કોણ હોય છે? આખો દેશ જાણે છે.
અને લૂટયન્સ દિલ્હી, તો ખરેખર જાણે છે.
મિત્રો,
આ સર્વસામાન્ય હકીકત છે કે, આપણાં સશસ્ત્ર દળોને નિયમિતપણે બુલેટ પ્રૂફ જેકેટની જરૂર પડતી હોય છે.
વર્ષ 2009માં આપણાં સૈન્ય દળોએ એક લાખ છયાંસી હજાર બુલેટ પ્રૂફ જેકેટ માટે વિનંતી કરી હતી.
તમે જાણીને શરમ અનુભવશો કે એક પણ જેકેટની ખરીદી થઈ નહોતી. હું મારી વાતનું પુનરાવર્તન કરું છું. એક પણ બુલેટ પ્રૂફ જેકેટની ખરીદી વર્ષ 2009થી વર્ષ 2014 વચ્ચે થઈ નહોતી.
અમારા શાસનકાળમાં અમે બે લાખ 30 હજાર બુલેટ પ્રૂફ જેકેટની ખરીદી કરી હતી!
અમારાં શાસનકાળમાં સત્તાની ગલીઓમાં કોઈ વચેટિયા નહોતા, કારણ કે તેઓ જાણતા હતા કે આ સરકાર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લે.
હવે હું લહાણીની વાત કરું. જે લોકો સત્તામાં હતાં તેમને લહાણી કરવાનું ગમતું હતું.
આ લહાણીઓનો ઉદ્દેશ ગરીબોને સક્ષમ બનાવવાનો નહોતો.
ગરીબો હંમેશા ગરીબો રહે અને રાજકીય વર્ગની દયા પર જ જીવે એ માટે તેમને આ ખૈરાત કરવામાં આવતી હતી.
આનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષિ લોન માફીઓ છે.
કોઈ અર્થશાસ્ત્રી કે નીતિગત નિષ્ણાત ક્યારેય નહીં કહે કે કૃષિ લોન માફીથી આપણી કૃષિ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.
આ કામચલાઉ સમાધાન છે.
દર 10 વર્ષે યુપીએ ખેડૂતોની લોન માફ કરવાનો વિચાર કરે છે.
તેમણે તેમનાં સંપૂર્ણ કાર્યકાળમાં કશું કર્યું નહોતું, પણ છેલ્લી ઘડીએ ખેડૂતોનું દેવું માફ કરી દે છે.
આ માફીઓનું કશું નક્કર પરિણામ મળ્યું નથી.
એનાથી 20 ટકાથી ઓછાં ખેડૂતોને લાભ થાય છે.
છતાં તેમને ખેડૂતોની લોન પર ચૂંટણીઓ લડવાનું ગમે છે.
અમે જુદો અભિગમ અપનાવ્યો છે.
અમે ખેડૂતોનાં કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ નામની સંપૂર્ણ યોજના પ્રસ્તુત કરી છે.
કોઈ લહાણી નહીં કે કોઈ સોદો નહીં – ફક્ત સારી કામગીરી.
ભારતનાં 12 કરોડ ખેડૂતોને ત્રણ ભાગમાં છ હજાર રૂપિયાની મદદ.
આ સ્કીમની જાહેરાત 1 ફેબ્રુઆરીનાં રોજ થઈ હતી અને 24 ફેબ્રુઆરીનાં રોજ એને શરૂ કરવામાં આવી હતી. અમે 24 કલાક નોન-સ્ટોપ કામ કરીએ છીએ અને 24 દિવસોમાં યોજના શરૂ થઈ હતી!
અગાઉ કોઈ પણ યોજના શરૂ કરવામાં ઘણો સમય લાગતો હતો – મોટાં ભાગનો સમય એક પરિવારનાં કયા સભ્યનાં નામે યોજના શરૂ કરવામાં આવે એનાં પર જ વેડફાઈ જતો હતો?
લહાણીઓ કે લોન માફીથી વિપરીત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ લાંબા ગાળાની અને કાયમ મદદ કરતી યોજના છે.
અમારી અન્ય ત્રણ યોજનાઓ પણ ખેડૂતો માટે લાભદાયક છે – પછી એ સોઈલ હેલ્થ કાર્ડ હોય, પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના હોય, કે પછી ઇ-નામ હોય – આ યોજનાઓ લહાણી નથી. તેઓ લાંબા ગાળાની નક્કર યોજનાઓ છે, જેનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
એનડીએ સરકારે ખેડૂતો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં ઐતહાસિક વધારો કરીને ખેડૂતોનું સન્માન કર્યું છે.
જ્યારે અગાઉની સરકાર સત્તામાં હતી, ત્યારે એમએસપી માટેની ફાઇલ લગભગ સાત વર્ષ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રહી હતી.
એટલે જ્યારે તેઓ 10 ટકા કમિશન માટે કામ કરે છે, ત્યારે અમે 100 ટકા મિશન સાથે કામગીરી કરીએ છીએ, જ્યારે સરકાર યુદ્ધનાં ધોરણે કામ કરે છે, ત્યારે સંપૂર્ણ વિકાસ શક્ય બની જાય છે.
મિત્રો, અમારા પંચાવન મહિનાઓ અને અન્ય લોકોનાં શાસનનાં પંચાવન વર્ષમાં શાસન કરવાનો અભિગમ બે વિપરીત સ્વરૂપ ધરાવે છે.
તેમણે ‘ટોકન એપ્રોચ (ખૈરાત આપવાનો ટોકન અભિગમ)’ અપનાવ્યો હતો, અમે સંપૂર્ણ અભિગમ અપનાવ્યો હતો.
બધામાં તેઓ ખૈરાત કરતાં હતાં. હું તમને સમજાવું.
ભારત ગરીબી નાબૂદ કરવા હજુ પ્રયાસ કરી રહ્યો છે, પણ તેમણે સૂત્ર આપ્યું હતું – ગરીબી હટાઓ.
પણ ગરીબી કેવી રીતે દૂર કરવી એ સ્પષ્ટરૂપે પરિભાષિત કર્યું નહોતું, ન તેમણે ગરીબી દૂર કરવા કોઈ પ્રયાસ કર્યો હતો.
બધા જાણતા હતાં કે ભારતને નાણાકીય વ્યવહારો પર કામ કરવાની જરૂર હતી. આ માટે તેમણે બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
તેમણે આ બધું ગરીબોનાં નામે કર્યું હતું, પણ કોઈએ એ ચકાસણી કરવાની દરકાર પણ ન કરી કે ગરીબોની બેંક માટે ગરીબોનાં દ્વારા ખુલ્યાં છે કે નહીં.
વન રેન્ક વન પેન્શનનું જ ઉદાહરણ લો ને.
છેલ્લાં 40 વર્ષથી સૈનિકો આ માટે માંગ કરતાં હતાં, પણ તેમણે હંમેશા આ પ્રશ્રને લટકાવી રાખ્યો હતો. તેમણે વર્ષ 2014માં તેમની સરકારનાં અંતિમ બજેટમાં પાંચસો કરોડ રૂપિયા ઉમેર્યા હતાં. તેઓ સારી રીતે જાણતાં હતાં કે, આ પર્યાપ્ત રકમથી ઘણી ઓછી છે. પણ ફરી ટોકન અભિગમ!
ચૂંટણીઓ આવી રહી હતી.
વર્ષ 2014 અગાઉ વધુ એક ચૂંટણી જીતવા નાની લહાણી કરવામાં આવી હતી – ગેસ સિલિન્ડરની સંખ્યા 9થી વધારીને 12 કરવામાં આવી હતી.
તમે કલ્પના કરો – આટલો મોટો રાષ્ટ્રીય પક્ષ વર્ષોથી સત્તામાં હતો, છતાં ચૂંટણી લડવા માટે સિલિન્ડરની સંખ્યા 9થી 12 કરી.
આ રીતે આપણને ખૈરાત કરવામાં આવી, જે આપણને સ્વીકાર્ય નથી.
જો કામ કરવું હોય, તો સંપૂર્ણપણે કરો, તમામ વર્ગો માટે કરો, પણ ટોકન ન આપો, ખૈરાત ન આપો.
આ કારણે અમારી તમામ પહેલોનો ઉદ્દેશ 100 ટકા માટે હોય છે.
જન ધન – નાણાકીય સર્વસમાવેશકતા અને તમામ માટે બેંકિંગ.
તમામ માટે મકાન – દરેક ભારતીય માટે વર્ષ 2022 સુધી મકાન.
અને અમે આ દિશામાં યાદગાર પ્રગતિ કરી છે.
1.5 કરોડ મકાનો બની ગયા છે, જ્યારે યુપીએ સરકારે ફક્ત 25 લાખ મકાનોનું નિર્માણ કર્યું હતું.
તમામ માટે હેલ્થકેર – આયુષ્માન ભારત – કોઈ પણ ભારતીય સ્વાસ્થ્ય માટે સારી અને વાજબી સારસંભાળથી વંચિત ન રહેવો જોઈએ. આ યોજનાથી 50 કરોડ ભારતીયોને લાભ થશે.
વન રેન્ક વન પેન્શન – યુપીએ સરકારનાં 500 કરોડની સરખામણીમાં અમારી સરકારે 35,000 કરોડ. એનડીએ સરકારે ઓઆરઓપીનાં ભાગરૂપે આટલું મોટું ભંડોળ સૈનિકોને ફાળવ્યું હતું.
ઉજ્જવલા યોજના – જ્યારે તેઓ 9થી 12 સિલિન્ડર વચ્ચે વ્યસ્ત હતાં,
ત્યારે અમે કરોડો પરિવારોનાં રસોડાઓને ધુમાડાથી મુક્ત કરવા માટે કામ કર્યું હતું.
તમામ માટે વીજળી – તમામ ગામડાંને અને દરેક કુટુંબને વીજળીનો પુરવઠો મળવો જોઈએ.
છેલ્લાં 70 વર્ષથી, આપણે આઝાદ થયાને સાત-સાત દાયકાથી 18,000 ગામડાઓમાં અંધારપટ હતો. આ ગામડાઓમાંનું વીજળીકરણ અમારી સરકારે કર્યું છે અને હવે દરેક ઘરમાં વીજળીનો પુરવઠો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે.
એટલે તમે જોઈ શકો છો કે અમે ઝડપ અને વ્યાપકતા એમ બંને પરિમાણો સાથે કામ કરીએ છીએ.
અમારી દરેક યોજના, અમારા દરેક કામ દેશનાં તમામ નાગરિકો માટે છે, નહીં કે પસંદગીનાં લોકો માટે.
ખૈરાતો બહુ થઈ, લહાણી બહુ થઈ, હવે સંપૂર્ણ પરિવર્તનનો સમય પાકી ગયો છે, જેમાં વિકાસનાં મીઠાં ફળ દરેક વિસ્તારનાં દરેક નાગરિક સુધી પહોંચી રહ્યાં છે.
સાથીદારો,
આજ તક સારા સવાલ પૂછવા માટે જાણીતી છે.
પણ આજે હું પણ આજ તકનાં મંચથી થોડાં સવાલ પૂછવા ઇચ્છું છું.
‘આજ તક’ કેમ કરોડો લોકોને ખુલ્લામાં શૌચ કરવાની ફરજ પાડતી હતી?
‘આજ તક’ કેમ દિવ્યાંગો માટે સરકાર સંવેદનશીલ નહોતી?
‘આજ તક’ કેમ ગંગાનું પાણી આટલું બધું પ્રદૂષિત હતું?
‘આજ તક’ કેમ ઉત્તર પૂર્વની ઉપેક્ષા કરવામાં આવી હતી?
‘આજ તક’ કેમ આપણાં દેશની સેનાનાં વીર જવાનો માટે નેશનલ વૉર મેમોરિયલ બનાવવામાં આવ્યું નહોતું?
‘આજ તક’ કેમ આપણાં વીર પરાક્રમી પોલીસ કર્મચારીઓ માટે કોઈ નેશનલ પોલીસ મેમોરિયલ બન્યું નહોતું?
‘આજ તક’ આઝાદ હિંદ ફોજની સરકારની યાદમાં લાલ કિલ્લામાં ઝંડો કેમ લહેરાવવામાં આવ્યો નહોતો?
જો ‘આજ તક’નાં મંચ પર હું વધારે સવાલો પૂછીશ, તો કલાકોનું ‘વિશેષ’ બુલેટિન બનાવી શકાય છે.
આ સવાલો પર તમે ભલે ‘હલ્લા બોલ’નો અભિગમ અપનાવો કે ન અપનાવો, ક્રમબદ્ધ કાર્યક્રમ બનાવો કે ન બનાવો
પરંતુ આ વાસ્તવિકતા છે કે સૌપ્રથમ આ દેશનાં ગરીબો, પીડિતો, શોષિતો અને વંચિતોને સિસ્ટમ સાથે જોડવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો નહોતો.
પણ હું અહીં ફક્ત સવાલો પૂછવા આવ્યો નથી, થોડાં જવાબ પણ તમારાં પૂછ્યાં વિના આપીશ કે અમે શું હાંસલ કર્યું અને શું હાંસલ કરી રહ્યાં છીએ.
તમે લોકો તમારી ચેનલને ‘સબ સે તેજ’ ગણાવો છો. તમારી ટેગ લાઇન આ છે ને ! – સબ સે તેજ
તો મેં વિચાર્યું કે આજે હું પણ તમને મારાં વિશે અને મારી સરકારની કામગીરી વિશે, અમે કેટલાં તેજ છીએ એ જણાવી દઉં.
અત્યારે અમે સૌથી વધુ ઝડપથી વિકસતાં ભારતમાંથી ગરીબી નાબૂદ કરી રહ્યાં છીએ.
અત્યારે આપણે સૌથી ઝડપથી પ્રગતિ કરતું મોટું અર્થતંત્ર ધરાવીએ છીએ.
વર્ષ 1991થી જોઈએ તો છેલ્લાં પાંચ વર્ષનાં ગાળામાં આપણે જીડીપી વૃદ્ધિ સૌથી ઝડપથી વધારી છે.
વર્ષ 1991થી જોઈએ તો છેલ્લાં પાંચ વર્ષનાં ગાળામાં અમે સૌથી વધુ ઝડપથી મોંઘવારીનો દર ઘટાડ્યો છે.
અત્યારે દેશમાં સૌથી વધુ ઝડપથી માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે.
અત્યારે દેશમાં સૌથી વધુ ઝડપથી રેલવેનો વિકાસ થઈ રહ્યો છે.
અત્યારે અમારી સરકાર સૌથી વધુ ઝડપથી ગરીબો માટે મકાનો બનાવી રહી છે.
અત્યારે દેશમાં સૌથી વધુ ઝડપથી મોબાઇલ ઉત્પાદન એકમો સ્થાપિત કરવાની કામગીરી થઈ રહી છે.
અત્યારે દેશમાં સૌથી વધુ ઝડપથી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પાથરવાનું કામ ચાલી રહ્યું છે.
અત્યારે દેશને સૌથી વધુ ઝડપથી સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફ઼ડીઆઈ) મળી રહ્યું છે.
અત્યારે દેશમાં સૌથી વધુ ઝડપથી સ્વચ્છતાનું કવરેજ વધી રહ્યું છે.
એટલે જેમ ‘સબ સે તેજ’ તમારી ટેગલાઇન છે, તેમ ‘સબ સે તેજ’ અમારી સરકારની પણ ટેગલાઇન છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે હું વર્ષ 2013માં તમારે ત્યાં આવ્યો હતો, ત્યારે એ સમયે મેં તમને બે મિત્રોની એક વાર્તા સંભળાવી હતી. વાર્તા એવી હતી કે, એક વાર બે દોસ્ત જંગલમાં ફરવા જાય છે. બંને ભયંકર જંગલમાં ગયા હતા. એટલે એમણે પાસે સારી બંદૂક પણ રાખી હતી, કોઈ ખૂંખાર જાનવર મળે તો પોતાનાં જીવનું રક્ષણ કરી શકાય. જંગલમાં તેમને પગપાળા જવાની ઇચ્છા થઈ. એટલે ગાઢ જંગલમાં નીકળી પડ્યાં. થોડાં આગળ પહોંચ્યાં ત્યાં એક સિંહ સામે આવીને ઊભો રહી ગયો.
હવે શું કરવું, બંદૂક તો ગાડીમાં હતી, તેઓ ગાડીમાં બંદૂક મૂકીને ચાલી નીકળ્યાં હતાં. મોટી સમસ્યા સર્જાઈ હતી. કેવી રીતે સિંહનો સામનો કરવો, જાયે તો જાયે કહાં?
પણ એમાંથી એક મિત્રે પોતાનાં ખિસ્સામાંથી બંદૂકનું લાઇસન્સ કાઢીને સિંહને દેખાડ્યું અને કહ્યું કે, જો મારી પાસે બંદૂકનું લાઇસન્સ છે.
સાથીદારો,
એ સમયે મેં જે વાર્તા સંભળાવી હતી, એ તત્કાલિન સરકારની સ્થિતિનું બયાન કરતી હતી.
પહેલી સરકારે કાયદા બહુ બનાવ્યાં, પણ એનો અમલ કર્યો નહોતો.
પછી અમે સરકારમાં આવ્યાં પછી અમે કાયદા બનાવવાની સાથે એનો અમલ પણ કર્યો….ત્યારની અને અત્યારની સરકારની કામગીરીમાં કેટલો ફરક છે એનાં થોડાં વધુ ઉદાહરણ આપવા ઇચ્છું છું.
સાથીદારો,
બેનામી સંપત્તિ કાયદાને 1988માં પસાર કરવામાં આવ્યો હતો. પણ એને ક્યારેય લાગુ કરવામાં આવ્યો નહોતો. એટલે કે કાયદાનો ક્યારેય અમલ જ કરવામાં આવ્યો નહોતો.
અમારી સરકારે એને લાગુ કરવાનું કામ કર્યું અને હજારો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી.
અગાઉની સરકારનાં શાસનકાળમાં ખાદ્ય સુરક્ષા કાયદાની સ્થિતિ કેવી થઈ એ તમે જોયું હતું. એને જોરશોરથી બનાવવામાં આવ્યો, પણ જ્યારે મારી સરકાર આવી તો હું એ જોઈને દંગ થઈ ગયો કે આ કાયદો ફક્ત 11 રાજ્યોમાં અધકચરી રીતે લાગુ થઈ રહ્યો છે.
પહેલી વાર અમારી સરકારે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કાયદાને લાગુ કરાવ્યો. અમે સુનિશ્ચિત કર્યું કે, દેશનાં દરેક નાગરિકને એનો લાભ મળે.
અગાઉ પણ આ જ સરકારી અધિકારીઓ હતાં, આ જ ફાઇલો હતી અને આ જ ઓફિસ હતી. પણ પરિણામ શું આવ્યું હતું એ તમને બધાને ખબર છે.
અત્યારે અમે અમલ પર ભાર મૂક્યો છે અને જુઓ દેશમાં કેટલી ઝડપથી વિકાસ કાર્ય ચાલી રહ્યું છે.
સાથીદારો,
વર્ષ 2014થી વર્ષ 2019નો આ સમયગાળો પાંચ વર્ષોનો છે, પણ જ્યારે તમે વિકાસનાં પાટાં પર દોડીને અમારી સરકારનું કામકાજનું મૂલ્યાંકન કરશો, તો તમને એવું લાગશે જાણે વિકાસનાં ઘણાં દાયકાની સફર કરીને પરત ફર્યા છો.
જ્યારે આ વાત હું દ્રઢતા સાથે કહું છું, ત્યારે એની પાછળ અમારી સરકારનાં પાંચ વર્ષનાં સખત પરિશ્રમ અને સવા સો કરોડ ભારતીયોનાં આશીર્વાદ અને ભાગીદારી છે.
જ્યારે વર્ષ 2014થી 2019નો સમયગાળો મૂળભૂત જરૂરિયાતો પૂરા કરવાનો ગાળો હતો, ત્યારે વર્ષ 2019થી નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક મળશે.
જ્યારે વર્ષ 2014થી 2019 સુધી મૂળભૂત જરૂરિયાતો દરેક ઘર સુધી પહોંચાડવાનો સમય હતો,
ત્યારે વર્ષ 2019થી આગળ ઝડપથી પ્રગતિ કરવાની તક છે.
વર્ષ 2014થી વર્ષ 2019 અને વર્ષ 2019થી શરૂ થનારી આ સફર બદલાતાં સ્વપ્નોની વાત છે.
નિરાશાની સ્થિતિમાંથી આશાનાં શિખર સુધી પહોંચવાની વાત છે.
સંકલ્પથી સિદ્ધિ તરફ દોરી જવાની વાત છે.
સાથીદારો,
આપણે પુસ્તકોમાં ઘણી વાર વાંચ્યું છે કે, એકવીસમી સદી ભારતની હશે.
છેલ્લાં પાંચ વર્ષની મહેનત અને પરિશ્રમથી અમે દેશનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું છે.
આ પાયા પર ભારતની ભવ્ય ઇમારતનું નિર્માણ થશે.
આજે હું સંપૂર્ણ ખાતરી સાથે કહું છું કે, હા, એકવીસમી સદી ભારતની હશે.
આ જ વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.
તમે મને ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલાવ્યો, મારી વાત રજૂ કરવાની તક આપી,
એ બદલ આપ સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ.