આદરણીય સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેજ઼, સ્વચ્છતાના સંકલ્પમાં સાથ આપવા માટે વિશ્વભરમાંથી આવેલા જુદા જુદા રાષ્ટ્રોના આદરણીય મંત્રીગણ, મંત્રી પરિષદના મારા સહયોગી સુષ્માજી, ઉમા ભારતીજી, હરદીપ પૂરીજી, રમેશજી, દેશ અને દુનિયાભરમાંથી આવેલા વિશેષ અતિથીગણ, ભાઈઓ અને બહેનો.
ભારતમાં, પૂજ્ય બાપુની આ ધરતીમાં આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત છે. સવા સો કરોડ ભારતીયો તરફથી આપ સૌને નમસ્કાર. સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષય પર પોતાની પ્રતિબદ્ધતા અને તે પ્રતિબદ્ધતાને એક સામુહિકતાની સાથે માનવ જાતિની સામે પ્રસ્તુત કરવી, પ્રેરિત કરવી અને તેના માટે આપ સૌ વિશ્વ નેતાઓ, સ્વચ્છતા અને સંતુલિત વિકાસ સાથે જોડાયેલ વિશ્વની મહાન હસ્તીઓની વચ્ચે, આપ સૌની વચ્ચે હોવું એ મારા માટે એક ખૂબ સૌભાગ્યની ક્ષણ છે.
મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સમારોહમાં ભાગ લેવા અને પોતાના દેશોના અનુભવો વહેંચવા માટે અને એક રીતે આ સમિટને પોતાના અનુભવ વડે, પોતાના વિચારો વડે, પોતાના વિઝન વડે સમૃદ્ધ બનાવવા બદલ હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું.
આજે જ્યારે વિશ્વ અનેક પડકારોમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે માનવતા સાથે જોડાયેલ એક મહત્વના વિષય પર આટલા દેશોનું એકઠા થવું, તેના પર મનન ચિંતન કરવું એ પોતાનામાં જ એક અભૂતપૂર્વ ઘટના છે.
આજનું આ આયોજન વૈશ્વિક સ્વચ્છતાની દિશામાં મારો વિશ્વાસ છે કે તમે સૌએ જે સમય આપ્યો છે, તમે સૌ સામેલ થયા છો, આ અવસર આવનારા દિવસોમાં માનવ કલ્યાણના કાર્યોની સાથે જોડાયેલ એક સીમાસ્તંભ સાબિત થવા જઈ રહ્યો છે.
સાથીઓ, આજે જ મહાત્મા ગાંધીના 150મા જન્મ વર્ષમાં, અને 150 વર્ષ સમગ્ર વિશ્વમાં વ્યાપક રૂપે ઉજવવાની દિશામાં અમે પગલું મૂકી રહ્યા છીએ. પૂજ્ય બાપુને હું સૌના તરફથી આદરપૂર્વક શ્રદ્ધા સુમન અર્પિત કરું છું. અને હું જોઉં છું કે પૂજ્ય બાપુનું સપનું સ્વચ્છતાથી સંકલ્પિત હતું અને આજે તે સ્વચ્છતા સાથે જોડાયેલ જુદા-જુદા મહાનુભાવોનો મને સત્કાર કરવાનો મોકો મળ્યો છે તો એક રીતે શ્રદ્ધાંજલિની સાથે કાર્યાંજલિ આપવાનું પણ અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
આપ સૌએ બાપુના આશ્રમમાં પણ એક દિવસ વિતાવ્યો. સાબરમતીના તટ પર, જ્યાંથી પૂજ્ય બાપુએ દેશને આઝાદીની લડાઈની માટે તૈયાર કર્યો હતો. ત્યાંની સાદગી, ત્યાંના જીવનને તમે નજીકથી જોયું છે. મને વિશ્વાસ છે કે બાપુના વિચાર જરૂરથી સ્વચ્છતાના મિશનની સાથે જોડાયેલા લોકોના માટે એક નવી ઊર્જા, નવી ચેતના, નવી પ્રેરણાનો જરૂરથી એક અવસર બન્યા હશે અને તે પણ ખૂબ સાર્થક છે કે આજે આપણે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સમારોહના આ સમાપન અવસર પર પણ એકઠા થયા છીએ.
થોડા સમય પહેલા મને અહિં કેટલાક સ્વચ્છાગ્રહીઓના સન્માન અને પુરસ્કાર આપવાનો અવસર મળ્યો. હું તમામ પુરસ્કાર વિજેતાઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, પૂજ્ય અમ્માને વિશેષ રૂપે પ્રણામ કરું છું કારણ કે જ્યારથી આ કાર્યનો પ્રારંભ કર્યો, પૂજ્ય અમ્માએ સક્રિય રૂપે, એક પ્રકારે આ સમગ્ર અભિયાનને પોતાના ખભા પર લઇ લીધું છે. આવા અનેક અગણિત લોકોએ આવા મહાપુરુષોના, મનુષ્યોના, આ મહામાનવોના, મનીષીઓના જીવનમાંથી પ્રેરણા મેળવીને આજે આ સ્વચ્છતાના અભિયાનને જનઆંદોલન બનાવી દીધું, એક ઘણી મોટી તાકાત બનાવી દીધી. હું તે સૌને પણ આજે આ મંચ પરથી પ્રણામ કરું છું.
સાથીઓ, આઝાદીની લડાઈ લડતી વખતે ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે તેઓ સ્વતંત્રતા અને સ્વચ્છતા આ બંનેમાંથી જો કોઈ પૂછે તો તેઓ સ્વચ્છતાને પ્રાથમિકતા આપે છે. ગાંધીજી, જેમણે આઝાદીના જંગ માટે જીવન ખપાવી દીધું, પરંતુ તેમણે પણ સ્વતંત્રતા અને સ્વચ્છતામાંથી સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કર્યો હતો.
તેમણે 1945માં પોતાના વિચારોને શબ્દબદ્ધ કર્યા હતા, લખ્યા હતા અને તે પ્રકાશિત મુદ્રણમાં તેમણે રચનાત્મક કાર્યક્રમના રૂપમાં તેને પ્રસ્તુત કર્યા હતા. મે જે જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં મહાત્મા ગાંધીના તે દસ્તાવેજમાં ગ્રામીણ સ્વચ્છતા પણ એક મહત્વપૂર્ણ પાસું હતું.
સવાલ એ કે આખરે ગાંધીજી વારંવાર સ્વચ્છતા પર આટલું જોર શા માટે આપી રહ્યા હતા? શું માત્ર એટલા માટે કે ગંદકી વડે બીમારીઓ થાય છે? મારો આત્મા કહે છે, ના. આટલો સીમિત ઉદ્દેશ્ય નહોતો.
સાથીઓ, જો તમે ખૂબ ઝીણવટતાથી ધ્યાન આપશો, મનન કરશો તો જાણવા મળશે કે જ્યારે આપણે અસ્વચ્છતાને, ગંદકીને દૂર નથી કરતા તો તે જ અસ્વચ્છતા આપણામાં પરિસ્થિતિઓને સ્વીકાર કરવા માટેની પ્રવૃત્તિ પેદા કરવાનું કારણ બની જાય છે, તેવી પ્રવૃત્તિ પેદા થવા લાગે છે. કોઈ વસ્તુ ગંદકીથી ઘેરાયેલી છે, કોઈ જગ્યા ગંદકીથી ઘેરાયેલી છે અને ત્યાં આગળ ઉપસ્થિત વ્યક્તિ જો તેને બદલતો નથી, સાફ સફાઈ નથી કરતો તો પછી ધીમે-ધીમે તે આ ગંદકીને સ્વીકારવા માંડે છે. કેટલાક સમય પછી એવી સ્થિતિ થઇ જાય છે, એવી મનઃસ્થિતિ થઇ જાય છે કે તે ગંદકી તેને ગંદકી લાગતી જ નથી. એટલે કે એક રીતે અસ્વચ્છતા વ્યક્તિની ચેતનાને, તેની વિચાર પ્રક્રિયાને જડ બનાવી નાખે છે, જકડી લે છે.
હવે આનાથી ઉલટું બીજી પરિસ્થિતિના વિષયમાં વિચારો- જ્યારે વ્યક્તિ ગંદકીને સ્વીકારતો નથી, તેને સાફ કરવા માટેનો પ્રયાસ કરે છે તો તેની ચેતના પણ ચલાયમાન થઇ જાય છે. તેની એક આદત બની જાય છે કે તે પરિસ્થિતિઓને એમ જ સ્વીકાર ન કરી લે.
પૂજ્ય બાપુએ સ્વચ્છતાને જ્યારે જનઆંદોલનમાં બદલી નાખ્યું તો તેની પાછળ જે એક મનોભાવ, તે મનોભાવ પણ વ્યક્તિની તે માનસિકતાને પણ બદલી નાખવાનો હતો. જડતામાંથી ચેતના તરફ જવાનો અને તે ચેતના જડતાને સમાપ્ત કરવા માટેની જગ્યા, એ જ તો તેમનો પ્રયાસ હતો. જ્યારે આપણા ભારતીયોમાં પણ આ ચેતના જાગી ત્યાર પછી આ સ્વતંત્રતા આંદોલન જેવો પ્રભાવ આપણે જોયો અને દેશ આઝાદ થયો.
આજે હું તમારી સામે, દુનિયાની સામે એ વાતનો સ્વીકાર કરું છું કે જો આપણે ભારતના લોકો અને મારા જેવા અનેક લોકો પૂજ્ય બાપુના વિચારોથી પરિચિત ન થયા હોત, તેમના દર્શનને જાણવા સમજવાનો એક વિદ્યાર્થીના રૂપમાં પ્રયત્ન ન કર્યો હોત, તેમણે કહેલી વાતોને વિશ્વને આપીને તુલના ન કરી હોત, તે વાતોને સમજી ન હોત, તો કદાચ કોઈ સરકાર માટે આ કાર્યક્રમ પ્રાથમિકતા ન બની શક્યો હોત.
આજે તે પ્રાથમિકતા એટલા માટે બન્યો, અમે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી આ વાત કરવાની ઈચ્છા એટલા માટે થઇ આવી કારણ કે ગાંધીજીના વિચારો, આદર્શોનો મન પર એક પ્રભાવ હતો અને તે જ કારણ છે કે જે આજે આ કાર્ય માટે કોઇપણ અપેક્ષા વિના કરોડો-કરોડો લોકોને પ્રેરણા આપી રહ્યું છે, જોડી રહ્યું છે.
આજે મને ગર્વ છે કે ગાંધીજીના ચિંધેલા માર્ગ પર ચાલીને સવા સો કરોડ ભારતવાસીઓએ સ્વચ્છ ભારત અભિયાનને દુનિયાનું સૌથી મોટું જન આંદોલન બનાવી દીધું છે. એ જ જનભાવનાનું પરિણામ છે કે 2014 પહેલા ગ્રામીણ સ્વચ્છતાની જે હદ લગભગ 38 ટકા હતી, તે આજે 94 ટકા થઇ ગઈ છે. ચાર વર્ષમાં 38 ટકાથી 94 ટકા સુધી પહોંચવું, જનસામાન્યની જવાબદારીઓનું જોડાવું એ તેનું સૌથી મોટું સફળ ઉદાહરણ છે.
ભારતમાં ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત – ઓપન ડિફેકેશન ફ્રિ (ઓડીએફ) ગામડાઓની સંખ્યા આજે 5 લાખને પાર કરી ગઈ છે. ભારતના 25 રાજ્યો પોતાને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરી ચૂક્યાં છે.
સાથીઓ, ચાર વર્ષ પહેલા ખુલ્લામાં શૌચ કરનારી વૈશ્વિક આબાદીનો 60 ટકા ભાગ ભારતમાં હતો. આજે આ 60 ટકા ઘટીને 20 ટકા કરતા પણ ઓછો થઇ ગયો છે. એટલે કે એક રીતે અમારી આ મહેનત વિશ્વના માનચિત્રમાં પણ એક નવો ઉત્સાહ, નવો ઉમંગ ભરી રહી છે અને મોટી વાત એ પણ છે કે આ ચાર વર્ષોમાં માત્ર શૌચાલયો જ નથી બન્યા, ગામડા, શહેરો ઓડીએફ જ નથી બન્યા પરંતુ 90 ટકાથી વધુ શૌચાલયોનો નિયમિત ઉપયોગ પણ થઇ રહ્યો છે.
સરકાર એ વાતની પણ સતત દેખરેખ રાખી રહી છે કે જે ગામ શહેર પોતાને ઓડીએફ જાહેર કરી રહ્યા છે તેઓ ફરીથી પોતાની જૂની આદતો બાજુ ન વળી જાય. તેની માટે વર્તણુકમાં પરિવર્તન અને તે જ સૌથી મોટું કામ હોય છે, તેના પર સતત ભાર આપવામાં આવી રહ્યો છે. તેના પર રોકાણ કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, જ્યારે અમે આ અભિયાન શરુ ર્ક્યું હતું તો ત્યારે એ પણ સવાલ ઊભો થયો હતો કે તેના માટે ઘણા બધા પૈસા ખર્ચ કરવા પડશે. પરંતુ પૈસા કરતા વધુ ભારત સરકારે આ સામાજિક બદલાવને પ્રાથમિકતા આપી, તેના મહત્વને જોર આપ્યું અને જો મનમાં પરિસ્થિતિ પલટાય છે તો વાસ્તવિકતામાં પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી રહેતી, લોકો પોતાની જાતે જ કરવાનું શરુ કરી દેતા હોય છે.
આજે જ્યારે હું સાંભળું છું, જોઉં છું કે સ્વચ્છ ભારત અભિયાને ભારતના લોકોનો મિજાજ બદલી નાખ્યો છે. કેવી રીતે ભારતના ગામડાઓમાં બીમારીઓ ઓછી થઇ છે. ઈલાજ પર થનારો ખર્ચો ઘટ્યો છે. અને જ્યારે આવા સમાચારો મળે છે ત્યારે કેટલો સંતોષ થાય છે.
સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ જુદા-જુદા સંગઠનોએ પણ અભ્યાસ કર્યો છે અને આ અભિયાનના નવા-નવા પાસાઓને દુનિયાની સામે અભ્યાસના માધ્યમથી પ્રગટ કર્યા છે.
ભાઈઓ અને બહેનો, કરોડો ભારતવાસીઓએ આ આંદોલનને આશા અને પરિવર્તનનું પ્રતીક બનાવી દીધું છે. સ્વચ્છ ભારત અભિયાન આજે દુનિયાનું સૌથી મોટી દૂરગામી અસર સાબિત થઇ રહી છે.
સાથીઓ, આજે મને એ વાતનો પણ ગર્વ છે કે સ્વચ્છ ભારત મિશનના કારણે ભારત સ્વચ્છતા પ્રત્યે, પોતાના જુના આગ્રહ પ્રત્યે ફરીથી એક વાર જાગૃત થયું છે. સ્વચ્છતાના આ સંસ્કાર આપણી જૂની પરંપરા, સંસ્કૃતિ અને વિચારમાં સમાવિષ્ટ છે, વિકૃતિઓ પછીથી આવી હતી. મનુષ્યની જીવન જીવવાની સાચી પદ્ધતિનું વર્ણન કરતી વખતે અષ્ટાંગ યોગના વિષયમાં જણાવતા સમયે મહર્ષિ પતંજલિએ કહ્યું હતું-
શૌચ સંતોષ તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણીધાન નિ નિયમઃ
અર્થાત સમૃદ્ધ જીવન જીવવા માટેના જે પાંચ નિયમો છે – વ્યક્તિગત સાફસફાઈ, સંતોષ, તપસ્યા, સ્વધ્યયન અને ઈશ્વર ચેતના. તેમાંથી પણ, આ પાંચમાંથી પણ સૌથી પહેલો નિયમ સ્વચ્છતા – એની પતંજલિએ પણ વકીલાત કરી હતી. ઈશ્વરની ચેતના અને તપસ્યા પણ સ્વચ્છતા પછી જ શક્ય છે. સાફ સફાઈનો આ સદગુણ ભારતના જીવનનો હિસ્સો રહ્યો છે.
હમણા જ્યારે હું આ હોલમાં આવી રહ્યો હતો તો આદરણીય મહાનુભવ એન્ટોનિયો ગુટેરેજ઼ની સાથે મને એક પ્રદર્શન જોવાનો અવસર મળ્યો હતો. તેમાં દેખાડવામાં આવ્યું હતું કે કઈ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિમાં શૌચાલયની, ગટર વ્યવસ્થાની કેટલી સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાથીઓ, આદરણીય મહાનુભવ એન્ટોનિયો ગુટેરેજ઼જીની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્ર સંતુલિત વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તે અંતર્ગત 2030 સુધીમાં દુનિયામાં સ્વચ્છતા, ખુલ્લામાં શૌચથી મુક્તિ, સ્વચ્છ ઊર્જા જેવા સત્તર લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે. તેમને પ્રાપ્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
મહાસચિવ મહોદય, હું આજે તમને આશ્વસ્ત કરી રહ્યો છું કે ભારતની તેમાં અગ્રિમ ભૂમિકા રહેશે, અમે અમારી વસ્તુઓને સમય કરતા પહેલા પૂરી કરીશું. સમૃદ્ધ દર્શન, પુરાતન પ્રેરણા, આધુનિક તકનીક અને પ્રભાવી કાર્યક્રમોના માધ્યમથી જન ભાગીદારીના સહારે આજે ભારત સંતુલિત વિકાસ ઉદ્દેશ્યોના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
અમારી સરકાર સ્વચ્છતાની સાથે-સાથે પોષણ પર પણ સમાન રૂપે ભાર મૂકી રહી છે. ભારતમાં હવે કુપોષણની વિરુદ્ધ પણ જન આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે. વસુધૈવ કુટુંબકમ્ એટલે કે સમગ્ર દુનિયાને એક પરિવાર માનીને અમે જે કાર્યો કરી રહ્યા છીએ તે કાર્ય અમારું સમર્પણ, આજે દુનિયાની સામે છે, માનવ જાતિની સામે છે.
સાથીઓ, હું વાત માટે તમને અભિનંદન આપવા માંગુ છું કે ચાર દિવસના આ સંમેલન પછી આપણે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે વિશ્વને સ્વચ્છ બનાવવા માટે ચાર ‘પી’ જરૂરી છે, અને આ ચાર ‘પી’નો અમારો મંત્ર છે – પોલીટીકલ લીડરશીપ (રાજકીય નેતૃત્વ), પબ્લિક ફંડિંગ (જાહેર ભંડોળ), પાર્ટનરશીપ (ભાગીદારી) અને પીપલ્સ પાર્ટિસિપેશન (જન ભાગીદારી). દિલ્હી ડેકલેરેશનના માધ્યમથી તમે લોકોએ સર્વવ્યાપી સ્વચ્છતામાં આ ચાર મહત્વપૂર્ણ મંત્રોને માન્યતા આપી છે. તેના માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આ પ્રસંગે હું સ્વચ્છ ભારત મિશનને આગળ વધારનારા લોકોને, કરોડો-કરોડો સ્વચ્છાગ્રહીઓને, મીડિયાના મારા સાથીઓને; અને હું મીડિયાનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે સ્વચ્છતાના અભિયાને મીડિયાના સંબંધમાં જે સામાન્ય ખ્યાલ છે તેને બદલી નાખ્યો છે. મારો દેશ ગર્વની સાથે કહી શકે છે કે મારા દેશના મીડિયાના દરેક નાના-મોટા માપદંડે – પછી ભલે તે પ્રિન્ટ મીડિયા કે ઈલેક્ટ્રોનિક મીડિયા, તેમણે સ્વચ્છતા માટે કામ કરનારા લોકોની ચર્ચા સતત કરી છે, સારી વસ્તુઓની ચર્ચા કરી છે, તેનો વ્યાપક પ્રચાર પ્રસાર કર્યો છે અને આ સમાચારો વડે એક રીતે પ્રેરણાનું વાતાવરણ પણ બન્યું છે અને એટલા માટે હું મીડિયાનો પણ અને તેના સક્રિય યોગદાનનો આગ્રહપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આપ સૌની સહભાગિતા વડે, ભાગીદારી વડે, આમ તો આ કામ અઘરું લાગતું હતું પરંતુ આ અઘરૂં લાગનાર કામના લક્ષ્યને સાધવા તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે. હજુ આપણું કામ બાકી છે. આપણે આ સંતોષ માનવા માટે એકઠા નથી થયા. આપણે એકઠા થયા છીએ, હજુ જે બાકી છે તેને વધુ ઝડપથી કરવા માટેની પ્રેરણા મેળવવા માટે.
આપણે આગળ વધવાનું છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના 150માં જન્મ દિવસ પર સ્વચ્છ અને સ્વસ્થ ભારતની ભવ્ય કાવ્ય કાર્યાંજલિ અર્પણ કરવાની છે. મને આશા છે, પૂરો વિશ્વાસ છે કે આપણે ભારતના લોકો આ સપનાને પૂરું કરીને જ રહીશું, આ સંકલ્પને સિદ્ધ કરીને રહીશું અને તેની માટે જે પણ જરૂરી પરિશ્રમ કરવો પડશે, જે પણ જવાબદારીઓ ઉઠાવવી પડશે, કોઈ ભારતવાસી પાછળ નહીં રહી જાય.
આપ સૌ આ મહત્વપૂર્ણ અવસર પર અહિં આવ્યા, ભારતને તમારો સત્કાર કરવાનો અવસર આપ્યો, તેની માટે હું આપ સૌનો, તમામ અતિથીઓનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.
આજે અહિં ભારત સરકારના પોસ્ટલ વિભાગ તરફથી આ મહત્વપૂર્ણ અવસર પર પૂજ્ય બાપુના સ્ટેમ્પ, તેને પણ લોકાર્પિત કરવાનો અવસર મળ્યો. હું ભારતના ટપાલ વિભાગની સક્રિયતા અને પોસ્ટલ સ્ટેમ્પ પોતાનામાં જ એક સંદેશ પ્રચારક હોય છે. તે ઈતિહાસની સાથે પણ જોડે છે, સમાજના બદલાતા પ્રભાવોની સાથે પણ જોડે છે.
આજે એક મહત્વપૂર્ણ અવસર હું જોઈ રહ્યો હતો- વૈષ્ણવ જન તો તેને રે કહીએ – પૂજ્ય બાપુ વિશ્વ માનવ હતા. અને તેમના માટે કહેવાતું હતું કે સદીઓ પછી જ્યારે કોઈ જોશે કે આવો પણ કોઈ માણસ થઈ ગયો હતો, તો કદાચ તે કહેશે – ના-ના આ તો કલ્પના જ હશે, આવો પણ કોઈ માણસ હોઈ શકે છે ખરો? એવા મહાપુરુષ હતા, પૂજ્ય બાપુ. અને તેમની જે પ્રેરણા હતી – વૈષ્ણવ જન તો તેને રે કહીએ – મનમાં એક નાનકડો વિચાર આવ્યો હતો કે દુનિયાના 150 દેશોમાં, કોઈ 150 વર્ષ છે, ત્યાંના જે જાણીતા ખ્યાતનામ ગીતકાર, સંગીતકાર, ગાયક, વાદક, જે પણ લોકો છે, તેઓ સાથે મળીને – વૈષ્ણવ જન – તે જ રૂપમાં ફરી એકવાર પ્રસ્તુત કરે.
મે તો એમ જ સુષ્માજીને કહ્યું હતું પરંતુ સુષ્માજીએ અને તેમની આખી ટીમે જે લગન સાથે દુનિયાના બધા જ મીશનમાં બેઠેલા આપણા સાથીઓએ જે રીતે તેને મહત્વ આપ્યું, અને જે પ્રકારની ગુણવત્તા, આ જે વિદેશના લોકોએ આ શબ્દોને ગાયા હશે, હું માનું છું કદાચ તેમણે અનેક દિવસો સુધી પ્રેક્ટિસ કરી હશે. એટલે કે એક પ્રકારે તેઓ ગાંધી વિચારોમાં ડૂબ્યાં હશે.
અમારી પાસે એક કેસેટ આવી છે પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું, તે દેશોના આ કલા જગતના લોકો ગાંધીમાં ડૂબી ચુક્યા હશે. તેમના મન માં પ્રશ્ન ઉઠતો હશે કે શું વાત છે, કોણ મહાપુરુષ છે, તેમણે અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો હશે. વૈષ્ણવ જન ભજનનું વૈશ્વિક રૂપ પહેલીવાર દુનિયાની સામે આવી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે આ જે પ્રયાસ થયો તે દોઢસો વર્ષને નિમિત્ત, આ સ્વર, આ દ્રશ્ય, આ દુનિયાના દરેક દેશોની ઓળખ અને હું સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહોદયજીને કહી રહ્યો હતો કે તમારા માદરે વતન, તમારા હોમ કન્ટ્રીના વાંસળી વાદક પણ તેમાં આજે વાંસળી વગાડી રહ્યા હતા.
તે દુનિયાના દેશના લોકો પોતાના કલાકારોને જોશે, સાંભળશે, એક ઉત્સુકતા ઉત્પન્ન થશે, તેને સમજવાની કોશિષ થશે. આપણને ભારતીયોને તો ખબર જ નથી કે વૈષ્ણવ ભજન કઈ ભાષામાં છે. આપણી અંદર એવી રીતે ઉતરી ગયું છે કે તેની મૂળ ભાષા કોઈને ખબર સુદ્ધા નથી, આપણે બસ ગાતા જઈએ છીએ. કોઈ પણ ભાષામાં ઉછર્યા મોટા થયા હોઈશું, હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ગાનારા મળી જાય છે. તે જ રીતે આ વિશ્વભરમાં માનવ જાતિની અંદર તે જરૂરથી જગ્યા બનાવી લેશે, એવો મારો વિશ્વાસ છે. હું ફરી એકવાર સુષ્માજીની ટીમને પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.
આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં અમને જે પરિણામો મળ્યા છે, આ પરિણામ વધારવાની પ્રેરણા આપે છે. અમે ક્યારેય એવો દાવો નથી કર્યો કે અમે બધું જ કરી લીધું છે. પરંતુ અમારો વિશ્વાસ ઉત્પન્ન થયો છે કે જે વસ્તુથી અમે ડરતા હતા, હાથ નહોતા લગાવતા, દૂર ભાગતા હતા, તે ગંદકીને હાથ લગાવીને અમે સ્વચ્છતાનું સર્જન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને વધુ સફળતા મેળવી શકીએ છીએ. જન સામાન્યને ગંદકી પસંદ નથી હોતી. જન સામાન્ય સ્વચ્છતાની સાથે જોડાવા માટે તૈયાર છે, તે વિશ્વાસને બળ મળ્યું છે.
અને આ કામના અંતે ઉમા ભારતીજી, તેમનો વિભાગ, તેમની આખી ટીમ, દેશભરના નાગરિકોએ, જુદા-જુદા સંગઠનોએ આ જે કામ કર્યું છે, આજે તેઓ અભિનંદનને પાત્ર છે, અભિનંદનના અધિકારી છે. હું ઉમાજીને, રમેશજીને અને તેમની આખી ટીમને, જે સમર્પણ ભાવથી કામ થઇ રહ્યું છે, કોઈ કલ્પના નથી કરી શકતું, બહાર બેસીને સરકારી કચેરીઓમાં બાબુઓની છબી જે પણ હોય. આ કામમાં હું કહી શકું છું કે ત્યાં આગળ કોઈ બાબુગીરી નથી, માત્ર અને માત્ર ગાંધીગીરી, સ્વચ્છતાગીરી જોવા મળે છે.
આટલું મોટું કામ એક ટીમના રૂપમાં કરવામાં આવ્યું છે. નાના મોટા દરેક કર્મચારીએ, અધિકારીએ આને પોતાનો કાર્યક્રમ બનાવી લીધો છે. આ ખૂબ ભાગ્યે જ જોવા મળે છે અને હું તેને ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલ હોવાના કારણે હું ઝીણવટતાથી જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે કેટલી મહેનત લોકો કરી રહ્યા છે, કેટલો પ્રયાસ કરી રહ્યા છે, જી જાનથી લાગેલા છે ત્યારે દેશમાં આ બદલાવ આપણને જોવા મળી રહ્યો છે.
આજે મારા માટે એક સંકલ્પનો પણ અવસર છે, સંતોષનો અવસર છે. જ્યારે મારા દેશવાસીઓએ પૂજ્ય બાપુને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિની સાથે કાર્યાંજલિના રૂપમાં સ્વચ્છતાની સફળતાને આગળ વધારી છે. હું ફરી એકવાર સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું.
મહાસચિવજી પોતે સમય કાઢીને પૂજ્ય બાપુની જન્મજયંતી પર આપણી વચ્ચે આવ્યા અને સંયુક્ત રાષ્ટ્રના જે લક્ષ્યાંકો છે તે લક્ષ્યાંકોને આપણે ભારતમાં કેવી રીતે આગળ વધારી રહ્યા છીએ અને વિશ્વના આટલા મિત્રો જ્યારે આ કામમાં જોડાયેલા છે તો તેમાં તેઓએ સ્વયં આવીને તેની શોભા વધારી છે, તેના માટે હું તેમનો પણ આજે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!