દેવીઓ અને સજ્જનો,
સંસ્કૃતિ અને સાહિત્યના તરંગ અને ઉમંગથી ભરપૂર કોલકાતાના આ વાતાવરણમાં આવીને મન અને મગજ આનંદથી ભરાઈ જાય છે. આ એક રીતે મારી માટે પોતાને તરોતાજા કરવાનો અને બંગાળની વૈભવશાળી કળા અનેસંસ્કૃતિને ઓળખવાનો, તેને નમન કરવાનો અવસર છે. સાથીઓ, હમણાં થોડા સમય પહેલા જયારે આવીને, સાંસ્કૃતિક કાર્યક્રમોને જોઇને ઘણી બધી જૂની યાદો તાજા થઇ ગઈ. ત્યારે નાનપણનો સમય હતો, જીવનને, જીવનના રહસ્યોને, તેની ગૂંચવણો, ઉકેલો, જે રીતે દરેક કિશોરના મનમાં રહે છે, મારા મનમાં પણ રહેતું હતું. ઘણું બધું જાણવાની ઉત્કટ ઈચ્છા રહેતી હતી. ઘણા બધા સવાલો રહેતા હતા, અનેઢગલાબંધ જવાબો હોય છે, તેમાંથી કેટલાય જવાબો શોધવા પણ ઘણા અઘરાલાગતાહતા. તે સવાલોના સમાધાન માટે, સ્પષ્ટતા માટે ક્યારેક આ બાજુ તો ક્યારેક પેલી બાજુ કોઈ શોધમાં રહેતા હતા. અને ત્યારે તે ઉંમરમાં આ કોલકાતાની ભૂમિ, આ બેલૂરમઠની પવિત્ર માટી મને ખેંચીને અહિયાં લઇ આવતી હતી.
આજે જ્યારે તમારી વચ્ચે હતો, આ બધી વસ્તુઓને જોતો હતો તો મન તે જ ભાવથી ભરાઈ જતું હતું. અને આ પ્રદર્શન, એવું લાગતું હતું જાણે હું તે પળોને સ્વયં જીવી રહ્યો છું જે તે મહાન ચિત્રકારો, કલાકારો, રંગકારોએ રચ્યા છે, જીવ્યા છે. બાંગ્લાભૂમિની, બંગાળની માટીની આ અદભૂત શક્તિ, મોહિત કરનારી મહેકને નમન કરવાનો મારો આ અવસર છે. તેની સાથે જોડાયેલ અતીત અને વર્તમાનના તમામ જનોને પણ હું આદરાંજલિ અર્પિત કરું છું.
સાથીઓ, આજે પશ્ચિમ બંગાળ સહીત ભારતની કળા, સંસ્કૃતિ અને સાહિત્યના ક્ષેત્રમાં એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, ઘણો મોટો દિવસ છે. ભારતની કળા, સંસ્કૃતિ આપણી વિરાસતને 21મી સદી અનુસાર સંરક્ષિત કરવા અને તેને રીઇન્વેન્ટ, રીબ્રાંડ, રીનોવેટ અને રીહાઉસકરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન આજે પશ્ચિમ બંગાળની આ માટીમાંથી શરુ થઇ રહ્યું છે. આ અભિયાનનો બહુ મોટો લાભ કોલકાતાને, પશ્ચિમ બંગાળને તો મળવાનો જ મળવાનો છે. તેની માટે પશ્ચિમ બંગાળની કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ આપ સૌ સાથીઓને, અને કળા, સંસ્કૃતિની માટે સમર્પિત બંગાળની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, પરંપરા અને પર્યટન, આ બે એવા વિષયો છે જેનો આપણી વિરાસત સાથે અને આપણી લાગણી સાથે, આપણી ઓળખ સાથે સીધો સંપર્ક છે. કેન્દ્ર સરકારનો એ પ્રયાસ છે કે ભારતના સાંસ્કૃતિક સામર્થ્યને વિશ્વની સમક્ષ નવા રંગ રૂપમાં રજૂ કરે, જેથી કરીને ભારત વિશ્વમાં હેરીટેજ ટુરીઝમનું મોટું કેન્દ્ર બનીને ઉપસી આવે. હેરીટેજ ટુરીઝમની પશ્ચિમ બંગાળ સહીત સમગ્ર દેશના પર્યટન ઉદ્યોગને મજબૂત કરવામાં ઘણી મોટી ભૂમિકા હશે. તેનાથી પશ્ચિમ બંગાળ સહીત સમગ્ર દેશમાં રોજગારના અનેક અવસર પણ બનશે. આ કાર્યક્રમ બાદ રવિન્દ્ર સેતુ – હાવડા બ્રીજને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે, ઇન્ટરએક્ટીવ લાઈટ એન્ડ સાઉન્ડ સુવિધા પણ શરુ થવા જઈ રહી છે.
સાથીઓ, દેશની હંમેશાથી એ ઈચ્છા રહી છે કે આપણા સાંસ્કૃતિક પ્રતીકોનું સંરક્ષણ પણ થાય અને તેમનું આધુનિકરણ પણ થાય. આ જ ભાવના સાથે જોડાઈને કેન્દ્ર સરકાર દેશની ઐતિહાસિક ઈમારતોનો જીર્ણોદ્ધાર કરી રહી છે, રીફર્બીશ કરી રહી છે. શરૂઆત કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસીની ધરોહરોથી કરવામાં આવી રહી છે. આ ઈમારતોમાં નવી ગેલેરી, નવા પ્રદર્શનો, થીયેટર, નાટ્ય અને મ્યુઝીક કોન્સર્ટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે દેશના 5 આઇકોનિક મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય સ્તરના બનાવવામાં આવશે. તેની શરૂઆત વિશ્વના સૌથી જૂના મ્યુઝિયમમાંથી એક, ઇન્ડીયન મ્યુઝિયમ કોલકાતાથી કરવામાં આવી રહી છે. તે સિવાય દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, શ્રીનગરમાં ઉપસ્થિત મ્યુઝિયમને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. સાથીઓ, દેશની આ ધરોહરોનું સારસંભાળ, સંરક્ષણ અને તેમનું સૌન્દર્યીકરણ તો જરૂરી છે જ, તેમની દેખરેખ અને વહીવટ માટે જરૂરી સંસાધનોનું પણ નિર્માણ કરવું પડશે. તેને જ ધ્યાનમાં રાખીને ‘ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ હેરીટેજકન્ઝર્વેશન’નું નિર્માણ અને તેને ડીમ્ડ યુનિવર્સીટીનો દરજ્જો આપવા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ, કોલકાતા, ભારતના સર્વોચ્ચ સાંસ્કૃતિક કેન્દ્રોમાંથી એક રહ્યું છે. તમારી ભાવનાઓ અનુસાર હવે કોલકાતાની આ સમૃદ્ધ ઓળખને નવા રંગ-રૂપમાં દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોલકાતાની 4 આઇકોનિક ગેલેરી, ઓલ્ડ કરન્સી બિલ્ડીંગ હોય, બેલ્વેડેયર હાઉસ હોય, વિક્ટોરિયા મેમોરીયલ હોય કે પછી મેટકાફ હાઉસ હોય, તેમના નવીનીકરણનું કામ પૂરું થઇ ચુક્યું છે. બેલ્વેડેરને મ્યુઝિયમ ઓફ ધ વર્લ્ડ બનાવવાનો વિચાર અનેક વાર સામે આવી ચુક્યો છે. હવે અમારા પ્રયાસો એ તરફ જ છે. એક વિચાર અહિયાં જે ભારત સરકારની ટંકશાળ છે, તેને મ્યુઝિયમ ઓફ કોઇન્સ એન્ડ કોમર્સના રૂપમાં વિકસિત કરવાનો પણ છે.
સાથીઓ, વિક્ટોરિયા મેમોરીયલની 5 ગેલેરીમાંથી 2 ગેલેરીનું લાંબા સમય સુધી બંધ રહેવું, એ બરાબર પરિસ્થિતિ નથી. વીતેલા કેટલાક સમયથી તેમને ખોલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. મારો એ પણ આગ્રહ રહેશે કે જે ત્રીજી ગેલેરી છે તેમાં આઝાદીના આંદોલનમાં બંગાળના ક્રાંતિકારી યોગદાનને જગ્યા આપવામાં આવે.
બીપ્લોવી ભારત નામથી મ્યુઝીયમ બને, જેમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ, ઓરબિંદો ઘોષ, રાસ બિહારી બોઝ, ખુદીરામ બોઝ, દેશબંધુ, બાઘા જતિન, બિનોય, બાદલ, દિનેશ, એવા દરેક મહાન સેનાનીને અહિયાં જગ્યા મળવી જોઈએ. સાથીઓ, સ્વતંત્રતા બાદના દાયકાઓમાં જે થયું, નેતાજી સુભાષચન્દ્ર બોઝ સાથે જોડાયેલી જે ભાવનાઓ દેશના મનમાં હતી, તે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. દેશની તે જ ભાવનાનું સન્માન કરતા નેતાજીના નામ પર લાલ કિલ્લામાં મ્યુઝીયમ બનાવામાં આવ્યું. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં એક દ્વીપનું નામકરણ નેતાજીના નામ પર કરવામાં આવ્યું. જ્યારે આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરા થયા તો લાલ કિલ્લામાં ધ્વજારોહણનું સૌભાગ્ય મને પોતાને મળ્યું. નેતાજી સાથે જોડાયેલી ફાઈલોને સાર્વજનિક કરવાની માંગણી પણ વર્ષોથી થઇ રહી હતી, જે હવે પૂરી થઇ ચુકી છે.
સાથીઓ, નવા વર્ષમાં, નવા દાયકામાં હવે દેશને લાગે છે કે પશ્ચિમ બંગાળના અન્ય સપૂતોના યોગદાનને પણ યથોચિત સન્માન મળવું જ જોઈએ. અત્યારે આપણે સૌ ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરજીની 200મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. વર્ષ 2022માં મહાન સમાજ સુધારક અને શિક્ષાવિદ રાજા રામમોહન રાયની 250મી જન્મ જયંતિ આવવાની છે. દેશના આત્મવિશ્વાસને જગાડવા માટે, સમાજમાં દીકરીઓ, બહેનો, યુવાનોને ગરિમા આપવા માટે તેમના જે પ્રયાસો રહ્યા છે, તે વિરાસતને આગળ વધારવી જરૂરી છે. તેમના 250માં જન્મજયંતિ વર્ષને આપણે એક પર્વના રૂપમાં ઉજવીએ, તે આપણા સૌનું કર્તવ્ય છે.
સાથીઓ, દેશની વિરાસતનું સંરક્ષણ, આપણા મહાન વ્યક્તિત્વો, આપણા ઈતિહાસનું આ જ ચિત્રણ, રાષ્ટ્ર નિર્માણનું પ્રમુખ અંગ હોય છે. તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું કે અંગ્રેજીશાસન દરમિયાન અને સ્વતંત્રતા પછી પણ દેશનો જે ઈતિહાસ લખવામાં આવ્યો, તેમાં ઈતિહાસના કેટલાક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા.
સાથીઓ, ગુરુદેવ ટાગોરે 19૦૩ના પોતાના એક લેખમાં જે લખ્યું હતું, હું તેનો ઉલ્લેખ આજે બંગાળની આ પવિત્ર ધરતી પર જરૂરથી કરવા માંગું છું. તેમણે લખ્યું હતું- “ભારતનો ઈતિહાસ તે નથી જે આપણે પરીક્ષાઓ માટે વાંચીએ અને યાદ કરીએ છીએ. કેટલાક લોકો બહારથી આવ્યા, પિતા પુત્રની હત્યા કરતો રહ્યો, ભાઈ ભાઈને મારતો રહ્યો, સિંહાસન માટે સંઘર્ષ થતો રહ્યો, તે ભારતનો ઈતિહાસ નથી. આ ઈતિહાસમાં એ વાતનું વર્ણન જ નથી કે ત્યારે ભારતના નાગરિક, ભારતના લોકો શું કરી રહ્યા હતા? શું તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું?”
સાથીઓ, ગુરુદેવે પોતાના લેખમાં એક ખૂબ મહત્વપૂર્ણ ઉદાહરણ પણ આપ્યું હતું વંટોળ અને વાવાઝોડાનું. તેમણે લખ્યું હતું કે “ભલે ગમે તેવું વાવાઝોડું આવે, તેના કરતા પણ વધુ મહત્વનું છે કે સંકટના તે સમયમાં, ત્યાંના લોકોએ તે વાવાઝોડાનો સામનો કઈ રીતે કર્યો.”
સાથીઓ, ગુરુદેવે એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે ઈતિહાસકારોએ તે વાવાઝોડાને ઘરની બહારથી જ જોયું. જે લોકો તે વાવાઝોડા સામે લડી રહ્યા હતા, તે ઇતિહાસકાર તેમના ઘરોમાં ગયા જ નહી. હવે જે બહારથી જોશે, તે તો માત્ર વાવાઝોડું જ જોઈ શકશે ને!!! તે વાવાઝોડાથી, ત્યારે ત્યાંના સમાજે, ત્યાંના સામાન્ય માનવીએ કઈ રીતે મુકાબલો કર્યો તેની ઉપર ઈતિહાસકારોની નજર જ નથી પડી. એવામાં ભારતવર્ષના ઈતિહાસની ઘણી બધી વાતો પાછળ જ દબાયેલી રહી ગઈ.
સાથીઓ, આપણા દેશના ઈતિહાસ અને તેની વિરાસત પર દ્રષ્ટિ નાખીએ તો કેટલાક લોકોએ તેનેસત્તાના સંઘર્ષ, હિંસા, ઉત્તરાધિકારની લડાઈ સુધી જ સીમિત કરી દીધો હતો. પરંતુ આ બધાની વચ્ચે, જે રીતે ગુરુદેવે પણ કહ્યું હતું, ઈતિહાસનું એક બીજું પણ પાસું છે તે ખૂબ વધુ મહત્વપૂર્ણ છે. આજે હું તેની પણ ચર્ચા તમારી વચ્ચે કરવા માંગું છું.
સાથીઓ, અસ્થિરતાના તે સમયગાળામાં, હિંસાના માહોલમાં, તેનો સામનો કરવો, રાષ્ટ્રની ચેતનાને જાગૃત રાખવી, તેને સંભાળવી, તેને આગામી પેઢીઓ સુધી પહોંચાડવી એ પણ તો મહત્વપૂર્ણ હતું. દાયકા દર દાયકા, પેઢી દર પેઢી, શતાબ્દી દર શતાબ્દી આ કાર્ય કોણે કર્યું? આપણી કળા, આપણા સાહિત્ય, આપણું સંગીત, આપણા બૌદ્ધિકજનો, આપણા સંતો, આપણા દાર્શનિકોએ. અને એટલા માટે, ભારતના દરેક ખૂણામાં તમને જુદા જુદા પ્રકારની કળા અને સંગીત સાથે જોડાયેલી વિશેષ પરંપરાઓ જોવા મળશે. ભારતના દરેક ક્ષેત્રમાં તમને બૌદ્ધિકજનો, સંતજનોનો પ્રભાવ જોવા મળશે. આ વ્યક્તિઓએ, તેમના વિચારોએ, કળા અને સાહિત્યના જુદા જુદા સ્વરૂપોએ, ઈતિહાસને પોતાની જ રીતે સમૃદ્ધ કર્યો છે. અને તમે સૌ એ ખૂબ સારી રીતે જાણો છો કે આવા મહાન વ્યક્તિત્વોએ, ભારતના ઈતિહાસના કેટલાક સૌથી મોટા સામાજિક સુધારાઓનું નેતૃત્વ કર્યું. ભારતને આદિ શંકરાચાર્ય, થીરુનાવુક્કારાસાર જેવા કવિ સંતોના આશીર્વાદ મળ્યા. અન્ડાલ, અક્કા મહાદેવી, ભગવાન બસેશ્વર, ગુરુ નાનક દેવજી દ્વારા ચિંધવામાં આવેલ માર્ગ, આજે પણ આપણને પ્રેરણા આપે છે. જ્યારે ભારતના જુદા જુદા હિસ્સાઓમાં ભક્તિ આંદોલન ચાલ્યું તો તે સમયના લાંબા કાળખંડમાં અનેક સંતો અને સુધારકોના ગીતો, વિચારોએ તેને સમૃદ્ધ કર્યું. સંત કબીર, તુલસીદાસજી, એકનાથજી, નામદેવજી, સંત તુકારામજી સમાજને જાગૃત કરતા રહ્યા. હિન્દુસ્તાનનો એકપણખૂણો એવો નહોતો કે જ્યાં તે સમયગાળામાં આ પ્રકારના મહાપુરુષ કાર્યરત ન હોય. સમાજ પરિવર્તન માટે રાજા રામમોહનરાયજી અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરજીના પ્રયાસો આજે પણ એટલા જ પ્રેરણાદાયી છે. એ જ રીતે આપણે જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, એવા અનેક વ્યક્તિત્વોને ભારતને, ભારતના ઈતિહાસને સમૃદ્ધ કરતા જોઈએ છીએ.
સામાજિક સુધાર, સમાજની કુરીતીઓની વિરુદ્ધ અવાજ ઉઠાવવો, તે સમયગાળામાં મહિલા સશક્તિકરણની માટે આટલા પ્રયાસો કરવા, તે રાષ્ટ્રની ચેતનાને જાગૃત રાખવાના જ તો પ્રયાસો હતા. અને જેટલા પણ નામ તમે જુઓ, ઘણા બધા નામો હું નથી લઇ શક્યો, પરંતુ તેમણે સાહિત્યને, કળાને, સંગીતને જ પોતાના સંદેશનું માધ્યમ બનાવ્યું. આ જ છે કળા, સંગીત, સાહિત્યની શક્તિ. તેમણે હથિયારોની શક્તિ વડે નહી, જનશક્તિ વડે પરિવર્તન લાવવાનો ઈતિહાસ રચ્યો. શસ્ત્રની સામે શાસ્ત્રનું સામર્થ્ય તેમણે દેખાડી દીધું.
સાથીઓ, કોઇપણ ભૂભાગની આત્માનું પ્રતિનિધિત્વ ત્યાંના લોકોની ભાવનાઓ કરે છે. ગીત, સંગીત, કળા-સાહિત્યના માધ્યમથી જે કહેવામાં આવે છે, તે જ જનભાવનાઓ હોય છે. રાજનીતિક અને સૈન્યશક્તિ તો અસ્થાયી હોય છે, પરંતુ કળા અને સંસ્કૃતિના માધ્યમથી જે જનભાવનાઓ અભિવ્યક્ત થાય છે, તે સ્થાયી હોય છે. અને એટલા માટે, આપણા સમૃદ્ધ ઈતિહાસને, આપણી ધરોહરને સંરક્ષિત રાખવી, તેમનું સંવર્ધન કરવું ભારતની માટે, દરેક ભારતવાસી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ જ એક એવી સંપદા છે જે આપણને વિશ્વના અન્ય દેશોથી જુદા પાડે છે.
સાથીઓ, સંસ્કૃતિની રક્ષા કરવાના વિષય અંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યું હતું- “આપણને તકલીફ એ વાતની નથી કે પશ્ચિમી જ્ઞાનના દરવાજા આપણી માટે ખુલ્યા. તકલીફ એ વાતની છે કે આ જ્ઞાન આપણી ઉપર, ભારતીય સંસ્કૃતિની સાથે સમાધાન કરીને થોપવામાં આવ્યું. જરૂરિયાત એ વાતની હતી કે બંનેમાં એક સમન્વય હોય જેમાં ભારતીય સંસ્કૃતિને અવગણવામાં ન આવે, તેને ખતમ કરવામાં ન આવે.”ડોક્ટર મુખર્જીની આવાત તે સમયગાળામાં પણ મહત્વપૂર્ણ હતી અને આજે પણ પ્રાસંગિક છે. આપણને દુનિયાની દરેક સંસ્કૃતિ પાસેથી કઈક ને કઈક શીખવાનુંમળી શકે તેમ છે, પરંતુ તેનું પણ ધ્યાન રાખવું પડશે કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પર આંચ ન આવે.
સાથીઓ, બાંગ્લાભૂમિમાં જન્મેલા, ઉછરેલા સપૂતોએ, સંતોએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના મહત્વને હંમેશા સમજ્યું છે, તેને બૌદ્ધિક નેતૃત્વ આપ્યું છે. આકાશમાં ભલે એક જ ચંદ્ર ચમકતો હોય, પરંતુ વિશ્વને ભારતની ચમક દેખાડવા માટે પશ્ચિમ બંગાળે અનેક ચંદ્રો આપ્યા છે. નેતાજી સુભાષ ચંદ્ર, શરદ ચંદ્ર, બંકિમ ચંદ્ર, ઈશ્વર ચંદ્ર, જગદીશ ચંદ્ર, કેશવ ચંદ્ર, બિપિન ચંદ્ર, એવા અનેક ચંદ્રએ ભારતની ઓળખને વધુ પ્રકાશિત કરી છે.
ચૈતન્ય મહાપ્રભુથી લઈને રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરજીએ સંપૂર્ણ દુનિયા અને સંપૂર્ણભારતને જગાડવાનું કામ કર્યું છે. આ તમામ મહાપુરુષોએ સંપૂર્ણ વિશ્વને દેખાડ્યું કે ભારત વાસ્તવમાં શું છે અને તેની અસલી તાકાત શું છે. તેમણે ભારતને પણ એઅનુભવ કરાવ્યો કે આપણી અસલી પૂંજી આપણી સંસ્કૃતિ છે, અતીતનું આપણું જ્ઞાન-વિજ્ઞાન છે. નઝરૂલ ઇસ્લામ અને લાલન ફકીરની કવિતાઓએ અને સત્યજીત રેની ફિલ્મોએ પણ આ વિચારધારાને વિસ્તાર આપ્યો છે.
સાથીઓ, ભારતના જ્ઞાન-વિજ્ઞાન અને પુરાતન ઓળખ વડે દેશ અને દુનિયાને પરિચિત કરાવવાનું કામ જે બંગાળની માટીએ કર્યું છે, તે પરિપાટીને ન્યુઇન્ડિયામાં જીવિત રાખવાની જવાબદારી આપ સૌની છે, અહિયાંના યુવાનોની છે. આસાચો સમય છે જ્યારે અહીંથી દરેક ક્ષેત્રમાં નવું અને સક્ષમ નેતૃત્વ તૈયાર કરવામાં આવે, જે સમગ્ર દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. આપણે સૌએ સ્વામી વિવેકાનંદજીની તે વાત હંમેશા યાદ રાખવાની છે, જે તેમણે મિશિગન યુનિવર્સિટિમાં કેટલાક લોકો સાથેના સંવાદ દરમિયાન કહી હતી.
સ્વામી વિવેકાનંદે તેમને કહ્યું હતું- “અત્યારે વર્તમાન સદી ભલે તમારી છે, પરંતુ 21મી સદી ભારતની હશે.”સ્વામી વિવેકાનંદના તે વિશ્વાસને, તે સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ, પ્રત્યેક દેશવાસીએ સંપૂર્ણ શક્તિ સાથે સતત કામ કરતા રહેવું જોઈએ. અને આ અભિયાનમાં, જ્યારે પશ્ચિમ બંગાળના બૌદ્ધિક વર્ગ, આપ સૌ સાથીઓની ઉર્જા, તમારા આશીર્વાદ મળશે, તો સંકલ્પોને સિદ્ધ કરવાની ગતિ પણ વધારે વધી જશે. હુંપોતે અને કેન્દ્ર સરકાર પણ તમારા પ્રત્યેક કદમ, તમારા દરેક પ્રયાસની સાથે ઉભા રહેવાનો પ્રયાસ કરશે, તમારી પાસેથી શીખવાનો પણ પ્રયાસ કરશે. તમે જે આત્મીયતા સાથે આજે આ મહત્વપૂર્ણ અવસર પર તમારી વચ્ચે આવીને મને કંઇક વાત કરવાનો અવસર આપ્યો, તમે જે સત્કાર કર્યો, સન્માન આપ્યું, તેની માટે પણ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું દેશવાસીઓને પણ આગ્રહ કરું છું કે તમે કોલકાતા જ્યારે આવો તો આ ચાર આઇકોનિક સ્થાન પર જરૂરથી જજો. આપણા તે મહાપુરુષોના તે કાળખંડના ચિંતનને, તેમની કળાને, તેમની ભાવનાઓને, તે સમયના જનમાનસની અભિવ્યક્તિને તમે જુઓ, જાણો અને દુનિયાને દેખાડો.
ખૂબ ખૂબ આભાર.