આજ મિરઝાપુર મેં હમરે બદે બહુત કા બાત બા. જગત જનની માઈ વિંધ્યવાસિની કી ગોદમેં તોઈ સબકે દેખી હમકે બહુત ખુશી હોતબા. તૂ સબે બહુત દેર સે હમી જોહત રા. એકરે ખાતિર હમ પાંવ છુઈ કે પ્રણામ કરત હૈ. આજ ઇતના ભીડ દેખી કે હમ કે વિશ્વાસ હોઈ ગવા કી માઈ વિંધ્યવાસિની કી કૃપા હમરે ઉપર બનાવા ઔર આપ લોગનકી કૃપાસે આગે ભી ઐસે હી બના રહે.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રામ નાઈકજી, મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રમાં મંત્રીપરિષદના મારી સાથી બહેન અનુપ્રિયાજી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન સિદ્ધાર્થ નાથજી, શ્રીમાન ગર્બબાલ સિંહજી, શ્રીમાન આશુતોષ ટંડનજી, શ્રીમાન રાજેશ અગ્રવાલજી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તથા મારા જુના સાથી, સંસદના મારા સાથી ડૉક્ટર મહેન્દ્ર નાથ પાંડેજી, સાંસદ શ્રી વીરેન્દ્ર સિંહ, સાંસદ ભાઈ છોટે લાલ અને વિશાળ સંખ્યામાં અહીં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
હું ક્યારનો મંચ ઉપરથી જોઈ રહ્યો હતો, બંને તરફથી લોકો આવી જ રહ્યા છે, હજુ પણ લોકો આવી જ રહ્યા છે. ભાઈઓ બહેનો, આ સંપૂર્ણ ક્ષેત્ર દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને ભાગીરથીની વચ્ચે વસેલું એક ક્ષેત્ર સદીઓથી અપાર સંભાવનાઓનું કેન્દ્ર રહ્યું છે. આ જ સંભાવનાઓને શોધવા માટે અને અહીં થઇ રહેલા વિકાસ કાર્યોની વચ્ચે આજે મને તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ગઈ વખતે માર્ચમાં જ્યારે હું અહીં સૌર પ્લાન્ટનું ઉદઘાટન કરવા આવ્યો હતો અને મારી સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ આવ્યા હતા, અને તે સમયે અમારા બંનેનું સ્વાગત માતાની તસવીર અને ચુંદડી સાથે કરવામાં આવ્યું હતું. આ સત્કારથી ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રી મેક્રો ખૂબ જ અભિભૂત થઇ ગયા અને તેઓ માંના મહિમાને જાણવા માંગતા હતા અને મેં જ્યારે માંના મહિમાના વિષયમાં જણાવ્યું તેઓ એટલા અચંબિત થઇ ગયા, એટલા પ્રભાવિત થઇ ગયા હતા, આસ્થા અને પરંપરાની આ ધરતીનો ચોતરફી વિકાસ એ આપણી પ્રતિબદ્ધતા છે.
જ્યારથી યોગીજીની આગેવાનીમાં એનડીએની સરકાર બની છે, ત્યારથી પૂર્વાંચલની, પૂરાએ ઉત્તરપ્રદેશના વિકાસની જે ગતિ વધી છે, તેના પરિણામ આજે જોવા મળવા લાગ્યા છે. આ ક્ષેત્રને માટે અહીંના ગરીબ હોય, વંચિત હોય, પીડિત હોય, અહીંના લોકોને માટે જે સપનાં સોનેલાલ પટેલજી જેવા કર્મશીલ લોકોએ જોયા હતા, તેને પુરા કરવાની દિશામાં આપણે સૌ મળીને સતત પ્રયાસ કરી રહ્યા છીએ. ગત બે દિવસોમાં વિકાસની અનેક પરિયોજનાઓને પૂર્વાંચલની જનતાને સમર્પિત કરવાનો અથવા ફરીથી નવા કામ પ્રારંભ કરવાનો મને અવસર મળ્યો છે. દેશનો સૌથી લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે હોય, વારાણસીમાં ખેડૂતોને માટે શરૂ થયેલ પેરીશેબલ કાર્ગો સેન્ટર હોય, રેલવે સાથે જોડાયેલી યોજનાઓ હોય, તે પૂર્વાંચલમાં થઇ રહેલા વિકાસને અભૂતપૂર્વ ગતિ આપવાનું કામ કરશે.
વિકાસના આ જ ક્રમને આગળ વધારવા માટે આજે હું અહીં ફરી એકવાર આપ સૌની વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા ઐતિહાસિક બાણસાગર બંધ સહિત લગભગ ચાર હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. સિંચાઈ, સ્વાસ્થ્ય અને સુગમ આવાગમન સાથે જોડાયેલી આ યોજનાઓ આ ક્ષેત્રના સામાન્ય માનવના જીવનમાં સુખદ પરિવર્તન લાવનારી છે. તમારું આ ક્ષેત્ર મિરઝાપુર હોય, સોનભદ્ર હોય, ભદોહી હોય, ચંદૌલી હોય કે પછી અલાહાબાદ, હંમેશા ખેતી વાડી અહીંના જીવનનો મહત્વનો ભાગ રહ્યો છે. ખેડૂતોના નામ પર પહેલાની સરકારો કઈ રીતે અડધી-પડધી યોજનાઓ બનાવતી રહી, તેમને લટકાવતી રહી. તેના ભોગી આપ સૌ લોકો છે, આપ સૌ તેના સાક્ષી છો. સાથીઓ લગભગ સાડા ત્રણ હજાર કરોડની બાણસાગર પરિયોજનાથી માત્ર મિરઝાપુર જ નહીં, પરંતુ અલાહાબાદ સહિત આ સંપૂર્ણ ક્ષેત્રની દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળવા જઈ રહી છે. જો આ પ્રોજેક્ટ પહેલા પૂરો થઇ જાત તો જે લાભ હવે તમને મળવા જઈ રહ્યો છે તે આજથી બે દાયકા પહેલા મળવાનો શરુ થઇ ગયો હોત એટલે કે બે દાયકા બરબાદ થઇ ગયા તમારા. પરંતુ ભાઈઓ બહેનો પહેલાની સરકારોએ તમારી, અહીંના ખેડૂતોની ચિંતા નથી કરી. આ પ્રોજેક્ટની લાઈન 40 વર્ષ પહેલા ખેચવામાં આવી હતી, 1978માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો, પરંતુ વાસ્તવમાં કામ શરુ થતા થતા 20 વર્ષ નીકળી ગયા. તે પછીના વર્ષોમાં અનેક સરકારો આવી અને ગઈ પરંતુ આ પરિયોજના પર માત્ર વાતો, વાયદાઓ સિવાય અહીંની જનતાને કંઈ ન મળ્યું.
2014માં આપ સૌએ અમને સેવા કરવાનો અવસર આપ્યો અને તે પછી અમારી સરકારે જ્યારે અટકેલી, લટકેલી, ભટકેલી યોજનાઓને શોધવાનું શરુ કર્યું તો તેમાં આ પ્રોજેક્ટનું નામ પણ સામે આવ્યું. ફાઈલોમાં ખોવાઈ ગયેલું હતું બધું અને તેના પછી બાણસાગર પરિયોજનાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જોડવામાં આવી અને તેને પૂરી કરવા માટે તમામ ઊર્જા લગાવી દેવામાં આવી હતી, ખાસ કરીને વિતેલા સવા વર્ષમાં યોગીજી અને તેમની ટીમે જે ગતિથી આ કાર્યને આગળ વધાર્યું તેનું પરિણામ છે કે આજે બાણસાગરનું આ અમૃત આપ સૌના જીવનમાં ખુશાલી લાવવા માટે તૈયાર થઇ શક્યું છે. બાણસાગર સિવાય વર્ષો સુધી અધુરી પડેલી સરયુ નહેર રાષ્ટ્રીય પરિયોજના અને મધ્ય ગંગા સાગર પરિયોજના પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ, બાણસાગર પરિયોજના તે અપૂર્ણ વિચારધારા, સીમિત ઈચ્છા શક્તિનું પણ ઉદાહરણ છે, જેની એક ઘણી મોટી કિંમત આપ સૌને, મારા ખેડૂત ભાઈઓ બહેનોને, મારા ગરીબ ભાઈઓ બહેનો, મારા આ ક્ષેત્રના લોકોને ચુકવવી પડી છે. વર્ષો પહેલા જે સુવિધા આપ સૌને મળવી જોઈતી હતી, તે તો ન જ મળી દેશને પણ આર્થિક રૂપે નુકસાન સહન કરવું પડ્યું. લગભગ ત્રણ સો કરોડના બજેટથી શરુ થયેલી આ પરિયોજના જો તે સમયે થઇ ગઈ હોત તો ત્રણ સો કરોડમાં થઇ જાત, પરંતુ ન થવાના કારણે આ સમય વીતતો ગયો, ભાવ વધતા ગયા, ત્રણ સો કરોડની પરિયોજના સાડા ત્રણ હજાર કરોડ લગાવ્યા પછી પૂરી થઇ શકી છે. તમે મને જણાવો આ જૂની સરકારોનો ગુનો છે કે નહી? અથવા તમારા પૈસા બરબાદ થયા કે નહિં, કે તમારા હકને તેમણે વંચિત રાખ્યો કે નહિં? અને એટલા માટે ભાઈઓ બહેનો, જે લોકો આજકાલ ખેડૂતોને માટે મગરના આંસુ વહેવડાવે છે, તેમને તમારે પૂછવું જોઈએ કે આખરે કેમ તેમને પોતાના શાસનકાળમાં દેશભરમાં ફેલાયેલી આ પ્રકારની અધુરી સિંચાઈ પરિયોજનાઓ નજરે ન ચડી? અને માત્ર આ બાણગંગાનો જ મામલો નથી, આ બાણસાગરનો જ મામલો નથી, સંપૂર્ણ દેશમાં દરેક રાજ્યમાં આવા લટકેલા, અટકેલા, ભટકેલા ખેડૂતોની ભલાઈના પ્રોજેક્ટ અધૂરા પડ્યા છે, કોઈ પરવા નહોતી એ લોકોને, શા માટે આવા કાર્યને અધૂરા જ છોડી દેવામાં આવ્યા?
ભાઈઓ બહેનો, હું આજે જ્યારે અહીંના ખેડૂતોને મળી રહ્યો છે, ત્યારે હું તમારી પાસેથી કંઈક માંગવા ઇચ્છુ છું, આપશો? આ માં વિંધ્યવાસિનીની ધરતી છે, તે તમે વાયદો કરો છે, નિભાવવો પડશે. નીભાવશો ને? જુઓ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા લાગ્યા છે, 40 વર્ષ બરબાદ થઇ ગયા, જે થયું તે થયું. હવે પાણી પહોંચી ગયું છે. જે ખેડૂતોના ખેતરમાં આ પાણી પહોંચી રહ્યું છે, જેમની નજીકમાં આ નહેર લાગેલી છે. શું મારા ખેડૂત ભાઈ બહેન ટપક સિંચાઈ કે સ્પ્રિન્કલર, ફુવારાવાળી સિંચાઈ અને ટીપે ટીપું પાણી બચાવવાની દિશામાં કામ કરી શકે છે ખરા? હું તમારી પાસેથી આ જ માંગી રહ્યો છું, મારે બીજું કઈ નથી જોઈતું, તમે મને વચન આપો કે આ જે પાણી છે તે આપણા માટે માં વિંધ્યવાસિનીનો પ્રસાદ છે. જે રીતે પ્રસાદનો કણ-કણ પણ આપણે બરબાદ થવા નથી દેતા, માં વિંધ્યવાસિનીના પ્રસાદના રૂપમાં આ જે પાણી આપણને મળ્યું છે તેનું એક પણ ટીપું પાણી બરબાદ નહીં થવા દઈએ. આપણે ટીપે ટીપેના પાણીથી ખેતી કરીશું. ટપક સિંચાઈથી દરેક પ્રકારની ખેતી થઇ શકે છે. પૈસા બચે છે, પાણી બચે છે, મજૂરી બચે છે અને પાક સારો થાય છે અને એટલા માટે હું તમારી પાસેથી માંગુ છું કે તમે નક્કી કરો. જો આ તમે પાણી બચાવી લીધું તો આજે લાખ સવા લાખ હેક્ટરમાં પાણી પહોંચી રહ્યું છે, આ જ પાણીનો ઉપયોગ બે લાખ હેક્ટર સુધી થઈ શકે છે. જો આજે અમુક લાખ ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે તો તેનાથી બમણા ખેડૂતોને ફાયદો થઇ શકે છે. જો આ પાણી આજે ઓછું પડે છે, જો તમે ટીપે ટીપાને બચાવીને ખેતી કરશો તો આ પાણી વારસો સુધી ચાલશે, તમારા સંતાનોને કામ આવશે અને એટલા માટે મારા ભાઈઓ બહેનો, હું આજે તમને આ યોજના લાવ્યા પછી તમારા સેવકના રૂપમાં, માં વિંધ્યવાસિનીના ભક્તના રૂપમાં આજે તમારી પાસેથી કંઈક માંગી રહ્યો છું, આપશો? પાક્કુ, વચન પૂરું કરશો ને? સરકારની યોજના છે સૂક્ષ્મ સિંચાઈની માટે સરકાર સબસિડી આપે છે, પૈસા આપે છે, તમે તેનો ફાયદો ઉઠાવો અને હું તમારી સેવા કરવા માટે આવ્યો છું.
મારા વ્હાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, આ એવા લોકો હતા, જે ખેડૂતોને માટે મગરના આંસુ વહાવી રહ્યા હતા, એમએસપી યોજનાઓ થતી હતી, ખરીદી નહોતી થતી, ટેકાના ભાવની છાપામાં જાહેરાતો આપવામાં આવતી હતી, ફોટાઓ છાપવામાં આવતા હતા, વાહ-વહી લુંટવામાં આવતી હતી પરંતુ ખેડૂતના ઘરમાં કંઈ જ જતું નહોતું. તેમની પાસે એમએસપીના ભાવ વધારવા માટે ફાઈલો આવતી હતી, પડી રહેતી હતી. વર્ષો પહેલા ખર્ચના દોઢ ગણા ટેકાના ભાવ માટેની વિનંતીઓ ફાઈલોમાં પહોંચી ચૂકી હતી, પરંતુ ખેડૂતોના નામ પર રાજનીતિ કરનારા લોકોને એમએસપીના દોઢ ગણા ખર્ચ માટે વિચારવાનો સમય જ નહોતો, કારણ કે તેઓ રાજનીતિમાં એટલા ડૂબેલા હતા કે તેમને આ દેશના ગામડા, ગરીબ ખેડૂતોની પરવા નહોતી. ફાઈલો દબાયેલી રહી, વર્ષોથી જે કામને કરવામાં પાછળની સરકારો પાછળ રહી હતી ભાઈઓ બહેનો, તમારા સેવકના નાતે, દેશના ગામ, ગરીબ ખેડૂતનું ભલું કરવાના ઈરાદો હોવાના નાતે હું આજે માથું નમાવીને કહી રહ્યો છું, મારા ભાઈઓ અને બહેનો, અમે એમએસપી દોઢ ગણી કરવાનો વાયદો કર્યો હતો, આજે તેને અમે ધરતી પર ઉતારી દીધો છે. ડાંગર હોય, મકાઈ હોય, તુવેર હોય, અડદ હોય, મગ સહિત ખરીફના 14 પાકોના ટેકાના ભાવમાં 200 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીની વૃદ્ધિ કરવામાં આવી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂતોને આ પાકોમાં જે મૂળ ખર્ચ થાય છે તેના પર 50 ટકા સીધો લાભ મળવો જોઈએ.
ભાઈઓ બહેનો, આ નિર્ણયથી ઉત્તરપ્રદેશ અને પૂર્વાંચલના ખેડૂતોને ઘણો લાભ થવાનો છે. આ વખતથી એક ક્વિન્ટલ ડાંગર પર બસ્સો રૂપિયા વધુ મળવાના છે. સાથીઓ એક ક્વિન્ટલ અનાજની જે કિંમત આંકી છે, તે છે લગભગ 1100, 1200 રૂપિયા છે, હવે અનાજનો ટેકાનો ભાવ નક્કી થયો છે 1750 રૂપિયા, એટલે કે સીધે સીધા 50 ટકાનો લાભ નક્કી છે. મને જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ગયા વર્ષે પહેલાની સરખામણીએ ચાર ગણી અનાજની ખરીદી નક્કી કરવામાં આવી. તેના માટે યોગીજી અને તેમની આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
ભાઈઓ બહેનો, અનાજની સાથે જ સરકાર દ્વારા દાળની પણ એમએસપી વધારવામાં આવી છે. તુવેરના સરકારી મૂલ્યમાં 225 રૂપિયાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે નક્કી કરવામાં આવ્યું છે કે તુવેર ઉગાડવામાં જેટલો ખર્ચ આવે છે, તેનો લગભગ 65% સીધો લાભ, વધારાનો લાભ ખેડૂતને મળશે. સાથીઓ, અમારી સરકાર દેશના ખેડૂતોની નાનામાં નાની મુશ્કેલીને સમજીને તેમને દુર કરવા માટે દિવસ રાત કામ કરી રહી છે. બિયારણથી લઈને બજાર સુધી એક પ્રમાણિક વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે, જેથી કરીને ખેડૂતની આવક વધે અને ખેતી પર થનારા ખર્ચ ઓછા થાય. યૂરિયા માટે લાઠી ચાર્જ થતો હતો. રાતોની રાતો લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, કાળાબજારમાં યૂરિયા ખરીદવું પડતું હતું. છેલ્લા ચાર વર્ષમાં આ સંકટ ઓછું થઇ ગયું છે. આ બધા કાર્યો તમારા આશીર્વાદથી અને સહયોગથી સંભવ થઇ રહ્યાં છે.
ભાઈઓ બહેનો, હું અહીંના ખેડૂતોને એક પ્રાર્થના કરવા માંગુ છું, અમે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ અને તે અઘરું કામ નથી. જે રીતે એક નાનકડું ઉદાહરણ હું જણાવું, આજે આપણું જે ખેતર છે તેની શેઢા પર આપણે વાડ લગાવી દઈએ છીએ. આપણને ખબર જ નથી હોતી કે વાડની અંદર આ જે કાંટાવાળા તાર આપણે લગાવી દઈએ છીએ કે પછી એવા છોડવાઓ લગાવી દઈએ છીએ, કેટલી જમીન બરબાદ કરીએ છીએ. હવે સરકાર વાંસને ઘાસ ગણે છે, અને એટલા માટે તમે તમારા શેઢા પર વાંસની ખેતી કરી શકો છો, વાંસ કાપી શકો છો, વાંસ વેચી શકો છો સરકાર તમને રોકી નહી શકે. આજે હજારો કરોડો રૂપિયાનાં વાંસ દેશ-વિદેશથી આયાત કરીએ છીએ, જ્યારે મારા ખેડૂતો શેઢા પર વાંસ ઉગાડી શકે છે. અમે નિયમ બદલી નાખ્યો, કાયદો બદલી નાખ્યો. પહેલા એવું માનવામાં આવતું હતું કે વાંસ એક વૃક્ષ છે, ઝાડ છે. અમે કહ્યું વાંસ એક વૃક્ષ નથી, ઝાડ નથી, તે તો ઘાસ છે ઘાસ અને આપણે ત્યાં અગરબત્તી બનાવવા, પતંગ બનાવવા માટે પણ વાંસ વિદેશથી લાવવા પડે છે. મારા દેશમાં આટલા ખેડૂતો છે, એક વર્ષની અંદર અંદર તેઓ પરિસ્થિતિને બદલી શકે છે અને તે આવક ખેડૂતને કામમાં આવવાની છે. આવા ઘણા અનેક પ્રયોગો છે. હું મારા ખેડૂત ભાઈઓને આગ્રહ કરીશ કે તમે ખેતી સિવાય સરકારની અનેક યોજનાઓને ફાયદો ઉઠાવો અને તમારી પોતાની આવક વધારવાની દિશામાં આગળ આવો. અમારી સરકાર દેશના જન-જન, કણ-કણ, ખૂણે-ખૂણા સુધી વિકાસની રોશની પહોંચાડવા અને ગામ, ગરીબને સશક્ત કરવાના લક્ષ્યને લઈને આગળ વધી રહી છે. તમારા જીવનને સુગમ બનાવવા માટે, જોડાણને સુલભ કરવા માટે આજે અહીં કેટલીક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યા છે. ચુનાર સેતુથી હવે ચુનાર અને વારાણસીનું અંતર ઘટી ગયું છે. મને એમ પણ જણાવવામાં આવ્યું છે કે વરસાદની ઋતુમાં અહીંના હજારો લોકો સંપર્ક વિહોણા થઈ જાય છે. હવે આ નવો પુલ આવી સમસ્યાઓને દુર કરશે.
ભાઈઓ બહેનો, સસ્તી અને વધુ સારી સ્વાસ્થ્ય સેવા ગરીબમાં ગરીબને સુલભ કરાવવી એ પણ આ સરકારનો એક મોટો સંકલ્પ છે. અહીં બનનારી નવી મેડીકલ કોલેજથી માત્ર મિરઝાપુર અને સોનભદ્રને જ નહીં પરંતુ ભદોહી, ચંદૌલી અને અલાહાબાદના લોકોને પણ મોટો લાભ મળવાનો છે. હવે અહીંના જિલ્લા દવાખાના પાંચસો પથારીના થઇ જશે, તેનાથી ગંભીર બીમારીઓની સારવાર માટે હવે તમારે દૂર સુધી ભટકવું નહી પડે. તેના સિવાય, આજે અહીં સો જન ઔષધિ કેન્દ્રોનું પણ એક સાથે, સમગ્ર ઉત્તરપ્રદેશમાં 100થી વધુ જન ઔષધિ કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ જન ઔષધિ કેન્દ્ર ગરીબ, મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો માટે ઘણો મોટો સહારો બની ગયા છે. આ કેન્દ્રોમાં 700થી વધુ દવાઓ અને 150થી વધુ સર્જીકલ સામાન સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. દેશભરમાં આ પ્રકારના લગભગ 3500થી પણ વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલી દેવામાં આવ્યા છે. આઠસોથી વધુ દવાઓનું મૂલ્ય નિયંત્રણ વ્યવસ્થાની સીમામાં લાવવી, હૃદયની બીમારી દરમિયાન લગાવવામાં આવતા સ્ટેન્ટની કિંમતને ઓછી કરવી, ઘૂંટણમાં લગાવવામાં આવતા ઈમ્પ્લાન્ટને સસ્તા કરવા જેવા અનેક કાર્યો આ સરકારે કર્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગને ઘણી મોટી રાહત આપશે.
એક મધ્યમ વર્ગનો પરિવાર જેના ઘરમાં મોટા વડીલ રહેતા હોય, ત્યારે એકાદ બીમારી તો ઘરની અંદર પરિવારનો હિસ્સો બની જાય છે. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અને આવા પરિવારને દરરોજ દવા લેવી પડે છે. પરિવારના એક સભ્ય માટે દર રોજ દવા લાવવી પડે છે અને મહિનાભરનું બીલ હજાર, બે હજાર, અઢી હજાર, ત્રણ હજાર, પાંચ હજાર સુધી આવે છે. અને હવે જન ઔષધિ કેન્દ્રોના કારણે જેની દવાનું બીલ હજાર રૂપિયા આવતુ તેને હવે અઢીસો, ત્રણ સો રૂપિયામાં મહિનાભરની દવા મળી જાય છે. તમે કલ્પના કર શકો છો, કેટલી મોટી સેવા છે. આ કામ પહેલાની સરકાર કરી શકતી હતી પરંતુ તેના માટે તેમને પોતાની પાર્ટી, પોતાનો પરિવાર, પોતાની ખુરશી, તેનાથી આગળ તેઓ વિચારવા માટે તૈયાર જ નહોતા અને તેના કારણે દેશના સામાન્ય માનવીની ભલાઈના કામો તેમની પ્રાથમિકતા નહોતી.
સાથીઓ, હાલના દિવસોમાં ડાયાલિસિસ એક ઘણી મોટી અનિવાર્યતા બની ગયું છે. અનેક ગામડાઓમાં અનેક પરિવારોને ડાયાલિસિસ માટે જવું પડે છે. અમે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ અમે શરુ કર્યો છે અને ગરીબોને જે સૌથી મોટી ચિંતાનો વિષય રહ્યા કરતો હતો, તેમને મદદ કરવાનું મોટું બીડું ઉપાડ્યું છે. આ ડાયાલિસિસ યોજના અંતર્ગત અમે જિલ્લાઓમાં ડાયાલિસિસ કેન્દ્રો બનાવી રહ્યા છીએ અને ત્યાં ગરીબોને, મધ્યમ વર્ગને, નિમ્ન મધ્યમવર્ગને નિઃશુલ્ક ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશમાં લગભગ 25 લાખ નિઃશુલ્ક ડાયાલિસિસ સત્રો કરવામાં આવ્યા છે. ડાયાલિસિસના દરેક સત્રમાં કોઈ ને કોઈ ગરીબના 2500, 2000, 1500 રૂપિયા બચી રહ્યા છે. તે સિવાય સ્વચ્છ ભારત મિશન આ બીમારીને રોકવામાં પ્રભાવી સાબિત થઇ રહ્યું છે. ગયા વર્ષનો એક અહેવાલ આવ્યો હતો કે જે ગામડાઓમાં શૌચાલયોનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યાના લોકો અને ખાસ કરીને બાળકોને બીમારીઓમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. એટલું જ નહી, જે ગામડાઓ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયા છે, ત્યાંના સરેરાશ દરેક પરિવારના વાર્ષિક લગભગ 50,000 રૂપિયા બચી રહ્યા છે. નહિતર આ જ પૈસા પહેલા તે પરિવારને દવાખાનાનામાં ખર્ચાઇ જતા હતા, દવાઓની પાછળ, નોકરીઓની રજાઓ પાછળ ખર્ચાઇ જતા હતા.
સાથીઓ, ગરીબી અને બીમારીના કુચક્રને તોડવા માટે એક બીજી ઘણી મોટી યોજના ખૂબ જલ્દી સરકાર લાવવાની છે. લોકો તેને મોદી કેર કહે છે, કોઈ તેને આયુષ્માન ભારત કહે છે અને આ યોજના અંતર્ગત દેશના લગભગ 50 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ખૂબ જલ્દી તેને સરકાર દેશભરમાં શરુ કરવા જઈ રહી છે. તમે કલ્પના કરો કે એક પરિવારમાં જો કોઈને બીમારી આવી જાય છે, ગંભીર પ્રકારની બીમારી થઇ જાય છે અને પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર આપી દે, તો તે પરિવારને નવી જિંદગી મળશે કે નહી મળે. તે પરિવાર મુસીબતમાંથી બહાર આવશે કે નહી આવે, અને મારા દેશના કરોડો પરિવાર મુસીબતોમાંથી બહાર આવશે ત્યારે મારો દેશ મુસીબતોમાંથી બહાર નીકળશે કે નહી નીકળે અને એટલા માટે ભાઈઓ બહેનો આયુષ્માન ભારત યોજના દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સ્વસ્થ ભવિષ્ય માટે અમે લઈને આવી રહ્યાં છીએ.
ભાઈઓ બહેનો, ગરીબ, પીડિત, શોષિત, વંચિતની પીડા અને ચિંતાને દુર કરવી, મુશ્કેલીના સમયમાં તેમની સાથે રહેવું, તેમના જીવનને સરળ બનાવવું એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે અને તેની જ માટે અમે લોકો લાગેલા છીએ. આ જ વિચારધારા સાથે હવે દેશના ગરીબને સામાજિક સુરક્ષાનું એક મજબુત કવચ આપવામાં આવી રહ્યું છે. એક રૂપિયા પ્રતિ મહિના અને 90 પૈસા પ્રતિ દિન, મહિનાનો એક રૂપિયો કોઈ બહુ મોટો નથી હોતો. એક દિવસના 90 પૈસા, તે ગરીબને માટે પણ મુશ્કેલ નહીં હોય. આ દર સાથે પ્રતિદિનના પ્રિમિયમ પર જીવન વીમો અને અકસ્માત વીમાની યોજના લોકોના જીવનમાં જ્યોતિની જેમ કામ કરી રહી છે. નહિતર પહેલા આપણા દેશમાં એક માન્યતા હતી કે બેંકમાં ખાતા કોના હશે? મધ્યમ વર્ગના, ભણેલા ગણેલા લોકોના, અમીરોના હશે, ગરીબને માટે તો બેંક હોઈ જ ન શકે. આપણા દેશમાં માન્યતા હતી કે ઘરમાં ગેસનો ચૂલો તો અમીરોના ઘરે જ હોઈ શકે છે, ભણેલા-ગણેલા લોકોને ત્યાં હોય છે, બાબુના ઘરે હોય છે, પૈસાદારના ઘરે હોય, ગરીબના ઘરમાં તો હોઈ જ ન શકે. આપણા દેશમાં માન્યતા હતી કે કાર્ડથી લેવડ-દેવડ એ તો માત્ર અમીરોના ઘરમાં જ થઇ શકે છે, બાબુને ત્યાં જ થઇ શકે છે, મોટા અમીરોના ત્યાં જ થઇ શકે છે, ગરીબના ખિસ્સામાં રૂપે કાર્ડ ન હોઈ શકે. આપણા દેશમાં આવી જ માન્યતા બનેલી હતી. ભાઈઓ બહેનો અમે અમીર અને ગરીબની આ માન્યતાને તોડવાનું નક્કી કર્યું છે. દેશના સવા સો કરોડ નાગરિકો એક સમાન હોવા જોઈએ. વીમો ગરીબ વિચારી જ નહોતો શકતો, તે વિચાર તો હતો કે અમીરનો વીમો થઇ શકે છે, જેની ગાડી છે, તેનો વીમો થઇ શકે છે, અમારી પાસે તો સાયકલ પણ નથી, અમારો વીમો શું હોઈ શકે છે. આ બધા ભ્રમને અમે તોડી નાખ્યા છે અને દેશના ગરીબને માટે 90 પૈસાવાળો વીમા લઇ આવ્યા છીએ, મહિનાના એક રૂપિયા વાળો વીમો લઇ આવ્યા છીએ અને સંકટના સમયમાં આ વીમો તેની જિંદગીમાં કામ આવી રહ્યો છે. અમીરી અને ગરીબી, મોટા અને નાનાનો ભેદ ખતમ કરવાવાળા એક પછી એક કાર્યક્રમો અમે ઉપાડી રહ્યા છીએ અને તેનું પરિણામ આવનારા દિવસોમાં જોવા મળવાનું છે. મારો ગરીબ હવે આંખમાં આંખ મીલાવીને વાત કરવાનો છે તેને માટે અમે કામ કરી રહ્યા છીએ.
ઉત્તરપ્રદેશના દોઢ કરોડથી વધુ લોકો આ બંને યોજનાઓ સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજનાઓના માધ્યમથી સંકટના સમયમાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની ક્લેઈમની રકમ આ પરિવારોને ચૂકવાઈ છે. હું માત્ર ઉત્તરપ્રદેશનું જ કહી રહ્યો છું, જો મારી સરકારે સો કરોડ રૂપિયા પણ જાહેર કર્યા હોત ને તો છાપાઓમાં આગળના પાના પર હેડલાઈન હોત. પરંતુ અમે યોજના એવી બનાવી કે ત્રણસો કરોડ રૂપિયા પહોંચી ગયા અને કોઈ એવું મોટું સંકટ નજરે ન આવ્યું. કામ કઈ રીતે થાય છે, વ્યવસ્થાઓ કઈ રીતે બદલાય છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
સાથીઓ, તમારામાંથી જે લોકોએ અત્યાર સુધી આ યોજનાઓનો લાભ નથી લીધો છે, મારી તમને વિનંતી છે તમે આ યોજનાઓ સાથે જોડાવ, કોઈ નથી ઇચ્છતું કે માં વિંધ્યવાસિનીના આશીર્વાદથી તમારા પરિવાર પર કોઈ સંકટ આવે, પરંતુ કાળના ગર્ભમાંશું છે, કોણ જાણે છે. જો કોઈ મુસીબત આવી તો આ યોજના તમારા માટે મદદગાર સાબિત થઇ જશે, સંકટના સમયે તમારી જિંદગીમાં કામ આવી જશે, એટલા માટે અમે યોજના લાવ્યા છીએ. ગરીબોના હિતમાં જે પણ યોજનાઓ સરકાર ચલાવી રહી છે, જે નિર્ણયો લેવામાં આવ્યા છે, તે ગરીબોને સશક્ત કરવાની સાથે જ તેમના જીવન ધોરણને બદલી રહ્યા છે. હાલમાં જ એક અન્ય આંતરરાષ્ટ્રીય અહેવાલ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વીતેલા બે વર્ષોમાં ભારતમાં… છાપામાં છપાશે પરંતુ તે ખૂણામાં છપાય છે, ટીવીમાં કદાચ દેખાતું નથી અને એટલા માટે હું કહી રહ્યો છું તમે લોકો જરા કહો હમણાં એક આંતરરાષ્ટ્રીય અહેવાલ આવ્યો છે અને તે અહેવાલનું કહેવું છે, જો આવો અહેવાલ નકારાત્મક હોત તો અઠવાડિયામાં આપણે ત્યાં હો હલ્લો ચાલતો રહેતો, પરંતુ સકારાત્મક આવે છે, તો કોઈ ધ્યાન પણ નથી દેતું. હમણાં અહેવાલ આવ્યો છે છેલ્લા બે વર્ષમાં ભારતમાં પાંચ કરોડ લોકો ભીષણ ગરીબીની સ્થિતિમાંથી બહાર નીકળ્યા છે. કહો તો એક-એક યોજનાનું પરિણામ જોવા મળી રહ્યું છે કે નથી જોવા મળી રહ્યું. શું તમે કોઈ નથી ઈચ્છતા કે ગરીબની જિંદગી બદલાય, બદલાવી જોઈ કે ન બદલાવી જોઈએ? લોકો ગરીબીમાંથી બહાર આવવા જોઈએ કે ન આવવા જોઈએ? આજે તેના ફળ જોવા મળી રહ્યા છે. નિશ્ચિતરૂપે આમાં સરકારની એ યોજનાઓનો પણ મોટો પ્રભાવ છે જે ગરીબોનો ખર્ચો અને તેમની ચિંતાને ઓછી કરી રહી છે. નિશ્ચિતતાનો આ જ ભાવ તેમને નવા અવસરો પણ આપી રહ્યો છે. જેમ કે ઉજ્જવલા યોજના મહિલાઓને માત્ર લાકડાના ધુમાડાથી મુક્તિ જ નથી અપાવતી, પરંતુ તેમને પરિવારની કમાણીમાં મદદ કરવાનો સમય પણ આપ્યો છે. હવે કલાકો લાકડાના ચુલાની સામે બેસી રહેવાની તેમની મજબૂરી ખતમ થઇ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં તો 80 લાખથી વધુ મહિલાઓને આ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસના જોડાણો મળી ચુક્યા છે. એ જ રીતે જન ધન યોજના અંતર્ગત ઉત્તરપ્રદેશમાં પાંચ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંક બાહેંધરી આપ્યા વિના એક કરોડથી વધુ ધિરાણ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 18 લાખ ઘર, મોંઘવારી પર નિયંત્રણ આ બધાએ ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે.
સાથીઓ, ગરીબને દવા, ખેડૂતને સિંચાઈ, બાળકોને ભણતર અને યુવાનોને કમાણી જ્યાં સુનિશ્ચિત થશે, જ્યાં સુવિધાઓ અપાર હશે અને વ્યવસ્થાઓ ઈમાનદાર હશે એવા ‘નવા ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે અમે લાગેલા છીએ. આજે જે યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે, તેના માટે આપ સૌને ફરી એકવાર ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. યુપી આવા જ વિકાસના પથ પર ગતિશીલ રહે તેના માટે યોગીજી, ઉત્તરપ્રદેશની તેમની સરકાર, તેમના તમામ સાથી, તેમની સંપૂર્ણ ટીમ હું તેમનો પણ એક-એક યોજનાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. ખૂબ-ખૂબ શુભકામનો આપું છું અને હું ફરી એકવાર માં વિંધ્યવાસિનીનો તે પ્રસાદ, પાણીનું એક-એક ટીપું તેનો ઉપયોગ કરવાનું ન ભૂલતા, તે અપેક્ષા ફરીથી દોહરાવું છું. તમે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા, આવી ગરમીમાં આવ્યા. તમે મને અને અમને સૌને આશીર્વાદ આપ્યા, તેના માટે હું તમારો હૃદયથી ખૂબ-ખૂબ આભાર માનું છું. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાત સાથે બોલો – ભારત માતાની જય. ભારત માતાની જય. ભારત માતાની જય.
ખૂબ-ખૂબ આભાર.