ભૂટાનના પ્રધાનમંત્રી શેરીંગ ટોબગેજી,
આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખીજી, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલજી,
સમગ્ર વિશ્વ તેમજ ખાસ કરીને આસિયાન દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ,
દેશભરમાંથી આવેલા ઉદ્યમીઓ અને અહી ઉપસ્થિત અન્ય મહાનુભવો,
આજી એઈ હોન મિલોનત ઉપોસ્થિત આપોના લોક હોકોલોકે મોઈ આંતોરિક હુભેસા જ્ઞાપોન કોરીસોં.
લોગોતે ઓખોમોર હોમુહો રાઈજો લોઈ મોર ગોભીર શ્રોધા જ્ઞાપોન કોરીસો.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં, હું આપ સૌનું સ્વાગત કરૂ છું.
આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.
મિત્રો!
અમે એક્ટ ઇસ્ટ પોલીસીની રચના કરી અને ઉત્તર પૂર્વ તેના હૃદયસ્થાને છે.
એક્ટ ઇસ્ટ પોલીસીમાં ભારતની પૂર્વે આવેલા દેશો અને ખાસ કરીને આસિયાન દેશો સાથે વધુમાં વધુ લોકોનો લોકો સાથેનો સંપર્ક તેમજ વ્યાપારી અને અન્ય સંબંધો મજબુત થાય તેની ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ સમિટની ટેગલાઈન ખુબ જ યથાર્થ છે અને એક મોટો સંદેશ પાઠવે છે.
“એડવાન્ટેજ આસામ : ભારતનો આસિયાન તરફનો એક્સપ્રેસ માર્ગ” – આ માત્ર એક વાક્ય નથી પરંતુ એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ છે. તાજેતરમાં જ, આપણે ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે આસિયાન ભારત સમિટનું આયોજન કર્યું હતું.
આસિયાન-ભારતની ભાગીદારી 25 વર્ષ જૂની હોઈ શકે પરંતુ આ દેશો સાથેના અમારા સંબંધો હજારો વર્ષો જુના છે. નવી દિલ્હીમાં આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે 10 આસિયાન દેશોના વડાઓને આદરણીય મુખ્ય અતિથીના રૂપમાં સત્કારવા એ ભારતની માટે એક સૌભાગ્યની વાત હતી.
બાંગ્લાદેશે હમણાં તાજેતરમાં જ ગુવાહાટીમાં વાણિજ્ય દુતાવાસની સ્થાપના કરી અને આમ કરનાર તે પ્રથમ દેશ બન્યો છે. મને એ જાણીને ખુશી થઇ કે ભૂટાનની રાજવી સરકારે પણ ગઈકાલે ગુવાહાટીમાં ભુટાનનાં વાણિજ્ય દુતાવાસનો પ્રારંભ કરાવ્યો છે.
ભાઈઓ અને બહેનો,
ભારતની વિકાસગાથામાં હજુ વધારે ઝડપ ત્યારે જ આવશે જયારે દેશના પૂર્વોત્તરમાં રહેનારા લોકોનો, અહીના સમાજનો, આ સંપૂર્ણ ક્ષેત્રનો સંતુલિત વિકાસ પણ ઝડપી ગતિથી થાય.
મારૂ માનવું છે કે ઇમ્ફાલથી લઈને ગુવાહાટી સુધી અને કોલકાતાથી લઈને પટના સુધી, પૂર્વીય ભારતને ભારતના વિકાસનું નવું ઉર્જા કેન્દ્ર બનવું જોઈએ. એ જ અમારો ધ્યેય છે, એ જ અમારો અભિગમ છે.
આ જ દ્રષ્ટિકોણ ઉપર ચાલતા છેલ્લા સાડા ત્રણ વર્ષોમાં કેન્દ્ર સરકારની તરફથી અને પાછલા દોઢ વર્ષમાં આસામ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ હવે વધુ સારી રીતે જોવા મળી રહ્યું છે.
આજે જેટલા મોટા પાયે આ આયોજન થઇ રહ્યું છે, તે કેટલાક વર્ષો અગાઉ સુધી કોઈ વિચારી પણ શકતું નહોતું.
તે એટલા માટે શક્ય બન્યું છે કારણ કે “દેશમાં કંઈ બદલી શકાય તેમ નથી” એ વિચારધારા બદલાઈ ગઈ છે. લોકોમાં હતાશાને બદલે હવે ભરોસો અને આશા છે.
સાથીઓ,
આજે દેશમાં બમણી ગતિએ રસ્તાઓ બની રહ્યા છે, બમણી ગતિએ રેલવે લાઈનોનું દ્વિમાર્ગીકરણ થઇ રહ્યું છે. લગભગ બમણી ગતિએ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થઇ રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
અમે બધી જ યોજનાઓને તે દિશા તરફ લઇ જઈ રહ્યા છીએ કે જે ગરીબ, નિમ્ન-મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગની જિંદગીમાં ગુણવત્તાયુક્ત બદલાવ લાવે.
અમે અમારી યોજનાઓને લોકોની જરૂરિયાતો સાથે જોડી રહ્યા છીએ. એવી યોજનાઓ કે જે તેમની જિંદગીને સરળ બનાવે. “ઈઝ ઓફ લીવીંગ”માં સુધારો કરે.
તમારી જાણમાં હશે કે સરકારે બજેટમાં ‘આયુષ્માન ભારત યોજના’ની જાહેરાત કરી છે. તે પોતાનામાં આ પ્રકારની વિશ્વની સૌથી મોટી યોજના છે.
સાથીઓ,
જે ગરીબીમાં ઉછર્યો છે, જે ગરીબીના કષ્ટો સહન કરીને આગળ વધ્યા છે તેમને એ બાબતનો હંમેશા અહેસાસ હોય છે કે ગરીબની માટે સૌથી મોટી ચિંતા હોય છે – બીમારીનો ઈલાજ.
જયારે કોઈ એક વ્યક્તિ ગંભીર રૂપે બીમાર થાય તો સંપૂર્ણ પરિવાર લાંબા સમય સુધી આર્થિક સંકટમાંથી બહાર નથી આવી શકતો.
ગરીબોને આ સંકટ, આ ચિંતામાંથી મુક્ત કરવા માટે અમે દેશના 10 કરોડથી વધુ પરિવારોને ‘આયુષ્માન ભારત’ સાથે જોડી રહ્યા છીએ.
આ યોજના હેઠળ દરેક ગરીબ પરિવારને નિર્ધારિત દવાખાનાઓમાં વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ કરવાની સુવિધા આપવામાં આવશે. આ યોજનાથી લગભગ-લગભગ દેશના 45થી 50 કરોડ લોકોને ફાયદો થશે.
આ યોજનાના કારણે દ્વિતિય અને તૃતિય શ્રેણીના શહેરોમાં દવાખાનાઓની શ્રુંખલા બનાવવાની સંભાવના વધી ગઈ છે. યુવાનો માટે આ સંપૂર્ણ ખાતરીયુક્ત રોજગારીનું માધ્યમ બનશે.
તેનાથી ભારતના આંતરિક વિસ્તારોમાં મૂડી રોકાણના અવસરો ઉપલબ્ધ થશે. હું રાજ્ય સરકારોને પણ આગ્રહ કરીશ કે નવા દવાખાનાઓના નિર્માણ માટે નીતિઓ બનાવવામાં આવે. ‘આયુષ્માન ભારત’ સિવાય પણ સરકારે પોતાની બે અન્ય યોજનાઓના માધ્યમથી, ગરીબોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ચિંતાને ઘણી ઓછી કરી છે.
આ સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને જીવન જ્યોતિ યોજના વડે દેશના 18 કરોડથી વધુ ગરીબોને સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. તેમને મોટી ચિંતાથી મુક્ત કર્યા છે.
આ સિવાય, 3 હજારથી વધુ જન ઔષધી કેન્દ્રો ઉપર 800થી વધુ સસ્તી દવાઓનું વેચાણ, સ્ટેન્ટની કિંમતમાં 85 ટકા સુધીનો ઘટાડો, ની ઈમ્પ્લાન્ટની કિંમત ઉપર નિયંત્રણ, જેવા અનેક કાર્યો આ સરકારે કર્યા છે કે જે મધ્યમ વર્ગને પણ ઘણી મોટી રાહત આપી રહ્યા છે.
સાથીઓ,
આસિયાન દેશ હોય, બાંગ્લાદેશ ભૂટાન કે નેપાળ હોય, આપણે સૌ એક રીતે કૃષિ પ્રધાન દેશો છીએ. ખેડૂતોનો વિકાસ, આ સંપૂર્ણ ક્ષેત્રના વિકાસને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.
એટલા માટે અમારી સરકાર દેશના ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્ય ઉપર કામ કરી રહી છે.
આ લક્ષ્યની પ્રાપ્તિ માટે જ્યાં એક તરફ સરકારનું જોર એ વાત પર છે કે ખેડૂતને ખેતી ઉપર થનારા ખર્ચને ઓછો કરી શકે, ત્યાં જ ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે તે તરફ પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સરકાર કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવા જઈ રહી છે. અમે હમણાં બે દિવસ પહેલા જ ખેડૂતોને પાકની યોગ્ય કિંમત અપાવવા માટે અન્ય એક વધુ મોટા નિર્ણયની જાહેરાત કરી છે. તે અંતર્ગત ખેડૂતોને તેમના પાકોનું ઓછામાં ઓછું 50 ટકા એટલે કે દોઢ ગણું મુલ્ય નિશ્ચિત કરવામાં આવશે.
આ સિવાય સરકાર 22 હજાર ગ્રામીણ હાટને ગ્રામીણ કૃષિ બજાર તરીકે વિકસિત કરશે અને તેને ઈ-નામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
કેટલાક અઠવાડિયા અગાઉ અમે બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આજે હું ઉત્તર પૂર્વમાં છું તો તે નિર્ણયનો જરૂરથી ઉલ્લેખ કરવા માંગીશ.
સાથીઓ,
વૈજ્ઞાનિક રીતે વાંસ, ઘાસની શ્રેણીમાં આવે છે. પરંતુ લગભગ 90 વર્ષ પહેલા આપણે ત્યાં કાયદા બનાવનારાઓએ તેને વૃક્ષનો દરજ્જો આપ્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે વાંસ ભલે ગમે ત્યાં ઉગે, તેને કાપવા માટે, તેને રોપવા માટે, પરવાનગીની જરૂર પડતી હતી, મંજુરી મેળવવી પડતી હતી.
મને લાગે છે કે સમગ્ર દેશમાં જો કોઈ વિસ્તારના લોકોને સૌથી વધુ નુકસાન આ કાયદાથી થયું હોય તો તે ઉત્તર-પૂર્વના લોકોનું જ નુકસાન થયું છે.
આટલા વર્ષોમાં દેશ આઝાદ થયો, કેટલીય સરકારો આવી અને ગઈ, પરંતુ વાંસને વૃક્ષની પરિભાષાથી અલગ કરીને દેશના લાખો ખેડૂતો, આદિવાસીઓને લાભ પહોંચાડવાનું કામ અમારી સરકારે જ કર્યું છે.
હવે અમે લગભગ 1300 કરોડની મૂળ કિંમતથી ‘રાષ્ટ્રીય વાંસ મિશન’ને પુનર્ગઠીત કરી રહ્યા છીએ. ઉત્તર પૂર્વના લોકોને ખાસ કરીને અહીંના ખેડૂતોને બજેટ દ્વારા વધુ એક ફાયદો મળવા જઈ રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આપણે ત્યાં કૃષિ માટે ધિરાણ મેળવવું સરળ રહ્યું છે, પરંતુ જે ખેતી સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો હોય છે, જેમ કે મરઘાઉછેર, મત્સ્યઉદ્યોગ, મધમાખી ઉછેર, પશુપાલન, તેની માટે ધિરાણ લેવામાં ખેડૂતોને મુશ્કેલી પડતી હતી. હવે અમે 10 હજાર કરોડની રકમ સાથે ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને ધ્યાનમાં રાખીને બે માળખાગત ફંડની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે.
સરકારે ખેડૂત ક્રેડીટ કાર્ડ દ્વારા ઋણ મેળવવાનો માર્ગ પણ સરળ કરી દીધો છે.
આ સરકારે વાજબી ભાવે ઘર આપવા માટે પણ એવા એવા નીતિગત નિર્ણયો લીધા છે, સુધારા કર્યા છે, કે જે દેશના દરેક ગરીબને ઘર આપવાના સરકારના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં લગભગ એક કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. અમે હમણાં જ બજેટમાં જાહેરાત કરી છે કે આ વર્ષની સાથે સાથે આવતા વર્ષે પણ 51 લાખ નવા ઘરો બનાવવામાં આવશે.
નિમ્ન મધ્યમવર્ગ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને સરકાર આ વર્ગને વ્યાજમાં ઘણી છૂટ પણ આપી રહી છે.
તેના સિવાય રેરા- એટલે કે રીયલ એસ્ટેટ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ એક્ટના કારણે પણ આ ક્ષેત્રમાં પારદર્શકતા આવી છે અને મધ્યમ વર્ગને ઘર મળવામાં સરળતા થઇ છે.
વાજબી ભાવે ઘર બનાવવાના ક્ષેત્રમાં આ દિવસોમાં મૂડી રોકાણ ઘણું વધ્યું છે, હું વિદેશના લોકોને પણ આ ક્ષેત્રમાં આગળ વધીને ભાગ લેવાની અપીલ કરૂ છું.
ભાઈઓ અને બહેનો,
સરકારની એક યોજના કઈ રીતે દેશમાં ઉર્જા ક્રાંતિ લાવી રહી છે, કઈ રીતે મધ્યમ વર્ગને મોટી રાહત આપી રહી છે, તેનું ઉદાહરણ છે- ઉજાલા યોજના. પહેલાની સરકારના સમયમાં સાડા ત્રણસો રૂપિયામાં વેચાનારો એક એલઈડી બલ્બ હવે 40થી 45 રૂપિયામાં મળી રહ્યો છે. એક અનુમાન છે કે જે ઘરોમાં 5 એલઈડી બલ્બ લાગેલા છે તે પરિવારોને દર મહીને ઓછામાં ઓછી 400થી 500 રૂપિયા વીજળીના બીલમાં બચત થઇ રહી છે. હમણાં સુધી ઉજાલા યોજના હેઠળ દેશમાં 28 કરોડથી વધુ એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવી ચુક્યા છે. તેના કારણે દેશના મોટાભાગના મધ્યમ વર્ગના લોકોને દર વર્ષે લગભગ 15 હજાર કરોડ રૂપિયાની બચત વીજળીના બીલમાં થઇ રહી છે. આસિયાન દેશોમાં પણ એલઈડી બલ્બની માંગ વધી છે અને આ ભારતીય વેપારીઓ માટે સારો અવસર છે.
સાથીઓ,
લક્ષ્ય નક્કી કરીને કામ પૂરૂ કરવું એ આ સરકારની કાર્ય સંસ્કૃતિ છે, વર્ક કલ્ચર છે.
આસામના લોકોને એ વાતનો અહેસાસ છે કે કઈ રીતે જે ઢોલા સાદિયા પુલનું મેં લોકાર્પણ કર્યું હતું, તે પુલનું કામ જો પહેલાની ગતિએ ચાલતું રહેલુ હોત તો તે પુલ આજે પણ બની જ રહ્યો હોત.
અમે સરકારમાં સંપૂર્ણ શાસનતંત્રના કામ કરવાની રીતને બદલવાનું કાર્ય કર્યું છે. તેનું જ પરિણામ છે કે અમે માત્ર સમય પર યોજનાઓ જ પૂરી નથી કરી રહ્યા પરંતુ હવે એવી સ્થિતિમાં છીએ કે યોજનાઓને સમયથી પહેલા પૂરી કરી શકીએ.
એ જ રીતે ગરીબ મહિલાઓને લાકડાના ધુમાડાથી મુક્તિ અપાવનારી ઉજ્જવલા યોજનાને પણ અમે સમયની પહેલા પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.
અમારૂ લક્ષ્ય હતું કે 2019 સુધીમાં 5 કરોડ ગરીબ મહિલાઓને મફત ગેસના જોડાણો આપી દઈશું. અત્યાર સુધીમાં આ યોજના મારફતે 3 કરોડ 30 લાખથી વધુ મહિલાઓને લાભ આપી દેવામાં આવ્યો છે.
હવે આ બજેટમાં અમે નક્કી કર્યું છે કે હવે ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ મહિલાઓને મફત ગેસના જોડાણો આપવામાં આવશે.
સાથીઓ,
2014ની પહેલાના દસ વર્ષોમાં આપણી નવયુવાન પેઢીની મહત્વાકાંક્ષાને જે રીતે નજરઅંદાજ કરવામાં આવી તે ક્યારેય ભૂલી શકાય તેવી બાબત નથી.
દેશના નવયુવાનની ઈચ્છા હતી પોતાના બળ પર કઈક કરવાની. પરંતુ જયારે તે બેંક પાસેથી લોન માંગવા જતો હતો, તો તેની પાસેથી બેંકની બાહેંધરી માંગવામાં આવતી હતી. મુદ્રા યોજના મારફતે બેંક ગેરંટી આપવાના આ અવરોધને જ અમે ખતમ કરી દીધો.
આ યોજનાએ છેલ્લા ત્રણ વર્ષોમાં દેશને ત્રણ કરોડ નવા ઉદ્યોગ સાહસિકો આપ્યા છે. આ એવા લોકો છે જેમણે પોતાનું કામ શરૂ કર્યું છે, જે સ્વરોજગાર કરી રહ્યા છે.
આ વર્ષના બજેટમાં સરકારે મુદ્રા યોજના દ્વારા લોકોને સ્વરોજગાર માટે 3 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
તેના સિવાય સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા મિશનના માધ્યમથી પણ યુવાનોને સશક્ત કરવાનું કામ આ સરકાર કરી રહી છે. એ સિવાય સરકાર, શ્રમએવ જયતેના સિદ્ધાંત પર ચાલીને શ્રમ કાયદાઓમાં પણ સતત સુધારો કરી રહી છે, પ્રક્રિયાઓને સરળ બનાવી રહી છે.
પહેલા જ્યાં ઉદ્યમીઓને શ્રમ કાયદાઓના પાલન માટે 50થી વધુ રજીસ્ટરો રાખવા પડતા હતા, ત્યાં જ હવે માત્ર અને માત્ર પાંચ રજીસ્ટરથી કામ ચાલી જાય છે.
શ્રમ સુવિધા પોર્ટલના માધ્યમથી અમે મોટાભાગની પ્રક્રિયાઓને ઓનલાઈન કરી દીધી છે. હવે તો દેશમાં માત્ર એક જ દિવસમાં નવી કંપનીની નોંધણી થઇ શકે છે. જયારે અગાઉ આમાં એક એક અઠવાડિયાનો સમય લાગતો હતો.
આ બધા જ સુધારાઓનો મોટો લાભ દેશના નવયુવાનોને, દેશના નાના ઉદ્યમીઓને સૌથી વધારે થયો છે.
મિત્રો,
એમએસએમઈ ક્ષેત્રનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે કારણ કે તે આપણા ઉદ્યોગોની કરોડરજ્જુ છે. આ વર્ષના બજેટમાં અમે 250 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવતી કંપનીઓ ઉપરના આવકવેરામાં 25% સુધીનો ઘટાડો કરીને એમએસએમઈને મોટી રાહત આપી છે. તેનાથી લગભગ 99% કંપનીઓને લાભ મળશે.
જીએસટી લાગુ થવાના કારણે એમએસએમઈ ઉદ્યોગોનું ઔપચારીકરણ થવાના કારણે એમએસએમઈને નાણાકીય ક્ષેત્રમાંથી પણ ધિરાણ મેળવવામાં મદદ કરશે. હવેથી સરકાર ત્રણ વર્ષ માટે તમામ ક્ષેત્રોમાં નવા કર્મચારીઓ માટે ઈપીએફમાં 12% નું યોગદાન આપશે.
આ બજેટ વડે આવકવેરા અધિનિયમ અંતર્ગત નવા કર્મચારીઓ માટે ચુકવણી કરવામાં આવેલા પગારના 30% કર્મચારીઓ માટે વધારાની છૂટ આપવામાં આવી છે.
અમે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે અને ચોકસાઈ તથા પારદર્શકતા લાવવા માટે આવકવેરાનું ઈ-મૂલ્યાંકન પણ બહાર પાડી રહ્યા છીએ. વધુમાં ઈપીએફમાં મહિલા કર્મચારીઓનું યોગદાન ત્રણ વર્ષ માટે વર્તમાન દર 12%ના બદલે હવેથી માત્ર 8% રહેશે.
ચુકવણી પાત્ર માતૃત્વ રજાઓ 12 અઠવાડિયાથી વધારીને હવે 26 અઠવાડિયા સુધીની કરવામાં આવી છે, આ સાથે જ ઔપચારિક ક્ષેત્રમાં સ્ત્રી રોજગારને પ્રોત્સાહન આપવા માટે ઘોડિયાઘરોની પણ જોગવાઈ છે.
સાથીઓ,
સરકારની આવી યોજનાઓ ગરીબોને સશક્ત કરી રહી છે. પરંતુ તેમને સૌથી વધુ નુકસાન જો કોઈ વસ્તુથી થાય છે તો તે છે ભ્રષ્ટાચાર, કાળું નાણું.
અમારી સરકારની કાળા નાણા અને ભ્રષ્ટાચારને નાબુદ કરવાની પ્રતિબદ્ધતા છે.
સાથીઓ,
આજે આ મંચ ઉપરથી હું મારા દેશના ઉદ્યમી વર્ગનો આભાર વ્યક્ત કરવા માંગું છું જેમણે દેશના આર્થિક એકીકરણની વ્યવસ્થા- જીએસટીનો માત્ર સ્વીકાર જ નથી કર્યો પરંતુ આજે તેને પોતાના વ્યાવસાયિક સંસ્કૃતિમાં પણ જોડી દિધો છે.
અમારી સરકારે દેશમાં આર્થિક પારદર્શકતા લાવવા માટે એક વધુ મોટું પગલું ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડના રૂપમાં પણ ઉપાડ્યું છે.
અનેક વર્ષોથી ભારતમાં આંતરરાષ્ટ્રીય માન્યતાઓ અનુસાર આ પ્રકારની સંહિતાઓની જરૂરિયાત અનુભવવામાં આવી રહી હતી. આ જરૂરિયાતનું પણ સમાધાન આ સરકારે જ કર્યું છે.
મિત્રો!
કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં અનેક મહત્વના આર્થિક સુધારાઓ કર્યા છે કે જેમણે વેપાર કરવાની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દીધી છે.
આ જ સુધારાઓનું પરિણામ છે કે ભારત આજે વિશ્વ બેંકના ઈઝ ડુઈંગ બીઝનેસના ક્રમાંકમાં 42 ક્રમની છલાંગ લગાવીને 190 દેશોમાં 100માં ક્રમે પહોંચ્યું છે.
ભારતનું સ્થાન નવેમ્બર 2017માં અન્ય અનેક રેટિંગ જેવા કે વર્લ્ડ ઈકોનોમીક ફોરમના ગ્લોબલ કોમ્પીટીટીવનેસ ઇન્ડેક્સ અને મૂડીઝના રેટિંગમાં સંતુલિતમાંથી હકારાત્મક ક્રમે ઉન્નતી પામ્યું છે.
અમારી નીતિઓએ એ બાબતોનું ધ્યાન રાખ્યું છે કે ફુગાવાનો દર 5%થી નીચે રહે. હવે આપણી પાસે વિદેશી હુંડીયામણનો ખજાનો અમેરિકી ડોલર 418 બિલિયન જેટલો છે. સ્વચાલિત ક્ષેત્રો જેવા કે ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઈલ્સ, પ્રવાસન, બંદરો, માર્ગો અને ધોરીમાર્ગો વગેરે મારફતે 100% સીધા વિદેશી મૂડીરોકાણ માટે અનેક નવા ક્ષેત્રો ખુલ્યા છે. ભારત એ એફડીઆઈ માટે સૌથી વધુ પસંદગી પામનાર દેશ બન્યો છે. ભારતે વર્ષ 2016-17માં અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક સીધું વિદેશી મૂડીરોકાણ 60 બિલિયન યુએસ ડોલરનું મેળવ્યું છે.
વિશ્વ આજે ભારતને આર્થિક વિકાસના વિકસી રહેલા પાવર હાઉસ તરીકે જુએ છે.
મને એ જાણીને આનંદ થયો છે કે વેપાર-વાણિજ્યના સરળીકરણના અહેવાલમાં પૂર્વોત્તર રાજ્યોમાં આસામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. મને ખાતરી છે કે વર્તમાન રાજ્ય સરકારના નેતૃત્વમાં આસામ દેશમાં ઔદ્યોગિક રોકાણ માટેની માંગ ધરાવતા રાજ્યોમાંથી એકના રૂપમાં બહાર આવવા માટે પોતાની વર્તમાન સ્થિતિમાં વધુ સુધારો કરશે.
મિત્રો, આજે અમારૂ લક્ષ્ય માળખાગત રોકાણ ઉપર છે અને અને આવતા વર્ષે અમે આશરે 6 લાખ કરોડ રૂપિયા આ ક્ષેત્રમાં રોકાણ કરવા જઇ રહ્યા છીએ. આ વર્ષે અમે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અંદાજે 9000 કિલોમીટરની લંબાઈ પૂરી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
અમે ‘ભારતમાળા’ પ્રોજેક્ટ અંતર્ગત 5.35 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે 35,000 કિલોમીટરના માર્ગોનું નિર્માણ કરી રહ્યા છીએ.
રેલવે 2018-19માં 1.48 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
અમારૂ લક્ષ્ય આગામી વર્ષોમાં 600 મુખ્ય રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાનું છે. રોકાણ માટેના આ બધા જ નિર્ણયો વિકાસને ગતિ આપશે અને આવનારા વર્ષોમાં લાખો રોજગારીનું નિર્માણ કરશે તેવી અપેક્ષા છે.
સાથીઓ,
આજે હું એક અન્ય વિષય ઉપર પણ વાત કરવા માંગીશ. આ ધરતીના મહાન સપુત ભૂપેન હજારિકા જયારે માત્ર 13 વર્ષના હતા, ત્યારે તેમણે એક કવિતા લખી હતી.
ત્યારે અંગ્રેજોનું શાસન હતું, આ સંપૂર્ણ ક્ષેત્ર, સંપૂર્ણ દેશ ગુલામીના બંધનમાં જકડાયેલ હતો.
એ સમયે સ્વર્ગીય ભૂપેન હજારિકાજીએ લખ્યું હતું-
ઓગ્નીજુગૌ ફિરીન્ગૌતી મોઈ
નોતુન ઓખમ ગૌઢીમ
હરબૌહારાર હર્બસ્વ
પુનૌર ફીરાઈ આનીમ
નોતુન ઓખમ ગૌઢીમ
અર્થાત- “અગનજ્વાળાઓની જેમ ધધકતા આ યુગમાં, હું એક ચિનગારી જેવો છું,
હું એક નવા આસામનું નિર્માણ કરીશ.
જે પીડિત છે, જે વંચિત છે, તેમણે જે ગુમાવ્યું છે, તે પાછું લઈને આવીશ,
હું એક નવા આસામનું નિર્માણ કરીશ.”
સ્વતંત્રતા પહેલા દેશના જુદા જુદા ક્ષેત્રોમાં જોવામાં આવેલા આવા લાખો કરોડો વીર વીરાંગનાઓના સપનાઓને પુરા કરવાની આપણા સૌની જવાબદારી છે.
આ જવાબદારીને પૂરી કરવા માટે આપણે સૌએ 2022 સુધીમાં ન્યુ ઇન્ડિયાના સપનાને પૂરૂ કરવાનો સંકલ્પ લીધેલો છે.
સંકલ્પથી સિદ્ધિની આ યાત્રામાં ઉત્તર પૂર્વના લોકોની જરૂરિયાતોને જોતા તેમની જરૂરિયાતોને સમજીને યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને તેમને લાગુ પણ કરવામાં આવી રહી છે.
હું માનું છું કે ઉત્તર પૂર્વના 8 રાજ્યો – અષ્ટલક્ષ્મી, દેશના વિકાસના નવા વિકાસ એન્જીન છે અને તેમની ગતિ વધવાનો અર્થ છે દેશના વિકાસની ગતિ વધવી.
એટલા માટે અમારી સરકાર દ્વારા ઉત્તર પૂર્વમાં પરિવહન દ્વારા પરિવર્તનની નીતિ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.
માળખાગત બાંધકામમાં કરવામાં આવી રહેલ રોકાણ આ સંપૂર્ણ ક્ષેત્રનો ચિતાર બદલવાનું કામ કરી રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષોમાં ઉત્તર પૂર્વમાં માત્ર રેલવેમાં જ આંશિક 5300 કરોડ રૂપિયા દર વર્ષે ખર્ચ કરવામાં આવ્યા છે.
લગભગ 47 હજાર કરોડ રૂપિયાની રકમથી ઉત્તર પૂર્વમાં 15 નવી રેલવે લાઈનો ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં જયારે અગરતલા-અખૌડા રેલનું કામ પૂર્ણ થશે, ત્રિપુરા બાંગ્લાદેશની વચ્ચે રેલવે જોડાણ બનેલું રહેશે તો તેનો પૂરેપૂરો લાભ આ સંપૂર્ણ ક્ષેત્રને મળવાનો છે. સરકારે લગભગ 33 હજાર કરોડ રૂપિયાની મૂળ કિંમતથી ઉત્તર પૂર્વમાં લગભગ-લગભગ 4 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણને મંજુરી આપી દીધી છે.
એ સિવાય સરકાર આગામી બેથી ત્રણ વર્ષોમાં 90 હજાર કરોડ રૂપિયાની મૂળ કિંમતથી પૂર્વોત્તર માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરશે.
ભાઈઓ અને બહેનો,
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અટલજીના સમયમાં શરૂ થઇ હતી. અગાઉ જ્યાં આ યોજના 2022 સુધીમાં પૂરી થવાની હતી, ત્યાં જ હવે અમે તેને પૂરી કરવાનો સમય ઘટાડીને 2019 સુધીનો કરી દીધો છે.
એટલું જ નહી, આ બજેટમાં અમે એ પણ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ માત્ર ગામડાઓ જ નહીં જોડવામાં આવે પરંતુ ગામડાની મોટી શાળાઓ, દવાખાનાઓ, મોટા બજારોને પણ જોડવામાં આવશે.
અહિં ઉર્જાના ક્ષેત્રને મજબુત કરવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન અને વિતરણ સેવાને મજબુત કરવા માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
ખુબ જ ટૂંક સમયમાં ગુવાહાટીમાં વિશ્વ કક્ષાના એરપોર્ટ ટર્મિનલ ઈમારતનું કામ શરૂ થવા જઈ રહ્યું છે કે, જે આસિયાન દેશોની સાથે ઉત્તર-પૂર્વ ખાસ કરીને આસામના જોડાણોને વધુ મજબુત કરવામાં ફાળો આપશે.
‘ઉડાન યોજના’ હેઠળ પણ સરકાર ઉત્તર પૂર્વને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. અહીના 19 એરપોર્ટ અને હેલીપેડ જેમાંથી 5 તો માત્ર આસામમાં જ છે, તેમને દેશના અન્ય શહેરો સાથે જોડવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા 160થી વધુ દેશોમાંથી આવનારા પ્રવાસીઓને ઈ-વિઝાની સુવિધા અપાવવી એ પણ આ વિસ્તારમાં પ્રવાસનના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરશે.
સાથીઓ,
કેન્દ્ર સરકારે ગુવાહાટીમાં 1100 કરોડ રૂપિયાથી વધુની મૂળ કિંમત સાથેની નવી એઇમ્સને પણ મંજુરી આપી દીધી છે.
સરકાર ઉત્તર પૂર્વને પણ રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડવા માટે કામ કરી રહી છે. ત્રણ હજાર કરોડ રૂપિયાની મૂળ કિંમતથી ગેઈલ દ્વારા ગુવાહાટી સુધી ગેસ પાઈપ લાઈન પાથરવાના કામને મંજુરી આપી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક નવી યોજના- ‘ઉત્તર પૂર્વ વિશેષ માળખાગત બાંધકામ વિકાસ યોજના’ને મંજુરી આપી દીધી છે. તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ફંડિંગ કરીને માળખાગત બાંધકામ સાથે સંકળાયેલ યોજનાઓને પૂરી કરવામાં આવશે.
ઉત્તર પૂર્વમાં થઇ રહેલું આ રોકાણ, અહિયાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે, અહીના યુવાનો માટે અહીની મહિલાઓ માટે રોજગારના નવા અવસરો લઈને આવશે.
સાથીઓ,
હું આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજીને અભિનંદન આપું છું કે જેમણે ખુબ જ ઓછા સમયમાં આસામમાં વેપારને અનુકુળ અને વિકાસને અનુકુળ વાતાવરણ બનાવવાનું કામ કર્યું છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પણ આસામ સરકારે કડક નિર્ણયો લીધા છે.
આસામ સરકાર ઉદ્યોગોને સ્થાપવા માટે પ્રવાસનને વધારવા માટે ટેક્સ ઇન્સેન્ટીવ્ઝ પણ આપી રહી છે.
નવી આઈટી નીતિ,
નવી સ્ટાર્ટ અપ નીતિ,
નવી રમતગમત નીતિ,
નવી સુગર નીતિ,
નવી સૂર્ય ઉર્જા નીતિઓ પણ લાગુ કરવામાં આવી રહી છે.
હું રાજ્ય સરકારની એ વાત માટે પણ પ્રશંસા કરૂ છું કે તે ગુવાહાટીને આસિયાન દેશોની સાથે વ્યાપાર માટે એક બીઝનેસ હબના રૂપમાં વિકસિત કરી રહી છે.
ગુવાહાટીને સ્માર્ટ સીટીના રૂપમાં પણ વિકસિત કરવામાં આવી રહ્યું છે.
ફરી એકવાર હું આસામના અને ઉત્તર પૂર્વના લોકોને અનેરા ઉત્સાહ સાથે આ પ્રકારની મોટી સમિટનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. હું સમગ્ર આસિયાન અને બીબીઆઈએન દેશોમાંથી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા આવેલા અહિયાં ઉપસ્થિત મહાનુભવોનો પણ આભાર પ્રગટ કરૂ છું.
મને ખાતરી છે કે સમિટ એ માત્ર એક શરૂઆત છે અને તમારી સાથેના વર્ષો જુના સંબંધોમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરશે.
એકવાર ફરી હું ઉત્તર-પૂર્વના લોકોનો, આસામના લોકોનો આ વિશેષ આયોજન કરવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું.
અપુના-લોકોક બહુત બહુત ધન્યબાદ.
આપ સૌનો ખુબ ખુબ આભાર!!