મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,
આપણે ત્યાં મંત્ર શક્તિની એક માન્યતા છે કે, જ્યારે એક સાથે, એક જ સ્થળે હજારો મન-મસ્તિષ્ક એક જ મંત્રનો જાપ કરી રહ્યા હોય ત્યારે એક ઊર્જામંડળ આકાર લે છે અને આપણે સૌએ અહીં એવા ઊર્જામંડળનો અનુભવ કર્યો છે. આંખો ખુલ્લી હોય તો આપણે એકબીજાને જોઈ રહ્યા હોઈએ છીએ, પરંતુ મસ્તિષ્કતંત્રની અંદર ભગવાન બુદ્ધનાં નામનું જે દરેક પળે ઉચ્ચારણ થઈ રહ્યું છે તે તમારામાં, મારામાં અને આપણા સૌમાં અનુભવી શકાય છે.
આપણે સૌ ભગવાન બુદ્ધમાં જે પ્રકારે ભાવ અને ભક્તિ રાખીએ છીએ, કદાચ તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેવી સ્થિતિ છે. જે રીતે લોકો મંત્રથી પ્રભાવિત થઈ જાય છે, એવી જ રીતે આપણે ભગવાન બુદ્ધથી પણ પ્રભાવિત થઈ જઈએ છીએ. આજે બુદ્ધ પૂર્ણિમાના આ પવિત્ર પ્રસંગે મને આપ સૌની વચ્ચે આવવાની અને ખાસ કરીને તમામ ધર્મગુરૂઓના આશિર્વાદ લેવાની જે તક પ્રાપ્ત થઈ છે તે મારૂં સદભાગ્ય છે.
હમણાં આપણને મહેશ શર્માજી અને કિરણ રિજીજૂજી વાત કરી રહ્યા હતા કે હું અહીં બીજી વાર આવ્યો છું. ગયા વર્ષે પણ હું આવવાનો હતો, પરંતુ એક આવા જ સમારંભ માટે મારે મુખ્ય મહેમાન તરીકે શ્રીલંકા જવું પડ્યું હતું અને મેં શ્રીલંકામાં બુદ્ધ પૂર્ણિમા ત્યાંના લોકોની સાથે ઉજવી હતી. ત્યાંની સરકાર સાથે અને પૂરી દુનિયામાંથી ત્યાં આવેલા બૌદ્ધ ધર્મગુરૂઓની સાથે બુદ્ધ જયંતી ઉજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
અમે બધાં તો ખૂબ જ વ્યસ્ત રહીએ છીએ. સૌની પોતાની જવાબદારીઓ છે, પરંતુ આ વ્યસ્ત સમય વચ્ચે પણ જીવનમાં કેટલીક વાર બુદ્ધનું નામ લઈને ધન્ય થઈ જઈએ છીએ. પરંતુ હું અહીં જે ધર્મગુરૂઓને જોઈ રહ્યો છું, ભિક્ષુકગણોને જોઈ રહ્યો છું, તેમણે તો બુદ્ધનાં કરૂણાનાં સંદેશાને પહેંચાડવા માટે પોતાના સમગ્ર જીવનની આહુતિ આપી દીધી છે. તે સૌ બુદ્ધનાં માર્ગ પર ચાલવા નિકળ્યા છે અને આજે આ અવસરે વિશ્વભરમાં બુદ્ધનો સંદેશો ફેલાવનાર આ તમામ મહામાનવોને હું આદર પૂર્વક પ્રણામ કરૂ છું, નમન કરૂ છું.
તમે સૌ દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી અહીં આવ્યા છો. તમને પણ હું હૃદયપૂર્વક નમન કરૂં છું. મને આજે એક તક મળી છે કે જેમણે પણ આ કામગીરી માટે પછી તે સંસ્થા હોય, વ્યક્તિ હોય અને જેમણે પણ ઉલ્લેખ કરવા પાત્ર કામ કર્યું હોય તેમનું સન્માન કરવાની મને તક પ્રાપ્ત થઈ છે. હું તેમના પ્રયાસોને અને તેમણે આપેલા યોગદાન બદલ આદરપૂર્વક અભિનંદન પાઠવું છું અને ભવિષ્યને માટે તેમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને સારનાથની કેન્દ્રીય ઉચ્ચ તિબ્બતી શિક્ષણ સંસ્થાન અને બોધગયાનાં અખિલ ભારતીય ભિક્ષુ સંઘને વૈશાખ સન્માન પ્રાપ્ત કરવા બદલ હું આદર પૂર્વક અભિનંદન પાઠવું છું.
સાથીઓ, સમગ્ર ધરતીનાં આ ભૂખંડમાં, આપણું ભારત જે અમૂલ્ય ધરોહરનું વારસદાર છે, દુનિયાના અન્ય ભાગોમાં વિરાસતની આવી સમૃદ્ધિ કદાચ ભાગ્યે જ જોવા મળતી હશે.
ગૌત્તમ બુદ્ધનો જન્મ, તેમનુ શિક્ષણ અને તેમના મહાપરિનિર્વાણ અંગે સેંકડો વર્ષોથી ઘણું બધુ કહેવામાં આવ્યું છે, ઘણું બધુ લખવામાં આવ્યું છે અને આજની પેઢીનું એ સૌભાગ્ય છે કે તમામ તકલીફો પછી, કઠણાઈઓ પછી પણ તેમાંની ઘણી બધી વસ્તુઓ સુરક્ષિત રહી છે અને તે સચવાઈ રહી છે.
આજે આપણને એ બાબતનું ગર્વ છે કે ભારતની આ ધરતી પરથી જે પણ વિચારો બહાર આવ્યા એ તમામ વિચારોમાં માત્રને માત્ર માનવ કલ્યાણ, સૃષ્ટીના કલ્યાણનો વિષય જ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને આપણને એ બાબતનું પણ ગર્વ છે કે નવા-નવા વિચારોનાં યુગમાં પણ બીજાના અધિકાર ઉપર કે પછી તેમની ભાવનાઓ ઉપર ક્યારેય પણ અતિક્રમણ કરવામાં આવ્યું નથી. મારા અથવા પારકા જેવો કોઈ ભેદ રાખવામાં નથી આવ્યો, કે પછી મારી વિચારધારા અને તમારી વિચારધારા એવો ભેદ પણ રાખવામાં આવ્યો નથી. મારા ઈશ્વર અને તમારા ઈશ્વર એવો પણ ભેદ જોવા મળ્યો નથી.
આપણને ગર્વ છે કે ભારતમાંથી જે કોઈ પણ વિચારધારાઓ બહાર આવી છે, તે તમામ માનવ જાતના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધતી રહી છે. કોઈએ એવું નથી કહ્યું અને ક્યારેય પણ એવુ નથી કહ્યું કે તમે અમારી સાથે આવશો તો જ તમારૂ ભલુ થશે. એવુ ક્યારેય પણ કહેવામાં આવ્યું નથી. બુદ્ધના વિચારોએ આ પંથના માર્ગોમાં માત્ર નવચેતના જગાવી છે એવું નથી, પણ વર્તમાન એશિયાના ઘણાં દેશોનાં રાષ્ટ્રીય ચરિત્રને, બુદ્ધના વિચારની પરંપરાને આ રીતે જ મૂલવવામાં આવી રહી છે.
સાથીઓ, આપણી ધરતીની એ ખાસ બાબત રહી છે અને તે જ એક મોટુ કારણ પણ છે કે, ભારત ગર્વ સાથે કહી શકે છે કે દુનિયાના લોકોની સાથે આંખમાં આંખ મિલાવીને કહી શકે તેમ છે કે અમારી સંસ્કૃતિ અને અમારો ઇતિહાસ એ બાબતની સાક્ષી છે કે ભારત ક્યારેય આક્રમણ કરનાર દેશ નથી. તેણે ક્યારેય અન્ય દેશની ભૂમિ પચાવી પાડી નથી. હજારો વર્ષો જૂની આપણી ભૂમિના આ મૂળભૂત ચિંતનને કારણે આપણે આ માર્ગ પર ચાલતા આવ્યાં છીએ.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.45468500_1525091192_bdh7.png)
સાથીઓ, સિદ્ધાર્થ – સિદ્ધાર્થથી ગૌતમ બુદ્ધ બનવા તરફની યાત્રા એ કથા માત્ર નિર્વાણ પ્રાપ્તિના માર્ગની કથા નથી, એ કથા એવા સત્યની છે કે જેમાં વ્યક્તિ પોતાનુ જ્ઞાન, ધન, સંપત્તિ દ્વારા બીજાનાં દુઃખો દૂર કરવાનો પ્રયાસ કરે છે અને દરેક વ્યક્તિ સિદ્ધાર્થથી બુદ્ધ બનવાના માર્ગ પર નિકળી પડે છે, ચાલી શકે છે, બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે.
બુદ્ધ પૂર્ણિમામાં આપણને મૈત્રી અને કરૂણાનું દરેક પળે સ્મરણ થતું હોય છે અને તે પણ એક એવા સમયે કે જ્યારે હિંસા, આતંકવાદ, વંશવાદ આ બધાની કાળાશ બુદ્ધનાં સંદેશને જાણે કાળા વાદળની જેમ ઢાંકી દેતી હોય તેવુ જણાય છે. આથી વર્તમાન સમયમાં કરૂણા અને મૈત્રીની વાત વધુ સુસંગત જણાય છે અને વધુ મહત્વની પણ બની રહે છે. એ વ્યક્તિ જીવિત એ નથી જે પોતાના વિરોધીઓ ઉપર ધ્વંસ, હિંસા અને ઘૃણાથી હુમલો કરે છે. જીવન તો એનું છે જે ઘૃણા, હિંસા અને અન્યાયના તત્વને સાર્થક મૈત્રી, કરૂણા વડે જીતીને વિશ્વમાં સૌથી મોટો વિજય પ્રાપ્ત કરે.
એ વાત સાચી છે કે, જેમણે પોતાના ક્રોધિત મનને શાંત કરીને બુદ્ધનાં ધ્યાનથી મન જીતી લીધું છે અને આવા લોકો સફળ પણ થયા છે અને અમર પણ થયા છે. સત્ય અને કરૂણાનો સંયોગ જ બુદ્ધ બનાવે છે અને આપણી અંદરનાં બુદ્ધને પલ્લવિત કરે છે.
બુદ્ધનો અર્થ હિંસા માટે પ્રેરિત મનની ક્રોધિત સ્થિતિને શુદ્ધ અંત:કરણની સ્થિતિમાં લાવવુ, મનુષ્યમાં કોઈ સમાજ, તેની જાતિ, વર્ણ કે ભાષાનાં આધાર પર ભેદભાવ કરે એવો સંદેશ ભારતનો કે બુદ્ધનો હોઈ શકે નહીં. અને ન આ ધરતી પર આવા વિચારને જગ્યા મળી શકે છે. અહિંયા કોઈ પણ વ્યક્તિ, કોઈપણ જાતિ, વર્ણ, વર્ગ કે ધર્મનો હોય તેને હંમેશા પોતાનાપણાં, આત્મિયતા સાથે સહજ સ્વિકારવામાં આવ્યો છે. યહુદી સમાજ હોય, પારસી સમાજ હોય, હજારો વર્ષોથી આપણી સાથે એકરૂપ થઈને, એક રસ થઈને આપણાં રક્ત, આપણાં માનસ, આપણા અસ્થિ વગેરેનું અવિભાજ્ય અંગ છે. આપણે કોઈ દિવસ તેમની સાથે ભેદભાવની કલ્પના પણ કરી નથી. સમતાનો ભાવ, સમાનતાનો ભાવ, આપણાં જીવનમાં બુદ્ધને જીવવા માટેનો અર્થ આવો જ કંઈક થશે. આ જ સમતા, સમરસતા, સમદ્રષ્ટિ અને સંઘ ભાવનાને કારણે બુદ્ધ દુનિયાભરમાં સૌથી વધારે સ્વીકાર્ય મહાપુરૂષ બની ગયા. આવો જ ભાવ બાબા સાહેબ આંબેડકરે જીવી બતાવ્યો અને તે પણ બુદ્ધનાં માર્ગ પર ચાલી નીકળ્યા.
આજે વિશ્વમાં ભારતનો સર્વેશ્રેષ્ઠ પરિષય આપણી ભૌતિક ક્ષેત્રમાં ઉન્નતિની સાથે આપણે બુદ્ધનો દેશ છીએ તે પણ છે. તેનાથી પણ ભારતનું મહત્વ વધે છે. ‘ધર્મમ્ શરણમ્ ગચ્છામી, બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી, સંઘમ્ શરણમ્ ગચ્છામી’ એ સૂત્ર આપણાં દેશની પવિત્ર ભૂમિમાંથી નિકળીને સમગ્ર વિશ્વને માનવતાનો પાઠ શિખવનાર જન-જનનો મંત્ર બની ગયો છે. આટલા માટે જ બુદ્ધ પૂર્ણિમાનો સૌથી મોટો સંદેશ એ છે કે તમે બીજા લોકોને બદલવાને બદલે પોતાની જાતને બદલવાનું શરૂ કરો. તમે પણ બુદ્ધ બની જશો. તમે બહારનાં સૌ લોકોને જોવાના બદલે પોતાની અંદરના યુદ્ધને જીતો, તો તમે પણ બુદ્ધ બની જશો. ‘અપો દીપઃ, આપ ભવઃ’ સ્વયં પોતાનો પ્રકાશ પોતાની અંદર શોધશો તો તમે પણ બુદ્ધ બની જશો.
ભગવાન બુદ્ધ હંમેશા મનની શાંતિ અને હૃદયમાં કરૂણાની પ્રેરણા આપતા હતા. સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને માનવ અધિકાર એ આજના લોકશાહી વિશ્વના ઉચ્ચ મૂલ્યો છે, પરંતુ આ અંગે ખૂબ સ્પષ્ટ સંદેશ ગૌતમ બુદ્ધે આજથી અઢી હજાર વર્ષ પહેલાં દેશને આપ્યો હતો. ભારતમાં તો આ વિષય અલગ રીતે વિચારણામાં લેવાયો નથી, પરંતુ તે સમગ્ર વિશ્વ-દ્રષ્ટિનું અંગ બની ગયો છે.
ભગવાન બુદ્ધના પોતાના ચિંતનમાં સમાનતાનો અર્થ એવો થતો હતો કે દરેક વ્યક્તિ આ ધરતીમાં ગૌરવભેર રહી શકે. દરેક વ્યક્તિને સાધનોની તક પ્રાપ્ત થાય, અધિકારો પ્રાપ્ત થયા વિના કોઈ ભેદભાવ નક્કી થતો નથી.
સાથીઓ, દુનિયાનો કોઈપણ દેશ હોય, જાતિવાદથી માંડીને આતંકવાદ સુધી સામાજીક ન્યાયને પડકાર આપનારી વિષમતા હોય તો તે પણ તે વ્યક્તિએ પોતે ઉભી કરી છે. આ વિષમતાઓ જ શોષણ, અત્યાચાર, હિંસા, સામાજીક તણાવ અને સૌહાર્દ અહિંસાનો મૂળ સ્રોત રહી છે. જ્યારે બીજી તરફ ન્યાય, સ્વતંત્રતા અને માનવ અધિકારનો સિદ્ધાંત એક પ્રકારે સમાનતાનાં સિદ્ધાંતનો જ વિસ્તાર છે. આનો અર્થ એ થયો કે સમાનતા એ આ સિદ્ધાંતોનું આધાર તત્વ છે.
જો આપણાં સમાજમાં સમાનતાની ભાવના મજબૂત હશે તો સામાજીક ન્યાય, સ્વતંત્રતા, માનવ અધિકાર, સામાજીક પરિવર્તન, વ્યક્તિગત અધિકાર, શાંતિ, ભાઈચારો, સમૃદ્ધિ જેવા માર્ગો આપણાં માટે ખૂલી જશે અને આપણે ઝડપભેર આગળ વધી શકીશું.
ભગવાન બુદ્ધે તેમના ઉપદેશમાં ‘અષ્ટાંગ’ની ચર્ચા કરેલી છે. ભગવાન બુદ્ધનાં સંદેશમાં પણ ‘અષ્ટાંગ’ની વાત આવે છે અને હું માનું છું કે ‘અષ્ટાંગ’ના માર્ગે ગયા વિના ભગવાન બુદ્ધને પ્રાપ્ત કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. ‘અષ્ટાંગ’ માર્ગમાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે એક સમ્યક દ્રષ્ટિ, બીજો સમ્યક સંકલ્પ, ત્રીજી સમ્યક વાણી, ચોથુ સમ્યક આચરણ અને પાંચમું સમ્યક આજીવિકા, સમ્યક પ્રયત્ન, સમ્યક ચેતના અને સમ્યક ધ્યાન. એટલે કે યોગ્ય અભિપ્રાય, યોગ્ય ભાષા, યોગ્ય આચરણ, યોગ્ય આજીવિકા, યોગ્ય પ્રયાસો, યોગ્ય સભાનતા અને યોગ્ય માર્ગદર્શન. ભગવાન બુદ્ધે આ 8 માર્ગો આપણને દર્શાવ્યા છે.
વર્તમાન યુગમાં આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એ સમસ્યાઓનું સમાધાન ભગવાન બુદ્ધે દર્શાવેલા માર્ગે જવાથી મળી શકશે તેવી સંભાવના છે. સમયની એ માંગ છે કે વિશ્વને જો, સંકટથી બચાવવું હોય તો બુદ્ધનો કરૂણા અને પ્રેમનો સંદેશ તે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. આથી, બુદ્ધમાં માનનારી તમારી શક્તિઓએ સક્રિય બનવાની જરૂર છે. ભગવાન બુદ્ધે પણ કહ્યું હતું કે આ માર્ગ ઉપર સંકલન કરીને ચાલવાથી સામર્થ્ય પ્રાપ્ત થશે.
સાથીઓ, ભગવાન બુદ્ધના દાર્શનિકોમાંથી જેમને તર્ક બુદ્ધિ અને ભાવનાનો સંકલ્પ આવશ્યક લાગતો હતો તે એમના ‘ધમ્મ’નાં સિદ્ધાંતોના તાર્કિક પરિક્ષણના તે ખૂબ જ આગ્રહી હતા. તે પોતાના શિષ્યોને કોઈ પણ પ્રકારના વિશેષ આદર કે પ્રેમ સિવાય તેમને પોતાના વિચારોને તર્કની કસોટી પર ચકાસવાનો હંમેશા આગ્રહ રાખતા હતા. ભગવાન બુદ્ધનાં સંદેશાઓને નક્કર દાર્શનિક સ્વરૂપ આપવા માટે મહાન બૌદ્ધ ચિંતક નાગાર્જુને બીજી સદીમાં સમ્રાટ ઉદયને જે સલાહ આપી હતી તે સલાહ આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.11638300_1525090535_bdh2.png)
તેમણે કહ્યું હતું કે ”નેત્રહીન, બિમાર, વંચિત, અસહાય અને દરિદ્ર લોકોને કોઈપણ પ્રકારના આવરોધ વગર ભોજન અને પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને તેમના પર કરૂણાની ભાવના રાખવી જોઈએ. પીડિત અને બિમાર લોકોની યોગ્ય દેખભાળ અને પરેશાન ખેડૂતોને બિયારણ તથા અન્ય જરૂરી મદદ કરવી જોઈએ.”
ભગવાન બુદ્ધનું વૈશ્વિક ચિંતન એ બાબત પર કેન્દ્રિત થયેલુ છે કે સમગ્ર સંસારમાં તમામ લોકોનું દુઃખ હંમેશા – હંમેશા માટે કેવી રીતે દૂર કરી શકાય? તે કહેતા હતા કે કોઈના દુઃખને જોઈને દુઃખી થવાને બદલે સારી બાબત એ છે કે એ વ્યક્તિના દુઃખને દૂર કરવા માટે તેને સક્ષમ બનાવવામાં આવે, તૈયાર કરવામાં આવે અને તેને સશક્ત બનાવવામાં આવે.
મને એ બાબતનો આનંદ છે કે અમારી સરકાર કરૂણા અને સેવાના એ માર્ગ પર ચાલી રહી છે. ભગવાન બુદ્ધે આપણને જે માર્ગ બતાવ્યો હતો તે જીવનમાં દુઃખ કઈ રીતે ઓછું કરવું, મુશ્કેલીઓ કઈ રીતે ઓછી કરવી, સામાન્ય માનવીનાં જીવનને કેવી રીતે સરળ બનાવવું વગેરે બાબતોને આપણે સર્વોચ્ચ અગ્રતા આપી રહ્યા છીએ.
જન-ધન યોજના હેઠળ 31 કરોડથી વધુ ગરીબોના બેંકમાં ખાતા ખોલવા, દૈનિક માત્ર 90 પૈસા અને મહિને રૂ. 1ના પ્રીમિયમથી અંદાજે 19 કરોડ ગરીબોને વીમાનું કવચ પૂરૂ પાડવું, 3 કરોડ 70 લાખથી વધુ ગરીબ મહિલાઓને મફતમાં ગેસનો ચૂલો આપવો, કનેક્શન આપવું, મિશન ઈન્દ્રધનુષ હેઠળ 3 કરોડથી વધુ બાળકોને અને 80 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીકરણ કરવું, મુદ્રા યોજના હેઠળ કોઈ પણ પ્રકારની બેંક ગેરંટી વગર 12 કરોડથી વધુ રકમનું ધિરાણ આપવું જેવા અનેક કાર્યો આ સરકારે ગરીબોને સશક્ત બનાવવા માટે કર્યા છે અને હવે તો આયુષ્માન ભારત યોજના હેઠળ સરકાર લગભગ 50 કરોડ ગરીબોને વર્ષમાં રૂ. 5 લાખ સુધીની સારવારની સુવિધા મળી રહે તે દિશામાં આગળ વધી રહી છે.
સાથીઓ સમષ્ટિનો એ વિચાર, સૌને સાથે લઇને ચાલવાનો એ વિચાર જ હતો જેણે બુદ્ધનાં જીવનને એકદમ બદલી નાખ્યું. એક રાજાનો પુત્ર હતો એ, તેની પાસે બધી જ સુખ-સુવિધાઓ હતી, એ જ્યારે ગરીબને જુએ છે, તેનું દર્દ જુએ છે, તેની તકલીફ જુએ છે ત્યારે તેની અંદર એ ભાવ જાગે છે કે ‘હું એમનાથી અલગ નથી, હું પણ એમના જેવો જ છું.’
આ સત્યએ જ એમને એક દ્રષ્ટિકોણ આપ્યો, જ્ઞાન, તર્કક્ષમતા, ચૈતન્ય, નૈતિકતા, મુલ્યધર્મિતાનાં ભાવો આપો આપ એક શક્તિ બનીને એમની અંદર પ્રગટ થવા લાગ્યા. આજે આ ભાવોને આપણે જેટલા આત્મસાત કરીશુ, એટલા જ આપણે મનુષ્ય બનવા માટે યોગ્ય બનીશુ. મનુષ્યતા માટે, માનવતા માટે, 21મી સદીને પૂરી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ સદી બનાવવા માટે આ કરવું ખૂબ જ આવશ્યક છે.
ભાઇઓ અને બહેનો ગુલામીનાં લાંબા સમયગાળા પછી અનેક કારણોથી આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાનું કાર્ય એવી રીતે નથી થયું જેમ થવું જોઇતું હતું. જે દેશ પોતાના ઇતિહાસનું સંરક્ષણ કરે છે, એ વિરાસતને એવી જ ભવ્યતા સાથે ભાવી પેઢીને નથી સૌંપતા, એ પૂર્ણતાને ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતા. આ બાબતને ધ્યાનમાં રાખીને અમારી સરકાર આપણા સાંસ્કૃતિક વારસા અને વિશેષરૂપે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલી સ્મૃતિઓ માટે એક વિશાળ દ્રષ્ટિકોણથી કામ કરી રહી છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.26869500_1525104716_bdhtxt2.png)
આપણા દેશમાં આશરે 18 રાજ્યો એવા છે કે જ્યાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલું કોઈને કોઈ તીર્થ ક્ષેત્ર છે. આમાંથી કેટલાક તો 2000 વર્ષ કરતાં પણ વધુ જૂના છે અને વિશ્વભરના લોકોને આકર્ષિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એ બાબત પણ ખૂબ જ આવશ્યક બની રહે છે કે, જે લોકો આ સ્થળોને જોવા માટે આવે છે તેમને સુવિધા મળી રહે એ બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવે. આવા વિચારને આગળ વધારીને અમે સ્વદેશ દર્શન યોજના હેઠળ એક બૌદ્ધ પરિપથ પર પણ કામ શરૂ કર્યું છે.
બૌદ્ધ પરિપથનાં વિકાસ માટે સરકાર રૂ. 360 કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આવેલા બૌદ્ધ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
આ ઉપરાંત સડક પરિવહન મંત્રાલય દ્વારા ગયા-વારાણસી, કુશીનગરના પૂરા રૂટ ઉપર માર્ગના કિનારે આવશ્યક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે બુદ્ધિઝમ પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જ્યારે આ કાર્યક્રમ થશે ત્યારે સમગ્ર દુનિયામાંથી અલગ અલગ પ્રદેશોના વિદ્વાનો અહીં જોડાશે. આ પ્રકારના કાર્યક્રમોના આયોજન પાછળનો ઉદ્દેશ એ છે કે વધુને વધુ લોકો સુધી આપણી સાંસ્કૃતિક વિરાસતની જાણકારી પહોંચે. સ્થાનિક સ્તરે અને બીજા દેશોમાંથી પણ પ્રવાસીઓ બૌદ્ધ સ્થળો જોવા માટે આવે અને આ અંગે જાણકારી પ્રાપ્ત કરે.
આ બધાં ઉપરાંત કેન્દ્ર સરકાર, ભારત સરકારના નજીકના દેશોમાં પણ બૌદ્ધ વિરાસતની સુરક્ષા માટે તે દેશોને મદદ કરી રહી છે. આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા (એએસઆઈ) દ્વારા મ્યાંનમારના બગીચામાં આનંદા મંદિરનો પુનરોદ્ધાર અને રાસાયણિક સંરક્ષણનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. બે વર્ષ પહેલાં આવેલા ભૂકંપમાં આ મંદિર ખૂબ જ જીર્ણ થઈ ગયું હતું.
એએસઆઈ, અફઘાનિસ્તાનનાં બામિયાનમાં, કમ્બોડિયાનાં ઔકારવાટ અને ‘તોપ્રોહમ’ મંદિરમાં લાઓસના વતપોહૂ મંદિરમાં, વિયેતનામના માય સન મંદિરમાં, સંરક્ષણની કામગીરીમાં પણ ભારત સરકાર જોડાઈ છે. ખાસ કરીને માંગોલિયાની વાત કરૂ તો, ભારત સરકાર ગેનદેન મઠની તમામ હસ્તપ્રતોને સાચવવા માટે અને તેના ડિજિટાઈઝેશનનું કામ પણ કરી રહી છે.
આજે હું આ મંચ ઉપરથી ભારત સરકારના કેટલાક મહત્વના મંત્રાલયોને આગ્રહ કરી રહ્યો છું કે બૌદ્ધ દર્શન સાથે જોડાયેલા દેશના અલગ-અલગ વિભાગોમાં જે સંસ્થાઓ ચાલી રહી છે તેમાં ભગવાન બુદ્ધનાં ઉપદેશ સંગ્રહ, ‘ત્રિપિટકા’નું સંરક્ષણ અને તેના અનુવાદની જે કામગીરી ચાલી રહી છે તેને એક જ મંચ પર કેવી રીતે લાવી શકાય તેમ છે તેની વિચારણા કરવી. શું આ માટે એક વિસ્તૃત પોર્ટલ વિકસાવી શકાય તેમ છે કે, જેમાં સરળ શબ્દોમાં ભગવાન બુદ્ધનાં વિચારો અને તેના પર કામ કરી રહેલી સંસ્થાઓમાં જે કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તેનું સંકલન થઈ શકે?
હું મહેશ શર્માજીને આગ્રહ કરૂં છુ કે તે આ પ્રોજેક્ટનું નેતૃત્વ પોતાના હાથમાં લે અને તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરે.
સાથીઓ, આપણાં સૌના માટે સૌભાગ્યની વાત છે કે અઢી હજાર વર્ષ પછી પણ ભગવાન બુદ્ધનાં ઉપદેશો આપણી વચ્ચે છે. હુ જ્યારે સૌભાગ્યની વાત કહું છું ત્યારે તેના પાછળની પરિસ્થિતિઓ બાબતે પણ વિચારવું જોઈએ કે હું શા માટે આવું કહી રહ્યો છું?
ચોક્કસપણે આપણી પહેલાં જે લોકો હતા તેમની મોટી ભૂમિકા રહી છે. આપણી અગાઉની પેઢીઓનું પણ એમાં યોગદાન છે. તેમણે જે સુરક્ષાની કામગીરી કરી તેને કારણે આજે આપણે બુદ્ધ પૂર્ણિમા પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. અઢી હજાર વર્ષ સુધી આપણાં પૂર્વજોએ આ વિરાસતને સંભાળીને રાખવા માટે પેઢી દર પેઢી નિરંતર પ્રયાસ કર્યો છે. હવે પછી આવનારો માનવ ઇતિહાસ આપણી સક્રિય ભૂમિકાની પ્રતિક્ષા કરશે. તમારા સંકલ્પની પણ પ્રતિક્ષા કરતો હશે.
મારી ઈચ્છા છે કે આજે જ્યારે તમે સૌ અહિંથી જાવ ત્યારે મનમાં એક વિચાર સાથે સાથે જાવ કે વર્ષ 2022માં જ્યારે આપણાં દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષનું પર્વ ઉજવાઈ રહ્યું હશે ત્યારે એવા કયા પાંચ કે દસ સંકલ્પ હશે કે જેને તમે સિદ્ધ કરવા માંગશો.
આ સંકલ્પ આપણાં વારસાની રક્ષા, ગૌતમ બુદ્ધના વિચારોનો પ્રસાર પણ હોય શકે છે, પરંતુ મારી વિનંતી છે કે અહિં ઉપસ્થિત દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, દરેક સંગઠન વર્ષ 2022નું લક્ષ્ય નક્કી કરીને કોઈ સંકલ્પ ચોક્કસ અવશ્ય કરે.
તમારા પ્રયાસો નવા ભારતનો સંકલ્પ પૂર્ણ કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે. જે પડકારો છે તેની અમને ખબર છે. આપણાં બધા પર ભગવાન બુદ્ધના આશીર્વાદ છે અને એટલા માટે જ મને પૂરો વિશ્વાસ છે કે આજે આપણે જે સંકલ્પ કરીશું તેને ચોક્કસપણે પ્રાપ્ત કરીને જ રહીશું.
મને આજે બુદ્ધ પૂર્ણિમાના આ પવિત્ર પ્રસંગે ભગવાન બુદ્ધનાં ચરણોમાં આવીને બેસવાનો અને તેમને નમન કરવાનો જે અવસર મળ્યો છે તથા આપ સૌના દર્શન કરવાની પણ જે તક મળી છે તેને માટે હું મારી જાતને ધન્ય માનું છું.
વધુ એક વાર, આપ સૌને બુદ્ધ પૂર્ણિમાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મારી વાણીને વિરામ આપું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ !!!