વિશાળ સંખ્યામાં પધારેલા વ્હાલા ભાઈઓ અને બહેનો,
આજે, એ મારું સૌભાગ્ય હતું કે કેદારનાથ જઈને બાબાના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું, અને ત્યાંથી આપ સૌની વચ્ચે આવવાનું અને આપ સૌના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય મળ્યું. મને નહોતી ખબર, બાબાએ સરપ્રાઈઝ આપી દીધી. ખુબ ભાવુકતા સાથે આજે મને વિશેષ સન્માનથી આભૂષિત કર્યો, અલંકૃત કર્યો. હું સ્વામીજીનો, આ પતંજલિ સમગ્ર પરિવારનો, અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
પરંતુ, જે લોકોની વચ્ચે મારું પાલન પોષણ થયું છે, જે લોકોએ મને સંસ્કારિત કર્યો છે, મને શિક્ષા-દીક્ષા આપી છે, તેનાથી હું એ વાતને ખુબ સારી રીતે જાણું છું કે જયારે તમને સન્માન મળે છે, તો તેનો અર્થ એ થાય છે કે તમારી પાસેથી આ, આ, આ પ્રકારની અપેક્ષાઓ છે, જરા પણ આગળ પાછળ ના થતા, તેને પૂરી કરો. તો એક રીતે મારી સામે મારે શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, તેનું એક ‘આ કરો’ અને ‘આ ના કરો’ નો મોટો દસ્તાવેજ ગુરુજીએ મૂકી દીધો છે.
પરંતુ સન્માનની સાથે સાથે આપ સૌના આશીર્વાદ, સવા સો કરોડ દેશવાસીઓના આશીર્વાદની તાકાત પર મારો પૂરો ભરોસો છે. મારો પોતાની જાત પર ભરોસો નથી, મારી ઉપર એટલો ભરોસો નથી, જેટલો કે મને તમારા અને દેશવાસીઓના આશીર્વાદની તાકાત પર ભરોસો છે. અને એટલા માટે જ તે આશીર્વાદ ઊર્જાનો સ્ત્રોત છે, સંસ્કાર તેની મર્યાદામાં બાંધીને રાખે છે, અને રાષ્ટ્રને માટે સમર્પિત જીવન જીવવા માટે નિત્ય નૂતન પ્રેરણા મળતી રહે છે.
હું આજે જયારે તમારી વચ્ચે આવ્યો છું, તો તમે પણ સારી રીતે અનુભવ કરતા હશો કે તમારા જ પરિવારનો કોઈ સદસ્ય તમારી વચ્ચે આવ્યો છે. અને હું અહીંયા પહેલી વાર નથી આવ્યો, તમારા લોકોની વચ્ચે વારંવાર આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે, એક પરિવારના સદસ્યના સંબંધે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અને એ પણ મારું સૌભાગ્ય રહ્યું છે કે મેં સ્વામી રામદેવજીને, કઈ રીતે તેઓ દુનિયાની સામે ઉપસીને આવતા ગયા, મને ખુબ નજીકથી જોવાનું સૌભાગ્ય મળ્યું છે.
તેમનો સંકલ્પ અને સંકલ્પ પ્રત્યે સમર્પણ, એ જ તેમની સફળતાની સૌથી મોટી જડીબુટ્ટી છે. અને આ જડીબુટ્ટી બાલકૃષ્ણ આચાર્યજીએ શોધેલી જડીબુટ્ટી નથી, તે સ્વામીજીએ પોતે શોધેલી જડીબુટ્ટી છે. બાલકૃષ્ણજીની જડીબુટ્ટી શરીરને સ્વસ્થ રાખવા માટે કામ આવે છે પરંતુ સ્વામી રામદેવજીવાળી જડીબુટ્ટી દરેક સંકટોને પાર કરી-કરીને નાવડીને આગળ વધારવા માટેની તાકાત આપવાવાળી હોય છે.
આજે મને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટનનું સૌભાગ્ય મળ્યું. આપણા દેશનું, જો ભૂતકાળ તરફ થોડી નજર કરીએ; તો એક વાત સ્પષ્ટ ધ્યાનમાં આવે છે, આપણે એટલા છવાયેલા હતા, એટલા પહોંચેલા હતા, એટલી ઊંચાઈઓને પ્રાપ્ત કરેલી હતી, કે જયારે દુનિયાએ આને જોયું તો તેમના માટે તો ત્યાં સુધી પહોંચવું કદાચ શક્ય જ નહોતું લાગતું, અને એટલા માટે તેમણે રસ્તો અપનાવ્યો હતો, જે આપણું શ્રેષ્ઠ છે તેને ધ્વસ્ત કરવાનો, તેને નેસ્તનાબૂદ કરવાનો. અને ગુલામીનો સંપૂર્ણ કાલખંડ, આપણી સંપૂર્ણ તાકાત, આપણા ઋષિ, મુનિ, સંત, આચાર્ય, ખેડૂત, વૈજ્ઞાનિક, દરેકને; જે પણ શ્રેષ્ઠ હતા, તેમને બચાવી રાખવા માટે 1000, 1200 વર્ષના ગુલામી કાલખંડમાં તેમની શક્તિ ખતમ કરી દેવામાં આવી.
આઝાદી પછી જે બચ્યું હતું તેને પોષતા, તેને પુરસ્કૃત કરતા, સમયાનુકુળ પરિવર્તન કરતા, નવા રૂપ રંગ સાથે સજાવતા, અને આઝાદ ભારતના શ્વાસો વચ્ચે તેને વિશ્વની સામે આપણે પ્રસ્તુત કરતા; પણ તેમ ના થયું. ગુલામીના કાલખંડમાં નાશ કરવાનો પ્રયત્ન થયો. દુશ્મનોએ નાશ કરવાનો પ્રયત્ન કર્યો, તેમની સામે તો આપણે લડી શક્યા, નીકળી શક્યા, બચાવી શક્યા, પરંતુ આપણાઓએ જયારે ભૂલવાનો પ્રયાસ કર્યો તો આપણી ત્રણ ત્રણ પેઢી દુવિધાના કાલખંડમાં જિંદગી વિતાવતી રહી.
હું આજે ઘણા ગર્વ સાથે કહું છું, ઘણા સંતોષ સાથે કહું છું કે હવે ભૂલવાનો સમય નથી, જે શ્રેષ્ઠ છે, તેનું ગૌરવ કરવાનો સમય છે, અને આ જ સમય છે જે વિશ્વમાં ભારતની આન-બાન-શાનનો પરિચય કરાવે છે. પરંતુ આપણે એ વાતને ના ભૂલીએ કે ભારત દુનિયામાં આ ઊંચાઈ પર કેવી રીતે હતો. તે એટલા માટે હતો કે હજારો વર્ષ પૂર્વે આપણા પૂર્વજોએ સતત સંશોધનોમાં પોતાની જિંદગી ખપાવી દીધી હતી. નવી નવી શોધો કરવી, નવી નવી વસ્તુઓ મેળવવી, અને માનવ જાતિના કલ્યાણ માટે તેને પ્રસ્તુત કરવી, સમય અનુકુળ તેને ઢાળતું રહેવું. જ્યારથી શોધખોળની, સંશોધનની ઉદાસીનતા આપણી અંદર ઘર કરી ગઈ છે, આપણે દુનિયાની સામે પ્રભાવ ઊભો કરવામાં અસમર્થ બનવા લાગ્યા.
અનેક વર્ષો બાદ જયારે આઈટી ક્રાંતિ આવી, જયારે આપણા દેશના 18, 20, 22 વર્ષના બાળકો માઉસની સાથે રમતા રમતા દુનિયાને અચરજ કરાવવા લાગ્યા, ત્યારે ફરીથી દુનિયાનું ધ્યાન આપણી તરફ ગયું. આઈટીએ દુનિયાને પ્રભાવિત કરી. આપણા દેશના 18, 20 વર્ષની ઉંમરના નવયુવાનોએ વિશ્વને પ્રભાવિત કરી નાખ્યું. સંશોધન, નવિનીકરણ, તેની શું તાકાત હોય છે, આપણે આપણી નજર સામે જોયું છે. આજે આખું વિશ્વ સમગ્રતયા આરોગ્ય કાળજી, આ વિષય અંગે ઘણું સંવેદનશીલ છે, સજાગ છે. પરંતુ રસ્તો નથી મળી રહ્યો. ભારતના ઋષિ મુનીઓની મહાન પરંપરા, યોગ, તેના ઉપર વિશ્વનું આકર્ષણ ઊભું થયું છે, તેઓ શાંતિની શોધમાં છે. તેઓ બહારની દુનિયાથી ત્રસ્ત થઈને આંતરિક દુનિયાને જાણવા, પરખવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
આવા સમયે આપણા લોકોનું કર્તવ્ય બની જાય છે કે આધુનિક સ્વરૂપમાં સંશોધન અને સમીક્ષાની સાથે યોગ એક એવું વિજ્ઞાન છે; તન અને મનની તંદુરસ્તી માટે આત્માની ચેતના માટે, આ શાસ્ત્ર કેટલું સહજ રીતે ઉપલબ્ધ થઇ શકે તેમ છે. હું બાબા રામદેવજીને અભિનંદન આપું છું, તેમણે યોગને એક આંદોલન બનાવી દીધું છે. સામાન્ય માનવીમાં વિશ્વાસ ઉત્પન્ન કરી દીધો કે યોગ માટે હિમાલયની ગુફાઓમાં જવાની જરૂર નથી, પોતાના જ ઘરમાં રસોડાની બાજુમાં બેસીને પણ યોગ કરી શકો છો, ફૂટપાથ ઉપર પણ કરી શકો છો, મેદાનમાં પણ કરી શકો છો, બગીચામાં પણ કરી શકો છો, મંદિરના પરિસરમાં પણ કરી શકો છો.
આ એક ઘણો મોટો બદલાવ આવ્યો છે. અને આજે તેનું જ પરિણામ છે કે 21 જૂને જયારે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવે છે, દુનિયાના દરેક દેશમાં યોગનો ઉત્સવ ઉજવવામાં આવે છે, વધુમાં વધુ લોકો તેમાં જોડાય, તેની માટે પ્રયત્ન કરવામાં આવે છે. મારે વિશ્વના જેટલા લોકો સાથે મળવાનું થયું છે, મારો અનુભવ છે કે દેશની વાત કરશે, વિકાસની વાત કરશે, રોકાણની ચર્ચા કરશે, રાજનૈતિક પરિદ્રશ્યની ચર્ચા કરશે પણ એક વાત જરૂરથી કરે છે, મારી સાથે યોગના સંબંધમાં તો એક બે સવાલ જરુરથી પૂછે છે. આ જીજ્ઞાસા પેદા થઇ છે.
આપણા આયુર્વેદની તાકાત, થોડું ઘણું તો આપણે જ તેને નુકસાન પહોંચાડી દીધું છે. આધુનિક વિજ્ઞાનનું જે મેડીકલ સાયન્સ છે, તેમને લાગ્યું કે તમારી બધી વાતો કઈ શાસ્ત્ર આધારિત નથી, આયુર્વેદવાળાઓને લાગ્યું કે તમારી દવાઓમાં દમ નથી, હવે તમે લોકોને સાજા કરી દો છો, પણ સાજા થતા નથી. તમે મોટા કે અમે મોટા, એ જ લડાઈમાં બધો વખત વીતતો ગયો. સારું થાત કે આપણું બધું જ્ઞાન, આધુનિકમાં આધુનિક જ્ઞાન પણ, તેને પણ આપણી આ પરંપરાઓ સાથે જોડીને આગળ વધાર્યું હોત તો કદાચ માનવતાની ખુબ મોટી સેવા થઇ હોત.
મને ખુશી છે પતંજલિ યોગ વિદ્યાપીઠના માધ્યમથી બાબા રામદેવજીએ જે અભિયાન ચલાવ્યું, આંદોલન ચલાવ્યું છે, તેમાં આયુર્વેદનું મહિમા-મંડન, ત્યાં જ પોતાની જાતને માર્યાદિત નથી રાખી. દુનિયા જે ભાષામાં સમજે છે, સંશોધનના જે આધારો પર સમજે છે, આરોગ્ય વિજ્ઞાનમાં સ્થાપિત વ્યવસ્થાઓ હેઠળ સમજે છે, બાબા રામદેવજીએ બીડું ઝડપ્યું છે, તે જ ભાષામાં ભારતના આયુર્વેદને તેઓ લઈને આવશે, અને દુનિયાને પ્રેરિત કરશે. એક રીતે તેઓ હિન્દુસ્તાનની સેવા કરી રહ્યા છે. હજારો વર્ષથી આપણા ઋષીઓ-મુનીઓએ તપસ્યા કરી છે, જે પ્રાપ્ત કર્યું છે, તે દુનિયાને વેચવા માટે નીકળ્યા છે, વૈજ્ઞાનિક અધિષ્ઠાન પર નીકળેલા છે, અને મને વિશ્વાસ છે અને આજે મેં જે સંશોધન કેન્દ્ર જોયું, કોઈ પણ આધુનિક સંશોધન કેન્દ્ર જોઈએ; બરાબર તેની સરખામણીમાં ઊભું થયેલું છે, મા ગંગાના કિનારા ઉપર આ કામ.
અને એટલા માટે હું બાબાને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું. ભારત સરકાર, જયારે અટલજીની સરકાર હતી દેશમાં, ત્યારે આપણા દેશમાં એક આરોગ્ય નીતિ આવી હતી. આટલા વર્ષો પછી જયારે અમારી સરકાર બની, તો ફરીથી અમે દેશ માટે એક આરોગ્ય નીતિ લઈને આવ્યા છીએ. સર્વગ્રાહી આરોગ્ય કાળજીનો દ્રષ્ટિકોણ લઈને આવ્યા છીએ. અને હવે દુનિયા માત્ર તંદુરસ્ત રહેવા માગે છે એવું નથી, બીમારી ના થાય ત્યાં સુધી અટકવા નથી માગતી, હવે લોકોને સુખાકારી જોઈએ, અને એટલા માટે ઉપાય પણ સર્વગ્રાહી આપવા પડશે. પ્રતિબંધક આરોગ્ય કાળજી ઉપર જોર આપવું પડશે, અને પ્રતિબંધક આરોગ્ય કાળજીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો જે છે, અને સસ્તામાં સસ્તો રસ્તો છે, તે છે સ્વચ્છતા. અને સ્વચ્છતામાં કોણ શું કરે છે તે પછીના સમય પર છોડીએ આપણે. આપણે નક્કી કરીએ, સવા સો કરોડ દેશવાસી નક્કી કરે કે હું ગંદકી નહીં કરું. કોઈ મોટો સંકલ્પ લેવાની જરૂર નથી, દેશની માટે સીમા પર જઈને જવાનોની જેમ મરી મીટવાની જરૂર નથી; નાનકડું કામ, હું ગંદકી નહીં કરું.
તમને કલ્પના છે એક ડોક્ટર જેટલી જિંદગી બચાવી લે છે, તેના કરતા વધારે બાળકોની જિંદગી તમે ગંદકી ના કરીને બચાવી શકો છો. તમે એક ગરીબને દાન-પુણ્ય આપીને જેટલું પુણ્ય કમાવ છો, ગંદકી ના કરીને એક ગરીબ જયારે સ્વસ્થ રહે છે, તો તમારું દાન રૂપિયામાં આપીએ છીએ, તેના કરતા પણ વધારે મુલ્યવાન થઇ જાય છે. અને મને ખુશી છે કે દેશની જે નવી પેઢી છે, આવનારી પેઢી, નાના નાના બાળકો, દરેક ઘરમાં તેઓ ઝઘડો કરે છે. જો પરિવારના વૃદ્ધ વ્યક્તિએ, બુઝુર્ગે કોઈ એક જો નાની એવી વસ્તુ ફેંકી દીધી, કારમાં જઈ રહ્યા છે, જો પાણીની બોટલ બહાર ફેંકી દીધી તો દીકરો કાર ઊભી રખાવે છે, નાનો પૌત્ર પાંચ વર્ષનો, કાર ઊભી રખાવે છે, ઊભા રહો, મોદી દાદાએ ના પાડી છે, તે બોટલ પાછી લઈ આવો, એવો માહોલ બની રહ્યો છે. નાના નાના બાળકો પણ મારા આ સ્વચ્છતા આંદોલનના સિપાહી બની ગયા છે. અને એટલા માટે પ્રતિબંધક આરોગ્ય કાળજી, તેને આપણે જેટલું જોર આપીશું, આપણે આપણા દેશના ગરીબોની સૌથી વધારે સેવા કરીશું.
ગંદકી બીજું કોઈ નથી કરતું, ગંદકી આપણે કરીએ છીએ. અને આપણે જ પછી ગંદકી ઉપર ભાષણ આપીએ છીએ. જો એકવાર આપણે દેશવાસીઓ ગંદકી ના કરવાનો નિર્ણય લઈએ, આ દેશમાંથી બીમારીને કાઢી નાખવા માટે, તંદુરસ્તી લાવવા માટે આપણને કોઈપણ સફળતા મેળવવામાં અડચણો નહીં આવે.
આપણી ઉદાસીનતા એટલી જ છે કે આપણે આટલો મોટો હિમાલય, હિમાલયની જડીબુટ્ટી, ભગવાન રામચંદ્રજી અને લક્ષમણજીની ઘટનાઓથી પરિચિત, હનુમાનજી જડીબુટ્ટી માટે શું શું નહોતા કરતા, તે બધી વાતોથી પરિચિત, અને આપણે એટલા સહજ થઇ ગયા હતા કે દુનિયાના દેશ, જેમને જડીબુટ્ટી શું હોય છે, તે ખબર નહોતી, પરંતુ જયારે તેમને ખબર પડી કે આની ખુબ મોટી વ્યાપારી કિંમત હોય છે, દુનિયાના બીજા દેશોએ પેટન્ટ કરાવી લીધી. હળદરની પેટન્ટ પણ કોઈ બીજો દેશ કરાવી દે છે, આમલીની પેટન્ટ પણ કોઈ બીજો દેશ કરાવી દે છે. આપણી એ ઉદાસીનતા, આપણી શક્તિને ભૂલી જવાની આદતો, તેણે આપણું ઘણું નુકસાન કર્યું છે.
આજે વિશ્વમાં આયુર્વેદિક દવાઓ, તેનું એક ખુબ મોટું બજાર ઊભું થયું છે. પણ જેટલી માત્રામાં દુનિયામાં આ આયુર્વેદિક દવાઓ પહોંચાડવામાં ભારતે જે તાકાત દેખાડવી જોઈએ, હજુ ઘણું કરવાનું બાકી છે.
આ પતંજલિ સંસ્થાન દ્વારા આ જે સંશોધન અને નવિનીકરણ થઇ રહ્યું છે, તે દુનિયાના લોકોને સર્વગ્રાહી અને સુખાકારી માટે જે માળખું છે, તેમને આ દવાઓ આવનારા દિવસોમાં કામ આવશે. આપણા દેશમાં ઘણા વર્ષો પહેલા ભારત સરકારે આયુર્વેદનો પ્રચાર કેવી રીતે થાય, તેના માટે એક હાથી કમીશન બેસાડ્યું હતું, જયસુખલાલ હાથી કરીને, તેમનું એક કમીશન બેસાડ્યું હતું. તે કમિશને જે રીપોર્ટ આપ્યો હતો, તે રીપોર્ટ ખુબ રસપ્રદ હતો. તે રીપોર્ટના પ્રારંભમાં જ લખ્યું છે કે આપણું આયુર્વેદ એટલા માટે લોકો સુધી નથી પહોંચતું કારણકે તેની જે પદ્ધતિ છે તે આજના યુગને અનુકુળ નથી. તેઓ એટલી બધી થેલા ભરી ભરીને જડીબુટ્ટીઓ આપશે અને પછી કહેશે આને ઉકાળજો, આટલા પાણીમાં ઉકાળજો, પછી આટલો રસ રહેશે, એક ચમચીમાં લેજો, પછી આમાં ફલાણું જોડજો, ઢીંકણું ઉમેરજો અને પછી લેજો. તો જે સામાન્ય વ્યક્તિ હોય છે તેને લાગે છે કે ભાઈ આ કોણ કૂડો કચરો કરશે, તેના બદલે ચાલો ભાઈ દવા લઇ આવીએ, દવાની ગોળી ખાઈ લઈએ, આપણી ગાડી ચાલી જશે. અને એટલા અંતે તેમણે કહ્યું હતું કે સૌથી પહેલી જરૂરિયાત છે, ઘણા વર્ષો પહેલાનો રીપોર્ટ છે આ. સૌથી પહેલી જરૂરિયાત છે આયુર્વેદિક દવાઓનું પેકેજીંગ. જો તેનું પેકેજીંગ આધુનિક દવાઓની જેમ કરી દઈશું તો લોકો આ સર્વગ્રાહી આરોગ્ય કાળજી તરફ વળી જશે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે તે ઉકાળવાવાળી જડીબુટ્ટીઓ ક્યાંય લેવા નથી જવું પડતું, દરેક વસ્તુ તૈયાર મળે છે.
હું સમજુ છું કે આચાર્યજીએ પોતાની જાતને આમાં હોમી દીધેલી છે. અને આજે જે પુસ્તકનું લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે, મને વિશ્વાસ છે કે દુનિયાનું આ પુસ્તક પર ધ્યાન જશે. મેડીકલ સાયન્સ સાથે જોડાયેલા લોકોનું ધ્યાન જશે. પ્રકૃતિદત્ત વ્યવસ્થા કેટલી સામર્થ્યવાન છે, તે સામર્થ્યને જો આપણે સમજીએ છીએ તો જીવન કેટલું ઉજ્જવળ થઇ શકે છે, તે જો વ્યક્તિને એક બારી ખોલીને આપી દે છે, આગળ વધવા માટે ઘણો મોટો અવસર આપી દે છે.
મને વિશ્વાસ છે કે બાલકૃષ્ણજીની આ સાધના, બાબા રામદેવનું મિશન મોડમાં સમર્પિત આ કામ અને ભારતની મહાન ઉજ્જવળ પરંપરા, તેને આધુનિક રૂપ રંગની સાથે, વૈજ્ઞાનિક અધિષ્ઠાનની સાથે આગળ વધારવાનો જે પ્રયાસ છે, તે ભારતના માટે વિશ્વમાં પોતાની એક જગ્યા બનાવવાનો આધાર બની શકે છે. દુનિયાનો એક ઘણો મોટો વર્ગ છે જે યોગ સાથે જોડાયેલો છે, આયુર્વેદ સાથે પણ જોડવા માગે છે, આપણે તે દિશામાં પ્રયાસ કરીશું.
હું ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનું મને સૌભાગ્ય મળ્યું, ખાસ કરીને મને સન્માનિત કર્યો, હું માથું નમાવીને બાબાને પ્રણામ કરું છું, આપ સૌને અભિનંદન આપું છું, અને મારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ આપું છું. આભાર!!