હું કહીશ મહાત્મા ગાંધી,
આપ સૌ બોલશો, અમર રહો અમર રહો
મહાત્મા ગાંધી, અમર રહો અમર રહો
મહાત્મા ગાંધી, અમર રહો અમર રહો
મહાત્મા ગાંધી, અમર રહો અમર રહો.
ચંપારણકી પાવન પવિત્ર ધરતી પર દેશકે કોના-કોના સે આઇલ સ્વચ્છાગ્રહી ભાઈ-બહિન આહીવા, આજે સભી સ્નેહી, આજ સન્માનિત લોગ કે હમ પ્રણામ કરત બની. રઉવા સભી જાનત રહલ બાની કિ ચંપારણ કે એહી પાવન ધરતી સે બાપુ સત્યાગ્રહ આંદોલન કે શરૂઆત કેલી. અંગ્રેજન કા ગુલામી સે મુક્તિ ખાતિર એગો મજબુત અહિંસક હથિયાર સત્યાગ્રહ કા રૂપમેં હમની કે મિલેલ. સત્યાગ્રહ સૌઉ બરસ બીતલા, કા બાદો કારગર બા, આ કાઉના સમય મેં કારગર રહી ? સત્યાગ્રહ સે સ્વચ્છાગ્રહ આજ કે સમય કે માંગ વા.
ચંપારણ સત્યાગ્રહ કે સમય ચંપારણ કે બડહવા લખનસેન સે મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન કે શરૂઆત કઈલેં.
આજ હમ સત્યાગ્રહ સે સ્વછાગ્રહ કે મધ્યમ સે બાપુ કે સ્વચ્છતા અભિયાન કે આગે બઢાવત. રઉઆ સમન કે સોઝા બાની.
મંચ પર બિરાજમાન બિહારના રાજ્યપાલ, શ્રીમાન સતપાલ મલિકજી, અહીના જનપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન નીતીશ કુમારજી, મંત્રી પરિષદના મારા સહયોગી રવિશંકર પ્રસાદજી, રામવિલાસ પાસવાનજી, સુશ્રી ઉમા ભારતીજી, રાધામોહન સિંહજી, ગીરીરાજ સિંહજી, શ્રીરામ કૃપાલ યાદવજી, શ્રી એસ. એસ. અહલુવાલિયાજી, શ્રી અશ્વની કુમાર ચૌબેજી, બિહારના ઉપમુખ્યમંત્રી શ્રીમાન સુશીલ કુમાર મોદીજી, રાજ્ય મંત્રીમંડળમાંથી શ્રી શ્રવણ કુમારજી, શ્રી વિનોદ નારાયણ ઝાજી, શ્રી પ્રમોદ કુમારજી અને અહિયાં ઉપસ્થિત હજારો સત્યાગ્રહીઓ તેમજ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા સૌ સાથી, દેવીઓ અને સજ્જનો.
જે લોકો કહે છે કે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન નથી કરતો, તેઓ અહિયાં આવીને જોઈ શકે છે કે કઈ રીતે સો વર્ષ પહેલાનો ઈતિહાસ આજે ફરી સાક્ષાત આપણી સામે ઉપસ્થિત છે. એક રીતે મારી સામે તે સ્વચ્છાગ્રહીઓ બેઠા છે, જેમની અંદર મહાત્મા ગાંધીના વિચારનો, ગાંધીના આચારનો, ગાંધીના આદર્શનો અંશ જીવિત છે.
હું આવા તમામ સ્વચ્છાગ્રહીઓની અંદર બિરાજમાન મહાત્મા ગાંધીનાં અંશને, તે અંશને શત્ શત્ પ્રણામ કરૂ છું. ચંપારણની આ પવિત્ર ભૂમિ પર જન આંદોલનની આવી જ તસવીર સો વર્ષ પહેલા દુનિયાએ જોઈ હતી અને આજે ફરી એકવાર દુનિયા આ જ દ્રશ્યને જોઈને પૂજ્ય બાપુનું પુણ્ય સ્મરણ ફરી એક વાર કરી રહી છે.
સો વર્ષ અગાઉ પૂર્વ ચંપારણમાં દેશભરમાંથી લોકો આવ્યા હતા. ગાંધીજીના નેતૃત્વમાં ગલી-ગલીએ જઈને કામ કર્યું હતું. સો વર્ષ પછી આજે એ જ ભાવના પર ચાલીને દેશના જુદા-જુદા ભાગોમાંથી આવેલા લોકોએ, અહીના ઉત્સાહી નવયુવાનો સ્વચ્છાગ્રહીઓની સાથે ખભે-ખભો મિલાવીને દિવસ રાત કામ કર્યું છે. આજે આ વિશાળ સમૂહમાં કોઈ કસ્તુરબા છે, કોઈ રાજકુમાર શુક્લ છે, કોઈ ગોરખ પ્રસાદ છે, કોઈ શેખ ગુલાબ છે, લોમરાજ સિંહ છે, હરિવંશરાય છે, શીતલરાય છે, બિન મુહમ્મદ મુનીસ છે, કોઈ ડોક્ટર રાજેન્દ્ર બાબૂ છે, કોઈ ધરતીધર બાબૂ છે, કોઈ રામનવમી બાબૂ છે, જે પી કૃપલાનીજી છે.
સો વર્ષ અગાઉ જે રીતે સત્યાગ્રહે આવા મહાન વ્યક્તિઓના જીવનને નવી દિશા આપી હતી, એ જ રીતે આજનો આ સ્વચ્છાગ્રહ તમારા જેવા દેશના કરોડો લાખો લોકોના જીવનને નવી દિશા આપી રહ્યો છે. ચાલો ચંપારણ, આ નારાની સાથે હજારો સ્વચ્છાગ્રહીઓ દેશના ખૂણે-ખૂણેથી આવીને આજે અહિયાં ઉપર એકત્રિત થયા છે. તમારા આ ઉત્સાહ, આ ઉમંગ, આ ઉર્જાને, રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આ આતુરતાને, બિહારના લોકોની અભિલાષાને હું પ્રણામ કરૂ છું, નમન કરૂ છું.
મંચ પર આવતા પહેલા મેં સ્વચ્છતા પર એક પ્રદર્શન પણ જોયું. આ પ્રદર્શનમાં નવી ટેકનોલોજી, નવા ઉદ્યમો વિષે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. હું ચંપારણ સત્યાગ્રહના સો વર્ષ પુરા થવા બદલ આ જે કાર્યક્રમો થઇ રહ્યા હતા, તેમના સમાપનનો પણ આ સમય છે. પરંતુ સમાપનથી વધુ આ શરૂઆત છે સ્વચ્છતા પ્રત્યે આપણા આગ્રહને હજુ વધારે આગળ વધારવાની.
ભાઈઓ અને બહેનો, છેલ્લા સો વર્ષમાં ભારતની ત્રણ ખૂબ મોટી કસોટીઓનો સમયે આ જ બિહાર છે કે જેણે દેશને રસ્તો બતાવ્યો છે. જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો તો બિહારે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવી દીધા, બાપુ બનાવી દીધા.
સ્વતંત્રતા પછી જ્યારે કરોડો ખેડૂતોની સામે ભૂમિહીનતાનું સંકટ આવ્યું, તો વિનોબાજીએ ભૂદાન આંદોલન શરૂ કર્યું હતું અને ત્રીજી વાર જ્યારે દેશના લોકતંત્ર પર સંકટ આવ્યું તો આ જ ધરતીના નાયક બાબૂ જયપ્રકાશજી ઉભા થયા અને લોકતંત્રને બચાવી લીધું હતું.
મને ખૂબ ગર્વ છે કે સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ સુધીની આ યાત્રામાં બિહારના લોકોએ એક વાર ફરી પોતાની નેતૃત્વ ક્ષમતાને પ્રસ્થાપિત કરી છે, બતાવી છે. મને જાણ છે કે કેટલાક લોકો સવાલ કરી શકે છે કે સ્વચ્છતાની બાબતમાં બિહારની સ્થિતિને જોયા પછી પણ આ મોદીજી આવી વાત કેમ કરી રહ્યા છે, તેની પાછળ એક કારણ છે. નીતીશજી અને સુશીલ મોદીજીના નેતૃત્વમાં બિહારે જે કાર્ય વીતેલા દિવસોમાં કરી બતાવ્યું છે તેણે દરેકનો જુસ્સો બુલંદ કરી દીધો છે.
સાથીઓ, દેશમાં બિહાર જ એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં સ્વચ્છતાનો વ્યાપ 50 ટકાથી ઓછો હતો. પરંતુ મને આજે અમારા સચિવ શ્રીમાન પરમેશ્વરજીએ કહ્યું કે, એક અઠવાડિયાના સ્વછાગ્રહ અભિયાન બાદ બિહાર દ્વારા આ વ્યાપ વધ્યો છે. ગયા એક અઠવાડિયામાં બિહારમાં 8 લાખ 50 હજારથી વધુ શૌચાલય બનાવવાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ગતિ અને પ્રગતિ ઓછી નથી. આ આંકડા સાબિત કરે છે કે બિહાર ખૂબ ઝડપથી સ્વચ્છતાની સીમા રેખા વધારીને રાષ્ટ્રીય સરેરાશની બરાબરી કરવામાં સફળ થઇ જશે.
હું બિહારના લોકોને, પ્રત્યેક સ્વચ્છ્ગ્રહીને અને રાજ્ય સરકારને આ ભગીરથ પ્રયાસને માટે, આ પહેલ માટે, આ નેતૃત્વ માટે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
થોડા સમય પહેલા મને કેટલાક સ્વચ્છાગ્રહી સાથીઓને સન્માનિત કરવાનો અવસર પણ મળ્યો છે. હું તેમના પ્રયાસોની પ્રશંસા કરૂ છું, તેમને શુભકામનાઓ આપું છું. અને એ પણ જોયું છે કે આ કાર્યમાં આગળ પડતું જેમણે કામ કર્યું છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. સ્વચ્છતાનું મહત્વ શું છે તે આપણી માતાઓ-બહેનો સારી રીતે જાણે છે અને આજે મને જે એક વ્યક્તિનું સન્માન કરવાનો અવસર નથી મળ્યો, પરંતુ મારૂ મન થાય છે કે હું આજે પ્રશાસનિક મર્યાદાઓને તોડીને તે વાતનો ઉલ્લેખ કરવા માંગીશ.
સરકારમાં કામ કરનારા અધિકારીઓ માટે અનામિકતા હોય છે, તેમનું ન તો નામ, તેમના કામની કોઈ ઓળખ નથી હોતી. તેઓ ક્યારેય પડદાની સામે નથી આવતા હોતા, પરંતુ કેટલીક વાતો એવી હોય છે જે કહેવાનું મન થાય છે.
આજે ભારત સરકારમાં અમારા સચિવ શ્રીમાન પરમેશ્વરજી અય્યર, તેઓ અહિં છે ? નીચે બેઠા હશે તે, તેઓ આ કામને જોઈ રહ્યા છે. તેઓ આઈએએસ અધિકારી, આઈએએસની નોકરી છોડીને અમેરિકા જતા રહ્યા હતા. અમેરિકામાં સુખ ચેનની જિંદગી વિતાવી રહ્યા હતા. અમારી સરકાર બન્યા પછી અમે આહ્વાન કર્યું, ઘણા લોકોનું આહ્વાન કર્યું અને મને ખુશી છે કે અમેરિકાની તે શાનદાર જિંદગીને છોડીને તેઓ ભારત પાછા આવી ગયા. તેઓ આઈએએસ અધિકારી રહી ચુક્યા છે વર્ષો સુધી, નોકરી છોડીને જતા રહ્યા હતા. હમણાં ટીવી પર તમે જોયું, તેમને બતાવી રહ્યા હતા. ફરીથી એકવાર દેખાડો, હા આ જ તેઓ છે. તેઓ અમેરિકાથી થી પાછા આવ્યા, મેં ફરીથી તેમને સરકારમાં લીધા અને આ કામ સોંપ્યું.
પોતે સ્વયં જગ્યાએ જગ્યાએ જઈને શૌચાલયની સફાઈ કરે છે અને આજે પરમેશ્વરજી જેવા મારા સાથી હોય, દેશના ખૂણે-ખૂણેથી આવેલા હજારો સ્વચ્છાગ્રહીઓ હોય તો મારો વિશ્વાસ દ્રઢ થઇ જાય છે કે બાપુની 150મી જયંતી ઉજવીશું ત્યાં સુધીમાં બાપુના સપનાને પૂર્ણ કરીને જ રહીશું.
જુના જમાનામાં કહેવાતું હતું કે ભગવાનને હજારો હાથ હોય છે, એવું આપણે લોકો સાંભળતા હતા. હજાર હાથવાળો હોય છે ભગવાન, એવું હજુ પણ વાંચીએ છીએ સાંભળીએ છીએ. હવે પ્રધાનમંત્રી તો હજાર હાથવાળો આપણે ક્યારેય સાંભળ્યો નથી. પરંતુ હું ખૂબ જ નમ્રતાપૂર્વક કહી શકું છું કે જે હજારો સ્વચ્છાગ્રહીઓ મારી સામે બેઠા છે, દેશનો પ્રધાનમંત્રી પણ હજારો હાથવાળો બની ગયો છે.
તમારી પ્રતિબદ્ધતા, તમારો પુરૂષાર્થ, તમારૂ સમર્થન; પોતાનું ગામ છોડીને બિહારની ગલીઓમાં આવીને સ્વચ્છતાની માટે કામ કરનારા અને પોતાના વિસ્તારમાં પણ સ્વચ્છતાને માટે સમર્પિત આ સ્વચ્છાગ્રહી પૂજ્ય બાપુનું સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહનું આ જે આંદોલન છે, તેને એક નવી ગતિ, નવી ઉર્જા, નવી ચેતના આપી રહ્યા છે અને એટલા માટે હું ફરી એકવાર આપ સૌને અભિનંદન આપી રહ્યો છું.
સાથીઓ, સ્વચ્છતાનું અભિયાન હોય, કાળા નાણા અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈ હોય કે પછી સામાન્ય લોકો સાથે જોડાયેલ સુવિધાઓનો વિકાસ હોય, કેન્દ્ર સરકાર નીતીશજી અને તેમની ટીમની સાથે ખભે-ખભો મિલાવીને ચાલી રહી છે. બિહારના વિકાસ માટે રાજ્યના લોકોના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ અને રણનીતિઓ એકબીજાની પૂરક છે.
અહિયાં આ મંચ પરથી મને બિહારના વિકાસ સાથે જોડાયેલી 6600 કરોડથી વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ કે લોકાપર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પાણી હોય, રેલવે હોય, રસ્તાઓ હોય, પેટ્રોલિયમ હોય, એવી અનેક પરિયોજનાઓ બિહાર અને ખાસ કરીને ચંપારણને માટે મહત્વની સાબિત થવાની છે. એક રીતે જોઈએ તો આ પરિયોજનાઓ ક્યાંક ને કયાંક સ્વચ્છતા અને પર્યાવરણની રક્ષા સાથે પણ જોડાયેલી છે.
ભાઈઓ અને બહેનો, આજે જે જે યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં મોતીહારી તળાવના જીર્ણોદ્ધારના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આપણું મોતીહારી શહેર જે તળાવના નામ પરથી ઓળખાય છે, જે ચંપારણના ઈતિહાસનો ભાગ છે, તેના પુનઃનિર્માણનું કાર્ય આજથી શરૂ થઇ રહ્યું છે. ગાંધીજી જ્યારે સત્યાગ્રહ માટે અહિયાં ચંપારણ આવ્યા હતા, ત્યારે તેમણે આ તળાવ વિષે કહ્યું હતું કે સાંજના સમયે મોતીઝીલને જોવી એ આનંદ આપે છે. આ શહેર આ તળાવના લીધે જ સુંદર છે. પરંતુ જે મોતીઝીલ ગાંધીજીએ જોઈ હતી તેની સુંદરતા સમયની સાથે જરા ફીકી પડી રહી છે.
મને એ વાતની જાણ છે કે અહીના શાણા નાગરિકોએ આ તળાવને બચાવવા માટે પોતાનું તમામ શક્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. તમારા જેવા લોકોના પ્રયત્નોની સાથે જોડાઈને માત્ર આ તળાવનો જીર્ણોદ્ધાર જ નહીં કરવામાં આવે પરંતુ પર્યટકોને માટે ‘લેઇક ફન’ જેવી સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવશે.
ભાઈઓ બહેનો, સ્વચ્છતાનો સંબંધ પાણી સાથે પણ છે. બેતિયાને પાણી માટે, સાફ પાણી માટે ઝૂઝવું ના પડે, તેના માટે અમૃત યોજના અંતર્ગત લગભગ સો કરોડ રૂપિયાના ખર્ચે વોટર સપ્લાય યોજનાનો શિલાન્યાસ કર્યો છે, તેનો સીધો લાભ દોઢ લાખથી વધુ લોકોને મળવાનો છે.
સ્વચ્છતા સાથે જોડાયેલો અમારો એક વધુ આગ્રહ જીવનદાયિની માં ગંગાને નિર્મળ બનાવવા સરકાર ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી ગંગાને સાફ અને સ્વચ્છ કરવાના સંકલ્પની સાથે કાર્ય કરી રહી છે. બિહાર આ અભિયાનનો મહત્વનો ભાગ છે. ઘર કે ફેક્ટરીના ગંદા પાણીને ગંગામાં જતું રોકવા માટે બિહારમાં હવે 3000 કરોડથી વધુની 11 પરિયોજનાને મંજુરી આપી દેવામાં આવી છે. આ રકમથી 1100 કિલોમીટર લાંબી સિવિલ લાઈન પાથરવાની યોજના છે. તેમાંથી ચાર પરિયોજનાઓનો શિલાન્યાસ આજે થયો છે.
ગયા વર્ષે જ્યારે હું મુકામા આવ્યો હતો ત્યારે ત્રણ ચાર પ્રકલ્પોનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો, તેના પર પણ ઝડપી ગતિએથી કામ આગળ વધી રહ્યું છે. ખૂબ જલ્દી બાકીની પરિયોજનાઓ ઉપર પણ કામ શરૂ કરી દેવામાં આવશે. ગંગા તટના કિનારે આવેલા ગામડાઓને પ્રાથમિકતાથી ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, જે પાંચ રાજ્યોમાંથી ગંગાજી વહે છે, ત્યાં આગળ ગંગા કિનારે અનેક ગામડાઓ આ અભિયાનને સફળ બનાવી ચુક્યા છે. ગંગા કિનારે વસેલા ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપનની યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે, જેથી કરીને કચરો પણ નદીમાં ન વહાવવામાં આવે. મને આશા છે કે ખૂબ જલ્દી ગંગા તટ સંપૂર્ણ રીતે ખુલ્લામાં શૌચથી મુક્ત બની જશે.
થોડા દિવસો પહેલા બનારસમાં કચરા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હું ગંગાતટના શહેરોના નાગરિકોને કહીશ કે, તમે પણ કચરા મહોત્સવ ઉજવો અને કચરામાંથી કંચન કઈ રીતે બની શકે છે, વેસ્ટમાંથી વેલ્થ કઈ રીતે બની શકે છે, તેના પર લોકોને શિક્ષિત કરો અને તમે જોતા રહી જશો કે કેટલું મોટું કામ કચરા વડે પણ થઇ શકે છે.
ભાઈઓ બહેનો
સ્વચ્છ બળતણ પણ સ્વચ્છતાના આગ્રહનો એક ભાગ છે. સરકાર ઉજ્જવલા યોજનાના માધ્યમથી દરેક ગરીબ માતા બહેનોને ઝેરીલા ધુમાડાથી મુક્તિના અભિયાનમાં લાગેલી છે. અત્યાર સુધીમાં દેશમાં સાડા ત્રણ કરોડથી વધુ પરિવારોને ગેસના મફત જોડાણ આપી દેવામાં આવ્યા છે. બિહારની પણ લગભગ 50 લાખ મહિલાઓને 50 લાખ પરિવારોને તેનો લાભ મળ્યો છે. પરંતુ સાથીઓ સ્વચ્છ બળતણનાં મહત્વ અને ઉજ્જવલા યોજનાની સફળતાના કારણે સિલિન્ડરની માંગ પણ વધી રહી છે. ચંપારણ અને આસપાસના લોકોને ગેસના સિલિન્ડરની તકલીફ ન થાય તેની માટે મોતીહાર અને સગોલીમાં એલપીજી પ્લાન્ટ લગાવવાના પ્રકલ્પનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમના તૈયાર થયા બાદ એક દિવસમાં લગભગ 90 હજાર સિલિન્ડર ભરી શકાશે.
આ સિવાય મોતીહારીમાં પેટ્રોલિયમ ઓઈલ લ્યુબ ટર્મિનલનું પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તે તૈયાર થવાથી માત્ર ચંપારણ અને આસપાસના જીલ્લાઓની પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત જ પૂરી નહીં થાય પરંતુ નેપાળ સુધી પુરવઠો સુચારૂ રીતે ચલાવવામાં મદદ મળશે.
ભાઈઓ અને બહેનો,
આજની આ પરીયોજનાઓ કેન્દ્ર સરકારના તે દ્રષ્ટિકોણનો વિસ્તાર છે, જેમાં પૂર્વીય ભારતને દેશના વિકાસનો ગ્રોથ એન્જિન માનવામાં આવે છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડીશાથી લઈને પૂર્વોત્તરના રાજ્યો સુધીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે જે રીતે અમારી સરકાર કામ કરી રહી છે તેવું પહેલા ક્યારેય નથી કરવામાં આવ્યું.
નીતીશજી પણ તેના સાક્ષી છે કે કઈ રીતે બિહાર સહીત પૂર્વીય ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી રહી છે. નવી પરિયોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમારી સરકાર આ ક્ષેત્રોમાં જોડાણ સુધારવા ઉપર પણ ઘણું મહત્વ આપી રહી છે.
21મી સદીમાં જરૂરીયાતોને જોતા આ વિસ્તારોમાં ધોરીમાર્ગ, રેલવે, જળ માર્ગ, આઈ વે, આ બધાનો વિકાસ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. આજે લગભગ 900 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઔરંગાબાદથી ચૌરદાહનો જે વિસ્તાર હાલ ચાર લેનનો છે તેને છ લેનનો બનાવવાનું કામ આજથી શરૂ થઇ રહ્યું છે. આ પરિયોજના બિહાર અને ઝારખંડ, બંને રાજ્યોના લોકોને ફાયદો પહોંચાડશે.
એ જ રીતે ચંપારણ માટે બે રેલ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો. મુઝફ્ફરપુર અને સગોલી તથા સગોલી વાલ્મીકીનગર વિસ્તારને બમણો કરવામાં આવશે, તેનાથી માત્ર ચંપારણના લોકોને જ લાભ નહીં થાય પરંતુ યુપીથી લઈને નેપાળ સુધીના લોકોની મુસાફરી અને વેપાર વધુ સરળ બની જશે.
સાથીઓ, ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષના અવસર પર મને એક નવી ટ્રેનનો શુભારંભ કરવાનો આજે અવસર મળ્યો છે. આ ટ્રેન કટિહારથી જૂની દિલ્હી સુધી ચાલતી રહેશે. સરકારે આનું નામ ખાસ કરીને ચંપારણ હમસફર એક્સપ્રેસ રાખ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન દિલ્હી આવવા જવા માટે તમારા માટે ખૂબ મદદગાર સાબિત થશે.
ભાઈઓ અને બહેનો,
આજે માધેપુરામાં ઇલેક્ટ્રિક લોકોમોટીવ ફેક્ટરીના પ્રથમ તબક્કાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ફેક્ટરી બે કારણોથી મહત્વની છે, એક તો તે મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે બીજું તે આ ક્ષેત્રમાં રોજગારનું પણ મોટું માધ્યમ બની રહી છે. તે ભારતીય રેલવે ફ્રોસની એક કંપની સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ફેક્ટરીમાં શક્તિશાળી એન્જીન તૈયાર થશે. આ આધુનિક ફેક્ટરીમાં બનેલા 12000 હોર્સ પાવરવાળા સૌપ્રથમ એન્જીનને લીલી ઝંડી બતાવવાનું સૌભાગ્ય હમણાં મને મળ્યું છે.
સાથીઓ, દુનિયામાં ઘણા ઓછા એવા દેશો છે જ્યાં માલ વહન માટે આટલા શક્તિશાળી એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જીનો વડે ભારતની માલગાડીઓની સરેરાશ ઝડપ બમણા કરતા પણ વધુ વધી જશે.
અન્ય એક કારણ છે જેના કારણે હું તમને આ પ્રોજેક્ટ વિષે થોડું વધારે વિસ્તારપૂર્વક જણાવવા માંગું છું. ભાઈઓ અને બહેનો, આ પ્રોજેક્ટને 2007માં મંજુરી આપી દેવામાં આવી હતી, મંજુરી પછી આઠ વર્ષ સુધી તેની ફાઈલોને પાવર ના મળી શક્યો, ફાઈલો સડતી રહી. ત્રણ વર્ષ અગાઉ એનડીએ સરકારે આ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરાવ્યું અને હવે પ્રથમ તબક્કો પૂરો પણ કરી દેવામાં આવ્યો છે.
આયુષ્માન ભારત – આપણા દેશના ગરીબોને સ્વચ્છતા પછી મહતવપૂર્ણ કામ છે સ્વાસ્થ્યનું. ગરીબમાં ગરીબ પરિવારને, પરિવારમાં કોઈ બીમાર પડી જાય તો પાંચ લાખ રૂપિયા સુધી એક વર્ષમાં બીમારીનો ખર્ચો સરકાર અને વીમાની વ્યવસ્થા વડે તે પરિવારને મળશે. હવે પરિવારને પૈસાના અભાવમાં ઉપચારમાં હવે કોઈ અડચણ નહી આવે. આ આયુષ્માન ભારત, એક નવી યોજના ભારત સરકાર લાગુ કરવા જઈ રહી છે.
મારી સરકારની કામ કરવાની એક પદ્ધતિ છે. હવે અટકાવવાનું લટકાવવાનું અને ભટકાવવાનું કામ નથી થતું, હવે ફાઈલોને દબાવવાની સંસ્કૃતિ ખત્મ કરી દેવામાં આવી છે. સરકાર પોતાના દરેક અભિયાન, દરેક સંકલ્પને જનતાના સહયોગ વડે પૂર્ણ કરી રહી છે. પરંતુ આનાથી તકલીફ એવા લોકોને થવા લાગી છે જેઓ આ પરિવર્તનને સ્વીકાર નથી કરી શકતા. તેઓ ગરીબને સશક્ત થતો નથી જોઈ શકતા. તેમને લાગે છે કે ગરીબ જો મજબુત થઇ ગયો તો જુઠ્ઠું નહી બોલી શકીએ, તેને બહેકાવી નહી શકીએ. એટલા માટે અંતે રસ્તાથી લઈને સંસદ સુધી સરકારના કામને રોકવાનો પ્રયાસો થઇ રહ્યા છે.
સાથીઓ, આમ તો તમારી સામે એક એવી સરકાર છે જે જન-મનને જોડવા માટે કામ કરી રહી છે. ત્યાં જ કેટલાક વિરોધીઓ જન-જનને તોડવા માટે કામ કરી રહ્યા છે.
સાથીઓ આજે આ અવસર પર હું નીતીશજીના ધૈર્ય અને તેમના કુશળ વહીવટીતંત્રની પણ ખાસ પ્રશંસા કરવા માંગું છું. તેઓ જે રીતે બિહારની ભ્રષ્ટ અને અસામાજિક તાકાતો સામે લડી રહ્યા છે તે સહેલું નથી. ભ્રષ્ટાચારની વિરૂદ્ધ તેમના સ્વચ્છતા અભિયાનને, સામાજિક બદલાવ માટે કરવામાં આવી રહેલા તેમના પ્રયત્નોને કેન્દ્ર સરકારનું પૂરે પૂરૂ સમર્થન છે.
સૌનો સાથ સૌનો વિકાસ, આ મંત્ર પર ચાલી રહેલી એનડીએ સરકાર સંકલ્પબદ્ધ થઈને, સમયબદ્ધ બનીને કાર્ય કરી રહી છે. પહેલાની સરકારોએ ભલે સમયની પાબંદીનું મહત્વ ન સમજ્યું હોય પરંતુ ગાંધીજી હંમેશા સત્યાગ્રહ અને સ્વચ્છાગ્રહની સાથે જ સમય પર કામ પૂર્ણ કરવાના પણ આગ્રહી હતા. ગાંધીજીની પાસે હંમેશા એક પોકેટ ઘડિયાળ રહેતી હતી. તેઓ કહેતા પણ હતા કે “જ્યારે તમે ચોખાનો એક દાણો અથવા કાગળનો એક ટુકડો બરબાદ નથી કરી શકતા તો સમયની એક મિનીટ પણ બરબાદ ન કરવી જોઈએ.” આ સમય આપણો નથી, આ સમય રાષ્ટ્રનો છે અને રાષ્ટ્રના કામમાં આવવો જોઈએ.
ગાંધીજીની આ ભાવનાને જીવી રહેલા સવા સો કરોડ દેશવાસીઓ મિશન મોડમાં કામ કરી રહ્યા છે. આ તેમનો સ્વચ્છાગ્રહ જ છે કે 2014માં સ્વચ્છતાનો જે વ્યાપ 40 ટકા કરતા ઓછો હતો તે હવે વધીને 80 ટકાથી પણ વધુ થઇ ગયો છે. એટલે કે સ્વતંત્રતા પછી 67 વર્ષોમાં જેટલી સ્વચ્છતા હતી તેના કરતા બમણાથી વધુ આ સરકાર દરમિયાન પ્રાપ્ત થઇ છે.
સાથીઓ, પાછલા સાડા ત્રણ વર્ષોમાં દેશમાં 350 (સાડા ત્રણસો)થી વધુ જીલ્લાઓ અને સાડા ત્રણ લાખથી પણ વધુ ગામડાઓ પોતાને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરી ચુક્યા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દેશમાં લગભગ સાત કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે લોકોની ઈચ્છા શક્તિ જ છે કે 4 એપ્રિલ એટલે કે પાછલા એક અઠવાડિયામાં જે દરમિયાન સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહનું સપ્તાહ ઉજવવામાં આવ્યું; બિહાર, યુપી, ઓડીશા અને જમ્મુ કાશ્મીરમાં લગભગ 26 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તે ચાર રાજ્યો છે જેમણે નક્કી કરી લીધું છે કે તેઓ પણ સ્વચ્છતાની સીમા રેખા ખૂબ ઝડપથી વધારશે.
સાથીઓ, સ્વચ્છ ભારત અભિયાને દેશની કરોડો-કરોડ મહિલાઓની જિંદગી જે રીતે બદલી છે તેનાથી તમે લોકો સારી રીતે પરિચિત છો. એક શૌચાલયના નિર્માણથી મહિલાઓનું સન્માન, સુરક્ષા અને સ્વાસ્થ્ય ત્રણેય મળી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે હવે તો બિહારમાં પણ શૌચાલયોને ઈજ્જતઘર તરીકે લોકો બોલાવી રહ્યા છે. શૌચાલયોના નિર્માણ વડે એક મોટું સામાજિક અસંતુલન પણ ખત્મ થયું છે. તે આર્થિક, સામાજિક, સશક્તિકરણનું પણ કારક બની રહ્યું છે.
ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રના એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે જે ઘરોમાં શૌચાલય હોય છે ત્યાં અગલ તે પરિવારના આખા વર્ષમાં આશરે 50 હજાર રૂપિયા બચે છે. નહિતર આ જ પૈસા બીમારીઓના ઈલાજ, દવાખાને આવવા જવા, ઓફીસમાંથી રજા લેવામાં ખર્ચ થઇ જતા હોય છે.
અન્ય એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે ગામડાઓ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થઇ રહ્યા છે, ત્યાના બાળકોને ઝાડા ઓછા થાય છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ પણ સારી રીતે થઇ રહ્યો છે કારણ કે હવે બાળકો ઓછા બીમાર પડી રહ્યા છે. શાળાઓમાંથી ઓછી રજા લઇ રહ્યા છે. એટલા માટે જે ગામડાઓ પોતાને શૌચથી મુક્ત જાહેર કરે છે તેમની અંદર શાળાના પરિણામોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
સાથીઓ, સ્વચ્છ ભારત અભિયાન જે રીતે જન આંદોલન બનીને દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચ્યું છે, તે દુનિયાના મોટા-મોટા વિશ્વ વિદ્યાલયોને માટે એક કેસ સ્ટડી છે. મને લાગે છે કે 21મી સદીમાં અત્યાર સુધી માનવ સ્વભાવમાં પરિવર્તન કરવારૂ આવું જન આંદોલન કોઈ અન્ય દેશમાં અત્યાર સુધી નહીં થયું હોય. નિશ્ચિત રૂપે ભારત બદલાઈ રહ્યું છે. વ્યવહાર, આદતોમાં બદલાવ આવી રહ્યો છે.
પરંતુ અહિયાં ગાંધી મેદાનમાં ઉપસ્થિત પ્રત્યેક સ્વચ્છાગ્રહીને દેશના નાના-નાના બાળકોથી માંડીને મોટા-મોટા વડીલો સુધી, હવે સાચા પડકારનો સામનો કરવાનો છે. આ પડકાર છે રસ્તાથી લઈને રેલવે સ્ટેશન સુધી, બસ સ્ટેશન, ઘરની સામે, દુકાનની સામે, શાળાની સામે, કોલેજની સામે, બજારમાં, ગલી, ખુમચા, મહોલ્લામાં, સ્વચ્છતા પ્રત્યેનાં આગ્રહને બનાવી રાખવાનો છે. જ્યાં સુધી દેશનો પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્તર પર સ્વચ્છતા માટે પ્રયાસ નહી કરે, ત્યાં સુધી સ્વચ્છ ભારત અભિયાન પૂરૂ નહીં થઇ શકે. જ્યાં સુધી સ્વચ્છતા દેશના પ્રત્યેક વ્યક્તિના જીવનનો ભાગ નહી બને, ત્યાં સુધી સ્વચ્છ ભારત અભિયાન પૂરૂ નહી થઇ શકે. એટલા માટે આપણો સ્વચ્છાગ્રહ જેટલો મજબુત હશે તેટલું જ 2019માં આપણે સ્વચ્છ ભારતના અભિયાનને પૂરૂ કરી શકીશું. આગામી વર્ષે 2 ઓક્ટોબરના રોજ એટલી જ ભાવભીની શ્રદ્ધાંજલિ આપણે પૂજ્ય બાપુને આપી શકીશું.
સાથીઓ, ગાંધીજીએ અહિયાં ચંપારણમાં ખેડૂત, શ્રમિક, શિક્ષક, વકીલ, ડૉક્ટર, એન્જીનિયર, દરેકને એક જ પંક્તિમાં લાવીને ઉભા કરી દીધા હતા. ત્યારે જઈને સત્યાગ્રહ સફળ બન્યો હતો. સ્વચ્છાગ્રહી હોવાના નાતે આપણી ભૂમિકા પણ તેવી જ હોવી જોઈએ. સ્વચ્છતા નો આ સંદેશ સમાજના દરેક વ્યક્તિ, દરેક તબક્કા સુધી પહોંચે તેવો આપણો સતત પ્રયાસ રહેવો જોઈએ.
અને એટલા માટે અહિયાં ઉપસ્થિત દરેક સ્વચ્છાગ્રહીને મારો આગ્રહ છે કે તમને લોકોને જે ચાવી આપવામાં આવી છે તેમાં લખેલી વાતોનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરો. જેટલા તમે લોકોને જાગૃત કરશો તેટલું જ સ્વચ્છ ભારત અભિયાન સફળ બનશે. સરકાર એ પણ પ્રયત્ન કરી રહી છે કે દેશના દરેક ગામમાં ઓછામાં ઓછા એક સ્વચ્છતા ચેમ્પિયન જરૂરથી હોય. સાડા છ લાખથી વધુ સ્વચ્છતા ચેમ્પિયન દેશના ખૂણે-ખૂણામાં સ્વચ્છતાને લોકોની દિનચર્યાનો ભાગ બનાવી રહ્યા છે. તેમના જીવનનો ભાગ બનાવવાના અભિયાન પર કામ કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં ગરીબોને ઘર આપવાનું કામ ખૂબ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. બિહારે પણ જે ગતિએ શૌચાલયનું કામ ઉપાડ્યું છે, ગરીબ પરિવારોને મકાન આપવાનું કામ પણ એટલી જ ઝડપથી ઉપડશે તેવો મારો વિશ્વાસ છે.
આપણે સૌ એક બીજો પ્રયાસ પણ કરી શકીએ છીએ કે આજથી લઈને આવતા વર્ષે 2 ઓક્ટોબર સુધીમાં દેશમાં જે પણ તિથી આવે, કોઈની પણ જન્મ જયંતી, કોઈની પણ પુણ્ય તિથી, કોઈ તહેવાર, તો તેમાં આપણે સ્વચ્છ ભારત પ્રત્યે લોકોને ખાસ કરીને પ્રેરિત કરીએ. જેમ કે આવતી કાલે એટલે કે 11 એપ્રિલે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલેની જયંતી છે. 14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જયંતી છે. આવા ખાસ દિવસોમાં લોકોને તે મહાન વ્યક્તિ વિષે જણાવવાની સાથે-સાથે સ્વચ્છતા પ્રત્યે આગ્રહ પણ કરી શકાય છે.
આમ તો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે કેન્દ્ર સરકાર 14 એપ્રિલથી ગ્રામ સ્વરાજ અભિયાન પણ શરૂ કરવા જઈ રહી છે. આ જ અભિયાન અંતર્ગત 18 એપ્રિલના રોજ અમારા બધા જ સાંસદો હોય, વિધાયકો હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, પંચાયતમાં હોય, નગરપાલિકામાં હોય, મહાનગરપાલિકામાં હોય; પોતપોતાના ક્ષેત્રમાં સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ કોઈ ને કોઈ કાર્ય સાથે જોડાવું જોઈએ. ઘરે-ઘરે જઈને લોકોને સમજાવે, તેમને પ્રાર્થના કરે, તેમની આસપાસના ક્ષેત્રોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પ્રયાસ કરે.
ભાઈઓ અને બહેનો,
રાષ્ટ્ર નિર્માણમાં તમારૂ આ યોગદાન દેશની આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. દરેક સત્યાગ્રહી સ્વસ્થ, સ્વચ્છ અને સમૃદ્ધ નિર્માણ માટે કાર્ય કરી રહ્યો છે. જ્યારે ચંપારણ સત્યાગ્રહ થઇ રહ્યો હતો ત્યારે તેમાં ભાગ લેવા માટે આપણે લોકો નહોતા, આપણો જન્મ પણ નહોતો થયો. આપણામાંથી કોઈ પણ નહોતું. પરંતુ ચંપારણ સ્વચ્છાગ્રહને સફળ બનાવવા માટે આપણે દિવસ-રાત એક કરી શકીએ છીએ.
મને ખબર છે કે આ કાર્યમાં અસીમ ધૈર્યની જરૂર પડે છે. મને એ પણ ખબર છે કે આપ સૌ સ્વચ્છાગ્રહીઓમાં દેશમાં બદલાવ લાવવાની એટલી તડપ છે કે સતત તમે તમારા પ્રયાસોમાં લાગેલા રહો છો. ચંપારણ સ્વચ્છાગ્રહ આજના યુવાનોના સપનાઓનું એક રાષ્ટ્રગીત બની ગયું છે, જે તેમનામાં પડકારોને સમજવા, તેમને પાર કરવાનું, સંઘર્ષ કરવાનું અને વિજય પ્રાપ્ત થવા સુધી ન રોકાવા માટેનું બળ ભરી આપે છે. આ જન આંદોલન ભારતના ભવિષ્યનું માર્ગદર્શક પણ છે.
મને પૂરો વિશ્વાસ છે કે સ્વચ્છતા પ્રત્યે આપણો આગ્રહ એક સ્વચ્છ, સુંદર, સમૃદ્ધ ભારતનો નવો અધ્યાય લખશે. અહિયાં આ ભવ્ય કાર્યક્રમમાં આવનારા તમામ સ્વચ્છાગ્રહીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સાથે-સાથે જ હું એ પણ કહેવા માંગીશ, 2022- ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. 2018ની 2 ઓક્ટોબરથી 2019ની 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવી રહ્યા છીએ. દેશની અંદર એક નવું ભારત, ન્યુ ઇન્ડિયાનું સપનું પૂરૂ કરવા માટે આપણે આપણા સમાજની અંદર જે ખામીઓ છે, જે બદીઓ છે, જે દેશને ખોતરી રહી છે, દેશને દુર્બળ બનાવી રહી છે, તેને ખતમ કરવાની છે. ગંદકીથી મુક્ત ભારત બનાવવાનું છે. ભ્રષ્ટાચારથી મુક્ત ભારત બનાવવાનું છે, જાતીવાદી, ઊંચ-નીચ, સ્પૃશ્ય – અસ્પૃશ્ય આ ભાવનાઓથી દેશને મુક્ત કરવાનો છે, સાંપ્રદાયિક તણાવોથી, સાંપ્રદાયિકતાવાદથી આ દેશને મુક્ત કરવાનો છે. દરેક દેશવાસી, સવા સો કરોડનો દેશ, એક પરિવાર છે, સાથે મળીને ચાલવાનું છે. સાથે મળીને સપના પુરા કરવાના છે.
આ સંકલ્પને લઈને ચાલીશું ત્યારે આઝાદીના દિવાનાઓને 2022માં આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું. 2018-19માં ગાંધીના 150 પુરા થશે ત્યારે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું. આ જ ભાવના સાથે આટલા મોટા દેશ માટે કામ કરનારા નવયુવાનોને આદરપૂર્વક વંદન કરીને અભિનંદન આપીને હું ફરી એકવાર આપ સૌને આગ્રહ કરૂ છું, દેશવાસીઓને આગ્રહ કરૂ છું; આવો મહાત્મા ગાંધીએ આપણી માટે ઘણું બધું કર્યું છે, ગાંધીનું એક સપનું સ્વચ્છ ભારતનું પૂરૂ કરવા માટે આપણે પણ પ્રયાસ કરીએ. આ કામ સરકારી કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો નથી. આ કાર્યક્રમ મુખ્યમંત્રીનો નથી, અને ન તો તે રાજ્ય અને કેન્દ્ર સરકારનો છે. તે સવા સો કરોડ દેશવાસીઓનો કાર્યક્રમ છે, તે દેશના ગરીબોનો કાર્યક્રમ છે, તે દેશના સામાજિક ન્યાયનો કાર્યક્રમ છે, માં બહેનોને ઈજ્જત આપવા માટેનો કાર્યક્રમ છે અને એટલા માટે પૂરી તાકાત સાથે આ કાર્યક્રમમાં આપણે જોડાઈએ. આ જ એક ભાવના સાથે હું ફરી એકવાર તે સૌ સ્વચ્છાતાગ્રહીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, વધામણી આપું છું અને આપ સૌનો આદરપૂર્વક આભાર માનું છું.
મારી સાથે ફરી એકવાર બોલો-
હું કહીશ મહાત્મા ગાંધી, તમે બે વાર કહેશો- અમર રહે અમર રહે.
મહાત્મા ગાંધી- અમર રહે અમર રહે.
પૂરી તાકાત લગાવીને બોલો-
મહાત્મા ગાંધી- અમર રહે અમર રહે.
મહાત્મા ગાંધી- અમર રહે અમર રહે.
ખૂબ-ખૂબ આભાર!