ભારત માતાની – જય
ભારત માતાની – જય
હું કહીશ બાબાસાહેબ આંબેડકર – તમે બધા બે વખત બોલશો – અમર રહે, અમર રહે.
બાબાસાહેબ આંબેડકર – અમર રહે, અમર રહે.
બાબાસાહેબ આંબેડકર – અમર રહે, અમર રહે.
બાબાસાહેબ આંબેડકર – અમર રહે, અમર રહે.
બસ્તર આઉર બીજાપુર જો આરાધ્યા દેવી માં દંતેશ્વરી, ભૈરમ ગઢ ચો બાબા ભૈરમ દેવ, બીજાપુર ચો ચિકટરાજ આઉર કોદાઈ માતા, ભોપાલ પટ્ટમ છો ભદ્રકાલી કે ખૂબ ખૂબ જુહાર.
સિયાન, સજ્જન, દાદા, દાદી, મન કે જુહાર. લેકા-લેકી પઢતો લિખતો, નોની બાબૂ મન કે ખૂબે ખૂબે માયા.
મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળનાં મારા સહયોગી શ્રીમાન જે પી નડ્ડા, છત્તીસગઢનાં લોકપ્રિય મુખ્યમંત્રી ડૉક્ટર રમણસિંહજી, રાષ્ટ્રીય એસટી (અનસૂચિત જનજાતિ) પંચનાં અધ્યક્ષ શ્રી નંદકુમાર સાઈજી, છત્તીસગઢ સરકારનાં મંત્રીમંડળનાં અન્ય સભ્યો અને મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત બીજાપુર બસ્તરનાં મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
હું અહીંનાં આદિ દેવી અને દેવતાઓને સાદર નમન કરું છું, જેમણે બીજાપુર જ નહીં, પણ બસ્તરનાં તમામ રહેવાસીઓને કુદરતનાં સાંનિધ્યમાં જીવવાનું-રહેવાનું શીખવ્યું છે. હું આજે બીજાપુરની ધરતી પરથી અમર શહીદ ગૈન્સીને પણ યાદ કરવા ઇચ્છું છું, જેઓ બસ્તરની ધરતી પર આજથી લગભગ 200 વર્ષ પહેલા અંગ્રેજો સામે બાથ ભીડીને શહીદ થયાં હતાં. આવું જ એક નેતૃત્વ લગભગ 100 વર્ષ પૂર્વે મહાનાયક વીર ગુન્દાધુર સ્વરૂપે પણ અહીં પ્રકટ થયું હતું. ગૈન્સી હોય કે પછી ગુન્દાધુર – આવા અનેક લોકનાયકની શૌર્ય ગાથાઓ તમારા લોકગીતોમાં પેઢી દર પેઢી જોવા મળે છે.
હું આ મહાન ધરતીનાં વીર સપૂતો અને વીર દિકરીઓને પણ નમન કરું છું. આ ધરતી પર આજે પણ શૌર્ય અને પરાક્રમની નવી ગાથાઓ લખાઈ રહી છે.
સાથીદારો, સ્થાનિક પડકારોનો મુકાબલો કરતાં અહીંનાં વિકાસ માટે પ્રયાસરત અહીંનાં લોકોની સુરક્ષામાં પોતાનાં રાતદિવસ એક કરનાર સુરક્ષા દળોનાં અનેક જવાનોએ પોતાનાં જીવની પણ પરવા કરી નથી. આ જવાનો માર્ગો બનાવવામાં, મોબાઇલ ટાવર લગાવવામાં, ગામડાઓમાં હોસ્પિટલો બનાવવામાં, શાળાઓ બનાવવામાં, છત્તીસગઢની માળખાગત સુવિધાઓને મજબૂત કરવામાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. છત્તીસગઢનાં વિકાસમાં સંકળાયેલા આવા અનેક સુરક્ષા કર્મચારીઓને પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. નક્સલી માઓવાદી હુમલાઓમાં શહીદ થયેલા એ વીર જવાનો માટે સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું આ શહીદોને નમન કરું છું, તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.
સાથીદારો,
આજે 14 એપ્રિલ છે. દેશનાં સવા સો કરોડ લોકો માટે આજનો દિવસ અતિ મહત્ત્વપૂર્ણ પણ છે. આજે ભારતરત્ન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. આજનાં દિવસે તમારા બધાની વચ્ચે આવીને આશીર્વાદ લેવાની તક મળી છે, મારા માટે આ બહુ મોટી વાત છે, મારું સૌભાગ્ય છે. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર તમે બંને હાથ ઉપર કરીને મારી સાથે બોલો –
જય ભીમ – જય ભીમ
જય ભીમ – જય ભીમ
જય ભીમ – જય ભીમ
તમારા બસ્તર અને બીજાપુરનાં આકાશમાં બાબાસાહેબનાં નામનો પડઘો પડી રહ્યો છે, જે તમને બધાને ધન્ય કરી રહ્યો છે. બાબાસાહેબનાં નામનાં પડઘામાં આશા અને આકાંક્ષા જોડાયેલી છે, જેને પણ હું પ્રણામ કરું છું.
સાથીદારો, અમારી સરકારે છત્તીસગઢની ધરતી પરથી શ્યામાપ્રસાદ મુખર્જી અર્બન મિશનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો શુભારંભ પણ આ જ છત્તીસગઢની તમારી ધરતી પરથી થયો હતો. આ યોજનાઓ રાષ્ટ્રીય સ્તરે દેશની પ્રગતિને વેગ આપવાનું કામ કરી રહી છે, દેશને વિકાસનાં માર્ગે અગ્રેસર કરી રહી છે.
આજે જ્યારે હું ફરી એક વાર છત્તીસગઢ આવ્યો છું, ત્યારે ‘આયુષ્માન ભારત યોજના’નાં પ્રથમ તબક્કો અને ‘ગ્રામ સ્વરાજ અભિયાન’ની શરૂઆત કરવા માટે આવ્યો છું. કેન્દ્ર સરકારે છેલ્લાં ચાર વર્ષમાં જે યોજનાઓ ગરીબો, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો, પછાત વર્ગો, મહિલાઓ અને આદિવાસીઓને તાકાત આપવા માટે બનાવી છે, આ યોજનાઓનો લાભ આ તબક્કાઓ સુધી પહોંચે એવું આ અભિયાનથી સુનિશ્ચિત કરવામાં આવે છે, ગ્રામ સ્વરાજ અભિયાન આખા દેશમાં આજથી 5 મે સુધી ચલાવવામાં આવશે.
મને ખાતરી છે કે બાબાસાહેબની જન્મજયંતિ પર આજે અહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓની શરૂઆત થઈ છે, તે પણ વિકાસનાં જીવનધોરણને બદલવા એક નવો વિક્રમ બનાવવામાં સફળ રહેશે.
ભાઈઓ અને બહેનો,
બાબાસાહેબ વિદ્વાન હતાં, ભણેલાગણેલા હતાં. તેમણે દેશવિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. જો તેઓ ઇચ્છતાં હોત, તો દુનિયાનાં સમૃદ્ધ દેશોમાં એશ-આરામની જિંદગી, સુખચેનથી જીવી શક્યાં હોત, પણ તેમણે એવું ન કર્યું. તેઓ વિદેશમાં શિક્ષણ મેળવીને પોતાનાં દેશમાં પરત ફર્યા અને પોતાનું જીવન સમાજનાં પછાત વર્ગો, વંચિત સમુદાયો, દલિતો અને આદિવાસીઓ માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ દલિતોને પોતાનો અધિકાર અપાવવા ઇચ્છતાં હતાં. જેઓ સદીઓથી વંચિત હતાં, તેમને સન્માનજનક નાગરિકની જેમ જીવવાની તક અપાવવાનો નિર્ધાર કર્યો હતો. વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા અને જેમને પાછળ રાખવામાં આવ્યાં હતાં, એ સમુદાયમાં આજે જે ચેતના જોવા મળે છે, વિકાસની જે ભૂખ જોવા મળે છે, અધિકારો મેળવવાની આકાંક્ષા પેદા થઈ છે – આ તમામ બાબાસાહેબ આંબેડકરનાં પુરૂષાર્થનું પરિણામ છે.
પ્રિય ભાઈઓ અને બહેનો,
એક ગરીબ માતાનો દિકરો, અતિ પછાત સમાજમાંથી આવતો આ તમારો સાથીદાર આજે દેશનો પ્રધાનમંત્રી બન્યો છે – એ પણ બાબાસાહેબ આંબેડકરનાં પુરૂષાર્થનું જ પરિણામ છે. સાથીદારો, મારા જેવા લાખો-કરોડો લોકોની આકાંક્ષાઓને, આશાઓને, તેમની ઇચ્છાઓને પાંખો આપવામાં બાબાસાહેબનું યોગદાન બહુ મોટું હતું.
ભાઈઓ અને બહેનો,
આજે અહીં મારી સામે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે, ખેતરોમાં કામ કરનાર ખેતમજૂરો હાજર છે, નોકરિયાત લોકો પણ સારી એવી સંખ્યામાં છે, જુદી જુદી ઓફિસમાં કામ કરનારા લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. કેટલાંક લોકો પોતાની રીતે રોજગારી મેળવતા હશે, બની શકે કે કેટલાંક વિદ્યાર્થીઓ પણ હોય. તમે મારા એક સવાલનો જવાબ આપો – જોરથી નહીં આપો તો ચાલશે – જો કોઈનાં જીવનમાં કશું શ્રેષ્ઠ થવાની ઇચ્છા હોય છે, કંઈ બનવાનો, કશું મેળવવાનો ઉદ્દેશ હોય, તો તે બમણી મહેનત કરે છે કે નહીં? અને જેને કશું કરવું નથી, તે શું કરે છે, સૂતો રહે છે કે નહીં? જેને કોઈ સ્વપ્ન સેવ્યું હોય, એ જ મહેનત કરે છે કે નહીં? તમે તમારી જાતને પૂછો.
ભાઈઓ, બહેનો, ખેડૂતોને ભરોસો છે કે આ વખતે વરસાદ સારો થશે અને ચોમાસું સારું બેસશે, તો તમે જ મને કહો કે ખેડૂત વધારે મહેનત કરશે કે નહીં? વરસાદ આવે છે, વાદળો ઘેરાય છે, તો તેઓ મહેનત કરવાનું શરૂ કરી દે છે કે નહીં? કારણ કે, આ વાદળો સાથે તેમનાં સ્વપ્નો પણ સંકળાયેલા હોય છે.
ભાઈઓ અને બહેનો,
આજે બાબાસાહેબની પ્રેરણાથી હું બીજાપુરનાં લોકોમાં, અહીંનાં વહીવટીતંત્રમાં નવો વિશ્વાસ પેદા કરવા આવ્યો છું, એક નવો વિશ્વાસ જગાવવા આવ્યો છું, એક નવી અભિલાષા જગાવવા આવ્યો છું. હું એ કહેવા આવ્યો છું કે, કેન્દ્ર સરકાર તમારી આશા, આકાંક્ષાઓ, તમારી ઇચ્છાઓ, તમારી અભિલાષાઓ, તમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા તમારી સાથે છે.
મેં બીજાપુર જિલ્લાની જ પસંદગી શા માટે કરી? તેનું પણ એક કારણ છે. મને બરોબર યાદ નથી, પણ તમને એક જૂનો પ્રસંગ જણાવું છું. હું બહુ હોંશિયાર વિદ્યાર્થી નહોતો. હું શાળામાં સરેરાશ વિદ્યાર્થી હતો. પણ કેટલાંક બાળકો મારાથી પણ નબળાં હતાં. જ્યારે શાળાનો સમય પૂર્ણ થઈ જતો હતો, ત્યારે ઘણી વખત અમારા માસ્ટરજી એ બાળકોને રોકતાં હતાં. તેમને અતિ ધૈર્ય સાથે ફરી ભણાવતાં હતાં, એક-એક બાળક પર ધ્યાન આપતાં હતાં. તેમની અંદર વિશ્વાસ પેદા કરતાં હતાં કે, તમે અભ્યાસમાં નબળાં નથી. મેં જોયું હતું કે, જો માસ્ટરજી આ પ્રકારનાં બાળકોનાં ખભા પર હાથ મૂકે, થોડાં પુરસ્કૃત કરે, થોડું પ્રોત્સાહન આપે, થોડી હિંમત આપે, તો થોડાં જ દિવસોમાં બાકી વિદ્યાર્થીઓને સમકક્ષ આ વિદ્યાર્થીઓ થઈ જતાં હતાં. અરે, કેટલાંક તો હોંશિયાર વિદ્યાર્થીઓને પાછળ રાખીને નંબર લઈ આવતાં હતાં.
મારું માનવું છે કે, અહીં પણ પોતાનાં જીવનમાં આવું જોયેલું હોય એવાં ઘણાં લોકો હશે. તમે જુદાં જુદાં ક્ષેત્રોમાં જોયું હશે કે જેઓ નબળાં હોય, જેઓ પાછળ રહી ગયા હોય, તેમને થોડું પણ પ્રોત્સાહન આપવામાં આવે, તો તેઓ બીજા કરતાં આગળ નીકળવાની તાકાત વધારે રાખે છે અને ઝડપથી આગળ પણ નીકળી જાય છે. આજે મારું બીજાપુર આવવાનું અન્ય એક કારણ એ પણ છે કે તેનાં પર પણ નબળાં હોવાનું, પછાત જિલ્લો હોવાનું લેબલ ચીપકાવી દેવામાં આવ્યું છે અને બીજાપુર દેશમાં આ પ્રકારનો એકમાત્ર જિલ્લો નથી. દેશમાં 100થી વધારે જિલ્લાઓની હાલત આવી જ છે. આઝાદી પછી આટલાં વર્ષોમાં પણ આ જિલ્લા પછાત રહ્યાં છે. તેમાં તેમની કોઈ ભૂલ નથી. બાબાસાહેબનાં બંધારણે આટલી તકો આપી, આગળ વધવા માટે પ્રેરણા આપી, તેમ છતાં 100થી વધારે જિલ્લા વિકાસની દોટમાં પાછળ કેમ રહી ગયા?
ભાઈઓ અને બહેનો,
શું આ જિલ્લાઓમાં રહેતી માતાઓને અધિકાર નહોતો કે તેમનાં બાળકો પણ સ્વસ્થ હોય? તેમના પણ લોહીની ઊણપ ન હોય? તેમની પણ ઊંચાઈ બરોબર વધે? શું આ જિલ્લાનાં લોકો પોતાનાં દેશ પાસેથી એ આશા પણ ન રાખી શકે કે તેમને પણ વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે? શું આ ક્ષેત્રનાં બાળકોને, દિકરીઓને અભ્યાસનો, પોતાની કુશળતાનો વિકાસ કરવાનો પણ અધિકાર નથી? શું તેમને આવી આશા નહોતી? હોસ્પિટલ, શાળા, માર્ગો, પીવાનું શુદ્ધ પાણી – આઝાદી પછી પણ દેશમાં ઘણી કામગીરી થઈ છે, છતાં ખામીઓ રહી ગઈ, જેનાં કારણે આ દેશનાં 100થી વધારે જિલ્લા આજે પણ સામાન્ય મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છે અને પછાત જિલ્લાઓ ગણાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ જે પછાત જિલ્લાઓ છે, તેમાં કુદરતી સ્રોતો પ્રચૂર માત્રામાં ઉપલબ્ધ છે. તમારા બીજુપુર જિલ્લા પાસે શું નથી? બધું છે.
ભાઈઓ અને બહેનો,
હું આજે બીજાપુર એટલે આવ્યો છું, જેથી તમને જણાવી શકું, તમારી અંદર વિશ્વાસ પેદા કરી શકું કે તમે જેઓ પાછળ રહી ગયાં હતાં, જેનાં નામની સાથે પછાત જિલ્લા હોવાનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, તેમાં હવે નવી રીતે, નવા વિચારની સાથે, મોટા પાયાં પર કામ થઈ રહ્યું છે. હું બીજાપુરને વધુ એક વાર અભિનંદન આપવા ઇચ્છું છું કે, મેં જાન્યુઆરીમાં આ સો-સવાસો જિલ્લાઓનાં લોકોને બોલાવ્યાં હતાં અને તેમને મેં કહ્યું હતું કે, આજે જ્યાં છે, જો તેઓ ત્રણ મહિનામાં ઝડપથી પ્રગતિ કરશે, તો હું 14 એપ્રિલનાં રોજ એ જિલ્લામાં આવીશ. હું બીજાપુર જિલ્લાની જિલ્લાધિકારીઓની સંપૂર્ણ ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું, જેમણે ત્રણ મહિનામાં આ 100થી વધારે પછાત જિલ્લાઓમાં સુધારો કરવામાં બીજાપુરને નંબર વન જિલ્લો બનાવી દીધો છે અને એક રીતે તેમણે જે કરી દેખાડ્યું છે એને હું સલામ કરવા આવ્યો છું, તેને હું નમન કરવા આવ્યો છું. હું અહીં થયેલી કામગીરીની એક નવી પ્રેરણા લેવા આવ્યો છું, જેથી દેશનાં આ 115 જિલ્લાઓને ખબર પડે કે જો બીજાપુર 100 દિવસમાં આટલી પ્રગતિ કરી શકે, તો 115 જીલ્લા પણ આગામી મહિનાઓમાં બહુ ઝડપથી પ્રગતિ કરી શકે છે.
હું આ 115 આકાંક્ષી જિલ્લાને ફક્ત અભિલાષી નહીં, ફક્ત આકાંક્ષી નહીં, મહત્ત્વાકાંક્ષી જિલ્લા કહેવા ઇચ્છું છું. હવે આ જિલ્લા આશ્રિત નહીં રહે, પછાત નહીં રહે. આ પરિણામ, પરાક્રમ અને પરિવર્તનનાં નવા મોડલ બનીને બહાર આવશે – આ વિશ્વાસ સાથે આપણે આગળ વધી રહ્યાં છીએ.
ભાઈઓ અને બહેનો,
તમે વિચારી રહ્યાં હશો કે હું આ વાત આટલા દાવા સાથે કેવી રીતે કરી શકું છું? અહીં આવતા પહેલા અમારી સરકારે બીજાપુર સહિત 100થી વધારે જિલ્લાઓનો અભ્યાસ કરાવ્યો છે અને કેટલાંક કાર્યોને શરૂ કરીને તેનાં પરિણામોને જાણ્યાં છે. અમારો ત્રણ મહિનાનો અનુભવ કહે છે કે, જો જિલ્લાનાં તમામ લોકો, જિલ્લાનું વહીવટીતંત્ર, જિલ્લાનાં જનપ્રતિનિધિ, દરેક શેરી-મોહલ્લા-ગામ – આ અભિયાનમાં જોડાઈ જાય, એક જન આંદોલનની જેમ તેમાં યોગદાન આપે, તો આઝાદી પછી છેલ્લાં 70 વર્ષમાં જે કામ થયું નથી, તે અત્યારે થઈ શકે છે.
સાથીદારો, જૂનાં માર્ગો પર ચાલીને તમે ક્યારેય નવી મંઝિલો સુધી પહોંચી ન શકો. જૂનાં રીતિરિવાજોથી દુનિયા બદલી ન શકાય. સ્થિતીસંજોગો અને સમયને અનુરૂપ રીતિરિવાજો પણ બદલવા પડે છે. જો નવા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા હોય, તો નવી પદ્ધતિથી કામ કરવું જ પડે છે. બીજાપુર સહિત જે દેશનાં 115 પછાત જિલ્લા છે, તેનાં માટે પણ અમારી સરકાર નવો અભિગમ અપનાવીને કામ કરી રહી છે. આ અભિગમ શું છે, તેને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. અહીં બહુ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બેઠાં છે, તેમને અતિ સરળતાપૂર્વક આ વાત સમજાઈ જશે. આપણાં ખેડૂત ભાઈ અનાજની ખેતી કરે છે, મકાઈની ખેતી કરે છે, દાળ પેદા કરે છે. હું આ ખેડૂત ભાઈઓને પૂછવા ઇચ્છું છું કે – શું તમે તમામ પાકોમાં એક સમાન પાણી આપે છો? શું અનાજ માટે જેટલું પાણી આપો છો, તેટલું જ પાણી મકાઈનાં પાકને આપો છો? એટલું જ પાણી શાકભાજીને પીવડાવો છો? એટલું જ પાણી ચોખા માટે જરૂર પડે? ચોક્કસ, તમે કહેશો કે ભાઈ, દરેક પાક માટે જુદાં-જુદાં પ્રમાણમાં પાણીની જરૂર પડશે. ચોખા માટે વધારે પાણીની જરૂર પડે છે, આ પાક માટે આટલા પાણીની જરૂર પડે. જુદાં-જુદાં પાક માટે તમે અલગ-અલગ રીતે કામ કરો છો કે નહીં? સામાન્ય ખેડૂત પણ આવું જ કરે છે. આ જ રીતે જ્યારે જુદી-જુદી જરૂરિયાતો હોય, તો તેમની સમસ્યાઓ પણ હોય છે, તેમની નબળાઈઓ પણ છે, તેમનાં પડકારો પણ જુદાં-જુદાં હશે. તેને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લાને પોતાનાં હિસાબે વ્યૂહરચના બનાવવી પડશે, વિકાસની પોતાની યોજના તૈયાર કરવી પડશે. સ્થાનિક સંસાધનોને આધારે લાંબા ગાળાની યોજના બનાવવી પડે છે.
તમારી સાથે વાત કરીને અહીનું વહીવટીતંત્ર તમારી એક-એક જરૂરિયાતો વિશે, તેમને પૂર્ણ કરવા, આ વિશે યોજના બનાવશે. બહુ નાનાં-નાનાં પગલાં તમને વિકાસની મોટી દોડમાં ટોચ પર લઈ જશે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્યની ટીમ ગામ, તાલુકાનાં લોકો ખભેખભો મિલાવીને કામ કરશે.
સાથીદારો,
આજે અહીં આ મંચથી દેશમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત કરનારી, દેશમાં સામાજિક અસંતુલન દૂર કરનારી એક બહુ મોટી યોજનાનો શુભારંભ થયો છે. ‘આયુષ્માન ભારત’ નામની આ યોજનાનાં પ્રથમ ચરણનો આજે 14 એપ્રિલનાં રોજ આંબેડકરજીની જન્મજયંતિએ આ ધરતી પરથી, છત્તીસગઢની ધરતી પરથી, બીજાપુર જિલ્લાની ધરતી પરથી શુભારંભ થઈ રહ્યો છે. તેનાં પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે અને પ્રથમ તબક્કામાં દેશનાં પ્રાથમિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિષયોમાં મોટું પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અંતર્ગત દેશની દર મોટી પંચાયતમાં એટલે કે લગભગ દોઢ લાખ જગ્યા પર, હિંદુસ્તાનનાં દોઢ લાખ ગામડાઓમાં પેટાકેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્વરૂપે વિકસિત કરવામાં આવશે અને હું તો નવયુવાનોને કહું છું કે, mygov.in પર જઈને આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, તેના માટે આપણી સામાન્ય ભાષામાં શું શબ્દપ્રયોગ કરવો જોઈએ એ માટે મને સૂચન કરો, હું જરૂર તેનો અભ્યાસ કરીશ. અત્યારે તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શબ્દ લોકપ્રિય થયો છે, પણ આગળ જઈને ગામડાનાં ગરીબ અને અભણ વ્યક્તિ પણ બોલી શકે, ઓળખી શકે એવો શબ્દ આ યોજનાને હું આપવા ઇચ્છું છું, પણ તમારા સૂચનોની મદદથી આપવું છે. ગામનાં લોકોનાં સૂચનથી આપવા ઇચ્છું છું.
સરકાર આ લક્ષ્યાંકને, આ કામને વર્ષ 2022 સુધી પૂર્ણ કરશે. તમે કલ્પના કરી શકો છો કે, કેટલું મોટું કામ માથે લીધું છે. એટલે જ્યારે દેશ આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરતો હશે, ત્યાં સુધીમાં દેશભરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની એક જાળ પથરાઈ ગઈ હશે. તેમાં પણ આ 115 જિલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જે અત્યારે વિકાસની દોટમાં અન્ય જિલ્લાઓથી થોડાં પાછળ છે.
ભાઈઓ અને બહેનો,
આ વેલનેસ સેન્ટર્સની શું જરૂર છે? તેને હું વિસ્તારપૂર્વક તમને સમજાવું. જ્યારે આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરીએ છીએ, ત્યારે અમારો પ્રયાસ ફક્ત બિમારીની સારવાર કરવાનો નથી, પણ બિમારીને અટકાવવાનો પણ અમારો સંકલ્પ છે. આપણાં દેશમાં બ્લડપ્રેશર હોય, ડાયાબીટિઝ હોય, તમને દર્દીઓ મોટી સંખ્યામાં મળી જાય છે. હૃદયરોગની બિમારી સાથે જોડાયેલી સમસ્યા, મધુપ્રમેહ, ડાયાબીટિઝ, શ્વાસ લેવામાં મુશ્કેલી, કેન્સર – આ એવી બિમારીઓ છે, જેનાં પરિણામે 60 ટકા લોકોનાં દુઃખદ મૃત્યુ થાય છે. પણ આ એવી બિમારીઓ છે, જેને સમયસર પકડવામાં આવે તો પણ તેને વધતી રોકી શકાય છે.
હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તેનાં માધ્યમથી તમામ પ્રકારની તપાસ પણ મફત કરવાનો ભરચક પ્રયાસ કરવામાં આવશે.
સાથીદારો,
ઉચિત સમયે થતી તપાસ કેટલી લાભદાયક હોય છે, તેનું પણ ઉદાહરણ હું તમને આપીશ. ધારો કે, 35 વર્ષનો કોઈ યુવાન તપાસ કરાવે અને તેને બ્લડ પ્રેશરની સમસ્યાની જાણકારી મળે તો ભવિષ્યમાં થનારી ઘણી ગંભીર બિમારીઓથી તે બચી શકે છે. જો અગાઉથી તપાસ કરાવીને, યોગ્ય સમયે દવાઓ લઈને, યોગ, કસરત કે પછી જરૂરી પરેજી પાળવામાં આવે, તો મોટા ખર્ચ અને જોખમ બંનેથી બચી શકાય છે.
જ્યારે હું આજે વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કરી રહ્યો હતો, ત્યારે 30થી 35 વર્ષની એક બહેન મને ત્યાં મળી, તેને ખબર જ નહોતી કે તેને ડાયાબીટિસ છે. ડૉક્ટરને આવીને કહ્યું કે, મને પાણી પીવાની તરસ બહુ લાગે છે, મને ચક્કર આવે છે, મને થાક લાગે છે. જ્યારે ડૉક્ટરે તપાસ કરી તો જાણ થઈ કે તેને ડાયાબીટિસ બહુ જ ખરાબ સ્થિતીમાં છે. બહેન 30થી 32 વર્ષનાં હતાં, જેમને ખબર જ નહોતી કે તેમને બિમારી શું છે! પણ આજે વેલનેસ સેન્ટરમાં આવી તો જાણ થઈ અને હવે તેને શું ખાવું-પીવું, કેવી રીતે જમવું અને કેવી રીતે રહેવું તેનો ખ્યાલ આવ્યો. તે ડાયાબીટિસને નિયંત્રણમાં રાખીને બાકી બિમારીઓથી પોતાને બચાવી શકશે. સારવાર કરતાં જાણકારીને વધારે મહત્ત્વપૂર્ણ ગણાવવાનાં આ વિચારને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ ગામડે-ગામડે પહોંચાડશે.
આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એક રીતે ગરીબોનાં ફેમિલી ડૉક્ટરની જેમ કામ કરશે. જૂનાં જમાનામાં મધ્યમ વર્ગ અને મોટાં પરિવારોમાં ફેમિલી ડૉક્ટર હતાં. હવે આ વેલનેસ સેન્ટર ફેમિલી ડૉક્ટર બની જશે. તે તમારી રોજિંદા જીવન સાથે જોડાઈ જશે.
સાથીદારો,
આયુષ્માન ભારતનો વિચાર ફક્ત સેવા સુધી મર્યાદિત નથી, પણ આ જનભાગીદારીની એક અપીલ પણ છે, જેથી આપણે સ્વસ્થ, સમર્થ અને સંતુષ્ય ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરી શકીએ. આજે તો આયુષ્માન ભારત યોજનાનાં પ્રથમ ચરણની શરૂઆત થઈ છે. હવે આગામી લક્ષ્યાંક લગભગ 50 કરોડ ગરીબ લોકોને ગંભીર બિમારી દરમિયાન પાંચ લાખ રૂપિયા સુધીની, એક વર્ષમાં પાંચ લાખ સુધીની આર્થિક સુરક્ષા આપવાનો છે. તેનાં પર બહુ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે પ્રેરણા સાથે સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પરિવર્તનનો પવન ફૂંકાય છે. આજે અહીં મંચ પર આપણે અભિલાષી બીજાપુરની સાથે જ અભિલાષી છત્તીસગઢની પણ વાત કરી છે. અટલજીએ પ્રશસ્ત કરેલા માર્ગો પર ચાલીને છેલ્લાં 14 વર્ષમાં રાજ્યનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન રમણ સિંહજી વિકાસ સાથે સંબંધિત વિવિધ યોજનાઓને સંપૂર્ણ પરિશ્રમ સાથે, તમારા લોકોનાં સાથ અને સહકાર સાથે, તમારા લોકોનાં કલ્યાણ માટે આગળ વધારી રહ્યાં છે. ચાર વર્ષ અગાઉ કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યાં પછી તેમનાં આ પ્રયાસોને, છત્તીસગઢનાં વિકાસ સંકલ્પને વધારે તાકાત મળી છે. અહીં શાસન-વહીવટ, જનતાની નજીક પહોંચ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ઝડપથી વિકાસ કરવા અને અનેક જનહિતકારક યોજનાઓને સફળતાપૂર્વક લાગુ કરવા છત્તીસગઢ સરકારે નવો વિક્રમ સ્થાપ્યો છે. બસ્તર અને સરગુજામાં યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, એન્જિનીયરિંગ કોલેજ, સહીધર જિલ્લામાં સ્કૂલ, કોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટની શાનદાર સંસ્થાઓ સંચાલિત કરવી – આ વિસ્તારોમાં નવી ક્રાંતિનાં માધ્યમ સમાન છે.
મને અહીં એક દિકરી મળી છે, જેનું નામ લક્ષ્મી છે. તેણે ડ્રોન બનાવ્યું છે. કોઈ કલ્પના કરી શકે છે કે છત્તીસગઢ-રિવાનાં આદિવાસી વિસ્તારમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી લક્ષ્મી નામની એક કિશોરી ડ્રોન બનાવશે. તેણે મને જણાવ્યું કે, તે આ ડ્રોનને 50 મીટર સુધી ઉડાવે છે અને આગળ-પાછળ પણ તેને લઈ જાય છે. મને આનંદ થયો.
તમે સાંભળ્યું હશે, તમે જાણતા હશો કે નગરનારનાં સ્ટીલ પ્લાન્ટનું કામ પૂર્ણ થવાની નજીક છે અને સ્ટીલ પ્લાન્ટનું કામ પૂરું થયા પછી ઝડપથી તે કાર્યરત પણ થઈ જશે. જ્યારે અત્યારે બસ્તારનાં યુવાનોને એન્જિનીયરિંગ, મેડિકલ કોલેજોની સાથે યુપીએસસી અને પીએસસીમાં સફળતા મેળવતા જોઉં છું, ત્યારે મારો વિશ્વાસ વધારે બુલંદ થયો છે કે તમારું રાજ્ય સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. જ્યારથી છત્તીસગઢમાં ભાજપની સરકાર બની છે, ત્યારથી સ્વાસ્થ્ય સેવામાં પણ ક્રાંતિકારી પરિવર્તન થયું છે. એક સમયે રાજ્યમાં બે મેડિકલ કોલેજ હતી. આજે મને જણાવવામાં આવ્યું કે, અત્યારે રાજ્યમાં દસ મેડિકલ કોલેજ છે. તેનાથી મેડિકલ બેઠકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. મને એ જોઈને આનંદ થાય છે કે બીજાપુર અને આસપાસનાં વિસ્તારોમાં હવે સ્વાસ્થ્ય સુવિધાઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. જિલ્લાની હોસ્પટિલોથી લઈને હાટ-બજારો સુધી હવે મોટાં મોટાં નિષ્ણાત પોતાની સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. હું તેમનાં સેવાભાવની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. મને અહીં ઘણાં ડૉક્ટર મળ્યાં છે, કોઈ તમિલનાડુથી આવ્યાં છે, કોઈ ઉત્તરપ્રદેશથી આવ્યાં છે અને પોતાનો સંપૂર્ણ સમય આ જંગલોમાં સેવામાં પસાર કરે છે. જે દેશ પાસે આવા નવયુવાન ડૉક્ટરોની ફોજ હોય, ત્યાં મારો ગરીબ હવે બિમારીની પીડા ભોગવવા માટે મજબૂર નહીં હોય – હવે મારો વિશ્વાસ મજબૂત થયો છે.
થોડાં સમય અગાઉ મને અહીંની જિલ્લા હોસ્પિટલમાં ડાયાલીસિસ એકમનો શુભારંભ કરવાની તક મળી છે. હું એ જણાવવા ઇચ્છું છું કે પ્રધાનમંત્રી ડાયાલીસિસ યોજના અંતર્ગત હવે દેશની 500થી વધારે હોસ્પિટલોમાં મફત ડાયાલીસિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેનો લાભ લગભગ અઢી લાખ દર્દીઓ મેળવી રહ્યાં છે, જેમને લગભગ 25 લાખ ડાયાલીસિસનાં સેશન કર્યા છે. છત્તીસગઢનાં નકશામાં સૌથી નીચે દેખાતાં સુકમા, દંતેવાડા અને બીજાપુર જિલ્લાઓમાં થયેલા વિકાસલક્ષી કાર્યો પ્રશંસાને પાત્ર છે, હું અહીંની રાજ્ય સરકારને અભિનંદન આપું છું.
છત્તીસગઢને વિકાસનાં માર્ગે ઝડપથી અગ્રેસર કરવા માટે કેન્દ્ર સરકારે બેવડી વ્યૂહરચના અપનાવી છે. પ્રથમ પ્રયાસ આ ક્ષેત્રમાં મહત્તમ વિકાસનો છે અને બીજો પ્રયાસ જે નવયુવાનો ભટકી ગયા છે, તેમને શક્ય તમામ રીતે વિકાસનાં મુખ્ય પ્રવાહમાં પાછાં લાવવાનો છે. છેલ્લાં ચાર વર્ષોમાં છત્તીસગઢ અને ખાસ કરીને બસ્તરમાં વિકાસની અભૂતપૂર્વ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
બસ્તરનાં નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ચારસો કિલોમીટરથી વધારે લાંબાં માર્ગોની જાળ પાથરવામાં આવી છે. જે ગામડાઓ સુધી અગાઉ જીપ પહોંચી શકતી નહોતી, તેઓ હવે નિયમિત દોડતી બસો સાથે જોડાઈ ગયા છે.
સૌભાગ્ય યોજના અંતર્ગત બસ્તરનાં દરેક ઘરમાં વીજળીનું જોડાણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ઘરોમાં પહોંચેલી રોશની ખેડૂત, વિદ્યાર્થી, દુકાનદાર, નાનાં ઉદ્યોગસાહસિકો, દરેકનાં જીવનમાં પ્રકાશ ફેલાવશે. બસ્તરમાં હજારોની સંખ્યામાં સોલર પંપનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ સોલર પમ્પ ખેડૂતો માટે મદદરૂપ થઈ રહ્યાં છે. અત્યારે આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં સ્કૂલ, હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્ર, સરકારી અનાજની દુકાનો, બેંકોની શાખાઓ, એટીએમમાંથી સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મોબાઇલ ટાવર લગાવવામાં આવે છે. બસ્તર હવે રેલવેનાં માધ્યમથી રાયપુર સાથે જોડાઈ રહ્યું છે.
અત્યારે એક રેલવે સેક્શનનું કામ શરૂ થઈ ગયું છે. બે વર્ષની અંદર આ જગદલપુર સુધી પહોંચી જશે. આ વર્ષનાં અંત સુધીમાં જગદલપુરમાં એક નવો સ્ટીલ પ્લાન્ટ પણ કામ કરવા લાગશે. તેનાથી બસ્તરનાં પણ યુવાનોને મોટી સંખ્યામાં રોજગારની નવી તકો ઊભી થશે.
જગદલપુરમાં નવું એરપોર્ટ પણ તૈયાર થઈ રહ્યું છે અને આ આગામી થોડાં મહિનાઓમાં કામ પણ શરૂ કરી દેશે. વિમાનથી કનેક્ટિવિટી આ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જશે.
સાથીદારો,
બસ્તરમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. ગત દાયકાઓમાં બસ્તરની ઓળખ જે પ્રકારની બની ગઈ હતી, તેમાં પરિવર્તન થઈ રહ્યું છે. ભવિષ્યમાં નવી ઓળખ એક આર્થિક કેન્દ્ર સ્વરૂપે સ્થાપિત થશે, પર્યટનનાં એક મોટા કેન્દ્ર તરીકે બહાર આવશે. પરિવહનનાં એક મોટાં કેન્દ્ર સ્વરૂપે થવાની છે. અહીં રાયપુરથી નહીં, હૈદરાબાદ, નાગપુર અને વિશાખાપટ્ટનમ સુધી જોડાણ થઈ જશે.
ન્યૂ ઇન્ડિયા સાથે-સાથે ન્યૂ બસ્તરનું સ્વપ્ન સાકાર થવાની સાથે અહીંનાં લાખો લોકોનું જીવન સરળ બની જશે. તેમનાં જીવનમાં દાયકાઓથી અંધકાર ફેલાયેલો હતો, એ અંધકારમાંથી તેમને બહાર કાઢવા પડશે. નવું બસ્તર, નવી આશા સાથેનું બસ્તર હશે, નવી આકાંક્ષાઓનું બસ્તર હશે, નવી અભિલાષા સાથેનું બસ્તર હશે. હવે કહી શકાય છે કે સૂર્ય ભલે પૂર્વમાં ઊગે, પણ જ્યારે છત્તીસગઢનાં વિકાસનો સૂરજ દક્ષિણમાંથી ઉગશે, બસ્તરમાંથી ઉગશે એવું કહી શકાય એવા દિવસો દૂર નથી. આ વિસ્તારોમાં અંધકાર દૂર થશે, પ્રકાશ ફેલાશે અને આખો પ્રદેશ રોશન થઈ જશે. અહીં પ્રગતિ થશે તો આખો પ્રદેશ વિકાસનાં માર્ગે અગ્રેસર થશે.
ભાઈઓ અને બહેનો, સરકારી યોજનાઓ અને સેવાઓ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની જરૂર છે – આ હંમેશાથી એક બહુ મોટો પડકાર રહ્યો છે. પ્રાદેશિક અસંતુલનની પાછળ જે મોટું કારણ છે, તેમાંથી આ પણ એક કારણ છે. મને આનંદ છે કે રમણ સિંહજીની સરકાર આ બાબતે સંવેદનશીલ છે, સારી પહેલ કરી રહી છે.
થોડાં સમય અગાઉ મને જાંગલા વિકાસ કેન્દ્રની મુલાકાત લેવાની તક મળી. આ કેન્દ્રની સ્થાપના પાછળની ભાવના એ છે કે આ ક્ષેત્રનાં લોકો માટે એક જ જગ્યાએ સારી સરકારી સેવાઓ મળે, જેથી અહીં-ત્યાં ભાગદોડ કરવામાં જનતાનો સમય અને ઊર્જા નષ્ટ ન થાય. પછી ગ્રામ પંચાયતનો કાર્યકાળ હોય, સરકારી રાશનની દુકાન હોય, પટવારી હોય, હોસ્પિટલ હોય, શાળા હોય – આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ આપવી બહુ મોટી સેવા હશે.
મને જણાવવામાં આવ્યું છે કે, આખા પ્રદેશમાં આવા 14 કેન્દ્રો બનાવવાની યોજના સરકારની છે. આ વિકાસ કેન્દ્ર દેશનાં અન્ય રાજ્ય માટે પણ એક આદર્શ કેન્દ્રની જેમ કામ કરી શકે છે.
સાથીદારો,
દેશમાં પ્રાદેશિક અસંતુલનનો અંત લાવવા માટેનો એક રસ્તો જોડાણ વધારવાનો છે. એટલે હાઇવે હોય, રેલવે હોય, એરવે હોય, કે પછી આઇવે હોય – ઇન્ફોર્મેશન વે, જોડાણ (કનેક્ટિવિટી) પર ભાર મૂકવામાં આવે છે. જે ગાળામાં ફોન અને ઇન્ટરનેટ સૌથી મોટી જરૂરિયાત બની રહ્યાં છે, ત્યારે કોઈ વિસ્તારમાં સંચારની સારી વ્યવસ્થા ન હોય, તો તેની પ્રગતિમાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. આ જ કારણે બસ્તરને જોડવા માટે બસ્તર નેટ પરિયોજનાનાં પ્રથમ તબ્બકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાનાં માધ્યમથી 6 જિલ્લાઓમાં લગભગ 400 કિલોમીટર લાંબું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પાથરવામાં આવ્યું છે.
મને અત્યારે જાંગલાનું ગ્રામીણ બીપીઓ પણ દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે તેનો ઉપયોગ કરીને લોકોની આવકને વધારશે, તેમનાં જીવનને પણ સરળ બનાવવાનું કામ થશે. છત્તીસગઢમાં ભારત નેટ પરિયોજના પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે, દસ હજારમાં ચાર હજાર ગ્રામ પંચાયતો ભારત નેટ સાથે જોડાઈ ગઈ છે અને બાકીનું કામ આગામી વર્ષ સુધી પૂર્ણ કરવાની તૈયારી છે.
સાથીદારો,
કનેક્ટિવિટીનું અન્ય એક માધ્યમ છે – રેલવે. આજે દલ્લીરાજહરા ભાનુપ્રતાપ ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી છે. તમને એ જાણીને આનંદ થશે કે ડ્રાઇવરથી લઈને ગાર્ડ સુધી – આ જે ટ્રેનને અમે લીલી ઝંડી દેખાડી, તેનું સંપૂર્ણ સંચાલન, ડ્રાઇવર પણ, ગાર્ડ પણ, તમામ મહિલાઓ કરતી હતી. આ દેશવાસીઓ માટે ખુશખબર છે કે છત્તીસગઢનાં આદિવાસી જંગલોમાં આપણી દિકરીઓ ટ્રેન ચલાવી રહી છે. દલ્લીરાજહરાથી રાવગઢ અને રાવગઢથી જગદલપુર રેલવે લાઇન – લગભગ 23 વર્ષ અગાઉ તેની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ લાંબા સમય સુધી કોઈ કામગીરી શરૂ થઈ શકી નહોતી. એક યા બીજી રીતે દલ્લીરાજહરાથી રાવગઢ વચ્ચે કામ શરૂ તો થયું હતું, પણ તેમાં પ્રગતિ નગણ્ય હતી.
અમે આ યોજનાની ચિંતા કરી, જેનાં કારણે બસ્તરનાં ઉત્તર વિસ્તારમાં નવી રેલવે લાઇન પહોંચી ગઈ છે.
અત્યારે લગભગ 1700 કરોડનાં માર્ગોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે, 1700 કરોડ રૂપિયા. આ માર્ગો બીજાપુર ઉપરાંત કાંકેર, કોંડાગાંવ, સુકમા, દંતેવાડા, બસ્તર, નારાયણપુર અને રાજનાંદ ગામમાં રોડનું આધુનિક નેટવર્ક તૈયાર કરશે. પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજના અંતર્ગત પણ 2700 કિલોમીટરથી વધારે માર્ગોનું નિર્માણ કરવામાં આવશે. બસ્તર અને સરગુઝા જેવા વિશાળ આદિવાસી વિસ્તારોને વિમાન સુવિધા સાથે જોડવા માટે હવાઇ મથકનો પણ વિકાસ થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ વિસ્તારોને પણ ઉડાન યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
બીજાપુરમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે પેયજલ યોજનાઓનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઇન્દ્રાવતી અને મિઘાલચલ નદીઓ પર બે પુલોનાં નિર્માણનું કાર્ય પણ આજે શરૂ થયું છે.
ભાઈઓ અને બહેનો,
આ સરકાર ગરીબો, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો, આદિવાસીઓની સરકાર છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ગરીબ અને આદિવાસીઓનાં કલ્યાણ માટે લેવામાં આવેલા નિર્ણયો આ વાતનાં પુરાવા છે. આ કડીમાં આજે વન ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત વન ધન વિકાસ કેન્દ્ર ખોલવામાં આવી રહ્યાં છે. સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, જંગલનાં ઉત્પાદનોનો, ત્યાંનાં ઉત્પાદનોની યોગ્ય કિંમત બજારમાં આવતાં જ મળવી જોઈએ. આ કેન્દ્રોનાં માધ્યમથી વનથી પ્રાપ્ત ઉપજનો પ્રચાર કરવામાં આવશે, તેમાં મૂલ્ય સંવર્ધન કરવામાં આવશે અને પછી તેનાં માટે બજાર ઊભું કરવામાં આવશે.
સાથીદારો,
મૂલ્ય સંવર્ધન કેટલું લાભદાયક હોય છે એ મેં આજે અહીં જોયું. અત્યારે કાચી આંબલી કિલોગ્રામ દીઠ રૂ. 17 થી 18નાં ભાવે વેચાય છે. પણ જ્યારે તમે તેમાંથી બીજ કાઢો છો અને તેનું સારી રીતે પેકિંગ કરીને વેચો છો તો આ જ આંબલી, કિલોગ્રામ દીઠ રૂ. 50 થી રૂ. 60નાં ભાવે વેચાશે એટલે તમને કિલોગ્રામ દીઠ ત્રણ ગણી કિંમત મળે છે.
ભાઈઓ અને બહેનો,
આજે અમે અહીં વન-ધન યોજનાની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના, વન-ધન યોજના અને ત્રીજી તમે સાંભળી હશે, અમે બજેટમાં જાહેરાત કરી છે એ ગોવર્ધન યોજના. જો ગામમાં ગરીબથી ગરીબને વન-ધન, જન-ધન અને ગોવર્ધન – આ ત્રણ યોજનાનો લાભ મળે તો ગામનું અર્થતંત્ર જ બદલાઈ જશે – આ તમને હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું.
આદિવાસીઓનાં હિતોને ધ્યાનમાં રાખીને વન-અધિકાર કાયદાને વધુ કડકપણે લાગુ કરવામાં આવે છે. તાજેતરમાં આ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, એ છે વાંસ સાથે જોડાયેલા જૂનાં કાયદામાં પરિવર્તન. સાથીદારો, વર્ષો જૂનો આ કાયદો હતો, જે અંતર્ગત વાંસને વૃક્ષની કેટેગરીમાં રાખવામાં આવ્યું હતું. વૃક્ષની કેટેગરીમાં રાખવાથી વાંસને કાપવું, વાંસને બીજે ક્યાંક લઈ જવામાં અવરોધો પેદાં થતાં હતાં, સમસ્યાઓ પેદા થતી હતી.
પણ હવે કેન્દ્ર સરકારે વન કાયદામાં પરિવર્તન કરીને વાંસ, જેને હવે વૃક્ષની યાદીમાં રાખવામાં આવ્યું હતું, તેને અમે દૂર કરી દીધું છે અને હવે તમે વાંસનો વેપાર કરી શકો છો, વાંસની ખેતી કરી શકો છો, વાંસનું વેચાણ કરી શકો છો.
ભાઈઓ અને બહેનો,
આ જળ, જમીન અને જંગલ તમારા છે. તેનાં પર તમારો અધિકાર છે. આ જ ભાવનાને સરકારે સમજી છે અને 60 વર્ષ સુધી ચાલી આવેલી વ્યવસ્થામાં પણ ફેરફારો કર્યા છે. સરકાર દ્વારા ખાણકામ સાથે સંબંધિત જૂનાં કાયદામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અમે નિયમ બનાવ્યો છે કે, હવે જે ખનીજ નીકળે, તેનો એક હિસ્સો સ્થાનિક રહેવાસીઓ પર ખર્ચ કરવો જરૂરી રહેશે. આ માટે ખનિજ ધરાવતાં દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે.
કાયદામાં પરિવર્તન થયા પછી છત્તીસગઢને લગભગ 3000 કરોડ રૂપિયાની વધારાની રકમ આ નવી વ્યવસ્થાને કારણે મળી છે. સરકારે એવો નિયમ પણ બનાવ્યો છે કે, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત 60 ટકા રકમ પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, સ્વાસ્થ્ય સેવા, મહિલા અને બાળ કલ્યાણ પર જ ખર્ચ કરવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
આદિવાસીઓની કમાણી સાથે અભ્યાસ પર પણ સરકાર પ્રાથમિકતાને આધારે કામ કરી રહી છે. આ વર્ષે બજેટમાં ઘણી મોટી યોજનાઓની અમે જાહેરાત કરી છે. સરકારે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે કે, વર્ષ 2022 સુધી દેશમાં 50 ટકાથી વધારે આદિવાસી વસતિ ધરાવતાં તમામ બ્લોક કે પછી આદિવાસી સમુદાયનાં ઓછામાં ઓછાં ઓછામાં 20,000 લોકો રહેતાં હોય તેમનાં માટે એક એકલવ્ય આદર્શ – રહેણાંક શાળા બનાવવામાં આવશે.
આ ઉપરાંત સરકારનું મોટું કામ આદિવાસી સન્માન, આદિવાસી ગર્વની સાથે પણ જોડાયેલ છે. દેશની આઝાદીમાં આદિવાસીઓનું યોગદાનને અગાઉ કોઈ સરકાર દ્વારા આટલું સન્માન આપવામાં આવ્યું નહોતું. સરકારે નક્કી કર્યું છે કે આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનાં સન્માનમાં અલગ-અલગ રાજ્યોમાં જ્યાં આદિવાસીઓએ આઝાદીનાં લડાઈમાં બલિદાન આપ્યું છે, આઝાદીની લડાઈનાં ઇતિહાસ આદિવાસીઓનાં ઇતિહાસ સાથે જોડાયેલ છે, આ પ્રકારનાં સ્થળો પર એક ઉત્તમ પ્રકારનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, સંગ્રહાલાય બનાવવામાં આવશે, જેથી આગામી પેઢીઓને ખબર પડે કે દેશની આઝાદી માટે મારા આદિવાસી ભાઈઓ-બહેનોએ કેટલું બલિદાન આપ્યું છે, સ્વાભિમાનની કેટલી મોટી લડાઈ તેઓ લડ્યાં છે.
સાથીદારો, આર્થિક સશક્તિકરણ અને આર્થિક અસંતુલનને ખતમ કરવાનું એક મોટું માધ્યમ છે – બેંક. આજે બેંક જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. આજે મને અહીં સ્ટેટ ઑફ બેંક ઇન્ડિયાની એક શાખાનું ઉદઘાટન કરવાની તક મળી છે. મને જણાવવામાં આવ્યું છે કે જો લોકોને બેંકની જરૂર પડે, તો તેમને 20 કિલોમીટર, 25 કિલોમીટર સુધી સફર ખેડવી પડતી હતી. ઉપરાંત બેંકોમાં કર્મચારીઓ પૂરતી સંખ્યામાં ન હોવાનાં કારણે મુશ્કેલીઓમાં વધારો થયો હતો. હવે આ શાખા ખોલવાથી એક મોટી સુવિધા તમને મળવાની છે.
અમે પોસ્ટ ઓફિસને પણ હવે બેંકનું કામ કરવાની છૂટ આપી દીધી છે. તો જ્યાં પોસ્ટ ઓફિસ હશે, ત્યાં જ બેંકિંગનું કામ પણ થશે. અમે ગામમાં બેંકમિત્ર પણ તૈયાર કર્યા છે, જેઓ બેંકનું કામકાજ કરે છે. અમે પ્રધાનમંત્રી જન-ધન યોજના પછી બેંકિંગ વ્યવસ્થાઓનો પ્રસાર ગામડે-ગામડે કરવા માટે નવી-નવી યોજનાઓ બનાવી છે. ભીમ એપ દ્વારા પોતાનાં મોબાઇલ ફોનથી બેંકિંગની સંપૂર્ણ લેવડ-દેવડનું કામ દરેક નાગરિક કરી શકે છે. તેને પણ અમારે આગળ વધારવાનું છે.
ભાઈઓ અને બહેનો,
બેંકમાં ખાતા હોવાનો કેટલો લાભ છે – તેને જનધન ખાતાધારકો હવે સારી રીતે જાણે છે. સરકારે સતત પ્રયાસ કરવાથી અત્યારે દેશમાં 31 કરોડથી વધારે ખાતાં ખુલ્યાં છે. છત્તીસગઢમાં પણ એક કરોડ 30 લાખથી વધારે ખાતાં ખુલ્યાં છે. આ એ લોકો છે, જેઓ ગરીબ છે, દલિત છે, આદિવાસી છે, પછાત છે, એક સમયે જેમની સામે કોઈ જોતું નહોતું.
આજે મને છત્તીસગઢની દિકરી સવિતા સાહુજીની ઈ-રિક્ષા પર સવારી કરવાની તક પણ મળી. સવિતાજી વિશે મને જણાવવામાં આવ્યું કે પરિવારમાં તેમને થોડાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પણ તેમણે હાર માની નહોતી અને ઈ-રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે સભ્ય સમિતિનો માર્ગ પસંદ કર્યો. સરકારે પણ તેમની મદદ કરી અને હવે તેઓ એક સન્માનયુક્ત જીવન જીવે છે.
સ્વચ્છ ભારત મિશન હોય, સ્વસ્થ ભારત મિશન હોય, બેટી બચાવો-બેટી પઢાઓ યોજનાનો વિસ્તાર હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય – આ પ્રકારની અનેક યોજનાઓનાં માધ્યમથી દિકરીઓ-બહેનોને સશક્ત કરવાનું કામ આ સરકાર કરી રહી છે.
ઉજ્જવલા યોજનાથી પણ છત્તીસગઢની મહિલાઓને મોટો લાભ મળી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 18 લાખ મહિલાઓને મફત ગેસ જોડાણ આપવામાં આવ્યું છે. સ્વરોજગારીને પ્રોત્સાહન આપનારી યોજનાઓનાં માધ્યમથી સરકારનો પ્રયાસ ભટકેલા નવયુવાનોને મુખ્ય પ્રવાહ સાથે પણ જોડવાનો છે. એટલે મુદ્રા યોજના અંતર્ગત બેંકની ગેરેન્ટી વિના લોન આપવામાં આવે છે. મારી આ વિસ્તારનાં નવયુવાનોને અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવો.
હું આજે વહીવટીતંત્રમાં સામેલ અધિકારીઓ, કર્મચારીઓને અપીલ કરું છું કે તેઓ પોતાનાં જિલ્લાને વિકાસનાં પથ પર ઝડપથી આગળ વધારવાનો સંકલ્પ કરે અને તેને સાબિત કરી દેખાડે.
ભાઈઓ અને બહેનો,
સરકાર ફક્ત યોજના બનાવવા પર જ ધ્યાન આપતી નથી, પણ એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેમનાં સુધી આ યોજનાઓ કેવી રીતે પહોંચાડવામાં આવે, છેવાડાની વ્યક્તિને તેનો લાભ કેવી રીતે મળે? મારો તમને આગ્રહ છે કે દેશની સીમાડાની વ્યક્તિનાં સશક્તિકરણ માટે આ સરકાર જે કામ કરી રહી છે, તેને આગળ વધારવા માટે જુસ્સા સાથે સામેલ થાવ. તમારી ભાગીદારી જ આ સરકારની તાકાત છે અને આ જ તાકાત 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠનાં વર્ષમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરશે. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોનાં સ્વપ્નોને સાકાર કરશે.
તમે બધા અહીં આવ્યા એ માટે તમારા બધાનો ફરી એક વખત હું આભાર વ્યક્ત કરું છું અને હું હિંસાનાં માર્ગે ભટકી ગયેલા નવયુવાનોને આજે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર કહેવા ઇચ્છું છું કે – બાબાસાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું છે, તમારા અધિકારોનાં રક્ષણનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. તમારા અધિકારોની ચિંતા કરવી સરકારની જવાબદારી છે. તમારે શસ્ત્રો ઉઠાવવાની જરૂર નથી, જીવન બરબાદ કરવાની જરૂર નથી. હું માતાપિતાઓને કહેવા ઇચ્છું છું કે તમારા બાળકો, તમારી થોડી દિકરીઓ આ માર્ગ પર ચાલી નીકળી છે. પણ જરાં વિચારો તેમનો મુખી કોણ છે. તેમનો એક પણ મુખી આ વિસ્તારનો નથી, તમારી વચ્ચે પેદા થયો નથી, તે બહારથી આવ્યો છે. તેઓ મરતાં નથી, તેઓ જંગલોમાં સુરક્ષિત જગ્યાઓમાં છુપાઈને રહે છે અને તમારા બાળકોને આગળ કરીને તેમને મોતનાં મુખમાં ધકેલી દે છે. તમે આ પ્રકારનાં લોકોની પાછળ તમારા બાળકોને ગુમાવશો? તેઓ તમારા રાજ્યમાંથી આવતાં નથી, તેઓ બહારથી આવે છે. તેમની સરનેમ જુઓ, તેમનાં નામ વાંચો તો ખબર પડશે કે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યાં છે. તમે તમારા બાળકોને મારવાનો અધિકાર તેમનાં હાથોમાં આપી દેશો?
એટલે હું તમને આગ્રહ કરીશ કે સરકાર તમારા હિતોનું રક્ષણ કરવા કટિબદ્ધ છે. આપણે વિકાસનાં માર્ગો પર અગ્રેસર થવાનું છે. તમારા બાળકોને શાળાનું શિક્ષણ મળે, તમારા પાકની પૂરતી કિંમત મળે, તમને સન્માન સાથે જીવન મળે. દવા મળે, શિક્ષણ મળે, આજીવિકા મળે – આ તમામ તમારી જરૂરિયાતો પૂર્ણ થાય અને આ માટે એ કામોને કરવામાં સુરક્ષા દળનાં જવાનો તમારે ત્યાં શાળા ચાલુ રહે, ટીચર આવી શકે – એટલે તેઓ પોતાનું જીવન હોમી દે છે. તમારે ત્યાં માર્ગો બને, રસ્તાં બને, એટલે તેઓ પોતાનું બલિદાન આપે છે. તમારે ત્યાં ટેલીફોનનો ટાવર લાગે, એટલે તેઓ ગોળીઓ ખાય છે. વિકાસ માટે તેઓ જીવને મુઠ્ઠીમાં લઈને તમારી સેવા કરવા આવ્યાં છે.
આવો, મારા ભાઈઓ અને બહેનો, વિકાસનાં માર્ગે ચાલીએ. દેશને નવી ઊંચાઈએ લઈ જઈએ. 115 અભિલાષી જિલ્લા છે, મહત્ત્વાકાંક્ષી જિલ્લા છે, તેમાં એક પરિવર્તન લાવવાનો સંકલ્પ કરીએ. આયુષ્માન ભારતનું સ્વપ્ન આપણે મહેનત કરીને સાકાર કરીએ.
આ જ અપેક્ષાની સાથે હું ફરી એક વાર તમને આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેવા માટે, આટલો મોટો શાનદાર-જાનદાર કાર્યક્રમ આ જંગલોમાં કરવા માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
જય ભીમ – જય ભીમ, જય હિંદ.