ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.
હું સૌપ્રથમ દેશનું ગૌરવ વધારનારી એક દિકરીની પ્રશંસા કરવા ઇચ્છું છું. તમે લોકોએ જોયું હશે કે આસમનાં નવગાંવ જિલ્લાનાં ડીનગામની એક નાની દિકરી હિમા દાસે કમાલ કરી દીધો છે. જેમણે ટીવી પર જોયું હશે તેમને આ ઘટનાની જાણ હશે. મેં આજે એક વિશેષ ટ્વીટ કર્યું હતું. સ્ટેડિયમમાં બેઠેલ કમેન્ટેટેર પણ ચોંકી ગયા હતા, તેને આશ્ચર્ય થયું હતું કે, વિશ્વ ચેમ્પિયનોને પાછળ રાખીને હિંદુસ્તાનની એક દિકરી દરેક સેકન્ડથી આગળ નીકળી ગઈ. તેમનાં માટે પણ આ ચમત્કાર હતો કે, હિંદુસ્તાનની એક દિકરીએ આંતરરાષ્ટ્રીય દિગ્ગજોને પાછળ રાખી દીધા. કમેન્ટેટર જે રોમાંચ સાથે બોલતાં હતાં. તેને સાંભળીને દરેક હિંદુસ્તાનીની છાતી ગર્વથી ફુલાઈ જાય. હિમા દાસે બહુ મોટું કામ પાર પાડ્યું હતું, ભારતનું નામ રોશન કર્યું હતું અને તેનો વિજય નક્કી થયા પછી તે પોતાનો હાથ ઊંચો કરીને એ તિરંગા ઝંડાની રાહ જોતી દોડી રહી હતી અને જેવો તિરંગો ઝંડો આવ્યો એવો તેણે લહેરાવ્યો. તે આપણાં રાષ્ટ્રધ્વજની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરતી હતી. બીજું, તેણે જીતનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. તે પોતાનો અસમિયો ગમછો પણ ગળામાં નાંખવાનું ભૂલી નહોતી. જ્યારે તેને મેડલ મળ્યું, તે ઊભી હતી, હિંદુસ્તાનનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો, ત્યારે જન-ગણ-મન શરૂ થયું. તમે જોયું હશે કે, 18 વર્ષની હિમા દાસની આંખોમાંથી ગંગા-જમના વહેતી હતી. તે માં ભારતીને સમર્પિત હતી. આ દ્રશ્ય સવા સો કરોડ હિંદુસ્તાનીઓને એક નવી પ્રેરણા અને ઊર્જા આપે છે. નાનાં ગામમાં ચોખાની ખેતી કરનારા ખેડૂત પરિવારની દિકરી 18 મહિના પહેલા જિલ્લામાં રમતી હતી, ક્યારેય રાજ્યમાં પણ રમી નહોતી, એ અત્યારે 18 મહિનાની અંદર દુનિયામાં હિંદુસ્તાનનું નામ રોશન કરીને આવી ગઈ. હું હિમા દાસને ખૂબ અભિનંદન પાઠવું છું, તમને પણ કહું છું કે, તાળીઓ વગાડીને હિમા દાસનું ગૌરવ ગાન કરો. આપણી એ આસમની દિકરીએ દેશનું નામ રોશન કર્યું છે. ખૂબ-ખૂબ અભિનંદન.
ભાઈઓ અને બહેનો, બાબા ભોલેનાથનો પ્રિય શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. થોડાં દિવસોમાં કાશીમાં દેશ અને દુનિયાભરમાંથી શિવભક્તોનો મેળો જામશે. આ ઉત્સવની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ભાઈઓ અને બહેનો, અત્યારે જ્યારે આપણે ઉત્સવની તૈયારીમાં લાગ્યાં છીએ, ત્યારે સૌપ્રથમ હું એ પરિવારોની પીડા તમારી સાથે વહેંચવા ઇચ્છું છું, જેમણે થોડાં દિવસો અગાઉ થયેલી દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવ્યાં છે. બનારસમાં જે દુર્ઘટના થઈ, તેમાં અમૂલ્ય જીવ ગુમાવવા પડ્યાં હતાં. આ ખૂબ દુઃખદ ઘટના હતી. તેમાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનાર તમામ પીડિત પરિવારો પ્રત્યે મને લાગણી છે. બીજાની પીડાને વહેંચવી, તેમને સાથ સહકાર આપવો અને સૌહાર્દની ભાવના રાખવી – આ જ કાશીની વિશેષ ઓળખ છે. ભોલેબાબા જેવું ભોળપણ દરેકનાં દુઃખ દર્દને પોતાનામાં સમાવતી ગંગા મૈયા જેવો સ્વભાવ બનારસની ઓળખ છે. દેશ અને દુનિયામાં બનારસી ગમે ત્યાં રહે, પણ તે આ સંસ્કારોને ક્યારેય ભૂલતો નથી. સાથિઓ, સદીઓથી બનારસ અસ્તિત્વમાં છે અને તેની પરંપરાઓમાં રચેલું વસેલું છે. તેની પૌરાણિક ઓળખને ઊંચાઈ પર પહોંચાડવા, કાશીને એકવીસમી સદીની જરૂરિયાત મુજબ વિકસાવવાનો પ્રયાસ છેલ્લાં ચાર વર્ષથી સતત ચાલુ છે. નવા ભારત માટે નવાં બનારસનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો આત્મા પ્રાચીન જ હશે, પણ કાયા આધુનિક હશે. તેની રજે રજમાં સંસ્કૃતિ અને સંસ્કાર હશે, પણ વ્યવસ્થાઓ સ્માર્ટ સિસ્ટમ સાથે સજ્જ હશે. પરિવર્તનનાં માર્ગે અગ્રેસર બનારસની આ તસવીર અત્યારે ચારે તરફ દેખાઈ રહી છે.
અત્યારે મીડિયામાં, સોશિયલ મીડિયામાં કાશીનાં માર્ગો, ચાર રસ્તાઓ, શેરીઓ, ઘાટો અને તળાવોની તસવીરો જે પણ જુએ છે, તેમનું મન આનંદિત થાય છે. માથા પર લટકતાં વીજળીનાં તાર હવે જોવા મળતાં નથી. માર્ગો પર પ્રકાશ પથરાયેલો છે. રંગબેરંગી રોશની વચ્ચે ફુવારાનાં દ્રશ્યો મનને સ્પર્શી જાય છે. સાથિઓ, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન બનારસમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ થઈ ગયું છે અને આ ક્રમ સતત ચાલી રહ્યો છે. વર્ષ 2014 પછી અમારી સામે અનેક પડકારો હતાં. અગાઉની સરકારો પાસેથી કાશીનાં વિકાસ માટે બહુ સહયોગ મળ્યો નહોતો. સહયોગ મળવાની વાત તો એક બાજુએ રહી, અમારાં કામમાં અવરોધો ઊભા કરવામાં આવતાં હતાં. પણ જ્યારે તમે જંગી બહુમતી સાથે લખનૌમાં ભાજપની સરકારનું સમર્થન કર્યું છે, ત્યારે સંપૂર્ણ ઉત્તરપ્રદેશમાં કાશીનાં વિકાસને વેગ મળ્યો છે. આજ ક્રમને જાળવી હજુ હમણાં મેં લગભગ એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં કુલ 30થી વધારે પ્રોજેક્ટ અહીંનાં માર્ગો, પરિવહન, પાણી પુરવઠા, સુએજ, રાંધણ ગેસ, સ્વચ્છતા અને આ શહેરને સુંદર બનાવવા સાથે સંબંધિત છે. ઉપરાંત આવકવેરા ન્યાયપંચની સર્કિટ બેન્ચની તથા કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે સીજીએચએસ વેલનેસ સેન્ટરની સુવિધાથી પણ અહીંનાં લોકોને બહુ મોટી અનુકૂળતા મળવાની છે.
ભાઈઓ અને બહેનો, બનારસમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેનો લાભ આસપાસનાં ગામડાઓને પણ મળી રહ્યો છે. આ ગામડાઓમાં પીવાનાં પાણી સાથે જોડાયેલી અનેક યોજનાઓનું પણ આજે લોકાર્પણ થયું છે. અહીં જે ખેડૂત ભાઈઓ-બહેનો આવ્યાં છે, તેમને હું સવિશેષ અભિનંદન આપવા માગું છું. આ સભાસ્થળની પાસે જ પેરિશેબલ કારગો છે, જે અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તેનો શિલાન્યાસ કરવાની તક મને મળી હતી અને આજે લોકાર્પણ કરવાની પણ તક મળી છે એ મારું સૌભાગ્ય છે. સાથિઓ, કાર્ગો સેન્ટર અહીંનાં ખેડૂતો માટે મોટું વરદાન સાબિત થવાનું છે. બટાટાં, વટાણાં, ટમાટાં જેવી શાકભાજીઓ બહુ ઓછા સમયમાં બગડી જાય છે, તેમનો સંગ્રહ કરવાની ઉચિત વ્યવસ્થા અહીં તૈયાર કરવામાં આવી છે. હવે તમારે ફળફળાદિ અને શાકભાજીઓને સડવા-બગડવાથી નુકસાની નહીં વેઠવી પડે. રેલવે સ્ટેશન પણ દૂર નથી. તેમાંથી હવે શાકભાજીઓ અને ફળફળાદિ બીજા શહેરોમાં મોકલવામાં પણ તમને સરળતા રહેશે.
ભાઈઓ અને બહેનો, ટ્રાન્સપોર્ટેશનથી ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવહનથી પરિવર્તનનાં આ માર્ગ પર આ સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને દેશનાં પૂર્વીય વિસ્તારો પર અમે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. થોડાં સમય અગાઉ આઝમગઢમાં દેશનાં સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ પણ આ જ દ્રષ્ટિકોણનો ભાગ છે.
સાથિઓ, કાશી નગરી હંમેશા મોક્ષદાયિની રહી છે અને જીવનનાં સત્યની શોધમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પણ અત્યારે કાશી જીવનમાં આવતાં સંકટોને તબીબી વિજ્ઞાનનાં માધ્યમથી ઓછું કરવાનું કેન્દ્ર પણ બની રહી છે. તમારાં સાથ-સહકારથી બનારસ પૂર્વીય ભારતનાં એક આરોગ્ય કેન્દ્ર સ્વરૂપે વિકસવા લાગ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રમાં જાણીતી આપણી બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) અત્યારે ચિકિત્સાનાં ક્ષેત્રમાં જગપ્રસિદ્ધ છે. તમને જાણીને આનંદ થશે કે, હજુ થોડાં સમય અગાઉ બીએચયુએ એઈમ્સ સાથે વૈશ્વિક સ્તરની આરોગ્ય સંસ્થા બનાવવા માટે સમજૂતી કરી છે. આ રીતે કાશીને આરોગ્યનું કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઝડપથી તેનાં પરિણામો તમને જોવા મળશે. આવા સમયમાં બનારસમાં રહેતા લોકોની સાથે અહીં અવરજવર કરનાર લોકો માટે પણ જોડાણ બહુ મહત્ત્વપૂર્ણ છે. આ માટે રેલવે હોય કે રોડ હોય – અનેક સુવિધાઓ આજે કાશીને મળી રહી છે. આ જ દિશામાં અહીં કેન્ટ રેલવે સ્ટેશનને નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. વારાણસીથી અલ્હાબાદ અને છપરા સાથે જોડનાર ટ્રેકના ડબલિંગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વારાણસીથી બલિયા સુધી વિદ્યુતીકરણનું કામ પણ પૂરું થઈ ગયું છે અને અત્યારે આ સેક્શન પર મેમું ટ્રેન પણ ચાલી રહી છે. આજે મેં લીલી ઝંડી આપીને એ ટ્રેનને વિદાય આપી છે. આજે સવારે આ ટ્રેનથી બલિયા અને ગાઝીપુરનાં લોકો અહીં આવશે અને પછી પોતાનું કામ કરીને સાંજે આ જ ટ્રેનમાં પરત ફરશે. હવે લાંબા અંતરની ટ્રેનોની ભીડમાંથી અહીંનાં લોકોને રાહત મળશે.
સાથિઓ, અહીં કાશીમાં ભક્તોને, શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધા આપવાનો પ્રયાસ ચાલુ છે. દેશ અને દુનિયામાં બાબા ભોલેનાં જે ભક્તો છે, જેઓ કાશી આવે છે, તેમને અવર-જવરમાં મુશ્કેલી ન પડે એની વ્યવસ્થા કરવામાં આવે છે. પંચકોશી માર્ગને પહોળો કરવાનું કામ પણ આજથી શરૂ થઈ ગયું છે. સાથે-સાથે આસ્થા અને સાંસ્કૃતિક મહત્ત્વનાં જેટલાં સ્થળો કાશીમાં છે તેમને જોડતાં બે ડઝન માર્ગોને સુધારવામાં આવ્યાં છે અથવા નવેસરથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. થોડાં સમય અગાઉ આ માર્ગોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો, કાશી પર્યટનનાં આંતરરાષ્ટ્રીય નકશાં પર મુખ્ય કેન્દ્ર સ્વરૂપે વિકસી રહ્યું છે. આજે અહીં આંતરરાષ્ટ્રીય સંમેલન સેન્ટર રુદ્રાક્ષનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ જાપાનનાં પ્રધાનમંત્રી અને મારાં પરમ મિત્ર શિન્જો આબેજી મારી સાથે કાશી આવ્યાં હતાં અને આ મુલાકાત દરમિયાન તેમણે આ ભેટ ભારતને, કાશીવાસીઓને આપી હતી. આગામી દોઢથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. બધા કાશીવાસીઓ તરફથી, દેશવાસીઓ તરફથી હું આ ભેટ બદલ જાપાનનાં પ્રધાનમંત્રી શ્રી શિન્જો આબેજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સાથિઓ, મને ખુશી છે કે કાશી જ નહીં, પણ સમગ્ર ઉત્તરપ્રદેશમાં પર્યટનને યોગીજી અને તેમની ટીમ પ્રોત્સાહન આપે છે. આ માટે સ્વચ્છતા અને સ્મારકોને સુંદર બનાવવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સ્વચ્છતા પર, સ્વચ્છ ભારત અભિયાનને તમે બધા, ઉત્તરપ્રદેશની જનતાએ આગળ વધાર્યું છે, એ કામગીરી પ્રશંસનીય છે. સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ભારત માટે તમારું યોગદાન પ્રશંસનીય છે. સાથિઓ, કાશીની મહાનતા, તેની ઐતિહાસિકતા જાળવી રાખવા માટે તમે જે કરી રહ્યાં છો એની તુલના થઈ શકે તેમ નથી.
પણ આપણે ચાર વર્ષ અગાઉનો સમય ન ભૂલવો જોઈએ. ચાર વર્ષ અગાઉ વારાસણીની વ્યવસ્થા સંકટમાં હતી. દરેક તરફ કચરો, ગંદકી, અતિ નબળી સ્થિતિમાં હૉલ-પાર્ક, ખરાબ માર્ગો, ઓવરફ્લો થતી ગટર, થાંભલા પર લટકતાં વીજળીનાં તાર, ટ્રાફિકનાં જામથી પરેશાન આખું શહેર, બાબદપુરા એરપોર્ટ સાથે શહેરને જોડતાં એ માર્ગને પણ તમારે ભૂલ્યાં નહીં હોય, જેનાં પર તમે નિર્ભર રહેતાં હતાં. ખબર નહીં કેટલાં લોકોએ પરેશાની વેઠી હશે, કેટલાં લોકો વિમાન ચુકી ગયા હશે. સ્થિતિ એવી હતી કે, પરેશાનીથી બચવા માટે લોકો એરપોર્ટને બદલે રેલવે સ્ટેશન જવાનું પસંદ કરતાં હતાં. ગંગામૈયાની, તેનાં જુદાં-જુદાં ઘાટની શું સ્થિતિ હતી, એનાથી પણ કોઈ અજાણ નથી. કઈ રીતે સંપૂર્ણ શહેર અને ગામની ગંદકી, કચરાથી ગંગાજીને અસર થઈ રહી હતી અને અગાઉની સરકારો આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં તેને કોઈ પરવા નહોતી. ગંગામૈયાનાં નામે કેટલાં રૂપિયા પાણીમાં વહી ગયા એનો કોઈ હિસાબ નથી. એક તરફ ગંગામૈયાનાં પ્રવાહ પર સંકટ હતું, ગંગાનાં પાણીની શુદ્ધતા પર જોખમ હતું, તો બીજી તરફ લોકોની તિજોરીઓ ભરાતી હતી. આ સ્થિતિમાં અમે ગંગામૈયાને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું હતું. અત્યારે ગંગામૈયાને નિર્મળ કરવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ફક્ત બનારસ જ નહીં, પણ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી એકસાથે પ્રયાસ ચાલી રહ્યાં છે. ફક્ત સાફસફાઈ નહીં, પણ શહેરોની ગંદકી ગંગામાં ન આવે, તેની વ્યવસ્થા પણ થઈ રહી છે. આ માટે અત્યાર સુધી લગભગ રૂ. 21,000 કરોડનાં મૂલ્યની 200થી વધારે યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. થોડાં સમય અગાઉ સુએઝ સાથે જોડાયેલા ઘણાં પ્રોજેક્ટનું શિલારોપણ અને લોકાર્પણ અહીં પણ કરવામાં આવ્યું છે. સાથિઓ, સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે, જે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે, એ બરોબર ચાલે, સારી રીતે ચાલે, કારણ કે અગાઉની સરકારોની આ કાર્યસંસ્કૃતિ રહી છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બનાવવામાં આવતાં હતાં, પણ તેઓ પોતાની ક્ષમતા મુજબ કામ કરતાં નહોતાં કે પછી લાંબા સમય સુધી કાર્યરત રહેતાં નહોતાં. અત્યારે જે પણ પ્લાન્ટ બનાવવામાં આવે છે તેની સાથે-સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ચાલવા જોઈએ. એટલે અમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર બનાવવાની સાથે સાથે તેને ચલાવવા પર પણ ભાર મૂકીએ છીએ. તેમાં સમય અને શ્રમ વધારે લાગે છે, પણ એક સ્થાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આગામી સમયમાં તેનું પરિણામ બનારસનાં લોકોને પણ દેખાશે.
ભાઈઓ અને બહેનો, અત્યારે જે કામ થઈ રહ્યું છે, તે બનારસને ‘સ્માર્ટ સિટી’માં પરિવર્તિત કરશે. અહીં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સંપૂર્ણ દેશનાં વહીવટનું, સરકારી સુવિધાઓનું નિયંત્રણથી અહીં જ થવાનું છે. અત્યારે આવા લગભગ 10 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સાથિઓ, ‘સ્માર્ટ સિટી’ ફક્ત શહેરનાં માળખાને સુધારવાનું અભિયાન નથી, પણ દેશને એક નવી ઓળખ આપવાનું મિશન છે. આ યુવા ભારતનુ, નવા ભારતનું પ્રતીક છે. આ જ રીતે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સામાન્ય લોકોનાં જીવનને સુગમ અને સરળ બનાવવાનું કામ કરી રહ્યાં છે. તેમાં આપણું ઉત્તરપ્રદેશ પણ અગ્રણી ભૂમિકા અદા કરી રહ્યું છે. હું યોગીજી અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું કે તમે જે ઉદ્યોગ નીતિ બનાવી છે, રોકાણ માટે જે વાતાવરણ ઊભું કર્યું છે તેનાં પરિણામ અત્યારે સામે આવી રહ્યાં છે. થોડાં દિવસ અગાઉ નોઈડામાં સેમસંગનાં ફોન બનાવતી દુનિયાની સૌથી મોટી ફેક્ટરીનું લોકાર્પણ કરવાની તક મને મળી. તેનાથી રોજગારીની હજારો તકોનું સર્જન થશે. તમને એ જાણીને ગર્વ થશે કે છેલ્લાં ચાર વર્ષમાં મોબાઇલ ફેક્ટરીઓ, મોબાઇલ ફોન બનાવતી ફેક્ટરીઓની સંખ્યા 2થી વધીને 120 થઈ ગઈ છે, જેમાંથી 50થી વધારે ફેક્ટરી આપણાં ઉત્તરપ્રદેશમાં છે. આ ફેક્ટરીઓ ચાર લાખથી વધારે નવ યુવાનોને અત્યારે રોજગારી આપે છે.
સાથિઓ, ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે-સાથે ડિજિટલ ઇન્ડિયા પણ રોજગારીનું સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યું છે. આ કડીમાં અત્યારે અહીં ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ એટલે કે ટીસીએસનાં બીપીઓની શરૂઆત થઈ છે. આ કેન્દ્ર બનારસનાં યુવાનો માટે રોજગારની નવી તકો લઈને આવ્યું છે. ભાઈઓ અને બહેનો, જ્યારે રોજગારીની વાત આવે છે, ત્યારે અહીં પણ માતાઓ અને બહેનો પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. સ્વ-રોજગારી માટે મુદ્રા યોજનાનાં માધ્યમથી ગેરેન્ટી વિના લોન કે પછી એલપીજીનું મફત સિલેન્ડર મેળવે છે. ગરીબ માતાઓ અને બહેનોનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્વચ્છ અને આરોગ્યપ્રદ ઇંધણ બધા સુધી પહોંચે એ માટે અહીં કાશીમાં બહુ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આજે શહેર ગેસ વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ પણ તેનો જ ભાગ છે. આ માટે અલ્હાબાદથી બનારસ સુધી પાઇપલાઇન પાથરવામાં આવી છે. મને ખુશી છે કે, અત્યાર સુધી બનારસમાં 8,000 ઘરોમાં પાઇપ મારફતે ગેસનું કનેક્શન પહોંચી ગયું છે અને ભવિષ્યમાં તેને 40,000થી વધારે ઘરો સુધી પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. સાથિઓ, આ ફક્ત ઇંધણ સાથે જોડાયેલી વ્યવસ્થા નથી, પણ સમગ્ર શહેરની સંપૂર્ણ પ્રણાલીને બદલવાનું અભિયાન છે. પીએનજી હોય કે સીએનજી – આ માળખાગત સુવિધાથી શહેરનાં પ્રદૂષણમાં ઘટાડો થશે. તમે વિચારો, જ્યારે બનારસની બસો, કારો અને ઓટો સીએનજીથી ચાલશે, તો તેનાથી કેટલાં લોકોને રોજગારી મળશે.
સાથિઓ, જ્યારે હું જાપાનનાં પ્રધાનમંત્રીને મળું છું કે કોઈ પણ હિંદુસ્તાની જાપાનનાં પ્રધાનમંત્રીને મળે છે અને જ્યાં પણ જાપાનનાં પ્રધાનમંત્રીને મોકો મળે છે, ત્યાં તેઓ કાશીમાં તેમને આતિથ્યસત્કારનો જે અનુભવ થયો હતો તેનાં વિશે વાત કરે છે. આવું હું સતત જોઈ રહ્યો છું. તેઓ કાશી અને અહીનાં નાગરિકોની પ્રશંસા કરે છે. અગાઉ ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મારી સાથે અહીં આવ્યાં હતાં અને કાશીવાસીઓએ ફ્રાંસનાં રાષ્ટ્રપતિનો જે સત્કાર કર્યો હતો, જે મહેમાનનવાઝી કરી, તેની વાત આખું ફ્રાંસ ગૌરવ સાથે કરે છે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ગર્વ સાથે તેનો ઉલ્લેખ કરે છે. આ કાશીની પરંપરા છે, આ કાશીનું પોતીકાપણું છે, પારકાને પોતાનાં બનાવી લેવાની કળા છે. કાશીએ દુનિયામાં પોતાની સુગંધ પ્રસરાવી છે. કાશીનો આ પ્રેમ, આ સ્નેહ અદભૂત છે. કાશીનાં મારાં ભાઈઓ અને બહેનો, તમને દુનિયાને તમારી મહેમાનનવાઝી દેખાડવાનો, તમારું પોતીકાપણું પ્રદર્શિત કરવાની તક મળી છે. તમે પૂરી તૈયારી કરશો ને? શાનદાર સ્વાગત કરશો ને? કાશીનું નામ રોશન કરશો ને? એક-એક મહેમાનનું આતિથ્યસત્કાર કરશો ને? પાક્કું? પાક્કું, પ્રોમિસ?જુઓ, કાશીમાં 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થવાનું છે. દુનિયાભરમાંથી ભારતીય લોકો આ પ્રવાસી ભારતીય દિવસમાં અતિથિ બનવાના છે. દુનિયાભરમાંથી ભારતીય મૂળનાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ – આ તમામ લોકો 21 થી 23 જાન્યુઆરી સુધી કાશીમાં આવશે. કેટલાંક લોકો તો એવા હશે, જેમનાં પૂર્વજો ત્રણ કે ચાર પેઢી અગાઉ વિદેશ ચાલ્યાં ગયાં હતાં. પછી ક્યારેય પરત ફર્યા નથી. આ પ્રકારનાં લોકોનાં સંતાનો પણ પહેલી વાર ભારતની માટીની મહેંક માણશે, તેનાં દર્શન કરશે. મને જણાવો કે આટલી મોટી ઘટના કાશી માટે પ્રતિષ્ઠાપાત્ર છે કે નહીં? આ લોકોનાં સ્વાગતની તૈયારી આપણે કરવી જોઈએ કે નહીં? દરેક વિસ્તારમાં આ દુનિયામાં આવતાં લોકોની મહેમાન નવાઝીનું વાતાવરણ બનવું જોઈએ કે ન બનવું જોઈએ? દુનિયામાં કાશીની વાહવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ. અત્યારથી તૈયારીમાં લાગી જાવ અને 21 થી 23 તેઓ અહીં રહેશે. અહીંથી તમામ મહેમાનો 24 તારીખે પ્રયાગરાજ કુંભનાં દર્શન કરવા જશે અને 26 જાન્યુઆરીનાં રોજ દિલ્હી પહોંચશે. મારો મારી કાશીવાસીઓને મહેમાન નવાઝી માટે આગ્રહ છે. હું પણ એક કાશીવાસીની જેમ તમારી સાથે ખભે ખભો મિલાવીને એ 21 તારીખે તમારી વચ્ચે રહીશ. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સંપૂર્ણ વિશ્વમાંથી ભારતનાં લોકો આવી રહ્યાં છે. બહુ મોટી અને મહત્ત્વપૂર્ણ ઘટના છે તથા એટલે તમને બધાને હું સ્વાગતની તૈયારી કરવા માટે આમંત્રણ આપું છું.
કાશીનાં મારાં ભાઈઓ અને બહેનો, આજે મને તમારી વચ્ચે આવવાની તક મળી છે. તમને બધાને અનેક યોજનાઓ આજે સમર્પિત કરવાની, શિલાન્યાસ કરવાની તક મળી છે. તમારાં સાંસદ સ્વરૂપે આ મારી જવાબદારી બને છે કે હું તમને જેટલો કામ આવી શકું, જેટલી મહેનત તમારાં માટે કરી શકું એટલી કરતો રહીશ એની ખાતરી આપું છું. હું એક વાર ફરી મારાં કાશીવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મારી સાથે જોરથી બોલો – હર-હર મહાદેવ. ખૂબ-ખૂબ ધન્યવાદ.