ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
મહોબાની આ ધરતીમાં આલ્હા- ઉદલ અને વીર ચંદેલાની વિરતા અહીંના કણ-કણમાં સમાયેલી હોવાથી એટલે મહોબાના રહેવાસીઓને મારા કોટિ કોટિ પ્રણામ.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલજી, યુપીના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ડો. મહેન્દ્ર સિંહજી, શ્રી જી એસ ધર્મેશજી, સંસદમાં મારા સાથી આર કે સિંહ પટેલજી, શ્રી પુષ્પેન્દ્ર સિંહજી, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ અને વિધાનસભાના સાથી શ્રી સ્વતંત્ર દેવ સિંહજી, શ્રી રાકેશ ગોસ્વામીજી, અન્ય લોકપ્રતિનિધિ સમુદાય અને અહિંયા પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો !!
મહોબાની ઐતિહાસિક ધરતી પર આવતાં એક અલગ જ અનુભૂતિ થાય છે. આ સમયે દેશ, દેશની આઝાદી અને રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિ સાથીઓના યોગદાનને સમર્પિત જનજાતિ ગૌરવ સપ્તાહ પણ મનાવવામાં આવી રહ્યું છે. આ સમયે વીર આલ્હા અને ઉદયની પુણ્યભૂમિ ઉપર આવવું તે મારા માટે ખૂબ મોટું સૌભાગ્ય છે. ગુલામીના એ સમયમાં ભારતમાં એક નવી ચેતના જગાવનારા ગુરૂ નાનકદેવજીનું આજે પ્રકાશ પર્વ પણ છે. હું દેશ અને દુનિયાના લોકોને ગુરૂ પર્વની પણ ખૂબ ખૂભ શુભેચ્છાઓ પાઠવું છું. આજે જ ભારતની વીર બેટી, બુંદેલ ખંડની શાન, વિરાંગના રાણી લક્ષ્મીબાઈની જયંતિ પણ છે. આ કાર્યક્રમ પછી હું ઝાંસી પણ જઈશ. સંરક્ષણનો એક ખૂબ મોટો કાર્યક્રમ ત્યાં ચાલી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા 7 વર્ષમાં અમે કેવી રીતે સરકારને દિલ્હીના બંધ ખંડોમાંથી બહાર કાઢીને દેશના ખૂણે ખૂણે લઈને આવ્યા છીએ, મહોબા તેનું સાક્ષાત સાક્ષી છે. આ ધરતી એવી યોજનાઓ, એવા નિર્ણયોની સાક્ષી બની રહી છે કે જેણે દેશની ગરીબ માતાઓ અને બહેનો- દીકરીઓના જીવનમાં મોટા અને સાર્થક પરિણામો લાવ્યા છે. હજુ થોડાંક મહિના પહેલાં જ અહિંથી સમગ્ર દેશ માટે ઉજ્જવલા યોજનાના બીજા ચરણની શરૂઆત કરવામાં આવી હતી. મને યાદ છે કે થોડાંક વર્ષ પહેલાં મેં મહોબામાંથી જ દેશની કરોડો મુસ્લિમ બહેનોને વચન આપ્યું હતું કે હું મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકની પરેશાનીમાંથી મુક્તિ અપાવીને જ ઝંપીશ. મહોબામાં કરેલો તે વાયદો પૂરો થઈ ચૂક્યો છે.
ભાઈઓ અને બહેનો,
આજે જ્યારે હું અહિંયા બુંદેલખંડની બહેનો અને મારા વ્હાલા ખેડૂત ભાઈઓને ખૂબ મોટી ભેટ આપવા આવ્યો છું. આજે અર્જુન સહાયક પરિયોજના, રતૌલી બંધ પરિયોજના, ભાવની બંધ પરિયોજના અને મઝગાંવ ચિલ્લી સ્પ્રીંકલર સિંચાઈ પરિયોજનાનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. રૂ.3000 કરોડથી વધુ ખર્ચથી તૈયાર થઈ રહેલી આ યોજનાઓથી મહોબાના લોકોની સાથે સાથે હમીરપુર, બાંદા અને લલિતપુર જિલ્લાના લાખો લોકોને, લાખો ખેડૂત પરિવારોને લાભ થશે. તેનાથી 4 લાખથી વધુ લોકોને પીવા માટેનું શુધ્ધ પાણી પણ મળશે. પેઢીઓથી અહિંયા જે પાણીની પ્રતિક્ષા હતી તે પ્રતિક્ષા આજે સમાપ્ત થઈ રહી છે.
સાથીઓ,
તમારા ઉત્સાહનો સ્વિકાર કરૂં છું અને તમારો પ્રેમ મારા માટે ઘણું બધુ છે, પરંતુ મારી એક વિનંતી છે કે જુઓ આગળ જગા નથી, તમે આગળ આવવાની કોશિષ કરશો નહીં અને અહિંયા પણ થોડી શાંતિ જાળવો.
સાથીઓ,
ગુરૂ નાનક દેવજીએ કહ્યું હતું કે -
પહેલા પાણી જીઓ હૈ, જીત હરિયા સભ કોય !!
આનો અર્થ એવો થાય છે કે પાણીને હંમેશા અગ્રતા આપવી જોઈએ, કારણ કે પાણીથી જ સમગ્ર સૃષ્ટિને જીવન મળે છે. મહોબા સહિત આ સમગ્ર ક્ષેત્રમાં સેંકડો વર્ષ પહેલાં જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાનું એક ઉત્તમ મોડલ કામ કરતું હતું. બુંદેલ, પરિહાર અને ચંદેલ રાજાઓના કાળમાં અહિંયા તળાવો- સરોવરો માટે જે કામ થયું તે આજે પણ જળ સંરક્ષણ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. સિંધ, બેતવા, ઘસાન, કેન અને નર્મદા જેવી નદીઓના પાણીથી બુંદેલખંડને સમૃધ્ધિ પણ મળી છે, પ્રસિધ્ધિ પણ મળી છે. આ ચિત્રકૂટ, આ બુંદેલખંડ છે કે જેણે વનવાસમાં પણ પ્રભુ રામને સાથ આપ્યો હતો. અહિંની વન્ય સંપત્તિને પણ તેમણે આશિર્વાદ આપ્યા હતા.
પરંતુ સાથીઓ,
સવાલ એ છે કે સમયની સાથે સાથે આ વિસ્તાર પાણીના પડકારો અને સ્થળાંતરનું કેન્દ્ર બની ગયો, કારણ કે આ વિસ્તારમાં લોકો પોતાની દીકરીનો વિવાહ કરતા ખંચકાટ અનુભવતા હતા, કારણ કે અહિંની દીકરીઓ પાણીવાળા વિસ્તારમાં જ વિવાહ થાય તેવી ઈચ્છા રાખતી હતી. આ સવાલોનો જવાબ, મહોબાના લોકો, બુંદેલખંડના લોકો ખૂબ સારી રીતે જાણે છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધ શાસન કરનારા લોકોએ વારંવાર આ વિસ્તારને બરબાદ કરવામાં કોઈ કસર રાખી નથી. અહિંના જંગલોને, અહિંના સંસાધનોને કેવા માફિયાઓના હવાલે કરી દેવામાં આવ્યા હતા તે વાત કોઈથી છૂપી નથી. અને હવે જુઓ, જ્યારે આ માફિયાઓ ઉપર ઉત્તર પ્રદેશમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો હાય તોબા કરી રહ્યા છે. આ એ જ લોકો છે કે જે ગમે તેટલી હાય તોબા કરે તો પણ ઉત્તર પ્રદેશના વિકાસનું કામ, બુંદેલખંડના વિકાસનું કામ હવે અટકવાનું નથી.
સાથીઓ,
આ લોકોએ બુંદેલખંડ સાથે જેવું વર્તન કર્યું છે તેને અહિંના લોકો પણ ભૂલી શકે તેમ નથી. નલકૂપ, હેંડપમ્પની વાતો તો ઘણી કરી, પણ અગાઉની સરકારોએ એ બતાવ્યું નહીં કે ભૂગર્ભમાં પાણીનો અભાવ હોય તો તેનાથી પાણી કેવી રીતે આવશે? તાલ- તલૈયાના નામ ઉપર ઉદ્દઘાટનો ઘણાં કર્યા પણ મારા કરતાં તમે વધુ સારી રીતે જાણો છો કે બંધ- તળાવોના નામ પર ખોદાણની યોજનાઓમાં કમિશન, દુષ્કાળ રાહતમાં ગોટાળા, બુંદેલખંડને લૂંટીને અગાઉ સરકાર ચલાવનારા લોકોએ પોતાના જ પરિવારનું ભલુ કર્યું હતું. તમારો પરિવાર પાણીના ટીપે ટીપા માટે તરસતો રહે તેની તેમને કોઈ જ અસર ન હતી.
ભાઈઓ અને બહેનો,
તેમણે કેવી રીતે કામ કર્યું તેનું એક ઉદાહરણ અર્જુન સહાયક પરિયોજના છે. વર્ષો સુધી આ યોજનાઓ લટકતી રહી, અધૂરી પડી રહી. વર્ષ 2014 પછી જ્યારે મેં આવી લટકી પડેલી યોજનાઓ, આવી અટકી પડેલી સિંચાઈ યોજનાઓની વિગતો મંગાવવાનું શરૂ કર્યું. અર્જુન સહાયક પરિયોજના વહેલામાં વહેલી તકે પૂરી થાય તે માટે પણ તે સમયની ઉત્તર પ્રદેશ સરકારમાં અનેક વખત ચર્ચા કરવામાં આવી હતી, અનેક સ્તરે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ બુંદેલખંડના આ ગુનેગારોએ અહિંની સિંચાઈ પરિયોજનાઓને પૂર્ણ કરવામાં કોઈ રસ દર્શાવ્યો ન હતો.
વર્ષ 2017માં યોગીજીની સરકાર બન્યા પછી આખરે આ યોજનાઓનું કામ કરવાની ગતિમાં ઝડપ લાવવામાં આવી અને આજે આ યોજનાઓ તમને, બુંદેલખંડના લોકોને સમર્પિત કરવામાં આવી રહી છે. દાયકાઓ સુધી બુંદેલખંડના લોકોએ લૂંટનારી સરકારો જોઈ છે. પ્રથમ વખત બુંદેલખંડના લોકો અહિંયા વિકાસ માટે કામ કરનારી સરકાર જોઈ રહ્યા છે. બુંદેલખંડના મારા ભાઈઓ અને બહેનો, આ કડવા સત્યને કોઈ ભૂલી શકશે નહીં, કારણ કે જે લોકો ઉત્તર પ્રદેશને લૂંટીને થાકતા ન હતા, જ્યારે અમે કામ કરતા થાકતા નથી.
સાથીઓ,
ખેડૂતોને હંમેશા સમસ્યાઓમાં ગૂંચવીને રાખવાનું કામ કેટલાક રાજકીય પક્ષો કરતા રહ્યા છે. એ લોકો સમસ્યાની આ રાજનીતિ કરતા રહ્યા છે. કેન-બેતવા લિંકનો ઉપાય પણ અમારી સરકારે શોધી કાઢ્યો છે. તમામ પક્ષો સાથે ચર્ચા કરીને રસ્તો કાઢ્યો છે. કેન-બેતવા લિંકથી ભવિષ્યમાં અહિંના લાકો ખેડૂતોને લાભ થવાનો છે. યોગીજીની સરકારે વિતેલા સાડા ચાર વર્ષ દરમ્યાન બુંદેલખંડમાં પાણીની અનેક યોજનાઓનું કામ શરૂ કરાવ્યું છે. આજે મસગાંવ- ચિલ્લી સ્પ્રિંકલર યોજના જેવી આધુનિક ટેકનિકનું લોકાર્પણ સિંચાઈ ક્ષેત્રે આવી રહેલી આધુનિકતા દર્શાવે છે.
સાથીઓ,
હું જે ગુજરાતમાંથી આવું છું, ત્યાંની વાસ્તવિક હકીકત જુઓ, અગાઉ ગુજરાતની જે હાલત હતી તે પરિસ્થિતિ બુંદેલખંડની તુલનામાં સહેજ પણ અલગ ન હતી અને એટલા માટે જ હું તમારી તકલીફો સમજી શકું છું. તમારી પરેશાનીને પણ સમજું છું. મા નર્મદાના આશીર્વાદથી, સરદાર સરોવર બંધની આશીર્વાદથી આજે ગુજરાતમાં કચ્છ સુધી રણમાં પણ પાણી પહોંચી રહ્યું છે. જેવી સફળતા અમે ગુજરાતમાં મેળવી છે તેવી જ સફળતા બુંદેલખંડમાં થઈ શકે તે માટે અમે રાત- દિવસ કામે લાગી ગયા છીએ. ભાઈઓ- બહેનો, જે રીતે બુંદેલખંડમાંથી સ્થળાંતર થતું રહે છે તેવું જ મારા ગુજરાતમાં પણ કચ્છમાંથી સતત સ્થળાંતર થતુ હતું. દેશમાં વસતિ વધતી રહી હતી, ત્યારે કચ્છ જિલ્લામાં વસતિ ઘટતી જઈ રહી હતી. લોકો કચ્છ છોડીને ચાલ્ય જતા હતા, પરંતુ જ્યારથી મને સેવા કરવાની તક મળી તે પછી કચ્છ ભારતનો મોખરાનો જીલ્લો છે અને ઝડપભેર આગળ વધનારા જિલ્લામાં કચ્છનો સમાવેશ થયો છે.
ઉત્તર પ્રદેશના પણ ઘણાં વિસ્તારોમા મારા ભાઈ- બહેનો પોતાનુ નસીબ અજમાવવા કચ્છ આવી રહ્યા છે અને કચ્છના મારા અનુભવથી હું કહું છું કે આપણે બુંદેલખંડને પણ ફરીથી એવી તાકાત આપી શકીએ તેમ છીએ. ફરીથી નવી જિંદગી આપી શકીએ તેમ છીએ. અહિંની માતાઓ અને બહેનોની સૌથી મોટી મુશ્કેલીને દૂર કરવા માટે બુંદેલખંડમાં જલ-જીવન મિશન હેઠળ પણ ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બુંદેલખંડની સાથે સાથે વિંધ્યાચલમાં પાઈપથી દરેક ઘર સુધી પાણી પહોંચે તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
પરિવારવાદીઓની સરકારોએ દાયકાઓ સુધી ઉત્તર પ્રદેશના મોટાભાગના ગામોને તરસ્યા રાખ્યા છે. કર્મયોગીઓની સરકારે માત્ર બે વર્ષની અંદર જ ઉત્તર પ્રદેશના 30 લાખ પરિવારોને નળથી જળ પહોંચાડ્યું છે. પરિવારવાદીઓની સરકારોએ બાળકો અને દીકરીઓ માટે સ્કૂલોમાં અલગ શૌચાલય, પીવાના પાણી માટેની સુવિધાથી વંચિત રાખ્યા હતા. કર્મયોગીઓની ડબલ એન્જિનની સરકારે દીકરીઓ માટે શાળાઓમાં અલગ ટોયલેટ પણ બનાવ્યા અને ઉત્તર પ્રદેશની 1 લાખથી વધુ સ્કૂલો, હજારો આંગણવાડી કેન્દ્રો સુધી નળથી જળ પણ પહોંચાડ્યું. જ્યારે ગરીબના કલ્યાણની યોજનાઓને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે ત્યારે આવી જ રીતે કામ થાય છે અને આટલી ઝડપથી કામ થઈ શકે છે.
ભાઈઓ અને બહેનો,
અમારી સરકારે બીજ થી માંડીને બજાર સુધી દરેક સ્તરે ખેડૂતોના હિતમાં પગલાં લીધા છે. વિતેલા 7 વર્ષમાં 1600થી વધુ સારી ગુણવત્તા ધરાવતા બીજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી અનેક બીજ ઓછા પાણીએ પણ વધુ પેદાશ આપે છે. આજે બુંદેલખંડની જમીનને અનુકૂળ મોટા અનાજ, કઠોળ અને તેલિબિયાં ઉપર સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિતેલા વર્ષોમાં કઠોળ અને તેલિબિયાંની વિક્રમ ખરીદી કરવામાં આવી છે. હાલમાં સરસવ અને મસૂર જેવી અનેક દાળ માટે ક્વિન્ટલ દીઠ રૂ.400ના લઘુતમ ટેકાના ભાવ (એમએસસી) નક્કી કરવામાં આવ્યા છે. ભારત ખાદ્ય તેલ માટે આત્મનિર્ભર બને, ખાદ્ય તેલની પરદેશથી આયાત કરવા માટે દર વર્ષે આપણે રૂ.80 હજાર કરોડ વિદેશ મોકલીએ છીએ, તે રૂ.80 હજાર કરોડ ખેડૂતો પાસે આવે અને દેશના ખેડૂતોને મળે તેના માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. તેનાથી બુંદેલખંડના ખેડૂતોને પણ ઘણી મદદ મળવાની છે.
ભાઈઓ અને બહેનો,
પરિવારવાદીઓની સરકારો ખેડૂતોને માત્ર અભાવની સ્થિતિમાં રાખવા માંગતી હતી. તે ખેડૂતોના નામે જાહેરાતો તો કરતી જ હતી, પણ ખેડૂત સુધી એક પાઈ પણ પહોંચતી ન હતી. જ્યારે પીએમ કિસાન સન્માન નિધિથી અમે અત્યાર સુધીમાં 1 લાખ, 62 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરાવ્યા છે. આ સમગ્ર રકમ દરેક ખેડૂત પરિવાર સુધી પહોંચી છે. પરિવારવાદીઓએ તો નાના ખેડૂતો, પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાથી પણ વંચિત રાખ્યા હતા. અમારી સરકારે નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડવાનું કામ કર્યુ છે.
ભાઈઓ અને બહેનો,
અમે બુંદેલખંડમાંથી સ્થળાંતર રોકવા માટે અને આ વિસ્તારને રોજગારીથી આત્મનિર્ભર બનાવવા માટે કટિબધ્ધ છીએ. બુંદેલખંડ એક્સપ્રેસ, આ બુંદેલખંડ એક્સપ્રેસ વે અને ઉત્તર પ્રદેશ ડિફેન્સ કોરિડોર પણ તેનું એક ખૂબ મોટું ઉદાહરણ છે. આવનારા સમયમાં અહિંયા સેંકડો ઉદ્યોગો સ્થપાશે. યુવાનોને અહિંયા જ રોજગારી મળશે. હવે આ વિસ્તારોનું ભાવિ માત્ર એક મહોત્સવનું મોહતાજ નહીં રહે. એટલું જ નહીં, આ ક્ષેત્ર પાસે ઈતિહાસ, આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિનો જે ખજાનો છે તે પણ રોજગારીનું ખૂબ મોટું માધ્યમ બનવા તરફ આગળ ધપી રહ્યો છે. આ ક્ષેત્ર તિર્થોનું પણ ક્ષેત્ર છે. આ સ્થળને ગુરૂ ગોરખનાથજીના આશીર્વાદ મળેલા છે. રાહિલા સાગર સૂર્ય મંદિર હોય કે મા પિતામ્બરા શક્તિપીઠ હોય કે પછી ચિત્રકૂટનું મંદિર હોય, સોનાગીરી તીર્થ હોય, અહિંયા શું નથી? બુંદેલી ભાષા, કાવ્ય, સાહિત્ય, ગીત- સંગીત અને મહોબાની શાન, દેશાવરી પાન તેનાથી કોણ આકર્ષિત ના થાય? રામાયણ સરકીટ યોજના હેઠળ અહિંયા અનેક તીર્થોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આવા જ અનેક કાર્યક્રમોથી ડબલ એન્જિનની સરકારે આ દાયકાને બુંદેલખંડનો, ઉત્તર પ્રદેશનો દાયકો બનાવવામાં જોડાયેલી રહી છે. ડબલ એન્જિનની આ સરકારને તમારા આશીર્વાદથી શક્તિ મળતી રહેશે તેવા વિશ્વાસની સાથે હું આપ સૌની રજા લઈને હવે ઝાંસીના કાર્યક્રમ માટે રવાના થવાનો છું. તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહીને અમને સૌને આશીર્વાદ આપ્યા છે તેના માટે હું હૃદયપૂર્વક તમારો ખૂબ ખૂબ આભારી છું.
મારી સાથે બોલો, ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબ ખૂબ ધન્યવાદ!