મંત્રીપરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો.

દિલ્હીના લોકોની સારવાર માટે, દિલ્હી આવનારા લોકો માટે, આપ સૌને માટે એક રીતે આજનો દિવસ વિશેષ છે. અને મને ખુશી છે કે આજે ગરીબોને, સામાન્ય માનવીઓને, નિમ્ન-મધ્યમવર્ગ, મધ્યમવર્ગને પોતાના જીવનની મુશ્કેલ પરિસ્થિતિના નિવારણ માટે પોતાની અને સ્વજનોની બીમારી સામે લડવામાં મદદ કરવા માટે કેટલાક નવા આધાર સ્તંભ પ્રાપ્ત થઇ રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા જ અહિં લગભગ 1700 કરોડની નવી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. તેનાથી દિલ્હીમાં ઉપસ્થિત દેશની બે મોટી હોસ્પિટલો – એઈમ્સ અને સફદરજંગમાં લગભગ 1800થી વધુ પથારીઓની નવી ક્ષમતાનો માર્ગ ખૂલ્યો છે.

મિત્રો, એઈમ્સ પર વધતા દબાણને જોતા દિલ્હીમાં તેના તમામ પરિસરની ક્ષમતાને વધારવામાં આવી છે. આજે ત્રણસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનારા નેશનલ સેન્ટર ફોર એજીઈંગનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર 200 પથારીઓનું હશે. આવનારા દોઢ બે વર્ષોમાં તેને પૂરું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અહિં વરિષ્ઠ નાગરિકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમાં વૃદ્ધાવસ્થા, વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર પણ હશે, જ્યાં વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓને લઇને સંશોધનો કરવામાં આવશે. તે સિવાય સફદરજંગ હોસ્પિટલમાં પણ 1300 કરોડથી વધુ રકમ ખર્ચ કરીને સુવિધાઓને વધુ આધુનિક બનાવવાનું કામ થયું છે. તે અંતર્ગત જ અહિં એક ઈમરજન્સી બ્લોક પર એક સુપર સ્પેશ્યલીટી વૉર્ડની સેવાઓ દેશને સમર્પિત કરવામાં આવી છે. માત્ર તબીબી આકસ્મિક સેવાઓ માટે 500 પથારીઓની નવી ક્ષમતા સાથે સફદરજંગ હોસ્પિટલ દેશનું સૌથી મોટું આકસ્મિક સેવાઓનું દવાખાનું બની જશે.

સાથીઓ, આજે જે પાંચ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. તેમાંનું એક પાવર ગ્રિડ વિશ્રામ સદન પણ છે. સાર્વજનિક ઉપક્રમો અને સમાજ પ્રત્યે તેમની જવાબદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. તેનાથી માત્ર દર્દીઓને જ નહી પરંતુ તેમની સારસંભાળ રાખનારા લોકોને પણ ઘણી મોટી રાહત મળી રહી છે.

સાથીઓ, સમયસર યોગ્ય સારવાર જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ દિલ્હીનો ટ્રાફિક ઘણીવાર તેમાં અવરોધ બની જાય છે. ખાસ કરીને એઈમ્સના જુદા-જુદા કેન્દ્રો અને પરિસરોની વચ્ચે દર્દીઓ અને ડૉકટરોના આવાગમનને લઈને પહેલા ઘણી સમસ્યા હતી. એઈમ્સનું મુખ્ય મકાન અને જયપ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરની વચ્ચે આ સમસ્યાઓ પણ હવે ઉકેલાઈ ગઈ છે. લગભગ એક કિલોમીટર લાંબી ભૂગર્ભની સુરંગનું પણ હમણાં થોડા સમય પહેલા લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. આ ટનલથી દર્દીઓ, તેમના સંબંધીઓ, ડૉકટરો અને જરૂરી દવાના યંત્રોનું કોઈપણ અડચણ વિના આવાગમન સુનિશ્ચિત થયું છે.

સાથીઓ, ભારત જેવા આપણા વિશાળ, વિકસિત દેશને માટે સસ્તી, સુરક્ષિત એ આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ કેટલી મોટી જવાબદારી છે તે તમે સારી રીતે જાણો છો. વીતેલા ચાર વર્ષોમાં જાહેર આરોગ્ય કાળજીને લઇને દેશને એક નવી દિશા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના એક પછી એક નીતિગત દખલગીરી વડે આપણે તે સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં દેશના ગરીબ અને મધ્યમવર્ગને વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ માટે ભટકવું ન પડે, બિનજરૂરી ખર્ચા ન કરવા પડે. રાજ્ય સરકારોની સાથે મળીને કેન્દ્ર સરકાર દેશભરમાં સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલ આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરી રહી છે. આ સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશમાં દવાખાનાઓમાં બાળકોને જન્મ આપવાની પ્રણાલી, સંસ્થાગત પ્રસુતિનું પ્રચલન વધ્યું છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના સ્વસ્થ્યની સતત તપાસ, રસીકરણમાં પાંચ નવી રસીઓ જોડાવાથી માતા અને બાળક મૃત્યુ દરમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. આ પ્રયાસોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પ્રશંસા કરી છે.

સાથીઓ, સરકારનો પ્રયત્ન છે કે મોટા શહેરોની આસપાસ જે સ્વાસ્થ્ય માટે માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે તેને સુદ્રઢ કરવાની સાથે-સાથે આવી જ સુવિધાઓ બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણીના શહેરો સુધી પહોંચાડવામાં આવે. તેની માટે સરકાર બે વ્યાપક સ્તર પર કામ કરી રહી છે. એક તો જે આપણી વર્તમાન હોસ્પિટલો છે તેને વધુ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે. અને બીજું દેશના દૂર સુદૂરના વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓને પહોંચાડવામાં આવી રહી છે.

સાથીઓ, આઝાદીના 70 વર્ષોમાં જેટલા એઈમ્સ સ્વીકૃત થયા અથવા બનાવવામાં આવ્યા છે તેનાથી વધુ વીતેલા ચાર વર્ષોમાં મંજૂર કરવામાં આવ્યા છે. દેશમાં 13 નવા એઈમ્સની જાહેરાત કરવામાં આવી છે જેમાં આઠ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે. તે સિવાય દેશભરમાં 15 મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશીયાલિટી હોસ્પિટલોનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે.

સાથીઓ, નવા ભારત માટે આ એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં ઉત્તમ અને પૂરતી હોસ્પિટલો હોય, વધુ પથારીઓ હોય, વધુ સારી સુવિધાઓ હોય અને શ્રેષ્ઠ ડૉક્ટર અને તેમની ટીમ હોય. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તબીબી શિક્ષણમાં પણ નવા અવસરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકાર 58 જિલ્લાઓમાં દવાખાનાઓને મેડિકલ કોલેજના રૂપમાં અપગ્રેડ કરવાનું કામ કરી રહી છે. આ બજેટમાં જ સરકારે 24 નવા મેડિકલ કોલેજો બનાવવાની જાહેરાત કરી છે. સરકારનો પ્રયત્ન છે કે ત્રણ લોકસભા બેઠકો વચ્ચે ઓછામાં ઓછી એક મેડિકલ કોલજ જરૂરથી હોય. આ ચાર વર્ષોમાં દેશભરમાં મેડિકલની લગભગ 25 હજાર સ્નાતક અને અનુસ્નાતકની નવી બેઠકો જોડવામાં આવી છે. સરકારે પ્રવેશ પ્રક્રિયાને પણ વધુ પારદર્શી બનાવવાનું કામ કર્યું છે.

સાથીઓ, આ સરકારનો દ્રષ્ટિકોણ માત્ર દવાખાનાઓ, બીમારી અને દવાઓ તથા આધુનિક સુવિધાઓ સુધી જ મર્યાદિત નથી. ઓછા ખર્ચે દેશના દરેક વ્યક્તિને ઈલાજ મળી રહે, લોકોને બીમાર બનવાના કારણોને ખતમ કરવાના પ્રયાસો હોય, એ જ વિચારધારા સાથે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમારી સરકારે સ્વાસ્થ્ય સેવાને, સ્વાસ્થ્ય મંત્રાલયની હદમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો છે. અમારા સ્વાસ્થ્યના વિઝનની સાથે આજે ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ જોડાઈ ગયું છે. સ્વચ્છતા અને પેયજળ મંત્રાલય પણ જોડાયું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પણ તેની સાથે જોડવામાં આવ્યું છે. અને આ તમામને આપણી પારંપરિક સ્વાસ્થ્ય સેવાઓને સશક્ત કરીને અને આયુષ મંત્રાલય પાસેથી પણ સહયોગ મળી રહ્યો છે. સરકારની દ્રષ્ટિએ બીમારી અને ગરીબીની વચ્ચે જે સંબંધ છે તેને જોતા યોજનાઓ બનાવવામાં આવી છે. તેમને લાગુ કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા છે. ગરીબીનું મોટું કારણ બીમારી પણ છે. અને એટલા માટે બીમારીને રોકવાનો અર્થ ગરીબીને રોકવાનો પણ હોય છે. આ જ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયોનું નિર્માણ, મિશન ઇન્દ્રધનુષ હેઠળ, દૂર-સુદૂરના વિસ્તારોમાં રસીકરણ, રાષ્ટ્રીય પોષણ અભિયાન અને આયુષમાન ભારત જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ગરીબનો બીમાર થવા ઉપરનો ખર્ચ ઓછો કરી રહી છે. આરોગ્ય જાળવણી અને સસ્તી આરોગ્યકાળજીને લઈને જેટલી ગંભીરતાથી દેશમાં અત્યારે કામ થઇ રહ્યું છે તેટલું કદાચ પહેલા ક્યારેય નથી થયું.

રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજના અથવા આયુષમાન ભારત પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ કડી છે. આ યોજના અંતર્ગત દેશભરમાં લગભગ દોઢ લાખ એટલે કે દેશની દરેક મોટી પંચાયતની વચ્ચે એક આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સ્થાપિત કરવા પર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં આ કેન્દ્રોમાં જ બીમારીની ઓળખ માટે નિદાન અને ઉપચારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેનો ઘણો મોટો લાભ ગામડા અને નગરોમાં રહેનારા લોકોને પણ મળવા જઈ રહ્યો છે. ત્યાં જ ગંભીર બીમારીની સ્થિતિમાં દેશના ગરીબ અને નિમ્ન-મધ્યમવર્ગના લોકોને ઉત્તમ અને પાંચ લાખ સુધી મફત ઈલાજ સુનિશ્ચિત કરવા પર કામ ચાલી રહ્યું છે. આ યોજનાથી વધુમાં વધુ રાજ્યોને જોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાનગી દવાખાનાઓ સાથે જોડાયેલ લોકો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. વિશાળ સ્તર પર અનેક વિષયોમાં તમામ હિતધારકો સાથે સહમતી સધાઈ ગઈ છે અને ખૂબ ઝડપથી આ દુનિયાની સૌથી મોટી, વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના સાકાર થવાની છે.

સાથીઓ, આ યોજના માત્ર ગરીબોને માટે જ જીવનદાન આપનારી છે એવું નથી પરંતુ મેડિકલ ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અવસર ઉત્પન્ન કરનારી એક નવી ક્રાંતિનું ઉદાહરણ છે. આ યોજનાના કારણે આવનારા સમયમાં દેશના ગામડા અને નાના કસબાઓની આસપાસ જે દવાખાનાઓનું મોટું નેટવર્ક બનવાનું નક્કી છે. ઘણી મોટી માત્રામાં નવા દવાખાનાઓ બનવાનું ખૂબ સ્વાભાવિક છે. કારણ કે જ્યારે બીમારીનો ખર્ચ કોઈ બીજું ઉપાડવાનું હોય તો બીમાર વ્યક્તિ દવાખાને જવાનું પસંદ કરવાનો જ છે, જે આજે જવાનું ટાળી રહ્યો છે. અને બીમાર દવાખાને જઈને પૈસા ક્યાંકથી મળવાના છે તે નક્કી છે તો દવાખાના અને ડૉક્ટર પણ સામેથી કામ કરવા માટે તૈયાર છે. અને એક રીતે એક એવી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે જે દેશમાં માનવ સંસાધન વિકાસ, મેડિકલ ક્ષેત્રમાં દેશની અંદર માળખાગત સુવિધાઓનો વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃત સમાજના રૂપમાં આપણે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને આ ક્ષેત્રમાં રોજગારના અવસરો તો વધવાના જ છે. આપણે જાણીએ છીએ કે એક ડૉક્ટરની સાથે ઘણા બીજા લોકોએ પણ કામ કરવું પડે છે ત્યારે એક ડૉક્ટર કંઈક કરી શકે છે. કેટલા લોકોની માટે રોજગારની સંભાવનાઓ છે. હા, આધુનિક ચિકિત્સા સેવાઓની માટે મોટા શહેરો તરફ આવવાની મજબૂરીને પણ હું સમજુ છું કે ઘણી માત્રામાં ઓછી થઇ જશે. લોકોને પોતાના ઘરની આસપાસ બધી જ સુવિધાઓ મળશે.

સાથીઓ, વીતેલા ચાર વર્ષોમાં સસ્તી આરોગ્ય સેવાઓને લઈને જે પણ યોજના સરકારે ચલાવી તેનો કેટલો લાભ સામાન્ય જનને મળી રહ્યો છે તે જાણવા માટે આ મહિનાની શરૂઆતમાં મેં પોતે દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આશરે ત્રણ લાખ કેન્દ્રો અને મારો અંદાજ છે ત્રીસ-ચાલીસ લાખ લોકો મારી સામે આવ્યા હતા. તે સમગ્ર ચર્ચામાંથી જે એક વાત નીકળીને બહાર આવી તે એ હતી કે નિમ્ન-મધ્યમવર્ગથી લઈને ગરીબ વ્યક્તિના સ્વાસ્થ્યના ખર્ચમાં આજે ઘણો ઘટાડો થયો છે. સાથીઓ તેનું કારણ તમે સૌ ખૂબ સારી રીતે જાણો છો. સરકાર દ્વારા લગભગ 1100 જરૂરી દવાઓને મૂલ્ય નિયંત્રક સીમામાં લાવવામાં આવી છે. તેનાથી લોકોને લગભગ દવાઓની પાછળ જે ખર્ચ થતો હતો તે પરિવારોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઇ છે. એક વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની બચત અને તે પણ એક યોજનાનું પરિણામ. દેશભરમાં 3600થી વધુ જનઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં 700થી વધુ દવાઓ અને દોઢસોથી વધુ સર્જરીનો સામાન સસ્તા ભાવે ઉપલબ્ધ છે. અમૃત સ્ટોર્સમાં પણ મળી રહેલ 50 ટકા ઓછી કિંમતની દવાઓનો લાભ લગભગ 75-80 લાખ દર્દીઓ ઉઠાવી ચુક્યા છે. આ સિવાય આજે સ્ટેન્ટ અને ઘુંટણ ઈમ્લાન્ટની કિંમતમાં ઘટાડાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લગભગ સાડા પાંચ હજાર કરોડની બચત થઇ છે. તેમની કિંમતો પહેલાની સરખામણીએ લગભગ એક તૃતીયાંશ જેટલી થઇ ગઈ છે. આ સાથે જ જીએસટી આવ્યા પછી પણ અનેક દવાઓની કિંમતો ઓછી થવાથી લોકોને પણ લાભ મળી રહ્યો છે. દેશના લગભગ દરેક જિલ્લામાં ડાયાલિસિસ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અહિં ગરીબોને નિઃશુલ્ક ડાયાલિસિસની સુવિધા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ દર્દીઓ તેનો લાભ ઉઠાવી ચુક્યા છે. તમે અંદાજો લગાવી શકો છે કે પહેલા જ્યાં ગરીબને મફત ડાયાલિસિસ માટે સો-સો બસ્સો-બસ્સો કિલોમીટર દુર જવું પડતું હતું હવે તેને પોતાના જ જિલ્લામાં સુવિધા મળી રહી છે. જ્યારે તે આટલો દુર નહોતો જઈ શકતો તો બીજા દવાખાનાઓમાં પૈસા ખર્ચીને ડાયાલિસિસ કરાવતો હતો. હવે ગરીબને મળી રહેલ મફત ડાયાલિસિસની સુવિધાથી ડાયાલિસિસના દરેક સત્રમાં તેના લગભગ 1500થી 2000 રૂપિયાની બચત થઇ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત લગભગ લગભગ 25 લાખ ડાયાલિસિસ સત્રો મફતમાં કરવામાં આવ્યા છે. તે સિવાય આરોગ્ય જાળવવા માટે યોગે પણ નવી રીતે પોતાની ઓળખને પ્રસ્થાપિત કરી છે. યોગીઓની મજાક ઉડાવવામાં આવતી પરંતુ આજે સમગ્ર વિશ્વમાં યોગે પોતાને માટે જગ્યા બનાવી લીધી છે તેનો ડંકો વાગી ગયો છે. હું એ તો ક્યારેય નથી કહી શકતો કે કોઈ ભોગીને યોગ, યોગી બનાવી દેશે પરંતુ હું એટલું જરૂરથી કહી શકું છું કે યોગ એ ભોગીને રોગી થવાથી તો બચાવી જ શકે છે. આજ યોગ સમગ્ર દુનિયામાં જન આંદોલન બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલા જ આપણે જોયું કે કઈ રીતે સમગ્ર દુનિયામાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને મને જણાવવામાં આવ્યું છે કે એઈમ્સમાં પણ આ દિવસોમાં યોગ અંગે ઘણી જાગૃતિ આવી છે. તમામ ડૉક્ટર મિત્રો પણ યોગ કરી રહ્યા હતા. મને સારું લાગ્યું.

સાથીઓ, દેશના દરેક નાગરિક સુધી સ્વાસ્થ્ય સેવા પહોંચાડવી આ સરકારનું લક્ષ્ય છે પરંતુ તમારા પણ સક્રિય સહયોગ વિના, તમારા સાથ વિના, એટલે કે સંપૂર્ણ આ તબીબી ક્ષેત્રના સહકાર વિના આ શક્ય નથી. આજે જ્યારે દેશ નવા ભારતના સંકલ્પની સાથે આગળ વધી રહ્યો છે તો આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને પણ પોતાની માટે નવા સંકલ્પો નક્કી કરવા જોઈએ. 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થશે, હું જો મેડિકલ વ્યવસાયમાં છું, હું ડૉક્ટર છું, હું અન્ય સહાયક છું – 2022 સુધી આરોગ્ય ક્ષેત્રમાં મારો તે સંકલ્પ રહેશે જ્યારે આઝાદીના 75 વર્ષ થશે હું પણ આટલું કરીશ, તેવો આ દેશમાં માહોલ બનાવવાની જરૂર છે. સરકાર વર્ષ 2022 સુધી દેશને ટીબીથી મુક્ત કરાવવા માટે કાર્ય કરી રહી છે. ટીબી દર્દીઓના પોષણને ધ્યાનમાં રાખીને દર મહીને તેમને 500 રૂપિયાની આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે.

સાથીઓ, વિશ્વના અન્ય દેશોએ પોતાને ટીબી મુક્ત જાહેર કરવા માટે વર્ષ 2030 સુધીનો સમય નક્કી કર્યો છે. આપણે દેશને જલ્દીથી જલ્દી ટીબી મુક્ત કરવા માટે સંકલ્પની સાથે કામ કરવું પડશે, દુનિયા 2030માં પૂરું કરવા માંગે છે આપણે 2025માં પુરું કરવા માંગીએ છીએ. સમગ્ર દુનિયાની નજર ભારત પર છે કે શું તે આવું કરી શકશે? મને દેશના મેડિકલ ક્ષેત્ર પર ભરોસો છે, તેના સામર્થ્ય પર ભરોસો છે, કે તે આ પડકાર ઉપર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરશે અને દેશને યશ અપાવીને જ રહેશે તેવો મારો વિશ્વાસ છે. એવો જ એક મહત્વપૂર્ણ વિષય છે માતા અને બાળ મૃત્યુદરનો. જેમ કે મેં અગાઉ કહ્યું કે ભારતે છેલ્લા ચાર વર્ષોમાં આ વિષય ઉપર ઉલ્લેખનીય પ્રગતિ કરી છે પરંતુ માતા અને શિશુ મૃત્યુદરને ઓછામાં ઓછો કરવા માટે આપણે સૌએ મળીને તેમના પ્રયાસોને હજુ વધારે કરવા પડશે. તેના માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અને પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના તેમજ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે. આ મિશનને પોતાના જીવનનું મિશન બનાવીને કાર્ય કરવામાં આવે. જન આંદોલનની જેમ વધુમાં વધુ લોકોને તેની સાથે જોડવામાં આવે તો નિશ્ચિત રુપે ખૂબ ઝડપથી અને અપેક્ષિત પરિણામો આપણે પ્રાપ્ત કરીને રહીશું. આ વિશ્વાસને લઈને આગળ વધવાનું છે.

સાથીઓ, આજે દેશમાં ઈમાનદારીનું એક એવું વાતાવરણ બન્યું છે કે વધુમાં વધુ લોકો રાષ્ટ્ર નિર્માણની પોતાની જવાબદારી હોંશે-હોંશે આગળ વધીને ઉપાડી રહ્યા છે. લોકોમાં એ ભાવ આવ્યો છે, એ વિશ્વાસ વધ્યો છે કે આપણે જે કર આપીએ છીએ તેની પાઈ-પાઈ દેશની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવી રહી છે. અને આ વિશ્વાસનું પરિણામ સમાજના દરેક સ્તર પર આપણને જોવા મળી રહ્યું છે. તમને ધ્યાનમાં હશે કે મેં જ્યારે લાલ કિલ્લા પરથી દેશના લોકોને આગ્રહ કર્યો હતો કે જેઓ સક્ષમ છે જેઓ ખર્ચ કરી શકે છે એવા લોકો સબસિડી શું કામ લે છે, છોડી દો ને. આટલી અમથી વાત મેં કહી હતી અને મારી આટલી જ વાતને આ દેશના સવા સો કરોડ પરિવારોએ ગેસ સબસિડી છોડી દીધી. નહિતર આપણા દેશમાં તો એવું જ માની લેવામાં આવે છે કે ભાઈ કોઈ કંઈ છોડતું નથી, એક વાર મળ્યું તો મળી ગયું અને સ્વભાવ છે કે તમે વિમાનમાં જતા હશો બાજુમાં સીટ ખાલી છે, તમારી સીટ નથી એ, વિમાન ઉડવાની તૈયારીમાં છે તો તમે મોબાઈલ ફોન મુક્યો, પુસ્તક મુક્યું, તેટલામાં આખરે કોઈ આવી ગયું, તે સીટ ઉપર બેસનારું તો શું થાય છે? સીટ તમારી નથી તમે તો તમારી સીટ પર જ બેઠા છો, છોડવાનું મન નથી કરતું. આ ક્યાંથી આવી ગયો. આ માનસિકતાની વચ્ચે આ દેશમાં 25 કરોડ પરિવારો છે. 25 કરોડ પરિવારોમાંથી સવા સો કરોડ પરિવારો ગેસની સબસિડી માત્ર કહેવા પર જ છોડી દે છે. અર્થાત દેશની તાકાત, દેશનો મિજાજ કેવો છે તેનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એક બીજી વાત હું કહેવા માંગું છું, આ જ રીતે વિતેલા દિવસોમાં રેલવે દ્વારા, તમને જાણ હશે કે જે વરિષ્ઠ નાગરિકો જેઓ રેલવેમાં યાત્રા કરે છે તેમને સબસિડી મળે છે, કન્સેશન મળે છે. અને મેં પણ ક્યારેય આની જાહેરાત નહોતી કરી કારણ કે હું વિચારી રહ્યો હતો કે કરું કે ના કરું પરંતુ રેલવેએ પોતાના ફોર્મમાં લખી નાખ્યું કે શું તમે તમારી સબસિડી છોડવા માટે તૈયાર છો. તમને જાણીને આશ્ચર્ય થશેજી અને આપણા આ દેશની તાકાતને ઓળખવી પડશે. માત્ર રેલવેના રિઝર્વેશનના અરજી પત્રમાં આટલું લખી દેવામાં આવ્યું કે તમે તમારા વરિષ્ઠ નાગરિક માટેના લાભને છોડવા માંગો છો? અને હું ગર્વ સાથે કહી રહ્યો છું કે છેલ્લા આઠ-નવ મહિનાની અંદર 42 લાખ વરિષ્ઠ નાગરિકોએ પોતાની સબસિડીનો લાભ નથી લીધો, છોડી દીધી છે. મેં કહ્યું હતું કે મહિનામાં એક વાર 9 તારીખના રોજ કોઇપણ ગરીબ ગર્ભવતી મહિલા તમારા દરવાજે આવે છે તો તમે સેવાભાવથી મહિનામાં એક દિવસ 9 તારીખ તે ગરીબ માને સમર્પિત કરી દો. તે દિવસે ગરીબનું ચેક અપ કરો, તેને માર્ગદર્શન આપો તેને શું કરવું છે અને મને ખુશી છે કે હજારો ડૉકટરો ઘણા સેવા ભાવ સાથે આગળ વધી રહ્યા છે, તેમના પોતાના દવાખાનાઓની આગળ બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને 9 તારીખના રોજ ત્યાં મફત સેવા મળે છે તે જાણીને ગર્ભવતી મહિલાઓએ ડૉકટરોની પાસે પહોંચી જાય છે. કરોડો બહેનોને તેનો ફાયદો થયો છે. હું ઈચ્છીશ કે આપણા અન્ય બીજા પણ ઘણા ડૉક્ટર મિત્રો આગળ આવે, આ એવું સેવાનું કામ છે કારણ કે આપણે સૌએ મળીને આ સમસ્યાઓના સમાધાન માટે દેશમાં બે પગલા આગળ વધવાનું છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશમાં સવા સો કરોડ ગર્ભવતી મહિલાઓની તપાસ આ ડોકટરો દ્વારા કરવામાં આવી છે. સવા કરોડ! હું આ અભિયાનમાં મારા તે ડૉક્ટર મિત્રોના સહયોગને માટે, દરેક તબીબી વ્યવસાય સાથે કામ કરનારા તે સૌની પ્રશંસા કરું છું અને હું ઈચ્છીશ કે આ વાતને આગળ વધારવામાં આવે. આ જ સેવાભાવ આ સમયે રાષ્ટ્રીય સ્વરાજ અભિયાન દરમિયાન કરવામાં આવી રહ્યો છે. અમે પણ એક કાર્યક્રમ કર્યો તમને જરા કેટલીક વસ્તુઓ ચોવીસ કલાકની ચેનલમાં જોવા નથી મળતી અને ન તો અખબારોની હેડલાઈનોમાં હોય છે. અમે એક ગ્રામ સ્વરાજ અભિયાન કર્યું હતું. અમે 17000 ગામડાઓ પસંદ કર્યા તેના કેટલાક માપદંડો હતા અને 7 કામ નક્કી કર્યા, તે 7 કામને ત્યાં આગળ 100 ટકા પૂરા કરવાના છે. તેમાંથી એક રસીકરણ પણ છે. આ રસીકરણના કામને અમે સફળતાપૂર્વક 17000 ગામડાઓમાં પૂરું કર્યું છે. હમણાં અમે નક્કી કર્યું હતું કે 15 ઓગસ્ટ સુધીમાં 115 જે મહત્વકાંક્ષી જિલ્લાઓ જે અમે નક્કી કર્યા છે. જે આજે રાજ્યની જે સરેરાશ છે તેના કરતા પણ પાછળ છે પરંતુ શક્તિશાળી છે. તે 115 જિલ્લાઓની અંદર લગભગ 45000 ગામડાઓ છે, જ્યાં દેશના આશરે ગ્રામીણ જીવનની 40 ટકા જનસંખ્યા આ જગ્યા પર જ રહે છે. તેમના માટે પણ 7 એવા કામો દર્શાવ્યા જે અમારે 100 ટકા પુરા કરવાના છે. તેમાં પણ એક રસીકરણ છે. એટલે કે એક રીતે જોઈએ તો આરોગ્ય ક્ષેત્રમાં અને દેશના રસીકરણની સીમારેખાને વધારવામાં જુદા-જુદા ક્ષેત્રો સાથે જોડાયેલ વ્યક્તિઓએ જે રીતે કામ કર્યું છે હું સમજુ છું કે તે પણ પ્રશંસનીય છે. તે આપ સૌના પ્રયાસ થકી જ શક્ય બન્યું છે કે આજે દેશમાં રસીકરણની વૃદ્ધિની ઝડપ 6 ટકા સુધી પહોંચી ગઈ છે. 6 ટકા સાંભળ્યા બાદ કદાચ તમને વધારે નહીં લાગે. 6 ટકા પરંતુ પહેલા તો 1 ટકા પણ નહોતું. તમારી આ પ્રતિબદ્ધતાને કારણે દેશ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દેશમાં દરેક ગર્ભવતી મહિલા અને બાળકને રસીકરણનો સંકલ્પ નવા ભારતના નિર્માણમાં, સ્વસ્થ પરિવારના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે.

સાથીઓ, સ્વસ્થ પરિવારથી જ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. આપણા સૌના પર અને ખાસ કરીને તમારા પર દેશને સ્વસ્થ રાખવાની જવાબદારી છે. અને એટલા માટે રાષ્ટ્રપતિજી પણ તમને રાષ્ટ્ર નિર્માણના એક મહત્વપૂર્ણ પહેરેદાર કહેતા હતા. આવો સરકારની સાથે મળીને સર્વે ભવન્તુ સુખીન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણી પશ્યન્તૂ. મા કશ્ચિત દુઃખ ભાગ્ભ્વેત. આ નિરામય જગતની માટે નિરામય લોકો માટે આ સંકલ્પને મનમાં ધારણ કરીને નવા ભારતને સિદ્ધ કરવા માટે આપણે સૌ આગળ વધીએ. આજે અહિયાં આ આયોજનમાં જે સુવિધાઓ દિલ્હી અને દેશને મળી છે તેના માટે એક વાર ફરીથી હું ખૂબ-ખૂબ અભિનંદનની સાથે વિભાગને પણ અભિનંદન આપું છું. તેમણે સમય સીમામાં આ બધા જ કામોને પુરા કરવા ભરપુર પ્રયાસો કર્યા છે. કારણ કે મારો આગ્રહ છે કે અમે તે જ કામોને હાથ અડાડીશું જેને અમે પુરા કરી શકીશું. નહિતર આપણા દેશમાં એવી હાલત હતી કે સંસદની અંદર રેલવે બજેટમાં સંસદની પવિત્રતા, સંસદમાં પ્રતિબદ્ધતા હોય છે. મેં નોંધ્યું કે ઘણી વાર મારા ધ્યાનમાં આવ્યું, લગભગ 1500 વસ્તુઓની જાહેરાત કરવામાં આવી હતી, એક માત્ર રેલવેએ પાછલા ત્રીસ, ચાલીસ, પચાસ વર્ષમાં અને મેં જ્યારે પૂછ્યું કે ક્યાં છે તેઓ કહે કાગળ પર પણ નહોતું. જમીન પર તો નહોતી જ આવી. અમે તે રસ્તા પર જવા નથી માંગતા. અમે માત્ર પથ્થરો જડવા માટે નથી આવ્યા, અમે પરિવર્તનનો એક સંકલ્પ લઈને આવ્યા છીએ અને આપ સૌનો સાથ માંગવા માટે આવ્યા છીએ. તમારો સાથ અને સહયોગ લઈને દેશની આશા આકાંક્ષાને પૂર્ણ કરવાનો એક સંકલ્પ લઈને ચાલી નીકળ્યા છીએ. મને વિશ્વાસ છે મારા સાથીઓ તમે પણ અમને સહયોગ આપશો.

ખૂબ-ખૂબ ધન્યવાદ!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India